Category Archives: બ્રિન્દા ઠક્કર

મુકામ Zindagi – (૧૭) – સ્ક્રિપ્ટઃ બ્રિન્દા ઠક્કર – રજુઆતઃ દિપલ પટેલ

તમે ક્યારેય એકલા જીવ્યા છો?
એકલા એટલે આજુબાજુ વ્યક્તિઓ ન હોય,
એવું એકલા નહિ..
તમારી સાથે તમે ન હોવ, એવું એકલા!

આપણા પડછાયાએ ક્યારેય પોતાના ‘હોવા’ વિશે ચર્ચાઓ નથી કરી અને એ જ વાત ખરેખર સમજવા જેવી છે. મારા ઘરની બાલ્કનીમાં ઊભા ઊભા હું રોજ એ પોતાની મસ્તીમાં ઝૂમતા કડવા લીમડાને જોયા કરું છું.ત્યાં થોડે દૂર એક કન્સ્ટ્રકશન સાઇટ ચાલે છે,એમાં વપરાતા સળિયાનો અવાજ આખો દિવસ કાનને અથડાયા કરે છે ત્યારે મારા અને લીમડાના એક્સ્પ્રેશન્સ હું નોંધુ છું. મને મજા આવે છે આમ કરવાની.

મને ક્યારેક એમ થાય કે લીમડાના બદલે હું એની આત્મકથા લખું.એ શું અનુભવે છે એ તો મને કેમનું સમજાય?પણ નરી આંખે જેટલું હું એની આસપાસ અને એની ઉપર જોઈ શકું છું એના વિશે તો લખી જ શકાય! લગભગ રોજ એક મોટો સાપ એ લીમડાની ફરતે આંટો મારવા આવે છે. ક્યારેક 3-4 એકભેગા આવે છે. હું એ દૃશ્ય જોઈ નથી શકતી એટલે એના વિશે વધારે કહી ન શકું. એક સાવ કાબર ચિતરું પક્ષી સવાર સવારમાં લીમડાની ડાળ પર બખાળો કરી મૂકે છે. એને જોઈને મને રોજ એમ થાય કે એ કદાચ જિંદગીથી ત્રાસી ગયેલું હશે! રોજ શું એની એ જફામારી!પતાવો યાર વાત! પણ એમનામાં કદાચ આત્મહત્યાવાળો કન્સેપ્ટ નહીં હોય! સુખી છે એ બાબતમાં એ બધાં જ.

કોયલ પણ આવે છે. મારો બ્રશ કરવાનો અને એનો સુંદર ટહુકા કરીને સૂરજને વેલકમ કરવાનો ટાઈમ એક જ. સવારને હું એ કોયલની દૃષ્ટિથી જોઉં તો જાણે આખા દિવસની ખુશીઓનું ભાથું મળી ગયું એમ લાગે. જો મને આટલું બધું લાગતું હોય,તો એ લીમડો તો નાચી જ ઊઠતો હશે ને!

ખરા બપોરે હું અને એ બંને પોરો ખાવા બેસીએ છીએ. અમારી વચ્ચે એક દીવાલ અને લોખંડની ગ્રીલનું અંતર છે. બંને પોત પોતાની જગ્યાએ બેસીને પોતાની જીવાઈ ગયેલી ક્ષણો પર છૂટક નજર નાંખીએ છીએ. પેલી કન્સ્ટ્રકશન સાઇટ પણ બપોરે એકાદ કલાક જંપે છે. આટલી ગરમીમાં પણ લૂ નથી વાતી,ઠંડો પવન આવે છે એના માટે હું રોજ એકવાર તો એ લીમડાને થેન્ક યુ કહું જ છું.

સાંજે પાંચેક વાગ્યે ત્યાં એક ગાય અને બે કૂતરા આવે છે. મેં અને મારા જેવા બીજાઓએ ફ્લેટમાંથી છૂટી ફેંકેલી રોટલીઓ કે અમુક ખાવાની વસ્તુઓ ખાવા માટે તેઓ ફિક્સ ટાઈમ પર આવી જાય છે. હું ને લીમડો,બંને જાણીએ છીએ કે તેઓ કેટલા ભૂખ્યા હોય છે. અમે તેઓની તીવ્ર ભૂખના સાક્ષી છીએ. પણ હા, એ ત્રણેય ક્યારેય એકબીજા સાથે બાખડતા નથી. જેના ભાગે જેટલું આવે,જે જેટલું શોધી શકે તેટલું ખાઈને જતા રહે છે.

વળી સાંજના સુમારે ઢળતા સૂરજની સાક્ષીએ હું એને છેલ્લી વાર જોઈ લઉં છું. પછી દરવાજા બંધ. ફક્ત મારા,કારણકે એની પાસે ન તો દરવાજા છે, ન તાળાં છે. એ તો એમજ અડીખમ, મંદ મંદ મુસ્કુરાયા કરતો ત્યાં જ સ્થિર છે.

કાલે સાંજે કન્સ્ટ્રકશન સાઇટમાં કામ કરતા માણસોના ટાબરીયા આવી ચડેલા. એમના ખુલ્લા – ચપ્પલ વગરના પગ જોઈને મારાથી નાની ચીસ નીકળી ગયેલી. ત્યાં જીવ જંતુની સાથે સાથે તૂટેલી કાચની બોટલ અને તળિયા છોલી નાંખે એવા કાંકરા પણ છે,એટલે. લીમડો તોયે સ્થિર હતો,અને ભૂલકાં જોઈને રાજી થયો હશે ફક્ત! એમ ને એમ થોડીને સ્થિતપ્રજ્ઞ કહેવાતો હશે?

