એમ.એ. પછી
આખરે ગુજરાતી વિષય સાથે મેં મારું એમ.એ. પૂરું કર્યું. મારો પહેલો નંબર આવેલો. મને હરગોવિંદદાસ કાંટાવાળા સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવશે એમ કહેવામાં આવેલું. પણ, એ સમય જરા જુદા પ્રકારનો હતો. મેઘાણીની ભાષામાં કહીએ તો ત્યારે ઘટમાં ઘોડા થનગનતા હતા. યૌવન પાંખ વીંઝી રહ્યું હતું. રાતદિવસ વાંચવા વિચારવા સિવાય બીજું કશું કરવાનું ગમતું ન હતું. નોકરી પર જતો ત્યારે પણ ખભા પરના બગલથેલામાં એકાદબે પુસ્તકો હોય. રાતની નોકરી કરતી વખતે હું એક બાજુ પુસ્તક રાખતો ને બીજી બાજુ બુક કરવામાં આવેલા ટૅલિફોનની સ્લીપો. ગ્રાહકોના કૉલ લગાડ્યે જતો ને વાંચતો જતો. બે કૉલ વચ્ચે પાંચેક મિનિટ મળે તો તરત જ મારી આંખ પુસ્તક પર જતી. લખવાનું તો મેં ક્યારનું બંધ કરી દીધું હતું. મેં નક્કી કરેલું કે પહેલાં અભ્યાસ કરવો. દેશવિદેશનું સાહિત્ય સમજવું. જગતને જોવાની કોઈ દૃષ્ટિ કેળવવી પછી લખવું.
એ દિવસોમાં એક બાજુ સુરેશ જોષી હતા તો બીજી બાજુ બીજા પ્રોફેસરો પણ. મેં અગાઉ હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય’નો ઉલ્લેખ કર્યો છે. એ જ રીતે સુભાષ દવેનો પણ. એમણે દયારામ પર સરસ સંશોધન કામ કર્યું છે. એમને મારા માટે પુષ્કળ માન. હું ઘણી વાર એમના ત્યાં જતો. એ જ રીતે શિરીષ પંચાલ પણ. હું હવે ધીમે ધીમે પ્રોફેસરોનું રાજકારણ પણ સમજવા લાગ્યો હતો. પણ, એ રાજકારણ કોઈને ખતમ કરી નાખવાનું ન હતું. ઍકેડેમિક હતું. હર્ષદભાઈ અને સુભાષભાઈ ઘણી વાર સુરેશ જોષીના કેટલાક વિચારોની સામે બીજા વિચારો મૂકી આપતા. મને એ પણ સાચા લાગતા. શિરીષ પંચાલ ધીમે ધીમે ભારતીય સાહિત્ય તરફ, પરંપરા તરફ વળી રહ્યા હતા. એ બધાની નોંધ લેતાં મને પહેલી વાર એવું લાગવા માંડેલું કે જ્ઞાનની પ્રક્રિયા આપણે માનીએ છીએ એટલી નિર્દોષ નથી હોતી. એમાં પણ મતભેદો હોય છે અને એ મતભેદો ક્યારેક મૈત્રીનો પણ ભોગ લઈ લે. એ કદાચ એક સામાન્ય, એક માનવીય પ્રક્રિયા હતી. હું હવે અનુભવવા માંડેલો કે સુ.જો. સાથેની મારી નિકટતા મને બીજા પ્રોફેસરોથી દૂર રાખતી હતી. કેટલાક પ્રોફેસરો મારી મશ્કરી પણ કરતા. કોઈક મને ગામડિયો ગણતું તો વળી કોઈક એમ પણ માનતું હતું કે હું કેવળ દેખાડો કરવા જ પુસ્તકો થેલામાં લઈને ફરું છું. જ્યારે મને એની ખબર પડતી ત્યારે મન દુ:ખ થતું પણ હું કોઈની સામે ફરિયાદ કરતો નહીં. કેમ કે મને ખબર હતી કે હું શું કરી રહ્યો છું. મારે કેવળ જ્ઞાન પ્રાપ્ત ન’તું કરવું. મેં આગળ નોંધ્યું છે એમ મારે જગતને જોવાની એક ચોક્કસ એવી દૃષ્ટિ કેળવવી હતી. મને લાગતું હતું કે માણસ બનવા માટે આપણી પાસે આ જગતને જોવાની કોઈક ચોક્કસ એવી દૃષ્ટિકોણ હોવો જરૂરી છે.
