પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ-૨૩-યાદગાર વર્ષ


યાદગાર વર્ષ

દિલીપ અમેરિકા ગયો. રવિ, ઋચા અને મારી વચ્ચે ધાજી અને અદાના ઈનવેસ્ટમેન્ટસ અને બિઝનેસ, બધું જ સમેટવાનું કામ પણ ઘણું હતું. દિલીપ અને રવિ-ઋચાને મારી કાબેલિયત પર ભરોસો મારાથી વધુ હતો. મેં એ સહુને મજાકમાં કહ્યું પણ હતું કે, મારી ઈકોનોમીક્સ અને બિઝનેસની તાલીમને કારણે, મારી સમજણ તમારાથી વિશેષ છે એ તમારા સહુના મગજમાં કેવું સરસ ઠસાવી દીધું છે! તો મારી ખરી કાબેલિયતની, એટલે કે, તમને સહુને સહેલાઈથી કન્વીન્સ કરવાની મારી શક્તિની તમને ખબર પણ પડી નહીં પણ, મારા પરના અનકન્ડીશનલ પ્રેમને કારણે એ ત્રણેયને આમ ઈમ્પ્રેસ કરવા સાવ સહેલું હતું. દિલીપના ફોન રોજ આવતા. તો, હું એને ચીઢવવા કહેતી પણ ખરી, કે, અદાની બધી જ મિલકત હું હડપી જઈશ તો? એનો જવાબ હંમેશાં એક જ રહેતો, “જે તારું છે એને હડપી જવામાં શું ધાડ મારી? જે તારા પોતાના ન હોય એમની મિલકત હડપી બતાવ તો જાણું!” વાત ત્યાં જ અટકી જતી. ૧૯૭૩ની એ સાલ હતી. ત્યારે, ક્યારેક મનમાં વિચાર આવતો પણ ખરો, કે આજથી ચાલીસ વર્ષો હું ક્યાં હોઈશ, શું જિંદગી મને એની સાથે લઈને સતત ચાલતી રહેશે કે કોઈક અજાણ્યા મોડ પર જિંદગી સ્થગિત થશે એની સાથે હું પણ અટકી જઈશ? તે સમયે મમ્મીના બોલ યાદ આવી જતાં, “સુલુ, અટકતી નહીં, ક્યારેય અને ક્યાંય પણ. વહેતું પાણી કદી વાસી નથી થતું! જ્યારે હું પણ નહીં હોઉં ત્યારે પણ, મને તો ખાતરી છે કે તું સદા માટે ચાલતી રહીશ અને રસ્તા પોતાની મેળે ઉઘડતા રહેશે!” હું ત્યારે છણકો કરીને કહેતી કે, “મને છે ને, તારી આ જ રીત નથી ગમતી! માણસ પાસેથી બધાં જ ઓપશન્સ લઈ લેવાના અને પછી કહેવાનું કે, તું જાતે જ સતત ચાલતાં રહેવાનું પસંદ કરે છે તો ખુશ રહે!” મમ્મીએ ટપલી મારીને કહ્યું, “મમ્મીના હોદ્દાનો કઈંક તો ફાયદો હોયને?” તે દિવસે મને થયું, “મમ્મી, એકવાર પાછી આવ અને એકવાર મને કહે કે આજથી ત્રીસ ચાલીસ સાલ પછી હું જે પણ મોડ પર હોઈશ ત્યાં મારે સતત આગળ ચાલતાં જ રહેવાનું છે. આઈ પ્રોમિસ, હું તારા પર કોઈ ગુસ્સો કે સ્નેપીંગ નહીં કરું! બસ, એકવાર આવી જા!” મમ્મી તો નહોતી આવવાની પણ વણ-બોલાવ્યા મહેમાન જેમ આંસુ આંખોમાં આવી ગયાં હતાં!

