પશ્ચિમની બારી – વાર્તા – અશોક વિદ્વાંસ


પશ્ચિમની બારી

વેળાવદરના અનિલના ઘરને ’મેડી’ હતી.  ’મેડી’ એ કાઠિયાવાડી તળપદી ભાષાનો શબ્દ છે.  ઘરની ઉપર બીજે માળે એકાદ ઓરડો હોય તો એને કાઠિયાવાડમાં ’મેડી’ કહે છે.  આ મેડીને પશ્ચિમની દિવાલમાં એક બારી હતી.  અનિલ જ્યારે ૧૦મા અને ૧૧મા ધોરણમાં હતો ત્યારે એ મેડી જ એનો રૂમ હતી.  શાળા સિવાયનો મોટા ભાગનો સમય અનિલ ત્યાં જ પસાર કરતો.  આ પશ્ચિમની બારીમાંથી ગામનું ખુલ્લું પાદર, પાદરમાં ઉભેલો એક જૂનો, ઘટાદાર લીમડો, અને એની પાછળ લખુભાઈ મિસ્ત્રીની વંડી ચણીને બાંધી લીધેલી વાડી; એ બધું જ દેખાતું.  ખૂબ દૂર નજર કરીએ તો પાલીતાણાનો શેત્રુંજો ડુંગર ઝાંખો-ઝાંખો નજરે પડતો.  પાદરને છેડે જરાક ડાબી બાજુએ મુસ્લિમ વસ્તીનાં થોડાં ઘર હતાં.  આજે લગભગ સાઠેક વર્ષ પછી પણ અનિલના મગજમાં એ આખુંયે દ્રશ્ય હજી આંખ સામે જ હોય એવું સ્પષ્ટ હતું; અને એનું એક નાજુક કારણ હતું.  એ ઘરો પૈકીના એકમાં ઝુબેદા રહેતી’તી.  અનિલને ઝુબેદા ખૂબ ગમતી.  ’મનોમન સાક્ષી’ એ કહેવતની રૂએ એને ખાતરી હતી કે ઝુબેદાના મનમાં પણ પોતાને વિષે કૂણી લાગણી હતી.  બંને શાળામાં સાથે હતા.  નાનપણથી જ એક વર્ગમાં હતા.  એની આંખોમાંના ભાવ પોતે સ્પષ્ટ વાંચી શકતો.  વર્ગમાં માસ્તર સવાલ પૂછે અને જો પોતે એનો જવાબ આપે તો એ જવાબ સાંભળવા માટેની ઉત્સુકતા ઝુબેદાના મોં પર છતી થતી.  એક વખત ઝુબેદા વર્ગમાં એની કોઇ બહેનપણી સાથે વાતો કરતી હતી ત્યારે એણે કાંઈક નજીવું કારણ કાઢીને ઝુબેદા સાથે વાત કરેલી.  પણ એ સમયે પોતાના હાથપગમાં જે આછી ધ્રુજારી પ્રસરી ગયેલી એ હજુ પણ અનિલને બરાબર યાદ હતી. 

