મોદીની હવેલી -૧૦ (પૂર્વી મલકાણ)


(૧૦) જૂની મેડીની ઝરૂખડી

ઊંચી મેડી ઉગમણા દરબારને તીયા, તીયા ઘીના દીવા શગ બળે રે

રેવા બાઈ તે જસમતભાઈને વિનવે રે, સ્વામી મારો હારલો લઈ આવો તો માંડવે મલપતી હાલું

અસકાળી મસકાળી રાત રે ગોરી સોનીડો તારો ભાઇ નથી રે

ઊંચી મેડી ઉગમણા દરબારને તીયા, તીયા ઘીના દીવા શગ બળે રે

રેવા બાઈ તે જસમતભાઈને વિનવે રે,

સ્વામી મારી મોતીડે ભરી ચુંદડી લઈ આવો તો માંડવે મલપતી હાલું

અસકાળી મસકાળી રાત રે ગોરી દોશીડો તારો ભાઇ નથી રે

( ફટાણાંનું લોકગીત )

બગસરાની એ અમારી હવેલીમાંથી જે મારા હૃદયની સૌથી નજીકનો ખૂણો રહ્યો હોય તો તે જૂની મેડી અને તેની ઝરૂખડીનો ભાગ છે. ગ્રામ્ય ઘરોમાં આ મેડીઓનો મહત્તમ ઉપયોગ એક સમયે થતો હતો. ખાસ કરીએ નવપરિણીત યુગલોને આ મેડી સમર્પિત કરવાંમાં આવતી હતી, પણ અમારે ત્યાં એવું નહોતું પણ તેમ છતાં યે આ એ મેડી જ હતી, જે કેવળ પોતાનાં બે અક્ષરો સાથે લોકજીવન, લોકસાહિત્યમાં સમાયેલી પોતાની અનેક વાર્તાઓને અમારા જીવનમાં યે રજૂ કરતી હતી જેણે કારણે મેડી એ મારે માટે માની ગોદ સમાન બની રહી. એક બાળકને જેમ માની ગોદમાંથી જીવનનિશાળનો પહેલો પાઠ મળે તેમ બગસરાની મેડીનાં એ ખૂણેખૂણા એ મારે માટે પહેલી નિશાળ બનેલાં.

આ મેડીમાં દાખલ થવાનાં બે દરવાજા હતાં. એક તો દુકાનમાંથી અને બીજો દરવાજો નીચેની ચોકીમાંથી. ચોકીમાંથી બે દાદરા ઉપર ચઢીને અતેરીયામાં અવાતું જ્યાં ઘંટલા, ઘંટલી, સગડિયું, કોલસા, સૂકા છાણાં, એરંડિયાનું તેલ, ઘાસલેટ વગેરે પડ્યું રહેતું. અતેરીયામાંથી બીજાં બે દાદરા ચઢીને મેડીએ અવાતું. બપોરે રસોડું પૂરું કર્યા પછી મમ્મી, કાકી, ભાભુ વગેરે થોડીવાર ડિલ લાંબુ કરતાં તે સમયે મોટી બા દુકાનેથી બે માણસોને બોલાવતાં અને તેમની પાસે ઘંટલા ઉપડાવી, મેડીએ લાવી ત્રણ પાયાવાળી લાકડાની બનેલ માંડી પર રખાવતાં. મેડીને એક ખૂણે ત્રણ -ચાર ઘઉંનાં બાચકા કાયમ પડ્યાં રહેતાં. જ્યારે વહુવારુઓ આરામમાં હોય ત્યારે અમને છોકરાવને મોટી બા સાદ દેતાં. મોટી બા નાં એ સાદ સાથે આખી યે હવેલીનાં દાદરા મોટા પગલાંથી ( એક સાથે એક એક દાદરા ઉપરથી ઠેકતા ) ધડાધડ ગુંજી ઉઠતાં. જૂની મેડીએ પહોંચી ઘંટલાની આજુબાજુ બે પગ પહોળા કરી બેસતાં. પછી આખા અઠવાડીયા માટે બાજર, જુવારનો અને ઘઉંનો લોટ દળતાં અને ઘંટીમાં મગનાં ફાડા કે રાઈનાં કુરિયા કરતાં. અઠવાડીયામાં બે-ત્રણ વાર બપોરનાં સમયે મણાવીઆની છોકરિયું આવતી ત્યારે અમે તેમની સાથે દોરાનું ભરતકામ અને મોતીના તોરણ, ચાકડાં, રમકડાં વગેરે બહુ બનાવતાં. જો આ ભરતગૂંથણનું કામ ન હોય તો અથાણાં બનાવવાનાં કામ થતાં. કેરીની સિઝનમાં કેરીનાં અને બાકીની સિઝનમાં કરમદા, ગુંદા, ગુંદી, કોઠમડી, આદું, હળદર, આંબળા, ટીંડોરા, ગાજર વગેરેના અથાણાં બનતાં રહેતાં.

