લલિતકળાઃ મ્યુઝિયમ્સ – (૬) – જયા મહેતા – સંપાદનઃ સુરેશ દલાલ


લલિતકળાઃ મ્યુઝિયમ્સ – (૬)જયા મહેતાસંપાદનઃ સુરેશ દલાલ

મ્યુઝિયમ અને જનસમાજની વચ્ચે એક પ્રકારનું Organic Symbiosis – નૈસર્ગિક સહજીવન, પરસ્પરોપજીવન હોવું આવશ્યક છે. આમ થાય તો જ વિચારધારાનું અંતર ઘટે છે.

જનતાને મ્યુઝિયમો જ પ્રોત્સાહિત કરે એટલું પર્યાપ્ત નથી, પ્રજાએ પણ આ બધી જ ઈતિહાસને ટકાવી રાખવાવાળી પ્રવૃત્તિઓમાં જાગરૂકતા સાથે ભાગ લેવો જરૂરી છે. આમ જનતાએ, શાળા કોલેજોએ, અને રાજકરણીઓએ પણ મ્યુઝિયમોનો ઉચિત લાભ લેવો જોઈએ. લોકોએ પણ મ્યુઝિયમો સાથેના સંવાદને બેઉ તરફી રાખવો જોઈએ. એ માટેના ફોર્મ્સ ભરીને મ્યુઝિયમના વ્યવસ્થાપકોને ઉચિત રીતે સૂચનો કરી જણાવવું જોઈએ. જો મ્યુઝિયમની વિઝીટ લેનારાઓ સામો રસ નહીં દાખવે તો એકતરફી પ્રયાસ કોઈ પ્રજાલક્ષી કાર્યને ટકાવી શકતો નથી. (આજના સોશ્યલ મિડીયાના જમાનામાં તો મ્યુઝિયમનો લાભ લેનારાઓ તાત્કાલિક સર્વે ઓન લાઈન ભરી શકે છે પણ જ્યારે આ લેખ ઓરિજીનલી લખાયો હતો એ જમાનામાં ઓન-લાઈન જેવી કોઈ વ્યવસ્થા નહોતી. એ વિષે આ લેખ વાંચતાં ધ્યાન રાખવાની વિનંતી છે.) લોકોએ પોતાને શું જોવું છે, જાણવું છે અને પ્રસ્તુત સામગ્રી ને એને લગતી માહિતી વધુ કઈ રીતે એમને ઉપયોગી નીવડી શકે એ માટે યોગ્ય જવાબદારી લેવી જોઈએ. મ્યુઝિયમ એટલે બગીચો નથી કે બહાર જરા લટાર મારી આવીએ અથવા તો બહાર વરસાદ બહુ પડે છે તો ચાલો એક આંટો વરસાદ અટકે નહીં ત્યાં સુધી મ્યુઝિયમમાં મારી આવીએ! આ રુગ્ણ માનસિકતામાંથી જનતાએ બહાર આવવું પડશે, એક સ્વસ્થ સમાજ અને જાગતો સમાજ બનાવવા માટે. મ્યુઝિયમ માત્ર ટહેલવાની જગા નથી પણ જોવા, જાણવા અને માણવાની જગા છે. એક રીતે જોઈએ તો જ્ઞાન-સંજ્ઞાનનો સમન્વય છે. પણ, દુર્ભાગ્યે, મોટા ભાગના વિકાસ પામી રહેલાં – Developing – દેશોમાં જનતા આ સમજતી નથી. આથી જ લોકો જોઈએ એવો મ્યુઝિયમોનો લાભ લઈ શકતા નથી અને મ્યુઝિયમો પણ ધીમી ગતિથી અથવા તો અગતિગમનથી નવીનતા લાવવા અને વિકાસ સાધવા પ્રયાસો કરે છે. મોટા ભાગના લોકો થિયેટરની વાત કરી શકશે પણ મ્યુઝિયમ વિષે ઝાઝું જાણવામાં ભાગ્યે જ રસ ધરાવે છે. લોકો સજાગ નથી એટલે જ્યાં સુધી જનતામાં જાગૃતિ ન આવે ત્યાં સુધી કદાચ મ્યુઝિયમો પર જવાબદારીનો અને ટકી રહેવાનો બેવડો બોજો પડે છે. શિક્ષિતો જ નથી સજાગ ત્યાં અર્ધશિક્ષિતો અને અશિક્ષિતોને માથે આનો દોષ શું નાખવો? સાચા અર્થમાં તો આ બાબતમાં કોઈ એક પક્ષને ગુનેગાર ઠેરવી શકાય નહીં કારણ કે આ બેઉ પક્ષે Equally Shared Responsibility – સરખે હિસ્સે વહેંચાયેલી જવાબદારી છે. જનતામાં શિક્ષિત, અર્ધશિક્ષિત, અશિક્ષિત તથા સામાન્ય લોકો શામેલ છે આથી તેમને મ્યુઝિયમ પ્રત્યે આકર્ષવાના અને એનો લાભ લેતા કરવાના પ્રયત્નો ખૂબ જ સભાનતા પૂર્વક મ્યુઝિયમોના એડમિનિસ્ટ્રેશને કરવા જોઈએ. સામે પક્ષે લોકોએ પણ આવી પ્રવૃત્તિઓમાં ઉત્સાહ્થી ભાગ લેવો જોઈએ. દેશની સરકારો અને રાજકરણીઓ પણ આમાંથી બાકાત ન રહેવા જોઈએ. આમ થાય ત્યારે જ સાચું, Organic Symbiosis – નૈસર્ગિક સહજીવન, પરસ્પરોપજીવન મુઝિયમો અને લોકો વચ્ચે સંભવી શકશે.

