(અમેરિકામાં પૂર્વ કિનારે અને પશ્ચિમ કિનારે ગુજરાતીઓની વસ્તી સારા પ્રમાણમાં છે. પૂર્વ કિનારે ન્યુજર્સી, ફ્લોરિડા, ફીલા ડેલ્ફીયા અને ટેક્ષાસના હ્યુસ્ટનમાં સારી એવી વસ્તી છે. પશ્ચિમ કિનારે કેલીફોર્નિયા રાજ્યના Bay Area અને લોસ એંજેલસમાં વધારે ગુજરાતીઓ છે. જ્યાં જ્યાં ગુજરાતીઓની સારી વસ્તી છે, ત્યાં ત્યાં ગુજરાતીઓ ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિને જીવંત રાખવા સંગઠિત પ્રયાસ કરે છે. હ્યુસ્ટનમાં આવી એક સંગઠિત અને લોકશાહી રીતે ચાલતી પ્રવૃતિનો અહીં સુંદર અને સંક્ષિપ્ત લેખ દેવિકાબહેન ધ્રુવે આપ્યો છે. અન્ય સંગઠનોને પણ આવો અહેવાલ મોકલવા આંગણાં વતી હું આમંત્રણ આપું છું. – સંપાદક)
સાહિત્ય જગતમાં જેનો ધ્વજ આજે સન્માનપૂર્વક ફરફરતો છે તેવી ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની સ્થાપના ૨૦૦૧માં વ્યવસ્થિત રીતે કરવામાં આવી. તેની પૂર્વભૂમિકા, ઈતિહાસ અને વિકાસયાત્રા ખૂબ રસપ્રદ છે. એટલું જ નહિ, ગુજરાતી ભાષાને જાળવી રાખવા ઈચ્છતી આજની અને આવતી કાલની પેઢીને માટે જરૂરી અને માર્ગદર્શક પણ અવશ્ય છે જ. તેની પૂર્વભૂમિકા કાંઈક આ પ્રમાણે છે.
પૂર્વભૂમિકા, સ્થાપના અને હેતુઃ
અમેરિકાના મોટાભાગના દરેક શહેરોમાં ગુજરાતીઓ ‘ગુજરાતી સમાજ’ નામે વિવિધ રીતે ગુજરાતને અને ગુજરાતી ભાષાને જીવંત રાખવાનો પ્રયત્ન કરે છે. તે રીતે વર્ષોથી અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં પણ માતૃભાષાની સતત ઉજવણી થતી આવી છે.
હ્યુસ્ટન ગુજરાતીઓથી અને વિવિધ કલાના કસબીઓથી ધબકતું છે. પોતપોતાની રુચિ અનુસાર જુદા જુદા પ્રકારના ગુજરાતી વર્તુળો સાથે મળીને કમાલ કરતા રહે છે. ૧૯૯૭–૯૮માં જ્યારે સાહિત્યકાર શ્રી ગુણવંત શાહ આવ્યા તે પછી હ્યુસ્ટનના કેટલાંક સાચા સાહિત્ય-રસિકોના મનમાં એક નવી વિચારધારાએ જન્મ લીધો અને થોડા સમય માટે ૧૫ થી ૨૦ જણનું એક ‘સાહિત્ય–પરિચય’ જેવું વૃંદ રચાયું. તે થોડા સમય માટે ચાલ્યું. તેમાંથી એક વાત સમજાઈ કે હ્યુસ્ટનમાં ગુજરાતી સાહિત્ય માટેના સારા કાર્યક્રમો થઈ શકે છે. ફક્ત કમી છે એક વ્યવસ્થિત સંસ્થાની. આ વિચારને પુષ્ટી મળી શ્રી દીપકભાઈ ભટ્ટના “આપણો અમર વારસો” નામે સાહિત્યની બેઠક થકી. તેમણે ૨૩ સપ્ટે. ૨૦૦૧માં પ્રથમ બેઠક પોતાના ઘેર રાખી. ૪૨ માણસોની આ બેઠક આખી રસપ્રદ રહી.
