મૌલિક છાપ અને રેખાંકનોની ની કેટલીક લાક્ષણિકતાઓ – 2 (શ્રી જ્યોતિ ભટ્ટ)


(લલિતકળાની આ series માટે પોતાની અણમોલ કૃતિઓ, લખાણો અને સમય આપવા બદલ હું આંગણાં વતી શ્રી જ્યોતિભાઈ ભટ્ટ્નો હ્રદય પૂર્વક આભાર માનું છું. ભવિષ્યમાં પણ આ વિભાગ માટે એમનું માર્ગદર્શન મળતું રહે એવી અપેક્ષા સાથે આ Series અહીં પૂરી થાય છે.)

                                                                    

મૌલિક છાપ અને રેખાંકનોની ની કેટલીક લાક્ષણિકતાઓ – 2

      ચિત્ર, છાપ તથા રેખાંકનમાં વપરાતાં રેખા, રંગો, પોત વગેરેમાં ખૂબ જ સામ્ય છે. તેથી આ લખાણમાં ત્રણેય માધ્ય્મોનો ઉલ્લેખ થતો રહેશે. આ ત્રણેય માધ્ય્મોમાં આકૃતિઓ બનાવવા માટે મુખ્યત્વે ભીંત, પાટિયું, કપડું તથા કાગળ જેવાં સપાટ ફલકો વપરાય છે. આવાં ફલકોની રેખાંકન માટે ઉપયોગમાં લેવાતી સપાટીને લંબાઈ તથા પહોળાઈ એ બે પરિમાણો (dimenssions) જ હોય છે. પણ, ત્રીજું પરિમાણ – ઊંડાઈ- હોતું નથી. આ કારણે કળા-ઇતિહાસના વીસેક હજાર વર્ષ દરમ્યાન થયેલાં ચિત્રો અને રેખાંકનો મુખ્યત્વે દ્વિપરિમાણિત -2D – બન્યાં છે. જોકે, આપણી આજુબાજુનો અવકાશ 3D છે તે અંગે તેમ જ ચિત્ર દ્વારા એવો આભાસ આવી શકે તે અંગે પણ લોકો સભાન હશે. આપણે જાણીએ છીએ કે ચિત્રિત થળને જળ માનીને દુર્યોધને પોતાનાં વસ્ત્રો ભીંજાય નહિ તે માટે ઊંચક્યાં હતાં. અને, જળને થળ સમજી તેમાં ખાબક્યો હતો. અને, પછી જે બન્યું તેને પરિણામે મહાભારત સર્જાયું. આ માત્ર કાલ્પનિક વિભાવનાજ હશે? પરંતુ 2D ફલક પર 3D અવકાશનો દ્રષ્ટિભ્રમ કરાવે તેવાં ચિત્રો અને રેખાંકનો સર્જવાની સિદ્ધિ તો માનવી માત્ર છેલ્લાં ૫૦૦ વર્ષ દરમ્યાન મેળવી શક્યો છે. એની સાબિતીઓ ઘણી મળે છે.

ચીજ વસ્તુને હાથ લગાડ્યા વિના, માત્ર જોઇને પણ 3D અવકાશનો બોધ કરાવતાં વિવિધ દશ્ય-લક્ષણોમાં છાયા-પ્રકાશનો ફાળો મોટો છે. જોકે, છાયા-પ્રકાશ એ ચીજ-વસ્તુઓનું વારંવાર બદલાતું રહેતું, ક્ષણભંગુર સ્વરૂપ હોવાથી આજ પર્યંત બનેલાં મોટા ભાગનાં ચિત્રોની મુખ્ય લાક્ષણિકતા 2D રહી હશે.

સફેદ પ્લાસ્ટરના બનેલા ચહેરાનાં છાયા પ્રકાશને લીધે બદલાતાં સ્વરૂપો.

હવે જૂની ગણાવા લાગેલી ‘આધુનિક’-modern art- ક્ષેત્રે પણ 2D તથા 3D લક્ષણો અંગે ઘણી વિશદ ચર્ચા વિચારણા થતિ રહેતી હતી. 2D ફલક પર ચિત્રિત કળાકૃતિ 2D જ દેખાવી જોઈએ તેવુ સૈધાન્તિક તથા બૌધિક સ્તરે ઘણા કળાકારો તથા કળાપારખુઓ માને છે. જોકે, તેઓ પણ 3D અવકાશનો આભાસ કરાવતી કૃતિઓથી પ્રભાવિત તો થયા જ હશે. કેમ કે પ્રકાશ અને તેના અભાવે અનુભવાતા અંઘકાર સાથે આપણો જન્મજાત નાતો રહ્યો છે. પ્રકાશની મોજુદગીથી આનંદ અને ઉત્સાહની અને તેના અભાવે વિષાદ, હતાશા અને ભય અનુભવાય છે. ભારતમાં પ્રાચીનકાળથી ‘તમસોમા જ્યોતિર્ગમય’ એક પ્રાર્થનામંત્ર બની રહ્યો છે. નૃત્ય, નાટય તથા ચલચિત્ર ક્ષેત્રે તો પ્રકાશ તેમનું એક મહત્વનું અંગ છે.

