આઝાદીના એક દાયકા પછીના રજવાડા (પી. કે. દાવડા)


આઝાદીના એક દાયકા પછીના રજવાડા

 ૧૯૫૭ થી ૧૯૬૧ સુધી હું વડોદરા યુનીવર્સીટીના દાદાભાઈ નવરોજી હોલ નામની હોસ્ટેલમાં રહેતો. એ વખતે પ્રત્યેક હોસ્ટેલમાં, અલગ અલગ ફેકલ્ટીના થોડા થોડા વિદ્યાર્થી રહેતા. મારી હોસ્ટેલમાં પણ અલગ અલગ કોલેજના, અલગ અલગ રાજ્યોમાંથી આવેલા, અને અલગ અલગ સામાજીક સ્તરના વિધ્યાર્થીઓ હતા. આમાંના બે જણની ગણત્રી રજવાડામાં કરી શકાય.

ગુજરાતમાં નાના મોટા મળીને ૪૦૦-૫૦૦ રજવાડાં હતા. આમાં ૧૦-૧૨ ગામથી માંડીને એક તાલુકા જેટલી સરહદો વાળા એસ્ટેટનો સમાવેશ કરી શકાય.

પ્રિન્સ રણજીતસિંહ રાણા મ્યુઝિક કોલેજમાં સંગીતમાં બી.મ્યુઝિક ની ડીગ્રી માટે આવેલા. ગુજરાતમાં જ કેરવાડા એસ્ટેટ, ભારતમાં જોડાવા પહેલા એમના બાપદાદાનું હતું. એમના કાકા માનસિંહજી ભા સાહેબ રાણા ૧૯૬૦ થી ૧૯૬૨ સુધી ગુજરાત વિધાનસભાના સભાપતિ (સ્પીકર) હતા. રજવાડાને નાતે કે પછી સંગીતના વિદ્યાર્થી હોવાથી એ એકલા એક રૂમ વાપરતા, બાકી બધા રૂમોમાં બે જણ રહેતા.

ખાસ વાત એ છે કે આઝાદીના દસ વર્ષ બાદ, એ સંપૂર્ણ રીતે આમ આદમી બની ગયેલા. હોસ્ટેલના બધા લોકો સાથે એ સામાન્ય વ્યક્તિની જેમ જ વર્તન કરતા. હોસ્ટેલને રસોડે જ જમતા. થોડો ફરક એમના પહેરવેશમાં જણાતો. હંમેશાં લોન્ડ્રીમાં ધોયેલાં સફેદ પેન્ટ શર્ટ પહેરતા. તે ઉપરાંત વડોદરા ક્રીકેટ ટીમની સાથે રમતા, અને વડોદરાના પ્રિન્સ સાથે સંપર્કમાં રહેતા. એમને જે પત્રો આવતા, તેમા કે. એસ. રણજીતસિંહ રાણા લખેલું રહેતું. મેં તેમને પૂછેલું કે આ કે. એસ. શું છે, ત્યારે એમણે કહેલું કે એ “કુમાર શ્રી” નું શોર્ટ ફોર્મ છે. હોસ્ટેલના કેટલાય લોકો એમને તું કહેતા, પણ એમણે ક્યારે પણ અણગમો બતાવ્યો ન હતો.

બીજી વ્યક્તિ હતા કમલ બાપુ. આમ તો એમનું નામ કમલ પટેલ હતું, પણ બધા જ એમને કમલ બાપુ કહેતા. ખાસ નોંધવા જેવી વાત એ હતી કે બધા એમને તમે કહેતા, પણ એ બધાને તું કહેતા. એમના રોજ પહેરવાના કપડા સ્નો વાઈટ લોન્ડ્રીમાં ધોવાતા. તેઓ પણ સફેદ પેન્ટ અને સફેદ શર્ટ પહેરતા. હોસ્ટેલના બધા લોકો સાથે સહેલાઈથી ભળતા. એ ભરૂચ તાલુકાના ભરથાના એસ્ટેટના માલિક હતા. એકવાર અમને દસબાર લોકોને પોંક ખાવા પોતાને ગામ લઈ ગયેલા. સ્ટેશન પર અમને લેવા ત્રણ ચાર શણગારેલા ગાડાં આવેલા.

