શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –પંદરમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ
પ્રથમ સ્કંધ – પંદરમો અધ્યાય – શ્રી કૃષ્ણના વિરહથી વ્યથિત પાંડવોનું પરીક્ષિતને રાજ્ય સંપીને સ્વર્ગે સિધાવવું
(પ્રથમ સ્કંધના ચૌદમા અધ્યાયમાં આપે વાંચ્યું કે, ઘણાં મહિનાઓ વિતી ગયા છતાં, મહાભારતના યુદ્ધ પછી દ્વારકા પાછા ગયેલા યાદવબંધુઓ, બળરામ, ઉદ્ધવજી અને શ્રી કૃષ્ણના કોઈ ખબર અંતર નહોતા આથી યુધિષ્ઠિર સમેત પાંચેય પાંડવો ચિંતિત હતા. ધર્મરાજ ત્યારે, શ્રી કૃષ્ણના પરમ સખા અર્જુનને આદેશ આપે છે કે એ સ્વયં દ્વારકાનગરીમાં જઈને શ્રી કૃષ્ણ અને સહુ યાદવબંધુઓના આનંદમંગળની ખબર લઈ આવે અને એ સાથે પ્રભુની પાંડવો માટે આગળ શું આજ્ઞા છે એ પણ વિગતવાર પૂછતા આવે. મોટાભાઈની આજ્ઞા પ્રમાણે અર્જુન દ્વારકા પહોંચે છે. આ વાતને સારો એવો સમય વિતી ગયો છે છતાં અર્જુન પાછો ન ફરતાં હસ્તિનાપુરમાં યુધિષ્ઠિરને અપશુકન થવા માંડે છે અને અમંગળના એંધાણ વર્તાય છે. અર્જુનની ભાળ કાઢવા ધર્મરાજ ભીમને મોકલવાનો વિચાર કરે છે અને ભીમ જાય એ પહેલાં જ અર્જુન પાછા વળે છે, હતપ્રભ અને અત્યંત વ્યાકુળ વ્યથિત તથા નિસ્તેજ થઈને. યુધિષ્ઠિરને ફડકો બેસી જાય છે કે નક્કી કશુંક અઘટિત બની ગયું છે, શ્રી હરિ સાથે, એના સિવાય અર્જુન આટલી બધી માનસિક પીડાથી પીડિત ન હોય. છતાં પણ, પોતે ગળામાં ડુમો ભરાયેલો હોવાથી સદંતર નિઃશબ્દ બનેલા અર્જુનની આ હાલત માટે મહારાજ અનેક તર્ક-વિતર્ક આપે છે પણ અંતે એમને અર્જુનના મૌન આંસુની ભાષા સમજાય છે. એમને થાય છે કે હોય ન હોય, પણ અર્જુન એના પરમપ્રિય, અભિન્ન-હ્રદય, પરમ સખા શ્રી કૃષ્ણ વિનાનો થઈ ગયો છે. તે સિવાય બીજું કોઈ કારણ એની આ દશાનું અને વેદનાનું હોય શકે જ નહીં. હવે અહીંથી વાંચો આગળ પંદરમો અધ્યાય)
સૂતજી કહે છે- ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય સખા અર્જુન એક તો પહેલેથી જ શ્રી કૃષ્ણના વિયોગથી કૃશ થઈ ગયા હતા અને અનહદ દુઃખી હતા. એમાં વળી વિષાદગ્રસ્ત મહારાજે શંકા-કુશંકા કરતાં અનેકાઅનેક પ્રશ્નો પૂછતા રહ્યાં જેનો કોઈ જવાબ અર્જુન આપી શકતા નહોતાં. કૃષ્ણના શોકને કારણે એમના મુખ અને હ્રદયકમળ શોષાઈ ગયા હતાં. એમનો ચહેરો નિસ્તેજ થઈ ગયો હતો. શ્રી કૃષ્ણથી સદા સારુ વિખૂટા પડી જવાને કારણે તેઓ વ્યાકુળ તો હતા જ. અને, એમાં એમને, મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણનું રથ હાંકવું, કલાકો સુધી મૈત્રીભરી વાતો કરતાં રહેવાનું અને ભવિષ્યની ધર્મની અને પ્રજા કલ્યાણની ચર્ચા કરતાં રહેવાનું સતત સ્મરણ થયા કરતું હતું. શ્રી હરિનો એ સખાભાવ અને સ્નેહ યાદ આવ્યા કરતો હતો. મહામુશ્કેલીથી શોકાવેગને ખાળીને, આંસુ લૂછીને, એમણે પછી રૂંધાયેલા કંઠે મોટાભાઈ યુધિષ્ઠિરને વિગતવાર વૃતાંત કહે છે.