*****

સમય એટલે જલદી વિતતો જતો હતો કે અટકી જઈને માણેલી પળો ફરી માણવાનો સમય કદી મળવાનો નહોતો! ક્યારેક એમ પણ થતું હતું કે કદીક તો એવો શ્વાસ લેવાનો સમય મળે કે, જિંદગીને કહી શકાય કે,”પાછળ વળીને અમને તો તને જોવી છે, જિંદગી! તું આમ જ સદા આગળને આગળ ચાલતી રહેશે, જિંદગી?” પણ આ વિચારો તો બસ, વિચારો રહી જતા! અદા અને ધાજીના પ્રોબેટથી માંડીને બીજી બધી વ્યવસ્થા કરવાનું સહેલું નહોતું. ગવર્નમેન્ટના દરેક ખાતામાં કઈં પણ કામ હોય ત્યારે લાંચ-રુશવત વિના આરો આવતો નહોતો. એક મોટી વાત અદાએ કરી હતી કે પોતાના ટ્રેડીંગનો બિઝનેસ અમેરિકા જતાં પહેલાં જ બંધ કરી નાખીને અન્ય ધંધામાં રોકાણ કર્યું હતું. આ બધાજ રોકાણોના પેપેરવર્કની ફાઈલો પણ ખૂબ જ સુઘડતાથી બનાવીને રાખી હતી અને દિલીપને એ કહ્યા કરતાં કે એમના રોકાણો અને એને લાગતા વળગતા ડોક્યુમેન્ટસ બધા એમની ફાઈલ કેબિનેટમાં ક્યાં અને કેવી રીતે સાચવીને એક જગ્યાએ મૂક્યા છે. અમેરિકા પાછાં જતાં પહેલાં આ બધું જ અને બેન્કના અન્ય કાગળો પણ, દિલીપ મારે ત્યાં મૂકીને ગયો હતો. ૧૯૭૩ના લેટર પાર્ટ ઓફ ધ ઈયર અને બીજો ત્રણથી ચાર વર્ષોનો ગાળો ખૂબ જ ચેલેન્જિંગ રહ્યો હતો. અદાનું પ્રોબેટ પાસ કરાવવાનું અને બીજા અનેક જાતના ટેક્સ ભરવાના, બહુ જ કોમ્પલીકેટેડ પ્રોસેસ હતી. જો કે રવિ- ઋચા સમય હોય તે પ્રમાણે મારી સાથે અવારનવાર આવતા રહેતાં. આ જ સમય દરમિયાન, મને યાદ છે ત્યાં સુધી, જૂન ૧૯૭૫થી માર્ચ ૧૯૭૭માં તે સમયના ભારતના વડા પ્રધાન ઈંદિરા ગાંધીએ અચાનક જ ઈમરજન્સી ભારતની પ્રજા પર થોપી નાંખી હતી. ધાજી અને અદાનું બધું જ કામ કાયદેસર નક્કી થઈ ગયું હતું. કોર્ટમાં પણ પૈસા આપીને ફાઈલો આગળ ધપાવવી પડી હતી. હવે છેલ્લે, ઈન્કમટેક્સ કમીશ્નરની સહી બાકી હતી. જેથી પાસ થયેલા પ્રોબેટ મુજબ બધી જ અસ્ક્યામતો કાયદેસર રીતે, દિલીપના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જવાની હતી. ઈમરજન્સીના ભારત અને લોકશાહીના ભારતનો એક વરવો અનુભવ ૩૩-૩૪ વરસની સુલુને થયો. તે દિવસે, રવિ કે ઋચા મારી સાથે નહોતા અને અમે રોકેલા વકીલ પણ મોડા પડ્યા હતા. એપોઈન્ટમેન્ટનો સમય થઈ ગયો હતો. ત્યાં જ, કમીશ્નરનો પટાવાળો મને બોલાવવા આવ્યો. હું એમની ઓફિસમાં ગઈ. કમીશ્નરે પટાવાળાને તાકીદ કરી કે હવે કોઈનેય અંદર આવવા ન દે. મેં એમને કહ્યું, “સાહેબ, મારા વકીલ આવશે.” તો સાહેબ હસીને બોલ્યા, “આવશે ત્યારે જોઈશું. આપણે આ કાગળ પર સહી કરવા પહેલાં થોડીક વાત કરી લઈએ.” મને લાગ્યું કે, એમને પણ એમના હિસ્સાનો “ચાંદલો” જોઈતો હશે. મેં કહ્યું, “હા, સાહેબ, બોલો.” સાહેબ એમની ખુરશી છોડીને મારી પાસે આવ્યા અને મારા ખભા પર હાથ મૂક્યો કે હું એકદમ ઊભી થઈ ગઈ “અરે સુલુ, તમે ગભરાશો તો કેમ ચાલશે? જુઓ, આમ તો હું આવા કેસને પતાવવા માટે બે લાખ રૂપિયાથી એક પૈસો પણ ઓછો નથી લેતો અને એમાં હંમણાં તો ઈમરજન્સી ચાલી રહી છે. દેશને અમારા જેવા બ્યુરોક્રેટ જ ચલાવી રહ્યાં છે. એક ઓફર છે. લોનાવલામાં મારો બંગલો છે. મારી જોડે એક રાત ત્યાં ગુજારો તો આ સહી એમ ને એમ જ મળી જશે અને જો….” હું ગુસ્સાથી લાલ-પીળી થઈ ગઈ હતી. મારી ખુરશી હડસેલી અને દરવાજા તરફ જવા માંડી તો એમણે મારો રસ્તો રોક્યો અને કહે, “વિચારી લો. અહીંથી આજે ગયાં તો કાલે મારી સહીની કિમત પાંચ લાખ થઈ જશે. દેશમાં તો સરકાર છે જ નહીં. ફરિયાદ કરશો તો કોને કરશો?” એ ભાઈ આ બોલી રહ્યાં હતાં ત્યારે મેં એમની સામે પાછા વળીને જોયું. મને આવી રીતે કઈં પણ કહ્યા-કર્યા વિના નીકળી જવું ગમ્યું નહીં. હું દરવાજા તરફ જતાં જતાં પાછી વળી. મેં સાહેબની સામે ધ્યાનથી જોયું. એમની ઉંમર પચાસેકની હશે. મને પાછી વળતી જોઈને, એમના મોઢા પર વિજયનો ઉન્માદ આવી ગયો હતો. હું એમની પાસે ગઈ અને કઈં પણ કહ્યા વિના, બેઉ હાથે એમના મોઢા પર તમાચા ચોડી દીધાં. મને આજે પણ ખ્યાલ નથી કે આ હિંમત મારામાં આવી ક્યાંથી? સાહેબ ડઘાઈ ગયા હતા અને એમને એકાદી ક્ષણ લાગી સમજતાં કે શું થઈ ગયું! પણ, એટલી વારમાં હું દરવાજો ખોલીને દરવાજા અને જનરલ ઓફિસના રૂમની વચ્ચે ઊભી રહી. બહારની ઓફિસના કર્મચારીઓ સાંભળે એવી રીતે જોરથી બોલી, “સરકારની ઈમરજન્સી છે એટલે શું અમારા પર, જનતા પર તમે જુલમો કરશો અને સ્ત્રીઓ પર ગંદી નજર કરશો?” ત્યાં સુધી અમારા વકીલ પણ આવી ગયા હતા. તેઓ મારી તરફ આવી ગયા હતા. હું ગુસ્સ્સાથી ધ્રુજતી હતી. મેં દરવાજો ખુલ્લો મૂકીને એમના કર્મચારીઓ સાંભળે એમ જોરથી અંદર જે બન્યું તે કહ્યું. અદાના વકીલનું ખૂબ જ મોટું નામ હતું. એ મારા હાથમાંથી પેપર્સ લઈને, અંદર ગયા. કમીશ્નરની ઓફિસનો દરવાજો ખુલ્લો જ મૂક્યો, અને, કમીશ્નરને સત્તાધારી અવાજે કહ્યું, “સાઈન ઈટ, રાઈટ નાઉ!” આટલા મોટા વકીલની સામે બીજું કઈં જ ચાલવાનું નહોતું. ડઘાઈ ગયેલા કમીશ્નરે માથું નીચું કરીને સહી કરી આપી. ઘરે જઈને મને પહેલીવાર મારા જ વતનમાં એકલી હોવાનું દુઃખ થયું કે કાશ, મારો પણ કોઈ જીવનસાથી હોત