રંગભૂમિ પર ભજવાતા નાટકમાં અભિનેતાઓ જેમ પ્રકાશ પણ મહત્વનો ભાગ ભજવે છે.

છબિકળા કહેવાતી ફોટોગ્રાફીનો શબ્દાર્થ જ પ્રકાશ (photo)નો આલેખ (graph) થાય છે. હિન્દીભાષી પંડિતોએ ફોટોગ્રાફી માટે પ્રકાશાંકનને બદલે છાયાંકન સંજ્ઞા શા માટે બનાવી હશે તે મને મૂંઝવતો રહેલો કોયડો છે. મારી સમજ પ્રમાણે ‘છાયા’ કોઈ વસ્તુ સૂચક નહિ પણ પ્રકાશની અનુપસ્થિતિ દર્શાવતો શબ્દ છે.

પેન્સિલ કે ક્રેયોન વડે ૨-D ફલક પર છાયા પ્રકાશના આભાસથી ઊભો થ ૩-D વસ્તુ તથા અવકાશનો આભાસ.  બ્લેક એન્ડ વ્હાઈટ છબીની જેમ આ દૃષ્ટાંતમાં પણ આછા તથા ઘેરા રાખોડી જણાતા ભાગો માટે તેમાં તદ્દન કાળો એક જ રંગ ઉપયોગમાં લેવાયો છે.

મૂર્તિશિલ્પ 3D પ્રકારની વસ્તુ છે. પ્રકાશ પરિસ્થિતિ અનુસાર તેની છાયાઓ આપોઆપ રચાતી અને બદલાતી રહે છે. પરંતુ 2D કળાકૃતિમાં છાયા તથા પ્રકાશનો  આભાસ રંગોની આછી ઘેરી કક્ષાઓ દ્વારા કરાવાય છે. (આનાં દૃષ્ટાંતો અગાઉ  અપાઈ ગયાં છે.) રેખાંકનો –drawings- માં લાલ, પીળો, લીલો જેવા ‘ભડક’ –bright- રંગોને સ્થાને મોટાભાગે કાળા કે કથ્થાઈ જેવા ઘેરા રંગનો ઉપયોગ કરાય છે. આથી તેમાં વિરોધાભાસ –contrast-ને  લીધે સફેદ કે તેવી ઉજળી સપાટી પર ઘેરી રેખાઓ સ્પષ્ટ દેખાય છે. વળી, તેવી રેખાઓ દ્વારા છાયા પ્રકાશનો આભાસ કરાવતી કક્ષાઓ –tones- દેખાડવાનું સરળ બને છે.

 રેખાંકન ઘેરી રેખાઓ વડે દોરાયું હોય તો છાયા પ્રકાશનો ભેદ તથા રેખાઓનું સૌન્દર્ય સ્પષ્ટ દેખાય છે. જમણી બાજુ પણ રેખાંકન બદલાયું નથી પરંતુ વિરોધાભાસ નાં અભાવે તે સહેલાઈથી જોઈ તથા સમઝી શકાતું નથી. સુંદર રંગો અહીં વિક્ષેપ-કારક બની જાય છે.

હાથ વડે બનાવેલી આકૃતિમાં જો રંગોનું મહત્વ ન હોય તો તે રેખાંકન કહેવાય છે. જોકે, તેમાં માત્ર રેખાઓ જ હોય તે જરૂરી નથી. રેખા તથા વિવિધ ટીલાં-ટપકાં (marks)નાં સંયોજન દ્વારા બનેલી રૂપરચનાને પણ રેખાંકન (Drawing) કહી શકાય. રેખા વડે છાયા પ્રકાશ દર્શાવતી આછી ધેરી કક્ષાઓ માટે લિઓનાર્દો વિન્ચી, માઈકલ અન્જેલો તથા તેમના સમયના કળાકારોએ અપનાવેલી તરકીબનો છાપ-કળાકારો ભરપુર ઉપયોગ કરતા રહ્યા છે; રેખાઓ વડે છાયા પ્રકાશ દર્શાવવા ઉપરાંત તેનાંથી બનતાં આગવાં પોત- સૌન્દર્યનો લાભ લેવા માટે પણ. આડી, ઊભી અને ત્રાંસી રેખાઓનો સમૂહ ‘cross hatching’ નામે ઓળખાય છે. છાયા અને પ્રકાશ દર્શાવતા આકારો અવકાશનો આભાસ તો કરાવે જ છે પરંતુ સાથો સાથ તેના વિભાજનને કારણે બનતી ભાત એક રૂપ-રચના પણ બની રહે છે.