આ રસ જળવયેલો રહે તે હેતુથી નામાભિધાન અંગે બહુમતી દ્વારા ‘ગુજરાતી સાહિત્ય સરિતા” નામે સંસ્થાનો જન્મ થયો. તે વખતે આમ તો, ગુજરાતી સાહિત્ય સરિતા ગણ્યાં ગાંઠ્યા સાહિત્ય પ્રેમીઓનું સ્વપ્ન હતું. પણ આ સ્વપ્નને સાકાર કરવા માટે સ્વ. ગઝલકાર શ્રી આદિલ મનસુરીએ નીચે પ્રમાણેના લક્ષ્યો કંડાર્યાં.
૧. ગુજરાતી કવિઓ અને લેખકોનો અમર વારસો જાળવી રાખવો.
૨. મહિનામાં એક વાર બેઠક યોજીને સ્થાનિક નવોદિત સર્જકોને માટે મંચ પૂરું પાડવું.
૩. ઉચ્ચ કક્ષાના સર્જકોને આમંત્રણ આપી, સ્થાનિક સર્જકોનું સ્તર ઉંચું લાવવા પ્રયત્નશીલ રહેવું.
૪. અન્ય લલિત કલાના કાર્યોમાં સહકાર આપવો.
૫. ગુજરાતી ભાષાનું સર્જન, સંવર્ધન, પ્રચાર, પ્રસાર અને વિકાસનો હેતુ રાખવો.
આ રીતે ત્યારથી માંડીને આજ સુધી એટલે કે, છેલ્લાં ૧૯ વર્ષથી આ સાહિત્ય સરિતા વહેતી રહી છે. તેમાં નિયમિતપણે મહિનામાં એક વાર બેઠક યોજીને સ્થાનિક સર્જકોને માટે મંચ પૂરું પાડવામાં આવે છે. એટલું જ નહિ, પરંતુ ઉચ્ચ કક્ષાના લેખકો કે કવિઓને આમંત્રણ આપી, સાહિત્યનું સ્તર ઉંચું લાવવા માટે પ્રયત્નશીલ રહે છે અને સાહિત્ય સિવાય અન્ય લલિત કલાઓમાં પણ સહકાર આપવામાં આવે છે. તેમાં લગભગ ૨૦ થી ૨૫ જેટલાં સર્જકો કવિતાઓ રચે છે, વાર્તાઓ લખે છે, નવલકથાઓ ઘડે છે, નાટકો યોજે છે, સંગીત સર્જે છે, શેરાક્ષરી રમે છે, ઉજાણી કરે છે અને એ રીતે ગુજરાતી ભાષાને આદર સહિત વંદે છે, એક સામૂહિક આનંદ માણે છે.
પ્રવૃત્તિ અને પ્રગતિનો ક્રમિક ઈતિહાસઃ
છેલ્લાં ૧૯ વર્ષના ઈતિહાસ પર અને http://www.gujaratisahityasarita.org. પર વિહંગાવલોકન કરશો તો જણાશે કે, એમાં સતત પ્રવૃત્તિઓ છે, ક્રમે ક્રમે પ્રગતિ છે, છલ છલ છલકાતી સરસ્વતીની સાધના છે અને હર કલાની સિધ્ધિ છે. આ એક એવો મંચ છે જેમાં સર્જક હોય કે ભાવક, સૌને માટે અવકાશ છે. દર મહિનાની આ બેઠકોમાં નીચે મુજબ વિવિધતા જોવા મળશે.
૨૦૦૧–સપ્ટે.મહિનામાં સ્થાપના થઈ.
૨૦૦૨– પ્રથમ માર્ગદર્શી મુલાકાતી નામાંકિત ગઝલકાર શ્રી અદિલ મનસુરી અને આદમ ટંકારવી હતા. તેમની હાજરીમાં સર્જન અને શિબિર–પર્વની ઉજવણી થઈ. ગાંધી હોલમાં પાદપૂર્તિ હરીફાઈ પણ ત્યારે જ થઈ.
૨૦૦૩– ફ્લોરીડાથી ડૉ. દિનેશ શાહ, ડૉ.સ્નેહલતા પંડ્યાનું આગમન.
