સાયકોલોજીકલ રિવર્સલ યાને મનની અવળચંડાઈ!- પરભુભાઈ મિસ્ત્રી


સાયકોલોજીકલ રિવર્સલ યાને મનની અવળચંડાઈ!

મારા એક મિત્રને બીડી પીવાનું વ્યસન છે. તેઓ ખુદ માને છે કે તમાકુ તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. મિત્રોની મહેફિલ જામી હોય કે કોઈ સભામાં બેઠા હોય ને એમને ખ્યાલ આવે કે હવે નિકોટિનનું લેવલ નીચે જઈ રહ્યું છે એટલે બહાર જઈને તેમણે ધુમ્રપાન કરી આવવું પડે છે. આમ કરતાં તેમને સંકોચ થાય છે, અપરાધભાવ અનુભવે છે, પણ સંનિષ્ઠ પ્રયાસો કરવા છતાં તેમનાથી આ વ્યસન છૂટતું નથી. આપણે કહીએ છીએ કે મન હોય તો માળવે જવાય, પણ ભૂતકાળમાં એમણે વ્યસન છોડવાના દિલથી પ્રયત્નો કર્યા હોવા છતાં વ્યસન એમને ગાંઠતું નથી. એમની પ્રામાણિકતા પર શંકા ઉઠાવવાનું કોઈ કારણ નથી. મક્કમ મનોબળ થકી એમણે જીવનમાં મુશ્કેલમાં મુશ્કેલ લક્ષ્યાંકો સર કર્યા છે, પણ નાનકડી બીડી સામે હાથ જોડવા પડ્યા છે.

હું સમજું છું કે લેખો બને એટલા ટૂંકા અને મુદ્દાસર હોવા જોઈએ. લાંબું લખાણ વાંચવાનું મોટાભાગના વાચકો ટાળતા હોય છે. સંનિષ્ઠ પ્રયાસો કરવા છતાં મારા લેખો લાંબા થઈ જાય છે. આવું કેમ થતું હશે?

મારા એક લેખકમિત્ર ફેસબુક પર ખૂબ સારા વિચારો નિયમિત મૂકે છે, પણ વાક્યમાં આવતા દરેક વિરામ ચિહ્નો પછી સ્પેસ છોડવાનું ચૂકી જાય છે, જેને પરિણામે વાક્યો તૂટી જાય છે અને ગમે ત્યાંથી પેરેગ્રાફ પડી જાય છે. એમને ખબર છે કે આમ થવાથી વાચકોનો રસભંગ થાય છે. મિત્રભાવે અવારનવાર ધ્યાન દોરવા છતાં એમનાથી એ ભૂલ છટકી જાય છે. જાગૃતપણે માણસ ન કરવા ઈચ્છતો હોય તેવું કામ અજાણપણે કેમ થઈ જતું હશે?

આ પ્રકારના ઉદાહરણોના પાત્રો ગમે તે હોય, પણ અનેક કિસ્સામાં માણસનો દૃઢ સંકલ્પ હોવા છતાં ધારેલું પરિણામ મળતું નથી એ જ વાત ધ્યાન પર લાવવાનો હેતુ છે. એમાં વ્યક્તિ કપટ કે દંભ કરે છે એવો સવાલ ઊભો કરવાથી એમને અન્યાય થાય તેમ છે.

