થોડી ખાટી, થોડી મીઠી – (૧૧) – જાગૃતિ દેસાઈ-શાહ


“TECHNICAL EXCELLENCE IN EDITING” 

લેખ લખવું બહુ અઘરું કામ છે એવું 10 લેખ લખ્યા પછી મને આત્મજ્ઞાન થયું છે. બધાંને ગમે એવું તો ના જ લખાય એ સાવ સાચું છે. પણ મને ગમે એવું હું લખી નાખું છું. મોદી સાહેબ મન કી બાત રેડિયો પાર બોલે અને હું અહિંયા લખી નાખું.  એમને ચાહનારા અસંખ્ય છે એમજ એમને ધિક્કારનારા પણ ઘણાં છે. મારી સાથે એવું હોય તો હું સેલિબ્રિટી કહેવાઉં, અને સેલિબ્રિટી બનવાનો મને કોઈ જાતનો અભરખો નથી. (આમાં, “દ્રાક્ષ ખાટી છે” એવી વાત ના ચાલે!)
આજ કલ સેલિબ્રિટીઓની બેન્ડ વાગેલી છે. સુશાંત સિંહ ના મૃત્યુ પછી ઘણા વગર કારણ લપેટામાં આવેલા છે એ પણ દુઃખદ છે.  ગાડરિયો પ્રવાહ, mob મેન્ટાલીટી ને સહન કરવાની કે એને ignore કરવાની કળા દરેક જાહેર જીવન ના વ્યક્તિ પાસે હોવી જરૂરી છે. ઘણા સેલિબ્રિટી ને મળેલી છું. #metoo #corruption #castingcouch માં બદનામ થયેલા લોકો ને પણ જાણું છું. મારી સાથે એક ખૂબજ પ્રખ્યાત બોલિવૂડ સિંગરે બકવાસ કરેલી, એને ખૂબ ‘પડેલી’!  પણ દરેક જગ્યાએ બધાં જ પ્રકારનાં વ્યક્તિ મળે, અને મારો હંમેશા પ્રયાસ રહ્યો છે કે હું સફળ માણસો પાસે શીખું. એમનાં કામને બારીકી પૂર્વક નિહાળું અને હંમેશા વિચારું કે એવું શું અલગ કરે છે? એમના વ્યક્તિગત જીવનમાં શું થાય છે, એની સાથે કલાકારોની કળા, આવડત કે એમની મહેનતને કશું લેવા દેવા નથી. કિશોર કુમારના ગીત સાંભળો ત્યારે શું એવું યાદ આવે કે એમણે ચાર લગ્ન કરેલા? અને, મધુબાલાની બેને તો કિશોરકુમાર પર કેટલાય આરોપો મૂકેલા. સાચું શું છે ને ખોટું શું છે એની આપણને શું ખબર! હું તો હંમેશાં માનું છું કે દરેક સ્ટોરીની બીજી બાજુ હોય છે. આપણા કપડાં કોઈ કેદી કે કોઈ કાતિલે સીવેલા છે આપણને શું ખબર? એટલે વાત એટલી કે બહુ ના વિચારીને, હું મારી સમજ પ્રમાણે સ્થિતિનું અવલોકન કરું છું. જે લોકો મને જરાયે નહોતાં ગમતાં, એવા લોકોને મારા દોસ્તની યાદીમાં શામેલ કર્યા છે અને જે લોકો પર અંધ વિશ્વાસ કર્યો, એમણે મને તરછોડી દીઘી. “દુનિયા રંગ રંગીલી” બાબા!
મનન દેસાઈએ આજે એક પોસ્ટ લખી છે કોમેડિયન વિષે, તો મને થયું કે મારી સાથે બનેલા કેટલાક પ્રસંગ છે એ તમારી સાથે share કરું છું.

શરૂઆત ગુલશન ગ્રોવર થી કરીયે.