એ દિવસોમાં, અલબત્ત સુરેશ જોષીના કારણે જ, હું ફ્રેંચ ફિલસૂફ સાર્ત તરફ વળેલો. અમારે અભ્યાસક્રમમાં સાર્તની Nausea નવલકથા હતી. સુ.જો. એ નવલકથા ભણાવતા. કાફ્કાની The Castle નવલકથાની જેમ એ નવલકથા પણ એ પૂરી ન’તા કરી શક્યા. Nausea સમજવાની એક ભૂમિકા તરીકે એમણે સાર્તના Being and Nothingness પુસ્તકની હેઝલ બ્રાન્સે લખેલી આખી પ્રસ્તાવના મારી સમક્ષ વાંચેલીને એનાં એકેએક વાક્યો મને સમજાવેલાં. ત્યારે મેં કામૂની બે નવલકથાઓ ગુજરાતીમાં વાંચેલી. ‘આઉટસાઈડર’/’ઈતરજન’ તો મેં નહીં નહીં તો ચૌદેક વાર વાંચી હશે. એનું પહેલું અને છેલ્લું પ્રકરણ મને લગભગ કંઠસ્થ થઈ ગયું હતું. એ જ રીતે, સુરેશ જોષીએ જેનો દોસ્તોએવસ્કીની Notes from the underground નવલકથાનો ‘ભોયતળિયાનો આદમી’ના નામે કરેલો સંક્ષેપ પણ મેં નહીં નહીં તો બારેક વાર વાંચ્યો હશે. આ બધાને કારણે સુરેશ જોષી, સાર્ત અને હું – આ ત્રણે વચ્ચે એક જુદાજ પ્રકારની ભૂમિતિ રચાઈ ગયેલી. એને કારણે જે દિવસે હું સાર્તનું કે સાર્ત પરનું કોઈ લખાણ ન વાંચું તો મને એમ લાગતું કે હું એ દિવસે જીવ્યો જ નથી. હું વતનમાં જતો ત્યારે પણ બસમાં સાર્ત સાથે લઈ જતો. ક્યારેક ઊભા ઊભા પ્રવાસ કરવાનો થતો. ત્યારે હું ઊભા ઊભા સાર્તનાં અથવા સાર્ત પરનાં લખાણો વાંચતો. મને હજી એક પ્રસંગ યાદ છે. અને મને નથી લાગતું કે હું એ પ્રસંગ કદી પણ ભૂલી શકીશ. ત્યારે હું એમ.એ. પાર્ટ-૨ની વાર્ષિક પરીક્ષા આપી રહ્યો હતો. હું કયું પેપર લખી રહ્યો હતો એ મને અત્યારે યાદ નથી. ત્યાં જ સુરેશ જોષી પરીક્ષા ખંડમાં પ્રવેશ્યા. હાથમાં દમના પંપ સાથે. એ સીધા મારી પાસે આવ્યા. પછી મારા મારા ખભા પર હાથ મૂકીને ને હળવેથી એમણે મને કહેલું: સાર્ત ગયા. હમણાં જ મેં બીબીસી પર સાંભળ્યું. એ સાંભળીને મને મારું કોઈક નિકટનું સ્વજન ગયું હોય એવી લાગણી થયેલી. ત્યાર પછી મને એમ કે હવે સુરેશભાઈ સાર્ત પર કંઈક મોટું લખાણ લખશે. પણ, એમણે એવું કંઈ ન કર્યું. મેં જ્યારે એમને પૂછ્યું કે તમે સાર્ત પર કેમ કોઈ લખાણ લખતા નથી? તો એ કહે: મેં એમના વિશે ઘણું બધું લખ્યું છે.
