મોદીની હવેલી -૩ (પૂર્વી મલકાણ)


. ત્રીજી લીટી                                                               

भगवान का तो पता नहीं, पर शैतान के दर्शन इस दुनिया में आये दिन होते है
शकले इंसान की, पर फितरत शैतान की होती है ।
पहेचान न पाओ वैसे यह दरिंदे हमारे बीच ही रहेते है
पर इस दुनिया का नियम है की हर हिसाब यहीं पर होता है,
इसी लिये येह दरिंदे एक दिन खुद लोंगों के शिकार होते है।

મારી યાદો સાતલડીનાં વહેણ જેવી છે, તેથી આગળ પાછળ થયાં કરશે, જેમાં આપને વહેવાનું જ છે, મારી સાથે. આ પ્રસંગોની થોડી યાદો મારી પાસે છે, થોડી નથી, તેથી મમ્મીની મદદ લઈને આ પ્રસંગો તરફ આગળ વધુ છું. શરૂઆત કરતાં પહેલાં એ કહી દઉં છું કે, આ યાદો થોડી ભારે હોવાથી આજની આપણી શરૂઆત આપણે એક વાર્તાથી કરીએ જે મારા પપ્પા હંમેશા મને કહેતાં.

 ૧) એક રાજાએ એક મહેલ બનાવ્યો. આ મહેલમાં દ્રાર બનાવવા જાય ત્યાં કાંઇક ને કાંઈક વિઘ્ન આવી જાય તેથી રાજાએ જ્યોતિષીઓને પૂછ્યું. જ્યોતિષીઓ કહે; બત્રીસલક્ષણવાળી કોઈક વ્યક્તિનો ભોગ મળે તો આ દ્વાર બને. આ સાંભળી રાજાએ ઢંઢેરો પિટાવ્યો કે જે વ્યક્તિ બત્રીસલક્ષણો આપશે તેનાં પરિવારને રાજા ઘણું ધન આપશે. રાજા તરફથી આ સંદેશો એક બ્રાહ્મણે સાંભળ્યો. આ બ્રાહ્મણે વિચાર કર્યો કે મારી પાસે ધન નથી, પણ આવો પુત્ર છે, માટે રાજાને આ પુત્ર આપી દઉં ને ધન મેળવી લઉં. આમ વિચાર કરી બ્રાહ્મણે પોતાનો દીકરો આપી દીધો. રાજા એ બ્રહ્મપુત્રનો ભોગ આપવા દ્વાર પાસે લઈ ગયાં ત્યારે તે બ્રહ્મપુત્રએ ત્રણ લીટી ધૂળમાં કરી. પછી બે લીટી ભૂંસી નાખીને ત્રીજી લીટી રાખી. આ જોઈ રાજાએ આ ત્રણ લીટી નું કારણ પૂછ્યું. બ્રહ્મપુત્ર કહે પહેલી લીટી માતા-પિતાની હતી, માતા-પિતા બાળકનાં પહેલાં રક્ષક ગણાય પણ મારા માતા-પિતા મારું ધ્યાન રાખી શક્યાં નથી તેથી તે લીટી ભૂંસી નાખી, બીજી લીટી તમારી હતી. રાજા બીજા રક્ષક કહેવાય ને પ્રજાજનો પરિવાર. પણ તમે ય મારું ધ્યાન રાખી શક્યાં નથી, આ ત્રીજી લીટી એ પ્રભુની છે. મને ખબર છે કે બીજા કોઈ રક્ષા કરે કે ના કરે પણ મારા પ્રભુ આડકતરી રીતે મારી રક્ષા ચોક્કસ કરશે. આ સાંભળી રાજા એ પૂછ્યું કે આડકતરી રીતે? એ કેવી રીતે? બ્રહ્મપુત્ર કહે, તેઓ ઉપરની બંને લીટીને પ્રેરણા આપશે જેથી કરીને મારી રક્ષા થશે.

