શ્રીમદ્ ભાગવત-મહાત્મ્ય (૧) – જયશ્રી વિનુ મરચંટ


 પ્રકરણ ૧ઃ           ચતુઃશ્લોકી ભાગવતનું મહત્વ

ચતુઃશ્લોકી ભાગવતના ૪ શ્લોકો

૧. અહમેવાસમેવાગ્રે નાન્યદ્ યત્ સદસત પરમ્ !      પશ્ચાદહં યદેતચ્ચ યોડવશિષ્યેત સોડસ્મ્યહમ્ !

૨. ઋતેડર્થં યત્ પ્રતીયેત  ન  પ્રતીયેત  ચાત્મનિ !     તદ્ધિદ્યાદાત્મનો માયાં યથાડડભાસો યથા તમઃ!

૩. યથા મહાન્તિ ભૂતાનિ  ભૂતેષૂચ્ચાવચેષ્વનુ !        પ્રવિષ્ટાન્યપ્રવિષ્ટાનિ તથા તેષુ ન તેષ્વહમ્ !

૪. એતાવદેવ જિજ્ઞાસ્યં તત્વજિજ્ઞાસુનાડડત્મન!      અન્વયવ્યતિરેકાભ્યાં યત્ સ્યાત્ સર્વત્ર સર્વદા !

સામન્યતઃ કોઈ એક સાહિત્યિક ગ્રંથની કે સંશોધનની સમીક્ષા એના અંતિમ પ્રકરણમાં અથવા તો પ્રસ્તાવનામાં કરવામાં આવે છે. પણ, વૈજ્ઞાનિક શોધખોળના લેખોની સમીક્ષા એટલે કે આખા સંશોધન લેખની વિગત અને એનું નિર્ણાયક વિધાન પ્રારંભના એક ટૂંકા પેરેગ્રાફમાં કરી દેવામાં આવે છે. વિજ્ઞાનને લગતા સંશોધનોના લેખો કે પુસ્તકો માટે આ એક સર્વ સંમત કાયદો છે.  આ ચતુઃશ્લોકી ભાગવત સાચા અર્થમાં તો ૧૮૦૦ પાનાંમાં વિસ્તરેલા (જેમાં મૂળ સંસ્કૃત શ્લોકો એક કોલમમાં અને એનું ગુજરાતી ભાષાંતર બીજી કોલમમાં રજુ કરાયું છે) શ્રીમદ ભાગવત પુરાણનો નીચોડ છે, એટલું જ નહીં, પણ, શ્રીમદ ભાગવત પુરાણનું વૈજ્ઞાનિક પધ્ધતિથી અધ્યયન કરવા માટેનો રોડ મેપ પણ છે.  ચતુઃશ્લોકી ભાગવત સમસ્ત ભાગવત પુરાણના ગ્રંથને માત્ર સાહિત્ય કે સામાજિક ગ્રંથની કક્ષામાંથી વિજ્ઞાન એટલે કે વિશિષ્ઠ જ્ઞાનના અમૂલ્ય પુસ્તકની કક્ષામાં મૂકે છે. આનાથી એટલું સાબિત થાય છે કે શ્રીમદ ભગવત પુરાણ વૈજ્ઞાનિક રીતે લખાયું છે અને દરેક પ્રકરણ એટલે કે અધ્યાય એક વિશેષ આશયથી લખાયો છે. આ બધા જ અધ્યાયના તારણ રૂપે એક જ વસ્તુ ફલિત થાય છે કે (જે ઉપરના શ્લોકમાં સ્પષ્ટ રીતે કહેવાયું છે) “સૃષ્ટિના પૂર્વે પણ હું (ઈશ્વર) જ હતો, મારાથી ભિન્ન કશું જ નહોતુ. સૃષ્ટિની ઉત્પત્તિ પછી પણ જે કઈં દ્રશ્ય થનારાં પદાર્થો છે તે પણ હું જ છું. જે સત્ કે અક્ષર છે ને જે અસત્ કે ક્ષર છે, તે બધું જ હું છું. હું જ પુરુષોત્તમ છું. સૃષ્ટિની સીમા પછી પણ હું જ છું અને એનો નાશ થયા પછી પણ જે બચે છે તેમાં પણ હું જ છું. સત્ અને અસત્ કે પછી અક્ષર અને ક્ષર બંન્ને મારી માયાના સ્વરૂપ જ છે.  જેમ પ્રત્યેક પ્રાણીમાં પંચમહાભૂત રૂપે હું પ્રવિષ્ટ છું અને આમ જુઓ તો વાસ્તવમાં કોઈ દેખીતા આકારમાં પ્રવિષ્ટ- સમાયો નથી, તે પણ હું છું. મારા સુધી આવવા માટે કે મને પામવા માટે માત્ર સર્વ ભાવથી સમર્પિત ભક્તિ અને શ્રદ્ધાની જરુર છે.”

