શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –સોળમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ


શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –સોળમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

પ્રથમ સ્કંધ – સોળમો અધ્યાય –પરીક્ષિતનો દિગ્વિજય તથા ધર્મ અને પૃથ્વીનો સંવાદ

 (પ્રથમ સ્કંધના પંદરમા અધ્યાયમાં આપે વાંચ્યું કે, યુધિષ્ઠિર બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત થયા. આ પછી તેમણે શરીરે ચીર-વસ્ત્ર ધારણ કર્યા, અન્નજળનો ત્યાગ કર્યો, મૌન ગ્રહણ કર્યું અને કોઈનીયે રાહ જોયા વિના ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું. ભીમસેન, અર્જુન વગેરે યુધિષ્ઠિરના નાના ભાઈઓએ પણ જોયું કે હવે પૃથ્વીમાં બધા લોકોને, અધર્મના સહાયક કળિયુગે પ્રભાવિત કરી દીધા છે, તેથી તેઓ પણ શ્રી કૃષ્ણ ચરણોની પ્રાપ્તિનો દ્રઢ નિશ્ચય કરીને પોતાના મોટાભાઈની પાછળ નીકળી પડ્યા. તેમણે જીવનના બધા જ લાભ સમ્યક્પણે મેળવી લીધા. અને ભગવાનના ચરણકમળને હ્રદયમાં ધારણ કરી લીધા. તેમની બુદ્ધિ, નિર્મોહ, નિર્લેપ અને અહંકારમાંથી એકદમ શુદ્ધ થઈને ભગવાન શ્રી કૃષ્ણના તે સર્વોત્કૃષ્ટ સ્વરૂપમાં અનન્ય ભાવથી સ્થિર થઈ, કે જેમાં નિષ્પાપ પુરુષો જ સ્થિર થવા પામે છે. પરિણામે, તેમણે તેમના વિશુદ્ધ અંતઃકરણથી સ્વયમેવ પરમ ગતિ પ્રાપ્ત કરી લીધી. દ્રૌપદીએ જ્યારે જોયું કે હવે પાંડવો નિરપેક્ષ થઈ ગયા છે ત્યારે તેઓ પણ અનન્ય પ્રેમથી ભગવાન શ્રી કૃષ્ણનું ચિંતન કરીને ભગવદ્ રૂપને પામ્યાં.  હવે અહીંથી વાંચો આગળ સોળમો અધ્યાય)

સૂતજી કહે છે – હે શૌનકજી! પાંડવોના મહાપ્રયાણ પછી ભગવાનના પરમ ભક્ત રાજા પરીક્ષિત શ્રેષ્ઠ બ્રાહ્મણોના ઉપદેશ મુજબ પૃથ્વીનું શાસન કરતા હતા. તેમના જન્મ સમયે વિદ્વાન જ્યોતિષાચાર્યએ કરેલી ભવિષ્યવાણી અનુસાર તેમનામાં એ સર્વ ગુણો હતા જે ભાખવામાં આવ્યાં હતાં. પરીક્ષિતે ઉત્તરરાજાની કન્યા ઈરાવતી સાથે લગ્ન કર્યા હતા અને એમને જનમેજય સહિત ચાર પુત્રો હતા. રાજા પરીક્ષિતે કૃપાચાર્યને આચાર્ય બનાવીને ત્રણ અશ્વમેધ યજ્ઞો કર્યા, જેમાં બ્રાહ્મણોને પુષ્કળ દાન દક્ષિણા આપી અને ગરીબોને પણ ભોજન, દાન અને દક્ષિણા આપી હતી. તે યજ્ઞોમાં સ્વયં દેવતાઓ પધાર્યા હતા અને પોતાનો ભાગ આનંદથી ગ્રહણ કર્યો હતો.

એકવાર દિગ્વિજય કરતી વખતે તેમણે જોયું કે શુદ્રના રૂપમાં કળિયુગ રાજાનો વશ ધારણ કરીને એક ગાય અને બળદની જોડને ઠોકરો મારી રહ્યો છે, ત્યારે તેમણે તેને બળપૂર્વક પકડીને દંડ આપ્યો.

