રાહેં રોશન – ૨ (ડો. મહેબૂબ દેસાઈ)


પ.પૂ.મોરારીબાપુ અને સર્વધર્મસમભાવ

પ. પૂ. મોરારીબાપુ માત્ર ગુજરાતના જ નહિ પણ સમગ્ર વિશ્વના સંત અને કથાકાર છે. પણ તેમની ઓળખ અહિયાં અટકતી નથી. તેઓ કથાકાર કરતા એક શિક્ષક અને સુધારક વિશેષ છે. રામાયણની કથા તો વર્ષોથી એક જ છે. પણ તે કથામાં સાંપ્રત વિચારો, સમસ્યોઓ અને સર્વધર્મસમભાવને સુંદર અને અસરકારક રીતે સાંકળીને તેમણે એક સામાજિક ચિંતકનો દરજ્જો પણ પ્રાપ્ત કર્યો છે. તેમની કથામાં વ્યક્ત થતો સર્વધર્મસમભાવ એ માત્ર શબ્દો કે વિચાર નથી. પણ જીવનમાં અપનાવેલ વ્યવહાર અને સંસ્કાર પણ છે.

આજથી લગભગ ૧૫ વર્ષ પૂર્વે ૧૯૯૮માં “શમ્મે ફરોઝા” નામક મારી કોલમનો પ્રથમ સંગ્રહ

“માનવ ધર્મ ઇસ્લામ” ના નામે પ્રસિદ્ધ થવામાં હતો. ત્યારે તેને બાપુના આશિષ વચનો પ્રાપ્ત થાય તેવી ઈચ્છા એ મારા મનમાં જન્મ લીધો. એ સમયે હું અંગત રીતે બાપુના પરિચયમાં ન હતો. એટલે બાપુના નાના ભાઈ ચેતન બાપુ ભાવનગરની શ્રી જમોડ હાઇસ્કુલમાં શિક્ષક છે, તેમને મેં મારી ઈચ્છા દર્શાવી. અને પૂ. મોરારીબાપુએ મને જોયા કે મળ્યા વગર માત્ર મારા પુસ્તકની પ્રત જોઈ મને આશિષ વચનો લખી આપ્યા. તેમનું એ ટૂંકુ લખાણ આજે પણ જાણવા અને માણવા જેવું છે. તેમાં એક અજાણ્યા મુસ્લિમ પ્રત્યેનો બાપુનો નિર્મળ પ્રેમ અને સર્વધર્મસમભાવ અભિવ્યક્ત થાય છે.

“આ. ડૉ. મહેબૂબ સાહેબનું આ દર્શન ઉપર ઉપરથી જોઈ ગયો છું. સમય અભાવે પૂરું જોઈ શક્યો નથી. પરંતુ જે વિષયો ઉપર સરળ અને સહજ સમજ વ્યક્ત થઇ છે એ સૌ માટે માર્ગદર્શક છે. વાત શાસ્ત્રાત્મક, સત્યાત્મક અને સ્નેહાત્મક હોય ત્યારે એ વ્યક્તિના આત્મતત્વ સુધી પહોંચે છે. આ. મહેબૂબ સાહેબનો આ પ્રયાસ સૌ માટે પ્રસાદ બની રહો એવી પ્રભુ પ્રાર્થના ! શુભકામના ! રામ સ્મરણ સાથે.”

એ પછી અમારા વચ્ચે સાચ્ચે જ નિર્મળ પ્રેમનો નાતો બંધાયો. ૨૦૦૨ના રમખાણોમાં મારા ઘર ઉપર પણ પથ્થમારો થયો. એ સમાચાર બીજે દિવસે અખબારમાં પ્રસિદ્ધ થયા. સવારની નમાઝ પૂર્ણ કરીને હું  હજુ ચિંતિત મુદ્રામાં બેઠો હતો ને મારો ફોન રણક્યો. સામે છેડેથી બાપુનો પ્રેમાળ અવાજ સંભળાયો,