૨૦૦૪ – જુદા જુદા સમયે કવિ શ્રી શ્રી રઈશ મનીયાર, ચીનુ મોદી, યુકે.થી ગઝલકાર શ્રી ‘અદમ’ ટંકારવી અને શ્રી એહમદ ગુલ સાથે બેઠકો થઈ.
૨૦૦૫ – સંસ્થાના સભ્ય શ્રી વિશાલ મોણપરાએ ગુજરાતી કીપેડની શોધ કરી. એ જ વર્ષમાં. કવિ શ્રી અનિલ જોશી, ગઝલકાર શ્રી શોભિત દેસાઈ સાથે કવિ સંમેલન યોજાયુ.
૨૦૦૬– કવિ શ્રી વિનોદ જોશી સાથે કાવ્યસંધ્યા અને તે જ વષે શેર–અંતાક્ષરીનો પ્રથમ પ્રયોગ પણ થયો.
૨૦૦૭– પ્રવાસિની પ્રીતિ સેનગુપ્તા સાથે વાર્તાલાપ યોજાયો. તે વર્ષે મહેન્દ્ર મેઘાણી સાથે બેઠક, રઈશ મનીઆર સાથે ગઝલ વર્કશોપ અને શ્રી જવાહર બક્ષી સાથે કાવ્ય-ગોષ્ઠી યોજાઈ.
૨૦૦૮– શાંગ્રિલા આર્ટગેલેરીમાં શેરોની રમઝટ મચાવતો શેરાક્ષરીનો નવો પ્રયોગ થયો. તે ઉપરાંત વિદ્વાન શ્રી સુમન શાહ સાથે બેઠક થઈ અને ‘ચલો ગુજરાતનાં વૈશ્વિક અધિવેશન’માં ભાગ લીધો. શ્રી ગૌરાંગ દીવેટીઆ સાથે બેઠક પણ આ જ વર્ષે યોજાઈ.
૨૦૦૯– પ્રથમ શબ્દસ્પર્ધાનું આયોજન અને ‘ગાંધીનિર્વાણ દિનની ઉજવણી રૂપે તેમની અંતિમ પળોની ઝાંખી નાટ્યરૂપે દર્શાવવામાં આવી..
૨૦૧૦– વાંચનયાત્રાના વિરલ યાત્રી મહેન્દ્ર મેઘાણી સાથે બેઠક, ‘સ્વર્ણિમ ગુજરાત’ની ઉજવણીના ભાગ રૂપે ’અનોખી મહેફિલ’ નામે નાટક અને ‘ગુજરાતનો ઝળહળતો દીવડો’ ગરબાનો કાર્યક્રમ, બળવંત જાનીનું પ્રવચન અને ‘સ્પીરીટ ઓફ ટાગોર એવોર્ડ’માં સાહિત્ય સરિતાના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું.
૨૦૧૧– ‘દશાબ્દિ-મહોત્સવ’ બે ભાગમાં ‘ઉજવાયો,. તે જ વર્ષે કવિ શ્રી વિવેક ટેલર, હાસ્યલેખક શ્રી હરનીશ જાની અને વાર્તાકાર શ્રી વલીભાઈ મુસા સાથે ખાસ બેઠકો યોજાઈ.
૨૦૧૨– ખુલ્લાં આકાશ નીચે સાહિત્ય ગોષ્ઠી અને ઉજાણી કરવામાં આવી.
૨૦૧૩– સામયિકતંત્રી શ્રી અતુલભાઈ શાહ સાથે તેમજ વાર્તાકાર શ્રીમતી નીલમબેન દોશી સાથે બેઠક કરવામાં આવી. ‘ગૂગલ હેંગ–આઉટ’ નો પ્રથમ પ્રયોગ પણ થયો.
૨૦૧૪– ડાયસ્પોરા સાહિત્યના સંશોધક શ્રી બળવંત જાની સાથે વાર્તાલાપ થયો. કવિ શ્રી કૃષ્ણ દવે અને શ્રી અદમ ટંકારવી સાથે ‘કાવ્યોત્સવ’ યોજાયો.