જો અથાણાં યે ન કરવાનાં હોય તો અમે પાપડ બનાવતાં. જો કાંઇ કામ ન તો અંતે મેડીમાં રહેલ હીંચકા પર બેસી ગરમ ગરમ ચા નાં સબડકાં લેવામાં આવતાં ને અમે છોકરાઓ શું કરીએ છીએ, કોના સગાનું શું થયું, કોની સગાઈ થઈ, ને કોનું લગન તૂટ્યું, કોની વહુ વરને લઈને જુદી થઈ ગઈ, કોની વહુનાં કેવા પગલાં છે, કોની વહુ જોરાવરી છે વગેરે ચર્ચાઓ થતી. આ ચર્ચાઓમાં મને, રશ્મિબેન અને સંધ્યા ને સાસરવાસનાં પાઠ ભણાવવામાં આવતાં. આમ મેડીની અંદર એક જીવન ધબકતું હતું તો, મેડીની બહારની યે એક દુનિયા હતી જે વાર પ્રસંગે અવારનવાર દેખાતી.

અમારી જૂની મેડીની ઝરૂખડીનો એક ભાગ મુખ્ય બજાર તરફ પડતો હતો. ગામમાં થતાં દરેક ઉત્સવો, લગન પ્રસંગની શોભાયાત્રા અને વરઘોડા મુખ્યબજારમાંથી પસાર થતાં ત્યારે તેમને જોવા માટે અમે ઝરૂખડીમાં કીડિયુંની જેમ લાઇનબધ્ધ ઊભા રહી જાતાં. કોણે કેવું સેલું પહેર્યું છે, કોણે લાજ કાઢી છે, કોણે માથે ઓઢીને બજારમાં રહેલાં વડીલોનો મલાજો રાખ્યો છે, કોણે વરબેડીયું ઉપાડયું છે, કોનાં ઘરમાં કોણ મેમાન આવ્યું છે તે જોઇ લેતાં, તો સામેથી શોભાયાત્રાવાળા યે ઉપર તરફ જોઈ અમને જે.. સી કૃષ્ણ કહી, મુંબઈવાળા નાના ભાઈ શું કરે છે, કે કેમ ઘણાં દી થી નદીએ દેખાતાં નથી, આ રવિવાયરે ખેતરે જાવાનું સે તમારી સોકરીયુંને આવવું સે? એમ પૂછી લેતાં કે વગેરે સમાચારો પૂછી લેતાં. કોક કોક અવળચંડું હોય એ અમને બદરુંભાઈનાં કબ્રસ્તાનમાં રમતાં દીઠેલા એવી ફરિયાદે ય કરી દેતાં. બીજી બધીયે વાત તો ઠીક છે પણ કબ્રસ્તાનમાં રમવાની ફરિયાદ અમારે માથે ઘા કરતી. કારણ કે કબ્રસ્તાનમાં જવા બદલ અમને જે સજા મળતી જેમાંથી છોકરાઓ છટકી જાતાં ને અમે ત્રણ બેનું પકડાઈ જાતી. આ સજા કામની બાબતમાં યે પાછું જો રાજકારણ રમાયું તો રશ્મિબેન ને સંધ્યાનાં કામનો ભારેય મારી ઉપર આવતો. આ બે મોટી બેનોનું કામ પૂરું કરવા રહું ત્યાં મારું કામ રહી જતું જેથી મને કામચોરની ઉપમા મળતી. આથી મને મળતી ત્રીજી સજા. આમ ઉપરાઉપરની સજાને કારણે હું હવેલીથી લઈ વખાર ને દુકાન સુધીનાં કોઇક ખૂણામાં ભરાઈ જાતી. વધુ પડતાં કામની સજામાંથી તો બચી જવાય, તો કોઇકવાર હવેલીમાં મદદ કરવાં મણાવીઆની છોકરીયું મને મદદ કરતી અને પછી મોટી બા પાસે જઇ કામની બાબતમાં રમાયેલાં રાજકારણની વાત કરતી. આ રાજકારણની વાત સાંભળી મોટી બાનું માથું ફરી જાતું. તેઓ રશ્મિબેન અને સંધ્યાને ગુસ્સો કરતાં ને કેતા કે એ બેબુડી.. એ સંધ્યા.. તમારી નાની બેન છે એટ્લે બધું યે કામ એની માથે નહીં નાખવાંનું, એમ અંચાઈ કરશો ને તો કાળીયો ઠાકર આખો ય દી તમને રસોડાંમાં જ બેહાડી રાખશે હમજીયું કે નહીં? પછી મારી સામે જોઈ ને માથે હાથ દઈને બેસતાં ને ભાભુને કહેતા કે એ…..