અર્જુન યુધિષ્ઠિરને કહે છે- હે મહારાજ, પ્રભુએ મારા ઘનિષ્ઠ મિત્રનું રૂપ ધારીને અને મારા મામાના દીકરા, બંધુ બનીને મને છેતર્યો છે એવું જ લાગ્યા કરે છે. મારી પાસેથી મારું પરાક્રમ એમણે છીનવી લીધું છે. શ્રી કૃષ્ણ હવે નથી રહ્યાં અને એથી જ મને આ મારા શરીરમાંથી જાણે પ્રાણ હરાઈ ગયો હોય તેવું લાગે છે. આ સંસાર સમસ્ત મને મૃતપ્રાયઃ લાગે છે કારણ આ જગત હવે પ્રભુથી વંચિત બની ગયું છે. જેમની હાજરી અને માર્ગદર્શનથી મેં દ્રૌપદી સ્વયંવરમાં એકાગ્રચિત્ત બનીને મત્સ્યવેધ કર્યો અને એમની પ્રિય સખી દ્રૌપદીને મેળવી હતી. જેમની સંનિધિ-માત્રથી મેં સમસ્ત દેવતાઓ સહિત ઈન્દ્રને જીતીને અગ્નિદેવને તેમની તૃપ્તિ માટે ખાંડવવનનું દાન કર્યું હતું, એટલું જ નહીં, મયદાનવે રચેલી માયામયી સભા મેળવી હતી. જેમના કારણે જ, આપણે સદા ધર્મના માર્ગે રહ્યાં અને અનેક નાનામોટા રાજાઓએ અનેકવિધ ભેટો તમારે ચરણે ધરી હતી, એ કૃષ્ણથી આજે હું જુદો પડી ગયો છું. એમના માર્ગદર્શનથી જ ભીમસેને અનેક રાજાઓના માથા પર પગ મૂકનારા ઘમંડી રાજા જરાસંઘનો વધ કર્યો અને મહભૈરવના યજ્ઞમાં બલિ આપવા બંદી બનાવેલા અનેકાઅનેક રાજવીઓને છોડાવ્યા, એ કૃષ્ણથી આજે હું વિખૂટો પડી ગયો છું. રાજસૂયયજ્ઞના મહાભિષેકથી પવિત્ર થયેલાં દ્રૌપદીના કેશને ખેંચીને દુષ્ટ કૌરવોએ એનું ચીરહરણ કરવાનું દુઃસાહસ કરતાં, પોતાની સખી દ્રૌપદીના નવસો નવાણું ચીર જેણે પૂર્યા, એ શ્રી કૃષ્ણથી હું વંચિત થઈ ગયો છું. આપણા વનવાસ વખતે, આપણા શત્રુ દુર્યોધનના કહેવાથી પોતાના દસ હજાર શિષ્યો સહિત ભોજન કરવા પધારેલા એ મહાઋષિ દુર્વાસા** અને એમના વિદ્વાન શિષ્યોને દ્રૌપદીના પાત્રમાં વધેલા એક માત્ર કણનો જ પકવાન અને દસ મિષ્ટાનનો ભોગ લગાવીને આકંઠ તૃપ્તિનો સહુને અનુભવ કરાવ્યો હતો એવા મારા પરમ સખાથી આજે હું છુટો પડી ગયો છું.