ત્યારે સાર્ત વિશેની બે વાતો મારા મગજમાં બરાબર જડાઈ ગયેલી હતી. એક તો એમણે સાહિત્યના નોબલ ઇનામનો અસ્વીકાર કરેલો એ અને બીજી તે એ પાછલી વયે માર્ક્સવાદ તરફ વળેલા. આ બીજી વાતને કારણે મને થયેલું: જો સાર્ત માર્ક્સવાદ તરફ વળે તો હું શું કામ ન વળું? આમેય મેં ઉચ્ચશિક્ષણ લેવાનો નિર્ણય ટૅરી ઇગલટનની માર્ક્સ પરની નાનકડી પુસ્તિકા વાંચ્યા પછી જ લીધેલો. જો મેં એ માર્ક્સ ન વાંચ્યો હોત તો કદાચ હું અત્યારે ટૅલિફોન ઑપરેટરનું નિવૃત્ત જીવન જીવતો હોત. એટલે હું પણ સાર્તનાં માર્ક્સ પરનાં લખાણો વાંચવા લાગેલો. પણ એ લખાણો મને ઝાઝાં સમજાતાં ન હતાં. પણ એનું એક બીજું પરિણામ આવ્યું. હું માર્ક્સવાદનો અભ્યાસ કરવા તરફ વળ્યો. એના જ એક ભાગ રૂપે મેં એ જમાનામાં માર્ક્સ, એંગલ્સ, લેનિન, માઓ, ફિડલ કાસ્ટ્રો, ચે ગુવેરા, ટ્રોટ્સ્કી વગેરેનાં જે કંઈ લખાણો હાથ લાગેલાં એ વાંચેલાં. કેટલાંક સમજીને, કેટલાંક સમજ્યા વગર. માઓનો On Practice અને On Contradiction લેખ ત્યારે બહુ ગમેલા. હમણાં ફિલસૂફ ઝિઝેક માઓનાં આ બે લખાણોને સમજાવતા એક પુસ્તકનું સંપાદન કર્યું છે. એમાં એમને માઓના આ બે લેખ સમજવા માટે જરૂરી એવા બીજા લેખોનો પણ સમાવેશ કર્યો છે. એ વખતે, કદાચ ‘હિન્દી ચીની ભાઈ ભાઈ’ના એક ભાગ રૂપે ભારતમાં માઓનાં લખાણોનાં પાંચ કે છ વૉલ્યુમ્સ પ્રગટ થયેલાં. મેં એમાંનાં એકબે ખરીદેલાં. ત્યારે માઓની Red Book વાંચેલી. પણ, આ બધું મેં સુરેશ જોષી ન જાણે એમ કરેલું. કેમ કે એમને માર્ક્સ ખાસ ગમતો ન હતો. માઓ પણ નહીં. એમની માર્ક્સ વિશેની સમજ કદાચ રશિયન અને ચીની સામ્યવાદના રંગથી રંગાયેલી હતી. એક સર્જક તરીકે એમને સોલ્ઝેનિત્સિન કે બૉરીસ પાસ્તરનાક વધારે ગમતા હતા. તો પણ, પાછળથી એમણે અને શિરીષ પંચાલે માર્ક્સવાદ અને કળામીમાંસા પરના એક પુસ્તકનું સંપાદન કરેલું ખરું. એ ડાબેરી વિચારધારાના એક ભાગ રૂપે ત્યારે મેં નક્સલવાદ પર પણ થોડાંક લખાણો વાંચેલાં. એ જ અરસામાં મેં કોઈક પુસ્તકોની દુકાનમાંથી Sayings of the Ayatollah Khomeini પુસ્તક ખરીદીને વાંચેલું. એ પણ એક વાર નહીં, બે કે ત્રણ વાર. એ પુસ્તકનાં ઘણાં વચનો મને હજી પણ યાદ છે. એ પુસ્તક મને બીજાં બે પુસ્તકો સુધી લઈ ગયેલું. એક તે The Little Green Book of Ayatollah