રેખા વિનાનું , યાંત્રિક છાપ-કામનાં ટપકાની ભાતનો ઉપયોગ કરી બનાવેલી છાપ, તથા માત્ર cross etching પ્રકારની જાડી-પાતળી રેખાઓ વડે બનાવાયેલી etching છાપ બંન્નેમાં આકારો ઉપરાંત આછા ઘેરા પ્રકાશ-tones નો આભાસ પણ થાય છે.

ઝીબ્રા તડકામાં ઉભું હોય કે છાયામાં, તેના કાળા અને ધોળા પટ્ટાઓ તો દેખાય જ છે. તે આવી ભાતનું જાણીતું દૃષ્ટાંત છે. અન્ય ઘણાં પશું, પંખી, માછલીઓ તથા પતંગિયાંમાં પણ આછા ઘેરા રંગના આકારો વડે સુંદર ભાત જોવાં મળે છે. છાયા અને પ્રકાશને કારણે નહિ પરંતુ વસ્તુ સાથે સંકળાયેલ રંગોને લીધે એવી ભાત દેખાય છે. પુનર્જાગરણ –Renaissance– સમય પછી ઘણા ચિત્રકારો ચિત્રના શરૂઆતના તબક્કે તેને કાળા કે કથ્થાઇ  રંગની આછી ઘેરી ક્ક્ષામાં બનાવતા હતા. તે સંતોષકારક બને પછી તેની ઉપર જરૂરી, આછા ઘેરા, પરંતુ ઓછા- વત્તા પારદર્શક સ્વરૂપે વિવિધ રંગો લગાડતા હતા. આ પ્રારંભિક તબક્કો chiaro- schooro નામે ઓળખાય છે. (ક્યારો=આછો અને, સ્કૂરો=ઘેરો. ઇટાલિયન ભાષામાં ‘CH’ ‘ચ’ નહિ પણ ‘ક’ બોલાય છે.) ફોટોગ્રાફરો તથા છાપ કળાકારો પણ ક્યારેક શ્વેત-શ્યામ (Black& White) કૃતિ ઉપર પીંછી વડે પારદર્શક રંગો  લગાડે છે.

વિખ્યાત શિલ્પી જ્યાકોમેત્તીએ દોરેલી નીજી છબિ. આમાં ‘ક્રોસ એચિંગ’ દ્વારા થતા છાયા-પ્રકાશનાં અભાસ ને કારણે તેના ચહેરાની લાક્ષણિકતાઓ પણ સ્પષ્ટ જણાય છે. જમણી બાજુ Mohammad Ali Ziaei એ દોરેલું કાર્ટૂન છે જેમાં જ્યાકોમેત્તીનાં ચહેરાની ઓળખ તો છે જ પરંતુ રેખાઓની લાક્ષણીકતા પણ ધ્યાન મહત્વની બની રહે છે.

આ ફોટોગ્રાફ માં દેખાતા જ્યાકોમેત્તી નાં ચહેરાને ઉપરના બંને રેખાંકનો સાથે સરખાવવાથી દરેક માધ્યમની ખૂબીઓ ધ્યાનમાં આવ્યા વિના રહેશે નહિ

એચિંગ પ્રકારની છાપ પર ઉમેરેલ પારદર્શક વોટર-કલર્સ

જ્યોતિ ભટ્ટ ની એચિંગ પ્રકારની છાપ પર તેણે ઉમેરેલ પારદર્શક વોટર-કલર્સ.

“લાલ, પીળો ‘ને વાદળી, મૂળ રંગ કહેવાય. બાકીના બીજા બધા મેળવણીથી થાય” : કવિ દલપતરામ ડાહ્યાલાલ (કદડા)ની કહેવત જેવી આ કાવ્યપંક્તિઓ એક સમયે બહુ જાણીતી હતી. દોઢસોથી વધારે વરસ પછી પણ આજ સુધી એનું વજૂદ ઓછું થયું નથી. જોકે, ન્યુટને ઇન્દ્ર્ધનુષ્યમાં દેખાતા સાત રંગોને મૂળરંગો (Hue) માનેલા અને, પ્રકાશના એ સાત અંશ (રંગો) એકઠા થાય તો શ્વેત રંગ બને તે સાબિત કર્યું હતું. આને લીધે મૂળ રંગો અંગેની સમજમાં બદલાવ પણ આવ્યો છે. એનાં પરિણામે ચિત્રકળાનો પ્રભાવવાદ – Impreesionism નામે જાણીતો થયેલ પ્રકાર પણ શરુ થયેલો.

