રઘાદાદા – અશોક વિદ્વાંસ


રઘાદાદા

રઘાદાદા સોનગઢના અમારા પડોશી.  અમારી ખડકી અને એમની ખડકી વચ્ચે એક જ ઘર હતું  પણ એ ઘરના માલિક વેપાર માટે મુંબઈ જઈ વસેલા.  વરસમાં એકાદ બે વખત એ સહકુટુંબ ’દેશમાં આવે ત્યારે જ એ ઘરનું બારણું ખૂલતું.  બાકી આખું વર્ષ એ ખડકી બંધ જ રહેતી. 

રઘાદાદાના દીકરાનો દીકરો નટુ મારો ખાસ મિત્ર.  ઉમરમાં મારા કરતાં બે વર્ષ નાનો અને ભણવામાં ત્રણ વર્ષ પાછળ.  છતાં મારો જિગરી દોસ્ત.  રોજ ચાલીને નિશાળે જવામાં અને પાછો આવવામાં મારો સાથીદાર. 

રઘાદાદા વિધુર હતા.  નટુના દાદીમા ક્યારે ગુજરી ગયા મને ખબર નથી, પણ એટલું ચોક્કસ કે અમે સોનગઢ રહેવા ગયા એ પહેલા બનેલી ઘટના.  નટુના બાપા – રઘાદાદાનો એકનો એક દીકરો – યુવાન ઉંમરે ક્ષયરોગના ભોગ બનેલા.  આમ દાદાએ બે ઝંઝાવાતી ફટકા સહન કરેલા.  પણ એકાદ ટેકીલા વીરની માફક આ બંને જખમ હૈયે ડામી દઈને રઘાદાદા જિંદગીનો ઈમાન પૂર્વક સામનો કર્યે જતા ‘તા.  એકના એક યુવાન દીકરાને ખોયાનું દુઃખ એમના હૈયામાં કેટલું ઊંડે સુધી ખૂંચી ગયું હશે એ તો કલ્પના જ કરવી રહી.  એ ગતપુત્રની યાદ રઘાદાદા માટે સમયનું એક માપ હતી.  “કરશનકુમાર (ભાવનગરના મહારાજા સ્વર્ગસ્થ શ્રી કૃષ્ણકુમારસિંહજી) ગાદીએ બેઠા ત્યારે મારા નટિયાનો બાપ વીશ વરહનો હતો.”  અગર, “મારા નટિયાનો બાપ સપનીયા કાળ પસીં દહ વરહે થ્યો’તો.”  એમ કહી દાદા એક અજબ સ્કેલ પર સમયની તવારીખ માંડતા. 

