બે કાંઠાની અધવચ – (૧૫ ) – નવલકથા — પ્રીતિ સેનગુપ્તા


                    બે કાંઠાની અધવચ – (૧૫ ) – નવલકથા — પ્રીતિ   સેનગુપ્તા

                               

કેતકીથી રહેવાયું નહીં. એણે વામાને ફોન કર્યો, અને ક્યારે ચ્હા પીવા આવશે, તે પાછું પૂછ્યું. કંઇક વિચારીને વામાએ દિવસ નક્કી કર્યો. સવારે સુજીત ઑફીસે જવા નીકળી ગયો તે પછી, કેતકીએ સ્વિમિન્ગ કરવા જવાને બદલે, નાનો ફ્લૅટ શક્ય તેટલો સરખો કર્યો. સાવ ઑર્ડિનરી લાગશે એને. કેતકીને થોડી શરમ થઈ આવી.

બહુ શોખથી નાસ્તામાં એણે ઉપમા બનાવી. એ તો એને ગમશે જ. ગળ્યામાં, નંદાએ આપેલી બરફી હજી હતી, તે મૂકાશે. અને ચ્હા. જીંદગીમાં પહેલી વાર સાવ પોતાનું ઘર હતું, ને એમાં, આ પહેલી બહેનપણી મળવા આવવાની હતી. સાથે ખાઈશું, બેસીને વાતો કરીશું, કેવી મઝા પડશે.

વામાને આવતાં થોડું મોડું થયું. કેતકીને ચિંતા, કે નહીં આવે તો? પણ એ હસતી હસતી આવી, ભેટી, અને ફૂલનો ગુચ્છ કેતકીને ધર્યો.

ઓહ, મારે માટે? જાણે વામાને ખબર હતી કે કેતકીને ફૂલો કેટલાં ગમે છે.

પછી કહે, સૉરી, મોડું થયું. ચંદાબહેન આવ્યાં મોડાં, એટલે ગયાં મોડાં.

એ કોણ છે? શેને માટે આવ્યાં હતાં?, કેતકીએ પૂછ્યું, એટલે વામાએ વાત કરી.

એ મારે ત્યાં સાફસૂફી કરવા આવે છે. એમના પતિ એક ઇન્ડિયનની દુકાનમાં કામ કરે છે, પણ એટલા જિદ્દી છે – હું તો ક્રૂર જ કહું છું એમને – કે એક પૈસો ચંદાને આપતા નથી. ઘરખર્ચ પેટે નહીં, ને બે દીકરાઓને ઉછેરવા માટે પણ નહીં. એ બિચારાં બહુ અંગ્રેજી બોલે નહીં, કોઈ ડીગ્રી, કે પ્રોફેશનલ કોઈ આવડત નહીં, એટલે આમ ઘરકામ કરે છે, ને જે મળે તેમાંથી ધર ને છોકરા સંભાળે છે.

કેતકીએ કહ્યું, પણ તું તો એકલી માણસ. તારે તો ઘર સાફ કરવા જેવું ખાસ થતું

 પણ ના હોય.

હા, પણ ચંદા બિચારી બહુ દુઃખિયારી છે. મને થાય, કે એને થોડી પણ મદદ કરી શકાય તો સારું.

કેતકી દંગ રહી ગઈ હતી. વધારે યાદ આવતાં વામા કહેવા માંડી, એ માણસ વાઇફને કશું જ આપતો નથી, ક્યાંય બહાર લઈ ના જાય, ઘરમાં કશી વાતચીત ના કરે, પણ દેશમાં બે ભાઈઓને બે જુદાં ઘર બાંધવાના લાખો રૂપિયા પહોંચાડ્યા, અને એમની વહુઓને સોનાના અછોડા ભેટમાં આપ્યા.

ચંદાએ પોતે હોંશે હોંશે કર્યું આ બધું. પણ એને જરા પણ યશ નહીં. મફતનું બધું લઈને બેઠેલાં એ દિયરો અને દેરાણીઓ પાસેથી પણ નહીં. અને સામે, ચંદાની બહેનના છોકરાના લગ્નમાં પૈસા મોકલવાની વાત હોય, તો એ માણસ કશું ના આપે. જે આપવું હોય તે ચંદાએ પોતાના, મહામહેનતે કમાયેલા પૈસામાંથી આપવાનું.