શાળાનો અભ્યાસ પુરો થયો.  આગળ કૉલેજ માટે અનિલે મામાને ત્યાં કલકત્તા જવું એમ ઘરના સહુએ ઠરાવ્યું.  એને એમ પણ સાંભળવા મળ્યું હતું કે ઝુબેદા અમદાવાદ કોઇ સગાને ત્યાં રહીને ત્યાંની કૉલેજમાં દાખલ થવાની છે.  શાળાના દિવસો પૂરા થયેલા અને કલકત્તા જવાને હજી વાર હતી.  વચ્ચેના દિવસોમાં અનિલ ખૂબ અસ્વસ્થ હતો.  ઘરના સહુએ માન્યું કે એની અસ્વસ્થતાનું કારણ ’વેળાવદર છોડીને દેશના બીજે છેડે આવેલા કલકત્તા નામના તદ્દન અજાણ્યા શહેરમાં જવા અંગેની દહેશત’ હતું.  અનિલ જાણતો હતો કે સાચું કારણ એ હવે ઝુબેદાથી કાયમ માટે દૂર થશે એ હતું.  ઘણો સમય મૂંઝાયા પછી એણે ઠરાવ્યું કે ઝુબેદાના મોટાભાઈ નાઝીર સાથે વાત કરી પોતાની ઝુબેદા માટેની લાગણી વ્યક્ત કરવી, અને એ સંબંધ આગળ કઈ રીતે વધારી શકાય એનો ઉકેલ શોધવો.  એ નાઝીરને મળ્યો.  નાઝીર ખૂબ ઠંડા દિમાગનો યુવાન હતો.  ઉંમરમાં એ અનિલથી પાંચ-સાત વર્ષ મોટો હતો.  એણે અનિલની વાત સ્વસ્થતાથી સાંભળી.  થોડીવાર વિચાર કરીને પૂછ્યું: “તારે આ વિષે ઝુબેદા સાથે કાંઈ વાત થઈ છે?”  અનિલે માથું ધૂણાવ્યું.  નાઝીરે કહ્યું, ’મને વિચારવા દે.  એકાદ-બે દિવસ પછી મને મળજે.’  અનિલને માટે આટલો દિલાસો પણ ભરપુર હતો.  માથા પરથી જાણે મોટો બોજો ઉતરી ગયો હોય એવી લાગણી થઈ.   

બીજે જ દિવસે નાઝીરે એને બજારમાં પકડ્યો અને બાજુ પર બોલાવી કહ્યું, “જવાબ ’હા’ અને ’ના’ છે.”  અનિલ કાંઈ ન સમજ્યો.  નાઝીરે જ ટૂંકામાં સમજાવ્યું : ઝુબેદાની ’હા’ છે.  અબ્બાજાનની ચોખ્ખેચોખ્ખી ’ના’ છે.  અને અમારા ઘરમાં અબ્બાજાનની મરજી એ આખરી ફરમાન છે.  ’તું આ વાત અહીં જ બૂરી દે એમાં જ ઝુબેદાની સહિસલામતી છે.  ઝુબેદાનું ભલું ઈચ્છતો હો તો આ બધું કાયમ માટે ભૂલી જા, અને હવે ફરી કદી એનો વિચાર પણ ન કરીશ.’  વાતચીત બહુ ટૂંકી હતી, પણ નાઝીરના બોલવાનો નિર્ણાયક ધ્વનિ એને બાકીની વિગત વિના બોલ્યે જ સમજાવી ગયો.  માથું નીચે નાંખી અનિલ ત્યાંથી ચૂપચાપ નીકળી ગયો.   

થોડા દિવસોમાં જ વેળાવદર છોડી અનિલ કલકત્તા જવા અને ઝુબેદા અમદાવાદ જવા નીકળી ગયા.  કલકત્તામાં પણ એવું થયું કે મામાના ઘરમાં અનિલને રહેવા જે રૂમ મળી એને પશ્ચિમ તરફ એક બારી હતી. એક દિવસ અચાનક જ એના ધ્યાનમાં આવ્યું કે અમદાવાદ એ દિશામાં જ આવ્યું છે, અને ઝુબેદા ત્યારે અમદાવાદમાં જ ક્યાંક હશે.  પછી કલકત્તા રહ્યો ત્યાં સુધી અનિલ ઘણીવાર એ બારીના સળિયા પકડી અનિમેષ નજરે એ દિશામાં જોતો રહેતો.  વખત સાથે એનો મેડિકલનો અભ્યાસ આગળ વધતો ગયો.  આમ તો કલકત્તા આવ્યો ત્યારથી કોણ જાણે કેમ પણ એનું વેળાવદર જવાનું ખૂબ ઓછું થયેલું.  પણ નાની બહેનના લગ્ન પ્રસંગે રજાઓમાં એ વેળાવદર ગયો ત્યારે એને ખબર પડી કે ઝુબેદાનાં લગ્ન પણ એ જ દિવસોમાં થવાના હતા.  એની ઇચ્છા તો હતી, છતાં ઝુબેદાને ઘેર જઇ એને મળવાનું ધૈર્ય અનિલ ન દાખવી શક્યો.  ઝુબેદાના લગ્ન એની જ જ્ઞાતિના, દુબાઇમાં રહેતા કોઇક ખૂબ પૈસાદાર યુવાન સાથે થયા.  એ લગ્ન એટલા ધામધૂમથી થયા કે એની સરખામણીમાં પોતાની નાની બહેનના લગ્ન અનિલને અને આખા ગામને જાણે તદ્દન સાદાઇથી થયા હોય એમ લાગ્યું.  