બધાને જાણ છે કે એક બહુજ સારા વ્યક્તિ છે. ગુલશનજી બે એરિયા માં વારંવાર આવે છે. મને એમને ઘણી વાર મળવાનો મોકો મળ્યો છે. absolutely નોન ડિમાન્ડિંગ, બહુજ સરળ વ્યક્તિ. હું એક ફિલ્મ ફેસ્ટિવલની હોસ્પિટાલીટી ચેરમેન હતી. દેશ વિદેશ ના લગભગ 70-80 સેલેબ્રિટી (કલાકારો) આવેલા. અદભુત મુવીઝ જોવા મળી. ગુલશનજી એમાં ચીફ ગેસ્ટ હતા. અમે બધાની ફેસબુક અને ગૂગલ ટૂરની ગોઠવણ કરેલી. ગુલશનજીને સવારે યાદ આવ્યું કે એમણે નામ નથી લખાવ્યું. મને મળીને કહે કે યાર મારે ફેસબુક જવું છે. મેં એમને કહ્યું કે બહુ મોડું થઈ ગયું છે, હવે મારે ત્યાંની permission કેવી રીતે લેવી? મને કહે તને બધા ઓળખે છે કૈં જુગાડ કર પણ આજે જ જવું છે. ફેસબુકની ટૂર લેવી હોય તો ત્યાંના employee ને કહેવું પડે, પછી એ permission માંગે અને એના પછી જવાય. શોર્ટ નોટિસમાં ના જવાય.

મેં આપણા ગુજરાતી ભાઈ, રૂપેનને ફોન કર્યો. એ ફેસબુકના પહેલા 50 employees માં ના એક હતા. રૂપેને દેશી જુગાડ કર્યો અને એક એના દોસ્તે બધું પાકે પાયે ગોઠવી દીધું. હવે ગાડીની વ્યવસ્થા કેવી રીતે કરવી? મારી સારી condition વાળી હોન્ડા નિલેશ લઈને, દીપ્તિ નવલ અને સૌરભ શુક્લ સાથે જવાનો હતો. ત્યારે મારી પાસે મર્સીડીઝ નહોતી. બીજી એક ગાડી છે, ટોયોટા echo એમાં 4 લાખ માઈલ ચડેલા. એના ચાર પૈડાં પરફેક્ટ ચાલતા એટલી ટોયોટા ભગવાન ની મહેરબાની હતી. ત્યારે અમારું ઘર બંધાતું હતું, એટલે પ્લાનથી લઈને ટાઈલ્સ લઈને બધો જ સમાન એમાં હતો. ખાલી આગળની સીટ પર બેસી શકાય એટલી જ જગા હતી, એકદમ ખખડધજ (આ ગાડી હજુ અમારી પાસે છે, હવે એમાં 5 લાખ માઈલ ચડેલા છે) ગુલશનજી સાથે, એમની હોલિવુડવાળી દોસ્ત અને એક પંજાબી દોસ્ત જે બીજા શહેરથી આવેલો. આટલા બધાંને મારી ખખડધજ ગાડીમાં ના જ બેસાડાય. એટલે મેં એક મિત્રને વિનંતી કરીને ફેસબુકમાં સૌને રવાના કર્યાં. ગુલશનજીને ગાડીમાં બેસાડવાની કોણ તક છોડે. મારી ખખડધજ ગાડીને હું ‘રામદુલારી’ કહું છું, એટલે, હવેથી ‘રામદુલારી’ લખું તો સમજી જવાની રિક્વેસ્ટ કરું છું.

એટલામાં ફેસબુકમાંથી ફોન આવ્યો, કોઈ કારણસર, અને મારે જવું પડ્યું. (સેલિબ્રિટી પોતાના id ભૂલી ગયેલા).  હું અને મારી ‘રામદુલારી’ ફેસબુક પહોંચ્યાં. મને એમ કે હું ID આપીને તરત પાછી ફરીશ. સામે જ ગુલશનજી ફેસબુકનાં લોકો સાથે ફોટો પડાવતા હતા. મને જોઈને કહે “આપ આ જાઓ ફોટો નિકાલતે હૈં” મેં જલ્દીથી એક pose આપ્યો અને પાછી વળી. મારો હાથ એકદમ પકડીને કહે, કે, “કહાં જા રહે હો?” મારે હોટેલ પાછા ફરવાનું હતું, કારણ કે સાંજની તૈયારી ઘણી કરવાની હતી. એટલે મેં એમને કીધું કે મારે જલ્દી થી હોટેલ પહોંચવાનું છે. એ નિલેશને કહે, “આપકી બીવીકો બોલેં, ચૂપચાપ હમારે સાથ રહે. હોટેલ નહીં જાયેંગી, તો દુનિયા નહીં લૂંટેગી. કિતને દિનસે દેખ રહા હું, ઈતની મહેનત કરતી હૈ જરા સાંસ લે લે.” અને, મારા માટે pleasant surprise હતું. ફેસબુકમાં બધા પ્રકાર ના વ્યંજન મળે છે. એમને મેક્સીકન ખાવાનું મન થયું. મને કહે ચાલ મેક્સીકન ખાઈએ. સાથે અસંખ્ય લોકો હતાં. એટલે એ વાતોમાં મસ્ત હતા. મેં અને નિલેશે નાસ્તો લીધો અને બહાર બેન્ચ પર બેસી ગયા. બહુ બધાં લોકો એમને ઓફર કરી રહ્યાં હતાં કે એમની પસંદનું ખાવાનું લઈ આવીએ. એમને શું ખરેખર થયું એ નથી ખબર, પણ અચાનક એ ચિપ્સ અને ડીપ લઈને મારી પાસે આવ્યા અને કહે, “યે લો. આપ યે ભૂલ ગયી.” ફેસબુક એમ્પ્લોયીઝ મારા તરફ ફરીને જે રીતે જોઈ રહ્યો હતો, એનો ચહેરો ખરેખર જોવા જેવો હતો. એના મોઢા પરનાં ભાવ પરથી એવું લાગતું હતું કે એને માનવામાં જ નથી આવતું કે ગુલશન ગ્રોવર મને આટલું બધું પૂછે છે?

