હિંસા (પી. કે. દાવડા)


હિંસા

આ જગતમાં હિંસા વગર જીવન શક્ય નથી. ઈશ્વરે જીવની રચના જ એ પ્રકારે કરી છે કે કોઈપણ જીવ માત્ર હવા અને પાણી પર જીવી ન શકે. એમણે પોતાનાથી નબળા જીવોનું ભક્ષણ કરી જીવવું પડે છે. માત્ર થોડા પશુ, પક્ષી અને મનુષ્યોને આમાં પર્યાય આપી અપવાદરૂ રાખ્યા છે. થોડા પશુઓ ઘાસ ખાઈને જીવે છે, હાથી જેવા મહાકાય પ્રાણી પર માત્ર ઘાસ ખાઈ જીવતા રહે છે, થોડા પક્ષીઓ માત્ર અનાજ ચણી જીવતા રહે છે, અને થોડા મનુષ્યો શાકાહાર કરી જીવતા રહે છે.

મોટા ભાગના પશુઓ પોતાનાથી નબળા પ્રાણીનો શિકાર કરી જીવે છે, કેટલાય પક્ષીઓ જીવડાં ખાય છે, તો કેટલાય પક્ષી માંસાહારી છે. એક સદી પહેલા આફ્રીકાના જંગલોમાં નરભક્ષી મનુષ્યોની હાજરીના પુરાવા મળેલા. આમ જીવસૃષ્ટીમાં હિંસા એ કોઈ અસામાન્ય વાત નથી, અને આવા હિંસક તત્વોમાંથી મનુષ્યો પણ બાકાત નથી. અહીં મેં જે હિંસાની વાત કરી, એ અનિવાર્ય હિંસા છે, એના વગર અનેક પ્રકારના જીવનની શક્યતા નથી. સિંહ-વાઘ ઘાસ ખાઈ જીવી શકે નહિં.

જો હિંસા અનિવાર્ય છે તો પછી અહિંસા કેવી રીતે શક્ય છે? અહિંસાનો અર્થ જ્યાં પર્યાય હોય ત્યાં હિંસા નિવારવી. કારણ વગરનો હિંસાચાર ન કરવો. અહીં હું એમ નથી કહેતો કે શાકહારી લોકો હિંસા નથી આચરતા, પણ માંસાહારી લોકોની સરખામણીમાં તેઓ હિંસા કરતાં થોડા અચકાય છે. માંસહારી ઘરોમાં, અને ખાસ કરીને ગરીબ ઘરોમાં, બાળકો નાનપણથી જ ઘરમાં મરઘાં-બકરાં કપાતાં જૂવે છે, એટલે એમને લોહી જોવાનો મહાવરો હોય છે. વળી જીવતા પ્રાણીને તરફડતા અને મરતા પણ એમણે જોયા હોય છે. એટલે જ્યારે હિંસક તોફાનો દરમ્યાન તેઓ મનુષ્યોનું ખૂન કરે છે, ત્યારે પ્રમાણમાં ઓછા વિક્ષુબ્ધ થાય છે, એટલે ક્યારેક આવા લોકોમાં હિંસક વૃતિ વધારે જોવા મળે છે.

મોટાભાગની મનુષ્યહત્યા બે કારણથી થાય છે. પ્રથમ કારણ છે યુધ્ધ. આમાં ભાગ લેનારાઓને સામા પક્ષના માણસને મારી નાખવાની રીતસરની તાલીમ આપવામાં આવે છે. યુધ્ધમાં ખુવારીનો આંકડો ઘણો મોટો હોય છે. હજારો વર્ષોથી અનેક પ્રયત્નો કરવા છતાં યુધ્ધ નિવારી શકાયા નથી. મનુષ્ય હત્યાનું બીજું કારણ છે ધાર્મિક અસહિષ્ણુતા. ધર્મગ્રંથોમાં જે લખેલું છે, એમાં ક્યાંપણ હિંસાને ઉત્તેજન આપે એવું લખાણ નથી, પણ કાળક્રમે મનુષ્યોમાં રહેલી હિંસક વૃતિ એનો વિકૃત અર્થ કરી હિંસા આચરે છે. જ્યારે યુધ્ધમાં મનુષ્યોની હત્યા ન થતી હોય ત્યારે આવા ધાર્મિક દંગા ઊભા કરી, મનુષ્યો પોતાનામાં રહેલા હિંસક તત્વનું પ્રદર્શન કરે છે.

સદીયોના પ્રયત્નો છતાં, ન તો યુધ્ધ નિવારી શકાયા છે અને ન તો ધાર્મિક હિંસા નિવારી શકાઈ છે, આને હું હર્બટ સ્પેન્સરની survival of the fittest સાથે જોડીને નથી જોતો, એણે તો અનિવાર્ય હિંસાને લગતી વાત કરી છે.