“મહેબૂબભાઈ, તમારા ઘર પર પથ્થરમારો થયાના સમાચાર વાંચી દુઃખ થયું. અહિયાં ચાલ્યા આવો. મને તમારી અને તમારા કુટુંબની ચિંતા થાય છે”

તેમનો લાગણી ભર્યો ભીનો અવાજ મને સ્પર્શી ગયો. મેં કહ્યું,

“બાપુ, ઈશ્વર જ્યાં સુધી નૈતિક હિમ્મત આપશે ત્યાં સુધી ટકી રહીશ. પછી આપની શરણમાં જરૂર આવી જઈશ”

એ પછી ૨૦૦૫મા મારા એક વડીલ અધ્યાપકના વિદાય સમાંરભમાં બાપુ મહેમાન હતા. અને હું યજમાન હતો. ત્યારે મંચ પર અમે સાથે કદમો માંડ્યા હતા. એ પળ મારા માટે ધન્ય હતી. ચાલતા ચાલતા બાપુ એટલું જ બોલ્યા હતા.

“મહેબૂબભાઈ, શિક્ષક તરીકે તમે મને ગમે તેવું કાર્ય કરો છો”

૨૦૧૦માં અમે બંને પતિ-પત્ની બીજીવાર હજજ કરવા ગયા. હજજયાત્રાએથી પાછા આવ્યા પછી હું બાપુને ઝમઝમનું પાણી અને આજવા ખજુરની ન્યાઝ (પ્રસાદી) આપવા તેમના મહુવાના આશ્રમે ગયો. અનેક ભક્તોની હાજરીમાં તેમણે મને આવકાર્યો. ઝમઝમના પાણીનું મારા હસ્તે જ તેમણે આચમન કર્યું. અને પછી ઝમઝમના પાણીની બોટલ મારી પાસેથી માંગતા કહ્યું,

“મહેબૂબભાઈ સાથે આજે મારી પણ હજ થઇ ગઈ”

પછી થોડીવાર અટકી બોલ્યા,

“ઝમઝમના પાણીમાં રોટલો બનાવીને જમીશ”

અને ત્યારે ભક્તોની વિશાલ મેદનીએ બાપુના આ વિધાનને તાળીઓના ગળગળાટથી વધાવી લીધું હતું.

લગભગ એકાદ વર્ષ પૂર્વે બાપુ બગદાદ(ઈરાક)માં કથા કરવા જવાના છે તેવા સમાચાર અખબારમાં પ્રસિદ્ધ થયા. ઈરાકના બગદાદ શહેરથી એક સો કિલોમીટર દૂર કરબલાનું મૈદાન આવેલું છે. જ્યાં હઝરત ઈમામ હુસૈન અને યઝીદ વચ્ચે ૧૦ ઓક્ટોબર ૬૮૦, ૧૦ મોહરમ, હિજરી ૬૧ ના રોજ યુદ્ધ થયું હતું. સત્ય અને અસત્યની એ લડાઈમાં હઝરત ઈમામ હુસૈન અને તેમના ૭૨ સાથીઓ શહીદ થયા હતા. ઇસ્લામમાં એ સ્થાનની યાત્રાનું પણ વિશેષ મહત્વ છે. એટલે એ સ્થાનની ઝીયારત કરવાના મોહમાં મેં બાપુને એક પત્ર પાઠવ્યો. તેમાં લખ્યું,

“અલ્લાહ સૌની દુવા કબુલ ફરમાવે છે. પણ તે માટે ખુદા માધ્યમ તરીકે કોઈ માનવી કે ફરિશ્તાની પસંદગી કરે છે. કદાચ મારી આ યાત્રા માટે ખુદાએ આપની પસંદગી કરી હશે. આપ બગદાદ જાવ તો મને પણ આપની સાથે યાત્રાની તક આપશો એવી ગુજારીશ છે”

આ પત્ર પાઠવ્યા પછી તો એ વાત હું ભૂલી પણ ગયો. પણ થોડા દિવસો પૂર્વે હું સહ કુટુંબ બાપુના આશ્રમમાં ગયો હતો. ત્યારે મારા સમગ્ર કુટુંબને આશીર્વાદ આપતા બાપુએ કહ્યું,

“મહેબૂબભાઈ, તમારી પણ એક ખ્વાહિશ મારે પૂરી કરવાની છે.”