લગ્ન પછી ઝુબેદા દુબાઇ ચાલી ગઇ અને MBBS નો અભ્યાસ પતાવી અનિલ ગ્રાંટ મેડિકલ કોલેજમાં સર્જરીનો વધુ અભ્યાસ કરવા કલકત્તાથી મુંબઇ ગયો.  M. S. પતાવીને અમેરિકા જવા પહેલાં એ જ્યારે થોડા દિવસ વેળાવદર આવ્યો ત્યારે જ ઝુબેદા પણ આવેલી.  આ વખતે બંને મળ્યા અને નિઃસંકોચપણે થોડી ઔપચારીક વાતો કરી.  ઝુબેદાએ જ્યારે ’તેં માત્ર એક ભણવાનું જ કામ કર્યું કે લગ્ન પણ કર્યા?’ એવો સવાલ પૂછ્યો ત્યારે અનિલે કહ્યું, ’હજી એ દિશામાં કાંઇ વિચાર્યું નથી.’  એનો જવાબ સાંભળીને ઝુબેદા ઘડીભર સ્તબ્ધ બની ગઇ.  પછી આજીજીના સ્વરમાં બોલી, ’અનિલ ’તેં લગ્ન કરી લીધા છે’ એમ સાંભળીશ તો હું ખરેખર સુખી થઇ શકીશ.’  એમની વાત અને મુલાકાત ત્યાં જ અટકી ગયા.  અનિલ અમેરિકા પહોંચ્યો અને ન્યુયૉર્કની ’મેમોરિયલ સ્લોન કેટરીંગ’ હોસ્પિટલમાં કામે લાગ્યો.  કેન્સરના દર્દીઓને શસ્ત્રક્રિયા કરીને સાજા કરવાના કામમાં એણે અક્ષરશઃ પોતાની જાતને હોમી દીધી.  ઝુબેદાને અને એણે ’લગ્ન કરી લેજે’ એમ કહેલું એ વાતને સંભારવા જેટલી પણ ફૂરસદ ન મળે એટલો બધો એ પોતાના કામમાં વ્યસ્ત થઇ ગયો. 

કેટલાક વર્ષો પછી એક વખત એ ન્યુયૉર્કની એક રેસ્ટોરાંમાં જમવા ગયો’તો અને ત્યાં અચાનક એણે નાઝીરને જોયો.  બંને ઉપર સમયનાં એટલા બધા પડ ચડેલા કે એકાદ ક્ષણ તો તેઓ એકબીજાને ઓળખી પણ ન શક્યા.  પણ તરત જ હસી પડીને બંનેએ હાથ મિલાવ્યા.  થોડીવાર નિરાંતે વાતો કરી, વેળાવદરને યાદ કર્યું.  નાઝીરની વાતોમાંથી એને જણાયું કે ઝુબેદા અને એનું કુટુંબ પણ હવે દુબાઇ છોડીને અમેરિકા આવી વસ્યું છે.  પણ અનિલે ’અમેરિકામાં ક્યાં?’ એમ પૂછવાનું ઉચિત ન માન્યું.  છૂટા પડતાં પહેલા નાઝીર બોલી ગયો: “કાશ અનિલ, તે દિવસે હું અબ્બાજાનને તારી વાત મનાવી શક્ય હોત તો કેટલું સારું થાત!”  અનિલ કાંઇ બોલ્યો નહીં ને એની આંખો દૂર દૂર કશું શોધતી હોય એમ સ્થિર બની ગઇ.  ફરી હાથ મિલાવી બંને છૂટા પડ્યા.  