આપણે ત્યાં તો અત્યાર સુધી મ્યુઝિયમોનો તો નહિવત જ ઉપયોગ થયો છે, એવું જણાય છે. “મ્યુઝિયમમાં તો કેવળ મૃત પદાર્થો, મૃત સંસ્કૃતિ અને જૂની-પુરાણી વસ્તુઓ સિવાય છે જ શું બીજું?” મેં સુશિક્ષિત લોકોને આવું બોલતાં પણ સાંભળ્યાં છે. લોકો જાગશે નહીં તો સંસ્કૃતિનો મહામૂલો વારસો આપણે આપણા ‘બુદ્ધિજીવી પ્રમાદ’ ને કારણે જ ગુમાવી બેસીશું, એમાં કોઈ સંશય નથી.

આ પૃથ્વી રમ્ય, રૌદ્ર પ્રકૃત્તિ અને માનવસર્જિત લલિતકલાઓથી સૌંદર્યમંડિત છે, અતિશય સુંદર છે. ફરીફરીને જન્મ લેવાનું મન થાય એવી છે. ધરા પરના કોઈ પણ પ્રદેશમાં જાઓ, દરેક ઠેકાણે અલગ, અલગ સંસ્કૃતિના લોકો પોતાની આગવી વેશભૂષા, લોકરુચિ, આભૂષણો, વાહનો, ઉદ્યોગો, ગૃહઉદ્યોગો, રીતભાત, સ્થાપત્ય, શિલ્પો, બાગ-બગીચા, ફળો, ફૂલો અને કેટકેટલાં નિસર્ગના અધધધ્ રૂપ…!  આ બધું જ જીવતું જાગતું મ્યુઝિયમ સમું જ તો છે..! અમેરિકાના શિકાગો શહેરને તો દીવાલો વગરનું મ્યુઝિયમ કહેવાય છે. આમ જુઓ તો આખી પૃથ્વી જ દીવાલો અને છત વિનાનું મ્યુઝિયમ નથી તો બીજું છે શું? આપણી કમનસીબી એ છે કે આપણે આ રોજિંદી જીવાતી ક્ષણોને પણ સંપૂર્ણપણે માણી શકતાં નથી. તાજમહલ, પિઝાનો મિનારો, ઍફિલ ટાવર, અનેક શહેરોના ધાર્મિક સ્થાનો અને એના સ્થાપત્યો, હિમાલય અને આલ્પ્સની પર્વતમાળાઓ, જ્વાળામુખીઓ, નદીઓ, ધોધ, સમુદ્રો, પ્રાણીઓ, પંખીઓ, અનેક લોકજૂથો…! વિશ્વરૂપ મ્યુઝિયમમાં કુદરતની કમાલ અને કુદરતસર્જિત મનુષ્યની કમાલનાયે દર્શન થાય.  પણ કોઈ માણસ સમગ્ર પૃથ્વીનું પર્યટન તો કરી શકે નહીં અને દરેક જગાના ભૂતકાળને જાણી શકે નહીં. ઘણું જાણવાનું છે, ઘણું માણવાનું છે. આ બધું જ માણતાં માણતાં જીવવાનું છે અને સાથે ઈતિહાસને જાણીને શીખવાનું છે. મ્યુઝિયમ આ બેઉ વચ્ચેના સેતુની ગરજ સારે છે. અનેરો આનંદ આપે એવા આ જગતના દર્શન મ્યુઝિયમો કરાવી શકે છે. શરત માત્ર એટલી જ છે કે જોવાં માટે દ્રષ્ટિ જોઈએ.

