“સંગીતનાં સગપણ: 4: એકમેવ રાસભાઈ ” – અમર ભટ્ટ


સંગીતનાં સગપણ: 4: એકમેવ રાસભાઈ

(આજે, ૮મી ઓક્ટોબરે, ગુજરાતી સુગમ સંગીત – કાવ્ય-સંગીતના એક પાયાના સ્તંભ એવા દિવંગત શ્રી રાસબિહારીભાઈ – સહુ ગુજરાતી સંગીતપ્રેમીઓના લાડલા ‘રાસભાઈ’ની પુણ્ય તિથિ છે. એ નિમિત્તે એમના શિષ્ય અને ગુજરાતી સુગમ સંગીત – કાવ્ય સંગીતનું સૂરીલું અને બહુ મોટું નામ એવા અમરભાઈ ભટ્ટ તરફથી આ લેખ મળ્યો એને હું ‘દાવડાનું આંગણું’ નું સદભાગ્ય માનું છું. રાસભાઈને શત શત નમન અને અશ્રુભરી શ્રદ્ધાંજલિ.)

ક્ષેમુભાઈને ત્યાં ‘શ્રવણમાધુરી’ નામની શ્રુતિ વૃંદનાં ગાયકોની ઍલપીની  શ્રવણ બેઠકમાં રાસબિહારી દેસાઈ (હવેથી રાસભાઈ કહીને ઉલ્લેખીશ)ના અવાજમાં  ‘આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર’ સાંભળ્યું હતું.  એ અવાજ સાંભળીને ટાગોર કહે છે તેવી અનુભૂતિ મને થઇ હતી- શુનિ શેઇ સૂર,સહસા દેખિતે પાઈ દ્વિગુણ મધુર આમાદેર ધરા – એ સૂર સાંભળીને પૃથ્વી છે તેનાથી બમણી સુંદર લાગવા માંડી. ત્યારે તો ખબર નહીં કે રાસભાઈ સાથે સંગીતનું આ સગપણ થશે. 2011માં કવિશ્રી ઉમાશંકર જોશીના જન્મશતાબ્દી વર્ષમાં એમના ઉપરના અમારા આલબમ ‘ગીતગંગોત્રી’ માં એક ગીત લેવાનું હતું –

સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી નવલખ તારાનાં ટોળાં ટળવળે રે જી

પૃથ્વી પગથારે ઢૂંઢે ભમતા અવધૂત કોઈ વિશ્વંભર ભરવા નયણે રે હો જી

એક અવધૂતી અવાજ એટલે કે રાસભાઈ એ રજૂ કરે એવી મારી ઈચ્છા હતી. હું થોડો સંકોચાતો હતો કે રાસભાઈને  મારા જેવા જુનિયર સ્વરકારનું સ્વરાન્કન ગાવા કઈ રીતે કહી શકાય! પણ રાસભાઈએ પોતાના અભિજાત વ્યક્તિત્વ દ્વારા મને જ નહીં પણ સૌ કોઈને એ મોકળાશ આપી હતી. મેં પૂછી નાખ્યું. ને એમણે હોંશપૂર્વક ફકીરી મસ્તીથી માત્ર એકતારા અને ડફ ઉપર એ ગાયું.  ‘મધરાતે સાંભળ્યો મોર’થી લઈને ‘સૂરજ ઢૂંઢે’ સુધીના રાસભાઈનો મેઘઘેઘૂર અવાજ ગુજરાતી સંગીતના પટ પર છવાયેલો છે ને રહેશે.