એક વિશાળ ડેલીમાં એમનું કુટુંબ રહેતું. ગાયો, ભેંસો અને ઘોડા માટે પણ સારી વ્યવસ્થા હતી. રહેઠાણમાં આધુનિક સગવડો હતી. બાપુના મહેમાન હોવાથી ગામના ખેતરોમાંથી સારામા સારી જાતનો પોંક, અને ભરૂચથી મંગાવેલી લીંબુ મરી વાળી સેવ, અમને ખવડાવવામાં આવ્યા. પોંક ખાવ તો ઉપરથી છાશ પીવી જોઈએ એમ કહી અમને ખૂબ મોટા ગણાય એવા ગ્લાસમાં ખૂબ જ સ્વાદીસ્ટ છાશ આપવામા આવી. અમારૂં તો પેટ આમાં જ ભરાઈ ગયું, પણ કમલ બાપુએ કહ્યું કે અમારા માટે જમવાનો બંદોબસ્ત એમના માતા-પિતા એ કર્યો છે અને એમને ના ન પાડી શકાય. જમવામાં દુધપાક-પુરી, ફરસાણ, બે ત્રણ જાતના શાક, કઠોળ અને દાળ-ભાત હતા. બાપુની ભેંસોના દૂધમાંથી બનાવેલું દુધપાક પચવા માટે અમારા જેવા આમ લોકો માટે ભારે હતું. ઉપરથી કમલ બાપુના માતા-પિતાનો આગ્રહ!!

હજી તો જમી લીધાને એકાદ કલાક થયો હશે ત્યાં સમાચાર આવ્યા કે અમે બાપુના મહેમાન હોવાથી ગામના મહેમાન કહેવાઈએ, એટલે ગામના આઠ દસ આગેવાનોએ અમને ચા માટે આમંત્રણ મોકલ્યું છે. બાપુએ આમંત્રિતોનું લીસ્ટ જોઈ, એમાના ચાર લોકોને મંજૂરી આપી. એટલે અમે ૧૫-૨૦ મિનીટના ગાળે ચાર ઘરોમાં ચા-બિસ્કીટ લીધા. બાપુની ડેલીમા “ટોઈલેટ”ની સગવડ સારી હોવાથી બહુ વાંધો ન આવ્યો.

મોડી સાંજે પાછા વડોદરા આવી ગયા. બધાનું પાચન તંત્ર નોર્મલ થતાં બે ત્રણ દિવસ લાગેલા. આમ મેં જોઈયું કે આઝાદી પછીના એક દાયકામાં બાપુઓ જાહેરમાં તો તદ્દન આમ આદમી બની ગયેલા, પણ એમની પોતાની હદમા એમનો દબદબો કાયમ હતો.

9 thoughts on “આઝાદીના એક દાયકા પછીના રજવાડા (પી. કે. દાવડા)

  1. very nice story of bapu- rajwada etc. i had also similar experience of Digvijaya Singh(ninth Chief Minister of Madhya Pradesh) product of my engg college and few other in those days of 1962..”Singh was born in Indore in the erstwhile princely state of Holkar (now a part of Madhya Pradesh) of British India, on 28 February 1947.[1] His father, Balbhadra Singh, was the Raja of Raghogarh ” another of Vijendra singh.

    Liked by 1 person

  2. રજવાડી સ્ટાઈલ ને મહેમાનગતી એ આપણી મીઠી સંસ્કૃતિ હતી. મહેમાન થયેલ કોઈ , સંબંધીના ઘેર વારાફરતી જમતા, દિવસો સુંધી ને જો બીજીવાર એ ઘરે જમવાનો વારો આવી જાય તો તુરંત જ વિદાય થઈ જતા. સરસ અનુભવ

    Sent from my iPhone

    >

    Liked by 1 person

  3. આ રજવાડાઓ ના સાલીયાણા બંધ થયા અને તેમના જાગીરી હક્ક ભારત ના નકશા પર થી નાબૂદ થયા બાદ તેમને પૈસા ની મહોતાજી નો સામનો કરવો પડ્યો તે બહુ ખોટું થયું ..