 નજીવી દેખાતી આ વાર્તાનું મહત્ત્વ મારે માટે બહુ હતું, કારણ કે ૩ થી ૭ વર્ષની વચ્ચે લગભગ એકસરખા દેખાતાં આ પ્રસંગોનાં વહેણ ચારવાર મારા જીવનમાં આવ્યાં, પણ મારા નસીબ સારા હશે અને આ ત્રણેય લીટીઓનું જોર મારા પર વધુ હશે તેથી વારંવાર મારો બચાવ થયો. કેવળ વાર્તામાં રહેલી લીટીઓની વાત કરીએ તો આ વાર્તામાં રહેલી પહેલી લીટી મારી મમ્મીની હતી. જેમણે કેવળ એક જ લીટી નહીં, પણ અનેક લીટીઓ મારે માટે બનાવી અને મને સુરક્ષિત રાખેલી. એમને માટે હું મહત્ત્વની હતી, એમની પાસે એટલું ધન નહોતું, પણ એમનું ધન હું જ હતી. બીજી લાઇન એ સમાજની છે જેમણે એ સમયે મારું ધ્યાન રાખ્યું હતું અને ત્રીજી લીટી એ પરમાત્માની છે. જે એ સમયે ત્રીજી વ્યક્તિ બનીને આવી અને મારી મમ્મીને અને તેની આસપાસ રહેલાં લોકોને પ્રેરણા આપી.

અમે નવા નવા રાજકોટમાં રહેવા આવેલા. અમારી બાજુમાં મહેશ ભાઈ અને કુસુમબેનનો મોટો પરિવાર રહેતો હતો. ( અટક યાદ નથી ) આ પરિવારમાં બે બાળકો પણ હતાં, જેઓ લગભગ મારી ઉંમરનાં જ હતાં. ( આ બંને મિત્રોમાંથી એક મિત્રનું નામ પરમજય હતું, બીજાનું નામ યાદ નથી. ) હું તેમની સાથે આખો દિવસ રમતી રહેતી. મહેશભાઈને ત્યાં આખો દિવસ અમુક સગાઓ આવતાં હતાં. આ સગાઓમાં એક વ્યક્તિ હતી, જેઓ દર અઠવાડિયે સાંજે આવતાં ત્યારે અમને છોકરાવને પીપર, બિસ્કિટ આપતાં. ઘણીવાર તેઓ અમને વાર્તા કહેતાં અને ઘણીવાર સાઇકલ ઉપર ફરવા પણ લઈ જતાં. બીજી રીતે કહું તો અમને બાળકોને તેમણે સારી રીતે જીતી લીધેલાં. તેઓ ક્યારે આવશે તેની અમને છોકરાવને રાહ રહેતી. એ દિવસે તેમનું અને મારું રાતનું જમવાનું પણ મહેશભાઇનાં પરિવાર સાથે જ હતું. જમ્યાં પછી તેઓ એ કહ્યું કે હું બધાં ય છોકરાવને થોડે સુધી ચક્કર મરાવવાં લઈ જાઉં છું, આ સાંભળી અમે છોકરાવ આનંદમાં આવી ગયાં. પણ એમની સાઇકલમાં પહેલું ચક્કર મારા બે મિત્રોને મળ્યું જેઓ બંને ભાઈઓ હતાં. થોડે સુધી ચક્કર મરાવી તેઓ પાછાં આવ્યાં. બીજા ચક્કરમાં મારો વારો આવ્યો. તે વખતે મારો મિત્ર પરમજય રડવા લાગ્યો અને કહેવાં લાગ્યો કે, હું બીજું ચક્કર મારીશ પહેલાં તો તે સગાએ ના કહી, પણ અંતે એ જોડાયો. તે સગાની સાઇકલમાં આગળ હું ને પાછળની બાજુ પરમજય બેઠો. રોજ અમે જે જગ્યાએથી જઈ પાછાં આવતાં હતાં તે જગ્યાથી મોટું ચક્કર લગાવ્યું અને પછી ઇ ચક્કરો મારતાં રહ્યાં, મારતાં રહ્યાં…. મારતાં જ રહ્યાં …ક્યાંય સુધી.

