આ કાંઠાને સામા કાંઠા સાથે જોડતો સિમેન્ટનો દેઢકાય સંતુ,
આ હૃદયને પેલા હૃદય સાથે જોડતો કાવ્યશબ્દોનો ઉદેશ્ય સેતુ,
એક મનુષ્યને બીજા મનુષ્ય સાથે જોડતો પ્રેમનો હૃદયસ્થ સેતુ (જયા મહેતાના આ કાવ્યમાં નાનકડા શબ્દ પરિવર્તન સાથે) બસ એમજ અમારા ચાર જણ વચ્ચે ચોથા પ્રકારનો સેતુ ! અમે ચાર એટલે સર્વજ્ઞ – જયશ્રી, હું અને કનક. અમે વાણી, વર્તન, વ્યવહારે જુદા, સ્વભાવે પૂર્વ–પશ્ચિમ ! પરંતુ હૃદયની ઉત્કૃષ્ઠ લાગણીઓના સેતુથી બંધાયેલા. મતભેદ થાય ક્યારેક મનભેદ પણ થાય છતાંયે ડાંગે માર્યા પાણી છૂટાં ના પડે એવું અમારું સાથે બની રહેવું અગત્યની ઘટના છે.
ચાર દાયકાનો સંબંધ ટકી રહ્યો છે. હમસફરની સહૃદય ભાવનાથી સર્વજ્ઞભાઈએ ઓગણીસો એંસીના માર્ચ માસમાં જાહેરાત કરી કે જો ભરતભાઈ, લાયન્સ ક્લબ ઓફ સરખેજના પ્રમુખ થાય તો હું સેક્રેટરી થાઉં. મારા કરતાં સિનિયર, વધુ અનુભવ પરંતુ મારા જેવા એક નવા જ લાયન સભ્ય માટે એમણે જાહેરાત કરી દીધી અને ત્યાર બાદ એમણે મને પ્રમુખ બનાવી જ દીધો . અહીં માત્ર અમારી મૈત્રીનો જ નહીં, માત્ર સંબંધનો જ નહીં પરંતુ મારી વ્યક્તિગત અને સામાજિક પ્રગતિનો પણ પાયો નંખાયો. ક્લબના પ્રમુખપદથી શરૂ થયેલી મારી યાત્રા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલની સૌથી મોટી સેવા સંસ્થાની વૈશ્વિક કક્ષાની એક અગત્યની કમિટીના સભ્યપદ સુધી પહોંચી ગઈ. આ પ્રગતિનો પાયો નંખાયો સર્વજ્ઞભાઈની જાહેરાતથી.
મારી પ્રત્યેક પ્રગતિના પગલે સર્વજ્ઞભાઈ સાથે જ હોય. ડિસ્ટ્રિક્ટ ગવર્નર થયાં પહેલાં, તે પદ દરમિયાન અને ત્યાર બાદ મારા લાયન્સના ઘણા બધા પ્રવાસોમાં સાથે.
લાયન્સના મારા કાર્યક્ષેત્રથી પોલિયો ફાઉન્ડેશનનો જન્મ થયો. ભૂતકાળમાં ડોકિયું કરું ત્યારે મને યાદ આવે છે સોલા ભાગવત વિદ્યાપીઠ મંદિરમાં શ્રીનાથજીના દર્શન કરી પરત વળતાં પગથિયાં ઊતરતાં બનેલી ઘટનાની પ્રભુએ મને આદેશ આપ્યો હતો કે તારી જ હૉસ્પિટલમાં કરેક્ટીવ સર્જરીનું કામ શરૂ કરજે મેં બાકીના ત્રણેયને કહ્યો. કનકે તરત જ પોતાની હૉસ્પિટલમાં બે બેડ આપવાની તૈયારી બતાવી અને સર્વજ્ઞ – જયશ્રીએ પહેલું ઑપરેશન સ્પોન્સર કરવાની જાહેરાત કરી દીધી. ત્યારથી લઈ આજ સુધી, પોલિયો ફાઉન્ડેશનથી લઈ હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન સુધી એ સાથી, સહયોગી અને સહયાત્રી બની રહ્યા છે. આવા મિત્રો અને સાથીઓ જ વ્યક્તિ અને સંસ્થાને વધુ ને વધુ ઊંચાઈએ લઈ જઈ શકે છે. મજાની વાત એ છે કે સર્વજ્ઞભાઈ આ પ્રસંગને જીવનનો અતિ આનંદનો પ્રસંગ ગણે છે.
