સંધીકાળઃ ઋતુઓનો-જીવનનો (જુગલકિશોર વ્યાસ)


સંધીકાળઃ ઋતુઓનો-જીવનનો

પરિવર્તનના સમયગાળા દરમિયાન વિદાય થનારી અને આવનારી એવી બે સ્થિતિઓ, જેમ કે ઋતુઓ, એકબીજામાં ભળી જતી દેખાય છે તે સંધિકાળને લીધે. એ ઋતુ કે કાળની સંધિની વાત કરીએ તો પરિવર્તનનો સમયગાળો એ બન્ને ભૂત-ભવિષ્યને જોડનારો બની રહેવા ઉપરાંત બન્ને વચ્ચેનું અલગત્વ પણ ચાલુ રાખી આપે છે. પસાર થતો સંધિકાળનો સમય એકબીજાને છુટ્ટાં રહેવા દેશે જરૂર પરંતુ જનારા સમયે [અહીં ઋતુએ] આપેલી અસરો એટલી તો મજબૂત હશે કે એ બધી ભુંસાવાનું નામ ઝટ નહીં લે. એ અસરો કાળનાં પરિબળોને પણ  થોડો ઘણો વખત અવગણતી રહે છે. આવનાર ઋતુ કે સમય  કશી અસર ઊભી કરી રહે તે પહેલાં વીતી રહેલા સમયનું કશુંક તો એમાં અનીવાર્યપણે ભળી જ જાય છે, જેનો રંગ, આવનાર રંગોની આગોતરી ઓળખ મેળવીને જ હશે કદાચ, એ આવનારા રંગોનીય સંજ્ઞાઓ જાણે અપનાવી જ રહે છે !

આ એક રહસ્યમય બીના છે. વીતી ચુકેલી ઋતુ પોતાનું જોર દાખવે એ તો સમજી શકાય પરંતુ આવનારી ઋતુનું તત્ત્વ કઈ રીતે પોતાની અસરો આગોતરી ઊભી કરી શકે ? મરઘી-ઈંડાવાળો સવાલ અહીં પણ ઉપસ્થિત થાય છે : શિયાળો જાય છે એટલે ઉનાળો આવે છે કે ઉનાળો આવે છે તેથી શિયાળો જાય છે ?!

સમયની ધીમી છતાં મક્કમ અને / અથવા ગોઠવાયેલી ગતિ (એને જ નિયતિ કહેતાં હશે ?) આવનારા સમયના ગોઠવાયેલા કાર્યક્રમની સાથે વીતી રહેલા સમયની નબળી પડતી અસરોને જોડી આપતી હોવી જોઈએ. તો જ આમ બની શકે. તદ્દન અલગ છેડાની બે પરીસ્થિતિઓ એકમેક સાથે થોડો સમય પણ સાયુજ્ય સર્જી શકે છે ! ઋતુઓમાં તો આવું ખાસ બની શકે છે. વીતી રહેલી ઋતુની અસરો આવનારા સમયની અસરોને જલદી કાર્યાન્વિત થવા ન દે અને એ પાછલી અસરોને વશ રહીને જ હજી આવી રહેલો સમય પોતાની નાજુક / કોમળ અસરકારકતાને ઢીલી રહેવા દે છે.

પરંતુ આ સમગ્ર પ્રક્રિયાની વિશેષતા એ છે કે આ દરમિયાન જ વીતી રહેલો સમય ધીરે ધીરે પોતાની અસરો ઢીલી પાડતો રહે અને આવનારી ઋતુની અસરોને કાર્યાન્વિત થવા દે છે !!

આવનારો સમય પણ એની શાલીનતા બતાવ્યા વિના રહી શકતો નથી. વીતી રહેલા સમયની ઢીલી પડી રહેલી અસરોના રંગોમાં પોતાના આછા રંગોને એ સહજતાથી (જેને આપણે ‘આપોઆપ’ કહીને અપમાનીએ છીએ !) ભેળવતો રહે છે.

વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેનાં શું કે દેશ-દેશવચ્ચેનાં શું, વિરોધાભાસી વાતાવરણ કે પરિબળોનું થોડો સમય પણ આ રીતનું સાયુજ્ય વિશ્વસમગ્રના પ્રશ્નોને ઉકેલી આપનારું બની શકે એવી, ભલે અતી સૂક્ષ્મ છતાં વહેવારમાં મૂકી શકાય એવી યોજના ક્યારે અમલમાં આવશે ?!! ( આ કોઈ તટસ્થ વ્યક્તિ કે દેશ દ્વારા થતા સમાધાનના પ્રયત્નો- પ્રયોગોની વાત નથી. આ વાત તો છે બે વિરોધાભાસી પરિબળોનું કળીમાંથી ફૂલ બનવા જેવું અને જેટલું સાવ સહજ અને દિવ્ય પરિવર્તન !)

રાત અને દિવસ જેવા સાવ સ્પષ્ટ વિરોધાભાસી તત્ત્વોની વચ્ચેનો તફાવત તો સમજાય પણ સવાર અને બપોર વચેનો, બપોર અને સાંજ વચ્ચેનો કે સાંજ અને રાત વચ્ચેનો ભેદ દર્શાવવાનું સરળ નથી. ઋતુનો સંધિકાળ પોતાની રીતે, તો જીવનનો સંધિકાળ એની આગવી રીતે ઓળખાતો રહ્યો છે. શિશુમાંથી કિશોર બની જતો ને પછી યુવાની ધારણ કરી લેતો માનવી એક દિવસ જીવનની સંધ્યાને પણ ચિર અર્ઘ્ય આપી બેસે છે !

છતાં માનવીને આટલું મોટું પરિવર્તન પણ ધ્યાનમાં આવતું નથી, એ એક અચરજ છે. નહીંતર જીવનના આવડા મોટા સંધિકાળને  અવગણી શકાય જ શી રીતે ? એ કંઈ ઋતુસંધિની જેમ છાનોછપનો આવી જતો નથી. ખાસ્સી ચેતવણીઓ ઉચ્ચારીને અને ઘણીવાર તો ઢોલ ટીપીને આવે છે ! આપણા સંધિકાળને નજર અંદાજ કરવાનું કંઈ સરળ નથી. છતાંય એને અવગણીને આંખ આડા કાન કરવાનું આપણને ગમે છે ને ફાવેય છે. યુધિષ્ઠિરે યક્ષ સમક્ષ દુનિયાના પરમ આશ્ચર્ય તરીકે માનવીની આ આંખ આડા કાન કરવાની રીતિને કાંઈ અમસ્તી તો ગણાવી નહીં જ હોય ને !!

આયુષ્યનો અંત અને નવા જન્મ પહેલાંનો સમયગાળો કેટકેટલી સંભાવનાઓથી ભર્યો જણાય છે ! ( બે જન્મ વચ્ચેના ગાળાને આપણા સમયના પરિમાણથી ઓળખવાનું શું અનિવાર્ય છે ? સમય અને સ્થળ બન્નેથી પર, આપણી ઓળખશક્તિ અને પહોંચથી પણ પર એવા આ બે જન્મ વચ્ચેના ગાળાને સમયના માધ્યમથી ઓળખવાને કારણે જ કદાચ આપણે એ ગાળાની ગતિવિધિઓને ઓળખીન શક્યાં હોઈએ એવું બને !) કર્મનો સિદ્ધાંત, પ્રેતયોનિઓ, સ્વર્ગ-નરક અને કોણ જાણે કંઈ કેટલી….ય  ભુલભુલામણીઓ આ અજ્ઞાત અને અગોચર ગાળામાં હોવાનું આપણને શીખવાડવામાં આવ્યું છે !

અહીં દરેકે દરેક ભુલભુલામણીને પોતાનો સંધિકાળ છે. એ સંધિકાળની વાતો કઈ રીતે, કઈ ભાષા-પરિભાષામાં કરવી ? બે જન્મો વચ્ચેની સંધિને સમજ્યા વિના, જીવનના આ અડબડિયા માર્ગે આવતી રહેતી નાનીમોટી સંધિઓને સમજવાનું, એને માણવાનું ને બને તો એને સહજતા ને સરળતાથી, સફળતાપૂર્વક ઓળંગતાં રહેવાનું જ  આમ તો ગનિમત છે !

