હૈયાને દરબાર – નંદિની ત્રિવેદી “શ્રાવણની એ સાંજ હતી”


હૈયાને દરબાર – નંદિની ત્રિવેદી        (“મુંબઈ સમાચાર” ના સૌજન્યથી, સાભાર)                                                 

“શ્રાવણની એ સાંજ હતી”

  શ્રાવણનાં સરવરિયાં વચ્ચે મન જઈ પહોંચ્યું છે સ્મૃતિઓની કુંજગલીમાં. સુગમ સંગીતનાં ગીતો સાંભળવાની શરૂઆતના દિવસો એટલે કે મારું શાળાજીવન. નવાં નવાં કાવ્યોનો પરિચય થતો જાય, એ કાવ્યો ગીત તરીકે રજૂ થાય અને સુગમ સંગીતમાં રૂચિ કેળવાતી જાય. ગુજરાતી ગીતોમાં અવિનાશ વ્યાસનાં ગીતો એ વખતે સૌથી વધુ સાંભળવા મળતાં.

૨૧ જુલાઈએ જ અવિનાશ વ્યાસનો જન્મદિન ગયો. એમના પુત્ર ગૌરાંગ વ્યાસે અવિનાશી અવિનાશભાઈનાં ગીતોની ઓનલાઈન ઉજવણી પણ કરી. દરમ્યાન, અવિનાશભાઈનું એક સરસ ગીત યાદ આવ્યું, શ્રાવણની એ સાંજ હતી…! પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને વરસાદી માહોલ છે ત્યારે આ કર્ણમંજુલ ગીત કાનમાં મોરપીંછની હળવાશ જેવું લાગે છે.

વરસાદ વરસે અને ભીંજાવાનું મન થઈ આવે તો માનજો કે તમે યુવાન છો. વાદળ ગરજે અને દિલનો એકાદ ધબકારો પણ વધે તો સમજજો કે તમે યૌવનથી તરબતર છો. ભીંજાયેલા શરીર સાથે સંવેદનાઓ ઉછળે તો સ્વીકારી લેજો કે તમારી વય સોળ વરસથી વધારે નથી. ચોમાસું એ તરસવાની અને દિલથી વરસવાની મોસમ છે. શ્રાવણની કોઈક સાંજે પ્રિયતમાના ગાલ પરથી સરકતી બારિશની બૂંદમાં ઊર્મિઓ વહેતી રહે છે. પહેલા વરસાદે ઊઠતી ભીની માટીની સુગંધનો કોઈ પર્યાય કે વિકલ્પ નથી. ઊંડો શ્ર્વાસ લઈ માટીની એ મહેકને અંદર ઉતારીએ ત્યારે આપણે પણ થોડાક વધુ તરબતર થતાં હોઈએ છીએ. પ્રેમીઓ માટે તો વહાલ વરસાવવાની ઋતુ. પ્રતીક્ષા, વિરહ તો વરસાદની સાથે જળબંબાકાર વહે. આ મોસમમાં પ્રિયજન દૂર હોય ત્યારે એનું સ્મરણ તીવ્ર બને છે. વરસાદ પ્રકૃતિના ઉમળકાનું જળસ્વરૂપ છે. આ ગીતમાં આમ તો ગોપીની લાગણી વ્યક્ત થઈ છે. શ્રી કૃષ્ણની પ્રતીક્ષામાં ગોપીની આંખમાં લજ્જા છે અને રગ રગમાં છલકતી લાગણી. શ્યામલ નભ ઘનશ્યામ થઇને છેડે છે મુરલી શ્રાવણની. વરસાદ જાણે ગોપીનો અવાજ થઈને વરસે છે. કવિએ ગીતમાં ખૂબ સરસ કલ્પના કરી છે. આંખ કટોરે રંગ આંસુનો, પાંપણ કેરી પીંછી…પંક્તિ દ્વારા એક સુંદર છબિ નજર સમક્ષ ઊભી થાય છે.

