આજની યુવા પેઢી (પી. કે. દાવડા)


આજની યુવા પેઢી

આજની યુવા પેઢી અધીરી, ઉતાવળી, મહત્વાકાંક્ષી, ઝડપી, સ્વતંત્ર અને જુસ્સાવાળી છે. આજની પ્રત્યેક ક્ષેત્રમા તીવ્ર હરીફાઈ આના માટે અમુક અંશે જવાબદાર છે. ઓછી તકો ઝડપવા વધુ લોકો દોડે છે, કોલેજમાં એડમીશન હોય કે એંજીનીઅરીંગ અને મેડીકલ કોલેજની સીટ હોય, પરદેશની યુનિવર્સીટીમાં એડમીશનની વાત હોય કે સારી કંપનીમાં નોકરીની વાત હોય, બધે જ તીવ્ર હરિફાઈ છે.

અધીરાઈ એ Dead Lines નું પરિણામ છે. બીજું કોઈ કરે તેથી પહેલા મારે આ કરી લેવું જોઈએ, આ મંત્ર દિમાગમા લઈને તેઓ જીવે છે. “I want this, NOW” એવા ઉપરી અધીકારીના હુકમોથી ટેવાઈ ગયલા યુવાનોના જીવનમાં આ તત્વ એક હિસ્સો બની જાય છે. પછી એ પોતે પણ અન્ય લોકો પાસેથી ત્વરાની અપેક્ષા રાખતા થઈ જાય છે, પછી ભલે આ અન્ય લોકોમાં એની પત્ની હોય, બાળકો હોય કે મિત્રો હોય. આને લીધે કેટલીક વાર એના સંબંધોમા પણ તણાવ પેદા થાય છે. તેઓ ઝડપ માટે કોઈવાર દયાહીન થઈ જાય છે. તેમને તો બસ Dead Line સાચવવામાં જ રસ છે.

આજના યુવાનો પારિવારિક વ્યવસાયમાં જોડાવાને બદલે ઉચ્ચ અભ્યાસ કરી એક અલગ જાતના વ્યવસાયમાં જોડાય છે. આનાથી એમને આર્થિક સ્વતંત્રતા મળે છે, અને આ આર્થિક સ્વતંત્રતા તેમને બીજી અનેક સ્વતંત્રતા તરફ દોરી જાય છે. આને લીધે તેઓ મા-બાપથી અજાણતાં પણ થોડા દૂર થઈ જાય છે.

મહત્વાકાંક્ષી થવું એ સારી વાત છે, પણ જ્યારે ધારેલું પરિણામ ન મળે ત્યારે તેઓ સમાજ પ્રત્યે દુરભાવના કેળવે છે અથવા તો હતાશ(Depressed) થઈ જાય છે. આ બન્ને પરિણામો સારા નથી. તેમની માનસિક જ નહીં પણ શારિરીક હાલત પણ બગડે છે. પોતાનાથી વધારે સફળ થયેલા પ્રત્યે કયારેક તેમને ઈર્ષા થાય છે, તેઓ સમાજથી દૂર રહી એકલતાનો શિકાર થાય છે.

આનો એક જ ઈલાજ છે. પ્રત્યેક યુવાન પોતાનું આંકલન કરે કે મારી કેટલી યોગ્યતા(Capability) છે? હું કેટલું હાંસિલ કરી શકું એમ છું? પોતાનું પ્રમાણિક આંકલન કરીને જ લક્ષ્ય નક્કી કરે, તો નિષ્ફળતા મળવાની સંભાવનાઓ ઘટશે. મારી સમગ્ર શક્તિ વાપર્યા પછી મને આટલું મળ્યું, તો મારી યોગ્યતા આટલી જ છે એનો સ્વીકાર કરી બીજા વધારે સફળ લોકોની ઈર્ષા ન કરવામા જ એની ભલાઈ છે.

4 thoughts on “આજની યુવા પેઢી (પી. કે. દાવડા)

  1. મા દાવડાજીએ ખૂબ અગત્યના ચિંતાના વિષય પર ધ્યાન દોર્યું-જીવન અને વિકાસ વચ્ચે અટવાઈ ગયેલો યુવાન આજે મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ, આરોગ્ય, કૌટુંબિક સંબંધો, હતાશા નિરાશા, વગેરે બાબતોના પ્રશ્નોને ગળે વળગાડીને રહ્યા છેઆવી પરિસ્થિતિમાં યુવાનોએ સ્વયં સંઘર્ષ કરીને તેમાંથી બહાર આવવાનું છે નહી તો નિરાશા એવી રીતે ધેરી વળશે કે જુવાની દુઃખ અને હતાશામાં વહી જશે

    જાગૃત નાગરિકો તરીકે આપણાં સહુની જવાબદારી છે કે યુવા શક્તિને યોગ્ય માર્ગ અને યોગ્ય દિશા તરફ વાળીએ

    Liked by 1 person

  2. આપે “આજની” યુવા પેઢી લખ્યું, પરંતુ આ રીતનું પાત્રાલેખન દરેક સદીઓમાં ચાલ્યું આવે છે. સામાન્ય અવલોકનમાં ઘણા અપવાદો હંમેશા રહ્યાં છે અને દરેક પેઢી કેટલાય ઉમદા માનવ આપતી રહે છે.
    સરયૂ પરીખ

    Liked by 2 people

  3. કલ્પના કરો બે સો વરસ અગાઉ વાહનવ્યહારના શું સાધનો હતા અને હવે ચાર મહીનાની મુસાફરી પંદર વીસ કલાકમાં થઈ જાય… રેલ્વેને કારણે સામાન્ય ગરીબ માણસ પણ મુસાફરી કરી સમય બચાવી શકે છે.

    યુવાપેઢી કહે છે તમે પગે મુસાફરી કરતા રહો, હું તો હાલ્યો બસ કે ટ્રેનમાં..

    પોસ્ટની શરુઆતમાં દાવડા સાહેબે જણાંવેલ છે  …આજની યુવા પેઢી અધીરી, ઉતાવળી, મહત્વાકાંક્ષી, ઝડપી, સ્વતંત્ર અને જુસ્સાવાળી છે.

    Liked by 2 people

પ્રતિભાવ