ખૈર,અત્યારે જ્યાં કન્સ્ટ્રકશન ચાલુ છે,ત્યાં પણ પહેલા આવા જ વૃક્ષો અને અઢળક હરિયાળી હતી. જાણે અમે વાડીમાં રહેતા હોઈએ તેવો ભાસ થતો. પરંતુ થોડા જ મહિનાઓમાં ત્યાં વિકરાળ બિલ્ડીંગ બની ગયું છે. ત્યાંથી ઊડતી ધૂળ રોજ મારા ઘરમાં આવે છે. એને સાફ કરતી વખતે ક્યારેક એમ થાય કે આમાં કપાયેલા વૃક્ષોના અવશેષો પણ હશે જ!

હવે બીક એ વાતની લાગે છે કે અમુક મહિનાઓ પછી જ્યારે હું ફરીથી ઘરમાં ડસ્ટિંગ કરતી હોઈશ ત્યારે,એમાં અમુક રજકણો મારા આ લીમડાની પણ હશે જ ને?

~ Brinda Thakkar

Sent from my iPhoneAttachments areaPreview YouTube video તમે ક્યારેય એકલા જીવ્યા છો?તમે ક્યારેય એકલા જીવ્યા છો?

મુકામ Zindagi – (૧૬) – સ્ક્રિપ્ટઃ બ્રિન્દા ઠક્કર – રજૂઆતઃ દિપલ પટેલ

આસપાસ બનતી નાની ઘટના પણ કેટલું બધું શીખવાડી જાય છે!

@मुक़ाम Zindagi

દિપલ પટેલના સુંદર અવાજમાં આખી વાત અહીં સાંભળો:
https://youtu.be/XmH_DEffJis

આજે ગાર્ડનમાં મોર્નિંગ વોક દરમિયાન જોયેલું,મનમાં વસી ગયેલું એક દ્રશ્ય.

નાનકડો બગીચો છે,જેમાં નાના બાળકો માટે રમવાના હિંચકા,લપસણી અને સી-સો છે. સી-સો ને ગુજરાતીમાં શું કહેવાય એ મને ખબર નથી,સોરી. પણ બંને બાજુ એક-એક બાળક બેસે અને ઝૂલે એ સાધન.

અત્યારે આખો બગીચો ખાલી હતો. એમાં એક પપ્પા એમના ચારેક વર્ષના દીકરાને લઈને પ્રવેશ્યા. પેલાએ જીદ કરી કે મને સી-સો માં બેસવું છે. એના પપ્પાએ એને બેસાડ્યો. સામે જઈને તેઓ હાથથી સીટ પર વજન આપીને દીકરાને ઝુલાવી રહ્યા હતા. હવે દીકરાએ ફરી જીદ કરી કે તમે બેસી જાઓ એ સીટ પર. એના પપ્પાએ એને પણ ત્યાંથી ઉતારી લીધો,એનો હાથ પકડીને ત્યાં એક બોર્ડ હતું ત્યાં લઇ ગયા અને કહ્યું,જો અહીં શું લખ્યું છે? કે પાંચ વર્ષથી ઉપરના બાળકોએ કે વ્યક્તિઓએ બગીચાના સાધનોનો ઉપયોગ કરવો નહીં.

આ સાંભળીને એ નાના બાળકે કાન પકડીને એ બોર્ડને સોરી કહ્યું. એના પપ્પાએ કહ્યું કે આપણે હજી ભૂલ કરી નથી બેટા,એટલે સોરી ન કહીએ તો ચાલે. એટલે પેલા બાળકે બોર્ડની સામે જોઇને કહ્યું ‘મેરા સોરી વાપસ દે દો. મુજે કહીં ઓર બોલને મેં કામ આયેગા.’ અને પાછો સી-સો તરફ દોડી ગયો.

થોડી વારે આ કાર્યક્રમ પત્યો અને એ લોકો નીકળતા હતા,ત્યારે એ ટેણિયાએ નાનકડું હેલ્મેટ પહેર્યું, અને એની સાઇકલ પર બેસી ગયો,એના પપ્પાએ હેલ્મેટ પહેર્યું, અને એમની સાઇકલ લઈને – બંને બાપ-દીકરો વાતો કરતા કરતા રોડ પર નીકળી ગયા.

આમ જોવા જઈએ તો સાવ સામાન્ય દ્રશ્ય. પણ થોડા ઊંડા ઉતરીએ તો સમજાય કે એક બાપ કેટલું સરસ અને ઊંચું ભવિષ્ય ઘડી રહ્યો છે,રોજિંદી – ઝીણી બાબતો પર ધ્યાન આપીને. નિયમોનું પાલન કરવું, ભૂલ થાય ત્યારે માફી માંગવી અને જિંદગી ભરપૂર જીવવી.

આવું જ એક દ્રશ્ય થોડા દિવસ પહેલા પણ મેં જોયેલું. વિપ્રૉ સિગ્નલ પાસે,સવારમાં સાત વાગે બિલકુલ ટ્રાફિક નહોતો. એક સાઇકલ પર એક ભાઈ,પોતાની ત્રણેક વર્ષની દીકરીને સ્કૂલ મૂકવા જઇ રહ્યા હતા. સિગ્નલ પર રેડ લાઈટ થઈ, એકેય બાજુથી એક પણ વાહન આવી રહ્યું નહોતું છતાં એ ભાઈએ સાઇકલ ઉભી રાખી. એમની દીકરીએ એમની સામે જોયું (આગળ બેસાડી હતી), એમણે રેડ લાઈટ તરફ ઈશારો કરીને સમજાવ્યું કે ગ્રીન થાય ત્યારે જવાનું.

એ ભાઈના પહેરવેશ પરથી લાગતું હતું કે એ પોતે કદાચ ક્યારેય સ્કૂલ નહિ ગયા હોય! અને છતાં એ જે રેડી રહ્યા હતા તે મારફાડ બી.એમ.ડબ્લ્યુ કરતાં પણ અનેક ગણું મૂલ્યવાન હતું!