કલા ..આ છોરીનું શું થાશે? આ આવી ને આવી ભોળી ને મૂરખ રહી તો સ હાહરિયાં (સાસરિયાં ) તો ફોલી કાઢશે. આ આખો ય દી આમ ગધેડાની જેમ કામ કરશે ને તો યે કોઈ હારું નહીં બોલે આમ ખોટેખોટું બધું યે તારી માથે લેતી રઈશ ને તો હાહરામાં ગાંડી થઈ જાઈશ હમજી કે નહીં? આમ બોલતાં બોલતાં મોટી બા મારા માથે હાથ ફેરવતાં ને પછી મારી આળપંપાળ કરતાં કરતાં મને જૂની મેડીનાં હીંચકે બેસાડી ભરતકામનાં ગૂંચવાયેલા દોરાને છૂટા કરવાનું કામ મને આપતાં. ( ફરી એક કામની સજા ) આ ગૂંચવાયેલા દોરાની ગાંઠું કાઢવાનું કામ બહુ અઘરું પડતું. તેથી હું પૂછતી કે; આ દોરો કાતરથી કાપી નાખું બા? ત્યારે તેઓ કે’તાં કે નાં હોં બેટા આ તો તું તારી બેનોની સરખામણીમાં નબળી છે ને એટ્લે આ કામ સોંયપુ છે. આ દોરાની ગુંચ્યું કાયઢતાં કાયઢતાં તારા જીવનમાં જે આગળ ગુંચ્યું આવશે ને ઇને ખોલવી હારી પડશે માટે હાલ્ય તો મારી બચુડી હાયથથી ખોલવા માંયંડ તો કહી પોતે બીજે કામે લાગી જાતાં. મોટી બા નાં ગયા પછી કવચિત્ રશ્મિબેન ને સંધ્યા મારી સાથે જોડાતાં ત્યારે આજુબાજુ બા નથી ને એની ચકાસણી કરતાં કરતાં અમે ફરી ભાભુ કે કાકી પાસે મમરો મૂકતાં કે; આ ગાંઠું કાપી નાખીએ તો જલ્દી જલ્દી કામ પૂરું થાય. આ સાંભળી એ લોકો યે કે’તા કે, નાં હોં બેટા જેમ મોટી બા કહી ને ગ્યાં સ ને ઇ જ પરમાણે કરો. મોટી બા ની જેમ આ કાકીની ને ભાભુની વાતવસ્તુ અમને એ સમયે ક્યારેય ખ્યાલમાં નહતી આવતી એટ્લે અંતે કંટાળાને દૂર કરવાં મોટી માડીએ શીખવેલું ભજન જોર જોરથી ગાવા મંડી પડતાં “આજે ખોલીએ જીવતરની ગાંઠ્યું અમે, કાલે સવારે મારી આતમની ગાંયઠું તમે ખોલજો કાળીયા ઠાકરજી.” ને પછી ખડખડાટ હસી પડતાં ને એ હાસ્ય સાથે કાકી, ભાભુ કે મોટી બા આવીને અમારા માથા પર વ્હાલથી ટપલી મારીને કે’તા, અમારી ગાંડીયું નહીં તો … કાલે સવારે તો ફરરર કરતી ક ને ઊડી જાશે….ઇના માળા ને હાચવવા ..કહીને એ લોકોયે હસી પડતાં ને પછી તો એ …ય .ને ..આખી યે મેડી ફૂલ વગરનાં બગીચે એકીસાથે ખીલી ઉઠતી તી.