    Liked by 1 person

  4. વાહ
    મા દાવડાજીએ વર્ણવેલી ઘણી વાતો અમે પણ અનુભવી છે.ઉમદા સ્વભાવવાળા રાજવીઓ ના રાજ્યો ન રહ્યા પણ પ્રજાના ન હોય તેવાની પણ સારસંભાળ, સાફસફાઈ, પ્રેમથી જમાડવા, સહુને જમાડી પછી સહુથી છેલ્લે જમવું, બધાનો સમય સાચવવાનો, શક્ય એટલા સહુને ખુશ રાખવાના, ઘરે આવેલા મહેમાનોની આગતા સ્વાગતા કરવી વગેરે એવાં કાર્યો છે જે અત્યંત વિશિષ્ટ પ્રકારના છે. બધાની સગવડ અગવડનું બરાબર ધ્યાન રાખવું, સહુને સાચવી લેવા ને સંભાળી લેવા – આ દરેક કાર્યો એવાં અનોખાં, અનન્ય, અલગ અને અપૂર્વ છે જેને પરિપૂર્ણ કરવા સંસ્કારી રાજવી કુટુંબોને શીખવવા તજજ્ઞ હતા !
    એક અનુભવ ખાસ યાદ રહ્યો તે બાપુ કસુંબો પોતાના હાથેથી પાવાનો આગ્રહ રાખે ત્યારે અમારા દાદાજીને ખાસ સલાહ આપવામા આવી હતી કે પ્રેમથી નમસ્કાર કરવા પણ ઉધ્ધતાઇ ન બતાવવી અને આવા જોડકણાને પણ વધાવવા અને જે પ્રેમ લાગણીથી સ્વાગત કરે તેનો આનંદ લેવો..
    જોડકણુ કાંઇક આવુ …
    ખરલમાં નાખો તો ખસરક ઘુટાક
    ગળણીમા નાખો તો ત્રબક ત્રબક
    કીડી પીએ તો હાથી થી લડે
    તલનો ત્રીજો ભાગ રાઇ ના દાણા જેટલો
    હેઠો પડે તો પ્રુથ્વી ફાડે …

    Liked by 1 person

  5. राजा महाराजाओए शोषण सीवाय कांई ज नथी कर्युं.  एमना कारभारीओ अने ठेठ गामना पटेल सुधी बधाए शोषण करेल छे. 

    सरदार पटेल अने महात्मा गांधीजीए आझादी अपावी एना पछी शोषण नी नीशानीना भाग रुपे सोमनाथ मंदीरना नीर्माणमां रस लीधेल…

    Like

  6. શોષણ તો અંગ્રેજો એ શીખવાડ્યું.. રાજા રજવાડા ના હૈયે પ્રજા પાલન-પોષણ નો નાદ વધુ ગવાયો છે.. વળી તેમને પ્રોત્સાહિત કરતા ભાટ-ચારણો પણ ખરા.. અંગ્રેજી ના આધિપત્ય અને પૈસા અને તેની મહોતાજી પછી ઘણું બદલાયું..

    Liked by 1 person

  7. Liked the reality. They were real princes. Today, politicians have become RULERS……They enjoy more royal treatments than those princes. They were princes of the people, today politicians are the forcefully become princes. They do not have royal genes.
    Thanks, Davda Saheb.
    Amrut Hazari.

    Like

  8. બહુ સુંદર પ્રસંગો વર્ણવ્યા છે…બહુ ગમ્યાં..

    વ્હોરાભાઈને માત્ર શોષણજ દેખાયું..!!! બધામાંજ…?? કોઈ સારું નહીં..?? એમના હિસાબે તો આજના ‘મહારાજાઓ’ જ ખરેખર પ્રજાના તારણહાર અને પોષક છે…. ઠીક ભાઈ, દરેકમાં છિદ્ર શોધવું….

    ..

    Like

પ્રતિભાવ