ઘણાં બધા વર્ષો વહી ગયા.  વધતી ઉંમર સાથે અનિલને ન્યુયૉર્કની ઠંડી અસહ્ય લાગવા માંડી.  એણે નિવૃત્તિ લીધી ને સધર્ન કેલીફોર્નિયામાં અરવાઇન નામના ગામમાં એક નાનું ઘર લઇ ત્યાં રી-લોકેટ થયો.  આમ તો એની ઇચ્છા પૂર્ણપણે નિવૃત્ત રહેવાની હતી.  પણ એના ’સ્લોન કેટરીંગ’ના કામની ખ્યાતિ એની આડે આવી.  સ્થાનિક ડૉક્ટરોના આગ્રહથી એણે ત્યાંની હોસ્પિટલમાં આંતરડાના કેન્સરના રોગીઓના ઉપચાર કરવાનું કામ સ્વીકાર્યું.  કામ અને આરામ વચ્ચે વહેંચાઇને સમય સારી રીતે પસાર થવા લાગ્યો.  

પણ હજુ કશુંક બાકી હતું.  

એક દિવસ એક પેશન્ટનો ચાર્ટ એણે હાથમાં લીધો.  નામ હતું: મિસેસ ઝુબેદા કારી.  ઘડીભર એને વેળાવદર વાળી ઝુબેદા યાદ આવી.  પણ પછી થયું ’એ અહીંયા ક્યાંથી હોય?’  એણે જ્યારે પેશંટને જોઇ ત્યારે એક ક્ષણમાં જ બંનેએ પરસ્પરને ઓળખી કાઢ્યા.  ઝુબેદા ક્ષીણ હતી.  એની આંખો નિસ્તેજ હતી.  પણ પોતાને જોઇને એ નિસ્તેજ આંખોમાં એક પળ માટે આવેલી ચમક અનિલને પરિચિત હતી.  ક્ષીણ થઇ ગયેલા અવાજે ઝુબેદાએ પૂછ્યું: ’લગ્ન કર્યું અનિલ?’  અનિલે માત્ર માથું ધૂણાવીને જ ’ના’ કહ્યું.  ઊંડે ઉતરી ગયેલા અવાજે ઝુબેદા બોલી: “માણસ હિંદુ છે કે મુસલમાન એ વાત, માણસ પ્રથમ તો ’માણસ’ છે એ વાતથી વધુ મહત્વની કેમ બનતી હશે?”  પણ હવે જેમ જીવનમાં એ પ્રશ્ન માટે ઘણું મોડું થયું હતું એમ જ ઝુબેદાનો ઇલાજ કરવા માટે પણ મોડું થયું હતું.  અનિલના અને હોસ્પિટલના બધા પ્રયત્નો છતાં ઝુબેદા ન બચી.  

એની દફનવિધીમાં હાજરી આપીને અનિલ ભારે હૈયે ઘરે આવ્યો.  ખૂબ વખત સુધી નાહીને પછી થોડું જમ્યો.  ઉપર બેડરૂમમાં ગયો અને હારેલી મનોદશા સાથે એ પશ્ચિમ તરફની બારીમાંથી આથમતા સૂર્યને જોઇ રહ્યો.  અચાનક એના ધ્યાનમાં આવ્યું કે ઝુબેદાને દફનાવી એ કબ્રસ્તાન એ દિશામાં જ હતું.  

3 thoughts on “પશ્ચિમની બારી – વાર્તા – અશોક વિદ્વાંસ

  1. સ રસ વાર્તા
    ..
    ઝુબેદા બોલી: “માણસ હિંદુ છે કે મુસલમાન એ વાત, માણસ પ્રથમ તો ’માણસ’ છે એ વાતથી વધુ મહત્વની કેમ બનતી હશે?’ શાશ્વત સત્ય સમજાય તો ઘણા પ્રશ્નો ઉકેલાય…
    ભલે સ્મશાન કે કબ્રસ્તાન જવાનું નક્કી છે,
    હોય કોમ જુદી જુદી કફન સફેદ જરૂરી છે.
    અચાનક એના ધ્યાનમાં આવ્યું કે ઝુબેદાને દફનાવી એ કબ્રસ્તાન એ દિશામાં જ હતું.
    યે શાલામાર મેઁ એક બર્ગે ઝર્દ કેહતાથા
    ગયા વો મૌસમે ગૂલ જીસકા રાઝદાર હુઁ મેઁ.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s