આવું બધું ચાલે આ દેશમાં? સરકારના કોઈ કાયદા કે નિયમો નથી?

વામાએ કહ્યું, કે સરકારી સહાય મેળવતાં તો કેટલી યે માથાકૂટ કરવી પડે, પણ જેમની આવી હાલત હોય, કે પતિનો માર ખાવો પડતો હોય, કે ઘરેલુ બળાત્કાર ભોગવવો પડતો હોય, તો એવી મુશ્કેલીઓ સામે મદદ કરી શકે તેવી, નૉન-પ્રૉફીટ સંસ્થાઓ જરૂર હોય છે.

પણ એ તો અમેરિકન સ્ત્રીઓ માટે હશે, ખરું ને?, કેતકીએ પૂછ્યું.

અમેરિકન, હિસ્પાનિક, બ્લૅક, ઓરિએન્ટલ – દરેક જાતિની સ્ત્રીઓ માટે હોય છે આવી સંસ્થાઓ. અને ઇન્ડિયન, પાકિસ્તાની, બાઁગ્લાદેશી, નેપાલી વગેરે માટે પણ હોય છે.

ઇન્ડિયન સ્ત્રીઓ માટે પણ હોય છે આવી સંસ્થાઓ? આ દેશમાં? કેતકી માની નહતી શકતી.

અરે, આ દેશમાં પત્ની પર અત્યાચાર અને બળાત્કારનો બહુ જ મોટો પ્રૉબ્લૅમ છે. કેટલીયે ઇન્ડિયન સ્ત્રીઓ પણ આ સમસ્યાનો ભોગ બનતી હોય છે. ને દુઃખિયારી ઇન્ડિયન સ્ત્રીઓ માટે આવી ખાસ ઇન્ડિયન સંસ્થાઓ પણ શરૂ થયેલી છે.

ખરેખર? ઇન્ડિયન સ્ત્રીઓની સ્થિતિ પણ આવી બનતી હોય છે? ઇન્ડિયન પતિ પણ આવો ત્રાસ આપી શકે છે પત્નીને?, ફરીથી કેતકીએ પૂછ્યું.

હા રે. ભણેલા, કે ડાક્ટર થયેલા પતિઓ પણ ત્રાસ આપતા હોય છે. ઘણાં રાજ્યોમાં થઈ છે આવી સંસ્થાઓ. ન્યૂજર્સીમાં પણ છે. ‘નારી’ નામની છે એક, ‘સ્નેહા’ નામની છે. પતિની ક્રૂરતાથી બચવા ઘર છોડીને ભાગી નીકળેલી ઇન્ડિયન સ્ત્રીને રહેવાની વ્યવસ્થા કરી આપે છે; સારવારની જરૂર હોય તો તે આપે છે, વકીલની મદદ પૂરી પાડે છે, ફૅમિલિ કૉર્ટમાં ફરિયાદ નોંધાવા લઈ જાય છે.

અમેરિકામાં આ પરિસ્થિતિ છે? રંગીન મેઘધનુષથી શોભતા, વિશાળ આકાશ જેવા અમેરિકાના જીવનની જ કલ્પના કરી હતી, કેતકીએ, અત્યાર સુધી. એના પર જાણે કુરૂપ વાસ્તવિકતાનાં ઘેરાં વાદળ ધસી આવ્યાં. આવું આવું બને છે અહીં? ને કેટલું બધું જાણે છે વામા. હું ક્યારે થઈશ આવી જાણકાર?

ઉપમા બહુ સરસ થઈ છે, વામા કહેતી હતી.

કેતકીએ જરા ચમકીને અજંપાના વિચારોને દૂર કર્યા. સૉરી, વામા. આવું મેં કદિ જાણ્યું, ધાર્યું કે કલ્પ્યું નહતું, તેથી તારી પાસેથી સાંભળીને હું વિચારે ચઢી ગઈ. 

સાંભળ, કેતકી, હવે થોડી જ વારમાં મારે જવું પડશે. મારે આન્ટીને જરા સ્ટોરમાં લઈ જવાનાં છે.

આન્ટી પાછાં કોણ છે? તારાં સગાં —

ના, ના, મારા સગાં કાકી, મામી કે માશી નથી. મારા બિલ્ડિન્ગમાં આ કપલ રહે છે. એકદમ વૃદ્ધ નથી. મોટી ઉંમરનું કહેવાય. હું એમને અન્કલ ને આન્ટી કહું છું, ને ક્યારેક એમને સ્ટોરમાં લઈ જાઉં છું, કાંઈ કામ હોય તો કરી આપું છું.