Khomeini અને બીજું તે કર્નલ ગદાફીનું Green Book. એ બન્ને પુસ્તકોએ મને પશ્ચિમ વિશે અને ભારત વિશે પણ નવેસરથી વિચારતો કરી મૂકેલો. ખોમૈનીએ કહેલું: Islam is a religion of those who struggle for truth and justices, of those who clamor for liberty and independence. It is the school of those who fight against colonialism. મેં ત્યારે દિવસોના દિવસો આ વિધાન પર વિચાર કરેલો. મને થતું: જેમ ઇસ્લામ એમ હિન્દુધર્મ પણ આપણા પર હાવી થઈ ગયેલા સંસ્થાનવાદની સામે લડવા કામ લાગે કે નહીં? એ અરસામાં કોઈકે મને સાવરકરની વાત પણ કરેલી. મેં એમનાં હિન્દુત્વ પરનાં બેએક પુસ્તકો વાંચેલાં. હું એમનાથી થોડો પ્રભાવિત પણ થયેલો. કોઈકે મને ગોડસેનું બચાવનામું પણ વાંચવા આપેલું. પણ મને જ્યારે ખબર પડી કે ગોડસે પણ હિન્દુત્વ સંપ્રદાયના હતા ત્યારે હું હતાશ થઈ ગયેલો. કોણ જાણે કેમ હું ગાંધીજીને વધારે પ્રેમ કરતો હતો. મને એમની હત્યા માટે એક પણ કારણ વ્યાજબી લાગતું ન હતું. ગાંધીજીએ પણ હિન્દુધર્મની કેટલીક પ્રયુક્તિઓનો વિનિયોગ કરીને આપણા પર રાજ કરતા બ્રિટીશરો સામે લડવાનાં સાધનો વિકસાવેલાં. એ પણ સંસ્થાનવાદની સામે લડવાનાં સાધનો હતાં. એમણે અહિંસાનો ઉપયોગ કર્યો હતો તો ગોડસેએ હિંસાનો. એકે બ્રિટીશરોની સામે લડવા તો બીજાએ પોતાના જ દેશના એક નાગરીકની હત્યા કરવા. એ સાથે જ ધર્મના આધારે દેશની ઓળખ ઊભી કરવાની શક્યતાઓ વિશે મેં વિચારવાનું બંધ કરેલું. મેં ત્યારે જ ખોમૈની અને ગદ્દાફીને પડતા મૂકેલા. જો કે, હું માર્ક્સ અને માઓને હજી પણ છોડવા તૈયાર ન હતો.
એ બધી વૈચારિક ભૂમિકા સાથે જીવતી વખતે મેં એક બીજો નિર્ણય લીધેલો. આજે આટલા વરસે એ નિર્ણય વિશે વિચારું છું ત્યારે મને લાગે છે કે એ નિર્ણય જરાક અપરિપક્વ હતો. મેં એમ.એ.માં પ્રથમ ક્રમે આવવા બદલ મારા ભાગે આવેલો સુવર્ણચંદ્રક નહીં લેવાનો નિર્ણય કરેલો અને એની જાણ કરતો એક પત્ર પણ મેં યુનિવર્સિટીને લખી દીધેલો! મેં લખેલું કે હું ચંદ્રકો મેળવવામાં માનતો નથી. એ વખતે મારા મનમાં કદાચ સાર્ત પડેલા હશે. સુરેશ જોષી પણ ખરા જ. જો સાર્તએ નોબલ ઈનામનો અસ્વીકાર કર્યો તો હું ગોલ્ડ મેડલનો અસ્વીકાર કેમ ન કરું! પણ સાર્ત ક્યાં ને હું ક્યાં? એવી તુલના પણ ન કરી શકાય.
