બે દૃષ્યો (દીપક ધોળકિયા)


(“આ આકાશવાણી છે. સમાચાર દીપક ધોળકિયા વાંચી સંભળાવે છે.” મારી પેઢીના લોકોને આ શબ્દો નવા નહીં લાગે. આકાશવાણીના ભૂતપુર્વ ગુજરાતી ન્યુઝ રીડર શ્રી દીપક ધોળકિયા એક સક્ષમ વિચારક છે. અનેક વિષય ઉપર એમણે વિચાર પ્રેરક લેખ લખ્યા છે. મારી સાથેના મિત્રપ્રેમને કબૂલ રાખી, આંગણાંના મહેમાનો માટે આ લેખ મોકલ્યો છે.)

કેટલાંક દૃશ્યોનાં કજોડાંએ એક નવી કથા ઊભી કરી દીધી અને મગજમાં એક અર્થહીન વિચાર વંટોળ ઊમટ્યો જેની સાથે મને પોતાને સીધી કશી જ લેવાદેવા નથી. આમ છતાં એ દૃશ્યો મગજને કીડાની જેમ કોરતાં રહ્યાં.
આમ તો કંઈ જ નથી. મૈસૂરની પાસે કાવેરી, હેમાવતી અને લોકપાવની નદીઓનો સંગમ છે. આ ત્રિવેણી સંગમ અલ્હાબાદના ત્રિવેણી સંગમ જેવો જાજરમાન નથી. લોકોમાં એની ચર્ચા પણ નથી. સંગમને નામે ભીડ પણ એકઠી નથી થતી. ટૂંકમાં બધું ‘રાબેતા મુજબ’ ચાલે છે. અહીં કાવેરી અને હેમાવતી પહેલેથી જ સાથે મળીને આવે છે અને ત્રીજી લોકપાવની એને મળે છે. ત્રણેય નદીઓ અહીં તો તદ્દન શાંત અને નાના વહેળા જેવી છે. ખાસ પહોળી, અહોભાવ જગાવે એવી પણ નથી. માહૌલ એવો કે કોઈ નાની ઘટના જ કદાચ અહીં બની શકે અને આ બસ, નાની ઘટના જ છે.
આ ઘાટ ખરેખર તો અસ્થિવિસર્જનનો ઘાટ છે. એક જગ્યાએ પૂજા ચાલે છે. એક પુરુષે મુંડન કરાવેલું છે. દક્ષિણ ભારતીય શૈલીમાં ધોતી વીંટેલી છે, ઉપર શરીર ખુલ્લું છે. પુરોહિત પિંડોની પૂજા કરાવે છે, એક છોકરી પણ છે. સ્લેક્સ કહેવાય કે શું, એવું પહેરેલું છે. અને ટૉપ. હાથ જોડીને ઊભી છે. બે જ વ્યક્તિ. ત્રીજો પુરોહિત. ત્રણેય નદીનાં પાણીમાં ડૂબેલા પગથિયા પર છે અને ચોથો હું…એક દર્શક. એમનાથી વીસેક ફૂટ દૂર અને ઊંચે.
પૂજા પૂરી થઈ હતી. પિંડ રાખ્યા હતા તે ભીની થઈ ગયેલી પતરાવળી એમણે બન્નેએ પુરોહિતની મદદથી સંભાળીને ઉપાડી અને પગથિયાં ચડીને બન્ને ઉપર ગયાં. એક ઝાડ નીચે પિંડ રાખ્યા. કદાચ ગૌમાતા આવીને ખાઈ જશે. મનમાં થયું કે આમ કેમ? માત્ર બે જ જણ? કોનું મૃત્યુ થયું હશે? કુટુંબમાં બીજું કોઈ નહીં હોય? મૃતક પુરુષ હતો કે સ્ત્રી? એ જો આ પુરુષની પત્ની હોય તો શું આ છોકરીની એ માતા હોવી જોઈએ? મૃતક સ્ત્રી જ હોય તો એની ઉંમર પણ પચાસથી વધારે ન જ હોવી જોઈએ, કારણ કે પુરુષની ઉંમર પણ લગભગ એવી જ લાગતી હતી. મૃત્યુ જેવી ઘટનાના અંતિમ સાથી માત્ર બે જ જણ? એક આંચકો લાગ્યો. સંબંધોનાં વિવિધ રૂપો સામે આવી ગયાં. પરંતુ આ ઘડીએ પિતાપુત્રી એકલાં હોય એમાં મને એવું લાગ્યું કે એમાત્ર એકલાં નથી, એકલવાયાં પણ છે.
હું વિચારોને બીજે વાળવા પ્રયત્ન કરતો રહ્યો છું પણ આંખ સામેથી અર્ધા ખુલ્લા શરીરવાળા પુરુષની અને એની સાથેની સ્લેક્સ અને ટૉપ પહેરેલી છોકરી હટવાનું નામ નથી લેતાં.
કંઈક એવો જ ખાલીપો બાળકોને મઝા આવે એવા રેલવે મ્યૂઝિયમમાં સવારે અનુભવ્યો હતો. બન્ને બાળકો હીંચકા પાસે ગયાં ત્યારે બે-ત્રણમાંથી એક હીંચકો એકલો એકલો આમતેમ ઝૂલતો હતો. ઝુલતો જ રહ્યો. કોણ બેઠું હશે અને કોણ ઊઠી ગયું હશે, ખબર નહીં. મેં મશ્કરીમાં કહ્યું કે આ હીંચકા પર ભૂત ઝૂલે છે. પછી ખરેખર જ મારા મનમાં વિચિત્ર ભાવ જાગ્યા. જાણે ભરપૂર જીવન મૂકીને કોઈ અચાનક નેપથ્યમાં સરકી ગયું હોય. બસ, એ જ સાંજે કાવેરી-હેમાવતી-લોકપાવનીના સંગમ પર જાણે મને જવાબ મળ્યો કે હીંચકો ઝૂલતો મૂકીને જનારનો પતિ અને પુત્રી આ જ છે. જનારનો હીંચકો તો ઝૂલ્યા જ કરે છે! કેટલા દિવસ થયા હશે? બાર દિવસ તો ખરા જ?
બન્ને દૃશ્યો વચ્ચે કશો જ સંબંધ નથી. એ દૃશ્યો વચ્ચે ચાર કલાકનો સમયગાળો છે અને ત્રણેક કિલોમીટરનું અંતર છે. કદાચ ઝૂલતો હીંચકો મનમાંથી ખસ્યો નહીં હોય? એવું નથી કે કદી મૃત્યુ જોયાં નથી કે કદી શ્મશાને જવાનું બન્યું નથી. ઉલટું ગણતાં થાકી જવાય એટલી વાર બન્યું છે. ઘણાંય મૃત્યુ ઓચિંતાં જ થયાં છે. પણ “શું થયું” એ પૂછી શકાયું છે, અથવા એ પૂછ્યા વગર જ ખબર હોય છે. શોક વ્યક્ત કરી શકાયો છે. નિગમબોધ ઘાટ જેવાં શ્મશાને પહોંચો તો કેટલીયે ચિતાઓ ભડકે બળતી હોય અને તમે “એ માત્ર આગ છે” એવા ભાવ સાથે કોઈ એવી ચિતા શોધતા હો કે જ્યાં તમારા ઓળખીતા ચહેરા દેખાય – ત્યારે ખરેખર તો મનમાં આનંદ થાય કે ચાલો સાચી જગ્યાએ પહોંચી ગયા!
પણ આવું મૃત્યુ? જેને દિલાસો આપવાનો હોય તેમના સિવાય કોઈ જ ન હોય? બહુ ઓછાં મૃત્યુ છે કે જે મને અંદર સુધી અડકી શક્યાં છે. મૃતકના શરીરનું તો કંઈ કામ ન હોય એટલે નિકાલ કરવાનો જ હોય. એ મને હંમેશાં સ્વાભાવિક લાગ્યું છે. એમાં લાગણીઓ જોડવાથી પર રહ્યો છું.
જીવનમાં બનેલી કેટલીયે ઘટનાઓના સંબંધ આપણે જોડીએ છીએ. કેટલીયે ઇચ્છેલી, પણ ન બનેલી, ઘટનાઓનો વિચાર કર્યો છે. એમ પણ વિચાર્યું છે કે અમુક ઘટના ન બની તે બની હોત તો? આમ છતાં દરેક ઘટનાનો અંત આવે છે. આપણે પણ કદાચ એક ઘટનાથી વધારે કંઈ નથી. આપણે દરેક ઘટના સાથે આપણી જાતને જોડી દઈએ છીએ.
બસ, એવું જ કંઈક થયું. બે આકસ્મિક ઘટનાઓ સાથે મેં મારી જાતને જોડી દીધી. આ લખવાની ત્રીજી ઘટના સર્જીને કદાચ એની પકડમાંથી છૂટી શકું. કદાચ લખવાનું પણ બંધ કરું. તો પણ શું ‘મારી બારી’નો આ હીંચકો ઝૂલતો જ રહેશે? કિચૂડ…કિચૂડ…કિચૂડ…