ડૉ. રોજર કેલાહને નામના મનોચિકિત્સકે એક રસપ્રદ કિસ્સો નોંધ્યો છે. એક મહિલા પોતાનું વજન ઉતારીને પાતળી બનવા માગતી હતી. તે માટે તે વરસોથી ડાયેટિંગ કરી રહી હતી છતાં સંતોષકારક પરિણામ મળતું નહોતું. નિષ્ફળતા મળવા છતાં તે હિંમત નહોતી હારી, તે ઈચ્છતી હતી કે તેનું વજન ઊતરે. સારવારની પ્રક્રિયાના ભાગરૂપે કરાતા મસલ ટેસ્ટિંગ વખતે તેને એવી કલ્પના કરવાનું કહેવામાં આવ્યું કે ‘પોતે જેટલું પાતળું શરીર ઈચ્છે છે, તેટલું જ વજન હાલમાં છે.‘ ચોંકાવનારું પરિણામ એ આવ્યું કે જ્યારે એ ‘પાતળી થઈ ગઈ છે અને એણે ઈચ્છિત વજન ઘટાડી નાંખ્યું છે‘ એમ કલ્પના કરતી હતી તે વખતે તેના હાથના સ્નાયુની તાકાત ઘટી જતી હતી અને હાથ નીચે આવી જતો હતો.

મનોચિકિત્સકે એને બીજી સૂચના આપી. એ મહિલાનું વાસ્તવિક વજન હાલમાં જે છે તેના કરતા ત્રીસ પાઉંડ વજન વધારે છે એવી કલ્પના કરવાનું કહ્યું અને મસલ ટેસ્ટ કર્યો. આશ્ચર્ય વચ્ચે એના હાથના સ્નાયુઓ વધારે મજબૂત બનેલા જણાયા. ‘મારે વજન ઘટાડવું છે‘ એમ જોરથી બોલવાનું કહેવામાં આવ્યું તો તાકાત ઘટી ગઈ અને ‘મારે વજન વધારવું છે‘ એમ જોરથી બોલતી વખતે સ્નાયુઓ તાકાતવાન બનતા હતા.

એના જેવા અન્ય દર્દીઓ ઉપર પણ આ યુક્તિ અજમાવતાં તેમાં પણ આવું જ પરિણામ જોવા મળ્યું. દર્દી જે બોલે કે જે ઈચ્છે તેનાં કરતા પરીક્ષણનું પરિણામ જુદું પડતું હતું. ડૉ. રોજર કેલાહને એ પરિસ્થિતિનું નામ આપ્યું ‘સાયકોલોજીકલ રિવર્સલ‘. માણસ ધારે છે એના કરતાં અવળું કેમ થઈ જાય છે તેનું નિદાન નીકળ્યું સાયકોલોજિકલ રિવર્સલ.

બેટરીમાં નવા સેલ નાખવા છતાં લાઈટ ન થતી હોય તો ચકાસી લેવું પડે કે સેલ ઊંધા તો નથી ગોઠવાયા ને? ધન અને ઋણ છેડા મેચ થવા જોઈએ તો જ બેટરી કામ આપે. મનોવિજ્ઞાનીઓ કહે છે કે જાગૃત મન અને અજાગૃત મન પણ આ ધન અને ઋણ છેડા જેવા છે. બંનેનું ટ્યૂનિંગ હોય તો જ સંકલ્પો પાર પડે છે, તે વિના સઘળી મહેનત નકામી જાય છે.

સાયકોલોજીકલ રિવર્સલ પેદા થવાનું મુખ્ય કારણ છે નકારાત્મક વિચારો. નકારાત્મક વિચારોનું પ્રમાણ જેમ વધારે તેમ સાઈકોલોજીકલ રિવર્સલની પ્રબળતા પણ વધારે. આપણે જે વાંચીએ, સાંભળીએ કે જે જોતા હોઈએ તેની અસર આપણા જાગૃત મન પર થાય છે, પણ અજાગૃત મન એ વિચારો ઝીલતું નથી, ઊલટું તે એને નકારે છે, જેથી ધારેલું પરિણામ મળતું નથી. એ તો સર્વને સુવિદિત છે કે જાગૃત મનનો હિસ્સો અલ્પ છે જ્યારે અજાગૃત મનનો હિસ્સો ઘણો મોટો હોય છે. તેથી આપણા શુભ સંકલ્પોની હાલત લઘુમતી સરકારે કરેલા ઠરાવ જેવી નીવડે છે. સરકાર કોઈપણ હિસાબે સફળ થવી જ ન જોઈએ એવું ઈચ્છતાં તત્વો મરણિયા બનીને પ્રતિકાર કરતા હોય ત્યારે એ મુદ્દા ચર્ચા કર્યા વિના હવામાં ઊડી જતા હોય છે.

