હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના પડદા પાછળના ચહેરા (ડો. ભરત ભગત) –૯


પાઇ હૈ બાગે ઝહામેં હમને જિંદગી,

રંગ લે કે આયે હૈ ખુશ્બુ બનકર જાયેંગે.

 

 

 

 

 

 

 

સુકેશી શાહ

હું જાણું છું, મારી મર્યાદાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ,

મારી શક્તિ અને નબળાઈઓ,

મારી ફરજો અને જવાબદારીઓ.

એટલે જ સમજું છું, શું કરવું અને શું ના કરવું,

કયારે હા કહેવી અને કયારે ના કહેવી,

શું સાચવવું અને શું છોડી દેવું.

સમજણી થઈ ત્યારથી માતાએ શિખવાડ્યું હતું કે સ્ત્રીએ જીવનયાત્રામાં નટની જેમ ટાઇટ રોપ ઉપર રોજ ચાલવાનું હોય છે. આ ખાંડાના ખેલ નથી, કંઈક ચૂક થાય અને ખેંચેલા દોરડા ઉપરથી પડી જવાય. આ શીખ મને આજે પણ બહુ ઉપયોગી બની રહી છે એટલે જ હું પરિવાર અને સંસ્થા, વ્યવસાય અને વહેવાર, બધામાં બૅલેન્સ રાખી શકું છું. જે છે તેનો સહજ સ્વીકાર મને બધી જ પરિસ્થિતિઓમાં સ્વસ્થ રાખી શકે છે.” આ શબ્દો છે અમારા કાર્યકર્તા શ્રીમતી સુકેશી શાહના. વર્તમાનમાંથી સુકેશીબહેન પોતાના ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગયાં. “હું બરોડાની એમ.એસ. યુનિવર્સિટી માંથી હોમ સાયન્સ અને ચાઇલ્ડ ડેવલોપમેન્ટમાં ગ્રેજયુએટ થઈ. સાથે સાથે એમ.એસ.ડબલ્યુ. પણ કર્યું. ઓગણીસો બ્યાસીમાં પ્રેમલગ્ન કર્યા અને સદ્ભાગ્યે પ્રેમી પણ સમજુ અને વ્યાવહારિક મળ્યો. અમારી વચ્ચે સમજણનો એવો સેતુ રચાયો કે પેલી ગઝલ યાદ આવી જાય છે.”

સંબધો બધા માંગે છે સમજણનો સેતુ,

બાકી બધા રાહુ અને કેતુ.

પતિ હરેશ પણ એમ.એસ.ડબલ્યુ. અને મોટી મોટી કંપનીઓમાં એચ.આર. નું કામ કરી વિશાળ દ્રષ્ટિ અપનાવનાર બની ગયા છે. હું માત્ર ઘરકૂકડી બની રહ્યું કે હાઉસવાઇફ બની રહું એ એને મંજૂર ન હતું. સતત કહે કે તારે કંઈક કરવું જોઈએ, માત્ર દીકરીને મોટી કર્યા સિવાય પણ.

મને પણ થતું કે મારા જ્ઞાન અને શક્તિને કેવી રીતે વેડફી શકાય ? ઘરની ચાર દીવાલોમાં બંધાઈને જાતે જ જેલમાં કેમ પુરાઈ જવાય ? એમાં એક વાર દેવયાનીબેન મને પોલિયો ફાઉન્ડેશન ઉપર લઈ આવ્યાં. અહીં મને કંઈ અદ્દભૂત અનુભવ થયો. અંતરમાં ઉજાસ છવાયો અને દિલમાં રોશની થઈ કે આ જ મારી શોધનો છેડો છે. આજ મારી કર્તવ્યભૂમિ થઈ શકે.

વર્તમાનમાં પરત આવી સુકેશીબેને કહ્યું : “સાહેબ, પહેલી વાર તમને મળી ત્યારે મને લાગ્યું કે સાચા માણસને મળું છું અને એ હતું અને બે હજાર ત્રણનું વર્ષ, તમે સી.પી. યુનિટ શરૂ કર્યું હતું. સન બે હજારના વર્ષમાં અને હું આવી ત્યારે તો એ, બાળકો અને એમની પ્રવૃત્તિઓથી ધમધમતું હતું. મારે તો દોડવું હતું અને ઢાળ મળી ગયો. તને મને લપસણીની ટોચ ઉપર બેસાડી ધક્કો મારી દીધો અને આજ ચૌદ વર્ષથી અવિરત પોલિયો ફાઉન્ડેશન અને હવે હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન સાથે હું સંપૂર્ણ ઓતપ્રોત થઈ ગઈ છું.”