જોકે બીજું વાક્ય એ ઉમરે કે મારું લગ્ન જયશ્રી સાથે લગભગ પચાસ વર્ષ પહેલાં થયું એ સૌથી અતિ આનંદની ઘટના ગણાય કારણ કે જયશ્રીની કોઠાસૂઝે મને વ્યાવહારિક જીવનના અનેક પાઠ શીખવ્યા છે. અમે બધા એમની જયશ્રી ભક્તિ ગણીએ અને ક્યારેક અમારી પત્નીઓ જયશ્રીની ઈર્ષ્યા પણ કરે !
સર્વજ્ઞભાઈને પોલિયો ફાઉન્ડેશનનું એટલું વળગણ કે બધાં જ કામો છોડી દર રવિવારે સવારે મારે ત્યાં નિયમિત શસ્ત્રક્રિયાના કામ સમયે આવી જાય. ક્યારેક દર્દીઓને તો ક્યારેક ડૉક્ટરને હસતાં – રમતાં રાખે. પ્રત્યેક કેમ્પમાં એ અમારી સાથે હોય જ. આખા કૅમ્પ દરમ્યાન એ કામમાં વ્યસ્ત રહે જ, એમને કામ આપવું જ ના પડે. એ જાતે શોધી કાઢે. કંઈ ના મળે તો બધા માટે સારો નાસ્તો બજારમાંથી લાવી દે. કેમ્પમાં જતાં અને આવતાં એ એવું હળવું વાતાવરણ કરી દે કે બધાંને કેમ્પમાં જવાનું કઇ જ ના લાગે, માત્ર પિકનિક જ લાગે. હસો અને હસાવો એમનો જીવનમંત્ર.
મેં એમને પૂછ્યું : “આવો સરસ મંત્ર તમે ક્યાંથી લઈ આવ્યા ?” પહેલી વાર એ ગંભીર થઈ ગયા અને પચાસ-બાવન વર્ષની પાછળના ઇતિહાસમાં ડોકિયું કરી બોલ્યા, ‘મેં ચોવીસ વર્ષની ઉંમરે ગીતા વાંચી. ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને આપેલ ઉપદેશ મેં સમજવાની કોશિશ કરી, મને કર્મયોગનું મહત્ત્વ સમજાયું. ત્યારે ભગવાને અર્જુનને કહ્યું લડ, મને લાગ્યું કે ભગવાન મને કહે છે કે હસ ! બસ ત્યારથી હસતો રહું છું અને સાંજ પડતાં બે ચાર જણાને હસાવતો રહું છું. આજ મારી સાદી સમજ પણ એ સમજ મોટા આશીર્વાદ સમાન નીવડી છે. પરિસ્થિતિઓ ગમે તેટલી વિકટ હોય, સંજોગો ગમે તેટલા પ્રતિકૂળ હોય પણ હું હસતો રહી શકું છું, માત્ર બહારથી જ નહીં અંદરથી પણ.”
મેં અમારા સંબંધોના વીતી ગયેલા માર્ગ ઉપર નજર ફેરવવા માંડી ત્યારે મને એમની વાતમાં સંપૂર્ણ સત્ય જણાયું. મેં એમને દુઃખથી ભાગી પડેલા ક્યારેય જોયા નથી. એમને આવેલાં દુ:ખો મેં જોયાં છે એટલે જ તેમની આ વાતને સમર્થન કરવાની સ્થિતિમાં છું.
અમારા કૅમ્પસમાં તો પછી એવી પરિસ્થિતિ આવી કે સાહેબ તમે નહીં આવો તો ચાલશે, પરંતુ સર્વજ્ઞભાઈ તો જોઈએ જ ! સામા પક્ષે સર્વજ્ઞભાઈ સદાકાળ તૈયાર. સંજોગોવસાત એ ન જોડાઈ શકે તો પણ જયશ્રીને એકલી કૅમ્પમાં મોકલે, ભલે કૅમ્પના બે રાત્રિ બધા બહાર હોઈએ. વ્યક્તિ અને પરિવારનું કેટલું બધું પદાર્પણ !
સર્વજ્ઞભાઈની આ જીવનશૈલી જોઉં છું ત્યારે રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ નો એક શેર યાદ આવે છે .
પડી ગયા તો, તું જાતે ઊભા થાવાનું શીખી લેજે,
ગીત મજાનું, લાખ દુખો વચ્ચે ગાવાનું શીખી લેજે.
