(શ્રી હરનિશભાઈ, આંગણાંને આપની સશક્ત કલમનો લાભ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.-સંપાદક)
હાર્વી વિલીયમ્સ
હાર્વી કાળો (આફ્રિકન અમેરિકન ) હતો. ૧૯૭૨માં મારી સાથે લોન્ગ આયલેંડ–ન્યૂ યોર્કના વિસ્તારમાં, આવેલ એક ટેક્ષટાઈલ પ્રિન્ટીંગ પ્લાંટમાં કામ કરતો હતો.
હાર્વી, કાળો એટલે કાળો ભૂત લાગે. સવા છ ફૂટ ઊંચુ કદ કોઈને પણ ડરાવે. ચાલે તો જાણે ડોલતો ગજરાજ. અંધારામાં ઊભો હોય તો એકલા ચમકતા સફેદ દાંત જ દેખાય. જો આવડતા હોય તો હનુમાન ચાલિસાનો પાઠ કરવાનો આ જ સમય. પણ સ્વભાવે મિંદડી . જો કોઈ તેની સાથે ઊંચા અવાજે વાત કરે તો ય હાર્વી ગભરાય .એટલે ઝગડો ટાળવા કાયમ મ્હોં હસતું રાખતો. તેને સૌથી વધારે ડર તેની પત્ની ઈલિઝાબેથનો લાગતો. એમ તે જાતે કહેતો. ઈલિઝાબેથનું નામ તેની જીભે વાતે વાતે આવતું. અમારી સાથે બર્ની વિલીયમ્સ પણ કામ કરતો હતો. તે બન્ન્ને મિત્રો હતા. બર્ની પણ આફ્રિકન અમેરિકન હતો પણ તે વાને થોડો ગોરો હતો. એટલે તે પોતે આફ્રિકન ગણાવવામાં નાનમ સમજતો. તેમાં તેની પત્ની સેન્ડી ગોરી અમેરિકન હતી. તેનું તેને અભિમાન રહેતું. હું તેને કહેતો કે ગોરી કે કાળી. પત્ની એટલે પત્ની. પત્નીની એક જુદી નાત હોય છે. તેને તેની પત્નીએ પોતાનો પડ્યો બોલ ઝીલવાની ટેવ પાડી હતી. એટલે જો તે વર્ક પર મોડો પડતો તો પત્નીના નામનું બ્હાનું કાઢતો. જ્યારે હાર્વીને ગોરા કાળાની મગજમારી નહોતી. બર્નીની ઈચ્છા હોલિવુડમાં જવાની હતી. પણ કમનસીબે મારા જેવા ઈન્ડીયનના હાથ નીચે ભેરવાય ગયો હતો. અને મારી કુંડલિમાં એવું તો શું હતું કે જન્મયો ભારતમાં અને પનારો પડયો દસ હજાર માઈલ દૂર આ લોકોની સાથે.
હું પ્રિંટીંગ પ્લાંટના કલર ડિપાર્ટમેંટ ઈનચાર્જ હતો. સ્ટાફમાં બીજા પચીસ વર્કર હતા તેમનો સુપરવાઈઝર હતો. બપોરની બીજી શિફ્ટમાં કામ કરતા હતા.અને રાતે સાડા દસે છુટી જતા. સામાન્ય રીતે હું સ્ટાફ સાથે ભળતો નહીં. હું હજુ અમેરિકાથી બરાબર ટેવાયલો નહોતો. એટલે આ કાળા આફ્રિકન અમેરિકન મને ડરામણાં લાગતા. જ્યારે હાર્વીને પહેલ વહેલો જોયો ત્યારે મને મારી કલ્પનાનો મહાભારતના ભીમ અને બકાસુરના પ્રસંગનો બકાસુર યાદ આવ્યો હતો. અને બકાસુરની જેમ આ બકાસુર પણ બહુ ખાતો. એક બાજુ હાથ વજન કરતા હોય તો ય મોઢામાં કાંઈને કાંઈ ચાવતો હોય. હાર્વી પ્લાંટમાં પ્રિન્ટીંગ માટે જોઈતા જાત જાતના કલરનું ટિકીટ પ્રમાણે વજન કરતો. તે તેની ડયુટી હતી. બર્નીને હું ટિકીટ આપતો. બર્ની તે ટિકીટો હાર્વીને આપતો. હાર્વી તે કલરો તૈયાર કરતો. દિવસના અંતે જાત જાતના કલરોના કારણે આ કાળા હર્વી પર ભૂરા પીળા કલરના લિસોટા દેખાતા. તે તેને ભયાનક રૂપ આપતા .ઘેર જતાં પહેલાં અમારા દરેક વર્કરે ફરજિયાત શાવર બાથ લેવો પડતો. જો તેમ ન હોત તો ભૂતાવળ છુટી હોય તેવું લાગત.
