Category Archives: મધુ રાય

નીલે ગગન કે તલે – ૪ (મધુ રાય)-વર્ચ્યુઅલ રિયાલિટી

વર્ચ્યુઅલ રિયાલિટી

ક્વાન્ટાસ એરલાઇનમાં અખતરા તરીકે અમુક ફ્લાઇટોમાં ફર્સ્ટ ક્લાસના પેસેન્જરોને વર્ચ્યુઅલ રિયાલિટીનો અનુભવ થાય તેવાં જંતરડાં અપાતા થયાં છે. ફેસબુકવાળા ભાઈએ બે બિલિયન ડોલરના આપીને ‘ઔકયુલસ’ વર્ચ્યુઅલ રિયાલિટીની કંપની રિયલી ખરીદી લીધી છે. સોની કંપનીએ ‘પ્લેસ્ટેશન ફોર’ માટે પોતાના વીઆર હેડસેટ બનાવ્યા છે જે વીડિયો ગેમ્સના ક્ષેત્રે ધમાલ ધમાલ કરી મૂકશે ‘એવી વકી’ છે. અલ્ટાસ્પેસ વીઆર નામની કંપની જણાવે છે કે તમે ખોપરી ઉપર એમનાં હેડસેટ લગાડો તો તમારા ઘરના સોફામાં બેઠા બેઠા સીધા હોનોલૂલૂ પહોંચી શકો અથવા ઇચ્છો તો થિયેટરમાં બેઠા બેઠા ‘બે યાર’ જોઈ શકો. તમને અદ્દલ એમ જ લાગે કે તમે મોલના મલ્ટિપ્લેક્સમાં બેઠા છો ને તમારી સાથે તમારી જેમ જ બેઠેલા બીજા દર્શકો પણ બેયાર–ની લિજ્જત માણે છે. પણ તમે બટાટાની કાચરી ચાવતાં ચાવતાં અવાજ કરો તો દસ જણ પાછળ ફરીને ડોળા કાઢીને છાના રહેવા ડારો આપે. એચટીસી કંપનીના ‘વાઈવ બાય વાલ્વ’ નામના વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટ બજારમાં મુકાવા માંડ્યા છે જે તમને મર્યા વિના સ્વર્ગની વિઝિટ કરાવી શકે છે એવો એવું કહેવાય છે. હાલ ઉપલબ્ધ મોબાઇલ વર્ચ્યુઅલ રિયાલિટીના હેડસેટના ડાબલામાં સ્માર્ટફોન મૂકીને લેન્સિસ દ્વારા થ્રીડી દૃશ્યો જોઈ શકાય છે. હા હા, પણ વોટ ઇઝ ધિસ વર્ચ્યુઅલ રિયાલિટી?

ગગનવાલા હજી માંડમાંડ વોટસેપ ઉપર ફોન કરતાં શીખ્યા છે ને ફેસબુક ઉપર કેવડાની કળીઓની રોમાન્ટિક ચેટથી ફોંગરાય છે. વર્ચ્યુઅલ રિયાલિટીનો જમાનો આવે તે પહેલાં ગગનવાલા વર્ચ્યુઅલ ભગવાનને પ્યારા થઈ ગયા હશે. હજી વીઆર તે શી બલા છે તેનો ટોટલ અંદાજ આવ્યો નથી. જે આછું પાતળું સમજાયું છે તેનો ચિતાર વહાલસોયા વર્ચ્યુઅલ વાચકો પાસે ધરીને છાતીનો ભાર હલકો કરે છે.

વર્ચ્યુઅલ રિયાલિટી એટલે રિયાલિટી ખરી પણ રીયલી રિયાલિટી નહીં, યુ ફોલો? ફેસબુક ઉપર ચેટિંગ કરતાં કરતાં તમે ફોટો પાડી શકો છો, ઇવન વીડિયો દ્વારા તમારા સત્તરમા માળાની બારીમાંથી દેખાતું ન્યુ યોર્ક બતાવી તમે જયપુર રહેતી કોઈ જૂઈ જેવી જાલિમાને ઇમ્પ્રેસ કરી શકો છો. વીઆર એનાથી હજી એક ડગલું આગળ જશે: સત્તરમા માળે તમે જાલિમાને ઇન્વાઇટ કરી તેના હવામહલમાં બેઠી બેઠી જાલિમા તમારી બારી પાસે ઊભી રહીને ન્યુ યોર્ક કા નજારા નિહાળી શકશે. અથવા તમે પોતે તેની પિન્ક સિટીના ગુલાબી ચિલમનમાં બેસીને ઇશારા કરી શકશો. જરૂર પડશે માત્ર તેના હેડસેટની, જેને વાયર બાયર પણ નહીં હોય કે તમે બંધાયેલા રહો.