 

 

6 thoughts on “સંધીકાળઃ ઋતુઓનો-જીવનનો (જુગલકિશોર વ્યાસ)

 1. ચિંતન લેખ
  ઋતુ સંધિકાળ સ્વાથ્ય માટે અત્યંત મહત્ત્વનો છે કારણ કે સંધિકાળમાં બદલાઈ રહેલી પ્રકૃતિની અસર આપણાં શરીર અને સ્વાસ્થ્ય પર પણ પડે છે. જ્યારે મૌસમ બદલાય છે ત્યારે તેનો પ્રભાવ પ્રકૃતિની સાથે આપણાં શરીર પર અસર પડતી હોવાને કારણે આ ઋતુમાં કફ, વાયુ અને પિત્તની વધઘટથી શરીર બીમારીમાં જકડાઈ જાય છે. યાદ આવે સંધિકાળ
  નિ:શ્વાસ ત્યાં થકી સુણ્યો ઉરની વ્યથા તણો.
  પંખીગણે નવ પ્રભાતનું ગાન હર્ષથી.
  રેલાવિયું દ્રુમ દ્રુમે પૃથિવી નભે વળી :
  પ્રાચી મહીં પિયળની સુરખી છવાઈ ને.
  વ્યાપી વસંતની પરાગ સમીરણે ભળી.
  ઉલ્લાસનો નિધિ ત્યહીં ભરતીથી ઊછળ્યો.
  મેં સંધિકાળ દીઠ આવત ને જનારનો.
  આનંદનો કરુણ-વિહ્વલ ક્રંદના તણો.
  મેં સંધિકાળ દીઠ ભૂમિ પરે અપાર્થિવ.
  મેળો થતો જ્યહિં નિરંતર જન્મ મૃત્યુનો.રાજેન્દ્ર શાહ
  સદા યાદ રહે ખૂબ જાણીતી વાત–સ્વતંત્રતાના સમયે, પટેલ ૭૨ વર્ષના હતા. જ્યારે રાજ્ય વિભાગના સેક્રેટરી, વી.પી. મેનન, સ્વતંત્રતાના સમયે પટેલને સમજાવતા હતા કે સ્વતંત્રતાના સ્વપ્નને પ્રાપ્ત કર્યા બાદ, તેમને નિવૃત્ત થવું , પટેલે તેમને કહ્યું કે આ સમય નિવૃત થવાનો બિલકુલ નથી કારણ કે યુવા રાષ્ટ્રને તેમની સેવાઓની જરૂરીયાત છે.ધન્ય એ સંધિકાળ
  પ્રકાશ અને અંધકારના આ સંધિકાળનું એક વિશેષ મહત્વ પણ છે. પ્રાણાયામમા ઉચ્છવાસ અને પુનર્શ્વાસની વચ્ચે એક અત્યંત સુક્ષ્મતમ ક્ષણ સંધિકાળ છે. યોગાભ્યાસ કરનારાઓને જે સિદ્ધિ સાંપડે છે, એ આ સંધિકાળમાં સાંપડે છે. જ્યાં કશું નથી, શૂન્યાવકાશ છે. દશ્ય કે અદશ્ય પણ નથી. આ પરમની પળ છે. બ્રહ્મનો સાક્ષાત્કાર અહીં થાય. સાંજ અને વહેલી સવાર પણ આવું સંધિટાણું છે, એટલે પરમની પળ છે. આ પળને વેદોના ઉદ્દગાતાઓએ મન ભરીને ગાઈ છે. આ સંધિકાળ ખોઈ નાખવાથી, આપણે શું અને કેટલું ખોયું છે – એનોય આપણને અણસાર રહ્યો નથી.!

  Like

 2. સંધિનો બીજો અર્થ છે – સમાધાન. સમાધાન એટલે જે પરિસ્થિતિ છે – તેનો સ્વીકાર.
  આંતરિક જાગૃતિમાંથી મળતું આ એક ફળ પણ છે.

  Liked by 1 person

 3. Adbhut..thoughts.. purpose of life and death- Sandhi Kaal between these two- existence and non existence.and again Birth (Existence)
  in yoga we call Sushuman- where there is no surya nadi nor chandra nadi..only pure eternal existence..
  thx

  Liked by 1 person

 4. સાચી વાત…
  રોજ રોજ નજરોની સામે જ દિવસ ને રાત, કેવું હરતું ને ફરતું .
  સાવ કાચી માટીનું સજેલું આ પુતળું, ક્યારે કાયાને બદલતુ.

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s