“એક અજાણ્યા ગાંધીની આત્મકથા-૪૭” – નિવૃત્તિલેવાનો નિર્ણય


 નિવૃત્તિલેવાનો નિર્ણય

 

સિએફઓનુ મિશન એક હાથે સિદ્ધ નથી થતું.  એ માટે હું બધા જ કર્મચારીઓને જવાબદાર  ગણું છું.  એમાંય ઉચ્ચ અધિકારીઓને તો ખાસ. એટલા માટે ઉચ્ચ કક્ષાના અધિકારીઓને રજા આપવાની જવાબદારી મેં મારી પોતાની રાખી. ખાસ કરીને ટેક્સ સ્કેન્ડલ પછી ટેક્સ ડીપાર્ટમેન્ટ અને એના રીયલ એસ્ટેટ સેક્શનના બધા જ ઉચ્ચ અધિકારીઓને એક સાથે જે દિવસે સ્કેન્ડલ બહાર પડ્યું તે જ દિવસે રજા આપી. જે કેટલાકને મેં ફાયર કર્યા તેમને મેં પોતે જ હાયર કરેલા. એમની આંખ નીચે આવડું મોટું સ્કેન્ડલ થયું એનું પરિણામ એમણે ભોગવવું જ પડે.  આ બાબતમાં મેં મારી જાતને પણ બાકાત નહોતી રાખી. જેવું સ્કેન્ડલ બહાર પડ્યું કે તુરત જ મેં એની જવાબદારી સ્વીકારી લીધી, અને મેયર અને કાઉન્સિલને મારું રાજીનામું આપવાની તૈયારી બતાવી.

બીજી અગત્યની વાત એ હતી કે દરેક કર્મચારીને, ખાસ કરીને ઉચ્ચ અધિકારીઓને બરાબર ખબર હતી કે એમની જવાબદારી શું હતી, એમણે શું કરવાનું હતું, અને જો એ ન થાય તો શું પરિણામ આવે.  જો ડીસ્ટ્રીકને ઓડીટર પાસેથી “ક્લીન ઓડીટ”નું સર્ટીફીકેટ ન મળે તો કમ્પ્ટ્રોલરને રાજીનામું આપવું પડશે, તે સ્પષ્ટ હતું.  તેવી જ રીતે વોલ સ્ટ્રીટમાં અમારુ રેટિંગ ઘટ્યું તો તે બાબતમાં ટ્રેજરરે જવાબ આપવો પડશે. જો અમારું બજેટ બેલેન્સ ન થયું તો બજેટ ડાયરેકટરે એ બાબતની જવાબદારી સ્વીકારવી પડશે અને એનું પરિણામ ભોગવવું પડશે. આ બધી જવાબદારી સ્પષ્ટ હતી. હું અમારી મીટીંગોમાં વારંવાર ભાર મૂકીને એ વાત સમજાવતો.  એ મુજબ મેયર, કાઉન્સિલ મેમ્બર્સ, કોંગ્રેસ, રેટિંગ એજન્સીઓ, છાપાંઓ વગેરેને ઓવર સ્પેન્ડીંગની, ઓવર બોરોઈન્ગની, ડીસ્ટ્રીકની ઇકોનોમીની મુશ્કેલીઓની નિયમિત જાણ કરીને હું ચેતવતો.

ઑફિસમાં કે બહાર મેં ટ્રાન્સપેરન્સી રાખી હતી–  છુપાવવાની વાત જ નહીં. એ જ પ્રમાણે કોઈ સુષ્ઠુ સુષ્ઠુ “સ્યુગર કોટિંગ” પણ નહીં કરવાનું.  “Bad news first and fast,” એ ન્યાયે કોઈ પણ નાની મોટી મુશ્કેલી આવી રહી હોય તેની જાણ થવી જ જોઈએ જેથી એનો નિકાલ કરવાના પ્રયત્નો કરી શકાય. ટ્રાન્સપેરન્સીની આ પ્રેક્ટીસને કારણે મારી એક સ્પષ્ટવક્તા તરીકેની ક્રેડીબીલીટી બંધાઈ ગઈ. અને લોકોને ખાતરી હતી કે ધાર્યા મુજબ જો કંઇ ન થયું તો તે બાબતનું જે કોઈ આકરું પગલું ભરવાની વાત મેં કરી હતી તે ભરાશે જ.