આવા પરમાત્માના પરમ તત્વને અંતરથી માણવા અને જાણવા જ્ઞાન અને ભક્તિની બે આંખો ખોલવી જોઈએ. પરમ તત્વનો સાક્ષાત્કાર તો વારંવાર માણીને જાણવો જોઈએ અને ફરીફરી જાણીને માણવો જોઈએ. એકવાર આટલું કરવાની સમજ અને શક્તિ કેળવી લેવાય તો આ “કેવળજ્ઞાન” આપોઆપ થઈ જાય છે કે પરમાત્મા જ સર્વદેશ અને સર્વકાળમાં છે. સર્વ સમર્પણ ભાવથી, એમની ભક્તિ કરતાં જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ભક્તિ અને જ્ઞાન બેઉ નયનો શ્રી હરિની ઉપાસના માટે ખુલ્લા હોવા જરૂરી છે. પરમ તત્વની આરાધના કરતાં એટલું ફલિત થાય છે કે પરમાત્માને વિશેષ રૂપે ભજો કે પછી નિષેધ રૂપે, આ “છે” થી માંડીને “નથી” એ બધાંમાં અંતે તો સૂક્ષ્મ સ્વરૂપે એ જ પરમ તત્વ  હાજર છે.  ભાગવત પુરાણના પ્રત્યેક અધ્યાયમાં તારણ રૂપે વારંવાર ઉદાહરણો અને કથા સ્વરૂપે કહેવાયેલી વાતો દ્વારા એક વાત ફરી ફરી ફલિત થાય છે કે, “જ્યારે કઈં પણ નહોતું ત્યારે પણ હું (પરમાત્મા) હતો અને કઈં પણ નહીં હોય ત્યારે પણ હું હોઈશ. મારી આગળ કે પાછળ બીજું કઈં નથી અને બીજું કઈં ક્યારેય હશે પણ નહીં.” ચતુઃશ્લોકી ભાગવતમાં કરાયેલા આ એક અતિશય સશક્ત કથનનો વ્યાપ એ જ આ આખાયે ભાગવત પુરાણનું નવનીત છે. ચતુઃશ્લોકી ભાગવતની સમજણ, સાર અને મહત્વ એકવાર જો અંતરમાં ઊતરી જાય તો પછી ભાગવત પુરાણના વાંચન કે કથા શ્રવણનો આનંદ એની મેળે બેવડાઈ જાય છે. આથી જ તો ભાગવત કથાના પ્રારંભમાં જ ચતુઃશ્લોકી ભાગવતની વિગતવાર સમજણ આપવાનો પ્રયાસ પુરાણ કાળના શુકદેવજીથી માંડીને આજના ટેકનોલોજીના યુગના આચાર્યો, પંડિતો અને કથાકારો સદૈવ કરતા રહે છે. જો આ ચાર શ્લોકમાં મન પરોવીને જે શ્રોતા ભાગવત કથાને સાંભળે છે કે વાંચે છે, એના દેશકાળ અને કર્મોના બંધન પોતાની મેળે છૂટતાં જાય છે. આ કર્મોના બંધનો દરેક જીવ પોતાની મેળે જ બાંધે છે અને એને છોડવાનો કે તોડવાનો પ્રયાસ પણ દરેક જીવે જ કરવાનો છે. પરમાત્માનું કામ સત્ય અને ધર્મ વચનને આપણી સમક્ષ મૂકવાનું છે, પણ, એનું અંતરની સાલસતાથી પાલન કરવાની સમજણ અને જવાબદારી દરેક જીવે સ્વયં લેવાની હોય છે. ભાગવત પુરાણની કથાના પહેલા સ્કંધના ત્રણ અધ્યાયમાં કલિયુગના આરંભ સમયે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની દુર્દશા અને નારદજીની એ ત્રણેયને સંજીવન કરવાની મથામણ પછી ચોથા અધ્યાયમાં વર્ણવાયેલા આત્મદેવ, એની પત્ની ધુંધુલી અને પુત્ર ધુંધુકારી ને ગોકર્ણની કથા શુકદેવજી રાજા પરીક્ષિતને કહે છે. આ કથા ખૂબ જ સાદી રીતે અને નાના-મોટા સૌને સમજાય એટલી સરળતાથી સાબિત કરે છે કે સૌના કર્મો સહુ બાંધે છે અને એ બંધનોને તોડવા કે છોડવાની જવાબદારી કર્મોને બાંધનારા જીવની જ છે. શુકદેવજી જેવા વિદ્વાન, પરીક્ષિત જેવા શ્રોતાને પણ કર્મોના બંધનો તોડવાની કે છોડવાની વાત, એક સાદી કથામાં પરોવીને એટલે કહે છે કે રાજા પરીક્ષિત સિવાય પણ ત્યાં હાજર રહેલા કોઈ પણ કથા સાંભળનારાના મનમાં આ ગહન સંદેશ સીધેસીધો ઊતરી જાય. આપણા પુરાણોમાં સાદગી, અપરિગ્રહ અને નિર્મોહનો જે બોધ છે તે આવી જ સુંદર કથાઓના રૂપમાં વર્ણવાયો છે, જેમાં ચતુઃશ્લોકી ભાગવતમાં વર્ણન કરાયેલા પરમતત્વનું ગુણગાન છે. આથી જ ચતુઃશ્લોકી ભાગવતની વાત જે સમજી શકે છે એને માટે સમસ્ત ભાગવત પુરાણની કથા અમૃતનું રસપાન બની જાય છે.