પહેલાંના જમાનામાં ગાડામાં બીજે ગામ જતાં લોકો ભજન ગાતા હશે. પછી ટ્રેનોમાં લોકો છાપાં કે ચોપડિયું વાંચતા હતા. હાલ લોકલ ટ્રેનોમાં ફોન સાથે દરેક વ્યક્તિ શી ખબર શું શું કરતું દેખાય છે. ભજન વખતે ભજનિકનો આત્મા આધ્યાત્મિક રિયાલિટીમાં ઘૂમી આવતો હશે. ચોપડીવાચક સારંગ બારોટે ઊભી કરેલી રિયાલિટીમાં રમી આવતો હશે. હાલ સ્માર્ટફોન ઉપર કારકૂન લટકાં કરતી રામાવત સાથે વર્ચ્યુઅલ રમણ કરતો હશે. તે દરેક પ્રકાર કલ્પનાનો વર્ચ્યુઅલી ‘વીઆર’ જ કહેવાય. ફરક એટલો કે રીયલ વર્ચ્યુઅલ રિયાલિટીમાં તમારે હોનોલૂલૂ કલ્પવાનું નથી હોતું, યુ ફોલો, તમને હાજરાહજૂર ફાઇન રીયલ લાગે એવું હોનોલૂલૂ દેખાય, તેના દરિયાકિનારાની સુંવાળી, સૂરજથી ઉત્તેજિત રેતી તમારા પગની આંગળીઓની વચ્ચે સરકતી અનુભવાય, દરિયાનો ઘૂઘવાટ અને રંગબેરંગી બિકિની–ટિકિની વગેરે હોલ એન્ડ સોલ તમને તાદૃશ થાય. જેમ ભગવાને અર્જુનને વિરાટદર્શન કરાવેલું તેમ. તે વખતે મંતર હશે હવે જંતરથી દર્શન થશે.

હવે આ વસ્તુ એટલી બધી નવી છે કે થોડા જ સમયમાં સિનેમા, ટીવી, કમ્પ્યુટર અને સ્માર્ટફોનની માફક આપણા જીવનમાં સરકી આવશે. જ્યારે સ્માર્ટફોનની જેમ એનું આભ ફાટશે ત્યારે વાસ્તવિક જિંદગીમાં એ કઈ રીતે ફિટ થશે એ બાબત વિજ્ઞાનિકો ખોપરી ખંજવાળી રહ્યા છે. ફન માટે, ટાઇમપાસ માટે કે રોમાન્સ માટે ચાલો ને, વીઆર પોપ્યુલર થાય તે તો સમજાય તેમ છે. હાલ ટીવી કે કમ્પ્યુટર કે ફોનની સ્ક્રીન પચાસ ટકા ધારોકે આપણને બીજા વિશ્વમાં લઈ જાય છે, પણ વીઆરના હેડસેટ તો આપણને સો ટકા બીજી દુનિયા બતાવશે. ખરેખર આપણી આસપાસની દુનિયા અંતર્ધાન થઈ જશે ને આપણા નળનું પાણી ગયું થયું હોય કે બાબો બેબીને મારતો હોય કે ગેસ ઉપર દૂધ બળી જતું હોય તેનાથી ગાફેલ બનીને આપણે હોનોલૂલૂમાં હોહા કરતા હોઈશું. પણ તાનમાં આવીને આપણે હવાઇયન ભામિની સાથે હુલા હુપ કરવા જઈએ ને આપણા રિયલ ઘરની ભીંતે ભુટકાઈએ તેનું શું? તે માટે એક ‘શેપરોન’ સિસ્ટમ દાખલ કરવામાં આવશે જે એવી અથડામણોથી તમને બચાવે. યાને ભીંત નજીક પહોંચો તો હેડસેટમાંથી હોનોલૂલૂ ઓગળી જાય ને તમે હળવેકથી રિયલિટીનું દર્શન કરો.

પણ સાહેબ તમે એવા હેડસેટ પહેરીને બજારમાં ફરો તો લોકો હસે નહીં? અને તમે ગાફેલ થઈને હુલા કરતા હોવ ત્યારે કોઈ ડામીચ તમને લૂંટી લે નહીં? તમારા વીઆર ચશ્મા જ મોબાઇલની જેમ તફડાવીને નૌદોગ્યારાહ થઈ જાય નહીં? વળી તમે વર્ચ્યુઅલી હોનોલૂલૂ કે હોંગકોંગ જઈ શકતા હોવ તો એલાઈન, હોટેલો અને સમસ્ત પ્રવાસન ઉદ્યોગને વસમું નહીં પડે? નેટ ઉપર હાલ જેમ બેઅદબ વર્તણુંકનો અજગર છે તેમ વીઆરમાં ગેરવર્તન કે હેકર કે વાયરસનો ભો નહીં આવે?