સમજણ અને સંસ્કાર રૂપિયા કે વાતાવરણના મોહતાજ નથી હોતા!

~ Brinda Thakkar

Sent from my iPhoneAttachments areaPreview YouTube video આસપાસ બનતી નાની-નાની ઘટનાઓમાં કેટલી મોટી વાત છુપાયેલી હોય છે!આસપાસ બનતી નાની-નાની ઘટનાઓમાં કેટલી મોટી વાત છુપાયેલી હોય છે!

મુકામ Zindagi – (૧૫) – સ્ક્રિપ્ટઃ બ્રિન્દા ઠક્કર, રજુઆતઃ દિપલ પટેલ

કોઈપણ વ્યક્તિ સામાન્ય ક્યાં હોય છે? નિયત માણસને અનન્ય બનાવે છે!

https://youtu.be/WCnRsCEtMpQ

હવે મને લાગે છે કે હું અમારા આન્ટી પર આખી સિરીઝ લખી શકું એમ છું.

આજે એ આવ્યાં.એમના હાથમાં એક બાઉલ હતું.એમણે જાતે અમારા ફ્રિજમાં મૂકી દીધું. બીજી બે મોટી થેલીઓ હતી. એ ટેબલ પર મૂકી દીધી.પછી કામ કરવા લાગ્યા. મારી વઘારેલી ખીચડી બનતી હતી,હું કૂકર ખુલવાની રાહ જોતી હતી. તબિયત થોડી નરમ હોવાને લીધે સાવ ધીમે ધીમે ચાલતી હતી ઘરમાં. એમણે મને બે વાર કૈંક કહ્યું,પણ હું સાવ અબુધ! અને ખાલી ખાલી હા પાડવાનું તો બંધ કરી દીધું ને મેં? એટલે બઘવાઈને ઉભી રહી એમ ને એમ સામે. એ પછી મને પકડીને બેડરૂમમાં લઇ ગયા અને આરામ કરવાનો ઈશારો કર્યો! વઢતાં હોય એમ જ લાગ્યું. જાણે કહેતાં ન હોય કે ‘શું ફર ફર કરે છે?સૂઈ જા ને છાનીમૂની…’

અને મેં ઈશારો કર્યો કે મને ભૂખ લાગી છે. જમીને આરામ કરીશ. મેં કૂકર ખોલ્યું અને ખીચડી કાઢી. એમને પૂછ્યું કે તમે જમશો? તો પહેલા જોવા આવ્યા ખીચડી, પછી જોઈને હા પાડી અને એમણે પણ કહ્યું કે મને પણ ભૂખ લાગી છે. એમની ખીચડી પ્લેટમાં કાઢીને હું મારી પ્લેટ લઈને સૉફા પર બેઠી.

એ વળી ચોકડીમાંથી કૈંક બૂમો પાડીને કહેતાં હતાં. હું આરામથી જમતી હતી. હવે આદત પડી ગઈ છે. કોઈ આપણને જ કૈંક કહી રહ્યું છે પણ આપણે આપણા કામમાં મસ્ત રહેવાનું. કારણકે સમજણ તો કંઈ પડવાની નથી. બહુ ઈમ્પોર્ટન્ટ હશે તો ઇશારાથી સમજાવશે. બાકી આપણે મગજ નહીં ચલાવવાનું.

કામ પતાવીને આવ્યા, અને એમનું બાઉલ એમણે ફ્રીજમાંથી લઇ લીધું જાતે.પછી ખીચડી ખાધી શાંતિથી. મેં સાથે મેથીનું થેપલું આપેલું,પણ એ એમણે ગરમામાં પાછું મૂકી દીધું. ગુજરાતી તુવેરની મીઠી દાળ,થેપલા ને એ બધું એમને બિલકુલ ન ભાવે. પાછા મોઢું બગાડીને કહે પણ ખરા કે મને ના ભાવે આવું બધું! પણ ખીચડી એમને ભાવી એટલે ‘નલ્લા ફૂડ..નલ્લા કીચડી’ એમ બોલ્યા કરતાં હતાં. (નલ્લા એટલે સરસ,’ખ’નો ઉચ્ચાર અહીં ‘ક’ કરે બધાં)

નીકળતી વખતે કહ્યું કે ‘નાલકે લિવ’. નાલકે એટલે કાલે એટલું મને આવડી ગયું છે. કાલે નહીં આવે.પણ ખાસ્સી વાર બોલ્યા કર્યું એમણે જેનો મતલબ થતો હતો કે તું આરામ કરજે, હું પરમ દિવસે આવીને બધા વાસણ એકસાથે કરીશ. છૂટક શબ્દો સમજતી થઈ છું એનો આ ફાયદો. અને એમણે એમની થેલીમાંથી બે કેળા મને આપ્યા. પાછા ચોખ પાડીને કહે કે એક મારા માટે, એક દર્શન માટે!(એટલે હું બંને ના ખાઈ જાઉં!)

અહીં મને એમની ‘આપવાની’ રીત સ્પર્શી ગઈ. એ આન્ટી આર્થિક રીતે સખત નબળી પરિસ્થિતિ ધરાવે છે. બે કેળા કદાચ એમનું એક ટાઇમનું જમવાનું પણ બની શકે! અને છતાં એ ભાવ, એ રીત એટલી સંવેદના સભર હતી કે હું ના ન પાડી શકી. આપણે ત્યાં દાનનું મહત્ત્વ ઘણું છે, પણ સામે એટલી જ નામના પણ જોઈતી હોય છે લોકોને. જેટલું આપ્યું હોય એનાથી દસ ગણી વાર તો બધે છપાવ્યા કરે, ગણાવ્યા કરે અને વાહવાહી ઉઘરાવ્યા કરે. અને સામે છેડે આવા લોકો પણ અસ્તિત્વ ધરાવે છે, જેને પોતાના કાલની ખબર નથી ને એમને રાખવીયે નથી. આજે બનતું બધું પ્રામાણિકતાથી કરી છૂટવું છે બસ.