અમારી મેડીની હસતાં ખૂણામાં મણાવીઆ બાઈઓની જે ૯ થી ૧૦ છોકરીયું આવતી એમાંથી કાન્તા, મીના, શાંતિ, ચંપા, બેના એમ અમુકનાં જ નામ યાદ છે. આ છોકરીઓ ઘરે આવતી ત્યારે ગામ આખાની વાતું ને વાર્તાયું લઈને આવતી. જેમાં પાનની દુકાન થી લઈ ખેડૂ સુધીનાં તમામ લોકો રહેતાં. આ છોકરીયુંમાંથી કોઈકની સગાઈ થઈ હતી, ને કોઈકની થવાની હતી, કોઈક માટે હજી છોકરાઓ જોવાતાં હતાં. અમે ઘણીવાર તેઓને પૂછતાં કે એમનો થવાવાળો વર શું કામ કરે છે? તો સાડી કે ચુંદડીનો છેડો મોંમાં દબાવી ધીરેથી શરમાતાં બોલતી “ ઇ ટરક હંકેસ અથવા તો બોલતી કે ઇ તો ખટારો હાંકે સ, ડરાઇવર સે ને” મોટા થયાં પછી મને ખ્યાલ આવેલો કે, અમારી વખાર એ છોરા-છોરીયું માટે જોડાં કરાવવા માટે બ્રાહ્મણ બનતી હતી તેથી મોટાભાગની છોકરીયુંનાં વરો ડ્રાઈવરો હતાં. અમારાથી આ નાના માણસો કહેવાતાં આ લોકોની શ્રધ્ધા વિશ્વાસ અને માન્યતામાં જોગા, જોગણીયું, દાદા ખેતરપાળ, ભૂત,પ્રેત, મામા, ચૂડેલ, ઝખિણી વગેરે રહેતાં. એમની આ માન્યતાને કારણે આ બાબતમાં મનેય થોડુંઘણું યે શીખવા મળેલું. દા.ત સગર્ભાવસ્થામાં જે સ્ત્રીનું મૃત્યુ થયું હોય તે “ઝખિણી” બને છે. આવી સ્ત્રી નાના બાળકનાં ઘોડિયાની આસપાસ ફર્યા કરે છે. આવી સ્ત્રીની મુક્તિમાં ઢીંગલા -ઢીંગલીનું દાન આપવામાં આવે છે. જે વ્યક્તિ મરી જાય છે તે વ્યક્તિનો દેહને અગ્નિદેવને ન સોંપાય ત્યાં સુધી તે “પ્રેતવસ્થા” કહેવાય છે. જોગા -જોગણી એટ્લે મૂળ માતાની જ એક શક્તિ જેનાંમાં ઈશ્વરીય શક્તિનો વાસ હોય તે. જે છોકરો -છોકરી કુંવારી અવસ્થામાં મરી જાય તેમને માટે “નારાયણબલિ” નામની વિધિ થાય ત્યારે પૂર્વજો ઘરનાં કુટુંબીજનોનાં દેહમાં આવે વગેરે. અનેક માન્યતાઓમાં માનતી આ છોકરીયું ને જેવી ખબર પડે કે અમે ક્યાંથી રમીને આવ્યાં છીએ તો એ જ મિનિટે અમને તેઓ ઘર બહાર લઈ જાતી અને અમારી ઉપર પાણીનો છંટકાવ કરતી, ને જો એની સામેથી અમે આવતાં તો અમે ઘરનો દરવાજો ખોલીએ એ પેલા જ એ લોકોએ ડંકી સીંચીને રાખી હોય તે અમારી પર રેડી દે. અમે કપડાં બદલીને આવીએ પછી કબ્રસ્તાનની બધી યે વાત પૂછતી ત્યારે હું સુંથાબીબીની ઝાંઝરનો ખાસ ઉલ્લેખ કરતી ને કહેતી કે, અમે જ્યારે સાવ શાંતિથી બેઠાં હોય ત્યારે સુંથાબીબીની ઝાંઝરીનો નાદ અમારા મનમાં નાનકડી બીક ઊભી કરે છે પણ જો નાદ ઓળખી જઈએ તો વાંધો ન આવે. ત્યારે એ અમને સમજાવતાં કે જે જગ્યા જાણીતી હોય ત્યાં વાંધો નો આવે, પણ અજાણી જગ્યાનાં અને અવાવરુ વાતાવરણને પોતાની નિશાનીઓ હોય છે. જેમ કે, અચાનક ઠંડી લાગવી, વરસાદ, બરફ જેવું વાતાવરણ થઈ જવું, ગરમી વધી જવી, ખરાબ વાસ આવવી, લોબાનની સુગંધ આવવી, ન જાણીએ તેવી વ્યક્તિનું અચાનક સામે આવવું ને અચાનક ગાયબ થઈ જવું વગેરે. જે વખતે આ વાતો થાતી તે વખતે અમને એની એકેય વાતો ન સમજાતી પણ બસ અમે સાંભળી લેતાં. આ વાતનો અલગ અર્થ કરીને અમે તેમને કહેતાં કે આ તમારી નિશાનીયુંમાં અમને રસ નથી, કાંક કોઈ બનાવ થ્યો હોય તો ક્યો. પણ એવું કાંઇ તેઓ અમને કેતાં નહીં, કદાચ અમે તેમને માટે નાના હોઈશું કે એમને એમ લાગતું હશે કે આ છોકરાઓ બી જાશે તો ભાભુ, કાકી તેમને ખીજાશે. પણ એની સાથે બીજી વાત એ હતી કે તેમની વાતો સાંભળી અમે જ્યારે બદરુંભાઈને ત્યાં રમવા જતાં, ત્યારે ત્યાં તેમનું ને તેમની બંને બીબીઓનું ને માથું ખાઇ પૂછતાં કે તેઓએ ક્યારેય ભૂત જોયું છે? પણ તેઓ હંમેશા ના કહેતાં. કોક વાર બહુ પાછળ પડી ગયાં હોઈએ તો બોલી ઊઠે અમારે ત્યાં ભૂત નો હોય જીન હોય. “જીન” એ શબ્દ સાંભળી અમે કહેતાં કે અરે, જીન તો અરબસ્તાનની વાર્તામાં હોય તો તે અહીં સુધી કેવી રીતે પહોંચે ? પણ એ પ્રશ્નનો કોઈ જવાબ ક્યારેય મળતો નહીં.