                                  આ ત્રણ-ચાર વર્ષો આવી જદ્દોજહતમાં અને મારા કામમાં વ્યસ્ત રહેવામાં પસાર થઈ ગયા હતા. ઋચા અને રવિને હવે બે બાળકો હતા અને એમને ખૂબ વ્હાલી, એમની એકે ની એક “સુલુ માસી” સાથે બેઉ બાળકો પણ મોટા થતા હતા. સીતા અને પાર્વતીમાસી તો મારી સાથે હતા જ. આ સમય દરમિયાન, રવિના એક બિલ્ડર મિત્રએ અમારો એ બેઠા ઘાટનો બંગલો ખરીદીને, ત્યાં ચાર માળનું બિલ્ડિંગ બાંધ્યું. મને બીજા માળ પર ટેરેસવાળો ફ્લેટ આપ્યો. બિલ્ડિંગ ઊભું કરવામાં માત્ર આઠ મહિના થવાના હતા. બાળકો, ઋચા અને રવિનો ઘણો આગ્રહ હતો કે હું એમને ત્યાં રહેવા જાઉં પણ આટલો સામાન અને અમે ત્રણ જણા, કેવી રીતે ત્યાં આટલો સમય રહીએ? બિલ્ડરે જ આ પ્રશ્ન ઉકેલી આપ્યો. રવિના જ બિલ્ડિંગમાં એક ફ્લેટ “લીવ એન્ડ લાયસન્સ” (રેન્ટલ) પર ૧૧ મહિના માટે મળતો હતો તો રવિના બિલ્ડર મિત્રએ જ્યાં સુધી અમારું બિલ્ડિંગ અને બીજા ફ્લેટસ તૈયાર ન થઈ જાય ત્યાં સુધી એ લીવ એન્ડ લાયસન્સના ફ્લેટમાં વ્યવસ્થા કરી આપી. સેમે આ સમય દરમિયાન એક વાર લગ્ન કરીને છૂટાછેડા પણ લઈ લીધા હતા પણ અમારી દોસ્તી અકબંધ હતી. દિલીપ સાથે પણ રોજની વાતો થતી રહેતી. ઈંદિરા માટે થઈને એના માતા-પિતા વરસના ત્રણ ચાર મહિના અમેરિકામાં જ ગાળતાં. ઈંદિરાને હવે દર મહિને કે બે મહિને મેન્ટલ હોમમાં અનેક મહિના સુધી જવું પડતું હતું. એ જરા સાજી થતી કે પાછી ઘરે આવવાની જિદ કરતી તો દિલીપ એને લઈ પણ આવતો. દિલીપે ઈંદિરાની સારવારમાં અને એને ભરપૂર સ્નેહ આપવામાં કોઈ મણા રાખી નહોતી પણ ઈંદિરાને જ્યારે પણ schizophrenia ના એટેક આવે ત્યારે પાછી મેન્ટલ હોમમાં લઈ જવાનું જરૂરી બની જતું. વખત પસાર થતો હતો. રોજ આવતા દિલીપના ફોન, તે સમયે એક અઠવાડિયા સુધી આવતા બંધ થઈ ગયા હતા. મને થયું કે ઈંદિરાની તબિયત ખરાબ હશે. હું રોજ એને ઓફિસમાં ફોન કરતી પણ નો લક. હવે મને ફિકર થવા માંડી. આઠમે દિવસે એનો અચાનક જ ફોન આવ્યો, “સુલુ, હું ઈન્ડિયા આવું છું.”