મેં કહ્યું “સુકેશીબેન, તમને અહીં કેવું લાગે છે એ તો કહો ! ?

એમનો જવાબ હતો : ‘સાહેબ, મારી પ્રાર્થના એ ડ્રોઈંગ રૂમના શબ્દો નથી, મારા શબ્દોએ ડ્રોઈંગ-રૂમનું ફર્નિચર નથી, મારી પ્રાર્થના ગુફામાંથી પ્રકટે છે. મારા હદયમાં એક અખંડ દીવો બળે છે. આ દીવો તે મારી પ્રાર્થનાના શબ્દો. મને ઝળહળતી રોશનીમાં રસ નથી. નાનો અમથો દીવો સતત સળગ્યા કરે એમાં જ મને રસ છે.” એમણે ઉમેર્યું. આ શબ્દો સ્વ. સુરેશ દલાલના છે. પરંતુ મારા હદયની અંદર આ સી.પી. નાં બાળકોની સુખાકારીનો દીપ સતત જલ્યા કરે એની મને ખેવના છે અને એટલે જ રોજ આવવું એ મારી પ્રાર્થના બની ગઈ છે. આ જ બાળકો મારા માટે ઈશ્વરના સ્વરૂપ બની ગયા છે. મને માન-સન્માનની ખેવના જ નથી રહી પણ હા એક દિવસ અહીં ના આવું તો મન અજંપો અનુભવે છે, એક ખાલીપણાનો અહેસાસ થાય છે.’

મારી આંખના ખૂણા ભીના થઈ રહ્યાં હતા અને મનમાં વિચાર આવ્યો કે કેટકેટલા સંવેદનશીલ માનવીઓ નિઃસ્વાર્થપણે પોતાના સમય અને શક્તિ સમર્પિત કરી હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન અને એના લાભાર્થીઓને વિકાસના પંથે દોરી જવામાં સાથી બન્યા છે. સુકેશીબેને સી.પી. યુનિટની જવાબદારી સ્વૈચ્છિક રીતે ઉપાડી લીધી છે. એવું નથી કે પ્રશ્નો આવતા નથી પરંતુ પ્રશ્નો અમારા સુધી આવવા જ ના દે, કયારેક અકળાય ત્યારે મારી પાસે બળાપો કાઢવા આવી જાય. મારું કામ શાંતિથી સાંભળવાનું અને ખભો થાબડી નવી શક્તિ ભરવાનું. એ પ્રશ્નો લઈને આવે એટલે એક નવી જવાબદારી આપી દઉં. એ કામે લાગી જાય એટલે પ્રશ્નો વિસરાઈ જાય, સમયાંતરે પ્રશ્નો પણ ઊકલી જાય.

એક વાર મેં એમને કહ્યું : “સુકેશીબેન, અન્યોની સેવા કરવી એ ખરેખર તો આ મનખાદેહમાં અને પૃથ્વી ઉપર રહેવા મળ્યું છે તેનું ભાડું જ છે.”

એમણે વાત આગળ ચલાવી, “સાહેબ, સાવ સાચું છે પણ હવે હું તો એનાથી એક કદમ આગળ નીકળી ગઈ છું. સેવા શબ્દમાં પણ મને અહમભાવનો ઇશારો દેખાય છે.”

મારાથી કહેવાઈ ગયું : “વાહ” સાથે ઉમેર્યું : “આપણા સામાજિક અથવા ભાવનાત્મક પરિણામની કાળજી એટલે સેવા, સંવેદનશીલતા અને સહસર્જન. તમે બધા અમારી સાથે જોડાયા છો તે બહુ મોટી વાત છે. તમે સારી રીતે આ ત્રિવેણી સંગમ સજર્યો છે.”