દાદા જાતે દરજી.  “દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે.” એ કહેવત દાદાને બરાબર લાગુ થયેલી.  દીકરો જતા ઘરમાં બીજું કોઇ કમાનારું ન રહ્યું ત્યારે ભારે હૈયે અને મૂંગે મોઢે દાદાએ સંચા સાથેનો અતૂટ સંબંધ સ્વીકારી લીધો.  રઘાદાદાનો સંચો ખૂબ જૂનો હતો.  “ઉષા” મશીન બનાવનારી કંપની જન્મી એ પહેલાનો.  “સીંગર” સંચા ખૂબ સારા પણ એટલા જ મોંઘા.  દાદાનો સંચો કઈ કંપનીનો હતો એ તો મને ખબર નથી, પણ એને ચલાવવા માટેનો પૅડલ-પાટલો’, એનો બેલ્ટ, એનાં બૉબિન અને ઉપરનું થાળું ઉર્ફ વર્ક-પ્લૅટફૉર્મ, (આમાંના કેટલાક શબ્દો દાદા પાસેથી જ સાંભળેલા), એ બધા હજી આજે પણ મને સ્પષ્ટ યાદ છે.  આ બધા ભાગ ભેગા મળી જે એક સંયુક્ત સંચો મને યાદ રહ્યો છે એ પરથી માનું છું કે એ કોઇ દેશી બનાવટનો, અને ખૂબ જૂનો – કદાચ રઘાદાદાના યે દાદાના વખતનો હશે.  એ સંચાને ય ટપી જાય એવી દાદાની ખુરશી હતી.  ચાર પગ લાકડાના એક પાટિયાની બેઠકવાળી એ ખુરશી પર આખો દિવસ બેસી શકાય એ માટે દાદા એક જાડી ગાદી વાપરતા.  એક અગત્યની વિગત એટલે એ ખુરશીને પાછળ ટેકણ જ ન હતું.  સીવતાં-સીવતાં થાક લાગે અને કમર કે પીઠ અઢેલવાની ઈચ્છા થાય તો પણ એ ખુરશી પર એમ કરવું શક્ય નહોતું!  આવી ખુરશી પર બેસીને આવા સંચા પર રઘાદાદા જાડા કાપડમાંથી ભરવાડ, રબારી અને ખેડૂત જેવી વસવાયા કોમ માટે ચોરણો, કેડિયું, બંડી કે કાપડું (એટલે દેશી બ્લાઉઝ) જેવા કપડા સીવતા.  દાદાને મેં કદી ખમીસ કે પાટલૂન સીવતા જોયાનું યાદ નથી. 

રઘાદાદા રોજ પરોઢિયે ઊઠતા.  એમની વિધવા પુત્રવધૂ (નટિયાનાં બા) બહાર ઓટલા પર પાણીની ડોલ મૂકી જતા અને દાદા ત્યાં બેસી પ્રભુ સ્મરણ કરતાં-કરતાં સ્નાન પતાવતા.  ઘરમાં જઈ ભગવાનના ફોટા સામે અગરબત્તી ધરી હાથ જોડતા.  ને પછી સંચે બેસતા.  બપોરે જમવા ઊઠતા, ને જમ્યા પછી ઘડી ભર આડે પડખે થતા.  વળી સંચે બેસતા. એમની દુકાનનું મોઢું પશ્ચિમમાં હતું.  સાંજે સૂરજ આથમે એટલે દાદા સંચા પરથી ઊભા થતા.  ઘરમાં જઈ ભગવાનને દીવો ધરી આરતી કરતા.  એમની આરતી એ આરતી અને ધૂનના મિશ્રણ જેવી હતી.  “રામ કયી (કહીએ) તો ય તમે સો, ને કરસન કયી તો ય તમે સો.  પરમ કરપાળુ પરમાત્મા કયી તો ય તમે સો, ને ભગવાન કયી તો ય તમે સો.”  આવી દેશી ભાષામાં પણ એક ઉપાસના જેવી એમની આરતી!  

મારા પિતાજીને અમે ’ભાઉ’ કહેતા.  એમનું મરાઠી માંથી ગુજરાતીમાં અનુવાદ કરવાનું કામ રોજ રાત્રે જમ્યા પછી થતું.  એક લખનાર ભાઈ સામે બેસે અને ભાઉ સૂતા-સૂતા લખાવે, એમ એ કામ ચાલતું.  ત્યારે રઘાદાદા આવીને સામેના ખાટલા પર બેસતા.  લખનાર ભાઈ ન આવ્યા હોય ત્યાં સુધી અલકમલક્ની વાતો ચાલતી.  લખવાનું શરૂ થાય પછી પણ દાદા ચૂપચાપ બેસી રહેતા.  લખનાર ભાઈ આવે એટલે ભાઉ રઘાદાદાને જણાવે કે દાદા હવે મારું કામ શરૂ કરું છું.  દાદા કહે, “તમ તમારે તમારું કામ કર્યે જાવ. હું તો મારે બેઠો રહીશ.  પણ તમારી પાંહે બેહું ને તંયી મને હારુ લાગે સે.”  અમે કૂલ બાર વર્ષ સોનગઢ રહ્યા, એમાંથી આશરે પહેલા દસ વર્ષ સુધી રઘાદાદાનો આ નિત્યક્રમ બરાબર ચાલ્યા કર્યો.  