ગીતની વાત યાદ આવી એટલે સંગીત માટેની એમની તમન્ના યાદ ના આવે તો કેમ ચાલે ? એ હરહંમેશ ગાતા જ રહે અને ગવડાવતા જ રહે, કૅમ્પમાં હોય કે પ્રવાસમાં, પિકનિક ઉપર કે ઘરના હીંચકા ઉપર ! સમૂહમાં હોઈએ ત્યારે એ કોઈની પાસે શરૂ કરાવે અને પછી અંત સુધી એ છવાઈ જાય. હૉસ્પિટલના સ્ટાફ માટે ગીત સંધ્યાનું આયોજન કરી સહુને ખુશીઓની પળ આપી દે. એ ખૂબ મનથી ગાય, શબ્દ શબ્દ ઝૂમે અને એક વાર તો પોલિયો ફાઉન્ડેશને જાણીતા ગઝલ ગાયક શ્રી મનહર ઉધાસનો પ્રોગ્રામ રાખ્યો હતો ત્યારે શ્રી મનહરભાઈને કલાકો સુધી એમની જ ગાયેલી ગઝલો પોતાના કંઠે ગાઇ સંભળાવી.
ગઝલ જેટલી જ સહજતાથી રામચરિત માનસની ચોપાઈ પણ ગાય. એકલા તો એકલા !
ગીત-ગઝલ સાથે જોડાયા એટલે મોટા ગજાના કવિઓ અને સાહિત્યકારો સાથે એમને સંબંધ વિકસાવવાનું, મમરાવું ગમે છે. ગમે તેને એ “પકડી” લાવે – કોઈને કોઈ ક્લબમાં, પણ એ મહેમાને પોલિયો ફાઉન્ડેશનની મુલાકાત લેવી જ પડે.
સર્વજ્ઞભાઈને નિત નવું કરવાનો ઉત્સાહ ભારે. એક સવારે મને કહે હું ઓપરેશન થિયેટરમાં ઑપરેશનમાં ડૉકટર્સને આસિસ્ટ કરીશ તમારો સ્ટાફ અભણ છે. જો એ લોકો આ કામ કરી શકતા હોય તો હું કેમ ના કરી શકું ? થોડા રવિવાર પછી નર્સને કહ્યું તું ખસી જા હું ડૉક્ટરને આસિસ્ટ કરીશ. ડૉક્ટર ચમક્યા પણ આવા મિત્રને કોઈ નારાજ કેવી રીતે કરી શકે ? એટલે સાવધાનીથી સર્વજ્ઞભાઈને કહ્યું કે તમારી કરુણાની જરૂર સી.પી. નાં બાળકોને છે. તમે ત્યાં વધારે સારી રીતે ઉપયોગી થઈ જશો. બીજા દિવસે એ ઊપડ્યા સી.પી. યુનિટમાં સાંજે જ મારા ઘેર અને કહી દીધું આ કામ મારાથી નહીં થાય. હું મારી જાતને જાડી ચામડીનો કહું છું પણ સી.પી. માં તો મારાથી રડાઈ જવાયું. મને બીજું કંઈ પણ સોપો પણ સી.પી. તો નહીં જ !
“મેં પૂછ્યું તમે કૃષ્ણ-અર્જુનના સંવાદ વાંચ્યા છે ને તો કહે હા-તમે એમાંથી હસતા રહેવાનું શીખ્યા પરંતુ છેવટે કૃષ્ણ કહે છે સ્વધર્મ નિધનમ્ શ્રેયઃ પરધર્મો ભયાવહ બરાબર ? તો કહે હા. મેં પૂછ્યું તમારો સ્વધર્મ કયો એ બોલી ઊઠ્યા. હું સેલ્સમૅન એટલે માર્કેટિંગનો માણસ.” મેં સાવ સરળતાથી કહ્યું “તો એ જ પોલિયો ફાઉન્ડેશન માટે ઉપાડી લો ને ! ”બસ વર્ષોથી એ સંસ્થા માટે જબરદસ્ત પી.આર. વર્ક કરે. થોડાં વર્ષો પહેલાં અમે જયારે હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનનું પ.પૂ. મોરારીબાપુના હસ્તે લોકાર્પણ કર્યું હતું ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં શુભેચ્છકો અને સમર્થકો આવ્યા હતા. એ તમામને સર્વજ્ઞભાઈએ સંસ્થાના સિદ્ધાંતો અને કાર્યપદ્ધતિથી માહિતગાર કર્યા હતાં અને એ પણ માને છે કે એમના માટે ઘણો એ ઉત્તમ આનંદનો પ્રસંગ હતો.