અમારો ડેલો, ઘર, દુકાન, વખાર, નદી, કબ્રસ્તાન પછી બગસરામાં અમે જ્યાં વારંવાર રમવા જાતાં એ હતાં ખેતરો. ચંપાબેન ને કાન્તાબેન વગેરે અમ છોકરાવની બધી યે વાતો આમ તો છાનાંમાંનાં સાંભળતાં પણ કોઈક દિવસ એમને ખબર પડે કે અમે કબ્રસ્તાનમાં જવાનો પ્રોગ્રામ બનાવી રહ્યા છીએ તો તરત અમને એઓ ખેતરે લઈ જવાની લાલચ આપતાં જેનો અમે સહર્ષ સ્વીકાર કરી લેતાં. આ ખેતરોમાં ય ચક્કર મારવા એ મારો હંમેશાનો શોખ રહ્યો છે તેવું મને નાનપણથી જ લાગેલું છે. કારણ કે ખેતરોમાં રહેલો કોસ, કૂવો, કોલું અને પાળીયા દેવ મને સદાયે આકર્ષિત લાગતાં.

ચંપાબેનનાં ખેતરમાં રહેલ પાળીયાની એક માત્ર યાદ

આજે પાળિયાઓની દશા

પાળીયા દેવ …ગુજરાતી સંસ્કૃતિનાં એક ભાગરૂપ આ આ પાળીયાઓ ને આપણે એક પ્રકારે સ્મારક કે શિલાલેખ તરીકે ગણી શકાય. જે ગામને માટે જીવ આપનારા યોધ્ધાઓ, પતિ પાછળ સતી થયેલી સ્ત્રીઓ કે પાળીતા પ્રાણીઓને સમર્પિત હોય છે અને પાછળથી તેઓ તેમનાં કુટુંબીજનો કે નાતજનો દ્વારા દેવરૂપે પૂજાતાં. અમારી વખારમાં એક બેનાબેન આવતાં તેમનાં ખેતરમાં અમે બહુ જતાં તેમને ત્યાં ચાર પાળીયા હતાં. રોજ સવારે ને સાંજે પાળીયાદેવની દેરી એ દીવા થાતાં. અમે તેમને ત્યાં જતાં ત્યારે તેઓ અમને ત્યાં માથું નમાવવા કહેતાં ત્યારે અમે તેનું કારણ પૂછતાં. કોઈકવાર અમે તેમને પૂછતાં કે આ કોણ છે? તો તેઓ કહેતાં કે, આ તેમનાં કોઈ પૂર્વજ છે જેમણે ગામની ગાયુને બચાવવા જીવ આપી દીધેલો. હવે તેઓ દેવ તરીકે પૂજાય છે અને બે-ત્રણ જ્ઞાતિનાં લોકો લગ્ન પછી મીંઠળ અને છેડાછેડી છોડવા ત્યાં આવતાં. ઉપરાંત લગન પછી ઝાંઝરી બદલવાનો અને બાળમોવાળ ઉતારવાનો રિવાજે ય ત્યાં પૂરો થતો. આ બાળમોવાળ ઉતારવાનો પ્રસંગ મને હજીયે યાદ છે. એ સમયે તેમનાં બધાં સગાસંબંધી ભેગાં થતાં અને લાપસીનાં મંડાણ મૂકાતાં. લાપસી રંધાતી ત્યારે તેને બનાવનારી બાઈયું કૂવા પર જાતી અને ગરેકડી કરતી. પછી એજ ગરેકડી સાથે દેવની લાપસી ત્યાં જ ખેતરમાં રાંધતી.