આ ઘટના સાથે એક બીજી ઘટના પણ સંકળાયેલી છે. પણ એ ત્યાર પછીના વરસે બનેલી. મારા જીવનમાં આ ઘટનાએ ઘણો મોટો ભાગ ભજવ્યો છે. મેં એમ.એ. પુરું કર્યું એના બીજા જ વરસે (?) ભીખુ પારેખ એમ.એસ. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર બનેલા. એક વાર હું રાતે ઈન્ટનેશનલ કૉલ માટેના બોર્ડ પર હતો ત્યારે ભીખુભાઈએ એમનાં બ્રિટનમાં રહેતાં પત્નિ સાથે વાત કરવા માટે એક કૉલ બુક કરાવેલો. મને ખબર ન હતી કે એ કૉલ ભીખુ પારેખે બુક કરાવ્યો હશે. મેં કૉલ લગાડ્યો. આ બાજુ ભીખુભાઈ જોર જોરથી બોલી રહ્યા હતા. એમનો અવાજ સામે પહોંચતો હતો પણ સામેથી આવતો અવાજ કદાસ વધારે પડતો ધીમો હતો. પારેખ સાહેબે ટૅલિફોનનું બટન દબાવી મારું ધ્યાન ખેંચ્યું: હલો ઑપરેટર, હલો ઑપરેટર, મને સંભળાતું નથી. કોણ જાણે કેમ પણ એમની એ વાત સાંભળીને મેં મારું મગજ ગૂમાવેલું. એ વખતે ઘણા ગ્રાહકો મૂળ સંદેશો બે વાક્યમાં આપી દઈ નથી સંભળાતુંની ફરિયાદ કરતાને પછી કૉલ કેન્સલ કરાવતા. મને લાગ્યું કે આ ભાઈ પણ એવીજ કોઈક છેતરપીંડી કરી રહ્યા છે. મેં પારેખ સાહેબને કહ્યું: તમે કોઈ દિવસ પરદેશ વાત કરી છે ખરી? તમને વાત કરતાં જ નથી આવડતી અને અમારો વાંક કાઢો છો? બ્રિટનથી અહીં આવતા અવાજ અને તમારા અવાજની વચ્ચે જરા અવકાશ રાખો. બે જણ સાથે ન બોલો. તમને બધું સમજાઈ જશે. પારેખ સાહેબે ખૂબ જ નમ્ર ભાષામાં મને કહ્યું: ઑપરેટર, હું ભીખુ પારેખ છું. એમ.એસ.નો વાઈસ ચાન્સેલર. હું યુ.કે.માં રહું છું. તમને લાગે છે કે મેં પરદેશ ક્યાંય વાત નહીં કરી હોય? મને મારી ભૂલ સમજાઈ. મેં એમની માફી માગી અને મુંબઈની ઑપરેટરને એ કૉલ ફરીથી લગાડી આપવાની વિનંતી કરી. એ ઑપરેટર ઓળખીથી હતી એટલે એણે મને એ કૉલ ફરીથી લગાડી આપ્યો. પછી ભીખુભાઈએ વાત કરી. ત્યાર બાદ મેં એમને વળતો કૉલ કરીને ફરી એક વાર માફી માગી, મારું નામ આપ્યું ને કહ્યું કે હવે જ્યારે પણ તમારે યુ.કે. વાત કરવાની હોય ત્યારે મને માગજો. હું તમને મદદ કરીશ.