મને એમણે ધરાર પાછી ના જ જવા દીઘી. સૌરભ શુક્લ અને દીપ્તિ નવલ, નિલેશ સાથે સાન ફ્રાન્સિસ્કોની ટૂર માટે ready હતા, એટલે મેં પણ રામદુલારી સાથે હોટેલ તરફ પ્રયાણ કરવાની તૈયારી કરી. એટલામાં ગુલશનજી, હોલિવુડની એકટ્રેસ અને એમનો મિત્ર, મારી પાછળ આવ્યા અને મને કહે અમે પણ તારી સાથે હોટેલ પાછા આવીએ છીએ. મારી ‘રામદુલારી’માં આટલા લોકો બેસી જ ના શકે. એટલે મેં એમને કીધું હું તમારા માટે પીક અપ મંગાવી લઉં, તો મને કહે આપ કી ગાડી મેં ચલે ચલતે હે. પછી મેં એમને મારી રામદુલારી બતાવી અને પાછળ ની સીટ પર ઘરના પ્લાન ના રોલ, ટાઇલ્સ અને એક ઇંચ ની જગા નહોતી મે એમને કીધું આમાં ક્યાં બેસશું? મે તો સીધેસીધું કહ્યું કે આ ગાડી તમારે લાયક નથી તમારા માટે બીજી ગાડી મંગાવું છું. બસ, જેવી હું એ બોલી, તે સાથે જ, તેઓ કહે કે હવે તો મારે આ ગાડીમાં જ જવું છે. મને કહે, “ટ્રન્ક ખોલ.” મને હજુ પણ યાદ આવે ત્યારે મારા હોઠોં પર એક સ્મિત ફરકી જાય છે. એમણે એકેએક ટાઈલ, પ્લાન વગેર સંભાળીને એક પછી એક મૂક્યા. પછી મને કહે, “ચલો, અબ બહુત સારી જગહ હૈ હમારે લિયે.” મારી પાસે મોટી હેન્ડબેગ હતી, જે એમણે એમના ખોળામાં મૂકી. મારી ‘રામદુલારી’માં ઑટોમૅટિક જેવું કૈંજ નથી, AC જેમ તેમ શરુ થયું. એમણે વાતોનો દોર ચલાવ્યો. એક બે કિસ્સા કહ્યા અને હોટેલ જયારે પહોંચ્યા તો મેં સજેસ્ટ કર્યુ કે, હું તેમને રિસેપ્શન પાસે ઉતારીને પછી પાર્કિંગ લોટમાં મારી ગાડી મૂકી દઉં. એમણે મને કહ્યું, કે સીધી પાર્કિંગ લોટમાં લે, આપણે બધા સાથે જ જઈશું. એમની સજ્જનતા મારા મનમાં કાયમ માટે ઘર કરી ગઈ.
*****
એક અમારા બે એરિયા ના માફિયા સ્ટાઇલ ભાઈ છે.  એ જયારે દારૂ પીએ (રોજ પીએ છે) ત્યારે ‘આઉટ ઓફ કંટ્રોલ’ હોય છે અને જો કોઈ સેલિબ્રિટીને જુએ તો છોડે નહીં અને પછી બહુજ ભયાનક સ્થિતિ ઉભી થાય. હું એમને જોઈને આજે પણ રસ્તો બદલું છું. થયું એવું, કે દીપ્તિ નવલે મને અચાનક કહ્યું કે ચાલ આપણે નીચે રેસ્ટોરન્ટમાં બેસીએ, રૂમમાં બેસીને કંટાળો આવે છે. એટલે અમે નીચે ગયા. એમણે વાઈન મંગાવી.  એટલામાં ‘માફિયા ભાઈ’ દેખાયા અને મને ખબર હતી કે શું થવાનું છે. આ ભાઈ દીપ્તિ નવલ પાસે આવી અને બકવાસ કરવા માંડયા. હું તમારો ફેન છું. અને ટોટલી આઉટ ઓફ કંટ્રોલ. સેક્યુરીટીવાળા સમજી ગયા અને એમણે વચ્ચે પાડવાની કોશિશ કરી. એટલામાં ગુલશનજી પ્રગટ થયા. એમને જોઈને એ માફિયા ભાઈ એમને ગળે પડ્યા.  