ત્યારે શૌનકજીએ પૂછ્યું – હે મહાભાગ્યવાન સૂતજી! તે સમયે મહારાજ પરીક્ષિતે કળિયુગને દંડ આપીને છોડી કેમ મૂક્યો? એને મારી કેમ ન નાખ્યો? કારણ કે, એણે રાજાનો વેશ ધારણ કરીને કામ તો શૂદ્રનું જ કર્યું છે. (અહીં શૂદ્ર એટલે કોઈ જાતિ વિશેષ નહીં પણ એના કાર્યો અધમ હોય તે, એ માટે ભાગવતપુરાણના શ્લોકમાં જ એમણે સ્પષ્ટિકરણ કર્યું છે.) હે સૂતજી, જો આ પ્રસંગનું શ્રી કૃષ્ણની લીલા સાથે સંબંધ હોય તો એ વિશે જરૂર કહો.    

સૂતજી કહે છે – જે સમયે રાજા પરીક્ષિત કુરુજાંગલ દેશમાં સમ્રાટ તરીકે નિવાસ કરતા હતા, તે સમયે તેમણે સાંભળ્યું એમના સામ્રાજ્યમાં કળિનો પ્રવેશ થઈ ગયો છે અને કળિયુગનો પ્રારંભ પણ થઈ ચૂક્યો છે. આ અપ્રિય ઘટના સાંભળીને પણ તેઓ વિચલિત ન થયા અને શ્યામવર્ણી ઘોડાઓથી જોતરેલા, સિંહ ચિન્હિત ધજાવાળા રથ પર સવાર થઈને દિગ્વિજયની કૂચ આગળ ધપાવવા નગરમાંથી નીકળી પડ્યા. તેમણે ભદ્રાશ્વ, કેતુમાલ, ભારત, ઉત્તરકુરુ, કિંપુરુષ વગેરે ખંડોને જીતીને ત્યાંના રાજાઓ પાસેથી ભેટ-સોગાદો ગ્રહણ કરી. પરીક્ષિતને આ સર્વ જીતેલાં રાષ્ટ્રોમાં પોતાના પૂર્વજ મહાનુભાવોના યશોગાન સાંભળવા મળ્યાં. તે યશોગાન થકી ડગલે-પગલે ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા મંડિત થતો હતો. એ સાથે એમને એ પણ સાંભળવા મળતું હતું કે કઈ રીતે ભગવાને અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી પરીક્ષિત રાજાનું રક્ષણ કર્યું હતું. ભગવાનની પાંડવો પરની કૃપાદ્રષ્ટિ અને પાંડવોની શ્રી કૃષ્ણમાં પરમ ભક્તિની વાતો પણ સાંભળવા મળતી તેઓ જ્યારે સાંભળતા હતા કે કેવી રીતે ભગવાને પ્રેમભક્તિથી પરવશ થઈને પાંડવોના સારથિનું કામ કર્યું અને એટલું જ નહીં, પણ યુદ્ધ ન થાય એ માટે પાંડવોના દૂત થઈને પણ ગયા, અને પાંડવોના યજ્ઞમાં એમણે એંઠી પતરાવળીઓ ઉપાડીને સેવા પણ કરી, ત્યારે તેમનું હ્રદય ભગવાનની ભક્તિ અને એમના પ્રત્યેના પ્રેમભાવથી છલકાઈ જતું. ભગવાન રાત્રે શસ્ત્ર લઈને વીરાસનમાં બેસીને પાંડાવોની છાવણીનો પહેરો ભરતા હતા. તેમણે પોતાના ભક્ત અને પ્રેમીજન એવા પાંડવોના ચરણોમાં આખા જગતને નમાવી દીધું હતું. આવી આવી વાતો સાંભળીને પરીક્ષિતનું શીશ શ્રી કૃષ્ણના ચરણકમળોમાં ભક્તિપૂર્વક આપોઆપ જ નમી જતું હતું. આ રીતે પરીક્ષિત દિગ્વિજય કરતા આગળ વધી રહ્યા હતા ત્યારે એક દિવસ એમની છાવણીથી દૂર એક આશ્વર્યજનક બનાવ બન્યો. હે શૌનકજી, તે હું આપને સંભળાવી રહ્યો છું. એમણે જોયું કે ધર્મ વૃષભનું રૂપ લઈને એક પગે જ ભમી રહ્યો હતો. એક સ્થળે તેને ગાયના સ્વરૂપે પૃથ્વીનો ભેટો થયો. પુત્રના મૃત્યુથી દુઃખી માતાની જેમ તેની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં અને તેનું શરીર તેજહીન થઈ ગયું હતું. ધર્મ પૂથ્વીને પૂછે છેઃ હે કલ્યાણી, તું આમ તેજહીન અને દુઃખી કેમ ફરી રહી છે? ક્યાંક તું મારી ચિંતા તો નથી કરતીને કે આના ત્રણ પગ તૂટી ગયા છે અને હવે એક અજ પગ રહી ગયો છે તો આનું પૃથ્વી પર શું થશે? સંભવ છે કે આવનારા કળિયુગમાં સમસ્ત માનવજાતની થનારી દુર્દશા પર તું આવી પીડામાં હો? આજના નામમાત્રના રાજાઓ પણ કળિના પ્રભાવથી ગ્રસિત થઈ ગયા છે અને પોતાના જ ભોગવિલાસમાં રાચી રહ્યા છે. પ્રજાની એમને કોઈ ફિકર નથી. જેવા રાજ, તેવી જ સ્વચ્છંદી પ્રજા થતી જાય છે. આ બધાનો શોક તો તું નથી પાળી રહીને? કે પછી, જે પ્રભુએ તને પ્રભુએ તારો ભાર ઓછો કરવા અવતાર ધારણ કર્યો હતો એમણે પોતાની લીલા પૃથ્વી પરથી સંકેલી લીધી એનો રંજ છે?

