સપના તો દોડે પરદેશ | કવિ ગુલામ અબ્બાસ ‘નાશાદ’ ~ આસ્વાદ: હિતેન આનંદપરા


દીકરો પરદેશ જો દોડી ગયો,
એક સ્મરણ પાછળ સખ્ત છોડી ગયો.

ભાલને ચમકાવવાના લોભમાં,
ઘર તરફ જાતી નજર મોડી ગયો.

લાગણીની દોર તોડી નાખી, ને
તાર દૂરસંચારના જોડી ગયો.

રાતભર ખટકો રહે છે આંખમાં,
એક તણખલું કેવું ખોડી ગયો.

માહવે માખણને ક્યાં સંતાડશે,
કાનજી ઘરને તરછોડી ગયો.

હસતે મુખ ‘નાશાદ’ કીધું આવજે,
બાકી એક એક શ્વાસ ઝંઝોડી ગયો.

ગુલામ અબ્બાસ ‘નાશાદ’

      વિકાસ સાથે વિષાદ સંકળાયેલો છે. સંતાન જિંદગીમાં આગળ વધે, ખૂબ કમાય, ચાર માણસમાં એનું નામ થાય એવી ખેવના દરેક માબાપને હોય. સાથેસાથે એ નજર સામે રહે એની છાની કે છતી અપેક્ષા પણ હોય.

     સંતાનથી વિખૂટા પડવું એટલું સહેલું નથી. નવી પેઢી પરદેશમાં સ્થાયી થાય એની કોઈ નવીનવાઈ નથી. એ તો વરસોથી ચાલતું આવ્યું છે. આજે અમેરિકામાં લાખો ભારતીયો સ્થાયી થયા છે જેઓ ત્રણ-ચાર દશક પહેલાં ભારત છોડીને ગયા હતા.

    પ્રશ્ન પરદેશમાં સ્થાયી થાય એનો નથી. એનો તો આનંદ જ હોય, પણ એ પ્રગતિ ઘરવાળા સાથે છેડો ફાડીને પ્રાપ્ત થતી હોય, એમાં સ્વાર્થ ભળેલો હોય તો એ કણાની માફક ચૂભ્યા કરે. પોતાના દીકરાને લાલનપાલનથી ઉછેરતા માબાપ અનેક સપના જોતા હોય છે. એ સપનાને શ્વાસમાં ભરી દીકરો પરદેશ જાય છે કે સ્વાર્થમાં લપેટી જાય છે એ જોવું રહ્યું.

     એક વાર ગયા પછી જલદી પાછા અવાતું નથી એ હકીકત છે. અરે આપણે જે શહેરમાં સ્થાયી થયા હોઈએ ત્યાંથી આપણા ગામે જવું હોય તોય ઘણી વાર મેળ નથી પડતો, તો પરદેશથી પાછા આવવાના માર્ગમાં તો અનેક પ્રશ્નો ઊભા હોય. નોકરીમાંથી રજા મળવી, ઘર ઊભું કરવું, બજેટ સાચવવું વગેરે પ્રશ્નો પૃથ્વી પર સાર્વત્રિક છે.

      દીકરો પરદેશ ગયો છે કે ભાગી ગયો છે એના પર સંવેદનનો ખેલો રચાતો રહે. રોટી મેળવવાની લ્હાયમાં કોટિ કોટિ વંદન પણ ઓછા પડે એવા માતૃત્વને ત્યજીને નીકળતી મહત્વાકાંક્ષા ગમે એટલી વિસ્તરે, તોય એમાં કશુંક ખૂટવાનું.  

      આજે પ્રત્યાયનના સુપર ફાસ્ટ જમાનામાં આંગળીને ટેરવે સંપર્ક અને મેસેજ રમતા હોય છે. મોબાઈલ સ્ક્રીન પર અમેરિકામાં રહેતા દીકરાનો ચહેરો તરત ઉપસી આવે. ખરેખર આ ઉપકારક ક્રાંતિ છે. બાકી કાગળ-પત્રના જમાનામાં તો પ્રતીક્ષાની સો સો મણની પરીક્ષા લેવાતી.  સવાલ એ છે કે દૂરસંચારના સાધનો ઉપલબ્ધ ભલે હોય, પણ લાગણીનો તંતુ અકબંધ રહેવો જોઈએ. એમાં જ જો સંચાર ન હોય તો સંસાર ખારો લાગે.

      પોતાની મનમાની કરવા માબાપની માનહાનિ કરીને પરદેશ ગયેલો દીકરો ડૉલર્સની માયાજાળમાં લપેટાતો જાય. ધીરે ધીરે નવા સંબંધો ઉમેરાય અને જૂના છૂટતા જાય. કર્તવ્ય પ્રત્યે આંખમિચામણા થાય. પૈસા મોકલીને જવાબદારી નિભાવવાનો સંતોષ કેળવાતો જાય. માબાપને મોકલાતું મની ઓર્ડર ગમે એટલું મોટું હોય, એમાં પ્રેમ ભળેલો ન હોય તો ખાલી એક રુટિન ટ્રાન્સેક્શન બનીને રહી જાય.

      માની આંખો તો હંમેશાં દીકરાનો ચહેરો જોવા તરસતી રહેવાની. એક તરફ મમતા એનું કવચ છે, તો બીજી તરફ વિરહ એની મર્યાદા છે. સ્કૂલમાંથી દીકરાને આવતા અડધો કલાક પણ લેટ થઈ જાય તો અડધી અડધી થઈ જતી મા, વરસો સુધી પરદેશ રહેતા દીકરાનું મોઢું જોવા ન પામે ત્યારે શું થાય?

       પરદેશના અંતર પણ મોટા અને વિરહ પણ મોટો. પ્રગતિ માટે બધું કરવું પડે નહિતર જિંદગીભર હતા ત્યાં ને ત્યાં જ રહી જાઓ એ દલીલ સાચી છે. તો સામે માની મમતા શું ખોટી છે? વચ્ચેનો રસ્તો જેને મળી જાય એ ગંગા નાહ્યા.

***

2 thoughts on “સપના તો દોડે પરદેશ | કવિ ગુલામ અબ્બાસ ‘નાશાદ’ ~ આસ્વાદ: હિતેન આનંદપરા

  1. સપના તો દોડે પરદેશ | કવિ ગુલામ અબ્બાસ ‘નાશાદ’ ની રચનાનો
    હિતેન આનંદપરા દ્વારા સ રસ ~ આસ્વાદ:

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s