હું ને પરમજય થાકી ગયાં હતાં સાઇકલ પર બેસીને. અમને નીંદર પણ આવતી હતી, ઠંડી યે લાગતી હતી ને સાઈકલની જાળી અમને લાગતી યે હતી. અમે બાળકો હતાં કેવળ બાળકો… ૩ થી ૪ વર્ષનાં માસૂમ હતાં. અમે એમને ઘણીવાર કહ્યું કે અમારે ઘરે જવું છે, પણ તેઓ માન્યાં નહીં. પણ ખબર નહીં તેઓ અમને ક્યા રસ્તા પર લઈ ગયેલાં. અમારું ઘર ક્યાંય દેખાતું ન હતું. અમારી કચકચથી કંટાળીને તેમણે એક દુકાન પાસે સાઇકલ ઊભી રાખી અને બિસ્કિટ -પીપર લાવવા ગયાં અને અમને ચૂપ રહેવાં કહ્યું. પણ હવે અમને પીપર બિસ્કિટ નોતાં જોઈતાં અમને મમ્મી -પપ્પા જોઈતાં હતાં. તેઓ જેવા આ વસ્તુઓ લેવા ગયાં કે, હું અને પરમજય ભેંકડા તાણી તાણીને રડવા લાગ્યાં. અમારું રડવાનું સાંભળી તેઓ દોડી આવ્યાં અને અમારા બંને ઉપર થપ્પડનો એટલો વરસાદ વરસાવ્યો કે અમને બેય ને લોહી નીકળવા માંડ્યુ. અમને રડતાં અને માર ખાતાં જોઈ જોઈ દુકાનદારે અમારા વિષે એમને પૂછ્યું. એમણે શું કીધેલ એ યાદ નથી. પણ તે દુકાનદારને શક ચોક્કસ થયો હશે, તેણે બૂમો પાડીને આજુબાજુનાં લોકોને ભેગા કર્યા. અમારું રડવાનું સતત ચાલતું રહ્યું.

  ….અંતની યાદ એ કહે છે કે,….લોકોનું આખું જુલૂસ અમારી સાથે ઘરે આવેલું ત્યારે મધ્યરાત્રિ ચોક્કસ થઈ હશે, કારણ કે બીજી બધી દુકાન બંધ થઈ ગઈ તી. રસ્તા સૂમસાન હતાં. અમે પહોંચ્યાં ત્યારે અમારા ઘર પાસે ય ટોળું ભેગું થ્યું તું. જેમાં અમારાં બે પરિવાર સિવાયનાં યે આજુબાજુનાં ઘણાં લોકો હતાં. અમને ગયાં ને બહુ વાર થઈ ગઈ હતી, એટ્લે ઇ લોકો યે ભેગા થઈ તે સગાને ઘેર જઈ તપાસ કરી આવ્યાં તાં. એ સગા એમનાં ઘેર પહોંચ્યાં નો’તા. અમને ત્યાં આવેલાં જોઈ તેઓ બધાં જ અમારા આ ટોળાં પાસે દોડી આવ્યાં.

 આ પ્રસંગે મારા મન ઉપર ઘણો જ પ્રભાવ નાખેલો. આજે એ પ્રસંગ વિષે વિચારું છું ત્યારે ખ્યાલ આવે છે કે જાણીતી વ્યક્તિઓ ઉપર આપણો વિશ્વાસ એટલો આંધળો હોય છે કે આપણે કશું વિચારતાં નથી. તેથી એક બાળક એક અજાણી વ્યક્તિ કરતાં એક જાણીતી વ્યક્તિનાં હાથમાં વધુ અસલામત બની જાય છે. આ પ્રસંગ પછી મમ્મીએ કીધેલું કે પીપર અને બિસ્કિટ તેજ મને આપશે પણ બીજા કોઈ પાસેથી લેવાં નહીં અને ક્યારેય એવું બીક જેવું લાગે તો પહેલાં પોલીસ પાસે જવું….અને ત્યાં જો પોલીસ ન હોય તો મોટે મોટેથી બૂમો પાડવી જેથી કરીને લોકો ભેગા થઈ જાય.  ( વિચારો કે આ શિખામણ મને એજ માસૂમ ઉંમરમાં મળેલી જ્યારે એક બાળકનું ધ્યાન કેવળ રમકડાંમાં કે રમવામાં હોય ) આ પછી મમ્મી બોલતાં રહ્યાં….શું ..તે યાદ નથી.

