“વારતા રે વારતા” – (૬) – બાબુ સુથાર


કાચનો પર્વત: બાર્થલમની એક અનુઆધુનિકતાવાદી વાર્તા

બાબુ સુથાર

એક પરીકથા છે: એક કાચનો પર્વત છે. એના પર સફરજનનું એક વૃક્ષ છે. એ વૃક્ષ પર સોનાનાં સફરજન લાગે છે. કહેવામાં આવ્યું છે કે જે માણસ આ કાચના પર્વત પર ચડીને પેલા સફરજનના વૃક્ષ ઉપરથી એક સોનાનું સફરજન તોડશે એ ત્યાં આવેલા સોનાના કિલ્લામાં કેદ એવી રાજકુમારીને પ્રાપ્ત કરી શકશે. ઘણા અમીર સૈનિકોએ (knights) એ રાજકુંવરી મેળવવાનો પ્રયાસ કર્યો છે પણ, એકેય સૈનિક એમાં સફળ થયો નથી. એક ગરૂડ એ પર્વતનું રક્ષણ કરી રહ્યું છે. જ્યારે પણ કોઈ માણસ એ પર્વત પર ચડવાનો પ્રયાસ કરે છે ત્યારે એ ગરૂડ એના પર તૂટી પડે છે ને એ માણસ ઘવાઈને નીચે પડી જતો હોય છે. પણ એક યુવાન એમાં સફળ થાય છે. એ લિંક્સ નામના એક પ્રાણીને મારીને એના પંજા પોતાના બે હાથ અને બે પગ પર લગાવી દે છે. એના કારણે પેલા કાચના પર્વત પર ચડવાનું કામ સહેલું થઈ જાય છે. એ પર્વત પર ચડી રહ્યો હોય છે ત્યારે પેલું ગરૂડ એના પર ત્રાટકતું હોય છે. પણ, યુવાન બાહોશ છે. એ ગરૂડના બે પગ પકડી પાડે છે. ગરૂડ યુવાનને લઈને ઉપર જાય છે. અમુક ઊંચાઈ પર પહોંચ્યા પછી યુવાન ગરૂડના બે પગ કાપી નાખે છે અને એ સાથે જ એ સીધો પેલા સફરજનના વૃક્ષ પર પડે છે. ત્યાંથી એ પેલું સોનાનું સફરજન તોડે છે. પછી એ સફરજનને લઈને એ મહેલમાં જાય છે. રાજકુંવરીને મળે છે. એ રાજકુંવરીને બંધનમુક્ત કરે છે અને અંતે બન્ને પરણે છે અને ખાઈપીને રાજ કરે છે.

અમેરિકના અનુઆધુનિકતાવાદી લેખક તરીકે જાણીતા ડૉનાલ્ડ બાર્થલમે (Donald Barthelme 1931-1989) આ વાર્તાનો ઉપયોગ કરીને એક વાર્તા લખી છે. એનું નામ પણ એમણે The Glass Mountain રાખ્યું છે. એમાં પણ એક યુવાન છે. એ પણ કાચના પર્વત પર ચડે છે. પણ એ કાચનો પર્વત એક શહેરમાં આવેલો છે. હકીકતમાં એ પર્વત નથી. એક એક બહુમાળી મકાન છે. પણ કાચનું બનેલું. બાર્થલમ પેલી પરીકથાની સંરચના જાળવીને એને આ રીતે આધુનિક સમયમાં મૂકી આપે છે. એના પર પણ કહેવાય છે કે સફરજનનું એક વૃક્ષ છે. એ વૃક્ષ પર પણ સોનાનાં સફરજન લાગે છે અને એ વૃક્ષની રખેવાળી પણ એક ગરૂડ કરી રહ્યું છે. જો કે, આ વાર્તાનો અંત મૂળ વાર્તા કરતાં જુદો છે. મૂળ વાર્તામાં રાજકુંવરી કેદ છે. પેલો યુવાને એને કેદમાંથી છોડાવીને એની સાથે પરણવાનું છે. આપણા જમાનામાં હવે એવી કોઈ રાજકુંવરીઓ રહી નથી. અને હોય તો પણ કોઈ રાજકુંવરી એમ નહીં કહે કે જે કાચના પર્વત પર ચડીને એની ટોચ પરના સફરજનના વૃક્ષ પરથી સોનાનું સફરજન લાવશે એને હું વરીશ. તો પણ એક યુવક એના પર ચડવાનું નક્કી કરે છે. એને કશુંય પ્રાપ્ત કરવાનું નથી. બાર્થલમ આમ કરીને આપણા જમાનાના એક મહત્ત્વના લક્ષણ તરફ ધ્યાન દોરે છે. એ કહે છે કે આપણે બધાં જ કોઈકને કોઈક બહુમાળી મકાન પર ચડવાનું કામ કરીએ છીએ પણ આપણને ખબર નથી કે આપણે કેમ એના પર ચડી રહ્યા છીએ અને આપણે ત્યાં ચડીને શું મેળવવાના છીએ. કેટલાક સર્જકોએ અને ફિલસૂફોએ આને absurd -અર્થવિસંગત- પરિસ્થિતિ તરીકે ઓળખાવી છે.

