અમેરિકામાં ગુજરાતી સાહિત્ય (નટવર ગાંધી)


ગુજરાતી લિટરરી અકદામી

૧૯૭૭ માં દેશમાંથી કવિશ્રી સુરેશ દલાલ અમેરિકાની મુલાકાતે આવ્યા હતા. એમણે સૂચન કર્યું કે અહીંના સાહિત્યરસિકોએ વારંવાર મળવું જોઈએ અને સાહિત્યિક પ્રવૃતિઓ જાળવી રાખવી જોઈએ.  એ સૂચનને ખ્યાલમાં રાખી અમે થોડા સાહિત્ય રસિકમિત્રોએ ગુજરાતી લિટરરી અકાદમી ઓફ નોર્થ અમેરિકા નામે એક સાહિત્યિક સંસ્થા સ્થાપી.   આ અકાદમી રામભાઈ ગઢવી અને અશોક મેઘાણીના પ્રશંસાપાત્ર નેતૃત્વનીચે દર બે વરસે જુદાં જુદાં શહેરોમાં ગુજરાતી સાહિત્યનુ સમ્મેલન યોજે છે. આ સમ્મેલનમાં દેશમાંથી જાણીતા કવિ લેખકોને અમેરિકામાં બોલાવાય છે અને અમેરિકાનાં મોટાં શહેરોમાં એમની બેઠકો યોજાય છે.  આ રીતે અકાદમીના આશ્રયે સર્વશ્રી મનુભાઈ પંચોળી “દર્શક,” ઉમાશંકર જોશી, હરીન્દ્ર દવે, નિરંજન ભગત, રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ, ચંદ્રકાંત શેઠ, ચિનુ મોદી, રતિલાલ બોરીસાગર જેવા ખ્યાતનામ સાહિત્યકારો અમેરિકામાં આવી ગયા.  વધુમાં સુરેશ દલાલ, બકુલ ત્રિપાઠી, સિતાંશુ યશશ્ચન્દ્ર, ચંદ્રકાંત ટોપીવાળા, ધીરુભાઈ પરીખ, બળવન્તરાય જાની જેવા જાણીતા સાહિત્યકારો પણ અમેરિકા આવી ગયા છે. અને એમની અહીંની ઉપસ્થિતિનો લાભ  આપે છે. કેટલાક તો એકથી વધુ વાર.  આમાંના કેટલાક લેખકોના યજમાન થવાનો લાભ અમને મળ્યો છે.

અકાદમી તેમ જ બીજી સંસ્થાઓને આશ્રયે જુદાં જુદાં શહેરોમાં સાહિત્યિક પ્રવૃત્તિઓ થતી રહે છે.  ફિલાડેલ્ફિયાની એક જાણીતી સંસ્થા ‘ફ્રેન્ડ્સ ઑફ ફિલાડેલ્ફિયા’ વરસે બે વરસે અહીંના જાણીતા સાહિત્યકારોનું મૂલ્યાંકન કરતા સુંદર કાર્યક્રમો યોજે છે.  આ પ્રવૃત્તિમાં પન્ના નાયક, મધુ રાય, અને બાબુ સુથારના સુંદર કાર્યક્રમો સાહિત્યપ્રેમી સુચી (સુચેતા) અને ગિરીશ વ્યાસના નેતૃત્વ નીચે થઈ ગયા.  આ ઉપરાંત ફિલાડેલ્ફિયામાંથી બે ગુજરાતી સામયિકો–કિશોર દેસાઈ સંપાદિત ‘ગુર્જરી’ અને બાબુ સુથાર સંપાદિત ‘સંધિ’–નીકળે છે (સંધિ હાલમાં જ બંધ પડી ગયું છે-સંપાદક), જેમાં “ગુર્જરી” તો છેલ્લાં  પચીસથી પણ વધુ  વરસથી નીકળે છે!  ‘સંધિ’ જેવું ઉચ્ચ કક્ષાનું મેગેઝીન આધુનિક ગુજરાતી સાહિત્યમાં મળવું મુશ્કેલ છે. અહીંનું પહેલું ગુજરાતી ડીજીટલ ગુજરાતી મેગેઝિન “કેસૂડાં” પણ ફિલાડેલ્ફિયામાંથી નીકળ્યું હતું.  ગુજરાતીઓની પ્રમાણમાં ઝાઝી સંખ્યા હોવાને કારણે ન્યૂ જર્સીમાં “ચલો ગુજરાત,” કે “ગ્લોરિયસ ગુજરાત” જેવા મેળાઓ ભરાય ત્યારે એના આશ્રયે કવિસમ્મેલન અને મુશાયરા જરૂર યોજાય અને દેશમાંથી લોકપ્રિય કવિઓ અને ગઝલકારોને લોકો હજારોની સંખ્યામાં સાંભળે.