૨૦૧૫– શ્રી હરિકૃષ્ણ મજમુદાર સાથે બેઠક અને તે જ વર્ષે શ્રી રઈશ મનીઆરની હાજરીમાં ‘સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલક’ નામે પુસ્તકનું ઉદઘાટન કરવામાં આવ્યું.
ત્યારબાદ ૨૦૧૬ થી ૨૦૧૯ દરમ્યાન કવિ શ્રી અનિલ ચાવડા, શ્રી ભાગ્યેશ જહા, શ્રી મુકેશ જોશી.શ્રી શોભિત દેસાઇ, શ્રી મહેશ રાવલ, પન્નાબેન નાયક, પ્રીતિ સેનગુપ્તા, વાર્તાકાર શ્રીમતી નીલમબહેન દોશી, ડાયસ્પોરા સાહિત્યના સંશોધક શ્રી બળવંત જાની, વગેરેએ પણ મુલાકાત લીધી. તે સૌનો ફાળો પણ અનન્ય છે. ૨૦૧૯ના વર્ષથી અન્ય ભાષાઓના પ્રતિનિધિઓને નિમંત્રણ આપવાનું કામ પણ શરૂ કર્યું છે.
આ સંસ્થાની બીજી એક વિશેષતા એ છે કે અહીં દર વર્ષે કે બે વર્ષે વ્યવસ્થાપક સમિતિ બદલાય છે. સ્વૈચ્છિક રીતે ચાહીને આગળ આવનાર જવાબદારી ઉપાડે છે, અને અન્ય સભ્યો તેમાં સાથ આપે છે. આ મંચ ઉપર કોઈ એકનું સામ્રાજ્ય કે વર્ચસ્વ નથી. તેથી દરેકને અવકાશ મળી રહે છે. સંસ્થા યોગ્ય વ્યક્તિઓની પરખ કરી સન્માન પણ કરે છે. ખુશીની વાત છે કે, છેલ્લાં થોડા વર્ષોથી સભ્યોની સંખ્યા વધતી રહી છે.
અહીં સહાયકો, દાતાઓ, તસ્વીરકાર, પ્રચારક, પ્રસારક, વેબમાસ્ટર, ચિત્રકાર, કલાકાર, સર્જક, વ્યવસ્થાપક, ખજાનચી, અહેવાલ લખનાર સૌ કોઈ યથા શક્તિ–મતિ સાથ આપે છે. સરિતા છે એટલે અવરોધો તો આવતા રહે પણ છતાં સતત વહેતી રહી છે તે મોટું સદભાગ્ય છે અને તેનું ખૂબ જ ગૌરવ છે. અત્રે હંમેશને માટે ગુમાવેલા કેટલાંક સારા સર્જકો જેવા કે શ્રી સુમન અજમેરી, નાટ્યકાર શ્રી ગીરીશ દેસાઈ, શ્રી અશોક પટેલ, શ્રી મહમદ અલી પરમાર ‘સૂફી’ ને પણ સ્મરી લેવા ઘટે અને નાદુરસ્તીને કારણે કાયમ માટે પાકિસ્તાન ગયેલા એક સારા ગઝલકાર શ્રી ‘રસિક’ મેઘાણી (અબ્દુલ રઝાક) ને પણ કેમ ભૂલાય?
ઉપસંહારઃ
તો આ છે હ્યુસ્ટનના આંગણે ઉગેલો ગુજરાતી ભાષાનો તુલસીક્યારો; જેમાં રોજ અવનવા હસ્તે અક્ષર–જળનું સિંચન થયા કરે છે, વિવિધ વિચાર–કિરણોના તેજ પથરાયા કરે છે અને ભાવકોની શીતળ હવા ભળ્યા કરે છે. એ રીતે માતૃભાષાનો છોડ લીલોછમ રાખવા પ્રયાસો થાય છે.