હું નવમા કે દસમા ધોરણમાં હોઈશ ત્યારની વાત છે.  નટુને થોડો-થોડો તાવ આવવા માંડ્યો.  શરૂમાં તો દેશી દવા કરવામાં આવી.  પણ જ્યારે દસ-બાર દિવસ તાવ સતત ચાલુ રહ્યો ત્યારે દાદા ગભરાયા.  ક્ષયરોગમાં પોતાના જુવાન દીકરાને ગુમાવી ચૂકેલા રઘાદાદા માટે નટિયો હથેળીનું ફૂલ હતો.  એના સુખે દાદા સુખી થતા અને એના દુઃખે એમનું હૈયું કરમાઇ જતું.  નટિયો એમના ઘડપણનો દીવો હતો.  ડૉક્ટરને બોલાવ્યા.  ડૉક્ટરે દવા આપી, અને “મટી જશે” એમ કહ્યું.  પણ તાવ ન ઊતર્યો.  એ પછી મારા પિતાજી ડૉક્ટરને મળ્યા.  ડૉક્ટરે કહ્યું, “મને ટાઈફૉઈડનો વહેમ છે.”  તરત જ લોહી તપાસવાની વ્યવસ્થા કરવામાં આવી.  રઘાદાદાના માથે જાણે આભ તૂટી પડ્યું.  કોઈકને ભાવનગર મોકલી દવા મંગાવી.  ક્લોરોમાઈસે-ટીનની કેપ્સ્યુલનો કોર્સ કરવો પડ્યો.  દવા ચાલુ જ હતી ને દાદાએ માનતા માની, “નટિયાને હારું થાશે પસેં ખોડિયાર માને લાપશી ધરાવીશ ને પાંસ ભામણ જમાડીશ.”  આખરે, ક્લોરોમાઈસેટીનના મારાથી નટુનો તાવ ઊતર્યો.  અશક્તિ ગઈ અને એક-બે મહિનાના આરામ પછી નટુ પૂરો સાજો થઈ ગયો.  દાદાના જીવમાં જીવ આવ્યો.  

પણ, ડૉક્ટર, દવા, ગ્લુકોઝ, અને એ ઉપરાંત ખોડિયાર માને લાપશી ધરવામાં તથા બ્રાહ્મણ જમાડવામાં, દાદાએ ધાર્યું હતું એના કરતાં ઘણો વધુ ખર્ચ થયો હતો,  એક સાંજે ભાઉ ઑફિસથી ઘેર આવ્યા પછી થોડી જ વારમાં રઘાદાદા અમારા ઘેર આવ્યા.  ભારે હૈયે, માંડ-માંડ જીભ ઉપાડીને એમણે પોતાની પરિસ્થિતિ જણાવી અને પચાસ રૂપિયા ઉછીના માગ્યા.  ભાઉ જાણતા હતા કે દાદા ટેકીલા અને ઇમાનદાર છે.  ખરેખર જરૂર હશે ત્યારે જ એમણે આવું વેણ નાખ્યું હશે.  એમણે મને કહ્યું, “અશોક, કબાટમાંથી દાદાને પચાસ રૂપિયા આપ.”  પૈસા હાથમાં લેતા-લેતા દાદા રોઈ પડ્યા.  એ ઘરડા પણ ભડ માણસની આકરી કસોટી થઈ રહી હતી.  