જાગ્રત મન અને અજાગ્રત મન વચ્ચે ટ્યુનિંગ ન હોય ત્યારે ધારેલું કામ થતું નથી. બંને પરસ્પર વિરોધી હોય ત્યારે ગાડી રિવર્સમાં ચાલવા લાગે છે! આપણો શત્રુ આપણી અંદર જ બેસીને આપણા શુભ સંકલ્પોને સાકાર થતા અટકાવે છે. એ જ રીતે સરકાર અને વહીવટી તંત્ર વચ્ચે એકસૂત્રતા ન હોય ત્યારે પણ કૂતરો ખેંચે ગામ ભણી અને શિયાળ ખેંચે સીમ ભણી જેવો ઘાટ થાય છે. પરિણામે કોઈ યોજના સફળ નથી થતી.

દારૂથી નુકસાન થાય છે, દારૂના અનેક ગેરલાભો છે અને કાયદો પણ મનાઈ કરે છે એમ સમજવા છતાં, દારૂબંધી સફળ થતી નથી કારણ કે લોકોએ જ દારૂ છોડવો નથી અને લોકોની આ નબળાઈ પર ભ્રષ્ટ પોલિસ અધિકારીઓના ગજવાં ભરાતાં હોવાથી દારૂબંધીનો અમલ નિષ્ઠાપૂર્વક થતો નથી. લોકોને એમ થાય કે અમે અમારા પૈસા ખરચીને દારૂ પીઈએ તેમાં સરકારના બાપનું શું જાય છે? દુ;ખી થઈશું તો અમે થઈશું, મોત આવશે તો અમને લઈ જશે, સરકારના બાપના કેટલા ટકા? આમ, લોકોનો સહકાર ન હોય તો કોઈ કાયદો પરિણામ નથી લાવી શકતો.

ગીતામાં અર્જુનને પ્રશ્ન થયો છે. ‘માણસ પાપાચાર કરવા ન ઈચ્છતો હોવા છતાં પરાણે, અજાણપણે પરવશ થઈને પણ પાપકર્મ કેમ કરતો હશે?‘ ગીતાકાર એને માટે મનને જવાબદાર ગણાવે છે.

મનોચિકિત્સકો માને છે કે પોઝીટીવમાં પોઝીટીવ વ્યક્તિ પણ કોઈને કોઈ બાબતે સાયકોલોજીકલ રિવર્સલનો શિકાર બનેલા જ હોય છે. ક્યારેક આ સાયકોલોજીકલ રિવર્સલ એવું સ્વરૂપ ધારણ કરી લે છે જેને સાયકોલોજીની ભાષામાં Secondary Benefit Syndrome (સેકન્ડરી બેનિફીટ સિન્ડ્રોમ) કહેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ બીમાર છે અને તે વ્યક્તિ જાગૃતપણે પોતાની બીમારીમાંથી સાજો થવા માંગે છે પરંતુ અજાગ્રતપણે તેણે પોતાની બીમારી સાથે લગાવ પેદા થઇ જાય છે કારણ કે બીમાર પડ્યા બાદ તેની વધારે પડતી દેખભાળ રાખવામાં આવે છે. બીમારીને કારણે લોકો તેની સાથે સારી સારી વાતો કરે છે. સારું સારું ભોજન પ્રાપ્ત થાય છે… વગેરે વગેરે પરિસ્થિતિને કારણે વ્યક્તિ પોતાની બીમારી પ્રત્યે સાયકોલોજીકલ રિવર્સ થઇ જાય છે અને અજાગૃતપણે પોતાની બીમારી પ્રત્યે આકર્ષાય છે. અને તેને પરિણામે ગમે તેટલા ઉપચાર કરવા છતાં પણ બીમારીમાં કોઈ ફાયદો થતો નથી.

