પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)


પ્રકરણ રાત મને નથી ગમતી!

કેટલા વરસ પાછળ છોડીને આવી છું, અહીં સુધી? આજે યાદ કરું છું, એ શૈશવની ક્ષણો. હું તો કદાચ એ વખતે ચાર કે પાંચ વરસની હોઈશ. રાત તો મને ત્યારે પણ નહોતી ગમતી અને આજેય નથી ગમતી. શનિવારની એક રાતે, પપ્પા રાતના મને સુવડવતા હતા, ત્યારે, આ બાબત અંગે એક વિગતવાર સંવાદ કર્યો હતો એ વાત પપ્પા અને મમ્મી બહુ જ ગર્વભેર અમારા મિત્રો સ્વજનોને કહેતા રહ્યા હતા જેથી, મને આજે પણ યાદ છે.  હું જે બોલતી હતી એના પર વિચાર કરતાં કે વિચાર કરીને બોલતાં હજુ શીખી નહોતી. મારા સ્મરણમાં કઈંક આ રીતે એ વાતચીતની યાદો સચવાઈ છે.

“પપ્પા!”

“હા, બેટા!”

“ભગવાન કોણ છે?

“શક્તિ છે, બેટા.!”

“શક્તિ છે? એ શું કરે?

“શક્તિ બધું જ કરી શકે, જે આપણે ના કરી શકીએ તે બધું જ કરી શકે!”

“શક્તિ રાતનો દિવસ બનાવી શકે?”

“હા, બેટા, શક્તિના હાથમાં આ દુનિયા આખી છે. શક્તિ ધારે તો દિવસને રાત અને રાતને દિવસ બનાવી દે, એક ચપટીમાં જ, હોં!” પપ્પા એકદમ જ ઉત્સાહમાં આવીને બોલ્યા હતા. આમેય પપ્પાને ઈશ્વર પર હંમેશા જ ખૂબ જ શ્રધ્ધા હતી. એમને થયું આ તક છે કે નાની વયથી જ દિકરીમાં થોડા ધર્મના સંસ્કાર રેડવાની શરુઆત કરીએ…..!