(મહાઋષિ દુર્વાસા** એક વાર રાજા દુર્યોધન મહર્ષિ દુર્વાસાની ઘણી સેવા કરી. તેથી પ્રસન્ન થઈને મુનિએ દુર્યોધનને વરદાન માગવા કહ્યું. તે સમયે, પાંડવોનો વનવાસ હતો. ઋષિના શાપથી પાંડવોનો નાશ કરવાની સારી તક છે એવું વિચારીને દુર્યોધને મુનિને કહ્યું – ‘હે બ્રહ્મન્! અમારા કુળમાં યુધિષ્ઠિર મુખ્ય છે, તમે પોતાના દસ હજાર શિષ્યો સહિત તેમનું આતિથ્ય સ્વીકારો; પરંતુ ત્યાં તમારે એ સમયે જવું કે જ્યારે દ્રૌપદીએ ભોજન કરી લીધું હોય. જેથી તેને ભૂખની પીડા વેઠવી ન પડે.’ દ્રૌપદી પાસે સૂર્યએ આપેલું એવું અક્ષયપાત્ર હતું કે જેમાં રાંધેલું અન્ન દ્રૌપદી ભોજન કરી લે તે પહેલાં ખૂટતું ન હતું. આ બાજુ, દુર્વાસા તો પોતાના દસ હજાર શિષ્યમંડળ સાથે પહોંચ્યા અને ધર્મરાજને કહ્યું, ‘અમે નદીને કિનારે સ્નાન કરીને આવીએ છીએ. અમે ભોજન કરીને જ જઈશું.’ હવે ધર્મરાજ, પાંડવો અને દ્રૌપદી સહુ ચિંતામાં પડ્યાં કે હવે શું કરવું. દ્રૌપદીએ એના સખા શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું અને એમનું શરણ માગ્યું. આર્તબંધુ ભગવાન તરત જ પોતાનું વિલાસભવન છોડીને દ્રૌપદીની ઝુંપડી પર હાજર થયા અને દ્રૌપદીને કહ્યું કે, ‘કૃષ્ણા, મને ભૂખ લાગી છે. ખાવાનું આપ.’ દ્રૌપદી ગદગદ થઈ ગઈ અને કહે, ‘પ્રભુ, હું ધન્ય થઈ ગઈ પણ શું કરું? મેં તો ખાઈ લીધું, હવે એ પાત્રમાં કંઈ બાકી નથી રહ્યું’ અને આગળ કહ્યું કે, ‘હે વિશ્વંભર, હું ધન્ય થઈ ગઈ કે આપે મારી પાસે અન્ન માંગ્યું પણ કુટિરમાં કંઈ જ બચ્યું નથી અને દુર્વાસામુનિ એમના દસ હજાર શિષ્યો સાથે આવ્યા છે. હાલ તો નદીએ સ્નાન કરવા ગયા છે પણ એમને હું શું આપીશ, એની ચિંતા, સખા મને સતાવી રહી છે.’ શ્રી કૃષ્ણ કહે, ‘એની ચિંતા ન કર. તું પેલું અક્ષયપાત્ર લઈ આવ.’ વિશ્વાત્માએ એ પાત્રમાં બાકી રહી ગયેલા એક અન્નના કણને પાંચ પકવાન અને દસ મિષ્ટાન સમજીને ભોગ લગાવતાં જ ત્રિલોક આખું તૃપ્ત થઈ ગયું. ત્યાં સુધી સ્નાન કરીને, પોતાના શિષ્યગણ સહિત પાછા પાંડવોની કુટિરમાં આવી રહેલા દુર્વાસા ઋષિ અને શિષ્યમંડળને પણ એવો ભાસ થયો કે એમણે દ્રૌપદીની કુટિરમાં જ આ પાંચ પકવાન અને દસ મિષ્ટાનનું ભોજન કર્યું છે. તેઓ પાંડવોને આશીર્વાદ આપીને પોતાના આશ્રમ તરફ વળી ગયા. )
અર્જુન કહે છે કે ‘જેમની સહાય વિના ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણ જેવા અજેય યોદ્ધાઓને જીતવા શક્ય નહોતા, એ ભગવાન હવે રહ્યા નથી. એમણે મને છેતર્યો છે, આમ આ ધરતી પર એમના વિના જીવવાની સજા આપીને! એમણે મારી અનેક નાદાની હસતે મોઢે અને ધીરજથી સહીને મારી મોહ પામેલી મતિને સાચી દિશા બતાવી. અને આમ અર્જુન શ્રી કૃષ્ણએ સતત કરેલી નાની મોટી સહુ સહાયને વર્ણવી રહ્યાં છે. આ કૃપાભરી મદદ યાદ કરતાં તેઓ અનુભવે છે કે હવે ભગવાનના જવાથી કાયમ માટે પાંડવો આ લોકમાં એમની કૃપાદ્રષ્ટિથી વંચિત થઈ ગયા છે. એમને થાય છે કે ભગવાન વિના હવે આ ઈહલોકમાં કેવી રીતે જીવવું શક્ય જ નથી.’