પણ વિજ્ઞાનિકો કહે છે કે ધીમે ઘીના ઘડામાં ઘી પડી જશે. મોટાં બખડજંતર ધીમે નાના ને સંભાળી શકાય એવા, ચશ્મા જેવા થતા જશે ને લોકોને એની નવાઈ નહીં રહે કેમકે લગભગ બધા પહેરતા હશે. જય જિંદગી!

Advertisements

નીલે ગગન કે તલે – 3 (મધુ રાય)-નવડા પછી નવ મીંડાં

નવડા પછી નવ મીંડાં

અમેરિકાના ઓરલેન્ડો ગામમાં એક રેન્સમ નામના માણસે ખિજવાઈને તકરારમાં કોઈના કૂતરાને બોચીથી પકડીને પહેલા માળાની બાલકનીમાં લટકાવ્યો ને તેને પડતો મૂકવાની ધમકી આપી. કોઈએ તેની વીડિયો ફેસબુક ઉપર મૂકી. જનતામાં સનસનાટી ફેલાઈ અને અંતે કૂતરા ઉપર આવો અત્યાચાર કર્યા બદલ રેન્સમને પોલીસ પકડી ગઈ. ન્યુ યોર્ક ટાઇમ્સના કતારચી નિકોલસ ક્રિસ્તોફ લખે છે કે એક કૂતરા ઉપરના અત્યાચારે આખા દેશની જનતાનું ધ્યાન દોર્યું પણ અમેરિકામાં વર્ષે અબજ (, ૦૦૦,૦૦૦,૦૦૦) મરઘીના બચ્ચાંને ઊંધા માથે લટકાવીને કતલ કરાય છે, અને એમાં કોઈ બચી જાય તો એમને જીવતેજીવ ઉકળતા પાણીથી હણી નંખાય છે, તે ક્રૂરતાથી કોઈના પેટનું પાણી હાલતું નથી. વળી, મરઘીઉછેરના ફાર્મમાં ઇંડું ફાટે કે તરત બચ્ચાંને કૃત્રિમ રીતે વજન વધારવાનો ખોરાક અપાય છે જેનાથી પાંચ અઠવાડિયામાં બચ્ચાં દોદળા પેટવાળાં ‘ચિકન’ બની જાય છે. એ ચિકન પોતાનું વજન ઊંચકી શકતાં નથી અને ત્રાંસા પગે માંડમાંડ ચાલી શકે છે. માણસના શિશુને એ કૃત્રિમ રીતે વિકસાવવામાં આવે તો સવા મહિનામાં તે શિશુનું વજન ૩૦૦ પાઉંડ (૧૩૬ કિલો) થાય.

માંસઉદ્યોગમાં ગાયો, સુવરો, માછલીઓ અને અન્ય પશુપંખીઓ ઉપર કેવા નારકીય અત્યાચારો થાય છે તેની વાતો તો ખાધેલું ઓકાઈ જાય તેવી જઘન્ય છે. માંસાહારની તરફેણમાં માર્ચ ૧૪, ૨૦૧૬ના ‘ટાઇમ‘ મેગેઝિનમાં લેખક જેફરી ક્લુગરે આંખો મિચકારતાં લખેલું કે ઓ વેજિટેરિયનો ને વીગન લોકો! ભલે ગમે તેટલી કૂદાકૂદ કરો પણ પ્રાગૈતિહાસિક માણસ જો માંસ ન ખાતો હોત તો તે આજનો (ચન્દ્ર ઉપર પગલું ભરનાર, કમ્પ્યુટર દ્વારા શતરંજ ખેલનાર, આઇફોન કે ફેસબુક વાપરનાર અપાર બુદ્ધિધનવાળો) ‘માણસ’ જ ન બન્યો હોત. કેમકે મગજના વિકાસ માટે માંસ ખસૂસ જરૂરી છે. એ વાંચતાં ગગનવાલાના મગજમાં તુરંત કૌંધેલું છે કે કદાચ પ્રોફિટ માટે કોઈ બી અમાનુષી ક્રૂરતા આચરનાર, ધર્મના નામે સેંકડો બાળકીઓનાં હરણ કરનાર, સત્તા માટે કરોડોની સામૂહિક હત્યા કરનાર તથા મૂગાં પ્રાણીઓ ઉપર અત્યાચાર કરનાર આજનો જેવો માણસ છે તેવો માણસ પણ ન બન્યો હોત? લેખના અંતે ક્લૂગર સાહેબ કહે છે ૨૬ લાખ વરસ પહેલાં માણસે માંસ ખાધું અને પોતાનું મગજ મોટું કર્યું પરંતુ હવે ફક્ત શાકાહારથી પણ માણસ જો કે જીવી શકે તેમ તો છે. પછી ખીખી કરતાં ઉમેરે છે કે પણ યારો, માંસની લિજ્જત છોડવાનો મતલબ શો છે? જમો તમતમારે.

