જીપ્સીની ડાયરી-૩૨ (કેપ્ટન નરેંદ્ર ફણસે)


ધ ગ્રેટ થાર ડેઝર્ટ

જાલંધરમાં અમારું ફ્રંટિયર હેડકવાર્ટર્સ હતું. શહીદો માટેની પરેડ પૂરી થઈ ત્યાં મારા કમાન્ડન્ટ મારી પાસે આવ્યા અને મને જણાવ્યું કે મારે તાત્કાલિક જોધપુર જવાનું છે. બે દિવસ બાદ ત્યાંના ટ્રેનિંગ સેન્ટરમાં `ડેઝર્ટ વોરફેર કોર્સ’ શરૂ થવાનો હતો અને અમારા ફ્રંટિયરમાંથી મને પસંદ કરવામાં આવ્યો. હું ઉતાવળે મારી બટાલિયનમાં પહોંચ્યો અને ત્રણ મહિના માટે જોધપુર જવા નીકળ્યો.

જોધપુર માટે મને ખાસ માન છે. દાંતીવાડાથી ambush લગાવવાનું પ્રાત્યક્ષિક આપવા હું જોધપુર ગયો હતો ત્યારે ત્યાંના રાજપૂત પરંપરાના ગૌરવશાળી કમાન્ડન્ટ તેજસિંહજી અને તેમના એજ્યુટન્ટ અમરસિંહજી નરૂકાએ જે રીતે મારી આગતા-સ્વાગતા કરી હતી તે અભૂતપૂર્વ હતી. આ વખતે તેજસિંહજી નિવૃત્ત થયા હતા, પણ અમરસિંહજી હજી ત્યાં જ હતા. આ કોર્સમાં મારા દાંતીવાડાના જૂના સાથી આસિસ્ટન્ટ કમાન્ડન્ટ રીડમલસિંહ આવ્યા હતા. આ ઉપરાંત ચાર અન્ય અફસર અને 21 કમાન્ડો પણ અમારા કોર્સમાં ભાગ લઈ રહ્યા હતા.

રીડમલસિંહ રાઠોડ બીએસએફમાં આવ્યા તે પહેલાં રાજસ્થાન આર્મ્ડ કોન્સ્ટેબ્યુલરીના અફસર હતા. તે સમયે તેઓ બોર્ડર પર ધાડપાડુઓ સામેના મુકાબલામાં પોલીસ મેડલ ફોર ગૅલન્ટ્રી મેળવી ચૂક્યા હતા. 1971ની લડાઈમાં તેમને અતિ મહત્ત્વની કામગીરી સોંપવામાં આવી હતી. અહીં સધર્ન કમાન્ડે પાકિસ્તાનના નગર પારકરના વિસ્તાર પર કબજો કરવાનો હુકમ મળ્યો હતો. તે માટેની ચડાઈ નાડાબેટ કંપનીની છેલ્લી ચોકી બોરિયાબેટથી કરવાની હતી. આ કામ મારી જૂની બટાલિયનને સોંપાયું હતું. કામ હતું એક કંપની (લગભગ 100 સૈનિકો)એ રાતના સમયે પગપાળા રણ પાર કરી પાકિસ્તાનની ભૂમિમાં અર્ધાે માઈલ અંદર જઈ, 300 મીટર પહોળા વિસ્તારમાં કબજો કરી ત્યાં સંરક્ષણ પંક્તિ બનાવવાની હતી. આને સૈન્યની ભાષામાં `બ્રિજ હેડ’ કહેવામાં આવે છે. આ કામ અત્યંત ખતરનાક અને બહાદુરીભર્યું હોઈ તેની જવાબદારી રીડમલસિંહજીને સોંપવામાં આવી. તેમણે આ કામ એટલી કુશળતાથી કર્યું કે તેમણે આપેલા સિગ્નલ પરથી બે કલાક બાદ પાછળ આવતી આપણી સેના રીડમલસિંહજીએ સુરક્ષિત કરેલા વિસ્તારમાં પોતાનો વ્યૂહ ગોઠવી દુશ્મન પર હલ્લો કરી શકી. સામાન્ય રીતે આ કાર્ય માટે ઉચ્ચ કક્ષાનો ચંદ્રક આપવામાં આવે, પણ કે. કે. સાહેબે તેમની શિફારસ કરવાનો ઈન્કાર કર્યાે! `રીડમલને આ પહેલાં એક ચંદ્રક મળી ચૂક્યો છે, તેથી બીજા કોઈને મળે એવી મારી ઇચ્છા છે!’ તર્કશાસ્ત્રના કોઈ પણ સિદ્ધાંતમાં ન બેસે તેવા યુક્તિવાદથી કે. કે.એ તેમને વંચિત રાખ્યા!

