ગુજરાતીમાં ‘સાથ–સંયોજકો’
બાબુ સુથાર
આપણે ગુજરાતી ભાષાના વિવિધ પ્રકારના સંયોજકો જોયા. એમાં એક પ્રકાર હતો ‘સમુચ્ચયવાચક સંયોજકો’નો. ‘અને’ આ પ્રકારનો સંયોજક છે. દાખલા તરીકે, (૧) ‘લીલા અને મોહન આવ્યાં’ જેવું વાક્ય લો. અહીં આપણે ‘લીલા’ અને ‘મોહન’ને સમુચ્ચયવાચક ‘અને’થી જોડ્યાં છે. આવો જ બીજો એક સંયોજક પણ છે. પણ, આપણા ભાષાશાસ્ત્રીઓએ કે વ્યાકરણશાસ્ત્રીઓએ એના પર ખાસ ધ્યાન આપ્યું નથી. એ છે ‘સાથે’. કેટલાક ભાષકો ‘સાથે’ના વિકલ્પે ‘જોડે’ અને ‘હારે’ પણ વાપરે છે. આ ‘સાથે’ પણ ‘અને’ પ્રગટ કરે છે એ જ માહિતી પ્રગટ કરે છે. જેમ કે, આ વાક્ય લો: (૨) ‘લીલા મોહન સાથે આવી’. વાક્ય (૧) અને (૨) બન્નેમાં a (લીલા) અને b (મોહન) એક જ ક્રિયા c (આવવું) કરે છે. એનો અર્થ એ થયો કે વાક્ય (૧) અને વાક્ય (૨) બન્નેનો તાર્કીક અર્થ એકસમાન છે. પણ, બન્નેનું વ્યાકરણ એકસમાન નથી. એમ હોવાથી ભાષાશાસ્ત્રીઓને જેટલો ‘અને’ જેવા સમૂચ્ચયવાચક સંયોજકોના અભ્યાસમાં રસ પડે છે એટલો જ રસ ‘સાથે’ જેવા સંયોજકોના અભ્યાસમાં પણ પડે છે. અને એથી જ એમણે ‘સાથે’ જેવા સંયોજકને ‘Comitative સંયોજક’ તરીકે ઓળખાવ્યો છે. ગુજરાતીમાં આપણે એને ‘સાથે-સંયોજક’ કહી શકીએ.
ભાષાશાસ્ત્રીઓએ આ પ્રકારના સંયોજકોનો ઘણો અભ્યાસ કર્યો છે. એટલે સુધી કે Leon Stassen જેવા ભાષાશાસ્ત્રીએ તો જગતભરની ભાષાઓને AND-ભાષાઓ અને WITH-ભાષાઓમાં વહેંચી નાખવાની વાત કરી છે. એ કહે છે કે આ જગતમાં ઘણી એવી ભાષાઓ છે જેમાં AND જોવા મળે પણ WITH જોવા ન મળે. એ જ રીતે, એવી પણ ભાષાઓ છે જેમાં WITH જોવા મળે પણ AND ન જોવા મળે. એટલું જ નહીં, એવી પણ ભાષાઓ છે જેમાં AND અને WITH બન્ને જોવા મળે. એટલું જ નહીં, એ તો એવો દાવો પણ કરે છે કે આ AND અને WITH ભાષાઓનું geographical distribution પણ જોવા મળે છે. અર્થાત્, અમુક વિસ્તારોમાં AND ભાષાઓનું પ્રભુત્વ છે તો બીજા વિસ્તારોમાં WITH ભાષાઓનું પ્રભુત્વ છે. આપણે એની વિગતોમાં નહીં જઈએ. પણ, એક વાત આપણે અવશ્ય નોંધીશું કે ગુજરાતી ભાષામાં AND અને WITH બન્ને વપરાય છે. પણ, બન્ને એકબીજાના પર્યાય તરીકે નથી વપરાતાં. ભલેને એ બન્નેનો તાર્કીક અર્થ એક જ કેમ ન હોય.
આ લેખમાળાના આરંભના લેખોમાં આપણે જોયેલું કે ભાષા એક વ્યવસ્થા છે. એનો અર્થ એ થયો કે ભાષામાં કોઈ અપવાદ ન હોઈ શકે. અને જો અપવાદ હોય તો ભાષાશાસ્ત્રીએ એ અપવાદોના ખુલાસા આપવા પડે. ક્યારેક અપવાદો ઐતિહાસિક પરિવર્તન દરમિયાન રહી ગયેલા અવશેષો પણ હોઈ શકે તો ક્યારેક ચાલી રહેલી પરિવર્તનની પ્રક્રિયાના નમૂના પણ હોઈ શકે. ક્યારેક બીજાં કારણો પણ હોઈ શકે. ટૂંકામાં, ભાષામાં સપાટી પરથી જોવા મળતા અપવાદોમાંના મોટા ભાગના કોઈકને કોઈક વ્યવસ્થાનો ભાગ હોઈ શકે.
