“પન્ના નાયકની વાર્તા-૧૦ (વૉટરફિલ્ટર)


વૉટરફિલ્ટર

 ‘ક્યાં જાય છે અલ્પા?’

જ્યારથી અમારા મિત્ર ભાનુભાઈએ મારા જન્માક્ષર જોઈને કહ્યું કે મારે પ્રવાસયોગ છે ત્યારથી હું જેવી તૈયાર થાઉં કે નિમિષ અચૂક પૂછે:

‘ક્યાં જાય છે, અલ્પા?’

‘ક્યાંય નહીં.’

‘તું છુપાવે છે.’ નિમિષ છાપામાંથી જ્યોતિષનું પાનું જોતાં બોલ્યો.

અમારાં લગ્નને પાંચ વરસ થયાં છે. નિમિષે પાંચ નોકરીઓ બદલી છે. અમારું ઘર હજી અનફર્નિશ્ડ છે. ઓરડાઓમાં રંગ કરાવવાનો બાકી છે. રસોડાની ફર્શની ટાઇલ્સ ઊખડવા માંડી છે. નવાં ટોસ્ટર, બ્લેન્ડર લાવવાનાં થયાં છે. ભાનુભાઈએ કહ્યું ત્યારથી નિમિષ માત્ર જ્યોતિષ પર ધ્યાન આપે છે.

નિમિષનો દેખાવ મોટે ભાગે ગુજરાતી પુરુષોનો હોય એવો. સાધારણ. રંગ ઘઉંવર્ણો. આંખો ચબરાક પણ કાળી ફ્રેમનાં ચશ્માંમાંથી એનો બહુ ખ્યાલ ન આવે. ઓછાબોલો. કેટલાક એને મીંઢો કહે એટલો ઓછાબોલો. ઉંમર પિસ્તાળીસ. મારા કરતાં પંદર વધારે. હવે ટાલ પડવા માંડી છે પણ મને દેખાતી નથી. કદાચ મારે જોવી નથી.

મને ટાલનો વાંધો નથી. વાંધો એના સ્વભાવનો છે. એનો સ્વભાવ બૉરિંગ છે. મને બૉરિંગ લાગે છે. કદાચ મારી અપેક્ષાઓને કારણે હશે. નિમિષ છેલ્લાં એક વરસથી ટેક્સેકો ગૅસકંપનીમાં ઍડવર્ટાઇઝિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. ત્યાં એણે ગૅસ માટેના સ્લોગન તૈયાર કરવાનાં હોય છે. ‘ફિલ અપ ઍન્ડ ફીલ ધ ડિફરન્સ.’ ‘વન્સ યુ વોક ઇન, યુ વિલ નેવર વોક આઉટ વિધાઉટ ફિલિંગ ધ ટૅન્ક.’

અમે મળ્યાં લાઇબ્રેરીમાં. એ માર્કેટિંગની ચોપડીઓ વાંચે ને હું કવિતાની. ધીમે ધીમે લાઇબ્રેરી જવાનું ને ચોપડીઓ વાંચવાનું ઓછું થતું ગયું. અમારી સેક્સ લાઇફની જેમ. એક જ શબ્દમાં કહેવું હોય તો લગ્નના પહેલા વરસ પછી બધું ‘ડાઉનહિલ’ છે. ભાનુભાઈએ મારા જન્માક્ષર જોયા ત્યારથી એક નવો વળાંક આવ્યો છે.

‘ક્યાં જાય છે, અલ્પા?’ નિમિષ ધ્રુવવાક્ય બોલ્યો.

નિમિષ નહાવા ગયો ત્યારે આજના છાપામાં આવેલો મારા વિશેનો જ્યોતિષનો વરતારો મેં વાંચ્યો હતો. લખ્યું હતું: પૈસાનું ધ્યાન રાખવું. નવા રોમાન્સની વકી. આ વરતારો વાંચીને નિમિષ શંકાશીલ બને એ સ્વાભાવિક હતું.

‘તું કોઈ બીજા પુરુષની આકર્ષાઈ છે?’

મેં વિચાર્યું: આકર્ષણ કેવું! નસીબ ફૂટ્યાં છે? પતંગ દીવા પાસે દાઝી મરે છે એ ખબર છે. સામે ચડીને દાઝવાનું. ના રે ના.

‘હું તો નથી આકર્ષાઈ. તું?’

‘બીજા પુરુષોથી?’