અને ફક્ત પંદર દિવસ બાદ તે જ ટાઇમમેગેઝિનમાં બીજા એક લેખક જસ્ટિન વોરલેન્ડ જણાવે છે કે માણસ માંસ ખાવાનું બંધ થઈ કરી દે તો  માણસજાતનું આરોગ્ય સચવાય, પર્યાવરણ સુધરે તથા વાર્ષિક ટ્રિલિયન્સ (એકડા પછી બાર મીડાં) ઓફ ડોલર્સની બચત થાય. કેમકે પશુઉછેરના કૃત્રિમ ઉપાયોના કારણે પર્યાવરણનું પેટ દોદળું થતું જાય છે અને પૃથ્વી તેનો ભાર ખમી શકતી નથી. ભારે શોધખોળ કીધા બાદ ઓક્સફર્ડ યુનિવર્સિટીના માર્કો સ્પ્રિન્ગમેન નામે સાહેબનું તારણ છે કે માંસ ખાવાનું બંધ થાય તો ૨૦૫૦ સુધીમાં ૮૦ લાખ માણસ મરતા અટકી શકે છે. શાકાહારી ખોરાકથી પર્યાવરણ દૂષિત કરનાર ગ્લોબલ ગ્રીનહાઉસ ગેસ ઇમિશન૬૩ ટકા ઘટી શકે છે.

અલબત્ત આંકડા, રિસર્ચ, પોલિટિક્સ, ઇકોનોમિક્સ અને પર્યાવરણ વગેરે એવડી જબ્બરગબ્બર બાબતો છે કે પોતાના પરિવારને બે ટંક ભોજન મળે તે માટે વૈતરું કરતા સાધારણ માણસને તેની ખાસ સમજણ ન પડે. માંસાહારના ફાયદા ગણાવતા પણ હજારો અભ્યાસો ને તારણો મોજૂદ છે, અને અલબત્ત, હજારો વર્ષથી માંસ ખાનાર પ્રજાઓ એકાએક માથું મુંડાવીને પર્યાવરણની ભગત થઈ જાય એ વિચાર જ હાસ્યાસ્પદ છે. માંસાહારની ટીકા કરવાનો હેતુ આ લેખમાં બિલકુલ નથી, કેમકે પોતાના હવામાન, સ્થાન, પરંપરાને કારણે માણસ જે ખાય તે તેની મુનસફીની વાત છે, અને યસ, દરેકની અંગત રુચિ તથા માન્યતાની વાત છે.

આ લેખનું કેન્દ્રબિન્દુ માંસાહાર નહીં પણ ક્રૂરતા છે. ખોરાક માટે પશુહિંસા એક વાત છે, અને નફા માટે પશુઓ ઉપર ક્રૂરતા આચરવી તે બીજી વાત છે. જય માતા સંતોષી!

નીલે ગગન કે તલે – ૨ (મધુ રાય) – રામાનુજન-ગણિત તે પરમાત્માનું કાવ્ય

રામાનુજન-ગણિત તે પરમાત્માનું કાવ્ય

આ લખનારનું ગણિતજ્ઞાન શૂન્યથી વિશેષ નથી; ઈશ્વરજ્ઞાન તો શૂન્યથીયે ન્યૂન છે. ઈશ્વર છે કે નહીં તેનીયે ગમ નથી. પરંતુ આ લખનારને ભાસે છે કે પ્રભુએ યદા હિ ધર્મસ્યનો શંખનાદ કરેલો ત્યારે તે કહેવા માગતા હશે કે આ સૃષ્ટિને સમજવા ને સમજાવવા મથતા સંગીતકારો, કલાકારો, ફિલસૂફો, વિજ્ઞાનીઓ અને ગાણિતીઓના રૂપમાં હું અવતાર લઉં છું. મોત્ઝાર્તના હાથમાંથી જેમ સંગીત આપોઆપ અવતરતું હતું, તેમ રામાનુજનના મસ્તિષ્કમાંથી ફટાકડાના સર્પની જેમ ગણિતની વિદ્યા આપોઆપ આવિષ્કાર થતો હતો. હજાર હાથવાળો તેઓનાં શરીર મારફત સૃષ્ટિને સંદેશા ભેજતો હતો. અથવા સર્જનની ગાથા ગાતો હતો. રામાનુજનની ઉક્તિ છે કે ગણિત તે પરમાત્માનું કાવ્ય છે.