ડાયસ્પોરા સાહિત્ય?

આ બધી સાહિત્યિક પ્રવૃત્તિઓ પછી પણ અહીં લખાતા સાહિત્યને ડાયસ્પોરા સાહિત્ય કહેવું કે નહીં તે વિવાદાસ્પદ પ્રશ્ન છે.  ડાયસ્પોરા સાહિત્યનો આંતરરાષ્ટ્રીય ઈતિહાસ બહુ મોટો છે.  હડધૂત થયેલી યહૂદી પ્રજાએ અસહિષ્ણુ ત્રાસવાદીઓથી બચવા પોતાના ઘરબાર છોડીને દુનિયામાં રઝળવું પડ્યું તેની યાતનામાંથી ડાયસ્પોરા સાહિત્યની મુખ્યત્વે શરુઆત થઈ.  એના મૂળમાં સ્વદેશમાં પાછા જવાની, મા ભોમના ખોળામાં ફરી રમવાની ઝંખના છે. આવું ઘરઝુરાપાનું સાહિત્ય તે ડાયસ્પોરા સાહિત્ય.

આવું સાહિત્ય તો રચાયા જ કરવાનું છે, કારણ કે યહૂદીઓ પર જે યાતનાઓ પડી તે આજે ઓછા વધુ પ્રમાણમાં બીજી અનેક પ્રજાઓ પર પડી રહી છે. આખીય વીસમી સદીમાં અને આ સદીનાં પહેલાં પંદર વરસમાં નિરાશ્રીતોની કોઈ કમી નથી કેમ કે ત્રાસવાદી સરમુખત્યારોની કોઈ કમી નથી.  આપણી આંખ સામે અત્યારે મિડલ ઇસ્ટમાંથી હજારો અને લાખોની સંખ્યામાં લોકો પહેર્યે કપડે નીકળી પડે છે. માઈલોના માઈલો સુધી બાળબચ્ચાંઓ સાથે ચાલતા આ નિરાશ્રિતો યુરોપનાં બારણાં ખખડાવે છે.  આ અસહ્ય યાતના અને દુઃખદ અનુભવમાંથી જે ઉપજે, જે રચાય તે સાચું ડાયાસ્પોરા સાહિત્ય.

આ દૃષ્ટિએ જોઈએ તો અમેરિકામાં આવેલા ગુજરાતીઓ દેશમાંથી ભાગીને નથી નીકળ્યા. એ તો સ્વેચ્છાએ અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા એમ પશ્ચિમના દેશોમાં આવ્યા અને સ્થાઈ થયા.  પશ્ચિમના સુંવાળા અને સુખાવળા જીવનથી ટેવાઈ ગયા છે. ભાગ્યે જ કોઈ પાછુ જવાનું નામ લે છે. એટલે સાચા અર્થમાં અહીં રચાતું સાહિત્ય એ ઘરઝુરાપાનું સાહિત્ય નથી. અને છતાં અહીં આવનારાઓમાંથી ઘણા સાહિત્યરસિકોને લખવું છે અને ઘણા લખે પણ છે.  આ પ્રમાણે લખાતા સાહિત્યની નોંધ પણ લેવાય છે.  ગ્રીડ ઇન્સ્ટીટ્યુટ અને તેના નિયામક બળવંત જાની આ પરદેશમાં લખાતા સાહિત્યને સંગ્રહીત કરી એનો જે દસ્તાવેજી ઇતિહાસ તૈયાર કરે છે તે એક અભિનંદનીય ઘટના છે. જાણીતા વિવેચક અને સૂક્ષ્મ સાહિત્યમર્મી મધુસૂદન કાપડિયાએ પણ અમેરિકામાં વસતાં ગુજરાતી સાહિત્યકારોનો ઊંડો અભ્યાસ કરી એક પુસ્તક તૈયાર કર્યું છે તે અભ્યાસીઓને ખૂબ ઉપયોગી નીવડશે.