* * * * *

11 thoughts on “બે દૃષ્યો (દીપક ધોળકિયા)

  1. બહુ જ સરસ ચિંતન.
    ઘટનાઓ તો ઘટતી જ રહેતી હોય છે. આપણે એને અર્થ આપતા હોઈએ છીએ. એક વિચાર મુજબ ..

    Everything is just nothing. We make it something and …
    Aall the trouble starts !

    Like

  2. દીપક્ભાઈએ તો દિપકના અજવાળાથી એવી જગ્યાઓ અને જનો સુધી લઈ જઈને મને તો મુગ્ધ કરી દીધો! આ ટીપ્પણી લખ્યા વગર આ આંગણુ છોડી જવાનું મન ન થયું! આભાર સાથે આ ચિત્ર દોરવા માટે અભિનંદન!

    Like

  3. દીપકભાઈએ દિલ નીચોવીને આ લખ્યું છે. ગીતાંજલિની યાદ આવી ગઈ. કમ્પ્યુ. ઉપર બેસવાની મનાઈ છે. જાતને રોકી શક્યો નથી. માત્ર મેઈલ ચેક કરવા માટેની સિપેહસેલરોની ઇજાજત છે. ડિસે. સુધી કદાચ આ ઉપવાસ ચાલે ખરો. ફરાળી લઈ શકાય છે. ધન્યવાદ.

    Like

  4. આમ છતાં દરેક ઘટનાનો અંત આવે છે. આપણે પણ કદાચ એક ઘટનાથી વધારે કંઈ નથી. આપણે દરેક ઘટના સાથે આપણી જાતને જોડી દઈએ છીએ.

    Like

  5. મા શ્રી દીપકજી-. પોતાની વિવેક શક્તિને વિકૃતિઓથી મુક્ત કરીને મનુષ્ય જો પ્રત્યક્ષ સંસારને એક ઊંડી અનુભૂતિથી જુએ.
    ત્યારે અંતરમાં અજવાળાં પાથરવાની ક્ષમતા ધરાવે એવું- આવું સબળ ચિંતન પ્રગાટ થાય
    ધન્યવાદ

    Like

પ્રતિભાવ