શ્રીનિવાસ રામાનુજન (1887 –1920)નું મૃત્યુ ૨૬મી એપ્રિલે થયું હતું અને સંયોગથી તેના આગલા દિવસે ન્યુ યોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલના હલકારા તરીકે રોબર્ટ કાનિગલ લિખિત જીવનકથા ઉપર આધારિત એક ફિલ્મ રજૂ થઈ હતી, ‘ધ મેન હૂ ન્યુ ઇફઇનિટી’. અદાકાર દેવ પટેલ, જેરોમી આયર્ન અને દેવિકા ભિસે. તે ફિલ્મ નાટ્ય કરતાં દસ્તાવેજી વધુ હતી. રામાનુજનના ભારતના જીવનનો સંઘર્ષ ઓછો અને વિલાયતની કારકિર્દી વધુ ભારપૂર્વક રજૂ થઈ હતી. રામાનુજન પોતાનાં શોધપત્રો પ્રગટ કરવા માટે જાણે લાલાયિત હોય તેવું બતાવાયેલું જે તેમની સૌમ્ય પ્રકૃતિને જોતાં રુચતું નથી. હારીથાકીને એક વાર રામાનુજન આઇઝેક ન્યુટનના પૂતળા પાસે ઊભા રહીને તેના ચરણસ્પર્શ કરે છે તે ક્ષણ હૃદયસ્પર્શી હતી. ફિલ્મમાં રામાનુજનની સિદ્ધિઓ કદાચ નાટકીય રીતે બતાવી શકાઈ હોત, જેના સ્થાને સતત ગાણિતિક બોલાટથી પ્રેક્ષક હડબડી જાય છે. દેવ પટેલ સતત પછડાયેલો, દુભાયેલો દેખાય છે અને પ્રેક્ષકને તેની અન્ય મુદ્રાઓ જોવાની ઉત્કંઠા થઈ આવે છે. પરંતુ, એ ફિલ્મનો સૌથી મોટો ઉપકાર તે કે આ લખનાર નરાધમને રામાનુજન વિશે વધુ જાણવાનું મન થાય અને ઊભડક માહિતી વાંચીને તે પુણ્યપુરુષ પાસે પૂજ્યભાવથી માથું નમી જાય.

ફિલ્મ બાદ પટકથા લેખક–દિગ્દર્શક મેટ બ્રાઉન. નાયિકા દેવિકા ભિસે, કાર્યકારી નિર્માત્રી સ્વાતિ ભિસે તથા અમેરિકા નિવાસી ગણિતજ્ઞ મંજુલ ભાર્ગવ સાથે પ્રશ્નોત્તરીમાં જાણ્યું કે ૧૯૧૦–૧૪ સુધીના મદ્રાસની શકલ ઊભી કરવા તે લોકોએ ભારે જહેનત ઉઠાવેલી. તમિળભાષી બ્રાહ્મણ પરિવારના રામાનુજનનું ઘર, તે સમયના પોશાકો, ઘરેણાં વગેરેની સચ્ચાઈ જાળવવા સૌએ ધાર્મિકતાથી ધ્યાન આપ્યું હતું. સ્વાતિ ભિસે સ્વયં ભરતનાટ્યમનાં તમિળ સંસ્કારથી પરિચિત નર્તકી છે. રામાનુજનનું લગ્ન ૧૦ વર્ષની જાનકી સાથે થયેલું. તે પાત્ર ભજવનાર નાયિકા દેવિકા ભિસે સ્વાતિનાં પુત્રી છે. વયમાં અલબત્ત તે ૨૨–૨૫નાં હશે અને ફિલ્મની અદાકારીમાં પણ તે પુખ્ત લાગતાં હતાં છતાં પતિ માટેની ઝંખના એમણે ધર્મિષ્ઠતાથી અભિનીત કરી છે. ગણિતજ્ઞ મંજુલ ભાર્ગવે જણાવ્યું કે રામાનુજનનું કામ તેના સમયમાં જૂજ લોકોને સમજાયેલું. પદ્ધતિસરની તાલીમ વિના તે માણસે અજાયબ હૈયાઊકલતથી એવી અદભુત શોધો કરેલી જેમાંની કેટલીક તેની જાણ બહાર અગાઉ થઈ ચૂકેલી. કાચી વયે પાટી પેનથી કરેલું, કારકૂની કરતાં દીવા પાસે રાત જાગીને ઉદભવેલું તેનું કામ જોઈને વિદ્વાનો માનતા કે આણે કશેકથી ચોરી કરી છે. કેમ્બ્રિજના વડીલ મિત્ર જી. એચ. હાર્ડી કહેતા કે રામાનુજનનું કામ આપણને સમજાય નહીં પણ તે હકીકતમાં કલ્પના નથી, શુદ્ધ સોનું છે. કોઈ માણસ આવી કલ્પના પણ કરી ન શકે. દુનિયામાં એનો કોઈ જોટો નથી. એ બંને તદ્દન વિપરીત વ્યક્તિઓ વચ્ચેના પત્રવહેવાર ઉપરથી ‘ધ ઇન્ડિયન ક્લર્ક’ શીર્ષકથી ડેવિડ લીવિટ નામે લેખકે એક નવલકથા લખી છે.