     રાસભાઈની સૌપ્રથમ યાદ આવે છે એક સંનિષ્ઠ  સંગીત શિક્ષક તરીકેની. એ   કહેતા : ‘ફીઝિક્સ હોય કે સંગીત, રાસભાઈ મૂળથી  શિક્ષકનો જીવ. બંનેમાં શિક્ષણ લગભગ સમાંતર ચાલ્યું. તફાવત એટલો જ કે એક (ફીઝિક્સ)માં વ્યવસાયવશ  ને બીજા(સંગીત)માં મિશનવશ!’ 1980માં મેં સુગમ સંગીત ગાવાની શરૂઆત કરેલી. હાર્મોનિયમ વગાડીને ગાવાનું તાજું શીખેલો. ક્ષેમુભાઈના કહેવાથી હું ભવન્સ ખાનપુરમાં એક શુક્રવારે ગયો. રાસભાઈએ ખૂબ પ્રેમથી મને આવકારી કૈંક ગાવા કહ્યું . મેં રાસભાઈનું જ સ્વરાન્કન ગાયું- ‘પાસપાસે તોય કેટલાં જોજન’. (જો કે હું નર્વ્સ હતો. આ જ ગીત ક્ષેમુભાઇ પાસે જેટલી સારું ગવાયેલું એટલું સારું રાસભાઈ અને એમના વર્ગ રૂબરૂ નહોતું ગવાયું.) પછી 5-6 વર્ષ દર બુધવાર અને શુક્રવાર ભવન્સ ખાતે રાસભાઈની નિશ્રામાં. એમના વ્યક્તિત્વની મહેંકના પ્રતીક જેવી એમની પ્રિય અગરબત્તીની સુવાસમાં રાસભાઈ પાસે શીખેલાં  ગીતો,ગઝલો,ભજનોથી મારી ડાયરી ભરાયેલી હતી. રાસભાઈએ  શબ્દગાન શીખવવાની પદ્ધતિ આપી- પહેલાં કાવ્યના શબ્દો લખાવે, એનો પાઠ કરે જેથી એનો લય અને એનું તાલનું વજન ખબર પડે. કવિ અને સ્વરકારનું નામ અચૂક લખાવે. આજકાલ એવું જોવા મળે છે કે કવિ/સ્વરકારની પરવાનગી લેવાનો વિવેક તો બાજુએ રહ્યો પણ કવિ કે સ્વરકારને તો એની રચના ગવાઈ જાય કે એનું ધ્વનિમુદ્રણ બહાર પડે પછી જ એની જાણ બહારથી થતી હોય છે. ત્યારે રાસભાઈ કવિ/સ્વરકારના આ નૈતિક અધિકાર (ફ્રાન્સમાં જેને droit morale કહે છે) માટે ખૂબ જાગૃત હતા. એ પછી રચના કોઈ રાગ પર આધારિત હોય તો એની માહિતી આપે, એ રાગનું કયા શાસ્ત્રીય કલાકારનું ધ્વનિમુદ્રણ પ્રાપ્ય છે- એની ગાયકીની શી ખૂબી છે વગેરે વાત એવી રસપૂર્વક માંડે કે મારા જેવાને એ રૅકોર્ડ ખરીદવાનું મન થાય. સાચો શિક્ષક માત્ર પોપટિયું જ્ઞાન નથી આપતો પણ વિદ્યાર્થીના મનની ક્ષિતિજનો અને કલાત્મક દ્રષ્ટિનો વિસ્તાર કરે છે. સૌથી અગત્યનું- રાસભાઈ ઉત્તમ સ્વરકાર હોવા છતાં એમણે પોતાનાં જ સ્વરાંકનો શીખવવાનો આગ્રહ ક્યારેય નથી રાખ્યો. દેશભરના જાણીતા કે ઓછા જાણીતા સ્વરકારોનાં ઉત્તમ સ્વરાન્કનો એ શીખવતા. આટલી બધી રચનાઓ શીખવવા પહેલાં એ આત્મસાત કરવી પડે. એમના પછીની પેઢીના સ્વરકારોની રચનાઓ પણ એ શીખવતા.   શિક્ષકે નવા પ્રવાહો માટે મનની બારી ઊઘાડી રાખવી જોઈએ એ પાયાની વાત એમણે પચાવેલી. એમણે 2004માં યોજેલો મારો એક કાર્યક્રમ એકંદરે સારો ગયો હતો પણ એમને કૈંક ખૂટતું લાગેલું. એમના લાક્ષણિક વ્હાલ સાથે મને કહે કે તું વકીલાતની વ્યસ્તતાને લીધે થાકેલો હોઈશ પણ ગાવા માટેની શ્વસન પ્રક્રિયા પર તારે ધ્યાન આપવું જોઈએ. પછી એના ઉપાય માટે શ્વાસની કસરતોનું એક પુસ્તક આપ્યું. એ પછી સમયાંતરે મને સાંભળીને મારો આત્મવિશ્વાસ વધાર્યો. રમેશ પારેખનું આ પદ હંમેશા રાસભાઈના સંદર્ભે હું યાદ કરું છું-