ટેબલ પર પડેલા એ બે કેળા મને મંદિરની પવિત્ર પ્રસાદી જેવા લાગી રહ્યા છે. એની મીઠાશ દુનિયાની દરેક મીઠાઈ કરતાં અનેકગણી હોવાની એવી મને શ્રદ્ધા છે.

ઈશ્વર આવા અસ્તિત્વોની તક્તિઓનો ઝગમગાટ ઓછો ન થવા દે એવી અરજ!

~ Brinda


Preview YouTube video કોઈપણ વ્યક્તિ સામાન્ય ક્યાં હોય છે?નિયત માણસને અનન્ય બનાવે છે!કોઈપણ વ્યક્તિ સામાન્ય ક્યાં હોય છે?નિયત માણસને અનન્

મુકામ Zindagi – (૧૪) -સ્ક્રિપ્ટઃ બ્રિન્દા ઠક્કર, રજૂઆતઃ દિપલ પટેલ

https://youtu.be/aJhIxW5rr_k

અને એક દિવસ એ ખોવાયેલું નગર પાછું મળે છે!સપનાઓનું નગર.જેને કોઈ ડેલી-દરવાજા નથી.જેના આભાસી બારણે કંકુના થાપા પરાણે ચોંટાડેલાં નથી કે નથી ત્યાં કોઈ લીંબુ-મરચાં લટકતાં. ને છતાંયે એ હજી હેમખેમ છે!

પાંદડાઓનો સળવળાટ દરેકને ન સંભળાય એ સમજી શકાય તેવું છે, પણ વસ્તીના છેલ્લા કૂબામાંથી રોજ આવતો એક-સરખો અવાજ  કણસી રહ્યો હોય ને તોય આપણે ન સાંભળી શકીએ, તો ક્યાંક ખોટ રહી ગઈ છે એવું નથી લાગતું?

તમે બસના કે ટ્રકના ડ્રાઈવરની લાલ-લાલ ઊંઘરેટી ને છતાં સજાગ આંખો જોઈ છે કોઈ દિવસ? એમાં કેટલો ઇંતજાર ખડકાયેલો હોય છે! કેટલી વાર્તાઓ રોજ એની નજર સમક્ષ ભજવાતી હોય છે. ને તોય જો એની સાથે વાતો કરવા બેસો તો એકાદ નકાર સિવાય ક્યાં કશું એ બોલી શકે છે? અને એય સાચો જ છે ને! માણસ કેટલું સંઘરે? ને ક્યાં સુધી?

કોઈ દૂર દરિયા કિનારે એકાદ નાની મઢીમાં જોરથી દુહા લલકારતા બાવાજી જોયા છે? એની પાસે કેટલું છે એ સમજવા આપણી જિંદગી ટૂંકી પડી શકે હોં. ને તોય મને પ્રશ્ન થાય કે એનો જીવ પણ  ક્યારેક તો અકળાતો હશે ને? માણસ બધું જ છોડીને કશે પહોંચવા મથે, ત્યારે એ બધું જ એમ છૂટી જતું હશે? આમ જોવા જઈએ તો કેટલું સહેલું અને આમ જોઈએ તો આનાથી અઘરું જગતમાં બીજું છે શું?

ગાયો ચારતો જુવાન ગોવાળિયો જ્યારે ટેકરી માથે બેઠો-બેઠો અનંત તરફ મીટ માંડીને જે જોઈ રહ્યો હોય છે, એ શેની રાહ હોય છે?એની જિંદગી એને સવાલો નહિ પૂછતી હોય?અને પૂછે તો પણ,જવાબો આપવા દર વખતે જરૂરી ક્યાં હોય છે!

આ જે આસપાસ ધબકે છે એ જીવો ક્યારેક ધબકારો ચૂકી જવાના છે એ નક્કી વાત છે. કોઈ કેટલુંય આપીને જશે તો કોઈ બધું જ લઈને જતું રહેશે. જેવી જેની નિયત.જેવો જેનો ખેલ અને જેવી જેની સ્ક્રિપ્ટ! ભજવ્યા વિના છૂટકો છે?

પણ જો આવા કોઈ ધબકતા જીવ સાથે, બે ઘડી વાતું કરવા મળે કે એના મનમાં ધરબાયેલા ડૂસકાં ખાળવાની તક મળે ને તો ચૂકી ન જાતા! આ બધી જીવતાની જ માયા છે. દીવાલ પર લટકાવેલા ફોટા ધૂંધળા થઈ જશે પણ સ્મૃતિઓને કાટ નહીં લાગી શકે.

એટલે સ્મૃતિઓ ડસવા આવશે કે ભેટવા, એ નક્કી આપણે જ કરવાનું છે!

~ Brinda Thakkar

Attachments area

Preview YouTube video સ્મૃતિઓ ડંખવા આવશે કે ભેટવા,તે આપણે જ નક્કી કરવાનું છે!

https://i.ytimg.com/vi/aJhIxW5rr_k/mqdefault.jpg

https://ssl.gstatic.com/docs/doclist/images/mediatype/icon_2_youtube_x16.png

સ્મૃતિઓ ડંખવા આવશે કે ભેટવા,તે આપણે જ નક્કી કરવાનું છે!મુકામ Zindagi – (૧૧) – સ્ક્રિપ્ટ બ્રિન્દા ઠક્કર, રજૂઆતઃ દિપલ પટેલ

મુકામ Zindagi – (૧૧) – સ્ક્રિપ્ટ બ્રિન્દા ઠક્કર, રજૂઆતઃ દિપલ પટેલ
ઓડિયો- વીઝ્યુઅલ પ્રેઝન્ટેશન માટે નીચેની લિંક પર ક્લીક કરોઃ

રોજ કરતાં આજે આન્ટી મોડા આવ્યાં. હેલ્પર આન્ટી. જેમને ફક્ત તમિલ આવડે અને મને બિલકુલ ન આવડે એ જ આન્ટી.