“તો તમે જ એ શક્તિને કહો કે રાત કદીયે ન થાય, બસ, દિવસ અને દિવસ આખો વખત રહે!” પપ્પા એકદમ જ મૂંઝાઈ ગયા. આવી માંગ હું કરીશ, એની એમને જરા પણ કલ્પના નહોતી. પપ્પા જ્યારે કંટાળી જતા અથવા તો મારા બાલિશ સવાલજવાબ એમને મૂઝવી નાખતા ત્યારે એ, એમના “રેસક્યુ સ્ક્વોડ”ને બોલાવતા, એટલે કે મમ્મીને બોલાવતા. “અરે, સાંભળે છે, જરા જલદી આવ, મને થોડું પેપરવર્ક કરવાનું બાકી છે.” મમ્મી આવતાં જ પપ્પા એક મિનિટનો સમય પણ વેડફ્યા વિના જાણે કે ભાગી નીકળતા. આ પપ્પાનો હંમેશનો મમ્મી સાથેનો ડાયલોગ રહેતો, જ્યારે પણ હું એમને સવાલોની ભરમારથી મૂંઝવી નાખતી ત્યારે આ જ તાલ અને લયનો નિયમ પણ નક્કી જ રહેતો. આજે પણ એજ થયું. પપ્પાએ મને જવાબ આપવાને બદલે મમ્મીને હંમેશની જેમ, એમની સ્ટાન્ડર્ડ બૂમ પાડી, “અરે, સાંભળે છે કે? જરા જલદી આવ. મારે થોડું કામ હજી બાકી છે અને સુલુ જલદી સૂઈ જાય એવું લાગતું નથી.” મમ્મી હાથ લૂછતી લૂછતી આવી અને હસીને પપ્પાને કહ્યું, “તમને જ તો તમારી લાડલીની સાથે ટાઈમ લઈને રમવું, બહાર ફરવા લઈ જવું, જમવા સાથે બેસવું કે સૂવડાવવું ગમતું હોય છે. મેં કીધું છે તમને કદી કે મારી મદદ કરો? જાઓ, હું સૂવડાવું છું, તમારી લાડલીને…!, સાચું કહું તો આ તમે જ એને બગાડીને મૂકી છે. આવડી મોટી થઈ, એને હવે તો જાતે સૂવાની ટેવ પડવા દ્યો..! આ શું કે હજી સુધી એને સૂવડાવવી પડે છે!” પણ તે સાથે જ હું બોલી ઊઠી, “ના, મારે તો પપ્પા જ જોઈએ. એમને શક્તિ પાસેથી રાત કદીયે ન આવે એવું કરતાં આવડે છે! તને નથી આવડતું! મને રાત નથી ગમતી, બસ, નથી ગમતી! મારે નથી સૂવું કારણ મને રાત જ નથી ગમતી!” ને મેં પગ પછડાતાં, એક ડૂસકું પણ ભરી લીધું. મમ્મીએ મને વળગીને, મારી આ અનાડી “ડિમાન્ડ” માટે, મને સમજાવતાં કહ્યું, “બેટા, એવું ન થાય. પછી સૂરજદાદા થાકી જાય તો એમને પણ, આરામ કરવા તો જોઈએ ને? તારા પપ્પા, આખા દિવસના કામ પરથી, જ્યારે ઘરે આવે છે ત્યારે કેવા થાકી જાય છે? તો, આ આખા જગતને અજવાળું આપવા સૂરજદાદા સતત ફરે છે તો, થાકી તો જાય, ખરુંને?” પછી મારા માથા પર ખૂબ જ વ્હાલથી હાથ ફેરવીને કહ્યું, ”અને, ચાંદામામા ન આવે તો સૂરજદાદા ઘરે જઈ ન શકે. પાછા ચાંદામામા તો રાતના જ આવે.  આટલા માટે પણ રાત તો જોઈએને બેટા? તું તો મારી બહુ જ ડાહી દિકરી છે. ચાલ હવે, સૂઈ જા હં બેટા!” કોને ખબર, માના એ શબ્દોમાં જાદુ હતો કે એમના શબ્દોએ મને ખાતરી કરાવી દીધી કે રાત મને તકલીફ આપવા નહોતી આવતી. હું પણ, પછી માને વળગીને સૂઈ ગઈ હતી, શાંતિ સાથે. તે છતાં, આજે આ ઉમરે પણ, પણ, મને રાત હજીયે નથી જ ગમતી. ફરક એટલો જ છે કે હવે મને વ્હાલ કરવા મા નથી. મારી આંખો સામે હજી તાદ્રશ્ય થાય છે, સાવ અકબંધ, ને, હું આંખો બંધ કરી લઉં છું, મારી માનો એ સ્પર્શ મારી મનોભૂમિમાં માણવા! એ સ્પર્શની યાદ આવતાં, મા મારા પર વ્હાલ વરસાવી જાય છે, આજે પણ! હા, પણ જે નથી બદલાયું એ નથી જ બદલાયું.  હું હજી પણ એટલી જ ઈન્ટેન્સિટીથી રાતને નાપસંદ કરું છું, આ ઉમરે પણ….! હા, રાત મને નથી ગમતી, ખરેખર નથી જ ગમતી……..!

*******

       સૂરજ આથમી ગયો હતો, અને, હું, એકલી સાવ એકલી, મારા દિલીપ વિના, બાલ્કનીમાં ઊભી હતી. દિલીપને ગયે ત્રણ જ દિવસ થયા હતા. ૧૯૭૮માં શું હું હજી જીવું છું, શ્વાસ વિના કે શ્વસી રહી છું, જીવ્યા વિના? ધીમી ધીમી, શ્રાવણની ઝરમર વરસવી શરુ થઈ ગઈ. હું આકાશમાંથી વરસતી આ ઝરમર સાથે મારા અણગમતા અંધકારની વર્ષાને મારા તનમન પર ઝીલતી રહી અને મને મારા બાળપણની એ જ અનુભૂતિ પાછી થઈ કે કાશ જો મને કોઈ એક મિનિટ માટે પણ ભગવાન બનાવી દે તો હું આ જગતમાંથી રાત્રીનું નામોનિશાન જ મિટાવી દઉં…! પણ “વો દિન કહાં..!” આજે, ભાગેડુ એકલવાયું મન તો કેટકેટલા વરસો પાછળ જતું રહ્યું હતું!