રામાનુજને જે કાર્ય તે સમયે કરેલું તેનાં રહસ્યો હજી હવે ધીમે ધીમે ઊકલી રહ્યાં છે, હજી વર્ષો સુધી તેનો તાગ પામવા વિશ્વભરના ગણિતશાસ્ત્રીઓ મસ્તક હલાવતા રહેશે. દિવ્ય લાગે તેવો ઘટસ્ફોટ કરનાર આ માણસ ૩૨ વર્ષે ગુજરી ન ગયો હોત તો આ દુનિયા કેવી બની હોત!

રામાનુજનનું મૂલ્ય હવે કલાજગતમાં પણ પ્રસરી રહ્યું છે. પ્રસ્તુત ફિલ્મ ઉપરાંત, તેમની જીવની ઉપરથી ‘રામાનુજન’ નામે ૨૦૧૪માં એક ફિલ્મ બની હતી. કલાકાર: અભિનય વદ્દી, સુહાસિની મણિરત્નમ, કેવિન મેકગોવન વગેરે. ‘ફ્ર્સ્ટ ક્લાસ મેન’ નામે ૨૦૧૧માં એક નાટક ભજવાયેલું અને જેમ્સ બોન્ડની ફિલ્મ ‘ટુમોરો નેવર ડાયઝ’ના સ્ટાર રોજર સ્પોટીવુડે તેના ઉપરથી વળી ત્રીજી ફિલ્મ બનાવવા કમ્મર કસી છે. હાલમાં ‘એ ડિસએપિયરિંગ નમ્બર’ નામે એક બીજું નાટક બ્રિટનમાં તૈયાર થઈ રહ્યું છે. જય આર્યભટ્ટ, જય બ્રહ્મગુપ્ત! જય શૂન્યદેવ!

નીલે ગગન કે તલે – ૧ (ને જોડણી સુધારશો નહીં)

(ગુજરાતી સાહિત્યપ્રેમીઓ શ્રી મધુસૂદન વલ્લભદાસ ઠક્કર એટલે કે મધુ રાયના નામથી પરિચિત છે પણ એક પ્રથા પ્રમાણે એમના જેવા સક્ષમ અને સબળ સર્જકની ઓળખ આપવી અને એ પણ ટૂંકાણમાં, એ મારા માટે ભગીરથ કાર્ય છે, છતાં કોશિશ કરીશ.

રણજિતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ ચંદ્રકથી સન્માનિત, શ્રી મધુ રાયે નવલકથાઓ, નાટકો, અનુવાદો, અગણિત કોલમો અને નવલિકાઓ  લખીને ગુજરાતી સાહિત્યને વિશ્વસાહિત્યના ફલક પર મૂક્યું છે. એમાં મુખ્ય છેઃ

નવલકથાઃ ચહેરા, કામિની, સભા, સાપબાજી, મુખસુખ, કલ્પતરુ

વાર્તાસંગ્રહઃ બાંશી નામની એક છોકરી, રૂપકથા, કાલસર્પ, મોરે પિયા ગયે રંગૂન

નિબંધસંગ્રહઃ નીલે ગગન કે તલે, મન કી બીન, સેપિયા, દિલ કી ગલી, કેફિયત

મૌલિક નાટકોઃ કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો, કુમારની અગાશી, આપણે ક્લબમાં મળ્યા હતા    પાનકોર નાકે જઈ, યોગેશ પટેલનું વેવિશાળ, ડૉ. શત્રુજિત દલાલનું મન

તેમની નવલકથા ‘કિમ્બલ રેવન્સવુડ’ પરથી આશુતોષ ગોવારિકરે ફિલ્મ બનાવી છેઃ ‘વોટ્સ યોર રાશિ?’