‘મારા રે ગુરુએ મારો ડૂમો દળી નાખ્યો,

કડવો અજંપો મારો કરુણાથી ચાખ્યો

લઘરવઘર મારી લાગણી પંપાળી

સતની કાંડીથી સંધી શંકા નાખી બાળી

આસ્થાને માંજી માંજી કીધી ઉજમાળી

મારા અંધાપામાં રૂડી ઊગાડી રે આંખ્યો’

2008-09માં દર શુક્રવારે પાછું ભવન્સ જવાનું ને રાસભાઈના વર્ગમાં બેસવાનું મન થયું. વકીલાતની વ્યસ્તતા વચ્ચે પણ હું થોડા શુક્રવાર ગયો. હું રમૂજમાં કહેતો કે મારે ‘Fridays with Rasbhai’ છે. (અમેરિકન લેખક મીશ ઍલબૉમનું એક પુસ્તક ‘Tuesdays with  Morrie’ વાંચેલું, જેના લેખક વર્ષો પછી પોતાના શિક્ષકને મળે છે ને પછી દર મંગળવારે બંને મળવાનું નક્કી કરે છે. લેખકે લખ્યું છે કે જીવનના ખરા વર્ગો ત્યારે શરુ થાય છે.)

વર્ષો સુધી રાજ્ય સરકાર દ્વારા આયોજિત સુગમ સંગીત સંમેલનોનું રાસભાઈએ સુંદર સંચાલન કર્યું. ગુજરાત યુનિવર્સીટી યુવક મહોત્સવમાં સુગમ સંગીતમાં પસંદગી પામેલાં વિદ્યાર્થીઓ માટે આયોજિત 10-10 દિવસની ઘનિષ્ઠ શિબિરોના રાસભાઈએ સમર્પિત શિક્ષક ને કલાકાર તરીકે યોગદાન આપ્યું. વહેલી સવારે એમણે નારગોળમાં રૅકોર્ડ કરેલો બુલબુલનો અવાજ અમને આવી એક શિબિરમાં સંભળાવેલો અને એના સ્વરો ઓળખી બતાવેલા. બે બુલબુલનું હાર્મનીમાં  ડયૂઍટ પણ સંભળાવેલું -હાર્મની એટલે કે એક ષડ્જ(સા) ગાય ત્યારે જ બીજું ગંધાર(ગ) ગાય. બીજા એક પ્રસંગે હોલો પાંચ માત્રામાં બોલી/ગાઈ રહ્યો છે એમ નિદર્શિત કરેલું અને એમણે ‘હોલા ભગત’ની પાંચ માત્રાની વાણી સાથે ‘નરસિંહ ભગત (મહેતા)’ના ઝૂલણા (પંચકલ સંધિનો છંદ)ની સરખામણી કરી હતી.

     રાસભાઈ સંગીત અંગે ખૂબ વિચારતા. એક સંગોષ્ઠિમાં એમણે ‘સુગમ સંગીત’ને ‘કાવ્યસંગીત’ એવું નામાભિધાન આપવાનું સૂચવ્યું. એમનો તર્ક વ્યાજબી હતો- તખતા પર ભજવાતી કલાઓ-સંગીત,નૃત્ય અને નાટ્ય- એમાંથી નૃત્ય અને નાટ્ય સાથે ‘સુગમ’ શબ્દ વપરાતો નથી તો પછી શબ્દપ્રધાન સંગીતને શા માટે ‘સુગમ સંગીત’ એમ કહેવું?  જે રજૂ થાય છે તે કવિતા છે, ‘કવિતા’ એ કલા છે ને કોઈ પણ કલા સુગમ તો નથી જ. ગુજરાતીના સાહિત્ય દિવાકર નરસિંહરાવ દીવેટિયાએ ‘કુસુમમાળા’ સંગ્રહનાં પોતાનાં  કાવ્યોને ‘સંગીતકાવ્યો’ કહયાં હતાં  અને એમના આ શબ્દને ઘણું કરીને મૂર્ધન્ય સાહિત્યકાર નવલરામે ટેકો આપ્યો હતો. બીજી એક સંગોષ્ઠિમાં એમણે એક સરસ વિચાર મૂકેલો કે આપણી ભાષાની કવિતાઓ શાસ્ત્રીય રાગોમાં બંદિશ તરીકે ગવાવી જોઈએ. અત્રે યાદ આવે છે કે સુન્દરમ અને રાજેન્દ્ર શાહે રાગો ઉપર સૉનેટ્સ લખ્યાં છે. કબીર, નાનક,મીરાંનાં પદો શાસ્ત્રીય સંગીતમાં બંદિશ તરીકે ગવાતાં હોય છે.