 ૨) મારો બીજો પ્રસંગ શરૂ થાય છે ગોલા સ્ટેન્ડથી.  ગોલા સ્ટેન્ડ પર ગયેલી હું પોલીસ સ્ટેશનમાંથી મળું છું તે જાણીને આપને કેવું લાગ્યું.? રાજકોટમાં મારા એક મામા પ્રહલાદ પ્લોટમાં રહેતાં હતાં. મામાને ત્રણ બાળકો. ચેતનાબેન, પ્રશાંતભાઈ અને અલ્પા. ચેતનાબેન અને પ્રશાંતભાઈ બંને મારાથી ઘણાં જ મોટાં હતાં અને અલ્પા મારાંથી થોડી મોટી હશે. કદાચ એક-બે વર્ષ…!!! ઉપરોક્ત વાતને થોડો જ સમય થયો હતો. હું, મમ્મી ને સંધ્યા અમે ત્રણેય મામા ને ત્યાં ગયેલાં. અલ્પા યે મારી બેનપણી જ હતી. એની સાથે હું અને સંધ્યા એ શેરીનાં ઘરેઘરમાં જતાં અને જેને ત્યાં સરસ જમવાનું હોય ત્યાં થાળી નાખી બેસી જતાં. એમાં યે બકાલીને ત્યાં તો અમારો સાંજનાં નાસ્તાનો પાટલો હોય, હોય ને હોય જ. ( બકાલી પરિવારનો ધંધો શાક વેંચવાનો હતો. સૌરાષ્ટ્રમાં શાક વેંચતા લોકોને બકાલી તરીકે ઓળખતાં હતાં, આજે આ શબ્દ કેટલો પ્રચલિત છે તેની જાણ નથી. )

 એ દિવસની સાંજે હું, અલ્પા અને સંધ્યા ગોલાવાળાને ત્યાં ગયાં ગોલા લેવાં. ગોલા લઈ અમે ત્રણેય ઘર તરફ પાછાં ફર્યા. અલ્પા આગળ હતી, હું અને સંધ્યા અમારો ગોલો ધીરે ધીરે ખાતાં ખાતા આવી રહ્યાં હતાં. એક શેરીમાંથી બીજી શેરીમાંથી પસાર થતાં થતાં આગળ -પાછળનું એક અંતર રહી ગયું. આ અંતર કદાચ વધુ અંતરમાં ફેલાંવવાંનું હશે તેથી અમારી વચ્ચે એક ગાય આવી ગઈ. અમારી વચ્ચેથી પસાર થતી આ ગાય મને ને સંધ્યાને તો દેખાઈ, પણ અલ્પાને ન દેખાઈ. તેથી તે યોગ્ય ટર્નમાં વળી ગઈ. ગાયનાં ગયાં પછી અમે જ્યારે આગળ વધ્યાં ત્યારે અલ્પા ક્યાંય નહોતી તેથી અમે અલ્પાને શોધતાં શોધતાં આગળ વધવા લાગ્યાં. એ આગળ આગળની ગતિ અમને મેઇન રોડ પર ક્યારે લઈ આવી તેની અમને ખબર ન રહી.  

હવે અમે મેઇન રોડ પર ચાલી રહ્યાં હતાં. આજુબાજુનાં લોકોએ જોયું કે, બે નાની ઉંમરની છોકરીઓ એકલી રસ્તો માપવા નીકળી પડી છે, ત્યારે તેઓ અમને રોકતાં અમારી પાસેથી નામ પૂછતાં અને પછી અમને પીપર બિસ્કિટ આપવાં લાગતાં. અમે એ પીપર બિસ્કિટની ના પાડી દેતા.  મમ્મીએ પીપર બિસ્કિટની ના પાડેલી ને તેથી. અંતે અમારા હાથમાં જીંજરા પકડાવી દેવામાં આવ્યાં. મમ્મીએ જીંજરા લેવાની ના નતી પાડી.