એ વખતે કે ત્યાર પછીના બીજા કે ત્રીજા અઠવાડિયે- મને બરાબર યાદ નથી – પારેખ સાહેબે ફરી એક વાર યુ.કે.નો કૉલ બુક કરાવ્વોને મને એની જાણ કરી. મેં એમનો કૉલ લગાડી આપ્યો. પછી વાતમાંથી વાત નીકળતાં મેં એમને કહ્યું કે મેં પણ એમ.એ. ગુજરાતી વિષય સાથે કર્યું છે ને હું સુરેશ જોષીનો વિદ્યાર્થી હતો. એ ખુશ થઈ ગયા. પછી એમણે મને પૂછ્યું: તમે સુરેશ જોષીના વિદ્યાર્થી છો તો અત્યારે કંઈક વાંચતા તો હશો જ. શું વાંચો છો? મેં કહ્યું: સાહેબ, ગયા અઠવાડિયે જ જર્મન ફિલસૂફ ગાડામેરનું Truth and Method પુસ્તક મેં લંડનથી મંગાવેલું તે આવી ગયું છે. હું એ પુસ્તક વાંચી રહ્યો છું. પારેખ સાહેબ કહે: શું વાત કરો છો? હું પણ એ પુસ્તક બ્રિટનથી હમણાં જ સાથે લઈને આવ્યો છું. ઉમાશંકરભાઈએ મંગાવેલું. એમની દીકરી સ્વાતિ માટે. એક કામ કરો. મારે તમને મળવું છે. તમે પરમ દિવસે બપોરે બાર વાગે મને મળવા આવો. મારી પાસે આ પુસ્તકની કેટલીક સમીક્ષાઓ પણ છે. હું તમને એ સમીક્ષાઓ પણ આપીશ.
પછી નક્કી કરેલા દિવસે અને સમયે હું એમને મળવા ગયો. સાથે ગાડામેરનું પુસ્તક લઈને જ તો વળી. એ ખૂબ જ ખુશ થઈ ગયા. પછી વાતમાંથી વાત નીકળતાં એમણે મને મળેલા ગોલ્ડ મેડલની વાત કાઢી. મેં કહ્યું કે મેં એ મૅડલ નહીં સ્વીકારવાનો નિર્ણય લીધો છે ને હું એ નિર્ણયને વળગી રહું છું. પછી એમણે મને એ મૅડલ બતાવતાં પૂછ્યું: તો અમારે આ મૅડલનું શું કરવાનું? મારાથી બોલાઈ જવાયેલું: “પેપર વેઈટ તરીકે ઉપયોગ કરજો.” એ મારી સામે તાકી રહેલા, થોડીક ક્ષણો પૂરતા.
ત્યારથી પારેખ સાહેબ મારા વડીલ મિત્ર બન્યા. એમણે મારી ખૂબ કાળજી લીધી છે. એના પર એક પ્રકરણ લખી શકાય. હું ફિલાડેલ્ફિયામાં રહેતો હતો ત્યાં સુધી તો મહિને એકાદવાર એમની સાથે વાત કરતો. પણ કૅલિફોર્નિયા આવ્યા પછી મેં કદી પણ એમની સાથે વાત કરી નથી.
જ્યારે મેં ગુજરાતી વિષય સાથે એમ.એ. પૂરું કર્યું એ વરસોમાં ગુજરાત સરકારે એની શિક્ષણવ્યવસ્થા પણ બદલેલી. હાઈસ્કુલનું અગિયારમું ધોરણ અને કૉલેજનું પ્રિ-વરસ એક કરીને સરકારે ઉચ્ચતર માધ્યમિકમાં મૂકી દીધેલું. એને કારણે અનેક વિષયના પ્રોફેસરો સરપ્લસ થયેલા. સરકારે એવો નિર્ણય લીધેલો કે મૂળ કૉલેજમાં કે બીજી કૉલેજમાં જે તે વિષયની જગ્યા ન ઊભી થાય ત્યાં સુધી એ પ્રોફેસરોએ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં સેવા આપવી. એનો સીધો અર્થ એ થયો કે કોઈ પણ નવા નવા માસ્ટર ડીગ્રી કરેલા વિદ્યાર્થીને સીધા ક઼ૉલેજમાં નોકરી ન મળે. જો કોઈ કૉલેજમાં ગુજરાતી વિષયની જગ્યા પડે તો જે તે કૉલેજે સૌ પ્રથમ ગુજરાતી વિષયના સરપ્લસ અધ્યાપકોને સામેથી આમંત્રવા પડે. એ બધા પ્રોફેસરોમાંનું કોઈ જો એ કૉલેજમાં જોડાવા તૈયાર ન થાય તો કૉલેજે સરકાર પાસેથી ‘No objection Certificate’ લઈ એક વરસ માટે બીજા કોઈની નિમણૂંક કરી શકે. આ પરિસ્થિતિ મારા માટે ખૂબ વિચિત્ર હતી. દેખીતી રીતે જ, એ નિયમના કારણે મને કૉલેજમાં નોકરી ન મળે અને મળે તો એક જ વરસ માટે મળે. એ માટે મારે ટૅલિફોન ઑપરેટરમાંથી રાજીનામું આપવું પડે. જો હું રાજીનામું આપું અને પેલી કૉલેજ મને એક વરસ પછી ચાલુ ન રાખે તો હું બેકાર બની જાઉં. આમેય મારી આર્થિક પરિસ્થિતિ એટલી બધી સારી ન હતી. એટલે હું એ જોખમ લેવા તૈયાર ન હતો. જો કે, એ નિયમ યુનિવર્સિટીને અને ખાનગી કૉલેજોને લાગુ પડતો ન હતો.