એમણે મને ઈશારો કર્યો કે દીપ્તિ નવલને લઈને હું ખસકી જાઉં. જેવી હું ખસકી કે માફિયા ભાઈ અમારી પાછળ આવ્યા. ગુલશનજીએ એને વાતમાં રોક્યો અને જેવું એલિવેટર આવ્યું કે અમે એલિવેટર માં ઘુસ્યાં.  ગુલશનજી લાસ્ટ સેકેન્ડે એમાં લીટરલી કૂદી પડ્યા ને માફિયા ભાઈ બહાર રહી ગયા. મારો અને દીપ્તિ નવલ નો રૂમ 14 માં માળે હતો. એમણે એલિવેટર 8 માં મળે રોકીને અમને બહાર લઇ ગયા. પછી આમ તેમ વાતો કરી અને 5 મિનિટ પછી કહે ચાલો તમને 14 માં માળે મૂકી આવું. દીપ્તિ નવલ બહુ જ ગભરાયા હતાં, એ વાત પાકી. ગુલશનજી પાછા જયારે મળ્યા તો મેં દિલથી એમનો આભાર માન્યો, તો મને કહે, “કિસ ચીઝ કે લિયે?”  મને કહે, તને ખબર પડી કે કેમ હું તમને 8 માં માળે બહાર લઇ ગયો? જો આપણું એલિવેટર 14 માં મળે ઉભું રહે તો એ પણ ત્યાં આવે. એને ‘ચકમો’ દેવા એ કરવું જરૂરી હતું. આ એમની સજ્જનતા હતી ને આટલું આગોતરું એ વિચારી શકતા હતા.
*******
કાજલ ઓઝા વૈદ્યની બહુ બધી વાતો છે, જે, તમને સાંભળવી ખુબ ગમશે. એના વિશે વિગતવાર આગળ વાતો કરીશું. એના વિષે ઘણા mis-કોંસેપ્શન છે.  બહુ જ પ્રેમાળ વ્યક્તિ, જે સહજ રડી શકે અને સહજ ખડખડાટ હસી શકે. હું અને એ, મારા લિવિંગ રૂમમાં ગાદી પાથરીને 4 દિવસ સૂઈ જતાં અને એમને જરાપણ એવો ભાર નહીં કે પોતે મોટાં સાહિત્યકાર છે.
મારા દીવાસળીના બોક્સ જેવા બેડરૂમમાં વિરલ રાચ્છ, જય વિઠલાણી જેવા 8 લોકો એવા સંકોચાયને રહ્યા છે, તે પણ હસતા મોઢે.
આમાંનાં કોઈએ એક પળ વાર માટે પણ પોતે બહુ નામી અને મોટી હસ્તી છે એવું કદીયે લાગવા નથી દીધું.
****
રજત કપૂરથી ભૂખ નથી સહન થતી, એટલે હું એમના માટે થોડું ખાવાનું હંમેશાં બચાવીને રાખતી. (આ ફિલ્મ ફેસ્ટિવલની વાત છે) ના તો ખાવાનું પીરસવાનું, કે ના તો એમને પૂછવાનું, પોતાની મેળે જ ખાવાનું લે, ક્યાંય જગ્યા શોધે અને જમીન પર બેસીને હાથથી જ જમી લે. મારા પર વગર કારણે ગુસ્સો કરે છે એ મને નથી ગમતું, પણ એક રીતે જે હકથી કરે છે, તે કદાચ ગમે પણ છે.
*****
રાહુલ કંવલ પત્રકારિતામાં કેટલું મોટું નામ છે, એમને સાન ફ્રાન્સિસ્કો જવું હતું, ફરવા માટે. જયારે મેં એમને કહ્યું કે જોઈએ તો હું લઇ જાઉં? તો એમણે એમની મેળે ટ્રેનના ટાઈમ શોધી કાઢ્યા અને સાંજે આવીને કહે, “દેખો, મેં ઠીકઠાક વાપસ આ ગયા.”
******
સંજય ગોરડિયાનું નાટક અમે બહુ ટૂંક સમયમાં ગોઠવેલું. working day ના દિવસે ઘણા લોકો આવ્યા. ફક્ત એટલે કે ચાલુ દિવસે હોટેલ ના મળે અને મળે તો બહુ મોંઘી મળે. એ રાતના 6 કલાક જાગી ને બીજે ગયા હતા.