આટલાં વર્ષ તમે કેમ જોડાઈ રહ્યા છો એવો પ્રશ્ન કરું એ પહેલાં જ એમણે કહી દીધું કે આ સંસ્થાના બધા જ ટ્રસ્ટીઓ એટલા સારા છે કે કયારેય અમારા કામમાં દખલ નથી કરતા, નથી જરૂરી-બિનજરૂરી સૂચનો કરતા. હું માત્ર સી.ઇ.ઓ. અને તમને જ સંપર્ક કરું અને બધાનું જ પ્રોત્સાહન મારા માટે પ્રેરણાત્મક બની રહે છે. અગત્યની વાત છે કે હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશને અમારો સ્વીકાર જ માત્ર નથી કર્યો પરંતુ સતત કામની કદરથી ઉમળકો પણ વધાર્યો છે. મને અહીં પોતીકાપણું લાગે છે એટલે બીજી સંસ્થાઓમાં આમંત્રણ મળતું હોવા છતાંયે આ સંસ્થા મારી છે એટલે વિચાર માત્ર અહીંથી જવાનો નથી આવતો.’

મેં પૂછ્યું તમને આ સંસ્થામાં સૌથી વધારે કયો પ્રસંગ યાદ આવે છે ? તેનો જવાબ હતો કે બે હજાર ચારમાં આ બાળકો અને વાલીઓ માટે એક પિકનિક સ્પોન્સર કરી હતી. વ્યવસ્થા પણ મેં કરી હતી અને સતત હું બધાની સાથે હતી. આ બાળકોના ચહેરા ઉપરનો આનંદ આજે પણ મારા સ્મૃતિપટ ઉપર એમ જ અંકાયેલો છે. બસ, પછી દરેક પળ આનંદની બની રહી છે.

સુકેશીબેન પાછાં ભૂતકાળમાં પડી ગયાં. “મને ચાઇલ્ડ ડેવલોપમેન્ટ અને ચાઈલ્ડ મનેજમેન્ટમાં ખૂબ રસ– પરંતુ સી.પી, ના બાળકો માટે મેં કયારેય કામ નહીં કરેલું. ખરેખર તો સી.પી. શું છે એ જ ખબર નહીં પણ મને એમ લાગેલું કે આ પડકાર છે અને મારે એ ઝીલવો જ જોઈએ. મેં વાંચ્યું, નિષ્ણાતો સાથે સમજી અને મનમાં એક નિશ્ચય કર્યો કે જે કરીશ તે શ્રેષ્ઠ જ કરીશ. ભલે ઓછું કરું પણ પૂરેપૂરી નિષ્ઠા અને જરૂરી કુનેહથી કામ કરીશ અને આજે હું એવી પરિસ્થિતિમાં છું કે જે વાત વાલીઓ થેરાપિસ્ટોને સમજાવી શકતા નથી, બાળકો વ્યક્ત કરી શકતાં નથી તે હું સહજતાથી નિષ્ણાતોને સમજાવી શકું છું. એનાથી ઊલટું પણ બને ત્યારે બન્ને વચ્ચે હું સેતુ બની શકું છું.

એમના કમિટમેન્ટથી હું પરિચિત છું. ઘણી વાર એ ઘરની બહાર લાંબો સમય રહે, બે દિવસના કેમ્પમાં જાય એટલે ઘર એમની ગેરહાજરી અનુભવે એ સ્વાભાવિક છે. પરંતુ સુકેશીબેનને આનંદ એટલો છે કે માત્ર પતિ જ નહીં, સાસુમા પણ એમને સેવાઓ માટે પ્રોત્સાહિત કરે છે.

સુકેશીબેન જેવા સંનિષ્ઠ, સેવાપરાયણ, સ્વાર્થ વિના સતત સેવા કરતાં સામાજિક કાર્યકર્તાઓ કહ્યા વિના જ બીજા માટે રોલ મૉડલ બની જાય છે. આવા માનવીઓ જીવનને સફળ બનાવે એટલું જ નહીં પરંતુ એ જ્યાં જ્યાં જાય તે સંસ્થા કે આસપાસનો સમાજ સફળતાનો અહેસાસ કરી જ શકે. આવાં પુષ્પોની સુવાસ આસપાસ સહુને પ્રફુલ્લિત કરી દે તે સહજ અને સ્વાભાવિક છે. આવા સહકાર્યતાઓ જ સંસ્થાની સુવાસ દૂર દૂર સુધી પ્રસરાવી રહ્યા છે.

1 thoughts on “હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના પડદા પાછળના ચહેરા (ડો. ભરત ભગત) –૯

  1. સુકેશીબેન જેવા સંનિષ્ઠ, સેવાપરાયણ, સ્વાર્થ વિના સતત સેવા કરતાં સામાજિક કાર્યકર્તાઓ કહ્યા વિના જ બીજા માટે રોલ મૉડલ બની જાય છે.

    Like

પ્રતિભાવ