બાર્થલમ, મેં શરૂઆતમાં નોંધ્યું છે એમ, અનુઆધુનિકતાવાદી લેખક છે. એ આ વાર્તા કહેવા માટે પરંપરાગત કથનનો ઉપયોગ નથી કરતા. જોકે, એનો અર્થ એવો પણ નથી કરવાનો કે અનુઆધુનિકતાવાદ પરંપરાગત કથનનો ઉપયોગ નથી કરતું. અનુઆધુનિકતાવાદનાં અનેક સ્વરૂપો છે. એમાંનું એક સ્વરૂપ પરંપરાગત કથનનો ઉપયોગ કરતું હોય છે પણ એ કથનનું કાર્ય જુદું હોય છે. મોટે ભાગે તો એ કથન કથનની પોતાની જ વિડંબના બની જતું હોય છે. બાર્થલમ પરંપરાગત કથનનો ઉપયોગ કરવાને બદલે આખી વાર્તા સો પરિચ્છેદ લખે છે અને એ દરેક પરિચ્છેદને નંબર આપે છે. આ પરિચ્છેનું કદ પણ જાણવા જેવું છે. એમાં એક શબ્દનો પણ પરિચ્છેદ છે. મોટામાં મોટો પરિચ્છેદ ૧૫૧ શબ્દોનો છે. વાર્તાનું પહેલું વાક્ય છે: “હું કાચના પર્વત પર ચડવાનો પ્રયાસ કરતો હતો.” બીજું વાક્ય: “આ કાચનો પર્વત તેરમી ગલી અને આઠમા એવન્યૂના ખૂણા પર આવેલો છે.” ત્રીજું વાક્ય: “હું એ મકાનના નીચલા ઢોળાવ સુધી પહોંચી ગયો છું.” ચોથું વાક્ય: “લોકો મારી સામે જોઈ રહ્યા છે.”

આ સો વાક્યો એક ચોક્કસ એવા ક્રમમાં છે. અર્થાત્, એ વાક્યોનો ક્રમ આપણે બદલી ન શકીએ. એ વાક્યો બધાં fragmented સ્વરૂપમાં છે. અર્થાત્, લેખકે એ વાક્યોને કથનની પ્રયુક્તિઓ વડે જોડવાનો પ્રયાસ કર્યો નથી. આ વાર્તા, પરંપરાગત કથનથી એક બીજી રીતે પણ જુદી પડે છે: વાર્તા પહેલા પુરુષમાં કહેવાઈ છે. મોટા ભાગની પરંપરાગત વાર્તાઓ ત્રીજા પુરુષમાં કહેવાતી હોય છે.

વાર્તા વાંચતી વખતે આપણે બે વાત નોંધી શકીએ છીએ: એક તે નાયકની અને આપણી અપેક્ષા અને નાયકને થતો અનુભવ. વાર્તા વાંચતી વખતે આપણને થાય કે હવે નાયક અ કે બ સુધી પહોંચી ગયો છે. હવે એ આગળ પહોંચશે. એ સફળ થશે. ત્યાં જ એક વાક્ય આવે: જોરદાર પવન વાઈ રહ્યો છે. આપણે નાયકને પવન સાથે સંઘર્ષ કરતો અનુભવીએ છીએ. પેલી પરીકથામાં જે કોઈ માણસ રાજકુંવરીને પ્રાપ્ત કરવા કાચના પર્વત પર ચડતો હોય છે એને લોકો પોરસ ચડાવતા હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો એ માણસનું સાહસ એક અર્થમાં એનું પોતાનું નથી બની રહેતું. એને જોઈ રહેલા માણસોને પણ થતું હોય છે કે આ માણસ સફળ થાય તો સારું. એથી લોકો એને પોરસ ચડાવતા હોય છે.

પણ, બાર્થલમની વાર્તામાં જુદું બને છે. આપણા જમાનામાં સાહસો હવે પહેલાંની જેમ collective adventures નથી બનતાં. એ individual adventures બનતાં હોય છે. એટલું જ નહીં, ઘણા લોકો માટે એવાં સાહસો મજાકનો વિષય પણ બનતાં હોય છે. બાર્થલેમ આપણા જમાનાની આ વાસ્વિકતાને બરાબર પકડે છે. પેલો યુવાન બહુમાળી મકાન પર ચડતો જાય છે એમ એમ નીચે ઊભેલા માણસો આખી ઘટનાને તમાશો બનાવી દે છે. એનો ઉત્સાહ વધારવાને બદલે કેટલાક તો એને ગાળો આપે છે તો વળી કેટલાક એની મશ્કરી કરે છે.