મને ઘણી વાર પૂછવામાં આવે છે કે ડીસ્ટ્રીકની નાણાંકીય પરિસ્થિતિમાં જે ધરખમ ફેરફાર થયા એ કેવી રીતે થયા? એની પાછળ શું કીમિયો હતો? એ ક્યાં પ્રકારનો જાદુ હતો? હા, જન્ક બોન્ડના સ્ટેટસમાંથી AA and AAA સુધીના બોન્ડ રેટિંગ પર આટલી ઝડપથી પહોંચવું એ અમેરિકન મ્યુનીસીપલ ફાઈનાન્સ ક્ષેત્રે ખરેખર જ અસાધારણ ઘટના હતી. પણ એની પાછળ કોઈ જાદુ કે કીમિયો નહોતો. ખરું પૂછો તો એ કોમન સેન્સની વાત હતી.  જેટલી આવક હોય તેટલું જ ખર્ચવું, રેવન્યુ એસ્ટીમેશન સંભાળીને કન્જર્વેટીવ થઈને કરવું, બોરોઈન્ગ પણ સંભાળીને કરવું કે જેથી એ બાબતનું વ્યાજ નિયમિત ભરી શકાય,  ઈમરજન્સીમાં બહુ મુશ્કેલી વગર સીટી મેનેજ કરી શકાય તે માટે સારા પ્રમાણમાં રિઝર્વ રાખવું, પંચવર્ષીય બેલેન્સ્ડ બજેટ બનાવવા–વગેરે નીતિનિયમોમાં કશું નવું નથી, કે નથી કોઈ જાદુ. એ બધું તો દીવા જેવું ચોખ્ખું છે.

આ નીતિનિયમો જો જૂના અને કોમન સેન્સ જેવા સરળ અને સીધા છે, જો દીવા જેવા ચોખ્ખા છે તો પછી ડીસ્ટ્રીકનું ફંડ બેલેન્સ $500 મીલીયન જેટલી જબ્બર ખાધમાં કેમ ગયું હતું? શા માટે વોલ સ્ટ્રીટ અને બીજે બધે એની આબરૂના કાંકરા થયા હતા? પ્રશ્ન અહીં નીતિનિયમોનો નથી, એમના પાલનનો છે, એમને અમલમાં મૂકવાનો છે.  ડીસ્ટ્રીકના પોલીટિશીયનો, બધા પોલીટિશીયનોની જેમ બજેટીંગના આ સાદા અને સરળ નિયમો સમજવા છતાં, એમને અમલ મૂકવા તૈયાર નહોતા. બજેટ બેલેન્સ કરવું હોય તો ગમે તેમ ખર્ચો ન થાય તે વાત લોકોને કહેવા એ તૈયાર નહોતા.  લોકોને ગમતી હોય તે પ્રોજેક્ટ નહીં થઈ શકે એવી સ્પષ્ટ વાત કરવી અઘરી છે. એનાથીય વધુ અઘરી વાત છે જરૂર પડે ત્યારે ટેક્સ વધારવાની.  જો ખર્ચો કરવો છે પણ એને જરૂરી આવક ઊભી કરવા માટે ટેક્સ વધારવો નથી, તો પરિણામે ખાધ આવે એમાં કશું નવું નથી. આનો અર્થ એવો નથી કે જે ખર્ચ કરવાનો છે તે અયોગ્ય છે કે જરૂરી નથી, પણ જો એને પૂરતી આવક ન હોય તો એ ખર્ચ ન જ થઈ શકે એ કડવી વાત કોણ કહે?

