મધ્યકાલીન સમયના ભક્ત કવિઓ-૯-દયારામ (૧૭૭૭–૧૮૫૩) (પી. કે. દાવડા)


દયારામ (૧૭૭૭–૧૮૫૩)

 

 

પ્રભુદયારામ રામ ભટ્ટ્ની અનેક ગરબીઓ, રાસ, આખ્યાન વગેરે ગુજરાતી ભક્તિ સાહિત્યની ધરોહર છે. ભક્તિરસ અને શૃંગારરસ તેમની રચનાઓની મુખ્ય વિશેષતાઓ છે. કૃષ્ણપ્રેમની અનન્ય રચનાઓ માટે મધ્યકાલીન કવિઓમાં તેઓ અનન્ય સ્થાન ધરાવે છે. ભાષાની સંસ્કારિતા, સંગીતમાં ઢાળી શકાય એવી રચનાઓ, ઊર્મીઓની સચોટતા, પ્રણયનો તલસાટ વગેરે બાબતોમાં એ આગળ પડતા રચનાકાર હતા. એમની ગરબીઓના કાર્યક્રમો રાતભર ચાલતા.

સૌ પ્રથમ આપણે એમની વધારે જાણીતી રચના જોઈએ.

શ્યામ   રંગ  સમીપે   ન  જાવું

મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું

જેમાં કાળાશ તે તો સૌ એકસરખું

સર્વમાં    કપટ    હશે     આવું

કસ્તૂરી  કેરી  બિંદી તો  કરું નહીં

કાજળ    ના   આંખમાં   અંજાવું

મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું

કોકિલાનો શબ્દ હું સૂણું નહીં કાને

કાગવાણી   શકુનમાં   ન   લાવું

નીલાંબર  કાળી  કંચૂકી ન પહેરું

જમનાનાં    નીરમાં   ન   ન્હાવું

મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું

મરકતમણિ  ને  મેઘ  દૃષ્ટે  ના જોવા

જાંબુ     વંત્યાક      ના       ખાવું

દયાના પ્રીતમ સાથે  મુખે નીમ લીધો

મન કહે  જે   પલક   ના   નિભાવું

મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું

અહીં કૃષ્ણ સાથે રીસાઈ જઈને કહે છે કે હે કાળા કૃષ્ણ તું કપટી છો, બધી કાળી વસ્તુઓમાં તારા જેવું જ કપટ હશે, એટલે હું આજથી બધી કાળી વસ્તુઓનો ત્યાગ કરૂં છું. અને પછી એક્પછી એક કાળી વસ્તુઓનું લીસ્ટ બનાવીને કહે છે કે આ બધી વસ્તુઓથી હું દૂર રહીશ. રચનામાં રહેલો માધુર્ય તરત કળી શકાય એમ છે.

બીજા એક પદમાં તેઓ પ્રેમની પરીભાષા સમજાવે છે.

જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે.

સિંહણ કેરું દૂધ હોય તે સિંહણસુતને જરે,
કનકપાત્ર પાખે સહુ ધાતુ ફોડીને નીસરે. – જે કોઈo

સક્કરખોરનું સાકર જીવન, ખરના પ્રાણ જ હરે,
ક્ષારસિંધુનું માછલડું જેમ મીઠા જળમાં મરે. – જે કોઈo

સોમવેલી રસપાન શુદ્ધ જે બ્રાહ્મણ હોય તે કરે;
વગળવંશીને વમન કરાવે, વેદવાણી ઊચરે. – જે કોઈo

ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થ ના સરે,
મત્સ્યભોગી બગલો મુક્તાફળ દેખી ચંચુ ના ભરે. – જે કોઈo

એમ કોટિ સાધને, પ્રેમ વિના પુરુષોત્તમ પૂંઠ ના ફરે,
દયાપ્રીતમ શ્રીગોવર્ધનધર, પ્રેમભક્તિએ વરે. – જે કોઈo

એક પછી એક એમ અનેક ઉદાહરણ આપી ઉત્કટ પ્રેમ અને ભક્તિ કોને કહેવાય એ સમજાવે છે. આવી રચનાઓ આવા મહાકવિઓ જ કરી શકે.

અને છેલ્લે નરસિંહ મહેતાના “આપણો ચિંતવ્યો અર્થ કોઈ નવ સરે, તે તણો ખરખરો ફોક કરવો” નો જ ભાવવાળી રચના

ચિત્ત તું શીદને ચિંતા ધરે ?
કૃષ્ણને કરવું હોય તે કરે !

સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે;
સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે
કૃષ્ણને કરવું હોય તે કરે !

નવ માસ પ્રાણી શ્રીકૃષ્ણનું, ધ્યાન ગર્ભમાં ધરે;
માયાનું આવરણ કર્યું ત્યારે, લખ ચોરાશી ફરે
કૃષ્ણને કરવું હોય તે કરે !

તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે ?
ધણીનો ધાર્યો મનસૂબો, હર બ્રહ્માથી નવ ફરે
કૃષ્ણને કરવું હોય તે કરે !

દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે;
જેવો જંત્ર બજાવે જંત્રી તેવો સ્વર નીસરે
કૃષ્ણને કરવું હોય તે કરે !

થનાર વસ્તુ થયા કરે, જ્યમ શ્રીફળ પાણી ભરે;
જનાર વસ્તુ એણી પેરે જાશે, જ્યમ ગજ કોળું ગળે
કૃષ્ણને કરવું હોય તે કરે !

જેનું જેટલું જે જ્યમ કાળે, તે તેને કર ઠરે;
એમાં ફેર પડે નહીં કોઈથી, શીદ કુંટાઈ તું મરે
કૃષ્ણને કરવું હોય તે કરે !

તારું ધાર્યું થાતું હોય તો, સુખ સંચે દુઃખ હરે;
આપ તણું અજ્ઞાનપણુ એ, મૂળ વિચારે ખરે
કૃષ્ણને કરવું હોય તે કરે !

થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે;
રાખ ભરોસો રાધાવરનો, દયા શીદને ડરે ?
કૃષ્ણને કરવું હોય તે કરે !

2 thoughts on “મધ્યકાલીન સમયના ભક્ત કવિઓ-૯-દયારામ (૧૭૭૭–૧૮૫૩) (પી. કે. દાવડા)

  1. ‘ભાષાની સંસ્કારિતા, સંગીતમાં ઢાળી શકાય એવી રચનાઓ, ઊર્મીઓની સચોટતા, પ્રણયનો તલસાટ વગેરે બાબતોમાં એ આગળ પડતા રચનાકાર હતા. એમની ગરબીઓના કાર્યક્રમો રાતભર ચાલતા.’ અનુભવેલી વાત
    ચિત્ત તું શીદને ચિંતા ધરે ?
    કૃષ્ણને કરવું હોય તે કરે !…અમે પોતાને અને અન્યોને આશ્વાસન આપવા આ કહેતા

    Liked by 1 person

પ્રતિભાવ