મૂળ સ્થળથી અમે ઘણાં દૂર નીકળી ગયાં હતાં, અમે જ્યારે થાકી ગયાં ત્યારે કોઈએ અમને બસ સ્ટેન્ડ પર બેસાડી દીધાં અને કહ્યું કે, જ્યાં સુધી મમ્મી ન આવે ત્યાં સુધી અહીં જ બેસવું. કોઇની સાથે ય જાવું નહીં, કોઈ કે ય કહે હું તમને ઘરે મૂકી જાઉં તો યે નો જાવું. ખાલી પોલીસ સાથે જાવું કે કદાચ પોલીસ લેવાં આવે તો એની સાથે જ જાવું. એની વાત સાંભળી મને યાદ આવી ગ્યું કે, મમ્મીએ ય પોલીસ પાસે જાવાનું કીધું તું. થોડીવાર બસ સ્ટેન્ડ પર બેસી અમે અમારી સફર પાછી ચાલું કરી.

 આ બાજું અલ્પા તો ઘરે પોંચી ગઈ, અમે નો પોંચ્યાં. અલ્પા એ કીધું કે, ઇ બેય મારી પાછળ પાછળ જ ચાલતાં તાં.

…તો ગ્યાં ક્યાં? પછી મમ્મી મારા એક સંબંધી કાકા ( ભૂપેન્દ્રભાઈ ધાબલિયાં ) જેઓ મામાનાં ઘરની બાજુમાં રહેતાં હતાં, મામા અને આજુબાજુના શેરી પાડોશી સાથે ગોતવાં નીકળા. એ લોકોએ શરૂ કર્યું એ જગ્યાથી શોધવાનું જ્યાં સુધી હું ને સંધ્યા નજરમાં આવેલાં. એ રસ્તેથી જેટલાં રસ્તા નીકળતાં હતાં તે બધાં રસ્તેથી કોઈ ને કોઈ નિકળું. કોણ ક્યાં ગયું તેની ખબર નથી, પણ મારી મમ્મી ને કાકા મેઇન રોડ પરથી આવડી છોકરીયું જોઈ છે? આવડી છે, આવા રંગનું ફ્રૉક પહેર્યું છે….તેમ પૂછતાં પૂછતાં નીકળ્યાં. …કોઈ એ કહ્યું નથી જોઈ, કોઈએ કીધું જોઈ છે આમ જાતી તી, ને કોઈએ કીધું કે ગુંદાવાડી બસ સ્ટેન્ડ પર જોઈ…તી બસ આવડી જ હશે. હા ..હા….ઇ જ, ઇ જ કહે કહેતાં કહેતાં મમ્મી ને ભૂપેન્દ્ર કાકાનાં પગ ગુંદાવાડી બસટોપ પર પહોંચ્યાં. ત્યાં જેટલાં લોકો હતાં એમને પૂછ્યું એ લોકો કહે, અમે તો નથી જોઈ આગળ પોલીસ સ્ટેશન છે ત્યાં તપાસ કરો.

 અંતે મમ્મી ગુંદાવાડી પોલીસસ્ટેશન પર પહોંચ્યાં મમ્મીની આંખનું છેલ્લું દ્રશ્ય કહે છે કે, હું એ સમયનાં ઈન્સ્પેકટરનાં મેઇન ડેસ્ક પર બેસેલી, એક બેન્ચ પર સંધ્યા બેસેલી. હજુ અમારો જીંજરાનો નાસ્તો ચાલું હતો ને મારું બોલવાનું પણ. એ મને ઘણુંબધું પૂછી રહ્યાં હતાં અને મને પોલીસની બીક લાગી નતી. મને લાગે છે કે, આ પ્રસંગે પણ પોલીસ સાથેની ઘણીબધી બીક કાઢી નાખી હતી.