આ વાતને આશરે બે મહિના થયા હશે ને એક દિવસ સવારના પહોરમાં નટિયો હાંફળોફાંફળો અમારે ઘેર આવ્યો.  “ભાઉ, મારા દાદા પથારીમાંથી ઊઠી નથી શકતા.  કે’ છે કે કડ ભાંગી ગઈ છે.”  ભાઉ તરત નટુને ઘેર ગયા.  ડૉક્ટરને બોલાવ્યા.  નિદાન થયું કે દાદાને પેરેલીસીસનો સખત ’ઍટૅક’ આવ્યો છે.  પેશાબ-પાણીથી માંડી બધું જ ખાટલામાં કરવું પડે એવી અવસ્થા આવી પડી.  દાદા હારી પડ્યા.  નટિયાને ખૂબ ભણાવવાની એમની ઈચ્છા તો ક્યાંય ઢબૂરાઈ ગઈ.  દાદાની ચેતના વગરનાં, એમનાં સંચો, ખુરશી, ને દુકાન વીલાં થઈ ગયા.  એક સાધુની જીવન-સાધના અધવચ્ચે જ અટકી પડી. 

ભાઉ અવારનવાર દાદાની ખબર કાઢવા જતા.  થોડીવાર બેસી તેઓ જ્યારે પાછા જવા ઊભા થતા ત્યારે, શરૂમાં બે-ચાર વખત દાદાએ એમનો હાથ પકડીને કહેલું, “ગોપાળભાઈ, ભગવાનના હમ ખાઈને કંઉસું તમારા પૈસા ખોટા નંઈ કરું.  એકવાર આ દરદમાંથી ઊભો થાંઉં કે દર અઠવાડિયે બબ્બે રૂપિયા કરીને તમારા પૈસા વાળી દઇશ.”  ભાઉ પ્રેમથી એમનો હાથ વધુ જોરથી દાબીને નીકળી આવતા.  પણ એ પછીના દોઢ-બે વર્ષ અમે સોનગઢ રહ્યા ત્યાં સુધી દાદા પથારીવશ જ રહ્યા.  સંચો ને ખુરશી મૂંગા-મૂંગા એમની રાહ જોતા રહ્યા.  હું અગિયારમું ધોરણ પાસ કરી કૉલેજમાં જવા તૈયાર થયો ને ભાઉએ સોનગઢ છોડી અમદાવાદ રહેવા જવાનું ઠરાવ્યું.  અમે નીકળ્યા ત્યારે ધર્મભીરુ રઘાદાદાની આંખો લાચારી, નિરાશા અને હૃદયદ્રાવક આંસુથી છલકાતી હતી.  

આ બધી વાતને વર્ષો વીતી ગયા.  હું એન્જિનિયર થયો અને કલકત્તા, દુર્ગાપુર, મુંબઈ, એવી જગ્યાએ નોકરી કરીને ભાવનગરમાં નવા શરૂ થતા મીની-સ્ટીલ-પ્લાન્ટ માં ચીફ એન્જિનિયર તરીકે નોકરી કરવા આવ્યો. 