હિંસાથી કોઈપણ સમસ્યાનું નિવારણ શક્ય નથી. એક સમયે પરાજીત થયેલો પક્ષ ફરી તૈયારીમાં લાગી જાય છે, અને મોકો જોઈ સામા પક્ષ ઉપર આક્રમણ કરે છે. સદીયોથી આમ થતું આવ્યું છે, અને નજીકના ભવિષ્યમાં એનો અંત આવે એવી કોઈ સંભાવના નથી.

5 thoughts on “હિંસા (પી. કે. દાવડા)

  1. સ્નેહીશ્રી દાવડા સાહેબ,
    સરસ વિષય આજે સીલેક્ટ કર્યો. શરુઆત અને સમજ પણ હકિકત જ બનેલી વાતો છે. કાર્નિવેરસ પ્લાંટની વાત પણ ગમી. આ પ્લાંટ …વનસપતિ જીવડાઓનો ભક્ષ કરે છે. હિંસા અે કુદરતી ઘટમાળ છે. ડગલે ને પગલે આ પૃથ્વિ ઉપર હિંસાને આચરતાં જીવો જોવા મળે છે. વનસ્પતિ પણ અેક જીવાત્મા છે. તેને પણ મારીને વેજીટેરીયનો પોતાને જીવહયત્યા નથી કરતાં અેમ કહેતા ફરે છે. પ્રાણિઓ જેમ જન્મીને ખોરાક ખાઇને મોટા થઇને યોગ્ય ઉમરે સંવનન કરીને પ્રજોત્પત્તિ કરીને મરણ પામે છે તેમ જ વનસ્પતિ પણ જન્મીને યોગ્ય ઉમરની થઇને ગર્ભ ઘારણ કરીને પ્રજોત્પત્તિ કરીને પોતાનું જીવન સમાપ્ત કરે છે. વનસ્પતિના ફળ તે તે વનસ્પતિના ગર્ભ જ છે. નર માદાના સંયગથી બનેલું બીજ જેમ માના ગર્ભમાં બાળક ( બીજ રુપે) ખોરાક પાણી વિકસિત ગર્ભમાંથી મેળવે છે તેમ જ ફળ પોતે તેમાં રહેલાં બીજને ખોરાક પુરો પાડવા ગળ રુપે વિકસે છે. તેમાં રહેલું બીજ ગળને ખાઈને માણસ જ્યારે રોપે છે ત્યારે બીજુ વૃક્ષ બને છે. વેજીટેરીયનો પણ વનસ્પતિ…અેક જીવાત્માને મારીને પોતાનો ખોરાક બનાવે છે. બોલી નહિ શકનાર સસ્તન પ્રાણિઓ બાળજન્મ માટે પોતાના સ્તનમાં બાળકને માટે દુઘ બનાવે છે જેમ માનવસ્ત્રી પોતાના બાળક માટે દુઘ બનાવે છે….અને માણસ તે દુઘનો ઘંઘો કરે છે.
    તમે survival of fittest” જેના નામે લખ્યુ છે તે બરાબર નથી….વિજ્ઞાની ચાર્લસ ડાર્વિને જીવને માટે..તેના અસ્તિત્વને માટે ત્રણ નિયમા આપ્યા હતાં….૧. મોટા પ્રમાણમાં જન્મ…૨. જીવવા માટે ઘર્ષણ…..અને….૩. જે શક્તિશાળી અને જીવવા માટે યોગ્ય છે તેનું જીવવાનું સફળ…..અેટલે કે….1. High rate of birth…2. struggle for existence & 3. survival of fittest.
    આજના જમાના માટે હું કહું છું કે…Survival of richest.
    આભાર.
    અમૃત હઝારી