હું તો એકદમ જ ખુશ થઈ ગઈ. “અરે, ખૂબ જ સરસ. તને તો ખબર જ છે કે, હવે આપણું એ નાનકડું ઘર ચાર માળનું અને ૨૦ ફ્લેટ્સનું મોટું બિલ્ડિંગ બની ગયું છે. હું અને સીતા હવે અહીં રહેવા પણ આવી ગયા છે. પાર્વતીમાસી તો ઘણા સમયે આમ છ મહિના માટે ગામ ગયા છે. આપણું ઘર બીજે માળે છે અને દરેક રૂમમાંથી સામે દરિયો દેખાય છે. આવ, આવ.”

“હા, આવું છું.” એનો અવાજ થોડો ધીમો હતો.

“આર યુ ઓકે? ટેલ મી દિલીપ. યુ આર સ્કેરીંગ મી!” મેં પૂછ્યું.

“નો આઈ એમ નોટ. મને સ્ટમકનું કેન્સરનું નિદાન થયું છે અને મારી પાસે માત્ર ચાર થી છ માસ જીવવાના છે. સુલુ, હું આ સમય જીવી લેવા માંગુ છું.” “દિલીપ, ઈંદિરાનું શું?” મારું હ્રદય એક ધડકારો ચૂકી ગયું હતું, એટલું જ નહીં પણ વિધાતાની આ ક્રૂરતા પર વિશ્વાસ નહોતો આવતો! પણ આગળ દિલીપે જે કહ્યું એ સાંભળ્યા બાદ તો થયું કે સાચે જ ઈશ્વર જેવું કઈં છે કે નહીં!