ત્યારે પૃથ્વી કહે છેઃ હે ધર્મ, સમસ્ત ગુણોના ને ત્રિલોકના આશ્રયભૂત એવા પ્રભુ શ્રી કૃષ્ણએ પોતાની લીલા સંકેલી લીધી અને પાપમય કળિયુગ આ સંસારને પોતાની કુદ્રષ્ટિથી ભરખી રહ્યો છે, એનો મને ઘણો શોક થઈ રહ્યો છે. હું પોતાના માટે, દેવતાઓમાં શ્રેષ્ઠ એવા તમારા માટે, દેવતાઓ, પિતૃઓ ઋષિઓ, સાધુઓ અને સમસ્ત વર્ણો અને આશ્રમોના મનુષ્યો માટે હું શોકગ્રસ્ત છું. મને લાગે છ એકે મારા સૌભાગ્યનો હવે અંત આવી ગયો છે કારણ, ભગવાને મને, અભાગણીને ત્યજી દીધી! જે અસુર રાજાઓના સમુદાયોની સેના સેંકડો અક્ષૌહિણીમાં હતી, જે મુજ પૃથ્વી માટે અત્યંત ભારરૂપ હતી તે ભારને પોતાની ઈચ્છાથી જ પ્રભુએ ઉતારી નાખ્યો. શ્રી કૃષ્ણએ જ તમને ચાર પગ પૂર્ણ કરીને આપ્યા હતા. જેમના ચરણકમળોના સ્પર્શથી હું નિરંતર આનંદથી પુલકિત રહેતી હતી તે પુરષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો વિરહ ભલા કોણ સહન કરી શકે?

સૂતજી આગળ કહે છે કે આ પ્રમાણે ધર્મ અને પૃથ્વી પરસ્પર વાતચીત કરી રહ્યાં હતાં, બરાબર તે જ સમયે રાજર્ષિ પરીક્ષિત પૂર્વવાહિની સરસ્વતીના તટ પર આવી પહોંચ્યા.      

તિ શ્રીમદભાગવત મહાપુરાણનો પ્રથમ સ્કંધનો  ”પૃથ્વીધર્મ સંવાદ”  નામનો સોળમો અધ્યાય સમાપ્ત થયો.
શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.

(વધુ આવતા બુધવારના અંકે)
 
વિચાર બીજઃ

. શું પૃથ્વી ગાય રૂપે અને ધર્મ બળદ સ્વરૂપે હોય તો તેમની વચ્ચે કોઇ સીધો સંવાદ થઈ શકે ખરો?

