બે કાંઠાની અધવચ —— પ્રીતિ સેનગુપ્તા
(૧૩)
અમેરિકામાં આવીને, બેએક વર્ષ જેવું, એકલાં નિરાંતે રહેતાં રહેતાં, સુજીત બદલાયો તો હતો જ. જેમકે, એની ખાવાની ટેવમાં ફેર પડ્યો હતો. હજી શાકાહારી તો રહ્યા છે, પણ કેવી કેવી વસ્તુઓ ભાવવા લાગી ગઈ છે એમને. ડોનટ, ને બેગલ, ને મફીન. આ બધું વળી શું છે?
અને પિત્ઝા તો બહુ જ ભાવતા થઈ ગયા છે. કેતકીને ગળે ના ઊતરે. એ કહે, સરસ શેકેલી ભાખરી કરી આપું. એ ખાઓ ને. સુજીત હસે. વિચારે, કે નાની જગ્યામાંથી આવી છે ને. એને મૉડર્ન ટેવો નથી પડી.
એવી જ રીતે, સિનેમા જોવા જાય એટલે સુજીતે પૉપકૉર્ન અને કોકાકોલા તો ખરીદવાં જ પડે. એ કેવી ટેવ?, કેતકી પૂછે. એ સિવાય શું ફિલ્મ નહીં જોવાય? પણ સુજીત એનું સાંભળે નહીં. અહીં તો આ જ રિવાજ છે. તું જો, કે કેટલાં બધાં જણ આવું લઈને જ જાય છે અંદર. કેતકીને પૉપકૉર્ન અને કોલા લેવા એ જોર કરે. કેતકી થોડા પૉપકૉર્ન હાથમાં રાખે, કોલાના બેએક ઘુંટડા લે, ને કહે, કે બસ, આનાથી વધારે હું ખાઈ જ નહીં શકું.
બહુ ચેનચાળાવાળી કે પ્રેમદૃશ્યોવાળી ફિલ્મ જોતાં કેતકી મનમાં સંકોચાય. પણ સૌથી વધારે નાપસંદ હોય તો તે સુજીતનું વર્તન. હૉલમાં અંધારું થાય એટલે જાણે એને મૂડ આવી જાય. ફિલ્મ જોતાં જોતાં એ કેતકીનો હાથ તો પકડે, પણ એને પાસે ખેંચે, એને કિસ કરે. શારીરિક સંપર્ક બરાબર છે, પરણ્યા પછી, પણ જાહેરમાં? કેતકી ગભરાય, કે બહાર કાઢી મૂકશે.
સુજીત હસે. અરે, આ તો અંધારામાં છે. આને જાહેર ના કહેવાય. અને પછી ઘેર પહોંચે ત્યારે પણ આ મૂડ ચાલુ રહ્યો હોય. એ રાતે સુજીતની પ્રેમ-ક્રીડા વધારે ઉત્તેજિત થયેલી લાગે. સુજીતના આવા વર્તન પ્રત્યેની પોતાની અકળામણ કેતકી એને જણાવી નહતી શકતી.
જોકે પછી એવું પણ બને, કે અણગમાની યાદ મનમાંથી સાવ નીકળી જાય. એક શુક્રવારે, સુજીત ઑફીસે ગયો પછી, લગભગ રોજની ટેવ પ્રમાણે, કેતકી બેઠી બેઠી ગાતી હતી. એના ખોળામાં ગીતોની નોટબૂક હતી. થોડી વાર પછી ફ્લૅટનું બારણું ખૂલવાનો અવાજ આવ્યો, ને ગભરાઈને એ બૂમ પાડી ઊઠી, કોણ છે? કોણ છે?
અરે, આટલી ગભરાઈ ગઈ?, કહેતો સુજીત અંદર આવ્યો.
તમે પાછા આવ્યા? તબિયત તો– કાંઈ થયું નથી ને?
સૉરી, તને ચમકાવી દીધી. મેં તો તને સરપ્રાઇઝ આપવા ધાર્યું હતું, કહીને કેતકીને એણે ઊભી કરી, બાથમાં લીધી, અને કહ્યું, ચાલ, આપણાં બબ્બે જોડી કપડાં જલદી બૅગમાં મૂકી દે. આપણે ક્યાંક જઈએ છીએ.