એક બપોરે હાર્વી મારી ઓફિસમાં આવ્યો. મને કહે કે “જાની મારા કલર રૂમમાં આવ.” હું હાર્વીના કલર રુમમાં ગયો. હાર્વી કહે , “ તને અમેરિકન પાઈ ખબર છે? એપલ પાઈ તો અમારા અમેરિકાની સ્પેશ્યાલિટી છે. મારી વાઈફ બહુ સરસ બનાવે છે. તે તારા માટે લાવ્યો છું.” મેં તેને કહ્યું કે આટલી મોટી દસ ઈંચની પાઈ મારાથી નહીં ખવાય.”બર્ની કહે ,‘હું ખાવા લાગીશ.‘ એપલ પાઈ એટલે બાફેલા એપલ પર ખાંડની ચાસણી નાખેલી મિઠાઈ. અમેરિકામાં જાત જાતના ફ્રુટસ્ ની બનેલી પાઈ મળે છે. પછી અમે કામ કરતાં કરતાં તે પાઈ આરોગી. અને પછી હાર્વી રોજ પાઈ લાવતો.મેં જોયું તો મારું તો નામ માત્ર હતું હાર્વીને જ પાઈ ભાવતી. મને થતું કે હાર્વીએ જન્મતાની સાથે દૂધની જગ્યાએ પાઈ માંગી હશે. કદીક તે પાઈની જગ્યાએ કેક લાવતો. આમ અમારો સંબંધ આગળ વધ્યો. ખાસ તો એની ખાવાની ટેવને લીધે. બર્ની પણ હાર્વી માટે ખાવાની વાનગીઓ લાવતો. પણ નવાઈની વાત એ હતી કે મને પણ તેમની જ્યાફતમાં જોડતા .હા , જ્યારે તે વાનગી વેજિટેરિયન હોય ત્યારે જ હું જોડાતો. તેમનો ઉત્સાહ બહુ રહેતો હુ ઈન્ડિયન હતો. બીજા દેશમાંથી આવ્યો હતો એટલે મને નવું નવું ફૂડ ટેસ્ટ કરાવવા માંગતા હતા. અમારો સંબંધ સાથે કામ કરવા કરતાં ખાવાની વાનગીઓને લીધે વધ્યો. એક દિવસે બન્નેને મારે ત્યાં નોતર્યાં. મારો એક ઈરાદો એ પણ હતો કે મારા પત્ની કોઈ કાળા અમેરિકનને નજીકથી જુએ અને તેમનાથી ન ડરે. તે બન્ને એક શનિવારે આવ્યા. તેઓએ પ્રેમથી હસીને વાતો કરી. તો પોતાના રુમમાં છુપાઈ ગયેલી મારી દીકરીઓ પણ બહાર નિકળીને રમવા લાગી. એમને દેશી ભોજન ન ભાવ્યું. કશામાં મરચું નહોતું નાખ્યું તોય દરેક વાનગી તીખી લાગી. અમેરિકનોનું આ જ તો દુખ છે બિચારા મરી મસાલામાં શું સમજે! ગુલાબ જાંબુ બહુ ગળ્યા લાગ્યા. ફક્ત લુખ્ખી પુરીઓ બે હાથે તોડી તોડીને ખાધી. કાળા અમેરિકનોને તળેલી વસ્તુઓ બહુ ભાવે. તેમાં પણ ‘ફ્રાયડ ચિકન ‘ મળે તો તો બ્રાહ્મણને લાડુ મળ્યા બરાબર. ખાવાનાનો તો આનંદ ન મળ્યો પણ એક ઈન્ડિયન ફેમિલીને મળ્યાનો તેમને સંતોષ જરૂર થયો હતો. આપણે જે પ્રમાણમાં પાણી પીએ છિએ તે જોઈ તેમને નવાઈ લાગી. જતાં જતાં હાર્વીએ એટલું કહ્યું‘ તમે લોકો પાણી તો એવી રીતે પીઓ છો કે જાણે બિયર ન પીતા હો?