(વધુ આવતા બુધવાર અંકે)

5 thoughts on “શ્રીમદ્ ભાગવત-મહાત્મ્ય (૧) – જયશ્રી વિનુ મરચંટ

 1. જયશ્રીબેન,
  શ્રીમદ્ ભાગવતની રસલ્હાણ કરવાની આપની શરુઆત ખૂબ રસપ્રદ રહી.શ્રી ડોંગરે મહારાજના ભાગવતમાં અનેક વખત ઉચ્ચારતા શબ્દો “શુકદેવજી પરીક્ષિત રાજાને સાવધાન કરે છે” કાનમાં ગુંજવા લાગ્યા.
  ભાગવતમાં મહાત્મ્યમાં જે વાત કહી છે તે જ વાત આમતો દરેક ધર્મમાં કહી છે.ફાયાકુન ફાયાકુન ગીત રોકસ્ટારનું આજના આપના આ લેખના સંદર્ભમાં સાંભળશો તો તેમાં આજ વાત છે કે:

  કદમ બઢાલે, હદોકો મિટાલે,આજા ખાલી પલમેં….પીકા ઘર તેરા…. તેરે બીન ખાલી …આજા ખાલી પલમેં… રંગરેઝા ….રંગરેઝા…….ફાયાકુન કુન..ફાયાકુન…જબ કહીપેં કુછ નહીં ભી નહી થા…. નહીં …થા ….વહીથા….વહીથા….વો જો મુંજમેં સમાયા ….વો જો તુજમેં સમાયા

  આગલા લેખની આતુરતાપૂર્વક રાહ….

  Liked by 2 people

 2. ઈશ્વર દેખીતી રીતે કોઈ આકારમાં પ્રવિષ્ટ નથી અને તેમ છતાં અખિલ બ્રહ્માંડ અને એના તમામ સ્વરૂપોમાં એની હાજરી તો છે જ. ક્યારેક કોઈ ક્ષણે એની હાજરી ન હોવા છતાં એના સાક્ષાત્કારનો અનુભવ પણ થાય છે જ.. જરૂર છે માત્ર એના તરફ ભક્તિ અને શ્રદ્ધા કેળવવાની, એને સમર્પિત થવાની…

  શ્રીમદ ભાગવત પણ જેટલી વાર જાણવા સમજવા આયાસ કરીએ એટલી વાર એમાંથી કંઈક તથ્ય અને સત્યની પ્રતીતી તો થાય છે જ.

  સરસ વિષય છે….

  Liked by 2 people

 3. શ્રીમદ્ ભાગવત-મહાત્મ્ય સુ શ્રી જયશ્રી વિનુ મરચંટ દ્વારા શરુઆત ખૂબ રસપ્રદ શ્રીમદ્ ભાગવત પુરાણનો નીચોડ છે
  શાસ્ત્રોમાં તો અનેક સત્કર્મોનું સૂચન કર્યું છે. તપયજ્ઞા, યોગયજ્ઞા, સ્વાધ્યાય યજ્ઞા વગેરે અનેક કાર્યોનું સૂચન કર્યું છે. પણ વિદ્વાનોએ કહ્યું છે કે, પાપનો ક્ષય કરનાર અને પુણ્યનો ઉદય કરનાર, જીવને પુષ્ટ કરનાર, આત્માની શુદ્ધિ કરનાર એક શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞા છે. તેનું અમૃતપાન કરવાથી જીવ ઉચ્ચ સ્થાનને પામે છે, અને સંશય ટળી જાય છે. વળી જેવી રીતે એક ઝાડ મૂળથી લઇને ટોચ સુધી રસયુક્ત હોય છે, પણ તે રસ સીધો વૃક્ષમાંથી પામી શકાતો નથી, તે તો ફળસ્વરૂપે જ પામી શકાય છે. તે પ્રમાણે વેદો ઉપનિષદો શાસ્ત્રના ગૂઢાર્થના સાર કેવળ શ્રીમદ્ ભાગવત કથામાંથી સરળ રીતે પામી શકાય છે. પ્રેમલક્ષણા ભક્તિથી શ્રીહરિની કથાનું વાંચન અથવા શ્રવણ કરવાથી ભાગ્યોદય થાય છે.
  .
  આગલા લેખની રાહ

  Liked by 2 people

 4. સ્નેહી જયશ્રીબેન,
  શ્રીમદ ભાગવત પુરાણ માહાત્મ્ય તમારા આ વિષય અને તેનું વિજ્ઞાનિક વ્યુંય દ્રષ્ટિ થી સમજાવટ અને વિશ્લેષણ માટે અભિનંદન, ખૂબ જ સરસ વિષય છે અને આવતા લેખો ની ખુબ ઉત્સુકતા !

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s