આ ગીત સૌપ્રથમ મારી સંગીતપ્રેમી મિત્ર કાલિન્દી પાસે લગભગ ૪૦ વર્ષ પહેલાં અમદાવાદમાં સાંભળ્યું હતું. એ વખતે જ ગમી ગયું હતું. પરંતુ, એ વખતે ઉંમર ઘણી નાની અને ગીતકાર-સંગીતકાર કોણ એવી કોઈ સભાનતાય નહીં. મેં એને પૂછ્યું કે કોણે શીખવાડ્યું? તો કહે, મારાં સ્કૂલ ટીચર નેહાબહેન આચાર્યે. એટલે એ વખતે અમને તો એમ જ કે શ્રાવણની સાંજ એ નેહાબહેનનું ગીત. આ નેહાબહેન આચાર્ય એટલે હવે તો મુંબઈનાં કલાપ્રેમી રહેવાસી. જાણીતી સંસ્થા ‘કલાગુર્જરી’નાં સક્રિય સભ્ય, નૃત્યાંગના અને કંઠ પણ સરસ. સાહિત્ય, સંગીત, અભિનય અને નૃત્ય એ તમામમાં માહેર. ‘કલાગુર્જરી’ માટે એમણે ખૂબ સુંદર ગુણવત્તાયુક્ત સાંસ્કૃતિક કાર્યક્રમો કર્યા છે. નેહાબહેનને આ ગીત વિશે પૂછતાં એમણે ઘણી રસપ્રદ વાતો કરી.

“હું મૂળ અમદાવાદની. એ વખતે અમદાવાદની પ્રતિષ્ઠિત સ્કૂલ વિદ્યાનગરમાં ગુજરાતી અને અંગ્રેજી વિષયની શિક્ષિકા હતી. ઉપરાંત સંગીત-નૃત્ય જેવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ મારે હસ્તક હતી. જાણીતા વિદ્વાન હિંમત કપાસી એ શાળાના આચાર્ય. બહુ અનોખી સ્કૂલ હતી. પિરિયડ બદલાય ત્યારે ઘંટ ના વાગે. ઘંટને બદલે તબલાંનું તિરકિટધા સંભળાય અથવા તો કોઈ વાદ્યનો નાદ. રોજની પ્રાર્થનામાં ભજન જ ગાવાનાં એવું બંધન નહીં. સુગમ સંગીતનું કોઈ પણ સુંદર ગીત ગાઈ શકાય. એ રીતે મારે આખા વર્ષનાં ગીતોનું પ્લાનિંગ કરવું પડતું. ગુજરાતના યુથ ફેસ્ટિવલમાં મેં કાલિંદી પાસે આ ગીત તૈયાર કરાવ્યું હતું. કદાચ એ પહેલા કે બીજા ક્રમે આવી હતી. મારા વિદ્યાર્થીઓમાં કાલિંદી મને બરાબર યાદ છે. એ સરસ ગાતી હતી. મને એ પણ આનંદ થાય છે કે વિદ્યાર્થીઓને કેટકેટલું યાદ હોય છે! શિક્ષકો માટે તો આ જ મોટી મૂડી છે! આ ગીત વિશે વાત કરું તો, સૌ પ્રથમ મેં આપણાં સુપ્રસિદ્ધ ગાયિકા હંસા દવે પાસે શ્રાવણની સાંજ સાંભળ્યું હતું. ટાઉનહોલમાં યોજાનારા એક કાર્યક્રમ માટે સંગીતકાર ગૌરાંગ વ્યાસે હંસા દવે પાસેથી આ ગીત ખાસ તૈયાર કરાવ્યું હતું. હંસા દવેનો અવાજ એટલો મીઠો કે ઓડિયન્સ મંત્રમુગ્ધ થઈ જતું. શબ્દો પ્રમાણે અદ્ભુત સ્વર નિયોજન તથા એ જ બારીકીઓ અને મૂરકીઓ સાથે હંસાબહેનની લાજવાબ પ્રસ્તુતિ. આ ગીતનાં મૂળ ગાયિકા હંસા દવેના કંઠે આ ગીત સાંભળીને મેં ગૌરાંગભાઈને ફોન કરીને આ ગીત શીખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અવિનાશભાઈ-ગૌરાંગભાઈ સાથે સારો પરિચય એટલે એ રીતે એમની પાસે પ્રત્યક્ષ શીખવાનો મોકો મળ્યો હતો. ત્યારબાદ મારા વિદ્યાર્થીઓને મેં શીખવ્યું હતું. નેહા આચાર્ય સ્મરણો વાગોળતાં કહે છે.