એક બપોરે હાર્વી મારી ઓફિસમાં આવ્યો. અને પ્લાટની નજીક આવેલી યુનાઈટેડ બેંક,પાંચ વાગે બંધ થાય તે પહેલાં પોતાનો તે દિવસે મળેલો પગારનો ચેક વટાવવા જવાની રજા માંગી. હાર્વી પંદરેક મિનીટમાં આવી જશે એમ ધાર્યું .પણ તે ન આવ્યો. પણ લગભગ અડધા કલાક પછી એનો ફોન આવ્યો.ગભરાયેલા અવાજે મને બેંકમાં આવવાનું કહ્યું. જતાંમાં જ મેં જોયું તો બહાર બે ચાર પોલિસ કાર હતી અંદર હાર્વીને ખુરશી પર બેસાડ્યો હતો. અંદર ગયો. પોલિસ મારા માટે તૈયાર જ હતી. મારે પોલિસોને જાત જાતના સવાલોના જવાબ આપવા પડ્યા. પછી મને આખી વાત સમજાઈ. બેંકમાં બે ચાર કસ્ટમર હતા. કેશીયરની બારી પર હાર્વીનો બીજો નંબર હતો. તેણે જોયું કે તેની આગળના ક્સ્ટમરે કેશિયર સામે ગન ધરી અને બેંક લૂંટવા પ્રયત્ન કર્યો. હાર્વીને શું ચાલી રહ્યું છે. તેનો ખ્યાલ આવી ગયો. હાર્વીએ પાછળથી પેલાના માથામાં પોતાનો ફોલાદી મુક્કો માર્યો. પેલા લૂંટારાભાઈ જમીન પર પડ્યા અને હાથમાંની ગન પણ દૂર ઊડી ગઈ. હર્વી એની છાતી પર બેસી ગયો. એ તો લૂંટારાભાઈએ સવારે કોઈ સારાનું મોં જોયું હશે. બાકી હાર્વી કોઈની છાતી પર બેસે તો તેના રામ રમી જાય. એટલામાં પોલિસ આવી ગઈ અને કાળા હાર્વીને ચોર માની બે ડંડા ફટકાર્યા અને લુંટારાની સાથે તેને પણ પકડી લીધો. પોલિસનો આ જ પ્રોબ્લેમ છે. તેઓ કાળા અમેરિકનોને એક નજરમાં જ ગુન્હેગાર સાબિત કરી દે છે. હાર્વીએ પોલિસને જણાવ્યું કે તે અમારી કંપનીમાં કામ કરે છે. તો પોલિસે મારી જુબાની લેવા મને બોલાવ્યો. મારી વાત માની અને હાર્વીને છોડી દીધો. અને બીજે દિવસે બેંકે હાર્વીને બોલાવીને સરસ શેમ્પેઈનની બોટલ ભેટ આપી. અને લોકલ છાપામાં હાર્વીનો ફોટો આવ્યો તે જુદું.
અમારી કંપનીના પ્રિંટીંગ બિઝનેસ પર મંદી આવી ગઈ લોકો પ્રિંટ વિનાના બ્લુ જીન્સ પહેરતા થઈ ગયા. કંપની બંધ પડી ગઈ. અમે સૌએ નવા જોબ શોધી લીધા.