ગુજરાતમાં આવેલા કચ્છના નાના અને મોટા રણ કરતાં રાજસ્થાનનું રણ સાવ જુદું. અહીં મસમોટા ડુંગરા જેવા રેતીના ઢૂવા હજારો ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા છે. તેમાં ચાલવું એટલું જ દુષ્કર. કેટલીક જગ્યાએ પિંડી સુધી પગ રેતીમાં ઘૂસી જાય. રાજસ્થાનના રણમાં હંમેશાં જૂના ચીલા પર જ જવું જોઈએ, કેમ કે રેતીમાંના કળણ (quick sand) એવા છુપાયેલા હોય છે કે તેમાં માણસ પૂરેપૂરો ગરક થઈ જાય. મોટર ગાડી તથા ટેંક તેમાં એવી ફસાઈ જાય કે તેમને બહાર કાઢવું અશક્ય છે. 1971ની લડાઈમાં લોંગેવાલા સેક્ટરમાં આપણાં વિમાનો દ્વારા થયેલા હુમલામાંથી બચવા પાકિસ્તાનની ટેંક્સ ચીલો છોડી જવા લાગી અને રેતીમાં ફસાઈ ગઈ હતી. આપણા વિમાનોએ નષ્ટ કરેલી આ ટેંક્સ અમે આ કોર્સ વખતે જોઈ શક્યા હતા. જોધપુરથી રણમાં આવેલ ટ્રેનિંગ કૅમ્પ લગભગ 60 કિલોમીટર દૂર હતો જ્યાં અમારે ઊંટ પર બેસીને જવાનું હતું. પહેલાં ચાર અઠવાડિયાંની ટ્રેનિંગ ક્લાસરૂમમાં હતી, તેમાં ઊંટની વાત નીકળી. ઊંટ અત્યંત વિક્ષિપ્ત પ્રાણી છે. તેની બે વાતોથી હંમેશાં સાવધ રહેવું જોઈએ. એક તો તેને મારકૂટ જેવી ક્રૂર શિક્ષા ન કરવી જોઈએ, કારણ કે તે માણસ ઓળખે છે. તેને શિક્ષા કરનાર માણસને તે કદી ભૂલતો નથી! વર્ષાે બાદ પણ લાગ મળતાં બરાબર વેર લે છે. દાખલા તરીકે તમારું ધ્યાન ન હોય તો દાંત વડે તમારા વાળ ખેંચી લે! બીજી વાત: શિયાળામાં તેનો સંવનન કાળ હોય છે ત્યારે તેનું વર્તન અનપેક્ષિત હોય છે. જોધપુરના તબેલાનો એક ઊંટ `નમૂનો’ હતો. તેને બીડીનું બંધાણ હતું! તેનો સવાર પ્રભાતનાં પહોરમાં બે-ત્રણ બીડીઓ સામટી સળગાવીને તેનો ધુમાડો આ ઊંટ મહાશયના નાકમાં ન છોડે ત્યાં સુધી તેઓ ઊઠવાનું નામ ન લેતા!

રોજ સાંજે અમને ઊંટ પર સવારી કરવાની પ્રૅક્ટિસ કરવાની હતી, પણ આ વાતો સાંભળ્યા બાદ કોણ જાય? અમારામાંથી કેટલાક લોકોએ સવારી કરવાનું ટાળ્યું, જે મારા માટે મહાભયંકર ભૂલ સાબિત થઈ. સવારીના મહાવરા વગર અમને સૌને પૂરો 60 કિલોમીટરનો પ્રવાસ ઊંટના ચાલક તરીકે કરવો પડ્યો! આ પ્રવાસ દરમિયાન મારા શરીરમાંનું એકેએક હાડકું ઢીલું થઈ ગયું હતું, અને તેની કળમાંથી બહાર આવતાં કેટલાય દિવસ નીકળી ગયા.