આમ, અર્જુનનો વિષાદયોગ અહીં ભાગવતપુરાણમાં, મહાભારતના કુરુક્ષેત્ર કરતાં જુદા પરિપેક્ષ્યમાં વ્યાસજી એમના મુખે જ રજુ કરાવે છે. ભાગવદગીતામાં કુરુક્ષેત્રના મેદાન પરનો વિષાદયોગ છે, યુદ્ધ ન કરવાનો અને હિંસા ન કરવા માટે. પણ, અહીં પ્રભુના વિયોગ સાથે ઉપજેલો આ વિષાદ એવો તો ગહન છે કે એમાંથી ઉગરવાનો કોઈ આરો દેખાતો નથી, કારણ, ઉગારનારા કૃષ્ણ જ હવે રહ્યા નથી.
આગળ અર્જુન સભામાં વિગત આપે છેઃ ‘હે રાજન!, તમે દ્વારકાવાસી પોતાના જે સુહ્રદોની વાત પૂછી રહ્યા છો, તેઓ બ્રાહ્મણોના શાપને લીધે મોહગ્રસ્ત થયા અને વારુણી મદિરાના પાનથી મદોન્મત્ત થઈને અંદરોઅંદર જ લડીને વિનાશ પામ્યા. માત્ર ચાર-પાંચ જ બચ્યા છે. વાસ્તવમાં સર્વશક્તિમાન ભગવાનની જ આ લીલા છે કે સંસારના પ્રાણીઓ એકબીજાનું પાલનપોષણ પણ કરે છે અને એકબીજાનો વિનાશ પણ કરે છે. જે રીતે મોટાં પ્રાણીઓ નાનાંને અને બળવાનો દુર્બળોને ભરખી જાય છે, તેમ જ મોટાં અને બળવાન પણ પરસ્પર એકબીજાને ભરખી જાય છે. આ જ રીતે અતિશય બળવાન અને મોટા યદુવંશીઓ વડે ભગવાને બીજા રાજાઓનો સંહાર કરાવ્યો. ત્યારબાદ, યદુવંશીઓનો જ આંતરકલહમાં નાશ કરાવ્યો. અને આમ પૃથ્વીનો ભાર ઓછો કર્યો.’
સૂતજી આગળ કહે છે કે- પ્રભુનો ઉપદેશ અને વચનો સદાયે દેશ, કાળ અને પ્રયોજનને અનુરૂપ જ હોય છે. અને આથી જ એનામાં હ્રદયના તાપ અને સંતાપને શાંત કરવાની શક્તિ હોય છે. અર્જુનને મનનો ઉભરો ઠાલવી લીધા પછી તેમની પ્રેમપૂર્ણ ભક્તિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોના અહિર્નિશ ચિંતનથી વધી ગઈ અને તેઓએ ભક્તિના વેગે, હ્રદયનું મંથન કરીને તેમાંથી તમામ વિકારોને બહાર કાઢ્યાં. આમ કરતાં જ એમને કુરુક્ષેત્ર પર ભગવાને આપેલું ગીતાજ્ઞાન સાંભરી આવ્યું, જેનું કાળ-વ્યવધાન અને કર્મવિસ્તારને કારણે પ્રમાદને લીધે થોડાંક દિવસો માટે વિસ્મરણ થયું હતું. આમ, ગીતાના બ્રહ્મજ્ઞાનની પ્રપ્તિથી તેમનું માયાનું આવરણ તૂટે છે અને અર્જુનને ગુણાતીત અવસ્થા પ્રાપ્ત થાય છે. આ જ કારણે, દ્વૈતનો સંશય નાશ પામે છે અને તેઓ શોકમાંથી ને જન્મ-મૃત્યુના ફેરામાંથી મુક્ત થયા.