બરાબર સત્તર વરસ પછી હું પ્લાસ્ટીક એન્જિનીયર્સની કોન્ફરન્સમાં ન્યૂ યોર્ક ગયો હતો. બપોરે લંચ લઈને ટાઈમ્સ સ્કવેર એરિયામાં ચાલતો હતો. અને મેં બૂમો સાંભળી. એક કાળો અમેરિકન મારી પાછળ દોડતો હતો. આ માણસ મારી પાછળ કેમ દોડે છે? નક્કી આપણું આવી બન્યું. આ ન્યૂ યોર્ક છે. રોજના વીસ ત્રીસ ખૂન થાય છે. હરનિશ જાનીએ દોટ મુકી. પણ પેલા કાળાએ મને પકડી પાડ્યો. જોયું તો તે હાર્વી હતો. હું એને જોઈને ખૂશ થઈ ગયો. અમે ભેટી પડ્યા. પછી હાર્વી કુમાર બોલ્યા.”મને જોયા સિવાય ભાગ્યો કેમ? અમારા કાળા લોકોની ઈમ્પ્રેશન જ ચોર લૂંટારાની છે ને! “તેણે મને યુનાઈટેડ બેંક લૂટનો કિસ્સો યાદ કરાવ્યો અને સમજાવ્યું કે પ્રિન્ટીંગ પ્લાટ બધ થયા પછી યુનાઈટેડ બેંકમાં તેને સિકયોરિટી ગાર્ડની નોકરી મળી ગઈ અને આજે ટાય –કોટવાળા યુનિફોર્મમાં સિટી બ્રાન્ચમાં સિક્યોરિટી ઓફિસર છે. તેણે કહ્યું ,” લુક આઈ એમ નાઉ મિ. ક્લિન.” પછી ઘણી જુની વાતો કરી. બર્નીના તેની પાસે કોઈ સમાચાર નહોતા. અમે બન્ને હાવર્ડ જોન્સન રેસ્ટોરાંમાં જૂના સંસ્મરણો યાદ કરતાં કરતાં એપલ પાઈ ખાઈને, પાછા કોઈ દિવસે આવી રીતે મળી જઈશું એમ વિચારી છુટા પડ્યા. આ ન્યૂ યોર્ક છે. અહીં તો બધું શક્ય છે.
5 thoughts on “હાર્વી વિલીયમ્સ (અંતીમ પોસ્ટ) હરનિશ જાની”
હરનિશભાઇ,
માનવ…માનવતા…હ્યુમન સાયકોલોગી….અને …..‘.તે, પેલો અને હું..‘…કેવી સરસ જીવંત વાત બની ગઇ ? માણસ જન્મે કાળો હોય કે ઘોળો કે બ્રાઉન…..આખરે તો માનવ જ ને ?
હૃદયથી ઓળખો તો બઘે જ સારસ મળે. ખૂબ સુંદર રીતે માનવ અને માનવતાને વર્ણવી.
હરનિશભાઇ…થેંન્ક યુ….
થેંન્ક યુ પી.કે.
અમૃત હઝારી.
હરનીશભાઈ, આ આખો યે પ્રસંગ, હસતા હસતા રસાળ શૈલીમાં, ખૂબ જ સાહજિકતાથી, વાર્તાની ઢબે તમે લખ્યો તે વાંચવાની તો મઝા આવી જ.પણ સૌથી વધુ ગમ્યા એમાંથી નીકળતા,એકથી વધુ સંદેશાઓ..સાહિત્યનો આ જ કસબ છે ને? સમાજને તટસ્થાપૂર્વક સાચું બતાવી આપો. તમારા લખાણમાં હાસ્યની સાથે સાથે વ્યંગ હશે પણ તેનો દંશ ક્યાંય નથી જ.