. શું ધર્મ નામનો બળદ ત્રણ પગે ચાલી રહ્યો છે એમાં શું અભિપ્રેત હોય શકે?

2 thoughts on “શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –સોળમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

 1. સરળ ભાષામા પ્રથમ સ્કંધ – સોળમો અધ્યાય –પરીક્ષિતનો દિગ્વિજય તથા ધર્મ અને પૃથ્વીનો સંવાદ
  માણવાનો આનંદ
  ભારતીય પરંપરાના ચાર પાયા, ગીતા, ગંગા, ગાયત્રી મંત્ર અને ગાય છે.આપત્તિના સમયમાં પૃથ્વીએ ગાયનું રૂપ ધારણ કરેલું. ગાયના કાનમાંથી પસાર થઇ શિવનો જન્મ થયો. એટલે શિવને ગોકર્ણ કહેવાયા એવી કથા વાયુપુરાણ અને શિવપુરાણમાં છે.આ રીતે પૃથ્વીને ગાય રૂપે જાણીએ અને
  ધર્મ નામના બળદના ચાર પગ સત્ય,દયા,શાંતિ અને અહીંસા
  सत्त्यं दया तथा शान्तिरहिँसा चेति कीर्तिता।
  धर्मस्यावयवास्तात चत्वारः पूर्णतां गताः॥
  સત્યના ૧૨ ભેદ છે
  अमिथ्यावचनं सत्यं स्वीकारप्रतिपालनम्।
  प्रियवाक्यं गुरोः सेवा दृढ़ं चैव व्रतं कृतम्॥
  आस्तिक्यं साधुसङ्गश्च पितुर्मातुः प्रियङ्करः।
  शुचित्वं द्विविधं चैव ह्रीरसंचय एव च॥
  दया के छः प्रकार हैँ- દયાના ૬ ભેદ છે
  परोपकारो दानं च सर्वदा स्मितभाषणम्। विनयो न्यूनताभावस्वीकारः समतामतिः॥
  ‘परोपकार, दान, सदा हँसते हुए बोलना, विनय, अपनेको छोटा समझना और समत्वबुद्धि।’
  શાંતિના ૩૦ લશણ છે
  अनसूयाल्पसंतोष इन्द्रियाणां च संयमः। असङ्गमो मौनमेवं देवपूजाविधौ मतिः॥
  अकुतश्चिद्भयत्वं च गाम्भीर्यं स्थिरचित्तता। अरुक्षभावः सर्वत्र निःस्पृत्वं दृढा मतिः॥
  विवर्जनं ह्यकार्याणां समः पूजापमानयोः। श्लाघा परगुणेऽस्तेयं ब्रह्मचर्यं धृतिः क्षमा॥
  आतिथ्यं च जपो होमस्तीर्थसेवाऽऽर्यसेवनम्। अमत्सरो बन्धमोक्षज्ञानं संन्यासभावना॥
  सहिष्णुता सुदुःखेषु अकार्पण्यममूर्खत
  અહિંસાના ૭ ભાવ છે
  अहिँसा त्वासनजयः परपीडाविवर्जनम्।
  श्रद्धा चातिथ्यसेवा च शान्तरुपप्रदर्शनम्॥
  आत्मीयता च सर्वत्र आत्मबुद्धिः परात्मसु।તો વિચારબીજ ૧ નો ઉતર હા જ હોય અને વિચારબીજ ૨ ના ઉતરમા આ રીતે વિચારીએ તો આ સમયે બળદ પંગુ-ચારે ય પગ વગરનો લાગે છે !
  આવા ગુઢ જ્ઞાનના વિષયો સમજવા ન કેવળ જ્ઞાન પુરતુ છે પણ ચિં-મનન સાથે તપની પણ જરુર છે.

  Liked by 3 people

 2. dhram rupi ek ag pag vade fare che, kaliyug ni shruat ma. bhagwan sanket ape che kali yug ma manas pan ek pagi thai jashe -dukhi tha che. satay daya ahinsa no nash thayo pachi shanti kem male .praghna ben no uper no shlok khub badhu kahi jay che.manas shanti mate tene shodhve fare che. sara jagat ma ashanti che.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s