હંસા દવેની મુંબઈમાં ધમાકેદાર એન્ટ્રી શ્રાવણની સાંજ ગીત દ્વારા જ થઈ હતી. એ સ્મૃતિઓ સંકોરતાં હંસાબહેન કહે છે, “અમદાવાદના ‘શ્રુતિ’ વૃંદ સાથે હું સંકળાયેલી હતી. તેથી અમદાવાદમાં અવારનવાર કાર્યક્રમો થાય. મોટેેભાગે સિત્તેરના દાયકામાં મુંબઈમાં એ સમયે પુરુષોત્તમ ઉપાધ્યાયે ભારતીય વિદ્યાભવનમાં અમારો કાર્યક્રમ યોજ્યો હતો. એ વખતે પહેલી વાર મેં મુંબઈમાં પરફોર્મ કર્યું. શ્રાવણની એ સાંજ હતી…ગીતને શ્રોતાઓની એટલી બધી દાદ મળી કે મને ત્રણ વન્સ મોર મળ્યા હતા. ત્યારબાદ મુંબઈના લોકોમાં મારી ઓળખ પ્રસ્થાપિત થઈ. એ રીતે મારે માટે તો એ ગીત ટર્નિંગ પોઈન્ટ સમાન બની રહ્યું. સુપર્બ સોન્ગ છે.

હંસાબહેનની વાત સાચી છે. આ ગીત ગાવાનું અઘરું પણ સાંભળવામાં ખૂબ મીઠું અને સરળ-સહજ છે. ગૌરાંગ વ્યાસની મ્યુઝિક અરેન્જમેન્ટ હોય પછી પૂછવું જ શું? ઈન્ટરનેટ ઉપર સાધના સરગમના અવાજમાં ઉપલબ્ધ છે, કારણકે ગૌરાંગભાઈએ એમનાં ગીતોની સીડી બનાવી ત્યારે સાધનાજીએ એમાં આ ગીત ગાયું છે. જરૂર સાંભળજો.
લીંક નીચે પ્રમાણે છે.

https://www.youtube.com/watch?v=0ZRdx8hGgAQ

————————-

શ્રાવણની એ સાંજ હતી, શ્રાવણની એ સાંજ હતી
સરક્યાં સાળુડે સંતાયા લોચનમાં કઇ લાજ હતી
શ્રાવણની એ સાંજ હતી.
આંખ કટોરે રંગ આંસુનો, પાંપણ કેરી પીંછી
એ રંગે રંગાયી સંધ્યા અંતરનો અંદાજ હતી
શ્યામલ નભ ઘનશ્યામ થઇને છેડે મુરલી શ્રાવણની
ઘન ગગનમાં સર્જાયી જાણે ગલી ગોકુળ વૃંદાવનની
નીતરતી વર્ષા ઘેલી કોઇ ગોપીનો અવાજ હતી

ગીતકાર – અવિનાશ વ્યાસ
સંગીતકાર: ગૌરાંગ વ્યાસ
સ્વર: સાધના સરગમ

1 thought on “હૈયાને દરબાર – નંદિની ત્રિવેદી “શ્રાવણની એ સાંજ હતી”

 1. ઘન ગગનમાં સર્જાયી જાણે ગલી ગોકુળ વૃંદાવનની
  નીતરતી વર્ષા ઘેલી કોઇ ગોપીનો અવાજ હતી

  ગીતકાર – અવિનાશ વ્યાસ
  સંગીતકાર: ગૌરાંગ વ્યાસ
  સ્વર: સાધના સરગમ
  મઝા આવી

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s