આ વાત કહેવાથી પતતું નથી, પણ એને અમલમાં કોણ મૂકે?  ડીસ્ટ્રીકમાં આ કડવું કામ સીએફઓને માથે હતું.  તે મેં મારી સમજ મુજબ કર્યું. તે માટે સીએફઓ પાસે પોતાના મિશન માટેની સ્પષ્ટ સમજ તો હોવી જરૂરી છે જ, પણ સાથે સાથે એનો અમલ કરવાની હિંમત પણ હોવી જોઈએ. લોકોને ગમતા કોઈ પ્રોજેક્ટ માટે ખર્ચો કરવાની ના પાડો એ કડવી વાત પોલીટિશીયનોને ગમવાની નથી.  એ તો લોકોને પ્રોમિસ આપીને બેઠા છે, તેમને તો ચૂંટાવું છે. એ બધા તો તમારે માથે માછલાં ધોવાના છે, તમારો હુરિયો બોલવાના છે. હોસ્પિટલ જેવી લોકોની અત્યંત જરૂરિયાતની પ્રોજેક્ટની પૈસાના અભાવે ના પાડો તો પણ લોકો તમારો જ વાંક કાઢવાના છે. પોલીટિશીયનો તો એમ જ કહેવાના છે કે અમારે તો હોસ્પિટલ ચાલુ રાખવી છે, આ દુષ્ટ સી.એફ.ઓ. આડે આવે છે! આવા સમયે અડગ થઈને–Dr.

1997-2013 સુધીના મારા ડીસ્ટ્રીકના ટેન્યર દરમિયાન તેની આર્થિક અને નાણાંકીય  પરિસ્થિતિમાં ધરખમ ફેરફાર થયા તેમાં મેં જે કાંઈ નાનો મોટો ભાગ ભજવ્યો એ મારા પ્રોફેશનલ જીવનની મોટી ધન્યતા હતી.  ડીસ્ટ્રીકની આવી અસાધારણ નાણાંકીય  સદ્ધરતા પ્રાપ્ત કરવામાં કન્ટ્રોલ બોર્ડ, મેયર્સ, કાઉન્સિલ, વગેરેનો હિસ્સો જરૂર મોટો. ટેક્સ કમિશ્નર (1997-2000) અને પછી સીએફઓ (2000-2014) તરીકે મેં પણ અગત્યનો ભાગ ભજવ્યો. પરંતુ એ હોદ્દાઓમાં મને મારા વફાદાર, કુશળ અને શક્તિશાળી સ્ટાફની ખૂબ મદદ મળી.  હું તો ત્યાં સુધી કહીશ કે એ સ્ટાફ વગર મેં જે કાંઈ કર્યું તે ન જ કરી શક્યો હોત.

છતાં સીએફઓ ઑફિસના હેડ તરીકે હોળીના નાળિયેરનું જેમ થાય છે તેમ જ્યારે જ્યારે ડીસ્ટ્રીકના ફાઈનાન્સની વાત થતી, ત્યારે મારું નામ આગળ ધરાતું.  કોઈનું રીયલ પ્રોપર્ટી અસેસમેન્ટ બરાબર ન થયું, કોઈને ટેક્સ રીફંડ ટાઈમસર ન મળ્યું, કોઈનો પે રોલ ચેક ગુમ થઈ ગયો એવા સામાન્ય પ્રશ્નોથી માંડીને ડીસ્ટ્રીકના ફંડ બેલેન્સની સિલક વધી કે ઘટી, સરપ્લસ થયું કે નહીં, સ્ટેડિયમ બંધાશે કે નહીં, હોસ્પિટલ બંધ થશે કે ચાલુ રહેશે એવા મોટા પ્રશ્નો સુધી આંગળી સીએફઓ તરફ જ ચીંધાતી.  સીએફઓ ના હાથમાં જો ડીસ્ટ્રીકના ફાઈનાન્સની બાબતમાં અસાધારણ સત્તા હોય, તો તેને માથે એને અનુરૂપ જવાબદારી હોય એમાં નવાઈ શી?  એટલે જ કદાચ વોશીન્ગ્ટનોનિયન મેગેજીને મને “Dr. No” તરીકે નવાજ્યો.