‘ના, ના. બીજી સ્ત્રીઓથી?’

‘અરે અલ્પા, એટલું તો સમજ કે તને મળ્યા પછી બીજી સ્ત્રીઓ મારે મા બહેન સમાન છે.’

મને ખબર છે. નિમિષ બીજી સ્ત્રી પાસે ન જાય. એને મૈત્રી કે સેક્સ કશામાં રસ નથી.

મહિના પહેલાં ટ્રેનમાં મારી સામે એક પુરુષ બેઠો હતો. દેખાવડો હતો. એણે દાઢી રાખી હતી. મને દાઢી નથી ગમતી. ચુંબન કરવા જાવ ને ખૂંચે. ચુંબનની બધી મજા બગડી જાય. મનમાં નિમિષને કહું છું કે મને બીજા પુરુષનું આકર્ષણ નથી. હા, ક્યારેક ફૅન્ટસી કરું છું. એ કોઈ મોટી કંપનીનો સીઈઓ હોય. સાંજે એની મર્સીડીસમાં ઘેર આવે. હીંચકે બેસીને અમે ચા પીએ. એ મને વહાલથી નવડાવી દે. એના ચુસ્ત બાહુપાથમાં ભીંસી દઈ મારી કાયાને એની કાયામાં ઓગાળી દે. મારા પુરુષ ચહેરાહીન હોય છે. એમને કોઈ ઉંમર હોતી નથી. એમને ટાલ હોતી નથી. રાતના એ મારી ઊંધી બાજુ સૂઈ ભીંત સામે જોતા નથી. એ વૉટરપ્યુરિફાયરનાં ફિલ્ટર બદલવાની તારીખ નોંધી રાખતા નથી. એમને જ્યોતિષમાં રસ નથી. એમને મારા પ્રવાસયોગની ખબર હોય તોય પૂછપૂછ કરતા નથી.

‘ક્યાં જાય છે, અલ્પા?’

ગુલાબની વાડીમાં તો નહીં જ. મને ગુલાબ બહુ ગમે છે એટલે ગયે વરસે નિમિષે દસપંદર છોડ વાવી દીધા. પછી સમ ખાવા એક દિવસ જઈને જોયું હોય કે છોડ જીવે છે કે મરે છે! મારે જ ક્યારી સાફ કરવાની ને મારે જ પાણી પાવાનું. વળી, જૅપનીઝ બીટલ કળીઓ ખાઈ જાય એટલે સ્પ્રે છાંટ્યા કરવાનું. એના કરતાં તો ગુલાબ ખરીદવાં સારાં!

મેં પાછું લાઇબ્રેરી જવાનું શરૂ કર્યું છે. ત્યાંના સ્ટાફરૂમમાં બે સ્ત્રીઓને વાત કરતાં સાંભળી હતી. એક સ્ત્રી બીજી સ્ત્રીને કહેતી હતી કે લગ્નમાં જ્યારે ગૂંગળામણ થાય છે ત્યારે નજીક હોવા છતાં પતિપત્ની એકબીજાને જોતાં બંધ થઈ જાય છે. બીજી સ્ત્રીએ સંમતિમાં માથું હલાવ્યું હતું. નિમિષને એવું થતું હશે? ‘ક્યાં જાય છે, અલ્પા?’ એમ પૂછે છે ત્યારે હું એને છોડી દઉં એમ સૂચવતો તો નહીં હોય? કે પછી એને બીક હશે કે હું એને છોડી દઈશ?

‘ક્યાં જાય છે અલ્પા?’ સવાલ પૂછતી વખતે નિમિષના કપાળમાં બે-ત્રણ રેખાઓ ઊપસીને ભેળસેળ થયેલી હતી.

મારા પપ્પા મને સવાલ પૂછતા ત્યારે હું જવાબ ન આપું તો એ ભવાં ચડાવી મારી તરફ આવતા. એક ડગલું… બીજું… ત્રીજું ભરે એ પહેલાં હું દોડી જતી.

મને લાગે છે કે નિમિષ પણ ભવાં ચડાવી મારી તરફ આવે છે. એક ડગલું… બીજું… પણ હું દોડીને જાઉં ક્યાં?