ક્લોદ મોને(monet) નું ઈમ્પ્રેસનિસ્ટ શૈલી નું ચિત્ર “સન રાઈઝ”

એક પ્રશ્ન પણ થાય કે ન્યુટને વૈજ્ઞાનિક સાબિતીઓ સાથે કહેલી આ વાત ત્રણેક હજાર વર્ષ પહેલા ભારતીય ઋષિઓ જાણતા હશે? પ્રકાશના અને પૃથ્વી પર જીવનના મહત્વના સ્રોત સમા સૂર્યનો રથ ખેંચતા સાત અશ્વોની કલ્પના શું માત્ર યોગાનુયોગ જ હોઈ શકે ખરો?

સૂર્યનો રથ ખેંચતા સાત અશ્વો દર્શાવતું મોઢેરા મંદિરનું મૂર્તિ શિલ્પ

આજકાલ, ડીજીટલ યુગનાં ચમત્કાર સમા કમ્પ્યૂટરનાં તથા સ્માર્ટ ફોનનાં મોનીટર સ્ક્રીન પર જોઈ શકાતી, બહુરંગી જણાતી બધી જ છબીઓ RGB સંજ્ઞાથી ઓળખાતા માત્ર ત્રણ:  લાલ-Red, લીલો-Green અને ભૂરો-Blue પ્રકાશ ધરાવતી સૂક્ષ્મ કોશિકાઓ -પિક્સેલ્સ- વડે જ બને છે. નોખી નોખી દસ લાખ (એક મિલિયન) વર્ણ છટાઓ ફક્ત આ ત્રણ રંગો ધરાવતા પ્રકાશની ઓછી વધારે (એકથી સો ટકા) માત્રાઓના મિશ્રણથી બને છે. (૧૦૦ x૧૦૦ x ૧૦૦). રોજ-બરોજના ઉપયોગ માટે થતાં ઘણાં ખરાં છાપકામ માટે હવે દલપતરામે કહેલી ત્રણ ‘મૂળ રંગ’ ને સ્થાને ચોથા-કાળા રંગની શાહી ઉપયોગમાં લેવાય છે. મોટાભાગના પ્રકાશનોમાં જોવાં મળતી રંગીન તસ્વીરો  CMYK [ Cyan (blue), Magenta, Yellow, and Key (black)] સંજ્ઞા વડે ઓળખાતી ચાર શાહી વડે છપાય છે.

રંગીન છબિ સાથે સાદી (Black & White) છબિ પણ CMYK શાહીથી જ છપાય છે. કમ્પ્યૂટર તથા સ્માર્ટ ફોનના સ્ક્રીન પર પણ રંગ વિહીન જણાતી છબિ દેખાડવા માટે RGB એ ત્રણ રંગો જ કામમાં લેવાય છે. આ પરસ્પર વિરોધી લાગે તેવી વાત છે. છાપ કામમાં પ્રકાશનાં નાના અંશ સિવાયના રંગોને પોતામાં સમાવી લેતાં –acsorb – કરી લેતા પદાર્થોમાંથી બનેલી શાહી વપરાય છે. આથી એક બીજામાં શાહી ઉમેરાવાથી પ્રકાશનું પરાવર્તન ઘટે અને તે રંગો ઘેરા બને. આ રીતને બદલે  કમ્પ્યૂટર, ટેલીવિઝન તથા સ્માર્ટ ફોનના સ્ક્રીન પર રંગીન RGB પ્રકાશ જ ઉપયોગમાં લેવાય છે. એ ત્રણમાંનો દરેક રંગ પ્રકાશનો ત્રીજો -૧/૩- ભાગ છે તેમ માનીએ તો રંગોની સાથે પ્રકાશની માત્રા પણ વધે. એથી તેના મિશ્રણથી બનતા રંગો વધારે ઊજળા જણાય છે. આંખથી આપણે પ્રકાશને રંગો સ્વરૂપે અનુભવ કરીએ છીએ તે રેટિનામાં રહેલી R,G, કે B ને પારખતી- Cons નામે ઓળખાતી શંકુ આકારની અતિ સૂક્ષ્મ કોશિકાઓને કારણે જ.

આપણે સામાન્ય રીતે જેને લાલ પીળો અને વાદળી કે ભૂરો માની છીએ તેનાં થી છાપકામમાં ઉપયોગમાં લેવાતા મૂળ રંગો જરા જુદા હોય છે.

છાપકામ માટે વપરાતા ચાર ‘મૂળ’ cmykરંગો તથા કમ્પ્યુટર મોનિટર સ્ક્રીન પર દેખાતા ત્રણ RGB પ્રકાશ .  

