વસંત —- ! – જયશ્રી વિનુ મરચંટ


વસંત…!

વસંત ફૂલ હોય છે,
ફૂલ છે વસંતના ભીના ચહેરાની કુમાશ….!

વસંત પાળે છે સપનાં
કોઈ પાંડુની હ્રદયની વ્યથામાં…!
વસંત ઉજવે છે ઉત્સવ
યમુનાના તટે, મધરાતે, પંચમની સુરસુધામાં
તરબતર થયેલ ગોપી સંગે, છટાથી ડોલતા
કૃષ્ણની રાસલીલાની મસ્તીમાં..!

પછી, વસંત હિમાલયના બરફમાં સંતાકૂકડી રમવા જતી રહે છે,
અને, ત્યાં રમતાં રમતાં થાકી જાય છે ત્યારે
ચક્રવાક મિથુનને શોધતી શોધતી
હિમાલયના ગગનચુંબી શૃંગો પરથી દડબડતી દડબડતી
નીચે ઊતરી આવે છે પ્રણયીની આંખોના વનમાં…!
પછી, પ્રણયીની આંખોના વૃક્ષો ને સૂરજ સંગે તડકે –છાંયે રમીને થાકે છે, ત્યારે,
ચૂપચાપ, એક દિવસ
વસંત ચાલી નીકળે છે..!

ને, પછી, સૂકાભઠ થઈ ગયેલા આંખોના વનમાં લાગે છે દવ,
ઉન્માદના સૂકા પડી ગયેલા પેલા એક વખતના લીલા વાંસના ઘર્ષણથી..!
…ને, પછી…
બળતરા, રાખ અને રાખમાં અડધી બુઝેલી ચિનગારી..!
વસંતને આવતાં તો આવડે છે, પણ…
હા, જવાની રીત નથી આવડતી…!

– જયશ્રી વિનુ મરચંટ

5 thoughts on “વસંત —- ! – જયશ્રી વિનુ મરચંટ

 1. સુ શ્રી જયશ્રી વિનુ મરચંટનુ સ રસ અછાંદસ….
  એક તરફ
  વસંત ફૂલ હોય છે,
  ફૂલ છે વસંતના ભીના ચહેરાની કુમાશ….! તો અંજામમા
  ‘બળતરા, રાખ અને રાખમાં અડધી બુઝેલી ચિનગારી..!
  વસંતને આવતાં તો આવડે છે, પણ…
  હા, જવાની રીત નથી આવડતી…!’દર વર્ષે થતા દાવાનળની વેદનાભરી રજુઆત

  Liked by 1 person

 2. આભાર સહુનો. હમણાં અહીં અમેરિકામાં વસંત ઋતુ આલી રહી છે અને કઈંક વસંત પર લખવું એવું મન હતું ને પછી આ કાવ્ય યાદ આવ્યું. મારા કાવ્ય સંગ્રહ “લીલોછમ ટહુકો” માં આ કાવ્ય છે. આ કવિતાને ૧૯૭૬માં, મુંબઈ દૂરદર્શન પર યોજાયેલી વસંત ઋતુની કાવ્યસ્પર્ધામાં, નિર્ણાયક પૂજ્ય કવિ અને લેખિકા શ્રીમતિ હીરાબેન પાઠકના હસ્તે ત્રીજું ઈનામ મળ્યું હતું. મારો એમની સાથેના સંવાદનો એ પહેલો અને છેલ્લો પ્રસંગ હતો. મારી સાથે એમણે વ્હાલથી ઘણી વાતો કરી અને અછાંદસ કવિતામાં પણ એક પ્રવાહ હોવો જોઈએ એની સમજણ પણ આપી. અમે છૂટાં પડ્યાં ત્યારે મેં એમને પ્રણામ કરીને કહ્યું કે, ‘આપની આપેલી આ સમજણ આજીવન મારી સાથે જ રહેશે.” એમણે જે જવાબ આપ્યો હતો એ તો મને આજે પણ અક્ષરસઃ યાદ છે, “બેટા, તું જ્યારે પણ પ્રવાહી લય વાળું એક પણ અછાંદસ લખીશ તો હું જ્યાં પણ હોઈશ, આનંદ પામીશ. કારણ શબ્દો અને ભાવાનામાં અદભૂત શક્તિ છે.” મારી વય ત્યારે ૨૬-૨૭ની હતી. હું બહુ સમજી નહોતી કે શું કહેવા માંગે છે પૂજ્ય હીરાબેન. પણ આજ સુધી એવું થયું છે કે જ્યારે એક ફ્લો વાળું અછાંદસ લખાય છે ત્યારે અચૂક વડીલ, પૂ. હીરાબેનની છબી મારી આંખો સમક્ષ આવી જ જાય છે. કદાચ એમનું કથન હવે હું સમજી છું.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s