આજે મને યાદ આવે છે, કોલેજના એ દિવસો અને એ સુરમયી અગણિત સંધ્યાઓ, જેની પળેપળ દિલીપ અને મેં જીવી હતી. આવી જ એક ન પૂરી સાંજ કે ન પૂરી રાત, બસ, એક સંધિકાળે, હું ને દિલીપ, અમારા જૂના બંગલાના વરંડાના એટલા જ જૂના રજવાડી બાંકડા પર બેઠાં બેઠાં વાતો કરતા હતા. હું કોલેજના પ્રથમ વર્ષમાં હતી અને દિલીપ એન્જિનયરીંગના બીજા વર્ષમાં હતો.

મેં દિલીપને કહ્યું, “મેં હમણાં જ ટોલસ્ટૉયની “વોર એન્ડ પીસ” પૂરી કરી. શું અદભૂત નવલકથા છે, અરે નવલકથા નહીં પણ જીવતું, ધબકતું કાવ્ય છે! આ વાંચીને થયું કે કેટલું પણ આપણે મથીએ, આપણા ભાગ્યમાં જે લખાયેલું હોય છે એજ અંતે તો થઈને જ રહે છે! તો, આવા જીવનને શું કહેવું? આમ જુઓ તો આપણે સહુએ હાથની આ હસ્તરેખા પ્રમાણે જ તો જીવવાનું હોય છે અથવા તો આપણે “સો કોલ્ડ”, જીવતા રહીએ છીએ, પછી ભલેને આપણે આપણા મનને મનાવ્યા કરીએ કે આપણી તકદીરના આપણે જ માલિક છીએ!”