એમના મૌલિક નાટકો સાથે નાટ્ય રુપાંતરોની યાદી પણ ખૂબ જ પ્રભાવશાળી છે. ‘સંતુ રંગીલી’ હજુ લોકો યાદ કરે છે. ‘ખેલંદો’ અને કેતન મહેતાએ ભજવેલું ‘ચાન્નસ’ જેવા અદભૂત નાટ્ય રુપાંતરો એમણે લખ્યા છે, પણ, એવું કહેવાય છે કે આ નાટકો પોતે જોયા નથી. એમનું મૌલિક નાટક “કુમારની અગાસી” અમેરિકામાં યુવાનોના એક જૂથે ‘ટેરેસ’ નામે ભજવેલું, તે મધુ રાયને આકસ્મિક જાણવા મળ્યું. નાટકના શો વખતે એ પહોંચી શક્યા નહીં, પણ અઠવાડિયા પછી એ ગામ જવાનું થયું. છોકરાઓ ઉત્સાહથી મધુ રાયને મળ્યા. કહે, “નાટક સરસ છે. પણ અમે અંત બદલી નાખ્યો,   જરા વધારે મજા આવે!”  પ્રકાશકો અને અન્ય લોકો તરફથી એમને આવા અનેક કડવા અનુભવો થવા છતાં આ વાતો એ મજાકમાં ઊડાવી શકે છે. એક પર્સનલ અનુભવ મારે અહીં શેર કરવો છે. હું એમના લખાણની બહુ મોટી ફેન તો છું જ પણ એમની અનોખી વિનોદવૃતિની બહુ મોટી ચાહક છું. ક્યારેકથાય છે કે આટલા અલગારી મધુ રાયે કેવી રીતે પોતાનો સેન્સ ઓફ હ્યુમર જાળવી રાખ્યો હશે? મને એ દિવસો યાદ આવે છે કે જ્યારે ન્યુ યોર્કમાં યોજાતી “સાઠ દિનની સભા”માં ફિલાડેલ્ફિયાથી હું, પન્નાબેન નાયક, કિશોરભાઈ દેસાઇ અને મધુભાઈ સાથે જતાં. ત્યારે મધુભાઈએ આ વાત કહી હતી.  એક વાર બક્ષીએ મધુ રાયને કહ્યું,’ મારે એવી નવલકથા લખવી છે કે માણસ બોરીવલીથી પાન મોમાં દબાવીને બેઠો હોય તો ચર્ચગેટ આવે ત્યારે પણ પાન એમનું એમ જ હોય.’
મધુ રાયઃ બહુ સરસ કહેવાય.
બક્ષીઃ શું સરસ કહેવાય?
મધુ રાયઃ પાન, બીજું શું વળી?

ક્યારેક મધુભાઈ જેવા માતબર લેખક પાસેથી એમની આત્મકથા જો મળે તો ગુજરાતી સાહિત્ય સમૃધ્ધ થાય.

આવા અનોખા સાહિત્યકાર આપણા આંગણાંમાં આ શનિવારથી પધારી રહ્યા છે તે આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે. આપનું સ્વાગત કરતાં અમે સહુ ભાવવિભોર છીએ. – જયશ્રી વિનુ મરચંટ)

‘યશ હવે સસ્તો થયો છે…’

ગુજરાતી સિવાય બીજી કોઈ ભાષામાં સાહિત્યકારો રોજ ઊઠીને જે ચીતરે છે તેને ‘સર્જન’ કહેવાનો ચાલ હોવાનું અમારી જાણમાં નથી. સાહિત્યકારો, મીન્સ કે કવિવરો, ગજલઉત્પાદકો, નવલકથાનવેશશો, વાર્તાવલ્લભો, નિબંધનિર્માતાઓ, કટારકોવિદો અને હાસ્યના હાતીમતાઈઓ જે દરરોજ  ‘પીરસે’ છે તેને ગુજરાતીમાં ‘સર્જન’ કહેવાય છે; અને એની પેટાજ્ઞાતિઓમાં કવિઓ સવર્ણ સર્જકો ગણાય છે. એવા સર્જનહારોની સભાઓમાં સભાપતિશ્રી કહેતા હોય છે કે ‘હવે આપણે સૌ જેમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ તેવા આપણા આજના મહેમાન મૂર્ધન્ય સર્જક શ્રી …..ને વિનંતી કરીશ કે તેઓ આપણને તેઓની સર્જન પ્રક્રિયા વિશે બે વાતો કહે.’

આમાં વિનંતી “કરીશ” એટલે શું? ક્યારે વિનંતી કરશે? વિનંતી “કરું છું” કહેવાથી મૂર્ધન્ય સર્જકને અપમાન લાગે? અને દરેક સાહિત્યકાર એટલે સર્જક? અને સુથાર કે જુલાહો કે લુહાર તે વિસર્જક? ખરેખર કામની વસ્તુઓ તો એ લોકો સર્જે છે! સવારસાંજ બસના ધુમાડા ખાતો, ભીડમાં ભીંસાતો અને પેસેન્જરોને પકડી પકડીને ટિકિટ ઉઘરાવતો બસનો કન્ડક્ટર આપણા સર્જકશ્રી કરતાં ઓછો ‘ઇમ્પોરટન’ છે? ચાની લારીવાળો કે પાનના ગલ્લાવાળો આ સંસારમાં સર્જકશ્રી કરતાં કમતી ગૌરવવાળો છે?