મ્યુઝિયમનો સમગ્ર વહીવટઃ

મ્યુઝિયમનો સર્વોચ્ચ અધિકારી ‘ક્યુરેટર’ – વસ્તુપાલ કહેવાય છે. મ્યુઝિયમનો બધો જ વહીવટ એને હસ્તક હોય છે. મ્યુઝિયમ માટેના વસ્તુસંચયથી માંડીને, એની જાળવણી, ગોઠવણી, મ્યુઝિયમની પ્રવૃત્તિઓને લગતું આયોજન, એનાં ઉત્થાન ને વિકાસ તથા આ બધું જ સમુંસૂતરું પાર પાડવા માટેની આર્થિક વ્યવસ્થા અને યોગ્ય સ્ટાફ જાળવવાની જવાબદારીઓ આ ક્યુરેટર પર જ હોય છે. અલબત્ત, એને અનેક મદદનીશો તો હોય જ પણ છેવટે, ક્યુરેટર પર જ મ્યુઝિયમનો કારભાર નિર્ભર છે. એક તરફ કાયમી પ્રદર્શનની કાળજી રાખવાની, બીજી તરફ લોકોની અપેક્ષાઓ પુરી કરવાની, અને ત્રીજી તરફ સંસ્થાનો વહીવટ સુપેરે ચાલે એને માટે યોગ્ય ફંડની વ્યવસ્થા પર ધ્યાન આપવાનું, આ બધું ધારો છો એવું સહેલું નથી. (આજના સમયમાં તો દરેક મ્યુઝિયમની વેબસાઈટ જાળવી અને ઓન-લાઈન માર્કેટિંગ પણ કરવાની, ને સોશ્યલ મિડીયાની પ્રેઝન્સને પણ આકર્ષક રીતે લોકો સામે રજુ કરવાની એક વધુ જવાબદારી ઉમેરાઈ છે.) આ બધું તો જ થઈ શકે જો ક્યુરેટર પાસે યોગ્ય શિક્ષણ હોય, એટલું જ નહીં પણ દેશ-દુનિયાના ઈતિહાસ, ભૂગોળ, ધર્મ, સંસ્કૃતિ અને લોકજીવનનું જ્ઞાન હોય. ક્યુરેટરનું દૂરંદેશી અને કુશળ વહીવટકર્તા હોવું ખૂબ જરૂરી છે. ક્યુરેટર પાસે પ્લાનીંગ કરવાની ક્ષમતા અને વીઝન ન હોય તો મ્યુઝિયમોને જૂના પુરાણા સામાનની દુકાન બની જતાં વાર નથી લાગતી. મ્યુઝિયમ માટે નવી નવી વસ્તુઓ પસંદ કરીને તેને માટે જરૂરી અભ્યાસુઓને અને સામાન્ય માણસોને રસ પડે એવી માહિતી ભેગી કરવાની અને આ વસ્તુઓને લાંબા સમય સુધી જાળવણી કરવાનું પ્લાનીંગ ન કરી શકાય તો મ્યુઝિયમો રસપ્રદ રહેતાં નથી. એક મોટી જવાબદારી યોગ્ય સમયે, યોગ્ય માર્કેટિંગ કરવાની પણ આ વસ્તુપાલને માથે જ છે. એક રીતે કહો તો આ બધા ગુણો સાથે ક્યુરેટરને પ્રાચીન-અર્વાચીન વસ્તુઓની સમજણ, કલાત્મક વસ્તુઓની પરખ અને એની ખરીદારી કરવાની સૂઝબૂઝ તથા મુલાકાતીઓની સમજ પ્રત્યેની સજાગતા તથા લોકમાનસની નાડની જાણકારી હોવી જરૂરી છે. મ્યુઝિયમના ભાવિ ધ્યેયની સમજણ અને ઉત્સાહ હોવા પણ એટલા જ આવશ્યક છે. કોઈ એક વ્યક્તિમાં આ બધાં જ ગુણો હોય એવું ભાગ્યે જ બને. આથી કરીને ક્યુરેટરને પોતાની સાથે સક્ષમ ટીમ ઊભી કરતાં આવડવી જ જોઈએ. નહીં તો આ બધાં કામ સરખી રીતે પાર પડે નહીં. મ્યુઝિયમને કોઈ પ્રતિભાશાળી, સતત કાર્યરત રહીને, મ્યુઝિયમના સ્ટાફ, મ્યુઝિયમના બોર્ડ મેમ્બર્સ અને સરકારના અધિકારીઓ સાથે એક ટીમની જેમ કામ કરનાર ક્યુરેટર મળે એ સમાજનું અને મ્યુઝિયમનું સદભાગ્ય છે.

(વધુ આવતા બુધવારના અંકે)

(પરિચય ટ્રસ્ટની પરિચય પુસ્તિકા પ્રવૃત્તિની અંતર્ગત પ્રકાશિત, પરિચય પુસ્તિકા ૧૧૨૮, “વિખ્યાત મ્યુઝિયમ્સ” ના સૌજન્યથી, સાભાર –આમાં સંપાદક તરફથી સોશ્યલ મિડીયાનો ઉલ્લેખ કરવાની છૂટ લેવામાં આવી છે જેથી મ્યુઝિયમ માટે લખાયેલા આટલા સુંદર સંશોધન લેખને આજના જમાનાના પરિપેક્ષ્યમાં માણી શકાય એ બદલ લેખકનો આગોતરો આભાર માનું છું)

1 thought on “લલિતકળાઃ મ્યુઝિયમ્સ – (૬) – જયા મહેતા – સંપાદનઃ સુરેશ દલાલ

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s