રોજ-બરોજની બોલચાલમાં આપણે -ધોળો અને કાળો- આ બે શબ્દો રંગોના નામ તરીકે વાપરીએ છીએ. પરંતુ એ યાદ રાખવું ઉપયોગી થશે કે ખરેખર તો એ રંગો –colors- ના નહિ પરંતુ paints (pigments) કે શાહી (ink) ને અપાયેલા નામ છે. એ અંગે વધુ સ્પષ્ટતા માટે થોડી ટેકનીકલ વિગતો સમજવી જરૂરી છે. સાથોસાથ એ પણ જણાવી દઉં કે: ‘ભાભા ચપટી બોર આપીને  છોકરાંને સમજાવતા’ એ લોકવાર્તા પ્રમાણે અહીં આપેલી ટેકનીકલ વિગતો ચપટી બોર્ જેટલી જ તથા ઉપરછલ્લી છે. વળી, સમજવી સરળ થાય તે માટે તેમાં થોડું સાધારણીકરણ –generalisation- પણ કર્યું છે.

Color માટે ગુજરાતી શબ્દ વર્ણ મુખ્યત્વે કાળી, ગોરી ત્વચા તથા જન્મ આધારિત ‘ઊંચ-નીચ જેવો ભેદ અને જ્ઞાતિ દર્શાવતી ભારતીય સમાજ વ્યવસ્થાના સંદર્ભે વપરાય છે. Color માટે ‘રંગ’ શબ્દ વધુ પ્રચલિત છે. આથી વર્ણ અને રંગનો ભેદ દર્શાવવો અનિવાર્ય હોય ત્યાં આ લખાણમાં અંગ્રજી શબ્દો- કલર અને પેઈન્ટ ઉપયોગમાં લીધા છે. વર્ણ -કલર- એ વસ્તુ નથી પણ પ્રકાશનો એક નાનો ભાગ છે, આંખો દ્વારા થતી પ્રકાશની મોજુદગીની અનુભૂતિ છે. જ્યારે, રંગ-પેઈન્ટ- એ ભૌતિક તથા રાસાયણિક લક્ષણો ધરાવતો પદાર્થ છે. અડી શકાય તેવી વસ્તુ છે. મોટાભાગે ખનીજ ધાતુઓના ઓક્સાઈડ, કેટલાક રસાયણો અને વનસ્પતિઓમાંથી પેઈન્ટ્સ બનાવાય છે. અજંતાની ગુફાઓમાં પ્રાચીન કાળમાં બનેલાં ભીંતચિત્રોમાં મુખ્યત્વે કુદરતી રીતે ઓક્સાઈડ ભળી ગયેલ માટી રંગો તરીકે વપરાઈ હતી.

ઈ.સ પૂર્વે ૨૦૦ થી ઈ.સ. ૪૮૦ દરમ્યાન બનેલા અજંતાનાં ગુફા-ચિત્રો માં, જમીનમાંથી માટી સ્વરૂપે મળેલા રંગો વપરાયા છે. કેલ્શિયમ ધરાવતો સફેદ, લોખંડ ધરાવતા પીળા અને રાતા(લાલ), ત્રાંબુ ધરાવતો લીલો અને કાર્બન ઘરાવતી મેશ માંથી કાળો એ પ્રમાણે વિવિધ રંગો બનતા હતા. ૩D અવકાશ – ઘનતાનો આભાસ થાય તે માટે પડછાયા વિનાનાં છાયા-પ્રકાશનો પણ ઉપયોગ તેમાં થયો છે.