વામા, તું ગજબ છે, હોં, કેતકીએ વામાનો હાથ પકડી લીધો. કેટલાંને મદદ કરે છે તું?

વામા જરા શરમાઈ. કહે, ના, ના, એવું નથી. પણ ચંદાબહેનને અને આન્ટીને જરૂર છે. ને સૉરી, કે આજે ને આજે, મારે પોતાને વિષે આ બધું કહેવાનું આવ્યું.

કેતકીએ બે ઘડી વિચારતી રહી. પછી કંઇક સૂઝ્યું હોય એમ કહેવા માંડી, બંનેને જુદી રીતની મદદની જરૂર છે. તેથી એક તરફ, તું ચંદાબહેન પાસે કામ કરાવીને એમને મદદ કરે છે, અને બીજી તરફ, તું આન્ટીનું કામ કરીને એમને મદદ કરે છે.

એ વાક્યને મનમાં કહી, બરાબર સમજીને, વામા તાલી પાડી ઊઠી. કેતકી, તેં બહુ સરસ રીતે કહ્યું. એક જણ પાસે કામ કરાવું છું, બીજાનું કામ કરી આપું છું. ઇરાદો બંનેને મદદ કરવાનો છે.

પછી કહ્યું, સૉરી, મારે આજે બંને બાજુની ડ્યુટી કરવાની આવી ગઈ. પણ પાછાં ફરી મળીશું.

હા, તું ફરીથી આવજે. સુજીત મળે એવી રીતે ગોઠવીશું.

હું મૅલને લઈને આવી શકું?

મૅલ? કેતકી મુંઝાઈ. મૅલ એટલે શું?

ઓહ, એ મારા બૉયફ્રૅન્ડનું નામ છે. મૅલવિલ. એ આર્ટિસ્ટ છે, ને વીક-ઍન્ડમાં અમે સાથે જ હોઈએ છીએ.

હા, તો લાવજે ને. પછી પરણવાનાં ક્યારે છો?, કેતકીથી પુછાઈ ગયું.

વામા પાછી હસી પડી. મૅરૅજ? એનો વિચાર આ કાળમાં કોણ કરે? ને હું જો મૅરૅજનું નામ લઉં તો મૅલ તરત ક્યાંયે ભાગી જાય. અમને તો આવું જ ફાવે. સાથે ય ખરાં, ને દૂર પણ ખરાં.

કેતકી ફરી વિમાસણમાં સરવા લાગી. વામા કહે, હું જાઉં પછી તું વિચાર કર્યા કરજે.

વામાની વાતે વાતે કેતકીને જાણે નવાં સત્ય સમજાતાં ગયાં હતાં. મા-બાપને ત્યાં રહીને જેવું સુરક્ષિત જીવન ગુજારતાં હતાં, તે હવે ક્યારેય નહીં મળવાનું, ક્યાંયે બીજે નહીં મળવાનું. અહીં તો ઘરની અંદરની જ નહીં, પણ જિંદગી જીવવાની સિસ્ટમ પણ સાવ જુદી છે. હવે અમેરિકાના વિશાળ આકાશ જેવા જીવનનો એને ડર લાગવા માંડ્યો. અહીં જીવતાં આવડશે?, એ પ્રશ્નના વજનથી જાણે એનો શ્વાસ થોડો ગુંગળાયો.

વાસણ સાફ કરતાં કરતાં, ટેવ મુજબ, એ ગાવા માંડી. ઘરનાં એક-બે ભજન, અને પછી દેવી-સ્તુતિ. વામા લાવી હતી તે ગુચ્છ પાણીમાં મૂક્યો. હજી એની પાસે ફ્લાવરવાઝ નહતું. પણ બૉટલમાં મૂકેલાં ફૂલો પણ એટલાં જ સુંદર લાગતાં હતાં. સુજીત ઘેર આવ્યો ત્યાં સુધીમાં કેતકી મનથી પાછી ઠીક થઈ ગઈ હતી.

સુજીતને ફૂલોને જોઈને નવાઇ લાગવાની જ. તે વખતે વામાની વાત કરી શકાશે, ને જમવા બોલાવવાનું પણ સુજીતને પૂછીને નક્કી કરી દેવાશે.