1995માં ડીસ્ટ્રીકના ફંડ બેલેન્સમાં $530 મીલીયનની જો ખાધ હતી તે 2013માં તે સિલક થઈ અને  $1.7 બિલીયન સુધી પહોંચી!  જે લોકોએ 1990ના દાયકામાં ડીસ્ટ્રીકની વણસેલી નાણાંકીય પરિસ્થિતિના અત્યંત કઠિન દિવસો જોયા છે, તેમને માટે જાણે કે આ સોનાનો સૂરજ ઊગ્યો હતો. કોંગ્રેસમાં આ જબ્બરદસ્ત ફેરફારની ખાસ નોંધ લેવાઈ.  સેનેટ અપ્રોપ્રિએશન સબકમિટીના ચેરમેન મેરી લેન્ડરોએ ડીસ્ટ્રીકના બજેટ હિયરીંગમાં કહ્યું પણ ખરું: “I would also like to recognize the extraordinary work of the Chief Financial Officer Natwar Gandhi for his efforts to ensure that the City has accurate information about the status of its finances, so that we can examine the budget with the confidence, and for creating a true picture of the City’s fiscal health…Natwar Gandhi and his team have fixed a broken revenue system and are doing a terrific job advising the Mayor and the Council on the City’s overall fiscal health.”

ડીસ્ટ્રીકની અસાધારણ નાણાંકીય સદ્ધરતા અને એ બાબતમાં પ્રવૃત્તિઓને કારણે મને એકે પછી એક એમ એવોર્ડ અને માનસમ્માન મળવાના શરુ થયાં. વોશીન્ગ્ટન સીટી પેપરે મને “મિરેકલ વર્કર” (Miracle Worker) કહ્યો.  વોશીન્ગ્ટનોનિયન મેગેઝીને મને 2007માં “વોશીન્ગ્ટનોનિયન ઓફ ધ ઈયર,” અને 2008માં “મોસ્ટ પાવરફુલ પીપલ”માં મારી ગણતરી કરી.  જાન્યુઆરી 18, 2007માં મને કેફ્રીટ્ઝ ફાઉન્ડેશન તરફથી મેરીટોરીયસ લીડરશીપ એવોર્ડ અને એસોશિએશન ઑફ ગવર્નમેન્ટ અકાઉન્ટનટ્સનો એવોર્ડ મળ્યો  (“strong leadership and dedication to bring the district’s government finances out of an extreme financial crisis”).  એ જ અરસામાં અમેરિકાની નેશનાલાઈજ થયેલી પેસેન્જર રેલવે Amtrak તરફથી એનો સીએફઓ થવાનું વધારે પગાર સાથે આમંત્રણ આવ્યું. પણ મેયર અને કાઉન્સિલ મને એમ ડીસ્ટ્રીક છોડવા દેવા માંગતા ન હતા. તેમણે Amtrakની ઓફર કરતા વધુ પગાર આપી ડીસ્ટ્રીકમાં જ રહેવાનો આગ્રહ કર્યો.

2013ના ફેબ્રુઆરીમાં મેયરને મેં કહ્યું કે હું હવે નિવૃત્ત થવા માંગું છું.  મેયર ગ્રે આ વાત માની જ ન શક્યા. એ કહે કે હજી મારા કોન્ટ્રેક્ટને પૂરા થવાને બીજાં ચાર વરસ બાકી છે. ગયા વરસે કેટલા બધા ઉત્સાહથી મારી નિમણૂક થઇ હતી!  કાઉન્સિલમાં બીજા પાંચ વરસનું મારું નોમીનેશન કન્ફર્મેશન માટે આવ્યું ત્યારે પ્રેસ, લેબર યુનિયન, બિજનેસ કમ્યુનીટી, વોલ સ્ટ્રીટ, કોંગ્રેસ બધેથી એને વધાવી લેવામાં આવ્યું.c  કાઉન્સિલ માં પણ એક કાઉન્સિલ મેમ્બર જે મારી સાથે છેલ્લા તેર વરસથી વેર લઈને બેઠો છે તે સિવાય બીજા બારે બાર મેમ્બર્સનો મને ટેકો હતો.  આમ 12-1 ના મતથી નોમીનેશન કંફર્મ પણ થયું. મારી સાથે કામ કરતાં  લોકોને રાહત થઈ કે સીએફઓની ઑફિસ અને એમનો જોબ બીજા પાંચ વરસ સહીસલામત છે.