હું ને સંધ્યા તેમનાં કુટુંબમાં આવેલ છોકરીયું સાથે રમતાં. જો છોકરીયું મોટી હોય તો ફેંટો રમાતો, ઘણીવાર ઉગેલાં પાકની વચ્ચે થપ્પ્યો રમાતો એ સમયે પાકની વચ્ચે સંતાયેલા ને અમે ઝાંઝરી પરથી ઓળખતાં ને કોકવાર ઉગેલાં પાકની લણણી કરતાં. આવી લણણીમાં મને શેરડી, ચીભડાં, ચણા ને જામફળ એ ચાર જ વસ્તુ યાદ છે. આ ચારેયમાં પણ ખાસ કરીને શેરડીની કાપણી મને બહુ ગમતી. કાપણીની સાથે કોલું ચાલું હોય ત્યારે નીકળેલો રસ અમે પીતા. પછી મોટી કડાઈઓમાં રસ ઉકળતો જોતાં ને રસમાંથી કાકવી ને પછી ગોળ અને અંતે ગોળનાં ભિલ્લા બનતાં જોતાં.

અંતની યાદ કહે છે કે, ગોળ બનતો ત્યારે ખેતરેથી ગોળની ગુબીચ અને કાકવી લઈને અમે હવેલીમાં આવતાં. કાકવી અને રોટલી સાથે ખાતાં ને ગુબીચનો વાટકો લઈ જૂની મેડીની ઝરૂખડીનાં હીંચકે બેસી જતાં અને આખો દિવસ ભાભુ, કાકી, મોટી બા અને મમ્મીને હેરાન કરવાની એનર્જી મેળવી લેતાં.

નોંધ:-

  1. અતેરિયું એટ્લે, આછા પ્રકાશવાળો પરસાળનો નાનકડો ભાગ. પરસાળ સામાન્ય રીતે મોટી હોય.

  2. આજે પણ રાજકોટમાં અમારા ઘરમાં નાની ઘંટી છે, તેમાં જ મગનાં ફાડા એટ્લે કે દાળ કરાય છે.

  1. મોટી બા રશ્મિબેનને બેબુને નામે બોલાવતાં.

  2. બહેનો વચ્ચે કામની બાબતમાં જે રાજકારણ રચાતું એમાં મોટી બા કહેતા કે અંચાઈ કરશો તો કાળીયો ઠાકર આખો ય દી તમને રસોડાંમાં જ બેહાડી રાખશે. યોગાનુયોગે મોટી બા નું આ વાક્ય સાચું પડ્યું.

  3. બાળમોવાળ એટ્લે જન્મનાં વાળ ઉતારવાની વિધિ.

  4. ગરેકડી કરતી એટ્લે કે માથાબોળ ન્હાતી.

© ૨૦૧૯ પૂર્વી મોદી મલકાણ.યુ.એસ.એ

purvimalkan@yahoo.com

1 thought on “મોદીની હવેલી -૧૦ (પૂર્વી મલકાણ)

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s