૩) મારી યાદનો ત્રીજો પ્રસંગ શરું થાય છે રેલ્વે લાઇનથી. ૩ થી ૬ વર્ષની ઉંમર સુધી મારા ઘણાં બધાં મિત્રો રહેલાં હતાં. સંધ્યા, અલ્પા, રાજુ ( છોકરી અને છોકરો બંને ), દિપુ, ભુવન અને નીલેશ. આમાંથી હું જેની સાથે સૌથી વધુ રમતી હતી તેમાં હતાં સંધ્યા, અલ્પા અને રાજુ નામનો છોકરો. આમ્રપાલી વિસ્તારમાં અમારા ઘરની બાજુમાંથી એક રેલ્વે લાઇન પસાર થતી હતી. મને અને રાજુને એ ટ્રેનની સિટી બહુ ગમતી. જેવી રેલ્વેની સિટી આવતી અમે બંને અમારાં ઘરમાંથી બહાર દોડી આવતાં. એક દિવસ સવારનાં સમયે હું અને રાજુ ( છોકરો ) રમતાં હતાં. અમે રમતાં રમતાં રેલ્વે લાઇન પર ક્યારે નીકળી ગયાં તેની અમને ખબર ન રહી. અંતે અમારા ઘર પાસેની રેલ્વેલાઇન ક્યાંક છૂટી ગઈ, ને અમે રમતા રહ્યાં, ચાલતાં રહ્યાં. ક્યાં સુધી તે ખબર નથી પણ અંતે અમે પહોંચી ગયાં ફરી અન્ય એક પોલીસ સ્ટેશન પર.

 આ બાજુ મમ્મી અને રાજુની મમ્મી મોહિનીમાસી બંને પાડોશમાં અમને શોધવા નીકળ્યાં, પણ અમે ન મળ્યાં. એમને ખબર હતી કે ટ્રેનની સિટી બહુ ગમતી આથી તેમણે ફાટક પાસે બધાંને પૂછવાનું નક્કી કર્યું. અમારા શોખ અનુસાર મમ્મી અને મોહિની માસીએ ફાટકની અલગ અલગ દિશા નક્કી કરી અને પાટાની લાઇન પર ચાલવા લાગ્યાં, પૂછવા લાગ્યાં. અમારે વિષે મોહિની માસીને કોઈ માહિતી મળી કે ન મળી તે વિષે નથી જાણતી, પણ મમ્મીને પાટા પર કામ કરતાં મજૂરો પાસેથી ચોક્કસ જાણવા મળ્યું કે બે બાળકો આમ પાટા પર રમતા રમતા નીકળેલાં. હવે જો છોકરાવ આ જ પાટા પર રહેલાં હશે તો તેઓ ભક્તિનગર તરફ ગયાં હશે. મજૂરોની વાત સાંભળી મમ્મી ભક્તિનગર સ્ટેશન પહોંચ્યાં. ત્યાં તેમણે પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે પાટા ચેકરને બે બાળકો પાટેથી રમતાં મળેલાં. ટ્રેન આવવાનો સમય થઈ ગયો હતો, તેથી તેઓએ છોકરાવને અધવચ્ચેથી તેની કાર્ટમાં ઊંચકી લીધાં ને અહીં લઈ આવ્યાં. અત્યારે તેઓ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં છે. મારી પોલીસ સાથે વાતચીત ચાલું હતી ત્યારે મમ્મી અમને મળ્યાં તેમણે અમારી વાતચીતમાં ખલેલ પડી. પોલીસે અમને મમ્મીનાં હાથમાં સોંપ્યાં અને કહ્યું તમારી દીકરી ખાલી ટ્રેનનાં પાટા જ નહીં, જતે દહાડે એ દુનિયા ય ખૂંદશે. મમ્મી કહે; સાહેબ કાલની ખબર નથી આજે તો ધોળે દિવસે તારા દેખાડી દીધાં. આ બે મહિનામાં એ આ બીજીવાર પોલીસસ્ટેશને પહોંચી ને એની પાછળ હું.

મારી એ બીજી પોલિસસ્ટેશનની મુલાકાતનો અંત તો સુખદ આવેલો, પણ પાંચ-સાડા પાંચ વર્ષની ઉંમરમાં થયેલી મારી મુંબઈની યાત્રા થોડી વિચલિત  રહી.