પરદેશમાં જે લખાય છે તે મોટા ભાગનું માત્ર લખાણ છે, એને સાહિત્ય કહેવું કે કેમ એ એક મુશ્કેલ પ્રશ્ન છે.  અહીંના લખનારાઓ પ્રયત્ન જરૂર કરે છે, પણ એમની સજ્જતા ઓછી.  લોકોને કવિ કે સાહિત્યકાર થવું ગમે છે. તેમાં તે ગ્લેમર જુએ છે. પણ સાહિત્યસર્જન માટે જે તૈયારી કરવી પડે, જે વાંચવું પડે, લખ-છેક-ભૂંસ કરવું પડે, તે એમને ગમતું નથી.  અંગ્રેજી કે વિશ્વસાહિત્યની વાત બાજુમાં મુકો, એમણે અગત્યનું ગુજરાતી સાહિત્ય પણ વાંચ્યું નથી.  આને લીધે શિષ્ટ ગુજરાતી સાહિત્યકારોમાં પરદેશમાં લખાતા સાહિત્ય વિષે બહુ ઊંચો અભિપ્રાય નથી તે સમજી શકાય છે. પરદેશમાં લખાતા સાહિત્ય વિષે પ્રામાણિક વિવેચન પણ જોવા મળતું નથી. એટલે અહીંના લખનારાઓ કવિ કે લેખક હોવાના ભ્રમમાં રહે છે.

સાહિત્યનાં ખખડેલાં ધોરણો

જો કે દેશમાં પણ સાહિત્યનાં ધોરણ ખખડી ગયાં છે. ત્યાં પણ જેવું તેવું લખાય છે અને જેવું લખાય છે તેવું જ છપાય છે.  કદાચ આ ટેકનોલોજીનું પરિણામ છે. કહેવાય છે કે આજે ગુજરાતીમાં સેંકડોની સંખ્યામાં બ્લોગ ચાલે છે. જેની પાસે લેપ ટોપ તે હવે લેખક! આના કારણે ગુજરાતી સાહિત્યમાં દ્વારપાલની (door keeper)ની જે અમૂલ્ય પ્રથા હતી તે ભુંસાઈ જવા આવી છે.  એક જમાનામાં કવિ થવું હોય તો બચુભાઈ રાવત કે ઉમાશંકર જોશી જેવા દુરારાધ્ય તંત્રીઓની આકરી પરીક્ષામાંથી પસાર થવું પડે. તો જ કવિતા ‘કુમાર’ કે ‘સંસ્કૃતિ’ જેવા ઉચ્ચ કક્ષાના મેગેઝીનમાં પ્રગટ થવાય. આ દ્વારપાલોને સાહિત્યના ઊંચા ધોરણો અને શ્રેષ્ઠ પ્રથાઓ જાળવવી હતી.

હું મારી પોતાની જ વાત કરું તો કાવ્યપ્રવૃત્તિમાં મને આવા કોઈ દ્વારપાળ મળ્યા હોત તો મેં જે પહેલા ત્રણ કાવ્યસંગ્રહો (‘અમેરિકા, અમેરિકા,’ ‘ઇન્ડિયા ઇન્ડિયા,’ અને ‘પેન્સિલવેનિયા એવન્યૂ’) પબ્લિશ કર્યાં છે તે ન જ કર્યાં હોત.  જો કે એ તો હવે છૂટી ગયેલા તીર હતાં। મારી એ સમગ્ર કાવ્યપ્રવૃત્તિમાંથી કંઈ બચાવવા જેવું હોય તે તારવીને એક સંગ્રહમાં મૂકવાનું દુષ્કર કાર્ય સૂક્ષ્મ કાવ્યમર્મી વિવેચક ધીરુ પરીખને મેં સોંપ્યું. એ સંવેદનશીલ કવિ મારી મૂંજવણ સમજ્યા અને મિત્રધર્મે મેં લખેલી બધી જ કવિતાઓ વાંચી ગયા અને એમની દૃષ્ટિએ જે સાચવવા જેવું હતું તે સાચવ્યું.  અને તે હવે સંવર્ધિત આવૃત્તિમાં ‘અમેરિકા, અમેરિકા’નામે એક જ વોલ્યુમમાં પબ્લિશ થયું છે.

વધુ દુઃખની વાત એ છે કે આપણે ત્યાં જો શિષ્ટ સાહિત્યની ચોકીદારી કરતા કડક દ્વારપાળ નથી તો જે લખાય છે તે જોડણીની ભૂલો વગર છપાય તેવી એલિમેન્ટરી સંભાળ લે એવા પ્રૂફરીડર પણ નથી.  જોડણીની ભૂલો વગરના પુસ્તકો જોવા એ હવે વિરલ વાત બની ગઈ છે. જૂના જમાનામાં પત્રો નીચે એક તાજા કલમ મૂકાતી, “તા.ક. ભૂલચૂક સુધારીને વાંચવા વિનંતિ.”  મને લાગે છે કે હવે એવી વિનંતિભરી ચેતવણી લગભગ બધા જ ગુજરાતી પુસ્તકોમાં મૂકવી અનિવાર્ય થઈ ગઈ છે. એમ પણ થાય છે કે સ્વામી આનંદ જેવા અત્યંત ચીકણાં લેખક જે એમના પ્રગટ થયેલા લેખોમાં એક પણ જોડણી ભૂલ ન ચલાવી લે તે કદાચ હવે કાંઈ પ્રગટ જ ન કરી શકે.

