નયનને બંધ રાખીને (બેફામ)


(બેફામ તખ્ખલુસધારી આ સાહિત્યકારનું અસલી નામ છે બરકતઅલી ગુલામહુસેન વિરાણી. તેઓ શયદાના જમાઈ હતા. તેમણે આકાશવાણીમાં કામ કર્યું હતું અને ગુજરાતી ફીલ્મોમાં અદાકારી પણ કરી હતી, અને ફીલ્મો માટે ગીતો પણ લખ્યા હતા. ગઝલ ઉપરાંત તેમણે ટુંકી વાર્તાઓ અને નાટકો પણ લખ્યા હતા. એમની ગઝલો ખૂબ જ લોકપ્રિય છે. મારી પસંદગીની એક ગઝલ અહીં મૂકું છું.  – સંપાદક)

નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે,

તમે છો તેના કરતાં પણ વધારે તમને જોયા છે.

ઋતુ એક જ હતી પણ રંગ નહોતો આપણો એક જ,

મને સહરાએ જોયો છે, બહારે તમને જોયા છે.

પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ,

નહિંતર મેં ઘણી વેળા સવારે તમને જોયા છે.

હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારૂં,

ખુલી આંખે મેં મારા ઘરના દ્વારે તમને જોયા છે.

નહિં તો આવી રીતે તો તરે નહિં લાશ દરિયામાં

મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે.

ગણી તમને જ મંઝિલ એટલા માટે તો ભટકું છું,

હું થાક્યો છું તો એક એક ઉતારે તમને જોયા છે.

નિવારણ છો કે કારણ ના પડી એની ખબર કંઈયે,

ખબર છે એ જ કે મનના મુંઝારે તમને જોયા છે.

નથી મસ્તી મહોબ્બત એવું કંઈ કહેતો હતો બેફામ,

એ સાચું છે અમે એના મઝારે તમને જોયા છે.

-બેફામ

(આ ગઝલમાંની બે પંક્તિઓ

“નહિં તો આવી રીતે તો તરે નહિં લાશ દરિયામાં

મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે.”

મારા કાળજામાં કોરાઈ ગઈ છે.)

1 thought on “નયનને બંધ રાખીને (બેફામ)

  1. ઓલ ટાઈમ હીટ & ફેવરીટ ગઝલ.
    ઘણા ખરા બ્લોગ પર બેફામનાં શબ્દો અને મનહરના સ્વરમા માણેલી આ રચના અ દ ભૂ ત છે! પહેલો શેર સાંભળતા જ વિચારે ચઢી જવાય…પ્રેમ આંધળો હોય છે- પરંતુ નેત્રો દ્વારા કોઈ વ્યકિતને જોઈને થતાં પ્રેમની પરિભાષાથી અનેક ઘણી રીતે ઉપર નેત્ર વિહોણા હોવા છતાં સાચા પ્રેમની અનુભૂતિ કરાવતા અનોખા પ્રેમના પાત્રો દેખાયા !
    મેરે રુહકી હકીકત મેરે આંસુઓસે પૂછો;
    મેરી મજલીસી તબસુમ મેરા તરજુમા નહિં હૈ…

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s