[38] પ્રાર્થનાને પત્રો
પ્રિય પ્રાર્થના,
હવે હું વિદેશની ધરતી પર છું, ગ્રેટ બ્રિટનની ધરતી પર છું, એ ઇન્ગ્લીશ હવા, જેના પાતળા પોત પર ભારતની એક કથા લખાઇ છે. ક્યાંક ગાંધીજીને જોવા લોકો રસ્તાની બન્ને બાજુએ ભેગા થયેલા અને આશ્ચર્યની જે લાગણી વહી હતી, એનો અણસાર પામવાનો રોમાંચ અનુભવી રહ્યો છું. આ પશ્ચિમની હવાને સમજવાનો મારો મહાયજ્ઞ ચાલું જ છે. એક જમાનામાં ગુજરાતી કવિ ઉમાશંકરે ‘બનું વિશ્વમાનવી’ એવી ખેવના વ્યક્ત કરી હતી, જ્યારે આજે ગુજરાતીકવિ તરીકે હું વિશ્વમાનવી બની ચુક્યો છું. હું સરહદ વિનાની દુનિયાનો કવિ છું, હું મંગળ પર પગરણ પાડતા સપનાઓનો સર્જનહાર સમયનો શબ્દસારથિ છું, એટલે આજની દુનિયા વિશેની નવી સમજ સાથે મારે ગુજરાતી ભાષાની સેવા કરવાની છે. હું લંડનના બહારના પરગણા ‘સરે’ની એક અજવાળી શેરીમાં બેઠો છું, પશ્ચિમનો સૂરજ આજે ખુલ્યો છે, ગઈકાલે ગમગીનીમાં હતો. પ્રાર્થના, હીથ્રો વિમાનમથક પર આવ્યા તે ક્ષણ મઝાની હતી, કારણ ’85માં હું આવેલો. માન્ચેસ્ટર જવા માટે રજનીકાંતભાઇ દિક્ષીતને ત્યાં રોકાયેલો. સરઢવના માણસ આવી અજાણી ધરતી પર મળેલા એની હુંફ અને પ્રેમાળ લાગણીની છાપ આજે પણ મારા મન પર છે. આજે હીથ્રો પર જુદી અદામાં આવ્યો છું, ગઈ સદીની એ સ્મૃતિ ભુંસવી નથી અને ભુલવી પણ નથી, પણ આજની ઘડી મારે માટે ‘રળિયામણી’ એટલે છે, હવે, હું જગતના અનુભવ પછી એના આંગણામાં ઉભો છું, હીથ્રોની હવાનો પ્રલંબ પ્રસ્તાર અને લાંબી કતારોમાંથી છલકાતો આવકાર વાંચવા હવે મારી આંખો સક્ષમ બની ચુકી છે. ‘હર મેજેસ્ટી’ એવા ગૌરવભર્યા શબ્દોથી શણગારેલી આ એરપોર્ટની શેરી આધુનિકતાના અજગર જેવી લાગે છે, અમળાતા ફ્લાય-ઓવર પર આડા-ઉભા પટ્ટા જેવા ટ્ર્રાફિકજામના છલકાતા ઉદગારોને સાંભળવા આવ્યો છું, એક્વાત બની છે, બધું સરખું લાગે તેવું કારખાનાઇ કરામત નગરજીવનને વ્યવસ્થિત અને વ્યથિત કરનારું તો છે જ.
અહીં ‘બ્રેક્ષીટ’ની ચર્ચા ચગડોળે ચઢી છે, કોણ સાચું, કોણ ખોટું, એ મહાભારતના સમયથી ચાલી આવતી ‘ઇગો-પ્રતિ ઇગોની રમતો આજે પણ ચાલી રહી છે. એના પડઘા વાંચવા આજે ‘ગાર્ડીયન’ અને ‘ધી ટેલિગ્રાફ’ના પાનાઓ ઉઠલાવ્યા. જગત કેટલીયે સદીઓથી એકબીજાના પ્રભાવ વધારવા મથતા પ્રતિભાશાળી અને શક્તિશાળી મહાનુભાવોની જ્ઞાનતંતુઓની લડાઈનું મેદાન માત્ર છે એવું લાગ્યા કરે છે.
