થોડી ખાટી, થોડી મીઠી – જયશ્રી વિનુ મરચંટ


મને યાદ છે ત્યાં સુધી, તે દિવસે મારો તેરમો જન્મદિન હતો, જેને આજની ભાષામાં કહીએ, તો હું હવે કાયદેસર “ટીન-એજ” નો ઉંબરો વટાવવાની હતી. આ વાત આજથી છપ્પન- સત્તાવન વર્ષો પહેલાંની છે. એ સમયે, જે દિવસે જન્મદિન હોય તે જ દિવસે એની ઉજવણી થતી. આજથી સાત-આઠ દસકા પહેલાં, બહેનો અને માતા બહાર આજીવિકા રળવા નહોતાં જતાં. આજે તો સ્ત્રીઓ પણ ખભેખભો મિલાવી, ઘરની પરિસ્થિતિ પ્રમાણે બહાર કામ કરવા જતી હોય છે, આથી જન્મદિવસની ઉજવણી આગળ-પાછળ ગોઠવવી પડે છે. તમે સહુએ આ અનુભવ્યું હશે કે આજકાલ, જન્મદિન પહેલાંનો કે પછીનો, જે “વીકએન્ડ”- શુક્ર-શનિ-રવિ આવે, એમાંથી કોઈ એક અનુકૂળ દિવસે બર્થ ડે ની ઉજવણી કરવામાં આવે છે. ધીમે ધીમે, ભારતમાં પણ, પરદેશની રીતે જન્મદિન મનાવવાના આચાર-વિચારો બદલાવવા માંડ્યાં છે. ક્યારેક આપણે એવું માની લઈએ છીએ કે જૂનું એટલું જ સારું કે સાચું. પણ, સાથે આપણે એ ભૂલી જઈએ છીએ કે નવી રીતભાતો જ્યારે રોજિંદા જીવનમાં ઉતરવા માંડે ત્યારે આસપાસના સંજોગો પણ બદલાયા હોય છે. કોઈ પણ પ્રથા અમસ્તી જ બદલાતી નથી.

મારી મા પણ આજથી સાઈઠ-સિત્તેર વર્ષો પહેલાં કહેતી કે, જીવનમાં કોઈ પણ ફરક પડવા-પાડવાની પાછળ, જો કારણ સાચા હોય તો જ બદલાવના પરિણામો સાચા આવે છે. મારા જન્મદિવસની ઉજવણી રૂપે, અમારા સ્વજનો પણ સાંજના જમવા માટે આવવાના હતાં. મારી માએ મને ભાવતી બધી જ વાનગીઓ ખાસ બનાવી હતી. ઘરમાં એક ઉત્સાહનું વાતાવરણ પણ એટલે ખાસ હતું, કારણ કે, તે દિવસથી અમારી શાળામાં નાતાલ-ક્રિસમસની રજાઓ શરૂ થવાની હતી. એટલું જ નહીં, મારું અને મારા ભાઈઓનું મીડ-ટર્મ પરીક્ષાનું પરિણામ પણ સરસ આવ્યું હતું. મારો મોટાભાઈ તે સમયે નવમા ધોરણમાં ભણતો હતો. એ એનું રિઝલ્ટ લઈને ઘરે આવ્યો ત્યારે મારી માએ એને પૂછ્યું, “તારી મહેનત પ્રમાણે તારું રીઝલ્ટ બરાબર છે?” મારી માને લખતાં-વાંચતાં નહોતું આવડતું. મારો ભાઈ કહે, “હા, મા. આ વખતે તો જયરામનો પહેલો નંબર આવતાં આવી ગયો પણ આવતા વખતે હું એને હરાવીને પહેલો નંબર લઈ આવીશ.” મારી માએ એને પાછું પૂછ્યું, “તને લાગે છે કે તું પહેલો નંબર લાવવા જેટલી મહેનત કરીને ભણી શકે છે?” મારા ભાઈએ કહ્યું, “હા, કેમ નહીં?” મા બોલી, “તો બેટા, તારો પહેલો નંબર લાવવાની મહેનત કરતી વખતે, જયરામનો પહેલો નંબર ક્યાં વચમાં આવ્યો? તને ફળ મળે એ તો પ્રભુની કૃપા પણ, તું મહેનત કરી શકવા શક્તિમાન છે તો બસ, તારું કારણ એટલું જ હોવું જોઈએ. જો બેટા, કારણ સાચા નહીં હોય ને, તો તને તારા સારા કામના પણ સારા પરિણામ નહીં આવે, દિકરા. મારી આટલી વાત યાદ રાખજે.” મારા મોટાભાઈએ ત્યારે માથું હલાવી ‘હા” પાડી અને હું ત્યાં હાજર હતી આથી મેં પણ ડોકું ધૂણાવ્યું. મારા તેરમા જન્મદિવસની ઉજવણી પૂરી થઈ, પણ, માની આ વાત મારા મનમાં ઘર કરી ગઈ હતી. સ્કૂલ-કોલેજથી માંડીને, લગ્નજીવન કે અમેરિકામાં જોબ કરતાં, જ્યારે પણ કઈંક એવા સંજોગ ઊભા થતાં તો હું એકાદવાર તો મારા એ કામ કરવા પાછળના કારણો તપાસી લેતી કે હું અદેખાઈથી કે ખોટાં હેતુથી તો પ્રેરિત નથી ને!