સુજીતે અડધા દિવસની રજા લીધેલી, ગાડી ભાડે કરેલી, અને કેતકીને દરિયા-કિનારે બે દિવસ રહેવા લઈ જતો હતો. કેમ, દરિયા પાસે જવું ગમે છેને તને.
તમને યાદ છે એ?, કેતકી ગળગળી થઈ ગઈ.
ચોક્કસ યાદ છે. તને હજી અમેરિકાનો દરિયો બતાવ્યો નથી, તે પણ ખ્યાલમાં જ હતું, પણ મને એમ, કે અમેરિકામાં તારી પહેલી વર્ષગાંઠની ઉજવણી આપણે ખાસ જગ્યાએ, ખાસ રીતે કરીએ.
ખાસ્સું અઢી-ત્રણ કલાક દૂર જવાનું હતું. કહેવાય એક ન્યૂજર્સી સ્ટેટ, પણ જગ્યાઓ આટલી દૂર?
એકસો માઇલથી વધારે લાંબું છે આ સ્ટેટ. એનો દરિયા-કિનારો પણ લાંબો છે, ને થોડા નજીક પણ ક્યાંક જઈ શકાત, પણ સાઉથ જર્સીમાં આ જગ્યા વખણાય છે. અહીં મોજાં જૅન્ટલ હોય છે. અરે, તેં સ્વિમિન્ગ કૉશ્ચ્યુમ લીધું છે કે ભૂલી ગઈ?
જે પતિ આવો પ્રમ કરતો હોય, એને માટે અકળામણ કે ચીડ લાંબો સમય રહે જ ક્યાંથી?
ધીરે ધીરે, દિવસ દરમ્યાન, કેતકી પોતાની મેળે, ઘરની પાસેના બજારમાં જવા માંડી. પોસ્ટ ઑફીસમાં કાગળ પોસ્ટ કરવો, કે દુકાનમાંથી દૂધનું કાર્ટન ખરીદી લાવવું. પછી આગળ જરાક વધારે ચાલો, તો નાનો પાર્ક આવતો. અહીં થોડે થોડે અંતરે બાગ કરવાની પ્રથા ગજબની છે, એને થતું. દરેક જણ માટે કેવી સરસ સગવડ, અને મોકળાશ. એવાં સરસ ઝાડ, એટલી સરસ લીલોતરી. બધું ચોખ્ખું, અને સેફ. અહીં એકલી છોકરીને ય કશી કનડગત નહીં. ગીતો ગણગણતી, એ ક્યારેક બૅન્ચ પર થોડી વાર બેસતી.
અને કેવું સદ્ભાગ્ય, કે લાયબ્રેરી પણ નજીકમાં હતી. અહીં પુસ્તકો પાર વિનાનાં છે, અને કેટકેટલી જાતનાં મૅગૅઝીન મંગાવાતાં લાગે છે અહીં તો. દુનિયા આખીનાં, અગત્યનાં બધાં છાપાં પણ જોવા મળે છે. કેતકી કલાકો ત્યાં પસાર કરતી, અને જુદાં જુદાં મૅગૅઝીનોમાં જાતજાતના લેખો વાંચતી.
એમ કરતાં, એના વાંચવામાં, દુનિયાની વિભિન્ન પ્રજાએ કરેલાં સ્થળાંતર વિષેનો લેખ આવેલો. આવા વિષયની કલ્પના પણ બધાંને ના આવે. પણ રીસર્ચ કરનારાં અને સ્કૉલરો કેવી ઝીણવટથી આભ્યાસ કરતાં હોય છે. શું લાયબ્રેરી છે. દુનિયામાં હશે તે બધું અહીં બેઠાં બેઠાં જાણી શકાય, કેતકી સંતોષપૂર્વક વિચારતી.
નજીકમાં એકલાં જવાનો આત્મવિશ્વાસ વધતો ગયો તેમ, કેતકી આસપાસની વધારે જગ્યાઓ જાણવા લાગી. સામેની તરફ એક મોટું મકાન હતું. એક વાર એ તરફ જઈને જોયું તો ઉપર વાય.ડબલ્યુ.સિ.એ. લખેલું હતું. ઓહો, વાય.નું આટલું મોટું મકાન હોય છે અહિંયાં. અંદર કેવું છે, એવા કુતૂહલથી એ જોવા ગઈ. કાઉન્ટર પર બેઠેલી બહેને એને તરત, કમ ઇન, કમ ઇન, કહીને આવકારી. અજાણ્યાંની સાથે પણ આવા ફ્રૅન્ડલિ હોય છે આ લોકો. કેતકીને બહુ સારું લાગ્યું.