કેટલીક વસ્તુઓ તથા પશુ પંખીઓને આપણે કોઈ એક કલર સાથે જોડ્યાં છે. જેમ કે સોનું અને હળદર પીળાં, કાગડો કાળો, બગલો ધોળો અને પોપટ લીલો. ચિત્રોમાં દોરેલી આકૃતિઓની ઓળખ દર્શાવવા માટે કળાકારો મોટાભાગે આવા કલર્સ  દર્શાવતા પેઈન્ટ્સ ઉપયોગમાં લેતા રહ્યા છે. લોકકળા નામે ઓળખાતા પ્રકારમાં તો આવા રંગો તેનું એક મુખ્ય લક્ષણ બની રહ્યું છે. વસ્તુ અને તેના રંગ અંગેની આપણી વિભાવના-concept- અને પ્રકાશની પરિસ્થિતિને કારણે આંખથી દેખાતા રંગોમાં ક્યારેક આભ જમીન નો તફાવત હોય છે. એકરંગી, શ્વેત-શ્યામ- છબિ તથા રેખાંકનોમાં માત્ર કાળા કે એવા કોઈ -dark- રંગોની આછી ઘેરી કક્ષાઓ જ દેખાડી શકાય છે. આથી તેમાં colorsની બાદબાકી થઇ જાય. પરંતુ, છાયા પ્રકાશનો આભાસ કરાવવામાં સરળતા રહે છે. ‘આભાસ’ શબ્દ એ માટે વાપર્યો છે કે ખરેખર તો તેમાં માત્ર એક જ રંગ –મોટાભાગે તો કાળો જ- ઉપયોગમાં લેવાય છે. ચિત્ર બનાવતી વેળાં કોઈ રંગ આછો દેખાડવા તેમાં પાણી કે તેવાં રંગવિહીન પ્રવાહી -solvant-  ઉમેરવાથી પેઈન્ટનું સ્તર પાતળું બને. આનાં પરિણામે તેની પારદર્શકતા વધવાથી, નીચેના સફેદ કાગળ, કેનવાસ ઈ. દેખાય અને તે પેઈન્ટ ઝાંખો જણાય. બીજી જે રીત પ્રચલિત છે, જેમાં એક (દા.ત. લાલ) પેઈન્ટમાં અપારદર્શક સફેદ પેઈન્ટ મેળવવાથી લાલ રંગ ગુલાબી બની જાય છે. સફેદ પેઈન્ટનું પ્રમાણ વધે તેમ ગુલાબી ઝાંય વધારે આછી થાય અને પ્રકાશિત પણ લાગે. પરંતુ, કોઈ એક પેઈન્ટમાં જો કાળો પેઈન્ટ ઉમેરાય તો તે રંગ ઘેરો, શામળો બની જાય અને છાયાનો કે અંધકારનો આભાસ કરાવે. (પેઈન્ટમાં-પીક્સેલ જેવા- અતિ બારીક કણો હોય છે. એક ચોરસ ઇંચ જગ્યા ઢાંકવા ૩૦૦ x ૩૦૦ = ૯૦,૦૦૦ લાલ કણો વપરાય તો તે ચોરસ લાલ ઘૂમ દેખાય. પરંતુ તેમાં અર્ધો સફેદ પેઈન્ટ ઉમેરવાથી ૪૫,૦૦૦ લાલ અને એટલાજ સફેદ કણો બાજુ બાજુમાં આવી જાય. આપણે તેને છૂટા કણો સ્વરૂપે જોઈ શકીએ નહિ તેથી બંનેની સહિયારી અસર રૂપે ગુલાબી રંગ દેખાય, બલકે આભાસ થાય). રેખાઓથી રચાતાં પોત –ટેક્ષ્ચર-નાં સૌન્દર્યને પણ નિખારે છે.

સામાન્ય રીતે રેખાંકન તથા છાપ બનાવનારાઓ જ્યારે માત્ર એક જ રંગનો ઉપયોગ કરે છે ત્યારે તેમાં સફેદ કે કાળો ઉમેરતા નથી. પ્રચલિત પ્રથા પ્રમાણે ૧૦૦% સફેદ ફલક પર ૧૦૦% કાળી  શાહી વાપરીને તે બંને વચ્ચેની બધી કક્ષાઓ દેખાડે છે.

આછા-ઘેરા Tones તથા સુશોભિત પોત દર્શાવતું અર્થપૂર્ણ રેખાંકન

 

બલ્કે, તેનો આભાસ કરાવે છે. કાગળની ખૂલ્લી છોડેલી સપાટીને દેખી શકાય તેવાં બારીક કણો સાથે અને, રેખાઓ વડે ઢંકાયેલી સપાટીને કાળા કણો સાથે સરખાવી શકાય. રોજ-બરોજના ઉપયોગનાં દૃષ્ટાંતો જોવાથી કદાચ આ સમજવું સહેલું થશે. લીંબુનું શરબત પીનાર ખાટો અને મીઠો એમ બંને સ્વાદ માણી શકે છે. પીળી તથા લાલ રેખાઓ બાજુ બાજુમાં હોય તો તે બંને રંગો તો દેખાય પણ તે બન્નેનાં મિશ્રણ જેવાં ત્રીજા રંગ –નારંગી નો- આભાસ પણ અનુભવાય છે. તાણા અને વાણાના રંગો એક બીજાથી જુદા વાપરીને કાપડ વણાટમાં અવનવા તથા આછા ઘેરા રંગોનો આભાસ નીપજાવાય છે. બારીક વિગતો જોઈ શકવાની આપણી આંખોની માર્યાદિત શક્તિને કારણે આવા આભાસ અનુભવાય છે. ખડકો, શિલાઓ, વૃક્ષો, ફળ-ફૂલો ને પાંદડાં, પંખીઓ, ખિસકોલી ને કાચિંડા જેવી અસંખ્ય વિગતો ધરાવતા ડુંગરા જોનારને દૂરથી રળીયામણા, આછા ભૂરા-blue- માત્ર ત્રિકોણ આકાર જ ભાસે છે.