મારા બાળકો અમેરિકામાં મોટાં થતાં હતાં. એમની ઉંમર જ્યારે બાર-તેરની થઈ ત્યારે મેં એમને આ વાત કહી કે નાની આવું કહેતાં હતાં કે જો કોઈ પણ કામ કરવા પાછળ, રીઝનસ સાચા ન હોય તો પરિણામ સારાં ન મળે. તો બેઉ જણાં અંગ્રેજીમાં મને કહે, “એ ડિસાઈડ કોણ કરે કે સાચું કારણ શું અને ખોટું શું?” હું થોડુંક વિચારમાં પડી ગઈ અને પછી મેં કહ્યું, “આજના ટાઈમમાં કદાચ, આવનારો સમય જ આ નક્કી કરશે.” અને વાત પૂરી થઈ.

એ વાતને આજે ત્રીસ વરસ થઈ ગયાં છે. હમણાં જ એક બનાવ બન્યો. મારી પૌત્રીને આઠમા ધોરણમાં નેશનલ લેવલની ડિબેટ સ્પર્ધામાં ભાગ લેવા માટે આમંત્રણ મળ્યું. અમે બધાં જ ખૂબ જ ઉત્સાહમાં હતાં. એક દિવસ એ સ્કૂલમાંથી પાછી આવી અને ખૂબ જ ઉદાસ લાગતી હતી. મારી દિકરીએ કારણ પુછ્યું, કે કઈં સ્કૂલમાં થયું? આટલી નિરાશ કેમ છે? તો એ બોલી, “આ વર્ષે મને સ્કૂલમાંથી ડિબેટ કૉમ્પિટીશન માટે મોકલવાનું નક્કી થયું હતું. પણ, અલકાનાં મમ્મી-પપ્પા આજે સ્કૂલમાં આવીને કહે કે અલકા ગયા વર્ષે ટ્રોફી જીતી આવી હતી તો એને જ ફરી મોકો મળવો જોઈએ. પણ, બીજા કોઈને અલકા સિવાય સ્કૂલ મોકો જ નહીં આપે તો બીજું કોઈ જીતે પણ કેવી રીતે? તને ખબર છે, મમ્મી, અલકા તો મારી ખાસ મિત્ર છે. એણે મને કહ્યું પણ ખરું કે એને આ વર્ષે નાટકની હરિફાઈઓમાં જવું છે, ડિબેટમાં નથી જવું, પણ એના મમ્મી-પપ્પા કહે છે કે તું નહીં જાય તો સીમાને મોકો મળી જશે ડિબેટ જીતવાનો. જો એક વાર એ જીતી ગઈ તો તારી વેલ્યુ નહીં રહે!” અને મારી પૌત્રીએ રડવાનું ચાલુ કર્યું. રડતાં રડતાં સીમા બોલી, “મમ્મી, અલકા તો મારી બેસ્ટ ફ્રેન્ડ છે. એ જીતે તો મને શું કામ ન ગમે? પણ, જો આ વખતે સ્કૂલ પોતે મને મોકલી રહી છે તો અલકાનાં મમ્મી-પપ્પાએ આવી વાતો ન કરવી જોઈએ ને?” તે દિવસે, મેં જે શબ્દો મારી દિકરીના મોઢે સાંભળ્યાં તેનો મને ભરોસો જ નહોતો પડતો! મારી દિકરીએ સીમાના માથે વાત્સલ્યથી હાથ ફેરવતાં કહ્યું, “જો બેટા, સ્કૂલમાંથી તને જો ડિબેટમાં મોકલે તો તારે કપરી મહેનતથી, તારી સ્કૂલ તરફથી સારામાં સારો દેખાવ ડિબેટમાં કરવાનો, એ તારું કામ છે. બાકી કોણ જશે અને કોણ જીતશે એ આપણા હાથમાં નથી. અલકાના મમ્મી-પપ્પાના, અલકાને ડિબેટમાં મોકલવાના કારણ સાથે તારે શું લેવા-દેવા? તારા કારણો તું સિમ્પલ અને સાચાં રાખ, તો રિઝલ્ટ સારું જ આવશે, ઓકે?”