ત્યાં પડેલાં ચોપાનિયાં કેતકી જોતી હતી, એમાં એણે સ્વિમિન્ગ ક્લાસ વિષે વાંચ્યું. પાણીના સંદર્ભે, તરત એને દરિયો યાદ આવ્યો. દરરોજ દરિયા પાસે તો ના જવાય, તો સ્વિમિન્ગપુલ સુધી તો જાઉં, એણે વિચાર્યું. પેલી બહેનને એ વિષે થોડું પૂછ્યું, ને સાંજે સુજીતને વાત કરી. આ હાથ પકડીને દરિયામાં જરાક જવાની વાત નથી, ખબર છેને? પાણીમાં તરવાનું જુદું છે. બીક નહીં લાગે ને? પણ કેતકીએ કહ્યું, કે એક વાર ટ્રાય નહીં કરું તો કઈ રીતે ખબર પડશે?
બસ, પછી કેતકીનો દિવસ બહુ ખુશીમાં જવા લાગ્યો. ગીતો ગણગણવાનું પણ વધી ગયું. ને પેલું સ્વિમિન્ગ કૉશ્ચ્યુમ કેટલું કામે લાગી ગયું. પુલ દરિયા જેવો અસીમ તો નહતો જ, ને તરતાં શીખવાડનારની સતત હાજરી પણ હતી. કેતકીને પાણીમાં જતાં બીક ના લાગી, અને તરતાં શીખી જતાં પણ બહુ વાર ના થઈ.
સુજીત નવાઇ પામી ગયેલો. એને થયું, કે આ છોકરી ધારે તે કરી શકે છે. જુઓને, રસોડું કેવું સંભાળી લીધું, બધાં મશીન વાપરતાં આવડી ગયાં. રોજ એને કેતકીની પ્રશંસા કરવાનું કારણ મળતું, અને રાતે રાતે પોતાનો એ ભાવ દૈહિક આવેગથી વ્યક્ત કરતો. નવા જીવનની કંઇક એકલતા અને અગવડો છતાં, કેતકી માટે જાણે હનીમૂનનો કાળ ચાલુ હતો. રોજ રાતનો દેહ-સંપર્ક એને જચતો નહીં, પણ એ સિવાય સુજીત માટે ખાસ કશી ફરિયાદ નહતી.
એક દિવસ સ્વિમિન્ગ પુલમાં એણે ઇન્ડિયન જેવી લાગતી એક છોકરીને સ્વિમિન્ગ કરતી જોઈ. કેતકીને બહુ નવાઈ લાગી, કારણકે અત્યાર સુધી એણે અમેરિકન સ્ત્રીઓને જ તરવા આવતી જોયેલી. ખરેખર ઇન્ડિયન હશે? હિસ્પાનિક કહેવાતા સ્પૅનિશ લોકો પણ, ઘણી વાર, ઇન્ડિયન જેવા લાગતા હોય છે.
તરી લીધા પછી શાવર રૂમમાં એ છોકરી પણ તૈયાર થઈ રહી હતી. કેતકીની સામે જોઈને, તરત, એ જ પહેલાં હસી. આમ પહેલ કરનાર ઇન્ડિયન બહુ જોવા ના મળે, કેતકીએ વિચાર્યું. બહુ સરસ હશે એનો સ્વભાવ.
એ છોકરી કહેતી હતી, તમને જોઈને મને થયું, કે તમે ઇન્ડિયન જ છો. બરાબર ને? પણ તમને અહીં જોયાં આજે જ.
હવે કેતકીએ પણ હસીને કહ્યું, મેં પણ તમને આજે જ જોયાં.
પછી ઉતાવળે કહે, હું નજીક જ રહું છું. આવજો મારે ત્યાં. સાથે ચ્હા પીશું. મને કંપની મળશે.
વાય.ની બહાર નીકળતાં ફરી એણે કહ્યું, ઓહ, મારું નામ કેતકી છે.
છોકરીએ કહ્યું, મારું નામ વામા છે.
