ત્રીજા માળે આવેલ અમારા ફ્લૅટનાં પગથિયાં દરરોજ ઊતરવાં અને ચડવાનો મારો રોજનો ક્રમ હતો. પરંતુ આજે સાંજે પગથિયાં ચડી ઘરમાં દાખલ થયો અને શ્વાસ ચડ્યો. મારા શ્વાસોચ્છ્વાસની ગતિ જોઈ પુત્રવધૂએ પાણીનો ગ્લાસ ટેબલ પર મૂક્યો અને મારી પીઠ પર હાથ ફેરવવા લાગી. તેનો હાથ ફરતો રહ્યો. થોડી વારે હું સ્વસ્થ થયો.
“પપ્પાજી, હવે કેમ છે?’’ તેણે પૂછયું.
“સારું છે, આ પગથિયાં જરા ઝડપથી ચડયો એટલે… અને બેટા, હવે છાસઠ થયાં. ક્યારેક થાય આવું. ચિંતા નહીં કરવાની.’’ મેં સહજભાવે કહ્યું.
કમલ ઘેર આવ્યો ત્યારે ફૅમિલી ડૉક્ટરને સાથે લઈને આવ્યો હતો. ડૉક્ટરે મારું બી.પી. વગેરે તપાસ્યું. બધું જ નોર્મલ હતું. હતી તો માત્ર સંતાનોની મારા તરફની ચિંતા.
સવારે મૉર્નિંગ વૉકમાં અને સાંજે ગાંધી પાર્કમાં જૂના મિત્રોને મળ્યા વગર મને ચાલતું નહીં. આ બંને મેળાપ મારું ‘ટૉનિક’ હતું! કમલ એ જાણતો હતો. મારા આશ્ચર્ય વચ્ચે પંદરેક દિવસ પછી રવિવારની સવારે એક ટ્રક અમારા ફ્લૅટની નીચે આવીને ઊભો હતો.
“નજીકમાં સરકારી ક્વાર્ટર છે. ત્યાં ગ્રાઉન્ડ ફ્લોર પર આપણે રહેવા જવાનું છે.’’ કમલે કહ્યું.
“પણ… ત્યાં તારા પગારમાંથી મોટું ઘરભાડું કપાશે અને આ ફ્લૅટના હપ્તા પણ ચૂકવવાના. મને પૂછવું તો હતું!’’
“પપ્પાજી, કેટલાક નિર્ણયો લેવાનો અધિકાર હવે અમને પણ આપો.’’ પુત્રવધૂએ હસીને કહ્યું. બપોરના એક વાગ્યા સુધીમાં નવા ઘરમાં સામાન પણ ગોઠવાઈ ગયો. કમલ બધા માટે સારી હોટલમાંથી જમવાનું લઈ આવ્યો હતો. જમીને બે-અઢી વાગ્યે કમલ અને પુત્રવધૂ તેમના રૂમમાં જઈ ઊંઘી ગયા. પાંચ વર્ષના લાલાને મારા પડખામાં સૂવાની આદત હતી. થોડી વારે એ પણ ઊંઘી ગયો અને હું વિચારતો રહ્યો…
આઠેક વર્ષ પહેલાં સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયો ત્યારે વીસેક લાખ રૂપિયા આવ્યા હતા. કેટકેટલી સલાહ મળેલ ‘જો જો હો… લાગણીમાં આવી બાળકો પાછળ ખર્ચી નાખતા નહીં. આ મરણમૂડી કહેવાય. ખાતામાં પૈસા પડયા હોય તો વૃદ્ધાવસ્થામાં બીમારી સામે લડી શકાય. સારી હૉસ્પિટલમાં સારવાર લઈ શકાય. પૈસા હોય તો બાળકો પણ સારસંભાળ લેવામાં કાળજી લે.’ વગેરે ઢગલો સલાહસૂચનો મિત્રો અને સંબંધીઓ દ્વારા મળ્યા હતા, પરંતુ હું મારા સ્વભાવ પ્રમાણે જ ચાલ્યો. પુત્રને ફ્લૅટ ખરીદવા મોટી રકમ આપી. અને નિવૃત્તિ પછી અન્ય કેટલાક વ્યવહારિક ખર્ચાઓ પણ આવ્યા. પરિણામ બૅન્ક બૅલન્સનું તળિયું દેખાયું.
આજે આ ઉંમરે બૅન્ક બૅલન્સ્ લગભગ નહિવત્. પરંતુ સામે પક્ષે જે કાંઈ હતું એ સો ટચના સોના જેવું હતું.
***
ધર્મેંદ્રભાઈ, આપની વાર્તા સરસ છે, લાગે છે કોઈ સત્ય ઘટના પરથી લખી છે. આજના જમાનામાં જ્યાં ઘરડાંઘર વધી રહ્યાં છે, ત્યાં કદાચ આ વાંચી કોઈને પ્રેરણા મળે એવું બને, બાકી તો બધું માનવીના સ્વભાવ પર અવલંબે છે.
LikeLiked by 1 person
.
શ્રી ધર્મેન્દ્રસિંહ રાઠોડની બૅન્ક-બૅલન્સ્ (લઘુકથા) ઘણા ખરા નોકરીઆતના જીવનમા અનુભવાતી સત્ય ઘટના પર આધારીત સ રસ વાર્તા છે.
‘આ ઉંમરે બૅન્ક બૅલન્સ્ લગભગ નહિવત્. પરંતુ સામે પક્ષે જે કાંઈ હતું એ સો ટચના સોના જેવું હતું.’
આવો અનુભવ ઓછાના જીવનમા હોય છે…!
LikeLiked by 1 person
આપની વાર્તા સરસ છે, લાગે છે કોઈ સત્ય ઘટના પરથી લખી છે. આજના જમાનામાં જ્યાં ઘરડાંઘર વધી રહ્યાં છે, ત્યાં કદાચ આ વાંચી કોઈને પ્રેરણા મળે એવું બને, બાકી તો બધું માનવીના સ્વભાવ પર અવલંબે છે.
આવો અનુભવ ઓછાના જીવનમા હોય છે…!
LikeLike