એમની સેલ્સમૅનશિપનો એક પ્રસંગ સ્મૃતિ ઉપર ઊપસી આવે છે. સન ઓગણીસો ત્યાંસીમાં અમે અમરનાથની યાત્રાએ ગયા હતા. ટ્રેઇનોની અનિયમિતતાથી જલંધર સ્ટેશને અડધી રાત્રે અમે સત્તર જણા અટવાયા હતા. ટ્રેઇન જમ્મુ માટે પકડવાની હતી અને એ આવી ત્યારે ચિક્કાર, અમારી પાસે રિઝર્વેશન નહીં, ટ્રેઇનમાં જગ્યા નહીં અને અમે સત્તર જણા. એકાવન દાગીના સાથે બધા લાચાર ! સર્વજ્ઞભાઈ ઊપડ્યા ગાર્ડ પાસે, જઈને માત્ર એટલું કહ્યું કે “આપકા હો જાયેગા.” ગાર્ડનું શું થયું એ મને ખબર નથી પણ અમે સત્તરેય ટ્રેઇનમાં બેસી ગયા અને અમારો સામાન ગાર્ડના ડબ્બામાં ગોઠવાઈ ગયો.
આ તમારું થઈ જશે એ આવડત એમને મિત્રોનો મોટો સમૂહ આપ્યો છે. મિત્રોના મિત્રો અને એમનાય મિત્રોને એ મળી શકે. વેવાઈઓના વેવાઈઓને પણ જાણી શકે પરંતુ જ્યાં જાય ત્યાં પોલિયો ફાઉન્ડેશન એમની સાથે હોય જ. ઊઠે ત્યારે અજાણ્યા પાસે પણ ચેક લઈ આવે. હવે તો એવી પરિસ્થિતિ થઈ છે કે જ્યારે મિત્રો વચ્ચે બેઠા હોય અને વાતવાતમાં પોલિયો ફાઉન્ડેશન આવે તો કોઈ ખૂણેથી કાંઈ પૂછી ઊઠે: “સર્વજ્ઞભાઈ, તમારે કેટલો ચેક જોઈએ છે?” અને વાત બદલાયઆજ એમની કલાથી એમણે કેન્સરગ્રસ્ત દર્દીઓની સુરક્ષા માટે વીસ લાખ રૂપિયા ઊભા કરી દીધા હતા.
એમને એક વાતનું બહુ મોટું દુ:ખ. પોતે અંગત રીતે બહુ મોટું દાન નથી આપી શકતા. એમની વાતને મેં વચ્ચેથી જ કાપી કહ્યું. “એ જરૂરી નથી બધા મોટા દાન આપે પણ અગત્યની વાત એ છે કે તમે પોલિયો ફાઉન્ડેશનને ચારે બાજું ગાજતું કરો છો એટલે એ દુ:ખ ભૂલી જાવ. એ હસી લે.”
આટલાં વર્ષો પછી એ પણ એ હિન્દી કવિ દુશ્ચંતકુમારના પ્રામાણિક શબ્દો ઉછીના લઈને મને કહે.
સિર્ફ હંગામા કરના યે મેરા મકસદ નહિ
મેરી કોશિશ હૈ કિ યહ સૂરત બદલની ચાહિયે.
અમે બંને, સાડા ત્રણ દાયકાથી એકબીજાને બદલવા કોશિશ કરીએ છીએ અને બીજા સાડાત્રણ દાયકા સુધી એ કોશિશ ચાલુ રાખવાની અને પ્રતિજ્ઞા કરી છે. એનું કારણ અમારે જિંદગીના અંત સુધી પોલિયો ફાઉન્ડેશનના સહકાર્યકર્તા રહેવું છે. જરૂર પડે ત્યારે કવિ સુરેશ દલાલના શબ્દો યાદ કરી લઈએ.
માણસ ગમે તેવો,
ખૂણા-ખાંચરા વાળે,
છતાંયે યે મન મૂકીને
માણવા જેવો !
એ કહે હું રામનો હનુમાન
હું કહું હું હનુમાનનો ભક્ત !
પણ એક વાત સાચી કે પોલિયો ફાઉન્ડેશનના સેવાયજ્ઞના અમે બંને હનુમાન ! માત્ર ભકિત જ , બીજું કશું નઈ.
સર્વગુણ સંપન્ન સર્વજ્ઞભાઈને મારા પ્રણામ.. અને સર્વ કાર્યમાં સદા મદદ કરતાં રહે તેવી ભાવના..
LikeLike
પોલિયો ફાઉન્ડેશનના સેવાયજ્ઞના અમે બંને હનુમાન !.
ને વંદન
LikeLike
મિત્રતાની પૂરેપૂરી વિભાવનાને જીવનમાં ઉતારનાર ડૉ ભરતભાઈના આદર્શને સમજપૂર્વક મે મારા જીવનમાં ઊતારવાની કોશીષ કરી અને તેમનો સાથ મને મલ્યો.
LikeLike