ઊંટ પર સવારી કરવી સહેલી નથી! સૌપ્રથમ તેને જમીન પર બેસાડવો પડે. તેમ કરવા માટે તેની રાશ પકડી, જમીન તરફ હળવેથી ખેંચી જે!…જે! બોલવું પડે. તે બેસે એટલે પલાણની પાછળની સીટ પર બેસનાર પ્રવાસીએ પહેલાં બેસવું. આગળની સીટમાં બેસનાર ઊંટના ચાલકે જિમ્નાસ્ટની ત્વરાથી બેસી પેંગડામાં પગ નાખી, સાથળ અને પગની પિંડી ઊંટના પેટ પર ભીંસીને બેસવું જોઈએ. આ બધી હિલચાલ એકીસાથે થવી જોઈએ. આનું કારણ: જેવો ઊંટસવાર આગળના પલાણ પર બેસે કે તરત ઊંટજી ઝડપથી બે ઝટકે ઊભા થાય. સાવધાની ન રખાય તો પહેલા ઝટકે ઊંટ આગલા પગ પર ઊભો થાય ત્યારે આગળપાછળના બન્ને સવાર ઊંટના પાછળના ઢેકા પરથી ઊથલીને પાછળ પટકાઈ પડે. ત્યાર પછી તે પાછલા બન્ને પગ પર ઊભો થાય. આ વખતે સવાર ઊંટની આગળ ઊથલીને તેના પગની સામે પડી શકે છે. બન્ને વખતે પલાણ (જેને `કાઠી’ કહેવામાં આવે છે) મક્કમ રીતે પકડી રાખવી જોઈએ. અહીં જરા જેટલી સરતચૂક ન થવી જોઈએ!

રણમાં આવેલા પ્રશિક્ષણક્ષેત્રમાં જતી વખતે બે-ત્રણ કલાકની સવારી બાદ હું એક વાત શીખ્યો કે ઊંટના પલાણમાં આગળના ભાગમાં બેસવાથી કમરને આંચકા ઓછા લાગતા હોય છે! શરૂઆતની સવારીમાં જ્યારે ઊંટ તેની ગરદન પાછળ ફેરવતો ત્યારે મારા પગ સુધી તેનું મોં પહોંચતું. ક્લાસરૂમમાં શીખેલી વાતો સાંભળ્યા બાદ થોડો ડર લાગે તે સ્વાભાવિક હતું. જેમ જેમ અંતર કપાતું ગયું સવારીમાં આનંદ આવવા લાગ્યો. રણમાં દોડતા ઊંટને અમસ્તું જ `રણનું વહાણ’ નથી કહેવાતું! રણની રેતીમાં પૂરઝડપે દોડતા ઊંટની સવારી કરવાની મજા ઓર હોય છે.

અમારા કોર્સ ઇન્સ્ટ્રક્ટર ઘણા કડક હતા. રણના ઢૂવા – જેને રાજસ્થાનમાં `ટીલા’ કહે છે, તેમાં અમને યુદ્ધની આક્રમણ, સંરક્ષણ, એમ્બુશ વ. જેવી ક્રિયાઓનો અભ્યાસ કરાવવામાં આવ્યો. આ ઉપરાંત રેતીમાં લાંબા રૂટમાર્ચ કરવા પડે. ટ્રેનિંગ પૂરી થવા આવી ત્યારે પૂરી ઇક્વિપમેન્ટ સાથે રેતીના આ ડુંગરાઓ પર પચીસ કિલોમીટરનો forced march કરાવ્યો. તે સુધ્ધાં પાણીની એક-એક બાટલી સાથે. તે દિવસે અમને કહેવામાં આવ્યું હતું કે બપોરના ભોજન સુધીમાં કૅમ્પમાં પાછા આવી જઈશું, તેથી અમને પૅક લંચ લેવાનો હુકમ નહોતો. બપોરના બે વાગ્યા ત્યારે અમે કૅમ્પથી આઠેક કિલોમીટર દૂર હતા. સહુ થાકી ગયા હતા. રસ્તામાં અમે એક ઢાણી પાસે પહોંચ્યા. પંદર-સત્તર ઝૂંપડાંની આ વસ્તી `જાટોંકી ઢાણી’ હતી. પરંપરા મુજબ તેમના મુખી અમારું સ્વાગત કરવા આવ્યા.