દિલીપ બોલ્યો, “સુલુ, છેલ્લા એક બે મહિનાથી મારી તબિયત સારી નહોતી. મને લાગ્યું કે ઓવર એક્ઝર્શનને કારણે બરાબર આરામ નથી થતો અને ખવાતું નથી. હું ડોક્ટર પાસે ગયો તો એમણે મને હોસ્પિટલમાં દાખલ થવાનું કહ્યું. મારે જ્યારે હોસ્પિટલમાં નિદાન માટે ચાર દિવસ એડમીટ થવાનું હતું ત્યારે મારો એક કોલેજનો મિત્ર, અહીં મારે ત્યાં, એના કામ માટે ઈન્ડિયાથી આવ્યો હતો. એને અમેરિકામાં રહી જવું હતું. એનું ફેમિલી ઈન્ડિયામાં હતું અને એને લાગ્યું કે એના સંતાનો માટે અમેરિકા રહી જવું જોઈએ. મેં એને કહ્યું, “આજે રાતે, ઈંદિરાના માતા-પિતા આવી જાય છે. જો એ પાંચ દિવસ માટે અહીં રહી શકે તો ઈંદિરાની અન-પ્રીડીક્ટેબલ બિમારીમાં હેલ્પ થશે. હું હોસ્પિટલમાંથી પાછો આવી જઈશ પછી આપણે તારા માટે અહીં કેમ રહેવું એનો બંદોબસ્ત કરીશું. સુલુ, પાંચ દિવસ પછી હું આ ડાયગ્નોસીસ સાથે ઘરે પાછો આવ્યો તો એ અને ઈંદિરા બે દિવસથી ક્યાંક જતાં રહ્યાં હતાં. ઈંદિરાના માતા-પિતા પણ ખૂબ જ અપસેટ છે પણ શું કરે? ગઈ કાલે જ, ફેડએક્સથી ઈંદિરા અને મારા મિત્રના વકીલ તરફથી ડિવોર્સના પેપર્સ મળ્યાં અને સાથે પોલિસનો ઓર્ડર પણ મળ્યો કે મારે અને ઈંદિરાના માતા-પિતાએ એમનો કોન્ટેક્ટ ન કરવો! કારણ એટલું જ આપ્યું હતું કે અમે ઈંદિરાને આ માનસિક બિમારીમાં ધકેલી છે! મેં ઈંદિરાના એ ડિવોર્સ પેપર્સ પર એના માતા-પિતાની કન્સેન્ટથી સહી કરીને મોકલી તો આપી પણ મને થાય છે કે આવા મિત્રો હોય? એને અહીં રહી જવું છે તો એના જે દોસ્તે એને સહારો આપ્યો, એ મિત્રની માનસિક રીતે બિમાર પત્નીનો આ રીતે ઈસ્તમાલ કરવાનો? સુલુ, મને ઈંદિરાની ખૂબ જ ફિકર છે પણ, મારો એ દુશ્મન દોસ્ત, એને ક્યાં લઈ ગયો છે એની ખબર નથી. મેં ઈંદિરાના માતા-પિતાને મારા ઘરમાં રહેવાની વ્યવસ્થા કરી આપી છે જેથી, ઈંદિરા પાછી આવે કે ઈંદિરાને જો જરૂર પડે તો એ લોકો હોય. પૈસાની પણ વ્યવસ્થા એવી રીતે કરી છે કે દર મહિને એમને, ખર્ચા માટે ફિક્સ ઈન્કમ પણ રહે. સુલુ, મારે બાકીના દિવસો તારી સાથે ગાળવા છે. જે જે ભૂલો થઈ છે એની માફી માગવી છે.”

હું ફોન પકડીને અવિરત વહેતા આંસુ સાથે એમની એમ જ, સ્થિર ઊભી હતી. સામે છેડેથી દિલીપનો અવાજ આવ્યો,

“આર યુ ધેર, સુલુ? સુલુ?”