આ જ સમયે મેયર ગ્રેની ઈલેકશન કેમ્પેનમાં ગેર કાયદેસર $650,000નો ખર્ચ થયો છે એવો ગંભીર આક્ષેપ મુકાયો. એ બાબતમાં યુ.એસ.અટર્નીએ ઇન્વેસ્ટીગેશન શરૂ કર્યું હતું. કાઉન્સિલમાં હિયરીંગ શરૂ થયા. છાપાંઓમાં હો, હા થઈ ગઈ.  પ્રેસવાળા અને કેટલાક કાઉન્સિલ મેમ્બર્સ મેયરનું રાજીનામું માગવા માંડ્યા. એટલું ઓછું હતું તે કેટલાક કાઉન્સિલ મેમ્બર્સ સામે પણ લાંચ રુશ્વત અને ગેરકાયદેસરના વર્તનના આક્ષેપ મુકાયા. આ કારણે કાઉન્સિલ ચેરમેને રાજીનામું આપવું પડ્યું, અને જેલમાં જવાને બદલે એને ઘરે  બેસી રહેવાની સજા (house arrest) થઈ.  બીજા બે કાઉન્સિલ મેમ્બર્સને તો જેલમાં જવું પડ્યું. આમ ડીસ્ટ્રીકનું રાજકારણ ડહોળાઈ ગયું. એવા સમયે હું બીજા પાંચ વર્ષ રહેવાનો છું એ વાતથી વોલ સ્ટ્રીટ, બિજનેસ કમ્યુનીટી અને કોંગ્રેસમાં ધરપત થઈ હતી. મેયર કે કાઉન્સિલનું જે થવાનું હોય તે થાય, પણ જ્યાં સુધી ડીસ્ટ્રીકમાં વિશ્વાસપાત્ર સીએફઓ છે, ત્યાં સુધી એની નાણાંકીય સદ્ધરતા માટે ચિંતા કરવાની જરૂર નથી.

મારી જો ડીસ્ટ્રીકમાં આટલી બધી ક્રેડીબીલીતી હોય તો પછી હું શા માટે નિવૃત્ત થતો હતો? બે કારણ હતાં. વરસો પહેલાં દેશમાં, હું જો ભૂલતો ન હોઉં તો, વિખ્યાત ક્રિકેટર વિજય મર્ચન્ટે ક્યારે રીટાયર થવું એ માટે કહ્યું હતું: “One should retire when people would ask, “why?,” rather than “why not?” એ વાત મારા મનમાં રહી ગયેલી. 1997માં હું જયારે ડીસ્ટ્રીકમાં જોડાયો ત્યારે એની આર્થિક અને નાણાકીય પરિસ્થિતિ વણસેલી હતી, તે અવદશા હવે ન હતી.  2013માં ડીસ્ટ્રીક અસાધારણ નાણાંકીય સદ્ધરતા ધરાવતું હતું.  આ સદ્ધરતા પ્રાપ્ત કરવામાં મેં અગત્યનો ફાળો આપ્યો હતો. મને થયું કે મારું કામ પૂરું થયું.

1957થી માંડીને ઠેઠ આજ સુધીના લગભગ 60 વરસ હું સતત કંઈક ને કંઈક પાર્ટ ટાઈમ કે ફૂલ ટાઇમ કામ કરતો જ રહ્યો છું. અમેરિકામાં નિવૃત્તિ ઉંમર 65ની ગણાય. મેં જ્યારે  નિવૃત્તિની વાત કરી ત્યારે મને 73 વર્ષ થયા હતાં. મને મનગમતી વાંચન, લેખન, અને સાહિત્યની પ્રવૃત્તિ હું મુખ્યત્વે વિકેન્ડમાં જ કરી શકતો.  હવે તે મારે ફૂલ ટાઈમ કરવી હતી.  વધુમાં ડીસ્ટ્રીકના સીએફઓ તરીકે મેં તેર વર્ષ કામ કર્યું. અમેરિકાના કોઈ મોટા શહેરના સીએફઓ તરીકે ભાગ્યે જ કોઈ આટલો લાંબો સમય ટક્યું હોય. વોશીન્ગ્ટનમાં આવા સ્ટ્રેસવાળા જોબમાં લોકો બહુ બહુ તો બે ત્રણ વરસ ટકે, જ્યારે હું તેર વરસ ટક્યો એનું મને જ આશ્ચર્ય હતું.