`પધારો, હુકમ!’

`જૈ માતાજી રી’, કહી અમે જવાબ આપ્યો.

અમારા મુખડાં જોઈને તેમને કદાચ ખ્યાલ આવી ગયો કે અમે ભૂખ્યા છીએ! તેમણે અમને બેસવા કહ્યું. કચ્છના રણ પ્રદેશમાં ભૂંગા હોય છે તેવા અહીંનાં અંદરબહારથી સ્વચ્છ ઝૂંપડાં, સુંદર ડીઝાઇનોથી લીંપેલી ભીંતો, પ્રવેશદ્વારની આગળ લીંપેલું આંગણું અને બહાર રમતાં બાળકો જોઈ મન પ્રસન્ન થયું. અહીં નહોતાં પાણીના નળ, નહોતી વીજળી કે નિશાળ. પાણી લેવા બહેનો દરરોજ 7-8 કિલોમીટર પર આવેલ કૂવા પર પાણી ભરવા જાય, અને હેલ માથે ચડાવી પાછાં આવે. આ રોજની વાત થઈ. બકરીઓ પાળીને ગુજરાન કરતા આ અશિક્ષિત પણ ભોળા લોકોના મન કેટલા વિશાળ હતા તે દસ મિનિટમાં જ જણાઈ આવ્યું. દરેક ઝૂંપડામાંથી પિત્તળના કટોરામાં બાજરીના રોટલાના જાડા ભુક્કામાં છાશ ભેળવી, તેના પર ભભરાવેલ મીઠાનું શીતળ રાબડીનું ભોજન આવ્યું. મને બાળપણમાં વાંચેલી ભાવનગરના મહારાજ વિજયસિંહજી અને સોંડા માળીની વાત યાદ આવી ગઈ. વનમાં શિકાર કરવા નીકળેલ `જણ’ કોણ હતો તે જાણ્યા વગર સોંડા માળીએ મહારાજને તથા તેમના સાથીઓને ઝાડ પર ટાંગેલા બોઘરણામાં રાખેલ પોતાનો રોંઢો – `બોળો’12 પીરસી દીધો હતો. સેંકડો માઈલ દૂર, વેરાન ધરતીમાં ભારતની ગ્રામ્ય સંસ્કૃતિની જળવાઈ રહેલી પરંપરા જોઈ મન અનેક ભાવનાઓથી તરબોળ થઈ ગયું.

12 જુવાર કે બાજરાના રોટલાના ઝીણાં કકડા છાશમાં ભીંજવી તેને બોઘરણામાં મૂકવામાં આવે છે. ખેડૂત આ રોંઢાનું બોઘરણું ઝાડની ડાળી પર લટકાવી રાખે છે અને બપોરે જમે છે.

`જીમો, હુકમ’, મુખીએ કહ્યું.

ભોજન સામે આવ્યું હતું. અમે તેમને કેવી રીતે ના કહી શકીએ?

અમે 26 અતિથિઓને ભોજન આપનાર અન્નપૂર્ણાઓ દૂર ઊભી અમને જોઈ રહી હતી.

ભોજન પતાવીને અમે ગામના મુખીને પરાણે પૈસા આપવાનો પ્રયત્ન કર્યાે પણ તેમણે સ્પષ્ટ ઇન્કાર કર્યાે. રૂપિયાની નોટો જોઈ તેમના ચહેરા પર નારાજી સાફ દેખાઈ. અંતે અમે તેમનો હૃદયપૂર્વકનો આભાર માનીને નીકળી પડ્યા.

`ડેઝર્ટ વોરફેર’ના કોર્સમાં અમારા ઇન્સ્ટ્રક્ટરે અમારો સંપૂર્ણ દમ કાઢ્યો. અમારી પાસેથી જે `ફોર્સ્ડ માર્ચ’ કરાવ્યો તેમાં કોર્સની સાથે અમારી પણ પૂર્ણાહુતિ થઈ ગઈ. ત્રણ મહિનાનો કોર્સ પૂરો કર્યા બાદ સૌથી મધુર નીંદર આવી હોય તો ટ્રેનના ફર્સ્ટ ક્લાસ કંપાર્ટમેન્ટના કૂપેની નીચેની બર્થમાં!

