દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’ ની ગઝલો


ગુજરાતી ગીત અને ગઝલ સર્જનમાં દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’ નામ ખાસું એવું જાણીતું છે. ભરૂચ સ્થિત દીપલબહેનની રચનાઓમાં લયબધ્ધ વિચાર છે. સરળતાથી વહેતા સરળ શબ્દોમાં કેટલીક ગહન વાતો જોવા મળે છે. વ્યવસાયે તેઓ બ્યુટીશીયન છે, અને કદાચ તેથી જ એમની રચનાઓમાં સુંદરતા છે. સ્ત્રી અને બાળકોની સંસ્થાઓ સાથે સમાજ સેવિકા તરીકે જોડાયેલા હોવાથી એમની રચનાઓમાં સમાજની ઝલક પણ જોવા મળે છે. આજે અહીં એમની પાંચ ગઝલ રજુ કરૂં છું. – સંપાદક

(આધ્યાત્મિક છાંટવાળી આ ગઝલમાં શિવોહમ શિવોહમ નો નાદ મનમાં ગુંજ્યા કરે છે.)

ગઝલ: ~૧

નયન ઝરમરે ત્યાં શિવોહમ્ શિવોહમ્ !!

નજર વિસ્તરે ત્યાં શિવોહમ્ શિવોહમ્ !!

આ  રંગો  બધા  ભસ્મ જેવા  જ દીસે,

તું જ્યાં ચીતરે ત્યાં શિવોહમ્ શિવોહમ્ !!

હું  સંસાર   મધ્યે  સકળ   તાપ  શામુ,

ઝહર નીતરે ત્યાં શિવોહમ્ શિવોહમ્ !!

ગળે   માળ   રુદ્રાક્ષની    ધારણાઓ,

એ સંકટ હરે ત્યાં શિવોહમ્ શિવોહમ્ !!

નમામિ    નમામિ     હરે    નર્મદે   મા,

મળે કંકરે  ત્યાં  શિવોહમ્.  શિવોહમ્ !!

અહીં આભથી  એ જ ભાગીરથી  પણ,

સહજ ઉતરે ત્યાં શિવોહમ્ શિવોહમ્ !!

મને   વિસરી   હું   કદી   જાઉં  કેવળ!

સતત તું સ્મરે ત્યાં શિવોહમ્ શિવોહમ્ !!

 દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’

(આ ગઝલ  જીવનમાં સકારાત્મક વિચાર અને તમાંથી મળતું સુખ ઉજાગર કરે છે.)

ગઝલ: ~૨

પાનખરનો હું અંત ભાળુ છું,

રોજ ભીતર વસંત ભાળુ છું.

ચોતરફ  છે  પલાશ  રંગોમાં,

વિશ્વ આખું અનંત ભાળુ છું.

ફૂલ  ઉપર  ભ્રમર  ભ્રમર ગૂંજે,

એમાં  પણ  હું  સંત  ભાળુ છું.

સૂર્ય-રશ્મિ બધે જ પથરાયા,

તેજનો  સર્વ  તંત  ભાળુ  છું.

મ્હેકભીનાં  વધામણા  કરવા,

કોના દિલમાં છે ખંત ભાળુ છું.

દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’

(નકારાત્મકમાં હકારાત્મક જોવાથી આત્મશ્રધ્ધા વધે છે.)

ગઝલ: ~૩

કૈં ફરક પડતો નથી  ઘટના વિશે,

હું અડગ છું પોતીકા રસ્તા વિશે.

આપે  એનો  અર્થ તથ્યોમાં કર્યો,

મેં ઘણું સમજાવ્યું’તું પડઘા વિશે.

તર્કની તલવાર   વિધ્વંસક  હતી,

કોઈએ  પૂછ્યું  નહીં  કટકા વિશે.

એટલી શ્રદ્ધા નથી  રાખી શક્યાં,

જેટલો  વિશ્વાસ  છે  શંકા વિશે.

પંખી વિશે બોલી શકશો બહુ તમે

પણ, કઠિન છે બોલવું  ટહુકા વિશે

    દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’

માગણીમાં પણ ખુદ્દારી છે. કરગરવાની વાત નથી. બે ટુક સંવાદ છે.)

ગઝલ: ~૪

જીતમાંથી   હારમાંથી   મુક્ત  કર,

ઘટ્ટ  ઘન  અંધારમાંથી   મુક્ત  કર.

કામ લાયક હોઉં નહિ હું સ્હેજ પણ…

તો  હવે   સંસારમાંથી  મુક્ત  કર.

આપ  ગમતીલો  કોઇ  આકાર તું,

યા  બધા  આકારમાંથી  મુક્ત કર.

ભાર  આપી  દે  હિમાલય  જેવડો,

પણ  મને  આભારમાંથી  મુક્ત કર.

છીનવી  લેવી  જો  ફોરમ હોય તો,

ફૂલના   અવતારમાંથી   મુક્ત  કર.

    દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’

(સમયનું મહત્વ સમજાવતી આ ગઝલમાં સમજદારી છે.)

ગઝલ: ~૫

કશું બોલવાનો  સમય.  ક્યાં રહ્યો છે?

હૃદય ખોલવાનો  સમય  ક્યાં રહ્યો છે?

સમય  એટલે   શું  સમયને  જ પૂછ્યું,

સમય મોલવાનો સમય ક્યાં રહ્યો છે?

હૃદયના    દુખોને    વિદાર્યા   હવે   તો,

જખમ ઠોલવાનો સમય ક્યાં રહયો છે?

નથી  સ્થાન   આ   જિંદગીમાં   દરદને,

એ  કરકોલવાનો  સમય  ક્યાં રહ્યો છે?

કદી જામ પણ પી  લીધો  આંસુઓનો,

છતાં  ડોલવાનો સમય  ક્યાં  રહ્યો છે?

દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’

3 thoughts on “દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’ ની ગઝલો

  1. ખૂબ સરસ ગઝલો. સરળતા અને સૌંદર્યનિષ્ઠાનો સમન્વય. ભાવકના મનોજગતમાં સહજતાથી પ્રવેશ કરી તૃપ્તિનો અનુભવ કરાવે છે. અભિનંદન.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s