માતૃભાષાની કટોકટી નવી નથી, વર્ષોથી ચર્ચિત થતી આવી છે પણ નેટના નવા માધ્યમો થકી યુવાન–વર્ગને ઉત્સાહિત થતાં જોઈને આંખ ઠરે છે અને આશા જન્મે છે. એક એવો પણ સમય આવશે જ્યારે અન્ય વિદેશી ભાષાઓની જેમ ગુજરાતી ભાષા જાણવા, શીખવા, ટકાવવાની ટહેલ સંભળાશે.
સાહિત્ય સરિતાના આ મંચ પરથી ઘણાંને ઘણું મળ્યું છે. વાંચન, લેખન અને રજૂઆતનો આયાસ, પ્રયાસ અને રિયાઝ થતો રહ્યો છે, લેખન-સાધના દ્વારા શબ્દપૂજા થતી રહી છે. પરિણામે ભીતરમાં સાહિત્યનું એક વિશ્વ ઉઘડતું રહ્યું છે. કંઈ કેટલાય સર્જક અને ભાવક મિત્રો મને અને સૌને મળ્યાં છે. એકાદ વાક્યમાં કહેવું હોય તો પંખીની પાંખને વિહરવા માટે અહીં આકાશ મળ્યું છે. સાચું કહું તો મને તો એમ લાગે છે કે જાણે ‘મને હું મળી ! ‘
सरस्वत्यै नमो नित्यं भद्रकाल्यै नमो नमः
અસ્તુ.
દેવિકા રાહુલ ધ્રુવ
Ddhruva1948@yahoo.com
મે ૪ ૨૦૧૯.
https://devikadhruva.wordpress.com/
.
સાહિત્ય સરિતાના નામકરણ અને ન પૈસા, ન હોદ્દો, એ વિચારો સાથે સાહિત્ય સરિતાની શરૂઆત કરવામાં હું ભાગીદાર થઈ શકી હતી અને તેના ફળ સ્વરૂપે ગુજરાતી અંગ્રેજીના લખાણ સાથે છ પુસ્તકો પ્રકાશિત કરી શકી છું. હવે ઓસ્ટિનથી પણ સંબંધિત રહેતી…સરયૂ પરીખ.
LikeLiked by 1 person
આજે ૧૯ વર્ષની હ્યુસ્ટન સાહિત્ય સરિતાની યાત્રા સતત વહેતી રહે એવી શુભેચ્છા.
LikeLiked by 1 person
ગુજરાતિ સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની પૂર્વભૂમિકા, સ્થાપના અને હેતુઃ અને પ્રવૃતિનો
રસભર વિસ્તૃત અહેવાલ મળતા અમારા જેવા મોડા આવેલ સભ્યોને આનંદ થયો.
આભાર દેવિકાબેન.
LikeLiked by 1 person
ગુજરાતી સાહિત્ય સરિતા ની યશગાથા મા ઘણા વર્ષોથી (લગભગ શરુઆત થી જ કહો ને) વિવિધ હોદ્દાઓ ધારણ કરીને જે યોગદાન આપવાની તક મળી તે બદલ મારી જાત ને ભાગ્યશાળી સમજુ છુ. સરિતાના આ નિર્મળ વહેણ ને આ રીતે આપણે સૌ સભ્યો સદાય વહેતુ રાખ્યવા પ્રય્ત્ન કરીએ ગુજરાતી સાહિત્ય સરિતાની યશકલગી સમાન દેવિકાબેન ધ્રુવ જેવી વ્યક્તી જ સાહિત્ય સરિતા ની યશગાથા નુ શબ્દાંકન આ રીતે કરી શકે. તે માટે દેવિકાબેન નો જેટલો આભાર માનીએ તેટલો ઓછો કહેવાય. શુભેચ્છાઓ સહિત
LikeLiked by 1 person
Wow that’s great.👏👏👏👏👏
LikeLiked by 1 person
ખૂબ સ રસ વાતો ફરી માણી આનંદ
હ્યુસ્ટન સાહિત્ય સરિતાની યાત્રા સતત વહેતી રહે એવી શુભેચ્છા
LikeLiked by 2 people
બહુજ સરાહનીય સફળ પ્રયત્ન અને પ્રવૃત્તિ..