ટ્રેનિંગ દરમિયાન મને એક અકસ્માત નડ્યો. રણના માર્ગ તરફ દોડી રહેલા મારા ઊંટના પલાણનો પટ્ટો અચાનક તૂટી ગયો અને હું ઊંચેથી લપસીને ભોંય પર પડ્યો. એક અંડકોષ પર ઈજા થઈ. આખી ટ્રેનિંગ દરમિયાન ત્યાં થયેલા સોજાને કારણે મને અસહ્ય દર્દ થતું રહ્યું. આવી હાલતમાં રૂટમાર્ચ, એટેકની એક્સર્સાઇઝ વ. કરવા જ પડ્યાં. ત્રણ મહિના બાદ ઘેર પહોંચ્યો ત્યાં સુધીમાં મારી ઇજા વકરી ગઈ. અમારા મેડિકલ ઓફિસરને બતાવ્યું. ડોક્ટર ઓરિસ્સાની મેડિકલ કોલેજમાંથી નવા નવા પાસ થઈને આવેલા હતા. કોણ જાણે કયા વિચારથી તેમણે ત્યાં પંક્ચર કર્યું. કમનસીબે ત્યાં સાઇનસ જેવી નળી થઈ, જે આગળ જતાં સેપ્ટિક થઈ ગઈ. ઓપરેશન કરવાની જરૂર પડી.

અમારા હેડક્વાર્ટર્સના નાનકડા ગામમાં ઓપરેશનની સુવિધા નહોતી તેથી મને અમૃતસરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ડોક્ટરે સલાહ આપી કે આ ઓપરેશન જનરલ એનેસ્થેસિયા નીચે કરવું સારું. શસ્ત્રક્રિયા પંજાબના પ્રખ્યાત સર્જન શ્રી સ્વતંત્ર રાયે કરી અને મને આરામ થયો. પરંતુ ઓપરેશનના એક મહિના બાદ અમારા ડોકટરે મને જે વાત કહી તે સાંભળી હું થરથરી ગયો.

ઓપરેશન શરૂ થયાની પાંચ મિનિટમાં મારા હૃદયના ધબકારા મંદ પડી ગયા હતા. તે જમાનામાં અમૃતસરમાં ઇલેક્ટ્રોનિક મોનિટર નહોતાં. અમારા યુનિટના ભલા મેડિકલ ઓફિસર ડો. મોહાન્તી પોતે ત્યાં હાજર રહ્યા હતા અને તેઓ મારા હૃદયનાં સ્પંદન મોનિટર કરી રહ્યા હતા. તેમણે સર્જનને તરત સાબદા કર્યા. સ્વતંત્ર રાય બાહોશ ડોક્ટર હતા. તેમણે આદેશ આપ્યો, `ઓક્સિજન તપાસો’.

એનેસ્થેટિસ્ટે સિલિંડરનું પ્રેશર તપાસ્યું તો સિલિંડર તદ્દન ખાલી હતું. ટેક્નિશિયન સિલિંડર બદલાવવાનું ભૂલી ગયો હતો! મારા સદ્ભાગ્યે નજીકમાં જ સ્પૅર સિલિંડર હતું અને તાત્કાલિક કારવાઈ કરવામાં આવી. થોડી સેકંડનો વિલંબ થયો હોત તો હું કાયમ માટે `brain damaged – cabbage’ થઈ ગયો હોત! આમ તો મિલિટરીમાં જોડાવાનું નક્કી કર્યું ત્યારથી જ મારા મિત્રો અને આપ્તજનો મને `બ્રેન ડૅમેજ્ડ’ માનતા હતા. ઓપરેશનમાં જો ખરાબ પરિણામ આવ્યું હોત તો તેમના મત પ્રમાણે મારી હાલતમાં થોડોક ફેર પડ્યો હોત: બ્રેન ડૅમેજ્ડમાંથી સાવ કૅબેજ બનવા જેટલો…

બીજી વાત: ડોક્ટર્સનું માનવું છે કે જ્યારે જનરલ એનેસ્થસિયામાંથી દર્દી હોશમાં આવવા લાગે ત્યારે તે સાંધ્યયોગ – twilight zoneમાંથી પસાર થતો હોય છે. તે સમયે તેના અંતરની વાણી નીકળતી હોય છે જેની તેને પોતાને પણ જાણ નથી હોતી. આ વાત મને ડો. મોહાન્તીએ ઓપરેશનના બે મહિના બાદ કહી હતી.

