કવિ રમેશ પારેખને એમની અવસાનની તારીખે (17 મૅ)યાદ કરું છું. એમની એક ગઝલનું થોડા સમય પહેલા થયેલું સ્વરાન્કન સંભળાવવું છે. (નીચેની લીંક પર ક્લીક કરીને તમે આ સ્વરાન્કન સાંભ્ળી શકશો) https://youtu.be/sGYg_EOqLec ‘આમ અછતા ન થયા આમ ઉઘાડા ન થયા હાથ ફૂલોમાં ઝબોળ્યા ને સુંવાળા ન થયા (કવિ જગદીશ જોષીએ આ ગઝલના આસ્વાદમાં આ શેરની પ્રથમ પંક્તિ માટે સરસ લખ્યું છે -બે બાજુના ‘આમ’માં માણસ ભીંસાય છે, ભૂંસાય છે. ન તો પૂરો પ્રકટ થાય કે ન ટી પૂરો અપ્રકટ રહે!) સ્વપ્ન તો આંખમાં આવીને રહે કે ન રહે ઘેર આવેલ પ્રસંગોય અમારા ન થયા… (‘સ્વપ્ન’ રમેશ પારેખનો પ્રિય વિષય છે- સ્વપ્નમાં અત્તરની શીશી રોજ ફૂટી જાય છે એટલે ખૂશ્બુમાં તિરાડો મને દેખાય છે.) એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું ત્યારથી ભેજભર્યા ઓરડા કોરા ન થયા… (વરસાદના ટીપાને છબીમાં મઢી લેવાની કલ્પના ગમે એવી છે. પન્ના નાયકના એક કાવ્યમાં સુખના સ્નેપશોટની વાત છે. સુંદરમ્ ના કાવ્ય ‘બાનો ફૉટોગ્રાફ’માં ફોટોગ્રાફર ક્લિક કરે છે એ સમયે બાની આંખમાં ‘ઠરેલા’ બોર શા આંસુની વાત છે.) આજ ખાબોચિયાના થાય છે શુકન રણમાં તોય ભાંગી પડેલ જીવને ટેકા ન થયા… (કવિને શેનાં શેનાં શુકન થયાં છે? ’આજ મને મોરપીંછનાં શુકન થયાં સખી’; ‘ઉઠાવું પેન ત્યાં થાતાં પતંગિયાના શુકન‘) આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા’ કવિ: રમેશ પારેખ સ્વરકાર:ગાયક: અમર ભટ્ટ https://youtu.be/sGYg_EOqLec |
“આમ અછતા ન થયા..”- કવિઃ રમેશ પારેખ-ની સુંદર રચના
અમર ભટ્ટનુ સ્વરાન્કનઃ સાંભળવાની મઝા આવી
ધન્યવાદ
LikeLike