શરૂઆતમાં ત્રણ ઉદાહરણો આપ્યાં તેમાં પણ વ્યક્તિની જાણ બહાર, અંદરખાનેથી એવું લાગતું હોય કે આ જગતમાં કોઈ માણસ સંપૂર્ણ નથી તો આપણું આ એક વ્યસન ભલે ને રહેતું! જે નુકસાન થશે તે વેઠી લઈશું. વિરામ ચિહ્નો પછી સ્પેસ છોડવાનું રહી જાય છે છતાં મિત્રો વાંચવા ટેવાઈ ગયા છે અને બાકી રહેલા પણ ટેવાઈ જશે!- આમ તેમનું અજ્ઞાત મન વિચારતું હોય એ બનવાજોગ છે. અજ્ઞાત મન શું વિચારે છે તેનો કોઈને ખ્યાલ નથી આવતો, વ્યક્તિને પોતાને પણ નહિ.

લખતી વખતે જોડણી ખોટી લખાઈ ગયા પછી ક્ષણવાર તો એમ લાગે કે તે સુધારી લેવી જોઈએ, પછી અજ્ઞાત મન સમજાવી પાડે કે આપણે ક્યાં પરીક્ષાનો નિબંધ લખીએ છીએ કે માર્ક્સ કપાઈ જવાના છે! એ તો ચાલશે! 

સાયકોલોજિકલ રિવર્સ એ તો સમસ્યાનું કારણ છે, પણ તેને અટકાવવાનો ઉપાય શો? જાગૃત મનના શુદ્ધિકરણ માટે હકારાત્મક વલણ કેળવતા પુસ્તકોનું વાચન, શ્રવણ, સત્સંગ, સ્વાધ્યાય ઉપયોગી છે, પણ અજ્ઞાત મનના મોટા હિસ્સાને પલોટવા શું કરવું? શાસ્ત્રકારો તે માટે ધ્યાન ધરવાનું સૂચવે છે. મેડિટેશન ઈઝ ધ ઓનલી વે ટુ પ્યોરિફાય અન્કોન્સિયસ સ્ટેટ ઓફ માઈન્ડ.

1 thought on “સાયકોલોજીકલ રિવર્સલ યાને મનની અવળચંડાઈ!- પરભુભાઈ મિસ્ત્રી

  1. અમારા ખૂબ ગમતા વિષય અંગે મા પરભુભાઈ મિસ્ત્રીનો અભ્યાસપૂર્ણ લેખ
    અમારા વ્યસન મુક્ત કરવાનો અનુભવમા -સંવેદના શુદ્ધિ ક્રિયામાં ઊર્જા-શુદ્ધિની પ્રક્રિયામાં સંકલ્પ કરવાથી ઓટોમેટિકલી સાયકોલોજીકલ રિવર્સલ પર કાર્ય થાય છે અને તે દુર થઇ જાય છે. તમને સાયકોલોજીકલ રિવર્સલ હોય કે ન હોય પરંતુ સંકલ્પ કરવાથી એ હશે તો દુર થઇ જશે અને નહિ હોય તો તમને કોઈ નુકશાન તો નથી જ થવાનું, વ્યસન છોડવા માટે તમારે વ્યસનની તલપ અને તેના સાયકોલોજીકલ રિવર્સલ બંને પર એકીસાથે કાર્ય કરવું પડશે. આ માટે આપણું હાથવગું હથિયાર છે “ઊર્જા-શુદ્ધિ”… કારણ કે ઊર્જા-શુદ્ધિ દરમ્યાન “સંકલ્પ”ની પ્રક્રિયા દ્વારા આ સાયકોલોજીકલ રિવર્સલને સુધારી શકાય છે.

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s