આ બેભાન માણસના શબ્દો હતા, `I am alone in this world!’

મોહાન્તીએ કહ્યું, `સર, આપના અંતર્મનની વાતનું રહસ્ય હું કદી પણ સમજી નહીં શકું.’

મારા મુખેથી અંગ્રેજી વાક્ય કેમ નીકળ્યું? મારી માતૃભાષામાં કેમ નહીં?

શું મારી અંતરની એકલતા એટલી હદ સુધી તીવ્ર હતી, જેની અનુભૂતિ મારા મનના ઊંડાણમાંથી બહાર આવી?

અંતર્મનને કોઈ કદી સમજી શક્યું છે?

હોસ્પિટલમાં હું સારવાર નીચે હતો ત્યારે મને મળવા અનુરાધા અમારી બટાલિયનના નાનકડા ગામથી બસમાં રોજ આવતી. એક દિવસ તેની સાથે આવેલા મારા વૃદ્ધ ઓર્ડરલી હુકમચંદ તેને હોસ્પિટલમાં મૂકી નજીક આવેલી અમૃતસરની બીએસએફ બટાલિયનમાં કોઈકને મળવા ગયા. પાછા વળતાં તેઓ ખબર લઈ આવ્યા કે ચાર નંબરની ચોકીને જીતવાની જવાનોએ સાથે કરેલ કાર્યવાહી માટે મને President’s Police & Fire Services Medal for Gallantry એનાયત થયાનો સિગ્નલ આવ્યો હતો. મારા સાથી સબ-ઇનસ્પેક્ટર કરમચંદને પણ રાષ્ટ્રપતિનો ચંદ્રક અપાયો. આમ 1971ના યુદ્ધમાં મારી કંપનીના સૈનિકોને એક સેના મેડલ, રાષ્ટ્રપતિના બહાદુરી માટેના ત્રણ ચંદ્રક અને બે પોલીસમેડલ ફોર ગૅલન્ટ્રી મળ્યા. એક જ કંપનીના છ સદસ્યોને બહાદુરીના ચંદ્રક મળે તે અમારા માટે ખરેખર ગૌરવની વાત હતી. આવા બહાદુર સૈનિકોનું નેતૃત્વ કરવાનો પરમાત્માએ મને અવસર આપ્યો તે મારા જીવનના આનંદની પરમોચ્ચ ઘડી હતી.

મને મળેલા અભિનંદનના પત્રોમાં અમારા ડાયરેક્ટર જનરલ શ્રી રુસ્તમજીનો તથા ઠાકુર કરમચંદનો ઉર્દૂમાં લખેલ પત્રોને હું સર્વશ્રેષ્ટ ગણું છું. મુંબઈ રહેતા મારા ભાણાનો પત્ર ખરેખર રમૂજી હતો. `મામા, ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના સમાચારમાં તમારું નામ જોયું તો પહેલાં થયું કે મામા ઊકલી ગયા! પણ તમે જીવતા છો અને રાષ્ટ્રપતિનો ચંદ્રક મળ્યો છે તે વાંચી ઘણો આનંદ થયો!’

1 thought on “જીપ્સીની ડાયરી-૩૨ (કેપ્ટન નરેંદ્ર ફણસે)

  1. “ધ ગ્રેટ થાર ડેઝર્ટ” very tough training-learnt about all new-camel ride how difficult it is–and you became victim and still in spite of all agony you completed training that is “KABILE TARIF”

    description of :”`જાટોંકી ઢાણી” there selfless love- and Annapurna- રોંઢો – `બોળો’ great delicious food in desert you all enjoyed- …
    …and there after all about your operation and learnt new about Twi-light Zone and your utterance “I am alone in this world!”
    ..and last great news : “મને President’s Police & Fire Services Medal for Gallantry એનાયત થયાનો સિગ્નલ આવ્યો હતો.”

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s