આજનો ગઝલકાર તો રમત રમતમાં કમ્પ્યુટર પર ગઝલ લખી નાખે અને તુરત વેબ ઉપર પોતાના બ્લોગમાં મૂકી દે.  એને કોણ કહે કે આવું ન લખાય? એને કોઈ પરીક્ષા આપવાની જરૂર નથી.  અને જો પરીક્ષા ન આપવાની હોય તો પછી તૈયારી કરવાની શી જરૂર?  કશું પણ લખતાં પહેલાં સાહિત્યની શ્રેષ્ઠ કૃતિઓ અને પ્રથાને આત્મસાત્ કરવા જે અસાધારણ પરિશ્રમ કરવો પડે, અઢળક વાંચન અને અભ્યાસ કરવા પડે, એવી સુફિયાણી વાત હવે કોઈ કરતું નથી.  વધુમાં કેટલાક ગુજરાતી લેખકો તો હવે લખતા પણ નથી, લખાવે છે!  જેવું બોલાય, તેવું ટાઈપીસ્ટ ટાઈપ કરે અને તેવું જ પ્રેસમાં જાય!  દર અઠવાડિયે એકાદ બે કોલમ અને દર વરસે બે ત્રણ દળદાર પુસ્તકો પ્રગટ થઈ જાય. આવા ગુજરાતી સાહિત્યકારોના નામે દોઢસો બસો પુસ્તકો તો રમત રમતમાં જ  થઇ જાય!

જો ગુજરાતમાં કવિ લેખકોની ખોટ નથી તો સુજ્ઞ વાંચકોની તો છે જ. જે વંચાય છે તે બહુધા પુસ્તકો કરતાં છાપાં અને મેગેઝિનો, અને ખાસ તો તેમાં આવતી કોલમો.  મુંબઈની પરાંની ટ્રેનમાં લોકોના હાથમાં પુસ્તકો કરતાં છાપાં અને મેગેઝિનો વધુ જોવા મળે. એક જમાનામાં લોકો રમણલાલ વસંતલાલ દેસાઈ કે કનૈયાલાલ મુન્શીની નવલકથાના દળદાર પુસ્તકો હોંશે હોંશે વાંચતા. હવે મુખ્યત્વે છાપાં કે મેગેઝિનોમાં ધારાવાહિક આવતી નવલકથાઓ વંચાય છે. લોકોનો વાંચવાનો સમય ટીવી અને વિડીયોએ ભરખી ખાધો છે. વધુમાં ગુજરાતી ભાષા અને સાહિત્યનું શિક્ષણ ક્ષીણ થતું જાય છે. મુંબઈમાં તો ગુજરાતી માધ્યમની શાળાઓનો લગભગ અસ્ત આવી ગયો છે. મુંબઈના ગુજરાતી કુટુંબોમાં ઉછરતી પેઢીના બાળકો ભલે ગુજરાતી બોલે, પણ એમનું ગુજરાતી વાંચન કે લેખન તો નહિવત્ જ થઈ ગયું છે.  ગુજરાતના મોટા શહેરોમાં પણ અંગ્રેજી માધ્યમની શાળાઓનો મહિમા મોટો છે. આ કારણે શિષ્ટ ગુજરાતી ભાષા સાહિત્યનું ભવિષ્ય એ મોટી ચિંતાનો વિષય છે.

4 thoughts on “અમેરિકામાં ગુજરાતી સાહિત્ય (નટવર ગાંધી)

  1. “પરદેશમાં જે લખાય છે તે મોટા ભાગનું માત્ર લખાણ છે, એને સાહિત્ય કહેવું કે કેમ એ એક મુશ્કેલ પ્રશ્ન છે. ”
    “વધુ દુઃખની વાત એ છે કે આપણે ત્યાં જો શિષ્ટ સાહિત્યની ચોકીદારી કરતા કડક દ્વારપાળ નથી તો જે લખાય છે તે જોડણીની ભૂલો વગર છપાય તેવી એલિમેન્ટરી સંભાળ લે એવા પ્રૂફરીડર પણ નથી. જોડણીની ભૂલો વગરના પુસ્તકો જોવા એ હવે વિરલ વાત બની ગઈ છે. ”
    “શિષ્ટ ગુજરાતી ભાષા સાહિત્યનું ભવિષ્ય એ મોટી ચિંતાનો વિષય છે.”