      ગાયક રાસભાઈની તો શું વાત કરું? ઉમાશંકર જોશીએ ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાનના અવસાન પછી એમને આ શબ્દોમાં અંજલિ  આપી હતી –

‘હતું તારે કંઠે પરમ કંઈ કર્ણામૃત વસ્યું…

બધાયે નાદોને જીવતર મળ્યું કંઠ તુજથી’

હું આ શબ્દો રાસભાઈના અવાજના વર્ણન માટે ઉછીના લઉં છું.

 નીચેની લિંક્સમાં રાસભાઈના અવાજની અલપઝલપ ઝલક છે.

1. મધરાતે સાંભળ્યો મોર (કવિ:ઇન્દુલાલ ગાંધી,સ્વરકાર: ક્ષેમુ દિવેટિયા)

https://youtu.be/vqOGn_K-3aE

2. માંડવાની જૂઈ (કવિ: જિતુભાઈ મહેતા, સ્વરકાર:પુરૂષોત્તમ ઉપાધ્યાય) https://youtu.be/EmN8hx0IGqI

3. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા (કવિ: રાવજી પટેલ,સ્વરકાર: ક્ષેમુ દિવેટિયા) https://youtu.be/emYzBkJi0AA

4.પરથમ પ્રભુજી સાથે પ્રીત (કવિ: પ્રીતમ, સ્વરકાર:ગાયક: રાસભાઈ)

https://youtu.be/lYqFu3CQpok

5. પાસપાસે તોય કેટલાં જોજન (કવિ: માધવ રામાનુજ,સ્વરકાર:રાસભાઈ) https://youtu.be/OG3gvYDOQAE

6. સૂરજ ઢૂંઢે (કવિ: ઉમાશંકર જોશી)

https://youtu.be/mr-LROZMksg

સંસ્કૃત સ્તોત્રોમાં એમની છંદો સ્વરબદ્ધ  કરીને ગાવાની ક્ષમતા જોઈ શકાશે.   રાસભાઈએ  સુરભારતી સ્તોત્ર ( https://youtu.be/z8rXQbiSC6o ) ગાયું છે જે મ્લાન થતી પણ ‘સહૃદય હૃદયહરા’ એવી આપણી દેવભાષા સંસ્કૃતનું મહિમાગાન છે. આ ઉપરાંત, નિર્વાણષટકમ (https://youtu.be/931yY1XmA2o), તાંડવ સ્તોત્ર     ( https://youtu.be/57Mkc4BLHs4 )  ખૂબ સુંદર રીતે રાસભાઈએ સંગીતમાં ઢાળ્યાં છે. રાસભાઈ-વિભાબેને ગાયેલું  ‘ગૌરીગિરીશ સ્તોત્ર’  (https://youtu.be/C0U4fv5CccU)  એમની દીકરી ઋચાનાં લગ્નમાં હસ્તમેળાપ વખતે સાંભળીને આનંદસભર રોમહર્ષણ થયું હતું તે યાદ આવે છે.

       રાસભાઈને સંગીતને કોઈ ઔપચારિક તાલીમ નહોતી પણ અંદરની લગન, ખંત,રિયાઝ,શ્રવણ અને વાચન દ્વારા એમણે સ્વાશ્રયી સંગીતસાધના કરી. કિશોરાવસ્થામાં ધાર્મિક,સામાજિક પ્રસંગે મધુર  ગાન દ્વારા પરિવારમાં સૌના પ્રિય બનેલા રાસભાઈ કૉલેજ કાળમાં તલત મહેમૂદનાં ગીતો ગાતા હતા.1964માં વિભા વૈષ્ણવ સાથે રાસભાઈનું લગ્ન થયું. રાસભાઈ-વિભાબેનનો મ્યુ ઝિકલ મિશનરી ડ્યુઓ  એ ગુજરાતની વિરલ ઘટના કહી શકાય.જો કે રાસભાઈ આત્મવિશ્વાસ અને સાતત્યમાં વિભાબેનને ગાયક તરીકે પોતાનાથી ચડિયાતાં માનતા. 