આ બાજુ, ભગવાનના સ્વધામ ગમનનો અને યદુવંશીઓના સંહારનો વૃતાંત સાંભળીને નિશ્વલ મતિના યુધિષ્ઠિરે રાજપાટ પરીક્ષિતને સોંપીને સ્વર્ગારોહણનો નિર્ણય કર્યો અને એની તૈયારી કરવા માંડી. એમને સમજાઈ ગયું હતું કે પ્રભુના નશ્વર દેહના ત્યાગ પછી કળિયુગનો આરંભ થઈ ચૂક્યો હતો. ધર્મરાજથી કળિનો પ્રભાવ, આગળ ચૌદમા અધ્યાયમાં જોયું તેમ, છાનો નહોતો રહ્યો. એમણે અને સહુ પાંડવોએ પરીક્ષિતનો અખંડ ભૂમંડળમાં સમ્રાટ પદ પર હસ્તિનાપુરમાં અભિષેક કર્યો. મથુરામાં શૂરસેનાધિપતિના રૂપમાં અનિરુદ્ધના પુત્ર વ્રજનો અભિષેક કર્યો અને રાજકાજની જવાબદારીમાંથી મુક્તિ લીધી
પછી પ્રાજાપત્ય યજ્ઞ કરીને આહવનીય વગેરે અગ્નિઓને પોતાનામાં લીન કર્યા, અર્થાત ગૃહસ્થાશ્રમના ધર્મમાંથી મુક્ત થયા અને મમતા, મોહ ને અહંકારથી રહિત થઈને સઘળા સાંસારિક બંધનો ત્યજી દીધા.
તેમણે દ્રઢ ભાવનાથી વાણીનું મનમાં હવન કર્યું, મનનું પ્રાણમાં હવન કર્યું. પ્રાણનો અપાનમાં લય કર્યો. અપાનની ક્રિયા પણ થંભી ગઈ. તેનો મૃત્યુમાં લય કર્યો અને મૃત્યુનો પંચભૌતિક શરીરમાં લય કર્યો. આમ શરીર સાથેનું તાદાત્મ્ય છૂટી ગયું. પંચભૂતાત્મા શરીરનો ત્રિગુણમાં લય કર્યો, ત્રિગુણનો, પ્રકૃતિમાં, પ્રકૃતિનો જીવમાં અને જીવનો સ્વસ્વરૂપ પરમાત્મામાં લય કર્યો અને આ રીતે તેઓએ બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત થયા. આ પછી તેમણે શરીરે ચીર-વસ્ત્ર ધારણ કર્યા, અન્નજળનો ત્યાગ કર્યો, મૌન ગ્રહણ કર્યું અને કોઈનીયે રાહ જોયા વિના ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું.
ભીમસેન, અર્જુન વગેરે યુધિષ્ઠિરના નાના ભાઈઓએ પણ જોયું કે હવે પૃથ્વીમાં બધા લોકોને, અધર્મના સહાયક કળિયુગે પ્રભાવિત કરી દીધા છે, તેથી તેઓ પણ શ્રી કૃષ્ણ ચરણોની પ્રાપ્તિનો દ્રઢ નિશ્ચય કરીને પોતાના મોટાભાઈની પાછળ નીકળી પડ્યા. તેમણે જીવનના બધા જ લાભ સમ્યક્પણે મેળવી લીધા. અને ભગવાનના ચરણકમળને હ્રદયમાં ધારણ કરી લીધા. તેમની બુદ્ધિ, નિર્મોહ, નિર્લેપ અને અહંકારમાંથી એકદમ શુદ્ધ થઈને ભગવાન શ્રી કૃષ્ણના તે સર્વોત્કૃષ્ટ સ્વરૂપમાં અનન્ય ભાવથી સ્થિર થઈ, કે જેમાં નિષ્પાપ પુરુષો જ સ્થિર થવા પામે છે. પરિણામે, તેમણે તેમના વિશુદ્ધ અંતઃકરણથી સ્વયમેવ પરમ ગતિ પ્રાપ્ત કરી લીધી. દ્રૌપદીએ જ્યારે જોયું કે હવે પાંડવો નિરપેક્ષ થઈ ગયા છે ત્યારે તેઓ પણ અનન્ય પ્રેમથી ભગવાન શ્રી કૃષ્ણનું ચિંતન કરીને ભગવદ્ રૂપને પામ્યાં.
ભગવાનના પ્રિય ભક્ત પાંડવોના મહા પ્રયાણની આ પરમ અને માંગલ્યપૂર્ણ કથા જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક સાંભળે છે તે નિશ્ચિતપણે ભગવાનની ભક્તિ અને મોક્ષ પામે છે.