અહીં લંડનમાં હું ‘ધર્મજ સોસાયટી ઑફ લંડન’ના પચાસવર્ષના સ્વર્ણિમજ્યંતિ સમારંભમાં મુખ્ય વક્તા તરીકે પ્રવચન આપવા માટે અહીં આવ્યો છું. ધર્મજ સોસાયટી એ ધર્મજના બ્રિટનમાં રહેતા ગુજરાતીનો સંઘ છે, પણ આમાંના મોટાભાગના કેન્યા, સાઉથ આફ્રિકા, યુગાન્ડા અને તાન્ઝાનિયાથી આવેલા ઘણા બધા પટેલોની આ સંસ્થા છે. આ લોકો બોલીમાં બહારને ‘બહારે’, લોકોને ‘લોકા’ અને વારે વારે ‘ઓલરાઈટ’ વાપરનારી અદભુત સાહસથી ભરેલી ગુજરાતી ખમીર ધરાવતી પ્રજાતિ છે. એમની ગુજરાતી એ ઘરમાં ચાલતી બોલી-બોધ શીખવાડતી ઘરશાળામાં ઘડાયેલી છે.
એવા તો કેટલાયે છે જેમને ધર્મજમાં બાળપણ વીતાવ્યું નથી, માત્ર એ ધર્મજના છે એ કથા, એ વિશ્વાસ અને એ ગૌરવ એમની પ્રેરણા છે. કેવો જુસ્સો હશે એ વખતે ! રાતોરાત એક મોટા વ્યાપારગૃહના શેઠ જેવા ગુજરાતી બીજા દિવસે નિરાશ્રિત થઈ જાય.. અને પછી એ કેન્યા કે યુગાન્ડા જેવી કર્મભૂમિ છોડીને અંગ્રેજ-સલ્તનતના મહામથક એવા લંડનના બંદરે આવ્યા હશે. કેવી હશે એ માનસિક વિટંબણા, અને અનિશ્ચિતતાનું વજન, જ્યારે આ જીવનના લડવૈયાઓએ ભારત આવવાને બદલે પશ્ચિમના આ મહાનગરને કાંઠે પોતાનું વહાણ નહીં પણ જીવન લાંગરવાનું નક્ક્કી કર્યું હશે. આ બધું પામવા હું આવ્યો છું.
બે બાબતો આજે પણ ઉડીને આંખે વળગે તેવી છે, એક વતન, એટલે કે બાપદાદાના વતન પ્રત્યે અદમ્ય પ્રેમ, અને તેની સાથે જોડાયેલી ગુજરાતી ભાષા પ્ર્ત્યેની માતૃભાષાભક્તિ અને ગુજરાતીપણાની ફાટફાટ થતી સાહસ-શૌર્ય અને પ્રેમની વાણીનો આકંઠ સાક્ષાત્કાર. જીવનના સંઘર્ષ પછી, પણ જ્યાં જન્મ્યા નથી પણ એ ભાપદાદાની ભૂમિ છે, માટે ઋણ ચુકવવું છે એવી ભાવના સાથે સતત ઉર્મિલતાથી જોડાયેલા આ ગુજરાતીઓને મળવું એ પણ મેળો છે. અહીં રીહેબીલીટીશન કે રીસેટલમેન્ટ કે રીલોકેશન જેવા શબ્દોની પરંપરા કે પૃથક્કરણ કોઇએ કર્યું હશે કે નહીં તેની મને ખબર નથી પણ આ વતન માટેનો એમનો પ્રેમ સમજવા જેવો અને માણવા જેવો છે. હું એમની આંખોમાં આપણા બદલાઇ ચુકેલા ગામડાના પરિવર્તન પહેલાંના મનોમહાસાગરના મોજાઓનો ઉછાળ જોવા સાંભળવા મળે છે.
હું ત્રીસમી તારીખે ધર્મજના આ સ્વર્ણિમ જયંતિના સમારોહ માટે આવ્યો છું, લંડનના એરપોર્ટના એ મહાનાયકના ઠસ્સાવાળા એહસાસ અને લંડન અને સમગ્ર બ્રિટનની વૈશ્વિક રાજકારણ અને અર્થકારણમાં ટકી રહેવાની મથામણ સંભળાઈ રહી છે. હું આગામી દિવસોમાં આ હવાના પિયાલાને ઘટઘટાવવાનો છું, ત્યારે એની ઝાંખી કરાવવાનો આનંદ અનેરો હશે એવી પ્રતીતિ આજથી જ થવા માંડી છે..
એ જ,
ભાગ્યેશ.
જય જય ગરવી ગુજરાત.
મા શ્રી ભાગ્યેશ જહાના પત્રો દ્વારા ગ્રેટ બ્રિટન અંગે નવી પ્રેરણાદાયી વાતો વિષે જાણવા મળ્યુ ધન્યવાદ
LikeLike