      રાસભાઈની કેટલીક લાક્ષણિકતાઓ યાદ આવે છે. રાસભાઈ ફોન પર પહેલાં ‘હૅલો’ નહિ પણ ‘હરિ : ઓમ’ બોલતા. ‘હૅલો’નું ભારતીય સ્વરૂપ એમણે શોધ્યું હતું.( એ વિભાબેનને બોલાવવા એમનું નામ ન બોલતા પણ ‘હૅલો’ એમ કહેતા. વિભાબેન રાસભાઈના ‘હૅલો’ નો ‘બોલો’ એમ પ્રાસમાં જવાબ આપતા. ) રાસભાઈનું અંગેજી બહુ જ સારું હોવા છતાં એ ગુજરાતી અંગ્રેજી શબ્દો સાથે વાપરી નવા શબ્દો ‘કોઇન’કરતા. બે દાખલા યાદ આવે છે. ભવન્સના વર્ગ લેવા એક દિવસ એ આવી શક્યા નહીં કારણ કે એમનાં અંગત સગાં હૉસ્પિટલમાં હતાં. રાસભાઇએ વર્ગમાં ચિઠ્ઠી મોકલેલી- ‘ ‘આજે વર્ગ બંધ. ક્ષમસ્વ.સગાંનું ઓપરેશન હોવાથી રાસભાઈ હૉસ્પિટલસ્થ ‘. બીજો દાખલો -‘ પીનડ્રોપ સાયલન્સ ‘ને એ કાયમ ‘ટાંકણીપતન શાંતિની અપેક્ષા’ એમ કહેતા. બને ત્યાં સુધી ક્રિયાપદ વગરના વાકયો બને એટલા લાઘવથી લખતા. પોતાને ‘રાસભાઈ’ જ કહેતા. ક્યારેય હું ન વાપરતા. એ ગયા એના આગલા દિવસે એટલે કે ૫/૧૦/૨૦૧૨ના દિવસે એક એફ એમ રૅડીયોમાં આર જે દેવકીએ એમને આ અંગે પૂછેલા પ્રશ્નનો રાસભાઈએ નિખાલસતાથી ખુલાસો કરતાં કહેલું કે પોતાના ગુરુની શીખ પરથી લગભગ 1980-82થી પોતાને ‘હું’ નહીં પણ ‘રાસભાઈ’ કહેવાનું શરૂ કરેલું। શ્રીમદ ભાગવતનો આ શ્લોક એ ખૂબ સરસ ગાતા- યોન્ત: પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તામ’ -એમાં કહેલી વાત- ‘આપણી અંદર પ્રવેશેલું કશુંક જે આપણી સૂતેલી વાણી જગાડે છે- તે ત્રીજો પુરુષ તે ‘રાસભાઈ’. એનાથી ઘણાંને ગેરસમજ થતી હશે એવા પ્રશ્નના જવાબમાં રાસભાઈએ કહેલું કે જે થાય તે થવા દેવું એવી પણ એમના ગુરુએ આપેલી શીખ છે.

       કેટલીક અંગત યાદો છે- ‘શ્રુતિ’ના એક કાર્યક્રમમાં રાસભાઈએ પૂરિયા ધનાશ્રી પર આધારિત જગજીત સિંહની એક ગઝલ ગાયેલી-‘ઢલ ચૂકા ચાંદ ગઈ રાત ચલો સો જાયેં’. મારી ચૌદેક વર્ષની ઉંમરે સાંભળેલી આ ગઝલ હજી મનમાં અકબંધ છે. મને થાય છે રાસભાઈએ એ ક્યાંથી શોધી હશે કારણકે જગજિતજીના એક પણ આલબમમાં એ નથી. પ્રસિદ્ધ રંગકર્મી પ્રવીણ જોશીના અકાળ અવસાન પછી એમને અંજલિ આપતા કાર્યક્રમમાં રાસભાઈએ માધવ રામાનુજની આ રચના ગાયેલી-‘હળવા તે હાથે ઉપાડજો રે અમે કોમળ કોમળ’ અને છલોછલ ભરેલો સુંદરી હૉલ આંસુથી પણ છલકાતો હતો એ દ્રશ્ય હજી યાદ છે. https://youtu.be/wDraha4fv38    પોતે ફિઝિક્સના પ્રૉફેસર અને ક્યારેક ઍસ્ટ્રોનોમી ને એમાંથી ઍસ્ટ્રોલોજીની વાતે ચડે. મને કહે કે તારો ગુરૂ બહુ પાવરફુલ છે. હું મજાકમાં કહેતો કે મારા ગુરૂ (રાસભાઈ) બહુ પાવરફુલ છે.