પણ નિવૃત્તિ લેવાનું મુખ્ય કારણ હતું: પન્ના નાયક!  નલિનીના દુઃખદ મૃત્યુને હવે પાંચ વરસ થવા આવ્યાં હતાં. પન્નાના પતિ નિકુલને મર્યે સાતેક વરસ થયાં હતાં. પન્ના ગુજરાતી સાહિત્યની એક પ્રતિષ્ઠિત કવિયત્રી. એનું ઘર એ ફિલાડેલ્ફીયાનું સંસ્કૃતિધામ હતું. રવિશંકરથી માંડીને અનેક કલાકારો, સાહિત્યકારો, દેશના અગ્રણીઓ એના ઘરે આવતા.  1979માં પન્ના અને નિકુલ ગુજરાતી કવિ સુરેશ દલાલને લઈને વોશીન્ગ્ટન આવેલા. અમે વોશીન્ગ્ટનના કેટલાક સાહિત્યરસિક મિત્રોએ એમના કાવ્યવાચનનો કાર્યક્રમ રાખેલો. એ અમારો પહેલો પરિચય. પછી તો સુરેશ દલાલના સૂચનને અનુસરી ઇસ્ટ કોસ્ટ પર વસતા કેટલાક મિત્રોએ ગુજરાતી લિટરરી અકાદમીની સ્થાપના કરી. એમાં પન્ના મુખ્ય. એ એની એક વાર પ્રમુખ પણ થઈ હતી.  હું પણ જોડાયો હતો. અકાદમીની મીટીંગો અને કાર્યક્રમોને કારણે હું અને નલિની ઘણી વાર ફિલાડેલ્ફીયા જતા. આમ અમારી કૌટુંબિક મૈત્રી બંધાઈ તે લાંબો સમય ચાલી.

અમે બન્નેએ લાંબું લગ્નજીવન ભોગવેલું: પન્નાનું નિકુલ સાથે 50 વરસનું અને મારું નલિની સાથે 47 વરસનું.  આવા સુદીર્ઘ સહવાસ પછી જીવનસાથીના નિધને અમને એકલવાયા કરી મૂક્યા. અમને બન્નેને એ એકલતા વસમી લાગી.  2013માં અમે અમારું બાકીનું જીવન સાથે ગાળવાનું નક્કી કર્યું.  દેશમાં આ વાત છાપે ચડી. એક બાજુથી એવો પ્રતિભાવ આવ્યો કે જતી જિંદગીએ આ તમે શું આદર્યું?  મોટી ઉમ્મરે આ તમને શું સૂઝ્યું? તમે તો હવે દાદા થયા છો. સંતાનોને ઘેર સંતાનો થયાં છે. તમારાથી આવું થાય?

બીજી બાજુએ એમ કહેવાયું કે તમે તો આ નવી કેડી શરૂ કરો છો. આપણે ત્યાં વિધુર અને ખાસ કરીને વિધવાઓથી પુનર્લગ્નનો વિચાર જ ન થાય, ત્યાં તમે નવો દાખલો બેસાડો છે અને તે પણ આ ઉંમરે તે બીજા લોકોને માર્ગદર્શક બની રહેશે. આટલું ઓછું હતું તો અમારી ઉમ્મર વચ્ચે જે તફાવત હતો તે પણ ચર્ચાનો એક વિષય બની ગયો.  એ સમયે પન્નાની ઉમ્મર 80ની અને મારી 73ની. આપણે ત્યાં સંબધોમાં કાં તો સ્ત્રી પુરુષ સમવયસ્ક હોય, અથવા પુરુષ ઉમ્મરમાં મોટો હોય. અમારી બાબતમાં ઊંધું થયું. મને આ બધા વિષે દેશમાં જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે મારો જવાબ સ્પષ્ટ હતો: “લોકોને જે માનવું હોય તે માને, અને કહેવું હોય તે કહે, I don’t give a damn!”