મારા કાનમાં મારી માએ આજથી છપ્પન- સત્તાવન વર્ષો પહેલાં, મારા મોટાભાઈને કહેલા શબ્દો ગૂંજતાં હતાં. “જો કારણો સાચા હશે તો પરિણામ સાચું અને સારું આવશે, પણ ખોટા કારણોસર કરેલું કોઈ પણ કાર્ય કદી સારું કે સાચું રિઝલ્ટ લાવશે નહીં.”

8 thoughts on “થોડી ખાટી, થોડી મીઠી – જયશ્રી વિનુ મરચંટ

 1. તો બેટા, તારો પહેલો નંબર લાવવાની મહેનત કરતી વખતે, જયરામનો પહેલો નંબર ક્યાં વચમાં આવ્યો? તને ફળ મળે એ તો પ્રભુની કૃપા પણ, તું મહેનત કરી શકવા શક્તિમાન છે તો બસ, તારું કારણ એટલું જ હોવું જોઈએ. જો બેટા, કારણ સાચા નહીં હોય ને, તો તને તારા સારા કામના પણ સારા પરિણામ નહીં આવે, દિકરા. મારી આટલી વાત યાદ રાખજે.પૌત્રીને બરાબર સલાહ આપી મા ની વાત બિલકુલ સાચી છે કારણ સાચા જોઈએ!

  Liked by 2 people

 2. “મારા કાનમાં મારી માએ આજથી છપ્પન- સત્તાવન વર્ષો પહેલાં, મારા મોટાભાઈને કહેલા શબ્દો ગૂંજતાં હતાં. “જો કારણો સાચા હશે તો પરિણામ સાચું અને સારું આવશે, પણ ખોટા કારણોસર કરેલું કોઈ પણ કાર્ય કદી સારું કે સાચું રિઝલ્ટ લાવશે નહીં.”
  વડિલોની વાતો જે આપણને સાચો રસ્તો બતાવે એ અનાયાસે આપણે આપણા બાળકો સુધી પહોંચાડીએ છીએ અને અજાણતા પણ એ વાતની સચ્ચાઈજ એ વાત આમ જ પેઢી દર પેઢી અમલમાં મુકાતી હોય છે.

  Liked by 1 person

 3. થોડી ખાટી, થોડી મીઠી – જયશ્રી વિનુ મરચંટમા ” મારા કાનમાં મારી માએ આજથી છપ્પન- સત્તાવન વર્ષો પહેલાં, મારા મોટાભાઈને કહેલા શબ્દો ગૂંજતાં હતાં. “જો કારણો સાચા હશે તો પરિણામ સાચું અને સારું આવશે, પણ ખોટા કારણોસર કરેલું કોઈ પણ કાર્ય કદી સારું કે સાચું રિઝલ્ટ લાવશે નહીં.”
  વાત ખૂબ ગમી

  Liked by 1 person

 4. બરાબર છે. કાર્ય-કારણનો નિયમ લગભગ બધા જ સ્થળોએ લાગુ પડે છે. Good action done with bad motive is bad and bad action done with good motive is good. It is the motive that decides the value of action.

  Like

 5. વડીલોના શબ્દો જીવનમાં સોનેરી સૂત્રો સમ બની રહે છે. જેમ કે કાર્યના કારણ સાચા હોય તો પરિણામ સારા જ હોય.

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s