મેં આંખો લૂછ્યા વિના જ, એકદમ જ “ઓન ધ સ્પોટ” એક નિર્ણય લઈ લીધો અને કહ્યું, “હા, હું અહીં જ છું. તું તારે ઘરે આવતો હોય તેમ જ આવી જા. પણ મારે તને કઈંક ખાસ કહેવું છે. મારે તને પ્રપોઝ કરવું છે. અહીં આવીને મારી સાથે લગ્ન કરીશ, દિલીપ?”

“આર યુ મેડ? આઈ હેવ લિમિટેડ ટાઈમ. તું આમ જ કરવાની હોય તો નથી આવતો!”

“દિલીપ, મને આ અધિકાર આપી શકે તો આપ. આપણા આ આત્માના ઐક્યનું કોઈક કારણ હશે જ અને આ રીતે આપણા આ સંબંધને એક નામ તો મળશે! આટલું કરી શકીશ મારા માટે?” હું ગળગળા અવાજે બોલી રહી હતી. એના શ્વાસોની સરગમમાં મને એનો એકરાર સંભળાઈ ચૂક્યો હતો.

“હું, ચોવીસમી મે ના દિવસે પહોંચી રહ્યો છું. ૧૯૭૮નું આ વરસ યાદગાર બની જશે!”

અને, સાચે જ, ૧૯૭૮નું વરસ યાદગાર બની ગયું!

(વધુ આવતા અંકે, આવતા ગુરુવારે!)

5 thoughts on “પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ-૨૩-યાદગાર વર્ષ

  1. મારા પરના અનકન્ડીશનલ પ્રેમને કારણે …આ ઈમોશનલ ક્વોશન્ટ ખૂબ અગત્યનો-દરિદ્રતા માત્ર ધનની નહીં, હૃદય જેનું સાંકડું છે, જેનામાં ઉદારતા નથી એ પણ દરિદ્ર છે. બીજાઓને નિ:સ્વાર્થભાવે જે મદદ નથી કરી શકતો એ પણ દરિદ્ર જ છે.
    ‘…બધી જ મિલકત હું હડપી જઈશ તો? યાદ આવે ચાણક્ય આઠમા અધ્યાયના પ્રથમ શ્ર્લોકમાં જ જણાવી દે છે: ‘નાના લોકો ધનને જ સર્વસ્વ માને છે, મધ્યમ સ્તરના લોકો ધનની સાથે પોતાના સન્માનને પણ મહત્ત્વ આપે છે પણ ઉત્તમ સ્તરના લોકો કેવળ પોતાના સન્માનને સર્વશ્રેષ્ઠ ગણે છે.’
    સૌથી મોટું દુ:ખ પોતાની વૃદ્ધાવસ્થામાં પત્નીનું મૃત્યુ થાય ત્યારે, ભાઈભાંડુઓ મિલકત હડપી લે ત્યારે અને બે ટંકના ભોજન માટે બીજાઓ પર આધાર રાખવો પડે ત્યારે વ્યક્તિ સૌથી વધુ દુખી હોય છે.’
    ઈમરજન્સીના ભારત એક વરવો અનુભવ -‘મારી જોડે એક રાત ત્યાં ગુજારો તો આ સહી એમ ને એમ જ મળી જશે ! બેઉ હાથે એમના મોઢા પર તમાચા ચોડી દીધાં.!!ડઘાઈ ગયેલા કમીશ્નરે માથું નીચું કરીને સહી કરી આપી.!!!.વાહ
    અંકલ સૅમની શેમ શેમ વાત અને ઇમરજન્સી- ઈંદીરાનું ગાંડપણ કાંઇ વિચિત્ર સામ્ય વચ્ચે-‘ દિલીપનું સ્ટમકનું કેન્સર…ડિવોર્સના પેપર્સ …મારી સાથે લગ્ન કરીશ, દિલીપ? .સંબંધને એક નામ તો મળશે! . ભૌતિકતામાંથી આધ્યાત્મિકતા તરફ જવાની દિશા જડી ગઈ
    પુનર્વિત્તં પુનર્મિત્રં પુનર્ભાર્યા પુનર્મહી
    એતત્સર્વં પુનર્લભ્યં ન શરીરં પુન: પુન:॥
    .
    ૨૩મો હપ્તો યાદગાર…

    Liked by 1 person

પ્રતિભાવ