એ હસીને બોલ્યો, “બાપ રે બાપ! આટલું ભારે ભરખમ જ્ઞાન, આવડી શી ઉંમરમાં? સાચે જ તું ૧૭ વરસની છે કે પછી ૭૦ વરસની ડોસી?” દિલીપને મને ચીડવવું બહુ જ ગમતુ. મેં રીસથી ઊઠતાં કહ્યું, “તારે નથી સાંભળવું તો હું આ ચાલી લિવીંગરૂમમાં, મારી મમ્મી અને તારા મમ્મી-પપ્પા બેઠાં છે ત્યાં. આમેય અંકલ મને હંમેશાં જ “ડાહી દિકરી” કહીને બોલાવે છે! અહીં બેસીને તારું એબ્યુઅઝ સાંભળવા કરતાં તો ત્યાં બેસવું સારું!”  એણે મને હાથ પકડીને ખેંચી અને પાછી બાંકડા પર બેસાડી દીધી અને બોલ્યો, “માય ગોડ, ગુસ્સો તો આ ચીબા નાકના ટીચકે જ રહે છે!” અને મારા ગાલ ખેંચ્યાં. “આઉઅચ…! આટલા જોરથી ખેંચે છે ગાલ! દુખે છે હં! અને મારું નાક બિલકુલ ચીબું નથી!” અને મેં એના હાથને ધક્કો માર્યો. ત્યાં જ એ ઊભો થયો અને મને ખેંચતો, બેકયાર્ડના નાનકડા ગાર્ડનમાં લઈ ગયો, ને, પોતે, ઘાસ પર લાંબો થઈને પડ્યો. હું પણ એની પાછળ ઘસડાઈ હતી, પણ સાચું કહું તો એનો એ સ્પર્શ, એનું હકથી મને ખેંચીને લઈ જવું ત્યારે મને ખૂબ ગમ્યું હતું. આજે પણ નક્કી નથી કરી શકતી કે હું સપનાના આકાશમાં વિહરતી હતી કે પછી સ્વર્ગ મારા ચરણોમાં હતું? કોઈ પણ વિરોધ વિના અનાયસે હું પણ એની બાજુમાં બેસી ગઈ હતી. એ બોલ્યો, “સુલુ, લોકોને કેમ પૂનમની રાત ગમે છે? મને તો આ અમાવાસ્યાની રાત ગમે છે! અમાસની ચંદ્રહીન રાત અને સામે વિશાળ શાંત સાગર પથરાયેલો હોય અને, તું અને હું સાગરની રેતીમાં ઘર બનાવતાં હોઈએ, વાહ! મજા પડી જાય!” સોળ વરસનો ઊંબર ઓળંગી, મુગ્ધ સત્તર વરસની જાદુઈ ગુફામાં પ્રવેશ પામેલી હું હજી મારા તન-મન અને દિલ સાથે સુમેળ નહોતી પામી. મેં હસીને કહ્યું, “અંધારામાં રેતીનું ઘર બનાવવામાં મજા પડે, એવું આજે પહેલી વાર સાંભળ્યું!” એ એકદમ જ બેઠો થયો અને ઘાસના તણખલા સાથે રમત માંડતા કહે, “તો પછી, ચાલ, સાચેસાચ જ આપણે સાથેસાથે ઘર બનાવીએ, એક થઈ જઈને!” પછી તો ક્યાંય સુધી અમે એકમેક સાથે, એકમેકને અપલક જોતાં બેઠાં રહ્યાં હતાં. શબ્દોને વચ્ચે જરા પણ અવકાશ ન હતો! અમાસની રાતે અપાયેલું એ ખુલ્લું આહવાન, એ નજરોના મિલાપની લિપિ સમજી ન શકું એટલી તો હું નાદાન ન હતી પણ સમજીને એના અર્થો ઊકેલીને, એને અમલમાં મૂકવા જેટલી પરિપક્વ પણ ન હતી! પણ… જો પૂર્વ દિશામાં જવું હોય તો જિંદગી પશ્ચિમ દિશામાં લઈ જાય છે, અને આ હસ્તરેખાઓ પાછી એનું પોતાનું જ ગણિત માંડતી હોય છે! એ રાત હું બસ, વિના પાંખ હવામાં ઊડતી રહી હતી. કદાચ એ એક રાતને હું રાસ આવી ગઈ હતી. ભલેને, પછી મને રાત નહોતી ગમતી પણ એ રાતને હું એક રાત માટે સહી, પણ, સાચે જ ગમી ગઈ હતી?

******

7 thoughts on “પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)

 1. very nicely woven psychology of child- about power of some Shakti- mother’s love and then one twilight time (sandhya) with Dilip again depicted very brilliantly and expressed real first love and feeling as if in AAsman and some how liked by that one night.

  Liked by 2 people

 2. જયશ્રીબેનનો એક એક શબ્દ આખું ય ચિત્ર જગત સર્જી શકે છે.
  દિલીપના સાનિધ્યમાં જૂના બંગલાના જૂના રજવાડી બાંકડા પર બેઠેલ નાયિકા, આકાશમાંથી શ્રાવણની વરસતી ઝરમર, સુરમયી અગણિત સંધ્યાઓ ,ન પૂરી સાંજ કે ન પૂરી રાતનો એક સંધિકાળ, અમાસની ચંદ્રહીન રાત અને સામે વિશાળ પથરાયેલો શાંત સાગર અને સાગરની રેતીમાં ઘર બનાવતાં બંને જણનું નજર સમક્ષ એકદમ સુરેખ ચિત્ર તરી આવે છે.