સુરેશ જોષીએ એકવાર લખેલું કે ‘યશ હવે સસ્તો થયો છે. છાપાની શાહી સુકાય તે પહેલાં લેખકને કીર્તિ મળી જાય છે.’ ગુટનબર્ગે છાપકામની પહેલ કરીને લખાણને લોકભોગ્ય કર્યું અને હવે સોસ્યલ મીડિયામાં દરેક વ્યક્તિ રોજ ઊઠીને તેના સાથી સર્જનહારો સાથે યશનું ટોપરું વહેંચી લે છે. કશુંક દૈવી પેદા કર્યાની ભાંગની પકૌડી મોંમાં ઓરીને જોષી કે ત્રિપાઠી કે મુનશી કે ભગત કે ઠાકોર કે દેસાઈની જ્ઞાતિમાં પેસી ગયાનો દર્પ કરે છે. કડિયો, રસોયો, દરજી, કે બેન્કર કે દાક્તર કે ઇજનેરનાં કામ કરતાં પોતાનાં કામને એક મુઠ્ઠી ઊંચું ગણે છે. શબ્દબ્રહ્મ ને સરસ્વતી ને સાધના જેવાં તોરણ લટકાવીને અંદરોઅંદર ફુલાતા ફરે છે. હાલાંકિ તે સર્જકોને કદાચ જે માધ્યમમાં સર્જન કરવાનું હોય છે તેની કશી ગતાગમ નથી, પડી નથી કે પરવા નથી. માધ્યમ, મીડિયમ, ગુજરાતી લેન્ગવેજ!

પ્લસ, ગુજરાતીઓ દરેક વાતમાં મોણ નાખવામાં માને છે. પોલાં વિશેષણોથી કથનની નાદારીના ફુગ્ગા ભરે છે. ગુજરાતી કોઈનો લુખ્ખો આભાર માનતા નથી. તેઓ તો માને છે, “ઘણો ઘણો આભાર”. માઇકધારકો તમારું કોરું સ્વાગત કદી કરતા નથી, તેઓ તો કરે છે “હાર્દિક સ્વાગત!” કોઈને ફક્ત ખેદ થતો નથી, હંડ્રેડ પર્સન્ટ “અત્યંત ખેદ” ન થાય તો ખેદમાં સ્વાદ આવતો નથી. અને છાતી ઉપર સ્ટેથોસ્કોપ રાખીને કહો જોઉં તમે કેટલા દર્જન વખત સાંભળ્યું કે વાંચ્યું છે, “ગમતાનો કરીએ ગુલાલ?” તેમ જ “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી…”?

ફક્ત ગુજરાતી નાટકોમાં એનાઉન્સ થાય છે કે “હવે આપણે બીજા અંક તરફ જઈ રહ્યા છીએ!” કેમ? પ્રેક્ષકો પહેલા અંકમાં સૂઈ ગયેલા કે યાદ કરાવવું પડ્યું? કોઈ વાર તે પણ યાદ કરાવવું પડે કે “અંક બીજો અને છેલ્લો!” કેમ? નાટક પતી ગયા પછી પણ પ્રેક્ષકો હાર્દિક સ્વાગત થયું હોવાના કારણે ‘પોતાનું સ્થાન જાળવી રાખવાના’ છે?

કોઈ સંગીતકાર કહેતો નથી કે હું ગાઉં છું તે ‘સર્જન’ છે; કોઈ ગાનારો કહે છે કે સારેગમાની ઐસીતૈસી હમ તો ગાયેગા? ચિત્રકારીમાં, ગાવામાં, બજાવવામાં, શિલ્પકામમાં, માટીકામમાં; સાહેબો, કોઈપણ કલામાં; પ્રવીણ થતાં પહેલાં તે–તે ક્ષેત્રની, તે–તે માધ્યમની તાલીમ, અનવરત રિયાઝ અનિવાર્ય હોય છે. માટીનું માટલું બનાવવામાં પણ ચાકડાને ચલાવવાનો અભ્યાસ જરૂરી છે. ફક્ત ભાષા સાથે કામ કરનાર માને છે કે તેને ઈશ્વરદત્ત અધિકાર છે કે ભાષાને મારી મરડી વીંખીપીંખીને જે કાંઈ ‘પીરસે’ તે સર્જન છે!

અને હવે ગગનવાલો ‘કહેશે’ કે પોતે ‘સર્જે’ છે તે કોઈ ગુમાસ્તા કે કારકૂન કે વિજ્ઞાની કે અવકાશયાત્રીના કાર્યથી ન ઉજળું છે, ન ઝાંખું. પોતાને મનગમતું કામ પૂરી દક્ષતાથી કરનાર હરેક ઇસમ પરવરદિગારનું કાર્ય બજાવે છે. અધકચરા લેખણહારા પોતાને સર્જણહારા માને તે આત્મરતિ છે. જય સુરેશ હ. જોષી!

(શુક્રવાર, જાન્યુઆરી ૬, ૨૦૧૭)