હું રસોઈ બનાવવામાં આળસુ પ્રાણી છું. રોજ સવારે ઉઠીને,ઓછામાં ઓછા ટાઈમમાં શું ને કેવી રીતે બનાવી શકાય,એ વિષય જ મારું ધ્યેય હોય છે. એમાંય આ ટિફિનવાળું પ્રકરણ નવું ઉમેરાયું લગન પછી,પણ હું એમાં મારી રીતે અખતરાઓ કરતી રહું છું. પતિદેવની મહેરબાની છે કે આ વિષયમાં કોઈપણ પ્રકારની ‘કચકચ’નો હું ભોગ બનતી નથી!

સવારે એમનું ટિફિન બને,એમાં હું મારી બે રોટલી સાથે જ બનાવી લઉં, એટલે મારે 12 વાગે ફરી રસોડામાં ન જવું પડે. મને ઠંડી રોટલી ખાવી પોસાય પણ,મારી એકલી માટે ફરી રસોડામાં જઈને કંઈ બનાવું ન પોસાય એટલી હદે આળસુ છું.

થોડા મહિનાઓ પહેલાં એવું બન્યું, કે ગરમું ઉટકવા માટે આપવાનું હોવાથી, મેં એમાંથી આગલી રાતની વધેલી 1 રોટલી સ્ટવ પર મૂકી જે હું ગાયને માટે રાખતી. પછી હું બીજા કામે લાગી. પાણી પીવાનું યાદ આવતા રસોડામાં ગઈ,અને આન્ટી એ સ્ટવ પર મૂકેલી-થોડી સુકાઈ ગયેલી રોટલી લૂખી ચાવતા હતા! મને સખત આશ્ચર્ય અને આઘાત લાગ્યા.  મેં ફ્રીજમાંથી દહીં કાઢીને આપ્યું,અને સમજાવ્યું કે આની સાથે ખાઓ. પણ ત્યાં સુધી એમણે રોટલી પતાવી દીધી હતી. પાણી પી ને પાછા વાસણ ઘસવા લાગ્યા.

મેં બીજા દિવસે નક્કી કર્યું કે આન્ટીની 2 રોટલી બનાવવી. મેં બનાવી. એ આવ્યા ત્યારે પ્લેટમાં શાક-રોટલી આપ્યું. ન ખાધું. અડ્યા પણ નહીં. મને લાગ્યું કે મારી શરમ આવતી હશે. બીજા દિવસે એ આવવાના હતા એની પહેલા, પ્લેટમાં રોટલી રાખીને, બાજુમાં પ્લાસ્ટિકની કોથળી રાખી,પ્લેટફોર્મ પર. મને થયું,એમને ઘરે લઈ જવી હોય તો લઈ જાય. પણ એ ન લઈ ગયા. પછી મેં પડતું મૂક્યું. એ ભૂખ્યા હોય ત્યારે જ, સામેથી માંગે કે કૈંક ખાવાનું આપો.

આજે આવ્યા,અને હું ગરમું સાઈડમાં મૂકતી હતી, ને મને પૂછ્યું કે બ્રેડ છે? રોટલીને એ બ્રેડ કહે. મેં મારી બનાવેલી 2 રોટલી અને ટીફીન બનાવતા વધેલું મારા ભાગનું ભીંડાનું શાક એમને આપ્યા. એ તરત લઈને બેસી ગયા જમવા. તીખું લાગ્યું તો કહે પાણી તો આપો. મેં આપ્યું. એટલા તન્મય થઈને એ જમી રહ્યા હતા,કે મને એમ થયું કે આમના જેટલી હોંશથી તો મારું બનાવેલું કોઈ જમતું નથી. પણ એ અભાવની ભૂખ હતી,એનો સંતોષ અનેરો જ હોય!

એ જમી રહ્યા એટલે એમને સમજાયું કે એ મારા ભાગનું જમી રહ્યા હતા. એમના મોઢા પર ચિંતાઓ તરી આવી. હું બીજીવાર મારા માટે કંઈ નહીં બનાવું અને ભૂખી જ રહીશ,એ એમને પણ ખ્યાલ. એટલે ઇશારાથી કહ્યું કે હમણાં ને હમણાં બનાવ તારા માટે. મેં કહ્યું હું પછી બનાવી લઈશ તો પણ ન માને. એટલે મેં એમની સામે ખીચડી વઘારી મારા માટે. પછી મોટ્ટી સ્માઈલ આપી એમણે અને વિદાય થયાં. (એ જમવામાં બીઝી હતાં ત્યારે મેં ફોટો લઇ લીધો)

અહીંનો સૂરજ ફક્ત દઝાડતો નથી,આવા સંતોષની શાતા પણ આપે છે,હોં!

~ Brinda

Sent from my iPhone

Attachments area

Preview YouTube video સંવેદનાસભર સંબંધોને ભાષા કે પ્રદેશના બંધનો ક્યાં નડે છે?