કદાચ ટ્રેનમાં મળેલા પેલા દાઢીવાળા પુરુષ પાસે. મેં એની સાથે વાત કરી છે. અમે સાથે કૉફી પીધી છે. એ યુનિવર્સિટીમાં વર્ષોથી પ્રોફેસર છે. અંગ્રેજી સાહિત્ય ભણાવે છે. મારે એની ખૂંચતી દાઢી પસવારતાં પસવારતાં શેક્સપિયર, શેલી અને એલિયટની કવિતા સાંભળવી છે.

‘ક્યારે જાય છે અલ્પા?’

‘ક્યારે?’

‘ના, ક્યાં?’

‘મેં સાંભળ્યું, “ક્યારે”?’

‘તારી ગેરસમજ થાય છે. મેં તો પૂછ્યું કે ક્યાં જાય છે અલ્પા?’

નિમિષ જેમ જેમ પૂછે છે તેમ તેમ વધારે ને વધારે ચાલી જવાના વિચાર આવે છે. ચાલી પણ જાઉં. ચાલી જવું ગમે પણ ખરું.

ચાલી જવાના કશા પ્લાન તો નથી. છતાં દર રવિવારના ટ્રાવેલ સેક્શનમાં બહામા, બર્મ્યુડા, અલાસ્કા, યુરોપની જાહેરખબર આવે છે એ જોઉં છું. વન એઇટ હન્ડ્રેન્ડ પર ફોન કરીને રિઝર્વેશન કરાવવાનું. પૅકેજ ડીલમાં પ્લેઇન ફેર અને હોટેલ બન્ને. બહામા બર્મ્યુડામાં હોટેલની સામે જ નાળિયેરીનાં ડોલતાં વૃક્ષો અને ઊછળતો દરિયો. ના, ના. મને તો ગમે વૃક્ષોથી આચ્છાદિત ટેકરી, જ્યાં સેંથા જેવી પગથી પર ચાલીને ઝરણા પાસે જવાનું ને એનું સંગીત સાંભળવાનું. ખળ ખળ ખળ. પગ ડુબાડીને કલાકો સુધી બેસવાનું. એવી ય જગ્યા ગમે જ્યાં ઊંચી છતવાળો મોટો સફેદ ઓરડો હોય. વૉલ-ટુ-વૉલ બુક શેલ્વઝ હોય. મ્યુઝિક સિસ્ટમ હોય. આજુબાજુ મ્યુઝિયમ હોય. રેસ્ટોરંટ હોય. ઓરડામાંથી નદી દેખાતી હોય. બાળકો રમતાં હોય. એમની કાલી ભાષાના ગુંજતા સ્વર કાનને ભરી દેતા હોય. મને પણ બાળક થવાનું હતું. ઉચ્ચારની ભૂલ ન થાય એવાં નામ પણ મેં શોધી રાખેલાં. મારું નામ જુઓને. અલ્પા. કેવું નામ છે, અલ્પા? અમેરિકામાં બધાં મને ખીજવે છે, ‘આલ્પો’, ‘આલ્પો’ કહીને. ‘આલ્પો ડૉગફૂડ.’

નિમિષને મારું નામ ખૂબ ગમે છે. વહાલમાં અલ્પુ, અલ્પી, અલ્પ કહે છે. ‘અલ્પા’ કહે ત્યારે સમજવાનું કે મામલો ગંભીર છે.

મને બાળક હોત તો નિમિષને છોડવાનો વિચાર કર્યો હોત? મારી સાથેની રૂથ અને લીસા સિંગલ પૅરન્ટ છે.

‘ક્યારે જાય છે અલ્પા?’

મેં બરાબર સાંભળ્યું. ‘ક્યા-રે?’ હું હજી અવઢવમાં છું? હજી સમય પાક્યો નથી? સમય પાક્યો છે એ કેમ કહી શકાય? હજી વધારે કંટાળીશ ત્યારે? બીજી સ્ત્રીઓએ નિર્ણય ક્યારે ને કેવી રીતે લીધો હશે? એક પણ દિવસ વધારે ખેંચી શકી નહીં હોય ત્યારે? ઇબ્સનની નૉરાએ એવું જ કર્યું હશે? બારણાને ધક્કો મારીને છેલ્લી સલામ?

હું ક્યારે જાઉં છું? થોડા જ સમયમાં… થોડા જ… મને લાગે છે વૉટરફિલ્ટર બદલવાનો સમય થઈ ગયો છે.

1 thoughts on ““પન્ના નાયકની વાર્તા-૧૦ (વૉટરફિલ્ટર)

પ્રતિભાવ