ઈતિ શ્રીમદભાગવત મહાપુરાણનો પ્રથમ સ્કંધનો નૈમીષીયોપાખ્યાને ”પાંડવસ્વર્ગારોહણં” નામનો પંદરમો અધ્યાય સમાપ્ત થયો.
શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.
વિચાર બીજઃ
૧. શું શ્રી કૃષ્ણ આ ધરા પર રહ્યા હોત લાંબા સમય સુધી તો પાંડવોએ કદી પણ પરીક્ષિતને રાજ્ય સોંપીને સ્વર્ગારોહણ કરવા માટે સંન્યાસ લેવાનો વિચાર કર્યો હોત?
૨. યુધિષ્ઠિરને બ્રહ્મ અવસ્થા પામવા પ્રાણ અને અપાનની ૯ સ્થિતિમાંથી પસાર થવું પડ્યું. એની સરખામણીમાં અન્ય પાંડવોને અને દ્રૌપદીને માત્ર ભક્તિ અને નારાયણના સ્મરણથી મુક્તિ મળી. એનું શું કારણ હોય શકે?
તકલિફ આપતી વાત છે કે ધર્મયુધ્ધ પછી પણ સદભાવના લાંબી ન ટકી.”એમને સમજાઈ ગયું હતું કે પ્રભુના નશ્વર દેહના ત્યાગ પછી કળિયુગનો આરંભ થઈ ચૂક્યો હતો.” એવું છે માનવ-મગજ.
જયશ્રીબેનનું ૨. વિચારબીજ સમજવા જેવું છે.
LikeLike
સુ શ્રી જયશ્રી વિનુ મરચંટ દ્વારા શ્રીમદ ભાગવત પુરાણ કથા માણવાની મઝા આવી
શ્રી કૃષ્ણ આ ધરા પર હોત તો પણ પાંડવોએ પરીક્ષિતને રાજ્ય સોંપીને સ્વર્ગારોહણ કરવા માટે સંન્યાસ લેવાનો વિચાર જરુર કરત.આધ્યાત્મિક દ્રષ્ટિએ શ્રી કૃષ્ણ સદા ન કેવળ ધરા પર પણ બ્રહ્માંડમા છે જ.તેમના મૃત્યુની લીલા એમના જ કુટુંબના પાપી કર્મો કર્યા તેના ફળ તેમણે પણ ભોગવવા પડે
પાંડવોને અને દ્રૌપદીને
અનન્યાશ્ચિન્તયન્તો માં જનાઃ ૫ર્યુપાસતે,
તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ્ !! ગીતાઃ૯/૨૨ !!
માત્ર ભક્તિ અને નારાયણના સ્મરણથી તેઓ કર્તા-પણાનો આગ્રહ ન રાખતાં ભોગોને ભોગવતા હતા,અને સારાં ફળો મેળવવાની કે નરસાં ફળ ટાળવાની ઈચ્છા કરતા ન હતા તેથી મુક્તિ મળી ત્યારે સત્યવાદી યુધિષ્ઠિરને અર્ધસત્ય સતત પાપની યાદ સતાવતી
જે તત્વને જ્ઞાનીયોગી અને કર્મયોગી પ્રાપ્ત કરે છે તે જ તત્વને ધ્યાનયોગી પણ પ્રાપ્ત કરી શકે છે.
બાહ્ય ૫દાર્થોને બહાર જ છોડીને અને નેત્રોની દ્દષ્ટિને બે ભ્રમરોની વચમાં સ્થિર કરીને તથા નાસિકામાં વિચારવાવાળા પ્રાણ અને અપાન વાયુને સમ કરીને જેની ઇન્દ્દિયો..મન અને બુદ્ધિ પોતાને વશ છે જે મોક્ષ ૫રાયણ છે તથા જે ઇચ્છા..ભય અને ક્રોધથી સર્વથા રહીત છે તે મુનિ સદા મુક્ત જ છે. (ગીતાઃ૫/૨૭)
૫રમાત્માના સિવાય બધા પદાર્થો બાહ્ય છે.બાહ્ય પદાર્થોને બહાર જ છોડી દેવાનું તાત્પર્ય એ છે કે મનથી બાહ્ય વિષયોનું ચિંતન ન કરવું. તેથી પ્રાણ અને અપાનની ૯ સ્થિતિમાંથી પસાર થવું પડ્યું.
LikeLike