    Liked by 1 person

  2. મા દાવડાજીએ વનસ્પતિ,પશુ ,પંખી જેમને માટે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે હિંસા કરવી જ પડે તે ‘અનિવાર્ય હિંસા’ ક્ષમ્ય છે પરંતુ નરભક્ષી મનુષ્યો જેવા જ હિંસા આદરતા વિષે વિચારતા- યુનાઈટેડ નેશન્સના અહેવાલ પ્રમાણે, ‘ત્રણમાંથી એક સ્ત્રી પોતાના જીવન દરમિયાન પોતાના સાથી દ્વારા શારીરિક કે જાતીય હિંસાનો શિકાર બનતી હોય છે.’ખુલ્લેઆમ થતા ગુના: એક અહેવાલ પ્રમાણે, ૩૦,૦૦૦ કરતાં વધારે હિંસક ગેંગ અમેરિકામાં કાળો કેર વરસાવે છે. લૅટિન અમેરિકામાં આશરે ત્રણમાંથી એક વ્યક્તિ ગુનાનો ભોગ બને છે.ખૂન-ખરાબી: હાલના એક વર્ષમાં અંદાજે પાંચ લાખ લોકોનું ખૂન થયું છે. આ સંખ્યા યુદ્ધમાં માર્યા ગયેલા લોકો કરતાં વધારે છે.
    એના ઘણાં કારણો છે. જેમ કે, સમાજ અને પૈસેટકે અસમાનતા હોવાથી થતી ચિંતા, બીજાઓના જીવન પ્રત્યે બેદરકારી, દારૂ અને ડ્રગ્સનો દુરુપયોગ અને મોટાઓના હિંસક વલણની બાળકો પર પડતી અસર. બીજું એક કારણ એ પણ છે કે પોતાને કોઈ સજા થશે નહિ એવું માનીને ગુનેગારો બેધડક હિંસા આચરે છે આવી .હિંસાનો અંત ન લાવી શકાય તો પણ ઓછી તો કરી શકાય
    હિંસક લોકોએ જો પોતે બદલાવું હોય, તો ઘમંડ, લાલચ અને સ્વાર્થ જેવા ખરાબ ગુણો દૂર કરવા પડે. તેમ જ, તેઓએ બીજાઓ માટે પ્રેમ, આદર અને લાગણી જેવા સારા ગુણો કેળવવા પડે.પછી કાયદાનો કડક વલણ આવે.છતાં તમારું આ તારણ-‘ સદીયોથી આમ થતું આવ્યું છે, અને નજીકના ભવિષ્યમાં એનો અંત આવે એવી કોઈ સંભાવના નથી.’ચિંતજનક છે

    Liked by 1 person

  3. હીંસા અને અહીંસા શબ્દમાં મુળ હીંસા છે એટલે સ્વાભાવીક ભાષામાં અહીંસા શબ્દ પાછળથી દાખલ થયેલ છે.

    કલીંગના યુદ્ધ પછી સમ્રાટ અશોકને હીંસાની ખબર પડી. જાપાન ઉપર અણુંબોમ્બ ઝીંકાયા પછી શાંતી સંસ્થાઓની સ્થાપના સમજવી.

    જૈન સાધુઓ અહીંસાનો પ્રચાર પ્રસાર કરતા હોય છે.

    ગોવાળીયો ગાયને કેમ દોહે છે એ નીરીક્ષણ કરવું જોઈએ. પહેલાં ખીલે બાંધેલ વાછરડાને છોડી ગાયના મોઢા પાસે લાવે અને ગોવાળીઓ ગાયના પગ બાંધે છે. પછી બીચારી ગરીબ ગાયને ખબર ન પડે એમ દોહી લે છે. 

    કલ્પના કરો દુધ એ ધાવણાં બચ્ચાનું આહાર છે છતાં જૈન સાધુ ગાય પાસેથી છીનવી લીધેલ દુધ આરામથી હોંશે હોંશે આરોગે છે જયારે સરળ, સસ્તા, સહેલા ખોરાકને બદલે જૈન સાધુ દુધ આરોગે પછી અહીંસાનો પ્રચાર બોખો સમજવો.

    પ્રાણીઓ હીંસા આચરે એ સમજી શકાય.  માનવ સમજ્યા પછી હીંસા માંથી અહીંસક બન્યો છે. પ્રાણીજ આહારને બદલે વનસ્પતીનો આહાર સરળ, સહેલો અને સસ્તો છે અને એ બધા સમજે એ જરુરી છે.

    Liked by 1 person

  4. ઘણો મનનીય લેખ ! જ્યારથી ઇતિહાસની નોંધ લેવાની શરૂઆત થઇ ત્યારથી માંડીને આજ સુધીમાં ભાગ્યેજ સો વર્ષ આ પૃથ્વી પર એવાં છે કે જયારે વિશ્વમાં ક્યાંયે યુદ્ધ ચાલુ ના હોય ! એટલે કે લડાઈ , ઝગડા , હિંસા આ બધું ચાલ્યું આવે છે. હા , રોજ બરોજના જીવનમાં જે હિંસા થાય છે તેમાં માંસ મચ્છી ખાતાં લોકો કદાચ લોહી જોઈને એટલા ના ગભરાય જેટલા આપણે દાળ ભાત ખાઉં વેજીટેરીઅન ગભરાઈએ ! ક્યારેક ચાલતાં ચાલતાં લેક મિશીગનના ફિશિંગ એરિયા તરફ જઈએ અને નાના પાંચ છ વર્ષના છોકરાઓને તર્ફડતી માછલી પકડીને આનન્દ કરતાં જોઈને અરેરાટી થઇ જાય .. અને બાપ ત્યાંજ ઉત્સાહથી કહે ,” આની આખ્ખી સેન્ડવીચ તારા માટે જ , હોં..!
    નાનપણમાં ભણવામાં આવતું કે માણસ જેમ જેમ સઁસ્કૃત બનતો ગયો તેમ તેમ શિકાર છોડીને ખેતી કરતાં શીખ્યો ..

    Liked by 1 person

પ્રતિભાવ