એમ હોવાથી આપણને પ્રશ્ન થશે કે આ ‘અને’ તથા ‘સાથે’ની વ્યવસ્થાઓ કયા પ્રકારની છે? એ બન્ને વચ્ચે સામ્ય શું છે? એ બન્ને કઈ રીતે એકબીજાથી જુદી પડે છે? આપણે ફરી એક વાર વાક્ય (૧) લઈએ: (૩) ‘લીલા અને મોહન આવ્યાં’. આપણે જાણીએ છીએ એમ આ વાક્ય પૂર્ણભૂતકાળમાં છે અને ગુજરાતીમાં પૂર્ણભૂતકાળમાં જો ક્રિયાપદ અકર્મક હોય તો એ એના કર્તાનાં લિંગવચન પ્રગટ કરતું હોય છે. અહીં કર્તા તરીકે ‘લીલા અને મોહન’ છે. ‘લીલા’ સ્ત્રીલિંગ અને ‘મોહન’ પુલ્લિંગ. બન્નેનાં લિંગ જુદાં. ગુજરાતીમાં જ્યારે પણ આવી પરિસ્થિતિ હોય ત્યારે બન્ને વચ્ચે નપુસંકલિંગની તરફેણમાં સમાધાન થતું હોય છે. એથી ‘આવ્યાં’ ક્રિયાપદ કર્તાનાં નપુસંકલિંગ અને બહુવચન લે છે. હવે વાક્ય (૨) લઈએ: (૪) ‘લીલા મોહન સાથે આવી’. જેમ પહેલું વાક્ય ‘લીલા’ અને ‘મોહન’ ‘આવ્યાં’ની વાત કરે છે એમ બીજું વાક્ય પણ. એમ છતાં, એ વાક્યમાં, ક્રિયાપદ કર્તાના એકવચન અને સ્ત્રીલિંગને વ્યક્ત કરે છે. એટલે જ તો આપણે ‘આવી’ ક્રિયાપદ વાપર્યું છે જે મૂળે તો ‘આવ્ + ય્ + ઈ’ છે. અહીં, ‘આવ્-‘ ક્રિયાપદ છે, -ય્- પૂર્ણભૂતકાળ વ્યક્ત કરે છે, જ્યારે -ઈ સ્ત્રીલિંગ અને એકવચન પ્રગટ કરે છે. જો વાક્ય (૪)ને આપણે આ રીતે લખીએ તો શું થાય? (૫) ‘મોહન લીલા સાથે આવ્યો’. તો તરત જ ક્રિયાપદનું સ્વરૂપ બદલાઈ જશે. એ કર્તા ‘મોહન’ને અનુસરીને પુલ્લિંગ એકવચનનો ભાવ પ્રગટ કરશે. આવો ભેદ આપણને વર્તમાનકાળ કે ભવિષ્યકાળનાં વાક્યોમાં જોવા નહીં મળે. કેમ કે ગુજરાતી ભાષામાં લિંગ અને વચન ભૂતકાળમાં મહત્વનાં બને છે અને પુરુષ તથા વચન વર્તમાનકાળ તથા ભવિષ્યકાળમાં મહત્ત્વનાં બને છે.
હવે આ વાક્ય લો: (૬) ‘પેલો છોકરો ઊંચો અને જાડો છે’. અહીં આપણે ‘અને’ની જગ્યાએ ‘સાથે’ નહીં વાપરી શકીએ. અર્થાત્, આપણે (૬) *પેલો છોકરો ઊંચો સાથે જાડો છે’ એમ નહી કહી શકીએ. એનો અર્થ એ થયો કે આપણે બે વિશેષણોને ‘સાથે’ વડે નહીં જોડી શકીએ. એ જ રીતે, આ વાક્ય લો: (૭) રમેશે કેરી અને કેળાં ખરીદ્યાં’. એનો અર્થ એ થયો કે આપણે જ્યાં પણ ‘સમુચ્ચયવાચક અને’ વાપરીએ છીએ ત્યાં બધે જ ‘સાથે’ ન વાપરી શકીએ. જો કે, ક્યાં વાપરી શકીએ ને ક્યાં ન વાપરી શકીએ એ એક તપાસનો વિષય છે. આશા રાખીએ કે કોઈક આવી તપાસ પણ કરશે.