        મારી વ્યાજબી ફરિયાદ હતી કે રાસભાઈએ અન્ય સ્વરકારોનાં સ્વરાન્કનો પોતાનાં કરીને ગાવાનો વિવેક દાખવ્યો એમાં પોતાનાં સ્વરાન્કનો ગાવા પ્રત્યે વધુ પડતો લો પ્રૉફાઇલ રાખ્યો. રાસભાઈએ એ ફરિયાદના જવાબરૂપે 2012માં પોતાનાં સ્વરાંકનોનું ધ્વનિમુદ્રણ શરુ કરેલું. એમાં મારી પાસે સૌપ્રથમ કવિ ભગવતીકુમાર શર્માનું આ ગીત ગવડાવ્યું –

‘ભીનો ભીનો કાગળ લઇ વરસાદ ચીતરવા બેઠા

પીંછી બદલે પાંપણ લઇ વરસાદ ચીતરવા બેઠા

વરસાદની વાત છે એટલે મલ્હારનો આધાર તો હોય પણ ગીતમાં રહેલો વિષાદનો ભાવ- પૅથોસ- એમણે મલ્હારના સ્વરો,ખાસ કરીને બંને નિષાદ – કોમળ અને શુદ્ધ -અદ્દભુત રીતે પ્રયોજીને વ્યક્ત કર્યો છે. એ એમની સ્વરકાર તરીકેની આગવી સૂઝ પણ દર્શાવે છે. 12 સપ્ટેમ્બર 2012ના દિવસે આ ગીત સ્ટુડિયોમાં મેં ગાયું. એ પહેલા જ ટૅકમાં ઑકે થયું એનો રાસભાઈને થયેલો આનંદ અને એમનો એ ‘વૉર્મ હગ’-હજી ભુલાતા નથી. રાસભાઈનું એક અનોખું સ્વરાન્કન ગાવાનો મોકો મળ્યો. તુકારામના મૂળ મરાઠી અભંગનો સુરેશ દલાલે ગુજરાતીમાં અનુવાદ કરેલો-

‘કૃષ્ણ મારી માતા’ https://youtu.be/LVmoXoa6e4Q

આમ તો એ એમનાં આલબમ્સ ’અનહદનાં અજવાળાં’ અને ‘સ્મરણનાં અજવાળાં‘માં એમના જ અવાજમાં રૅકોર્ડ થયું હોત, પણ 6 ઑક્ટોબર 2012ના દિવસે- ‘મધરાતે સાંભળ્યો મોર‘ ગીતની પંક્તિ ઉપયોગમાં લઈને કહું તો- એમણે ‘કલશોર સંકેલી લીધો’. રાગ ચંદ્રકૌંસનો જ આધાર લઈને ‘કૃષ્ણ મારી માતા’નું સ્વરાન્કન છે. ‘મધરાતે સાંભળ્યો મોર‘માં પણ રાગ ચંદ્રકૌંસનો આધાર છે ને એમાં રિષભ(રે)નો પ્રયોગ ગીતનું સૌંદર્ય વધારે છે, તો ’કૃષ્ણ મારી માતા’ માં અંતરામાં પંચમનો(‘પ’નો) ઉપયોગ ધ્યાન ખેંચે એવો છે.