(ડાબી બાજુ) ઓર્રીસ્સાના પારંપારિક ચિત્રમાં ગોવર્ધન ગીરી – આ ચિત્રમાં આંખને બદલે મનનાં દ્રષ્ટીબિંદુ પ્રમાણે ચિત્રણ કરાયું છે. (જમણી બાજુ) જાપાનીઓનો માનીતો ‘માઉન્ટ ફ્યુજીયામાં’. આ  વૂડકટ છાપમાં આંખ થી દેખાતા વાતાવરણને રજુ કરતું દશ્યસ્વરૂપ આલેખાયું છે.  

આકાર એ 3-D અવકાશનો બોધ કરાવતી અન્ય એક બાબત છે. ગુજરાતી ભાષામાં આકાર શબ્દ મુખ્યત્વે shape એ અર્થમાં વપરાય છે. તેની સાથે જોડાયેલ બીજો અર્થ –માપ, Size લગભગ ભૂલાઈ ગયો છે. માત્ર કરવેરા જેવાં કારણ સર થઇ આવક અને જમીનની માપણી માટેજ ‘આકારણી’ શબ્દ વપરાય છે. આંખોની સામે રહેલી વસ્તુ તેના પોતાના માપને લીધે નહિ પરંતુ આંખના રેટીના પર ઝીલાતાં તેનાં આકારના માપને કારણે નાની કે મોટી, નજીક કે દૂર, સ્પષ્ટ- છૂટી છૂટી કે મિશ્ર સ્વરૂપે દેખાય છે. (આથી જ આપણે હજારેક માઈલ મોટા ચંદ્રને અંગૂઠા વડે ઢાંકી દઈ શકીએ છીએ.) કળાકારો આ ‘સત્ય’નો કળાત્મક રીતે ઉપયોગ કરીને વસ્તુ નજીક કે દૂર હોય તેવો આભાસ કરાવે છે.

આંખોની તેમ જ હાથ અને સાધનોની મર્યાદાઓને કારણે રેખાઓની બારીકાઇ તથા બે કાળી રેખા વચ્ચેની ખાલી છોડેલી –સફેદ- જગ્યા દર્શાવવાનું પણ માર્યાદિત બની જાય છે. કંપ્યૂટરની પરિભાષાનાં શબ્દો- DPI (Dots Per Inch) તથા Pixel થી પરિચિતોને આ જલ્દી સમજાઈ જશે. રસ્તા પરનાં  જાહેરાતોનાં વિશાળ પર્દા –hordings-માટે ૭૨ DPl પૂરતા થઇ રહે છે કેમકે, તે દૂરથી જોવાતા હોય છે. જ્યારે સ્માર્ટફોનમાં તેના પર્દાનું માપ નાનું હોવા છતાં Pixelની સંખ્યા આશરે ૬૦૦ રખાય છે કેમકે, તેને આપણે  નજીકથી જોતાં હોઈએ છીએ.

(૧) બારીક pixels, (૨) મધ્યમ pixels, (૩) ‘પ્રતિકૃતિ’ માટે વપરાતાં યાંત્રિક ટપકાંનું સ્વરૂપ.

કળાકાર જ્યારે Pixelને મળતી દશ્યભાશાનો ઉપયોગ કરે ત્યારે Pixel જેવી ઝીણી વિગતોનું આગવું સૌન્દર્ય પણ નરી આંખે જોઈ શકાય તેમ સ્પષ્ટ કરી રજુ કરે છે. પાસે પાસે, સમાંતર દોરેલી કાળી રેખાઓનાં સમુહથી આછા રાખોડી રંગનો આભાસ થાય. તેવી રેખાઓ વચ્ચે નવી રેખાઓ દોરવાથી રાખોડી ઘેરો બને એ તો સમજાય તેવું ગણિત છે. પરંતુ એવી રેખાઓ ઉમેરવાનું ખૂબ મુશ્કેલ છે. તેવી રેખાઓ વચ્ચે ત્રીજી રેખાઓ ઉમેરવાનું તો લગભગ અશક્ય જ છે. પરંતુ આનો સરળ ઉપાય એ છે કે પહેલી વાર દોરેલી રેખાઓને કાટખૂણે બીજી રેખાઓ દોરવી. વધારે ઘેરો આભાસ દેખાડવા ત્રીજી વાર રેખાઓ ત્રાંસી દોરવી. ચોથી વાર પણ ત્રાંસી દોરવી પરંતુ, ઉલટી દિશામાં. રેખાઓ ની જાડાઈ તથા તેની વચ્ચેનું અંતર ઓછું વત્તું કરીને, અને ક્યારેક ટપકાંઓ ઉમેરીને સફેદ અને કાળા છેડાઓ વચ્ચેની કોઈ પણ –રાખોડી- કક્ષાઓ દેખાડાય છે.