ગુજરાતીમાં ‘સાથ-સંયોજકો’ના વપરાશમાં ઘણી વિવિધતા જોવા મળે છે એને કારણે આ પ્રકારનાં સંયોજકોનો અભ્યાસ સાચે જ પડકારરૂપ બની રહે એવો છે. દાખલા તરીકે, (૮) ‘લીલા મોહનની સાથે ગઈ’ જેવાં વાક્યો લો. આ વાક્યમાં ‘મોહન’ને -ની પ્રત્યય લાગે છે. આ પ્રત્યય આમ તો possessionનો ભાવ વ્યક્ત કરે છે. એમ હોવાથી જો આપણે આ વાક્યનો શબ્દશ: અંગ્રેજી અનુવાદ કરવો હશે આમ કરવો પડશે: Lila Mohan-of with went. એટલે કે ‘લીલા ‘with of Mohan’ (અંગ્રેજીમાં આવો પ્રયોગ નથી વપરાતો) ગઈ’. એક નિયમ પ્રમાણે ગુજરાતી -નો/-ની/-નું/-ના/-નાં possession વ્યક્ત કરતાં હોય તો એનો અર્થ એ થયો કે અહીં જેમ ‘મોહન’ નામ છે એમ ‘સાથ’ પણ ‘નામ’ છે. અને એથી જ ‘સાથ’ને વિભક્તિનો -એ પ્રત્યય લાગ્યો છે. આ પ્રકારની રચનાઓ અભ્યાસી માટે સાચે જ એક મોટો પડકાર બની રહે છે. મેં અગાઉ નોંધ્યું છે એમ, જો આ તર્ક પ્રમાણે જઈએ તો ગુજરાતીમાં નામયોગીઓ છે જ નહીં એમ કહેવું પડે!
‘સાથે’ની બાબતમાં એક બીજો મુદ્દો પણ વિચારવા જેવો છે. આપણે (૯) ‘મોહન લીલા સાથે ગયો’ જેવાં વાક્યો બોલી શકીએ પણ (૧૦) ‘મોહન ગધેડા સાથે ગયો’ જેવાં વાક્યો ભાગ્યે જ બોલીશું. એ જ રીતે, (૧૧) ‘મોહન સાયકલ સાથે ગયો’ જેવાં વાક્યોની સ્વીકૃતિ વિશે પ્રશ્નો ઊભા થાય. પણ, (૧૧) ‘મોહન ગધેડા સાથે ખોવાઈ ગયો’ કે (૧૨) ‘મોહન સાયકલ સાથે ખોવાઈ ગયો’ જેવાં વાક્યોની સ્વીકૃતિ વિશે બહુ પ્રશ્નો ઊભા નહીં થાય. એ જ રીતે, ભારવાચક ‘જ’ અને ‘ય’ લો. આપણે (૧૨) ‘મોહન જ/ય લીલા સાથે ગયો’ કહી શકીએ. પણ, (૧૩) ‘મોહન લીલા જ/ય સાથે ગયો’ પ્રશ્નો ઊભા કરે.
એ જ રીતે, આપણે (૧૪) ‘મોહન અને લીલા મીના સાથે ગયાં’ કહી શકીએ પણ (૧૫) ‘મોહન સાથે લીલા સાથે મીના ગયાં’ ન બોલી શકીએ.
ભાષાશાસ્ત્રીઓ જે તે ભાષામાં કયા પ્રકારની સંરચના શક્ય છે અને કયા પ્રકારની સંરચના અશક્ય છે એના આધારે જે તે ભાષાની વ્યવસ્થાને સમજવાનો પ્રયાસ કરતા હોય છે. કેટલાક ભાષાશાસ્ત્રીઓ એ વ્યવસ્થાને માનવ mind/brain સાથે પણ જોડતા હોય છે. મને લાગે છે કે ગુજરાતી ‘સાથ-સંયોજકો’નો જો વિસ્તારથી અભ્યાસ કરવામાં આવે તો આપણને આપણી ભાષા વિશે ઘણું જાણવા મળે. આશા રાખીએ કે કોઈક આ દિશામાં જવા તૈયાર થશે.
મા બાબુ સુથારનો ગુજરાતીમાં ‘સાથ–સંયોજકો’ અભ્યાસપૂર્ણ લેખમા નવું જાણવા મળ્યુ
. કેટલાક ભાષાશાસ્ત્રીઓ એ વ્યવસ્થાને માનવ mind/brain સાથે પણ જોડતા હોય છે. મને લાગે છે કે ગુજરાતી ‘સાથ-સંયોજકો’નો જો વિસ્તારથી અભ્યાસ કરવામાં આવે તો આપણને આપણી ભાષા વિશે ઘણું જાણવા મળે
રાહ ગુજરાતી ભાષા અંગે નવુ જાણવાની
LikeLike