બન્યું એવું, કે જમવા માટે નક્કી થઈ તે સાંજે, વામા એકલી જ આવી. મૅલને એક આર્ટ-ગૅલૅરીના ઉદઘાટનમાં જવું હતું. વામાને એણે ત્યાં જ જવા આગ્રહ કર્યો. વામાએ નિર્ણય બદલવાની ના પાડી. એક વાર જમવા જવાની ચોક્કસ હા કહી દીધી, પછી કઈ રીતે વચન તોડાય? મૅલવિલે પોતાનો આગ્રહ ના છોડ્યો. મન જરા ઊંચાં થઈ ગયાં, અને બંને એકલાં જ ગયાં – મૅલ ત્યાં ગયો, વામા અહીં આવી.

કેતકીએ બારણું ખોલીને વામાને અંદર લીધી. પછી સુજીત સાથે ઓળખાણ કરાવી. સુજીત નમસ્તે કરીને ઊભો હતો. પણ આ શું? આ તો પેલી જ સોનેરી વીજળી. જેને મળવાની બહુ જ ઇચ્છા થઈ હતી, ને મળાયું નહતું, તે પરી પોતે જ સુજીતના ઘરની અંદર ઊભી હતી. એને તરત એ પરીને બાથમાં લેવાનું મન થયું. જોકે એણે એવું કાંઈ કર્યું નહીં. લાયબ્રેરીના કાર્યક્રમ વિષે પણ કશું કહ્યું નહીં.

આહા, શું નામ છે. એકદમ શોભે છે એને.

પેલો બોહેમિયન બૉયફ્રૅન્ડ ના આવી શક્યો તે બહુ સારું થયું. કેતકીએ એને કહેલું, કે એની બહેનપણી એના અમેરિકન બૉયફ્રૅન્ડને પણ લેતી આવવાની છે.

સાંભળીને જ એને કેતકી પર ચીડ ચઢેલી, શું સમજ્યા વગર ગમે તેને બોલાવી બેસે છે. એને ખ્યાલ ના રહ્યો, કે આવું વિચારીને એ અન્યાય કરતો હતો, કારણકે આ પહેલી જ વાર તો કેતકીએ કોઈને આમંત્ર્યાં હતાં પોતાને ઘેર. 

સુજીતને થતું હતું, કે એક ગોરો આવશે, તો શું મઝા આવશે? એને શું ગમે, ના ગમે, આપણને શી ખબર પડે? એની સાથે વાતો યે શું કરવાની?

બધી ચીડ ઊતરી ગઈ વામાની એક ઝલક જોતાં જ. હવે કેતકી બહુ હોંશિયાર લાગી, કે આવી સરસ યુવતી સાથે ફ્રૅન્ડશિપ કરી.

વામા ભેટ તરીકે વાઇનની બૉટલ લાવેલી. કેતકી બોલી, કે અમે તો નથી લેતાં, પણ સુજીતે જલદીથી કહ્યું, ના, ના, હવે આ દેશમાં છીએ, એટલે અહીંની રીતે જીવવું તો પડવાનું જ ને.

પણ ભઈ, અમારી પાસે વાઇન માટેના ગ્લાસ હજી નથી, એણે કહ્યું.

અરે, પાણીના ગ્લાસમાં પીશું. તમે બૉટલ ખોલો તો ખરા, વામા બોલી.

સુજીત જેવો ખુશ થઈ ગયો હતો, તેવો જ ખીલ્યો પણ ખરો. એક પછી એક જોક કર્યે જાય, વામાને હસવું પણ આવે, અને સામે એ પણ હાજરજવાબી કરતી જાય. કેતકીએ સુજીતને આવા મૂડમાં પહેલાં ક્યારેય જોયો નહતો. એ બંનેની સામસામી સ્માર્ટ શબ્દ-રમતમાં કેતકી ભાગ લઈ નહતી શકતી. સુજીતે એને વાઇન લેવા આગ્રહ કરેલો. એણે ના જ લીધો. જમવાનું સંભાળવા એ ઊઠીને રસોડામાં ગઈ.  સુજીત ને વામાની શાબ્દિક આપ-લે ચાલુ રહી. વાઇન પૂરો થતો ગયો

(વધુ આવતા સોમવારે)

4 thoughts on “બે કાંઠાની અધવચ – (૧૫ ) – નવલકથા — પ્રીતિ સેનગુપ્તા

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s