હું ઘણા વર્ષો ( ૧૯૭૫ થી ૨૦૦૯) સુધી દુબઈ હતો.. દુબઈ મા પણ ગુજરાતીઓ ઘણા.. ૧૯૭૭ મા ૬ પરિવાર ના ધરે થી શરુ કરીને નવરાત્રી ના ગરબા.. ૧૯૮૨ સુધીમાં મોટા ખુલ્લા પ્રાઇવેટ ચોગાન માં ૧૦૦૦૦ ની જનસંખ્યા પાર કરી ગયા હતા જે હજુ પણ ચાલુ છે.. મહિનાના છેલ્લા બુઘવારે “કાવ્ય-સભા મળતી .. જેની શરૂઆત ૧૯૮૬ મા મારા ઘરેથી થયેલી.. જેમાં ગુજરાતી પાઠ્યક્રમ મા ભણાવાયેલી કવિતાઓ ના વાંચન થી થયેલી.. પહેલી કાવ્ય સભા નીલેશ ભાઇ શુક્લ અને મેં (શૈલેષ મહેતા) એ માણેલી જેમાં વક્તા અને શ્રોતા અમે બંને હતા.. પછી તો ૧૦૦ ઉપરાંત કાવ્ય પુસ્તકો ફ્લોર પર હોય અને દરેક જણ ઓછામાં ઓછી બે કવિતા નું પઠન કરે તે શિરસ્તો ચાલ્યો.. જે ગુજરાતી સર્જકો અને સાહિત્ય રસીકો લંડન-અમેરિકા આવતા જતા તેઓ દુબઈ વિસામો લેતા, અમારી મહેમાનગતિ માણતા અને અમને લાભ આપતા.. દેવિકાબેહેને હ્યુસ્ટન ફરીઆવેલા જે જે સાહિત્ય સર્જકો ના નામ લખ્યા છે તે બધાને તથા શ્રી સુરેશભાઈ દલાલ , તારક મહેતા, દિગંબર સ્નેવાદિયા, શહાબુદ્દીન રાઠોડ વિ. ને માણવાનો અવસર અમને દુબઈ માં સાંપડેલો.. ઉપરાંત વર્ષ મા ૧૦-૧૨ ગુજરાતી નાટકો શ્રી ભરતભાઇ શાહ ના નેત્રુત્વમાં માણવા મળતા.. હવે તે પેઢી દુબઈ છોડી સ્થળાંતર કરી ગઇ છે.. પણ સાવ સાચું .. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત..
અસ્તુ
શૈલેષ મહેતા.
+૯૧ ૯૪૦૮૪ ૯૧૯૨૫
LikeLiked by 1 person
આપ સૌ સ્નેહાળ પ્રતિભાવકો અને વાચકોનો તહેદિલથી આભાર.
દાવડા સાહેબનો ખાસ કે જેમને આ વિચાર સૂઝયો અને ખૂબ જરૂરી માહિતી લેખ શરૂ કર્યો.
હજી પણ ડાયસ્પોરા સર્જકો વધતે ઓછે અંશે હાંસિયામાં રખાયા છે ત્યારે આવી જાણકારી ખુબ ઉપયોગી અને જરૂરી છે.
શૈલેષભાઈએ સરસ વિગતો આપી અને ઘણાં વિદેશમાં રહેતા આ રીતે સાહિત્ય સાથે સંકળાયેલી સંસ્થાના ઈતિહાસની ઝલક આપે તો ઉગતી પેઢીને માટે એક સરસ સંકલન હાથવગું ( સોરી..વેબવગુ! ) બની રહે.
દેવિકા
LikeLike
shaila munshaw
Wed 5/8/2019 8:28 AM
ગુજરાતી સાહિત્ય સરિતાના જન્મથી આજની યૌવનને આંગણે પહોંચેલી સુંદરીનુ વર્ણન આપની કસબી કલમની કમાલ છે. આ લેખથી વિશ્વ ફલક પર ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન સદાને માટે ધ્રુવના તારાની જેમ ચમકશે.
શૈલા મુન્શા
http://www.smunshaw.wordpress.com
LikeLiked by 1 person