 ૪) અમે મુંબઈ ગયેલાં. કાંદીવલીમાં મારા કાકીનું ઘર. અમે ત્યાં કેટલાં દિવસ રહેલાં તે યાદ નથી, પણ મમ્મીએ અને કાકીએ ઘાટકોપર જવાનું નક્કી કર્યું. ઘાટકોપરમાં મારા માસી રહેતાં હતાં. અમે હું ,મમ્મી, કાકી, મારા બે નાના ભાઈઓ લોકલમાં જવાં નીકળ્યાં. લોકલ ટ્રેનની બારી પાસેની સીટ પર બેસીને હું મારી નાની આંખોમાં ઘણાં બધાં દ્રશ્યો ભરી રહી હતી. એ દિવસે અમે બે ટ્રેન બદલેલી. બીજી ટ્રેનમાં અમારી સામે કોઈ બેઠેલું હતું તેમની સાથે હું મરચું મીઠું રમતી રહી કે તેઓ મારી સાથે રમતાં રહ્યાં. અમારી આજુબાજુ ઘણાં માણસો હતાં. એમાંથી એક માણસ મને નો’તો ગમ્યો તે મારી સામે બહુ જોતો તો. શું કામ મને ખબર નથી. થોડીવાર એ ત્યાં ઊભો રહ્યો પછી ઇ સામેની સીટમાં બેસી ગ્યો. પછી ઘણીવાર એણે મને બોલાવવાની કોશિશ કરી પણ મે તેની તરફ ધ્યાન ન આપ્યું. અમે ઘાટકોપરમાં ઉતર્યા. તે વખતે જે મારી સાથે રમતા હતુંતા તે પણ ઉતર્યા, તેણે મારા માથા પર હાથ મૂક્યો મે ઊંચે જોયું ને હું હસીને જોતી રહી. અમે ઘાટકોપર સ્ટેશનથી બહાર નીકળ્યાં. હવે અમારી રાહ અલગ હતી. હું ચાલતી હતી કોની સાથે ખબર નહીં, તેણે મારો હાથ પકડેલો અને બહુ જલ્દી જલ્દી એ ભીડમાં ખોવાવાં માંગતો હતો … હું ખેંચાતી જતી હતી બસ.

 અચાનક ભીડમાં બૂમાબૂમ થઈ ગઈ. પાછળથી એક જોરદાર હાથ આવ્યો અને મારા ગાલ પર તડ દઈને વાગ્યો. હું નીચે પડી ગઈ, જેનો હાથ પકડેલો હતો તે મને ખેંચી રહ્યો હતો પણ એ નીચે જોઈ ઉપર જુવે એ પહેલાં કોઈએ મારી ઉપર પાણીની બાલ્ટી રેડી દીધી. હું ભીની ભીની થઈ ગઈ. તે માણસે મારો હાથ છોડી દીધો અને દોડીને ભીડમાં ખોવાઈ ગયો. મમ્મી ને કાકીએ આવી મને ઊભી કરી અને કશું ક બોલવા લાગ્યાં, પણ એ શબ્દો મને સમજાતાં ન હતાં. તેમણે કોઈને ઈશારો કર્યો. સામે રહેલી પાનની દુકાનમાંથી બીજી બાલ્ટી પાણીની આવી મારા માથા પર રેડાઈ ગઈ. ઉપરાઉપર બે પાણીની બાલટીથી હું ડઘાઈ ગઈ અને ત્યાં જ મમ્મી કહી રડવા લાગી. મમ્મી, કાકી અને આજુબાજુના લોકોએ મને ઊભી કરી. કોઈ પાણીનો ગ્લાસ લઈ આવ્યું ને મને પાણી પીવડાવ્યું. હું થોડી શાંત થઈ મોટી ભીડ, ઊંચા માણસોની વચ્ચે એ માણસ હતો જેનું મને જોવું, બોલાવવું ગમ્યું નતું ને મમ્મી ને કાકી એ માણસનો આભાર માની રહ્યાં તાં.

નોંધ:-

  1. મમ્મીએ યાદ રાખેલાં આ બધાં પ્રસંગો છે. મમ્મીનું માનવું હતું કે હું જેની સાથે રમી રહી હતી, તે જ માણસ મને કીડનેપ કરીને જઈ રહ્યો હતો. જે માણસ મને ગમ્યો ન હતો તે માણસે મમ્મી અને કાકીનું ધ્યાન દોર્યું હતું અને પોતે બૂમાબૂમ કરી ભીડ એકઠી કરી હતી જેથી કરીને એ ભીડને ચિરવી એ માણસ માટે અઘરું પડે. મમ્મી અને કાકીનું માનવું એ ય હતું કે કદાચ તે માણસે મને હિપ્ટોનાઇઝ કરેલી તેથી જ હું ઘણીવાર સુધી ભાનમાં છતાં બેભાન રહી. આ બેભાની અવસ્થામાંથી બહાર કાઢવા માટે મારી ઉપર બે બાલ્ટી પાણી રેડાયું હતું.  