હું અચરજ નજરે બાપુને તાકી રહ્યો. જયારે મન તેમની વાતનું અનુસંધાન શોધવા લાગ્યું. પણ મને કશું યાદ ન આવ્યું. અંતે મને દ્વિધામાં પડેલો જોઈ બાપુના ચહેરા પર સ્મિત પથરાય ગયું અને તેઓ  બોલ્યા,

“મહેબૂબભાઈ, બગદાદમાં કથા થશે તો તમારી ધાર્મિક યાત્રા પાકી”

અને હું એ સંતની અન્ય ધર્મના માનવીની અભિલાષાને પૂર્ણ કરવાની તત્પરતા ગળગળો બની સાંભળી રહ્યો. મારી આંખોમાં પાણી ઉભરાઈ આવ્યું. એ ઉભરાઈ આવેલા નીરને ખાળતા હું એટલું જ બોલી શક્યો,

“બાપુ, કરબલાની મારી યાત્રા થાય કે ન થાય, પણ આપે મને આટલો પ્રેમ અને આદર આપી અહિયાં જ કરબલાની યાત્રાનું પુણ્ય મેળવી લીધું છે. કારણ કે કુરાને શરીફમાં કહ્યું છે

“અલ આમલ બિન નિયતે” અર્થાત સદ કાર્યનો વિચાર માત્ર પુણ્ય છે”

અને આંખના નિરને અન્ય ભક્તજનોથી છુપાવવા મેં બાપુના હીચકાથી દૂર જવા કદમો ઉપડ્યા. અને  બાપુએ હિંચકામાંથી ઉભા થઇ મને વિદાઈ આપી. ત્યારે એ અદભૂત દ્રશ્યને સમગ્ર ભક્તો એક નજરે તાકી રહ્યા હતા.

Prof. Mehboob Desai

301/D Royal Akbar Residency

Sarkhej Road

Ahmedabad 380055

Gujarat India

+91 9825114848

3 thoughts on “રાહેં રોશન – ૨ (ડો. મહેબૂબ દેસાઈ)

  1. Sarva dharma sambhav – views of moraribspu & your relation from unknown to one near & dear to Bapu-care & concern of each other explained very nicely – including holy water & Katha in Iraq & pilgrimage of Karbala all wonderful & specially appreciate
    “અલ આમલ બિન નિયતે” અર્થાત સદ કાર્યનો વિચાર માત્ર પુણ્ય છે”
    Keep giving such Nobel thoughts again & again.
    Many thx

    Liked by 1 person

  2. ‘પ.પૂ.મોરારીબાપુ અને સર્વધર્મસમભાવ’ મે ૨૦૧૩મા પ્રસિધ્ધ થયેલો આ લેખ જે આજે પણ એટલો જ પ્રસ્તુત છે.’સરળ અને સહજ સમજ વ્યક્ત થઇ છે એ સૌ માટે માર્ગદર્શક છે. વાત શાસ્ત્રાત્મક, સત્યાત્મક અને સ્નેહાત્મક હોય ત્યારે એ વ્યક્તિના આત્મતત્વ સુધી પહોંચે છે. આ. મહેબૂબ સાહેબનો આ પ્રયાસ સૌ માટે પ્રસાદ બની રહો એવી પ્રભુ પ્રાર્થના ! ‘ બાપુની વાત અને ‘સર્વધર્મસમભાવ ની વાત’ હું એ સંતની અન્ય ધર્મના માનવીની અભિલાષાને પૂર્ણ કરવાની તત્પરતા ગળગળો બની સાંભળી રહ્યો. મારી આંખોમાં પાણી ઉભરાઈ આવ્યું.’મા મહેબુબજીની વાતે મન પ્રસન્ન થયું.
    “અલ આમલ બિન નિયતે”
    ધન્ય પ.પૂ બાપુ ધન્ય ડો. મહેબૂબ દેસાઈ જી

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s