મુકામ Zindagi – સ્ક્રીપ્ટઃ બ્રિન્દા ઠક્કર – રજુઆતઃ જિગર અભાણી

આજે આ લખું છું ત્યારે હૃદય ચિરાય છે. મન ચિચિયારીઓ પાડી રહ્યું છે. આંસુ કેમેય રોકાતા નથી ને એટલે થયું કે બધું લખી નાંખું. જેટલું મનમાંથી વહી શકે તેટલું વહાવી નાંખું. આખું વિશ્વ જાણે એકાએક ભેંકાર થઈ ગયું છે. Continue reading મુકામ Zindagi – સ્ક્રીપ્ટઃ બ્રિન્દા ઠક્કર – રજુઆતઃ જિગર અભાણી

મુકામ Zindagi – (૧૦) – સ્ક્રીપ્ટઃ બ્રિન્દા ઠક્કર, રજૂઆતઃ દિપલ પટેલ

“માનવજીવનમાં એક આવો પસ્તાવો પણ હોય છે” 

આજે ગાર્ડનમાં એક દાદા જોયા. બાંકડા પર બેઠા હતા, એકલા. એટલે આપણને એકલા લાગે, પણ એ હતા નહીં કદાચ. એ આકાશ સામે જોઈને વાતો કરી રહ્યા હતા. સખત દુઃખી લાગતા હતા. બસ, રડવાનું જ બાકી હતું જાણે. એમની પાસેથી પસાર થઈ, અમુક શબ્દો કાને પડ્યાં, પણ હાય રે ભાષા! કોરી પાટી જેવી હું એમના નહીં પડેલા આંસુને જોઈને આગળ વધી ગઈ!

પછી વૉકિંગ દરમિયાન, એક યુદ્ધ ચાલ્યું મનમાં. જાત સાથે લૉજીકલ વાત ઘણા લાંબા સમય પછી કરી આજે. શું હોય છે આ બધું જે સતત અને સખત પીડે છે આપણને? કોઈ જતું રહ્યું એ? કોઈ નથી જતું એ? કશું ન મળ્યું કે કશું વધારે પડતું જ મળી ગયું છે ને પચાવી નથી શકતાં, એ?

મને લાગે છે કે આ બધાની જડ ‘પ્રાયશ્ચિત’ અથવા ‘પસ્તાવો’ છે. અમુક વ્યક્તિની અમુક-તમુક સમયે માફી માંગી લેવાની હતી, જે નથી માંગી શક્યા. અમુક વ્યક્તિને જે-તે સમયે માફ કરીને મીઠી સ્માઈલ આપી દેવાની હતી જે નથી આપી શક્યા. અમુક ભારમાંથી ક્યારનુંયે મુક્ત થઈ જવાનું હતું, ને નથી થયા. હજી વેંઢારીને ફરીએ છીએ. આવા કેટલાય નામી-અનામી બોજ તળે કિંમતી જિંદગીના દિવસો દબાઈ રહ્યા છે, ખોવાઈ રહ્યા છે એક પછી એક!

અને, છેલ્લે જ્યારે સમય મળે છે આ બધું વિચારવાનો, વીતેલા-ખરેલા વર્ષો પર નજર કરવાનો, ત્યારે ચોક્કસ મોડું થઈ ગયું હોય છે. ગમતાં માણસો વિદાય થઈ ચૂક્યા હોય છે, એક સમયે એનર્જીથી ભરેલી જિંદગી હવે પરાણે પાછળ ઢસડાતી હોય છે. આ બધાનું મૂળ એ જ કે જે સમયે જે કરવાનું હતું, તે ન કર્યું.

પછી, આમ કોઈ એક એકાકી બાંકડા પર બેસીને અનંત તરફ તાક્યા કરવાનું કે આભાસી દુનિયામાં પડછાયો થઈને ભટકવા સિવાય બાકી શું રહે છે?

અને એટલે જ, પસ્તાવો જરૂરી છે. જરૂરી સમયે થઈ જવો ખાસ જરૂરી છે. બીજા માટે નહીં, પોતાના માટે. એક ભાર ઓછો થશે, તો બીજો અહેસાસ થશે. એક પછી એક ભૂલો સ્વીકારીને, પછી એનાથી મુક્ત થઈ શકાતું હોય છે. પશ્ચાતાપના પણ અનેક રૂપો હોય છે. ફક્ત ‘સૉરી’ એ ઈલાજ નથી. એક ભૂલની માફી માંગવામાં બીજી ભૂલ ન કરી બેસીએ એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે.

મેં કેટલીયે વાર આળસને લીધે મારા મમ્મી પપ્પાના અમુક કામો નથી કર્યા. એનો પણ મને હવે ભાર લાગે છે. પણ હવે મારી પાસે એમની સાથે વિતાવવાનો સમય નથી. અને એ ગિલ્ટમાંથી છૂટવા, મને સતત એમ થયા કરે કે હવે પછી કોઈપણ વ્યક્તિ કોઈપણ કામ કહેશે, તો હું તરત કરી આપીશ. આ મન મનાવવાની એક રીત છે, જે હું જાણું છું. પણ સમયના અભાવો કેટલા ધારદાર હોય છે તેનો અંદાજ લગાવી જોજો. સમજાઈ જશે. અને એટલે, ફૂલ નહીં તો ફૂલની પાંખડીના ધોરણે જે થઈ શકે તે કરતા રહેવું.

અને હા, સૌથી પહેલા પોતાની જાતને માફ કરી દેવી. એમાં મોડું કરવા જેવું નથી.

~ Brinda Thakkar

મુકામ Zindagi – (૯) – સ્ક્રીપ્ટઃ બ્રિન્દા ઠક્કર – રજૂઆતઃ દિપલ પટેલ

Preview YouTube video અજાણ્યા શહેરની ખાટી-મીઠી વાતો

ફક્ત પચ્ચીસ મિનિટમાં તમારી સાથે કેટલી ઘટનાઓ ઘટી શકે?

વૅલ, મારા ઓબ્ઝર્વેશન પ્રમાણે જો તમે આંખ,નાક,કાન,મગજ અને હૃદય સચેત રાખીને કોઈપણ જગ્યાએ લટાર મારવા નીકળો તો કશુંક તો એવું મળે જ,જે તમારી પાસે અત્યાર સુધી નહોતું!