      રાસભાઈએ શુદ્ધ સાત્ત્વિક કાવ્યસંગીતશ્રવણ માટે સહૃદયી શ્રોતાઓનું  એક મંડળ રચવાની પ્રેરણા આપેલી અને એનું ‘સંગીતિ’ એવું નામ આપેલું જે આજે  એક પબ્લિક ટ્રસ્ટ તરીકે કાર્યરત છે. રાસભાઈએ એનું સૂત્ર પણ બનાવેલું ‘યસ્ય શ્રવણ માત્રેણ’. કલાકાર પોતાનું શ્રેષ્ઠ પીરસી શકે એવું પ્લૅટફોર્મ પૂરું પાડવાનું એનું ધ્યેય છે.

       2012માં આપણા સાહિત્ય સંગીતના મોભીઓએ અચાનક વિદાય લીધી. પ્રથમ ભોળાભાઈ પટેલ, પછી સુરેશ દલાલ અને પછી રાસભાઈ અંગ્રેજ કવિ ઍલિયેટે (કદાચ કવિતાના?) અંત માટે કહ્યું છે કે ‘End should be simple, sudden and God given.’  6/10/2012ના રોજ રાસભાઈની કાયમી વિદાય પછી રાસભાઈનાં સ્વરાન્કનોનાં ત્રણ આલબમ્સ પ્રકાશિત થયાં -ગુરુને બાત સુનાયા(કબીરનાં પદોની પ્રસ્તુ તિ), અનહદનાં અજવાળાં અને સ્મરણનાં અજવાળાં. આ માટે રાસભાઈએ 4/10/2012 સુધી સ્ટુડિયોમાં ગાયું પણ ખરું. મકરન્દ દવેના આ શબ્દો રાસભાઈને બરાબર લાગુ પાડી શકાય –

‘અમે ગાતાં ગાતાં જાશું

આ નગરીને છેલ્લે દરવાજે

વિદાયસાંજે મધુર અવાજે

સલામના સૂરે સુંદરના ખોળે ધન્ય સમાશું

અમે જાતાં જાતાં ગાશું,

અમે ગાતાં ગાતાં જાશું’

6/10/2018ના દિવસે રાસભાઈની સ્મૃ તિમાં ‘સંગીતિ’એ યોજેલા એક કાર્યક્રમમાં એમને ભરપેટ યાદ કરીને મેં આ ગીત ગાયું છે. 

 અદમ ટંકારવીનો શેર છે:

‘સ્મરણ લીલું કપૂરી પાન જેવું

હવામાં ચોતરફ લોબાન જેવું ‘

રાસભાઈનું સ્મરણ લોબાનની જેમ મઘમઘે છે.

(ભાઈ અમર ભટ્ટનો આ લેખ “સ્વરસેતુ ડાયજેસ્ટ ના ફેબ્રુઆરી ૨૦૨૦ , ના સૌજન્યથી સાભાર)

3 thoughts on ““સંગીતનાં સગપણ: 4: એકમેવ રાસભાઈ ” – અમર ભટ્ટ

  1. ગુજરાતી કવિતાના સંવેદનો,સૂક્ષ્મતા અને શબ્દ સુગંધની અત્યંત સુંદર ઝાંખી આપતાં અમર સ્વરાંકનો આપનાર અને સૂરના રાજા રાસબિહારી દેસાઇને સ્નેહાંજલિ.

    Liked by 1 person

  2. “સંગીતનાં સગપણ: મા એકમેવ રાસભાઈ ” – શ્રી અમર ભટ્ટનો સુંદર લેખ

    રાસબિહારી દેસાઇ જેઓ સુગમ સંગીતનાં ખૂબ જાણીતા ગાયક અને સંગીત નિર્દેશક છે. તેઓનો ગુજરાતી સંગીતમાં ખૂબ મોટો ફાળો રહ્યો છે. તેમણે ૧૯૬૧માં ‘શ્રુતિ વૃંદ’ની શરૂઆત કરી. તેમને ‘કાશીનો દીકરો’ફિલ્મ માટે શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો પુરસ્કાર મળ્યો હતો. તે ઉપરાંત જીવનસંગિની વિભા દેસાઈ સાથે મળીને ભક્તિગીતો અને અમુક પ્રખ્યાત ભજનો આપ્યા છે. ‘ને તમે યાદ આવ્યાં’ જેવાં મનમોહક ફિલ્મી ગીતો પણ આપ્યા છે.રાસબિહારી દેસાઇને સ્નેહાંજલિ.

    Liked by 1 person

પ્રતિભાવ