મેં મેયરને કીધું કે હવે મારાં જે કોઈ થોડાં વરસો બાકી રહ્યાં છે તે પન્ના સાથે ગાળવાં છે. અમારે સાહિત્યનું સહિયારું કામ કરવું છે, દુનિયા ભમવી છે.  આ સીએફઓનો જોબ તો 24/7નો દિવસરાતનો છે. એ મારી કલ્પનાના નવજીવનને અનુરૂપ નથી.  એટલે મારો રીટાયર થવાનો નિર્ણય અફર છે. પરંતુ એકાએક જ આવતી કાલે કે આવતે અઠવાડિયે હું હાથ ખંખેરીને ઊભો નથી થઈ જવાનો. નવા સીએફઓ સાથે વ્યવસ્થિત ટ્રાન્સીશન  કરીને જઈશ. મેયર મારા નિર્ણયની અફરતા સમજ્યા. એમણે મારી નવા સીએફઓ સાથે ટ્રાન્સીશન થયા પછી જવાની વાતને બિરદાવી.

રાજીનામાની ખબર છાપાંઓમાં પડે એ પહેલા મેં સીટી હોલમાં, કોંગ્રેસમાં, અને શહેરમાં

કેટલાક શુભેચ્છક મિત્ર સલાહકારોને જાણ કરી.  બધાંને આશ્ચર્ય થયું પણ મારું કારણ સમજી શક્યા. છાપાં અને ટીવીમાં રાજીનામાના સમાચાર અગત્યના ન્યૂઝ તરીકે ચમક્યા. વોશીન્ગ્ટન પોસ્ટમાં તો પહેલે પાને ‘અબોવ ધ ફોલ્ડ’ ફોટા સાથે સમાચાર આવ્યા. સાથે સાથે એડીટોરીયલ પણ આવ્યો.  ડીસ્ટ્રીકને નાણાંકીય રીતે સદ્ધર કરવામાં મેં જે અગત્યનો ભાગ ભજવ્યો હતો તે એડીટોરીયલે બિરદાવ્યો.

મેયરને નવો સીએફઓ શોધતા અને એને કાઉન્સીલમાં કન્ફર્મ કરતાં ધાર્યા કરતાં બહુ લાંબો સમય થયો.  મારી અપેક્ષા હતી કે બહુ બહુ તો ત્રણેક મહિના થશે. એને બદલે નવ મહિના થયા.  2013ના જૂનને બદલે 2014ના જાન્યુઆરીમાં હું ડીસ્ટ્રીક છોડી શક્યો.

2 thoughts on ““એક અજાણ્યા ગાંધીની આત્મકથા-૪૭” – નિવૃત્તિલેવાનો નિર્ણય

  1. આવા ‘મહામાનવ’ ની જરૂરત આજે ભારતમાં છે. પણ આપણે ત્યાં તો આવા માણસને ગોળીએ જ દેવાય ! મારે ય , આ વાંચીને, ગવર્નમેન્ટ ઓડીટર તરીકેના મારા છવ્વીસ વર્ષના અનુભવોની વાત લખવાનું મન થાય છે. મોદી સાહેબને માથે જે માછલા ધોવાય છે એ જોઇને મને ઘણીવખત થાય છે કે આપણો દેશ સ્વાતંત્ર્યને લાયક ક્યારેય નહોતો.
    પન્નાબેન સાથે સહજીવન ગાળવા માટેનો નિર્ણય યોગ્ય જ છે.
    આપના બ્લોગ પર , નટવરભાઇ અંગેની કોલમ મને શ્રેષ્ઠ લાગી છે. હું તો એમનો ભક્ત બની ગયો છું. કાશ ! હું જીવનમાં એકવાર તેમના દર્શન કરી શકું !
    નવીન બેન્કર (૨૨ ઓક્ટોબર ૨૦૧૮ )

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s