એ દરમિયાન મેં બીજો નિર્ણય લીધો. એ નિર્ણયને કારણે હું કદાચ આજે ભાષાવિજ્ઞાનના ક્ષેત્રમાં છું. મેં એમ. એસ. યુનિવર્સિટીમાં જ ભાષાવિજ્ઞાનમાં ડીપ્લોમા કરવાનું નક્કી કર્યું. સુરેશ જોષીને ભાષાવિજ્ઞાનની સુક્કી, અલબત્ત એમની દૃષ્ટિએ, પદ્ધતિ માટે બહુ માન ન હતું. હું માર્ક્સવાદ કે ડાબેરી વિચારધારાનાં પુસ્તકો એમને ખબર ન પડે એ રીતે વાંચી શકતો હતો પણ ભાષાવિજ્ઞાનનો ડીપ્લોમા કરવાનું કામ તો હું ખાનગી રાખી શકું એમ ન હતો. તો પણ મેં પહેલાં એમાં પ્રવેશ મેળવી લીધેલો ને પછી એમને એની જાણ કરેલી. એ ખૂબ દુ:ખી થઈ ગયેલા. મને એમ હતું કે આ ડીપ્લોમાના કારણે મને કોઈક ગુજરાતી વિભાગ સરળતાથી નોકરી આપી દેશે. ત્યારે એમણે મને કહેલું: હવે તમે ભાષાવિજ્ઞાનમાં જતા રહ્યા કેમ? મેં કહેલું: હું સાહિત્યનું કામ પર કરતો રહીશ. વચન આપું છું.
આપના બધા લેખો વાચવાની મજા આવે છે કારણ એ દ્વારા બધા પરિચીત પ્રોફેસરોની યાદ તાજી થાયછે. હું પણ 1966- 1968 માં ગુજરાતી-સંસ્કૃત વિષય સાથે એમ.એ. કરતી હતી.સુરેશભાઇ, અનામીસર, હર્ષદ ત્રીવેદી, ભોગીલાલ સાંડેસરા ભાષાશાસ્ત્રના વિદ્વાન જેવા તજગન્યો અને ધુરંધરો પાસે ભણવાની અમૂલ્ય તક મલી એ જીવનનોમોટામાં મોટો લ્હાવો કહેવાય.સારી યાદોના પોપડા ઉકેલાય તે કોને ન ગમે?.
LikeLiked by 1 person
મા શ્રી બાબુ સુથારનો કેફ ૧૮મા હપ્તે વધતો જાય છે . તેમની વાત-‘ દેશવિદેશનું સાહિત્ય સમજવું. જગતને જોવાની કોઈ દૃષ્ટિ કેળવવી પછી લખવું.’ ખૂબ ગમી. એમના પ્રિય એવા હેમિંગ્વે,કામૂ અને સાર્ત જેવા અનેકોની ઓળખાણ કરાવી .