    Like

  2. વતન છોડ્યા પછી પણ વતનની માયા ન છૂટે એમ માતૄભાષાથી વેગળા રહીને માતૃભાષા માટે મમત્વ વધે અને વતન જેવા પુસ્તકાલય ન હોય ત્યારે જે મળે એ વાંચી લેવાની વૃત્તિના લીધે ય કદાચ બધુ કોઠે પડતું જતું હશે ને?

    Like

  3. શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીને “ડાયાસ્પોરા” શબ્દનો પ્રથમ ઉલ્લેખ કર્યો.આ અંગે મા વિનોદભાઇએ સુંદર સંકલન પણ કર્યું છે. મા નટવરભાઇ પ્રમાણે ‘અસહ્ય યાતના અને દુઃખદ અનુભવમાંથી જે ઉપજે, જે રચાય તે સાચું ડાયાસ્પોરા સાહિત્ય’.અને તે અંગે ઘણી વાતો કહી-તો ઘણા માને -અમેરિકાની ધરતી ભલે ગમે તેટલી રૃડીરૃપાળી હોય તો પણ તે મારી સ્ટેપ મધર છે. જ્યારે વતનની ધરતીમાં ભલેને સો થીંગડાં હોય તો પણ મારી આ માનો ખોળો ખૂંદવામાં મને જે આનંદ આવે તે સ્ટેપ મધરમાં ન આવે. આ તો કાળાપાણીની સજા જેવું છે. ડૉલર રળવાની લ્હાયમાં બીજું ઘણુંબધું ખોયું છે. અમેરિકામાં દરેક ક્ષેત્રમાં સરકારી કે ખાનગી કે સામાજિક કે સેવાકીય ભારતીયની હાજરી હોય જ. આ માત્ર પરસેપ્શન નથી રહ્યું પણ આંકડાંથી એ સાબિત થઈ રહ્યું છે કે વિશ્વમાં સૌથી વધુ પ્રવાસીઓ, સૌથી વધુ ઇમિગ્રેશન કરનારી પ્રજા ભારતીયોની છે. આવી પ્રજા માટે ડાયાસ્પોરા શબ્દ વધુ વપરાય છે.ઇન્ડિયન ડાયસ્પોરાની સંખ્યા. એક કરોડ છપ્પન લાખ!
    તો બીજી તરફ સાહિત્યનાં ખખડેલાં ધોરણોની વેદના વ્યક્ત કરી ગુજરાતી ભાષા સાહિત્યનું ભવિષ્ય અંગે ચિંતાનો વ્યક્ત કરી છે પણ અમને ખાત્રી છે કે તેમના જેવા ગુજરાતી સાહિત્યમાં દ્વારપાલો છે એટલે જરુર સુધાર થશે …

    Liked by 1 person

  4. મુ.નટવરભાઈ ગાંધી.
    તમારો અમેરિકામાં ગુજરાતી સાહિટીક પરનો અહેવાલ ગમ્યો.
    પરંતુ “એટલે સાચા અર્થમાં અહીં રચાતું સાહિત્ય એ ઘરઝુરાપાનું સાહિત્ય નથી” આ મંતવ્ય સાથે ૧૦૦% સહમત થવાય તેવું નથી. એ સાચું કે સુંવાળા જીવન થી ટેવાઈ ને કોઈ પરત આવવા માગતું નથી,વાસ્તવિકતા તો એ કે હવે તેમને અહી ફાવે/ગમે પણ નહિ,એ બધાજ દ્વિધાભરી જિંદગી જીવે છે. અહીથી ત્યાં આવેલા ,(ત્યાં જન્મેલા નહિ),માનસિક ઘર ઝુરાપો તો ભોગવે જ છે, અને તે વારંવાર તેમના સાહિત્યમાં પ્રતિબિમ્બિત થાય છે.- મોટા ભાગના આ ત્યાં જન્મેલા ,કેળવાયેલા સંતાનો ખાતર જ ત્યાં રહે છે.ક્યારેક ‘ન ઇધર કે રહે નાં ઉધર કે રહે; જેવી મનોદષામાં જીવન વિતાવે છે.
    અસ્તુ/
    bharat pandya.

    Like

પ્રતિભાવ