મા અમૃતભાઇ અને અમારા સુ શ્રી દેવિકાબેનની વાત સાથે સંમત
+’ હાર્વીએ જન્મતાની સાથે દૂધની જગ્યાએ પાઈ માંગી હશે’
વાતે યાદ આવે અમે માર્ચ ૧૪ પાઇ ડે તરીકે ઉજવીએ તેમા એપલ પાઇ પર લખીએ ૩.141592653589793238462643383279502884197169399375105820974944592307816406286 …. અંતીમ પોસ્ટ હરનિશ જાની વાંચી વિચાર આવ્યો કે આ તો આ બ્લોગની હાલની અંતીમ પોસ્ટ…કોઇ અન્ય પોસ્ટ પર વહેલા વહેલા આવજો
દેર ન હો જાય…
અસ્તિત્વ મારું ન હોય ને તારું યે ન હો એટલાં નિકટ કે મારી …
સાંજના અંધારામાં પંડનો પડછાયો પણ અદૃશ્ય થઈ જાય છે,
કદાચ પ્રિયજનના ન હોવાની ઉજ્જડતા એને અકળાવતી હશે ?
harnishbhai– last post- very impressive–and great human relation you have painted–and last meeting of mr clean was really nice- meeting old friends after 15 years- and enjoying eating apple pie in a restaurant..
હરનિશભાઇ,
માનવ…માનવતા…હ્યુમન સાયકોલોગી….અને …..‘.તે, પેલો અને હું..‘…કેવી સરસ જીવંત વાત બની ગઇ ? માણસ જન્મે કાળો હોય કે ઘોળો કે બ્રાઉન…..આખરે તો માનવ જ ને ?
હૃદયથી ઓળખો તો બઘે જ સારસ મળે. ખૂબ સુંદર રીતે માનવ અને માનવતાને વર્ણવી.
હરનિશભાઇ…થેંન્ક યુ….
થેંન્ક યુ પી.કે.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
હરનીશભાઈ, આ આખો યે પ્રસંગ, હસતા હસતા રસાળ શૈલીમાં, ખૂબ જ સાહજિકતાથી, વાર્તાની ઢબે તમે લખ્યો તે વાંચવાની તો મઝા આવી જ.પણ સૌથી વધુ ગમ્યા એમાંથી નીકળતા,એકથી વધુ સંદેશાઓ..સાહિત્યનો આ જ કસબ છે ને? સમાજને તટસ્થાપૂર્વક સાચું બતાવી આપો. તમારા લખાણમાં હાસ્યની સાથે સાથે વ્યંગ હશે પણ તેનો દંશ ક્યાંય નથી જ.
LikeLiked by 1 person
શ્રી હરનીશભાઈ નાં ભૂતકાળનાં જોબ વખતનાં સ્મરણો ખુબ રસસ્પદ રીતે આ લેખમાં એમણે રજુ કર્યા છે. એમના બધા લેખો આવા મજાના હોય છે.ધન્યવાદ.
LikeLiked by 1 person
મા અમૃતભાઇ અને અમારા સુ શ્રી દેવિકાબેનની વાત સાથે સંમત
+’ હાર્વીએ જન્મતાની સાથે દૂધની જગ્યાએ પાઈ માંગી હશે’
વાતે યાદ આવે અમે માર્ચ ૧૪ પાઇ ડે તરીકે ઉજવીએ તેમા એપલ પાઇ પર લખીએ ૩.141592653589793238462643383279502884197169399375105820974944592307816406286 …. અંતીમ પોસ્ટ હરનિશ જાની વાંચી વિચાર આવ્યો કે આ તો આ બ્લોગની હાલની અંતીમ પોસ્ટ…કોઇ અન્ય પોસ્ટ પર વહેલા વહેલા આવજો
દેર ન હો જાય…
અસ્તિત્વ મારું ન હોય ને તારું યે ન હો એટલાં નિકટ કે મારી …
સાંજના અંધારામાં પંડનો પડછાયો પણ અદૃશ્ય થઈ જાય છે,
કદાચ પ્રિયજનના ન હોવાની ઉજ્જડતા એને અકળાવતી હશે ?
LikeLike
harnishbhai– last post- very impressive–and great human relation you have painted–and last meeting of mr clean was really nice- meeting old friends after 15 years- and enjoying eating apple pie in a restaurant..
LikeLiked by 1 person