  2. બીજા પ્રસંગમાં રહેલી મારી પિતરાઇ અલ્પા– ( જેની સાથે હું ગોલો લેવા ગયેલી તે ) આઠ વર્ષની વયે અમને સૌને છોડીને ચાલી ગઈ. તે મુંબઈ ગયેલી. મુંબઈમાં એક બહુમાળી બિલ્ડીંગની ગેલેરીમાંથી પડી જતાં તેનું મૃત્યુ થયેલું.

  3. ત્રીજી લીટી આપણાં એ જાગૃત સમાજની છે જેઓમાં એક ભગવાન વસેલો હતો અને એણે મારી વારંવાર રક્ષા કરી છે. આ પ્રસંગો પછી મારા જીવનમાં યે એક પ્રસંગ એવો આવેલો જેમાં હું સમાજનું આપેલું પાછું આપી શકી તેનો સંતોષ મને આજે ય છે. આપણે આ પ્રસંગ તરફે ય જઈશું પણ ફરી ક્યારેક.

 © ૨૦૧૯ પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ  (૩/૭/૨૦૧૯  ગુરુવાર)
purvimalkan@yahoo.com

 

6 thoughts on “મોદીની હવેલી -૩ (પૂર્વી મલકાણ)

  1. ધન્યવાદ
    અમારું બાળપણ યાદ કરાવ્યું.
    ‘ત્રીજી લીટી આપણાં એ જાગૃત સમાજની …’
    જાગૃત મન જાગૃત અવસ્થા જાગૃત માનવી જાગૃત સમાજ રચી શકે છે.આજે સમાજ ના સાથ, સહકાર, અને સંગઠન દ્વારા વટ વ્રુક્ષ બની ગયો છે. મુખ્ય ઉદ્દેશ્ય સમાજને સંગઠિત કરવો, શિક્ષણ પ્રત્યે જાગૃત કરવાનો, સામાજિક કુ રીવાજો વિશે સમાજને જાગૃત કરી ને દુર કરવા પ્રયત્ન કરે છે

    Liked by 2 people

  2. પૂર્વિબેન,આપના બાળઅનુભવોએ રાજકોટની શેરીઓનો રખડપાટ કરાવ્યો.એ ગુંદાવાડી, ભક્તિનગર સ્ટેશન ત્યાંની પોલિસચોકીઓ, રેલ્વેનાપાટા નજરે દેખાણાં.
    પણ સૌથી વધુ ગમી ત્રીજી લીટીની શ્રધ્ધા કેઃ ત્રીજી લીટી આપણાં એ જાગૃત સમાજની છે જેઓમાં આજેય એક ભગવાન વસેલો છે..

    Liked by 3 people

  3. “દાવડાનું આંગણું”માં આ વિવિધતા વાંચી મને વધુવાર વીઝીટ મારવાનું મન થશે! લેખિકા પણ જાણીતા નિક્ળ્યા! આભાર સાથે.

    Liked by 2 people

  4. પૂર્વી બહેન
    સૌ પ્રથમ તો નમસ્કાર
    ઘણાં દિવસો પછી આપના શબ્દ સાથે મળવાનું બન્યું છે. આપણે છેલ્લે આપને ત્યાં મળ્યાનું યાદ છે. એ દિવસો કેમ ભુલાઈ ?
    આપની કલમ અને તેનું વિત્ત અદભુદ છે. એક નીવડેલા સાહિત્યકાર જેવું જ.
    મજા પડી વાંચવાની.
    લખતા રહે જો. એ જ શુભ ઈચ્છા.
    મહેબૂબ દેસાઈ

    Liked by 1 person

  5. i liked story of 3 lines and your being hypnotized.. and i have experience in my family years back- my foi’s young son may be 12 -was playing and it was raining and he was hypnotized and taken in train – and when Ratlam came he was little out of spell and then at Nagda station- got down and hide behind postal THELAS, and some how returned back safely home–so can feel how much painful incident it is for family too…later he was in USA and expired 3 years back.

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s