વામાનું હસતું મોઢું કેતકીને બહુ ગમી ગયું હતું. એનો ફોન નંબર એણે વાય.માંથી નીકળતી વખતે જ લઈ લીધો. એટલું જ નહીં, પોતાનો ફોન નંબર પણ એક કાગળ પર લખીને એને આપ્યો, અને પૂછી પણ લીધું, અમારે ત્યાં આવશો ને? ક્યારે આવશો?
થૅન્ક્સ, હું જરૂર આવીશ. પણ એક વાત નક્કી રાખીએ.
કેતકી ચિંતામાં પડી ગઈ, મેં કાંઈ ખોટું કહી દીધું?
વામાએ એ જ પ્રિયકર સ્મિત સાથે, કેતકીના ખભા પર હાથ મૂકીને કહ્યું, કેતકી, હું તો તને તું કહીશ જ, પણ તારે પણ મને તું કહીને જ બોલાવવી પડશે. તમે-તમે કરીશું તો બહેનપણીઓ કઈ રીતે કહેવાઈશું?
જરા સંકોચ સાથે કેતકીએ કહ્યું, હું ટ્રાય કરીશ.
સારું, અને હું તને ફોન કરીશ, કે ક્યારે ચ્હા પીવા આવીશ.
બંને છૂટાં પડ્યાં ત્યારે, કેતકીને ચાલીને જતી જોઈને, વામાએ તરત કહ્યું, ઓહ, મને ખ્યાલ નહીં, કે તું ચાલતી ઘેર જવાની છું. ચલ, હું ઉતારી દઉં.
ઓહ, તમે — ઓહ, તું ગાડી ચલાવીને આવી છું? ફાવે છે અહીં? ડર નથી લાગતો?
વામાએ કહ્યું, ભઈ, સરખું શીખી જાઓ, ને બધા નિયમો જાણી લો, પછી ગાડી ચલાવવામાં કશી મુશ્કેલી નથી. રસ્તાઓની જાણ હોવી જોઇએ. બાકી તો, જેમ બીજે ક્યાંક ચલાવો તેમ અહીં ચલાવો.
કેતકી બોલી નહીં, કે એ ગાડી ચલાવતાં શીખી જ નથી. ઇન્ડિયામાં, એને ત્યાં ગાડી હતી જ ક્યાં? દરેક પાસે ગાડી હોય, અને દરેક જણ ચલાવતાં શીખે જ, એવું એણે અત્યાર સુધી જોયું કે જાણ્યું જ નહતું. હવે એને થયું કે ક્યારે ગાડી થશે પોતાની? એટલેકે સુજીતની? ને એ ક્યારે શીખી લેશે ચલાવતાં?
વામા આગળ એ પોતે સાવ અણઘડ, ને સાવ સાધારણ હોય તેવી લાગી. એને ઇન્ફિરિયૉરિટી જેવો ભાવ થઈ આવ્યો. પણ વામા કહેતી હતી, અહીં, એટલેકે આ દેશમાં, મોટર પર બધાં વધારે પડતો આધાર રાખતાં થઈ જાય છે. તે ખોટું છે. લોકોને ચાલવાની ટેવ જ નથી રહેતી, પછી એમની હૅલ્થ પર પણ અસર થાય છે લાંબે ગાળે.
હા, દેશ છે અત્યંત મોટો, એટલે વાહન વગર છૂટકો પણ નથી. તોયે જાહેર વાહનો લઈ શકાય. આ હું જ છુંને, આવો એક દાખલો. મારે ઘેરથી બસ લઈને અહીં આવી શકાય, પણ ના, હું ગાડી લઈને જ આવું છું. તું ચાલે છે તે બહુ સારું છે. મને તારી ઇર્ષા થાય છે.
મને પટાવવા કહ્યું આ બધું, હું જાણું છું, કેતકી બોલી, ને બંને ખૂબ હસ્યાં.
એ સાંજે સુજીતને એણે વામા વિષે કશું કહ્યું નહીં. જરૂર મળીશું, એમ એ બોલી હતી તો ખરી, પણ કોણ જાણે ફરી મળશે કે નહીં. જોકે કેતકીએ મનમાં બહુ આશા રાખી, કે વામા સાથે ફરીથી મળવાનું થાય, ઘણી વાર થાય.
અમેરીકામા નવા નવા આવેલના અનુભવોનુ સરસ વર્ણન
LikeLike