હું હમણાં ઘરની બહાર નીકળી,ચોખા અને વટાણા લેવા. એક રીતે આ બધું કરિયાણું અને શાકભાજી ખરીદવા નીકળવું એ સખત બોરિંગ કામ છે, મને તો લાગે છે. પણ..પણ..પણ.. આજે જે બન્યું એ થોડું હટકે હતું.

હું એક કરિયાણાની દુકાનમાં ગઈ. ઓનેસ્ટલી, મને દાળ-ચોખામાં બહુ ખબર પડતી નથી પણ,ચોખા જેટલા જૂના હોય એટલા સારા એવું સાંભળ્યું છે. એટલે મેં દુકાનમાં હાજર આન્ટીને કહ્યું ‘આઈ વોન્ટ બાસમતી રાઈસ ફોર ટેસ્ટિંગ. કેન યુ પ્લીઝ ગીવ સમ 200 ગ્રામ્સ?’ અને આન્ટી બોલ્યા ‘ અય્યો અમ્મા.. લૂઝ રાઈસ ઇલ્લેયા!’ અને મારું મોઢું પડી ગયું. છૂટક ચોખા એમની પાસે નહોતા. મારે વટાણા પણ લેવા હતા,અહીં બધી જ દુકાનો પર કરિયાણું, શાકભાજી,પાણીની મોટી બોટલ,પ્લાસ્ટિકની વસ્તુઓ.. બધું જ મળે. અને દર ત્રીજી દુકાન આની જ હોય! મારું દુઃખી મોં જોઈને બિચારા આન્ટી પણ દુઃખી થઈ ગયા. મેં થોડા વટાણા લીધા,તો એ કહે કે પાંચ રૂપિયા! મારાથી બોલાઈ ગયું,આર યુ શ્યોર? એ હસીને તમિલમાં કૈંક બોલ્યા,એનો મતલબ હું એવો સમજી કે ચોખા તો છૂટક નથી,પણ વટાણા તો આપી શકું ને?

એમણે ચોખા માટે બીજી દુકાન બતાવી,અને કહ્યું ત્યાં મળી જશે. હું ઇશારાથી જોકે બધું સમજતી હતી. ત્યાં એક ઘરડા કાકા આવ્યા,એમણે અમુક વસ્તુઓ લીધી. ડુંગળી ને બધું ભારે-ભારે ઉંચકતા એમના હાથ ધ્રુજતા હતા. મેં એમનો સામાન એમની થેલીમાં મૂકવા માંડ્યો,એમા મારું પર્સ જરાક કાકાને અડી ગયું. તો ઝાટકાથી મારાથી દૂર થઈ ગયા. મને નવાઈ તો લાગી,પણ કાકા દેખાવથી જ સખત કન્ઝર્વેટિવ લાગતા હતા એટલે હું કે મારી વસ્તુ એમને અડી ન જાય એવું ધ્યાન રાખીને એમની વસ્તુઓ મૂકી આપી ને હું નીકળી ગઈ.

બીજી દુકાનમાંથી ચોખા મળી ગયા,ત્યાં હું પૈસા ચૂકવતી હતી ત્યારે બીજી 3-4 સ્ત્રીઓ પણ ઉભી હતી,જે મેં કોઈ ગુનો કરી નાંખ્યો હોય તેમ મારી સામે જોતી હતી. પહેલા હું સમજી નહીં, પછી ધ્યાન ગયું કે એ બધાંએ સિલ્કની સાડી ચપોચપ પહેરી હતી અને અધમણ સોનુ લટકાવ્યું હતું,જ્યારે હું મારા રાષ્ટ્રીય પોશાકમાં એટલે કે કાગળિયા જેવા નાઈટ ડ્રેસમાં સજ્જ હતી! મને હસવું આવી ગયું અને હું ત્યાંથી નીકળી ગઈ.

ત્યાં જ સામેથી પેલા ઘરડા કાકા સાવ ધીમે-ધીમે ચાલતા આવતા હતા. હું એમની જ સામે જોઈ રહી હતી અને વિચારતી હતી કે કાકા સ્ત્રીઓ વિશે,છોકરીઓ વિશે શું ધારતા હશે? આ નવી પેઢી એમના માટે કેટલી અઘરી સાબિત થઈ રહી હશે? અને ત્યાં જ એમણે પણ મારી સામે જોયું. મને એમ કે મોઢું ફેરવી લેશે પણ ના.. એમણે સાવ નિર્દોષ સ્માઈલ આપી!

હવે મારા વિચારોની દિશા બદલાઈ ગઈ અને એટલામાં જ પાછળથી એક બાઇક આવતું હશે એનો મિરર મને ભટકાયો. મારાથી જોરથી બોલાઈ ગયું,’ડફોળ’! અને એ સાથે જ બાઇક પરથી પણ અવાજ આવ્યો ‘બીપ..બીપ…(ગાળ, યુ નો?)બાઇક ઉભું રહ્યું, આશરે ત્રીસેક વર્ષનો ‘ભઈલો’ હતો. મને પૂછ્યું ‘ગુજરાતી??’ અને મેં સામે પૂછ્યું ‘દિલ્હી સે હો ક્યા?’ સાચું પૂછો તો બંને ચોંકી ગયેલા. એણે હા પાડી અને બોલવા લાગ્યો કે આઈ એમ રિયલી સોરી મેડમ, વો ગલતી સે ગાલી નિકલ ગઈ..મેરા ઐસા કોઈ ઈરાદા નહિ થા.. વો મેં થોડા સ્ટ્રેસમેં થા..’ ને આજે મૂડ મારો સારો હતો,એટલે મેં સામે કહ્યું કે ‘ઇટ્સ ઓકે. મુજે દિલ્હીવાલોકા પતા હૈ. સો નો પ્રૉબ્લેમ.’ એને નવાઈ લાગી. અને પૂછ્યું, આર યુ શ્યોર? ઇતની જલ્દી ઔર સ્માઈલ કે સાથ કૌન માફ કર દેતા હૈ બે?’ પછી મને લાગ્યું કે આ નોટ એમ વાત પતાવશે નહીં, એટલે થોડું ગુસ્સામાં મેં કહ્યું ‘લાઇન નહીં માર રહી હું ભાઈ’સાબ! બોલાના કી માફ કિયા,અબ નિકલો!’