શાહીથી  કલમ વડે દોરાયેલી અને ધાતુના પતરાં પર કોરાયેલી આકૃતિઓ માટે ઉપરોક્ત ઉપાય કામમાં લેવાય છે. આમાં તેમજ લીથોગ્રાફીમાં પણ, કાગળના સફેદથી શાહીના કાળા છેડા તરફ આગળ જવું પડે છે. જ્યારે વૂડકટ તથા વૂડ  એન્ગ્રેવિંગ પ્રકારે બનાવાતી છાપ માટે ઉપરોક્ત રીતે જ પરંતુ, કાળી ભોંય પર સફેદ રેખાઓ કોરાતી હોઈ કાળાથી સફેદ છેડા તરફ યાત્રા કરાય છે. જોકે, જરૂર પ્રમાણે સુધારા વધાર માટે દિશા તથા સાધનો બદલવાનો ઉપાય પણ અજમાવાય છે. કાળા કાગળ પર સફેદ રંગી શાહી વડે લેવાયેલ છાપ જોનારને નવો અને અણધાર્યો અનુભવ કરાવે છે.

કળાકારો ક્યારેક માત્ર એક જ રીતને વળગી ન રહેતા એકાધિક માધ્યમોનો સામટો લાભ પણ લેતા રહે છે.

જાડી પાતળી અને આડી ઉભી રેખાઓને લીધે બનતી tones અને આકારોની રૂપ-રચના

રેખાઓ એકબીજા સાથે કે ઉપર આડી, ઉભી, ત્રાંસી એ પ્રમાણે જોડેલી હોય તો એ cross hatching કહેવાય છે. લીથોગ્રાફીમાં પીંછી અને પેન ઉપરાંત ક્રેયોન વડે દોરાતી રેખાઓમાં પણ આ cross hatching પદ્ધતિ કામમાં લેવાય છે. ક્રેયોન વડે રેખાઓ દોરતી વેળા દબાણ ઓછું વધારે કરવાથી સપાટી પર બનતાં સૂક્ષ્મ ટપકાંઓનાં કદ-માપ બદલાતાં હોવાથી આછી ઘેરી કક્ષાઓમા પોત-વૈવિદ્ય લાવવું શક્ય અને થોડું સરળ પણ બને છે.

છાયા પ્રકાશ જેવાં Tones વડે 3D સ્વરૂપનો આભાસ કરાવતી લીથોગ્રાફી છાપ 

ફલક જો સપાટ હોય તો, તેની ઉપર દોરેલી સીધી રેખા સીધી જ દેખાય. પરંતુ ફલક જો ગોળાકાર હોય તો તેની પર દોરેલી સીધી રેખા પણ વાંકી લાગે. વસ્તુના કાયમી સ્વરૂપ અંગેની આપણી વિભાવનાથી નોખાં, આંખથી દેખાતાં તેનાં તત્ક્ષણ સ્વરૂપનાં પ્રાકૃતિક રીતે (Naturally) કરાતાં આવાં અર્થઘટન સાથે રેખાંકનો સાંકળી શકાય. કાગળ જેવાં સપાટ ફલક પર દોરેલી કે કોરેલી ગોળાકાર રેખાઓ જોનારને  ગોળાકાર સપાટી ધરાવતી વસ્તુ જોવાનો આભાસ થઇ શકે.

 

સપાટ ફલક ઉપર દોરેલ ગોળાકાર રેખાઓ તથા આછા-ઘેરા રંગોને કારણે થતો ઘનતાનો આભાસ. કળાકારો જોઈ શકાતાં સ્વરૂપોનો ક્યારેક સંજ્ઞા કે પ્રતીક તરીકે ઉપયોગ કરે છે. પરંતુ મુખ્યત્વે તો આંખોં દ્વારા પામી શકાતા બોધનો ખ્યાલ રાખીને તે કરે છે. વિવિધ ઘાટને તેના પોત તથા સપાટીના વૈવિધ્યને લીધે દેખાતા છાયા પ્રકાશના પલટાઓને તાદૃશ્ય કરીને દેખાડે છે.

જ્યોતિ ભટ્ટ, સપ્ટેમ્બર, ૨૦૧૮.

2 thoughts on “મૌલિક છાપ અને રેખાંકનોની ની કેટલીક લાક્ષણિકતાઓ – 2 (શ્રી જ્યોતિ ભટ્ટ)

 1. ‘મૌલિક છાપ અને રેખાંકનોની ની કેટલીક લાક્ષણિકતાઓ’ રસિક પણ સમજવામા અઘરો વિષય
  સરળ ભાષામા સમજાવવા બદલ મા. શ્રી જ્યોતિ ભટ્ટને ધન્યવાદ

  Like

 2. ખૂબ ગમ્યુ. નવો વિષય…..શીખવાને માટે ખૂબ સમય જોઇઅે પરંતુ રસપ્રદ રહ્યો.
  આભાર.
  અમૃત હઝારી.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s