એક રવિવારે ભાવનગરની બજારમાં ફરતો હતો ને અચાનક સામે નટુ દેખાયો.  મેં તો એને તરત જ ઓળખ્યો.  પણ મારા પર કૉલેજ, અમદાવાદ, કલકત્તા, મુંબઈ એવા અનેક થર ચડેલા.  નટુએ મને ઓળખ્યો હતો, પણ ઝટ બોલાવવાની હિંમત નહોતી થઈ.  મેં જ દોડીને, ભેટીને વાત શરૂ કરી.  નટુ ખૂબ હરખાયો.  બે-ચાર મિનીટ વાતો થઈ, પણ હું ઉતાવળમાં હતો.  નટુને મારા ઘરનું સરનામું આપી, “ફરી નિરાંતે મળીશું” એમ કહી છૂટા પડવાની મારી ગણતરી હતી.  પણ નટુ અચકાતા-અચકાતા બોલ્યો : “અશોક, ….. અશોકભાઈ, પાંચ-દસ મિનીટ હોય તો થોડી વાત કરવી છે.  બાજુની હોટેલમાં ચા પીશું?”  હું ના ન પાડી શક્યો.  અમે હોટેલમાં ઘૂસ્યા અને ભાવનગરની સ્ટાઇલ પ્રમાણે ’બે અડધી’ નો ઓર્ડર આપ્યો.  ચા પીને ઊઠતા નટુએ ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું.  પૈસા ગણ્યા.  એકંદર સત્તાવીસ રૂપિયા મારા હાથમાં મૂક્યા અને કહ્યું : “અશોકભાઈ એક વાર મારી માંદગી વખતે રઘાદાદાએ ભાઉ પાસેથી પચાસ રૂપિયા ઉછીના લીધેલા.  તમને કદાચ એ વાત યાદ નહીં હોય.  તમે બધા તો એ પછી સોનગઢ છોડી ગયા.  પણ રઘાદાદા એ વાત કદી ભૂલ્યા નહીં.  મરવા અગાઉ એમણે મને ઘણીવાર કહેલું, ’નટિયા, ગોપાળભાઈ ભામણ હતા.  વળી માતમા ગાંધીના માણહ હતા (પિતાજી સત્યાગ્રહમાં જોડાયેલા, અને આજન્મ ખાદી પહેરતા.)  એના પૈસા ખોટા કરીએ તો ભગવાન આપણને હખી નો થાવા દે.  હું તો હવે ખર્યું પાન.  પણ દીકરા, તારાથી થાય ત્યારે ઈ કરજ વાળી દેજે.’  અશોકભાઈ, આ સત્તાવીસ રૂપિયા એ પચાસ રૂપિયામાં નો પહેલો હપતો ગણજો.  અત્યારે મારી પાસે વધુ પૈસા નથી.  પણ બાકીના પૈસા હું જરૂર પહોંચાડી દઇશ.”  

એ પૈસા હાથમાં પકડીને ઘણીવાર સુધી હું મૂંગો બેસી રહ્યો.  મારા એ દિવસોના પગાર પ્રમાણે સત્તાવીસ રૂપિયા મારા કલાક-બે કલાકના મહેનતાણા બરાબર હતા.  નટુને મન એ બહુ મોટી રકમ હતી.  છતાં, કોણ જાણે કેમ એ પૈસા લેવાની ના પાડવા જેટલી હિંમત મારામાં ન હતી.  મેં નટુને માત્ર એટલું જ કહ્યું, “નટુ, ગોપાળભાઈ ગાંધી માતમાના માણસ હતા એ વાત સાચી,  પણ રઘાદાદા તો ખુદ ભગવાનના માણસ હતા.”  

જિંદગીમાં મેળવેલી કેટલીક ’ખાસ મૂડી’ મેં ખૂબ સાચવી રાખી છે.  સત્તાવીસ રૂપિયાની એ નોટ આજે પણ મારી પાસે અકબંધ છે. 

2 thoughts on “રઘાદાદા – અશોક વિદ્વાંસ

  1. “જિંદગીમાં મેળવેલી કેટલીક ’ખાસ મૂડી’ મેં ખૂબ સાચવી રાખી છે. સત્તાવીસ રૂપિયાની એ નોટ આજે પણ મારી પાસે અકબંધ છે.”
    ખરેખર રઘાદાદા જેવા માણસો હવે કદાચ મળવા મુશ્કેલ હશે. નટુએ પણ દાદાનુ દેવું ચૂકવવાની કાળજી લીધી અને એ મુડી સાચે જ સાચવવા જેવી, ભગવાનની ભેટ

    Like

  2. ખુબ જ સુંદર પ્રસંગ ! અને વાત પણ એક ધારા પ્રવાહમાં વહી જાય તેવી સુંદર રીતે જણાવી ! છેલ્લે આંખના ખૂણા ભીના થઇ ગયા ! સત્યઘટનાની અસર જ કાંઈ ઓર હોય છે

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s