અને હું ચાલવા લાગી. તો એણે ફરી બૂમ પાડી અને કહ્યું,’બુરા મત માનના, લેકિન બહોત દિનો બાદ કિસી નોર્થ ઇન્ડિયનકી આવાઝ સુની યહાં પે, તો થોડા ઝયાદા બોલ ગયા મેં. સૉરી સિસ્ટર!’ અને એ બાઇક સાથે નીકળી ગયો.

મેં વર્ષો પહેલા એક જોડકણા જેવી કવિતા લખી હતી,જેમાં ફૂલ સ્પીડમાં બાઇક ચલાવતા અને લાલ-લાલ આંખોવાળા-પોતાના સપનાઓનો ભાર ન જીરવી શકતા છોકરાઓ વિશે લખ્યું હતું. આજે ખબર નહિ કેમ,પણ આ યુવાનમાં પણ એ જ ભાર વર્તાતો હતો. માણસ કેટલો એકલો થઈ જતો હોય છે, કે રસ્તે જતા કોઈ સાવ અજાણ્યું ભટકાઈ જાય તો એની સાથે પણ એની એકલતા ચાડી ખાઈ જાય?

બેફામ સાહેબની પેલી ગઝલ યાદ આવી ગઈ – ‘કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું કેમ છો? એને આખી કહાણી સુણાવી દીધી.. થાય સરખામણી તો ઉતરતાં છીએ..!’

તો હા,હવે મેં મગજમાં બરફ અને જીભ પર મીઠાશ રાખીને જ ઘરની બહાર નીકળવાનું નક્કી કર્યું છે.

~ Brinda

મુકામ Zindagi – (૮) – સ્ક્રીપ્ટઃ બ્રિન્દા ઠક્કર – રજૂઆતઃ દિપલ પટેલ

https://youtu.be/TH7o8eNASE4

Attachments area

Preview YouTube video તમારી ભીતરની સમૃદ્ધિ અને ભીતરની યાત્રા કેવી છે?

આજે ઘણા સમય પછી ફરીથી હું મને મળી.
Continue reading મુકામ Zindagi – (૮) – સ્ક્રીપ્ટઃ બ્રિન્દા ઠક્કર – રજૂઆતઃ દિપલ પટેલ

મુકામ Zindagi – (૭) – સ્ક્રીપ્ટઃ બ્રિન્દા ઠક્કર – રજૂઆતઃ દિપલ પટેલ

“કોઈપણ સ્થાન પર તમે હોવ, સમયસર ત્યાંથી નીકળી જવું ખૂબ જરૂરી હોય છે.”
જીવનની કોઈ એક ક્ષણે નિર્ણય લઇ લેવાનો હોય છે.
બધું જ મનોમંથન, માનસિક ઘર્ષણ, વિચારોના વાવાઝોડા પછી એક નિષ્કર્ષ પર આવવાનું હોય છે.
આપણે સમયને રોકી શકતાં નથી, પણ પોતે ક્યારેક રોકાઈ જઈએ છીએ. અજાણ્યા પ્રદેશમાં રખડવાનો, કંઈક મેળવવાનો રોમાંચ હોય જ છે, પણ એ પરિસ્થિતિ જયારે ઘણા સમય સુધી ચાલે પછી એનું મહત્વ ગુમાવી બેસે છે. માનવ સહજ નબળાઈને આપણે નિત-નવા વાઘા પહેરાવીને પોતાને છેતરતા રહીએ છીએ. પણ ક્યાં સુધી? આ પ્રશ્ન પણ સમયસર પુછાઈ જવો જોઈએ.
‘બીજું કોઈ જ આપણને રસ્તો બતાવે છે’,, અથવા ‘બીજા કોઈ વિના આ શક્ય જ નથી’- આ બધું જ પાયાવિહોણુ લાગવા માંડે છે, જયારે જાતને સમજતા થઈએ છીએ. પોતાની ખામીઓ અને ખૂબીઓ, આપણા પોતાના સિવાય કોઈ સંપૂર્ણ જાણી શકવાનું નથી જ.
બારણાં લગભગ બંધ જ હોવાના. ટકોરા મારવા, સાંકળ તોડવી કે ચાવી શોધવી એ આપણે નક્કી કરવાનું છે. બસ, બંધ દરવાજા જોઈને, ત્યાંથી ચાલી નથી નીકળવાનું.

પણ,
જેમ રોકાતા આવડે છે, તેમ ત્યાંથી નીકળી જતા પણ આવડવું જ જોઈએ. કેટલા બધા નવા સંજોગો ઉભા થતા રહે છે જીવનમાં! દરેક સાથે લાગણીનો સંબંધ જોડાય છે, કશુંક નવું જડે છે, જિંદગીથી નજીક જવાય છે. પણ, એ બધાની હૂંફ અકબંધ રાખીને, બસ.. ચાલી નીકળવાનું છે.

હમણાંથી રોજ પોતાને કહેવાય છે, “સારમેય ભવ:” !
ફરી- ફરી કહેવાનું મન થાય છે,
કે
કોઈપણ સ્થાન પર તમે હોવ, સમયસર ત્યાંથી નીકળી જવું ખૂબ જરૂરી હોય છે.
~ Brinda Thakkar
ઓડીયો-વિઝ્યુઅલ પ્રેઝ્ન્ટેશન  માટે નીચેની લીંક પર ક્લીક કરો.
Attachments area

Preview YouTube video કોઈપણ જગ્યાએથી સમયસર નીકળી જતાં આવડવું જ જોઈએ!