  Liked by 2 people

 3. શૈશવમા દરેકને પ્રશ્ન થાય કે-‘મને કહોને સર્વશક્તિમાન પરમેશ્વર કેવા હશે ? ક્યાં રહેતા હશે, શું કરતા હશે ? ‘એના ઉતરમા ઘણાખરા બાળવાર્તાઓ કહે અને તેની શક્તિ અનુભવવા પોતે અને કુટુંબીજનો વ્રત પાળે . ઘણાખરા આ વ્રતોમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ આસ્વાદ, અભય, અસ્પૃશ્યતાનિવારણ, જાતમહેનત, સર્વધર્મ સમભાવ અને સ્વદેશી .પાળતા અને આગ્રહ રાખતા.પ્રથમ ગુરૂમા મા વારંવાર પૂછાતા આ સવાલોથી અકળાતા નહીં.
  રાત અંગે ઘણાખરા કહે આખા દિવસના થાકમા શાતા આપવા જ રાત આવે છે.અને ઘણાખરાના જીવનમા ‘
  એક રાતને હું રાસ આવી ગઈ હતી’ પ્રસંગ આવે અને કવિઓ, કલાકારો અને પ્રેમીઓની જેમ રાત જવાન અને ટૂંકી લાગે ત્યારે ‘હું હજી જીવું છું, શ્વાસ વિના મારા અણગમતા અંધકારની વર્ષાને મારા તનમન પર ઝીલતી રહી ‘સ્થિતીમા …’વિરહની કાજળભરી કાળરાત્રિને આંસુઓથી ધોવી એ મુશ્કેલ કામ – તૂટી જવાય અને પ્રિયતમ વગરની રાત જીરવવી કે જીવવી શક્ય જ ન લાગે ત્યારે ખુદના મૃત્યુની કલ્પના કરવી પડે.
  યૂં શબે હિજ્રમેં કરતે હૈ ગલત ગમ અપના,
  મૂર્દા ખુદ બનતે હૈ, ખુદ કરતે હૈ માતમ અપના.,જલીલી
  મારી નાની બેન .વિધવા થઇ ત્યારે વિનોબાજી ની આ વાતથી શાતા વળી હતી-‘વિનોબા : પહેલાં તો આપણે એ સમજવું જોઈએ કે મૃત્યુ એટલે શું ? જેવી રીતે આપણે આખો દિવસ કામ કરીને થાકી જઈએ છીએ તો તે થાક મટાડવા રાત્રે સૂઈ જઈએ છીએ. બીજે દિવસે પાછા તાજા થઈને ઊઠીએ છીએ. તો ઊંઘ એ મૃત્યુનું નાનકડું રૂપ છે. હવે રાત્રે ઊંઘમાં બધાં અવયવોને પૂરો આરામ મળી જાય તેવી યોજના હોત તો મૃત્યુની જરૂર જ ન રહેત. સ્વપ્ન ન આવે તો મનને પણ વિશ્રામ મળી જાય છે. પણ રાત્રે ઊંઘમાં પણ પ્રાણનું કામ સતત ચાલે છે. એ બિચારો સતત કામ કર્યા કરે છે એટલે એનો થાક તો મૃત્યુથી જ ઊતરી શકે છે. એટલે મૃત્યુનો અર્થ છે – પ્રાણને આરામ પહોંચાડનારી નિદ્રા. મૃત્યુનું આ સ્વરૂપ આપણા ધ્યાનમાં આવી જાય તો મૃત્યુનું દુ:ખ કે ડર ન રહે, બલ્કે કોઈનું મૃત્યુ થાય તો આપણને આનંદ થાય’

  Liked by 2 people

 4. From: Dipal Patel
  Date: 2018-03-02 20:48 GMT-08:00
  To: Jayshree Merchant
  અરે જોરદાર.
  આજે પણ ચાલુ લેકચરમાં વાચ્યો લેખ એ પણ પલકારા માર્યા વગર..
  કેટલી સરસ રીતે તમે ભૂતકાળમાં લઇ ગયા, બાગમાં, ઘરમાં… બહુજ સરસ. હું બધું કલ્પી શકી..
  આવતા અંક ની રાહ જોઇશ 🙂

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s