*****
હવે થોડીક ભારતની વાત પણ કરું. અમે “સિપ્લા ફાર્માસ્યુટીકલ્સ” માં ડોક્ટર્સની બહુ બધી કોન્ફેરેન્સ સ્પોન્સર કરતા. એના લીધે સાથે ખુબ સમાન લઈ જવો પડતો. તાજ મહલ હોટેલમાં એક એવી જ કોન્ફેરેન્સ પતી, એટલે હું બધો સમાન લઈને રિસેપ્શન પર આવી. આ 1992-93 ની વાત હશે.  ટેક્સી બોલાવીને, હું ટેક્સીમાં સામાન ચડાવવાની તૈયારીમાં હતી. એટલામાં શાહરુખ ખાન, ગૌરી ખાન અને દીપક તિજોરી દેખાયા. બધા પરસેવે રેબઝેબ હતા, કારણ કે તેઓ ડિસ્કોમાં આવેલા. જેવો મેં એક બોક્સ તરફ હાથ લંબાવ્યો, શાહરુખ ખાન મારી પાસે આવીને કહે, ‘સ્વીટ હાર્ટ, લેટ મી હેલ્પ યુ” એને મારા બોક્સ ચડાવવા માં મદદ કરી. ત્યારે એ એટલો મોટા સ્ટાર નહોતા. પણ, હું એને, એમની “ફૌજી” ટીવી સિરીયલના બડી તરીકે જાણતી હતી. મેં એનો આભાર માન્યો. આ વાત મારા મનમાં રહી ગઈ હતી. એ જયારે એમની કોન્સર્ટ લઈને અમેરિકા આવેલા ત્યારે એમની twitterની વિઝિટમાં મેં મદદ કરેલી. ત્યારે એક મિનિટ મળવાનો મોકો મળ્યો, તો મેં આ વાત કહી.  એમણે પાછું કહ્યું, ‘સ્વીટ હાર્ટ, લેટ મી ગીવ યુ અ હગ” જયારે એમને twitter ની marketing head એ કીધું કે મેં આ વિઝિટ માટે મદદ કરી છે ત્યારે એ પાછા વળી ને આભાર માનવાનું નથી ભૂલ્યા.
******
ઘણા કલાકારોએ કલા સાથે માનવતા, દોસ્તી, સરળતા, સહજતા અને સમજણને પણ કેળવી છે. એટલે જ મને ખુબ વ્હાલાં છે. ગુલશન ગ્રોવરને હું વર્ષે એક વાર ટેક્સ્ટ કરું છું, જન્મ દિવસ ની શુભકામના માટે. મને ખબર નથી કે હું એમને યાદ છું કે નહીં, પણ આજે લેખમાં એમને બહુ યાદ કર્યા. એવા અસંખ્ય લોકોની વાત મને સ્પર્શી છે, એ જ યાદ રાખું છું. બાકી બધું એડિટિંગમાં નાખીને પોતાની જાત ને “TECHNICAL EXCELLENCE IN EDITING” નો “ઓસ્કાર એવોર્ડ” પણ આપી દઉં છું. અને જયારે કોઈ ખરાબ વાત યાદ આવે તો એવોર્ડ પાછો લઈ લઉં છું. બસ, મારા મન સાથે આ લેવડ-દેવડ ચાલ્યા કરતી હોય છે. સરવૈયું કાઢવાનો વખત આવશે, ત્યારે જ સમજાશે કે સરવાળે કેટલા એવોર્ડ મળ્યાં અને કેટલા પાછાં આપ્યાં!

2 thoughts on “થોડી ખાટી, થોડી મીઠી – (૧૧) – જાગૃતિ દેસાઈ-શાહ

  1. ‘બધું એડિટિંગમાં નાખીને પોતાની જાત ને “TECHNICAL EXCELLENCE IN EDITING” નો “ઓસ્કાર એવોર્ડ” પણ આપી દઉં છું’. વાત ગમી

    Liked by 1 person

  2. always remeber for OSKAR awawrd. .deleted other thinking in recycle bin. interesteing in OSKAR award reading. and continue for writing. enjoyed your reading.my self .don’t know for other ,like you right in lekh.

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s