ગુજરાતી સાહિત્ય કેટલું સમ્રુધ, વિશાળ અને સભર છે એ વાતે મોટાભાગના ગુજરાતીઓ અજાણ છે. મા સુરેશજીનું સર્જન એટલું માતબર છે કે જો અન્ય કોઇ ભાષામાં તેઓ લખતાં હોત તો તે ભાષાની ઓળખ તેમના નામથી થતી હોત ! તેઓ મિજાજ્ના લેખક હતા, ખુમારીભરી ભાષા અને સ્પષ્ટ રજુઆત. અને સૌથી અગત્યની વાત એ કે તેઓ હંમેશા ક્લીયર સ્ટેંડ લેતા એમને જે યોગ્ય લાગે તેવો સ્પષ્ટ સ્ટેંડ. એમના મંતવ્યથી તમે અસંમત હોઇ શકો પણ અવગણી ન શકો.
કીમ ચી હા (કોરિયન) (આવી વળવાખોર કવિતાઓ લખવા માટે કીમ ચી હાને ફાંસની સજા થયેલી. જોકે, સાર્ત વગરેની દરમિયાનગીરીથી એ બચી ગયેલા. આવી એક રચનાનો અનુવાદ શ્રી: બાબુ સુથારે કર્યો છે .
‘…બધ્ધાં જ દળો ગઠવાઈ ગયાં વર્તુળાકારે
ને કરવા લાગ્યાં ગોળીબાર:
ધન ધના ધન ધન ધના ધન.
પણ એમાંની એક પણ ગોળી
જીસસના પૂતળાને વાગી નહીં.
બધ્ધી જ ગોળીઓ
એકબીજાને ક્રોસ કરતી ગઈ
ને દળોને મારતી ગઈ.
એમ કરતાં સમગ્ર સૈન્યનો નાશ થયો.
આવી એક વાર્તા સિઉલ શહેરમાં
આજે પણ લોકો કહી રહ્યા છે.
ડાહ્યા માણસો ઘણા સમયથી કહેતા આવ્યા છે કે
ભવિષ્યવાણીની ગેરસમજમાંથી કમનસીબી શરૂ થતી હોય છે
ને શસ્ત્રો ને હત્યારાં હથિયારો સુખનો માર્ગ નથી હોતાં
એ તો પોતાના જ સર્વનાશનો માર્ગ હોય છે.
આપણી આ કથા
એ ડાહ્યા માણસોએ ઉચ્ચારેલા સત્યની
સાક્ષી બને છે.’
અને મા શ્રી બાબુભાઈની માર્મિક સચોટ અનુવાદક તરીકે ઓળખાણ થઇ.
રાહ ૧૯મા હપ્તાની
LikeLiked by 1 person
દાવડાજી
બાબુભાઈ પાસે કલ્પી ન શકાય એવો ખજાનો છે. આપણે એમના પાસેથી જેટલું પણ મેળવી શકાય એટલું મેળવીને, ખાસ તો એમને આથીક લાભ પણ થાય તે રીતે એમના ગ્નાનનો લાભ સૌને અપાવવો જોઇએ….આ મારા અંતરની લાગણી છે.
એક મોટું ભંડોળ કરીને ગુજ. ભાષા-સાહિત્યની આકાશી સંસથા બનાવીને વૈશ્વિક રીતે ભાષાસાહિત્યનું શિક્ષણ એમના નેજા નીચે નેટ-ગુજરાતીઓનેઅપાવવું જોઇએ….
(જુગલકિશોર વ્યાસ -ઈમેઈલ દ્વારા)
LikeLiked by 1 person
આજના વિષયમાં આપણી ચાંચ ડૂબી નહિ!
LikeLike
babu bhai,
After M.A was very interesting- and we learnt about many western philosopher – writers – Jean-Paul Sartre. Marx- mao, and up to Bhasha Vigyan diploma .
Award Vapasi better than that not to accept Award and use as paper weight.incident of bhikhu bhai parekh was interesting and later you had elder friend till you were in Philadelphia. government policy for employment etc also learnt.
your tenacity to study and learn was realty great.
LikeLike