જેમ જેમ આ વાર્તા વાંચતા જઈએ એમ એમ આપણે પણ વાર્તાનાયકની હતાશાનો અનુભવ કરતા હોઈએ છીએ. એક તબક્કે આપણે આ સાહસના સાક્ષી બનવાને બદલે આ વાર્તાના નાયક બની જતા હોઈએ છીએ. બાર્થલમ કહે છે કે આ શક્તિ કેવળ પરંપરાગત કથનની જ હોય છે એવું નથી. Fragmented કથન પણ એ કામ કરી શકે.

અનુઆધુનિકતાવાદી લેખકો ઘણી વાર એમની વાર્તાઓમાં બીજા લેખકોનાં અવતરણો ટાંકતા હોય છે. ક્યારેક એ લેખકો સાચા પણ હોય તો ક્યારેક ઉપજાવી કાઢેલા પણ હોય છે. બાર્થલમ બન્ને પ્રકારનાં અવતરણોનો ઉપયોગ કર્યો છે. પણ કયાં અવતરણો સાચા લેખકનાં છે અને કયાં ઉપજાવી કાઢેલા લેખકનાં છે એની સ્પષ્ટતા કર્યા વગર. એ કામ એમણે વાચકો પર છોડી દીધું છે.

આ અવતરણોને આપણે બીજા બે વર્ગમાં પણ વહેંચી શકીએ. એક તે લોકો બોલે છે તે એવાં અવતરણો. એમાં “Dumb motherfucker” જેવી ગાળોનો પણ સમાવેશ થાય છે. બીજા પ્રકારનાં વાક્યોમાં ઉમદા વિચારો પ્રગટ થાય છે. જેમ કે, ૫૬મું વાક્ય લો. એમાં લેખક કહે છે: “A weakening of the libidinous interest in reality has recently come to a close.” (Anton Ehrenzweig).

આ વાર્તામાં પણ એક ગરૂડ કથક પર ત્રાટકે છે. કથક ગરુડના પગ કાપી નાખે છે. નાયક નીચે ફેંકાય છે. એક વિશાળ બાલ્કનીમાં. ત્યાં એક બારણું છે. બારણું ખુલે છે. કથક ત્યાં વંડો જુએ છે. એમાં વૃક્ષો છે, છોડ છે, પુષ્પો છે. કથક કહે છે કે એમાં ‘beautiful enchanted symbol’ છે. પછી ૯૭મા પરિચ્છેદમાં એ કહે છે: I approached the symbol, with its layers of meaning, but when I touched it, it changed into only a beautiful princess.

કથક અર્થ સુધી પહોંચ્યો છે. હવે આપણને પ્રશ્ન થાય કે આ વાર્તાના કથકનું પેલા બહુમાળી મકાન પર ચડવું કોઈક સાહિત્યિક કૃતિને વાંચવાના રૂપક તરીકે જોઈ શકાય કે નહીં? દરેક કૃતિ બહુમાળી મકાન જેવી હોય છે. દરેક કૃતિ કાચની બનેલી હોય છે. એના પર ચડવાનું કામ મુશ્કેલ હોય છે. આખરે તમે પ્રતીક/અર્થ સુધી પહોંચતા હો છો. દરેક વાંચન આ અર્થમાં એક સાહસ હોય છે. તમે પણ આ વાંચતી વખતે એક સાહસ કરી રહ્યા છો. કથક કહે છે કે જેવો હું એ પ્રતીકને અડક્યો કે તરત જ પ્રતીક રાજકુંવરી બની ગયું. આ ઘટના વિશે ઘણું બધું કહી શકાય.

પછી ૯૮માં વાક્યમાં કથક કહે છે: મેં એ રાજકુંવરીને ઊંધા માથે નીચે મારા સાથીદારો તરફ ફેંકી.

આ વાર્તા ગૂગલ મહારાજ પાસે છે. માગશો તો આપશે જ. એટલું જ નહીં, આ વાર્તા પર અનેક લેખો પણ લખાયા છે. એ પણ તમને ગૂગલ મહારાજ પાસેથી મળી રહેશે. મને ખાતરી છે કે આપણામાંના જેટલા વાચકો આ બહુમાળી મકાન પર ચડશે એ બધા અલગઅલગ રાજકુંવરીને મેળવશે. જો કે, અહીં કોઈ gender નો પ્રશ્ન ઊભો કરે ને પૂછે કે જો આ વાર્તા કોઈ મહિલા વાંચે તો…?

સવાલ સવા લાખનો..!

 

3 thoughts on ““વારતા રે વારતા” – (૬) – બાબુ સુથાર

  1. પરીકથા અને અનુઆધુનિક વાર્તાનું સંયોજન. સુંદર. બાબુભાઈ,લગભગ ચાલીસ વર્ષ પહેલાં ગુજરાતી સાહિત્યમાં મોનો ઇમેજ નો પ્રચાર થયેલો.તે વખતે મેં પણ એક કવિતા લખેલી-એકદંડિયા મહેલમાં પુરાયેલો રાક્ષસ રાજકુંવર બને અને લગ્નની વિધિ પૂરી થયા પછી કન્યા પિશાચિની અને રાક્ષસ બેભાન!

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s