ભાષાને શું વળગે ભૂર:૨ (બાબુ સુથાર)


આપણે મીઠું વાપરીએ છીએ. આપણે ભાષા પણ વાપરીએ છીએ. આપણે મીઠા વિશે વધારે જાણીએ છીએ. પણ ભાષા વિશે ઓછું.  આ લેખમાળાનો એક આશય તમને ભાષા વિશે વિચારતા કરવાનો છે. હું કોઈને ભાષાશાસ્ત્રી બનાવવા નથી માગતો. કેમ કે જેટલા છે એમનો પણ સમાજ ઉપયોગ નથી કરતો તો પછી વધારે ઊભા કરવાનું પાપ શા માટે કરવાનું?

       તો પધારો આ ભાષાબાઈની જાનમાં.

***

સૌ પહેલાં તમારે એક વાતનો સ્વીકાર કરવાનો છે કે ભાષા વાક્યોની બનેલી હોય છે. આ વિષે કોઈ પ્રશ્ન નહીં પૂછવાનો. કેમ નહીં પૂછવાનો એમ પણ નહીં પૂછવાનું. જેમ ગણિતમાં, જેમ વિજ્ઞાનમાં, એમ ભાષાશાસ્ત્રમાં પણ કેટલીક પૂર્વધારણો હોય છે. જો કે, છેલ્લે તમે પણ એમ જ કહેશો કે હા, વાત સાચી: ભાષા વાક્યોની બનેલી હોય છે. પણ એક વાત યાદ રાખો. હું અહીં કુદરતી ભાષાની વાત કરું છું. એમ તો કૉમ્પ્યુટરની ભાષાઓ પણ હોય છે. જેમ કે, જાવા. એ ભાષા પણ વાક્યોની બનેલી હોય છે પણ આપણે એમના વિશે વાત નથી કરવી.

હવે તમને બીજો પ્રશ્ન થશે: તો શબ્દો શાના બનેલા હોય છે? એટલું જ નહીં, તમને એવો પ્રશ્ન પણ થશે કે શબ્દો કઈ રીતે વાક્યોમાં ગોઠવાતા હોય છે? એના કોઈ નિયમો હોય છે ખરા? અને હોય છે તો કેવા?

       આ બન્ને પ્રશ્નો ખૂબ જ શાસ્ત્રીય છે. એટલા બધા કે આ બન્ને પર થયેલી ચર્ચાઓનાં લખાણો ભેગાં કરીએ તો કદાચ એક નાનકડું પુસ્તકાલય બની જાય. એટલે આપણે એની શાસ્ત્રીય ચર્ચામાં નહીં પડીએ. આપણે બને એટલી ઓછી પરિભાષા વાપરીને આ પ્રશ્નોના જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું.

       ચાલો તો પહેલો પ્રશ્ન પહેલાં લઈએ:

પ્રશ્ન છે: શબ્દો શાના બનેલા હોય છે?

દરેક શબ્દનાં બે ઘટકો: એક તે આકાર અને બીજું તે અર્થ. તમે ‘અર્થ’ શબ્દ જાણો છો. ‘આકાર’ શબ્દ પણ તમે જાણો છો. આ બન્ને પારિભાષિક શબ્દો સમજવા માટે નીચે આપેલી આકૃતિ: ૧ સમજો:

અહીં ‘BOY’ અર્થ બતાવે છે અને ‘છોકરો’ આકાર. મેં અહીં અંગ્રેજીમાં અર્થ બતાવ્યો છે. એ એક સગવડ ખાતર. મોટા ભાગના ભાષાશાસ્ત્રીઓ અર્થને આ રીતે મૂકતા હોય છે જેથી બીજા ભાષાશાસ્ત્રીઓ એમની વાતને સમજી શકે. જો કે, ગુજરાતી સિવાયના ભાષાશાસ્ત્રીઓ ‘છોકરો’ નહીં સમજી શકે. ભાષાશાસ્ત્રીઓએ જે તે ભાષાના ઉચ્ચારો બરાબર પ્રગટ કરવા માટે તથા જગતભરના ભાષાશાસ્ત્રીઓ ભાતભાતની ભાષાઓનાં ઉદાહરણો સમજી શકે એ માટે એક અલગ કક્કો વિકસાવ્યો છે. એને એ લોકો International Phonetic Alphabet, ટૂંકમાં, IPA તરીકે ઓળખાવે છે. ભાષાશાસ્ત્રના તમામ અભ્યાસીઓને આ ‘કક્કો’ બરાબર આવડવો જોઈએ. આપણે જો આકૃતિ:૧ ને IPAમાં મૂકીએ તો એ આ રીતે મૂકી શકાશે: (આકૃતિ: ૨)

હવે જગતનો કોઈ પણ ભાષાશાસ્ત્રી આ ઉદાહરણને સમજી શકશે. પણ, તમે અહીં એક વાત નોંધી હશે. મેં અહીં ‘[cʰokro]’ [ ]માં મૂક્યો છે. એ બતાવે છે કે એનો ઉચ્ચાર આ રીતે થાય છે. પણ જો મારે ગુજરાતીમાં [cʰokro] કઈ રીતે લખાય છે એ બતાવવું હોય તો? તો એ માટે પણ સગવડ છે. મારે એ માટે [cʰokro]ને આ રીતે લખવાનો: <cʰo.kə.ro>.

       હવે હું શું વાત કરી રહ્યો છું એ તમે સમજી ગયા હશો: હું એમ કહી રહ્યો છું કે કોઈ પણ શબ્દ હોય, એનો આકાર હોય અને એનો અર્થ હોય અને આકાર કાં તો વાણી સ્વરૂપે હોય, કાં તો લેખન સ્વરૂપે હોય. આ વાત બરાબર યાદ રહી જાય એ માટે આપણે ‘છોકરો’ શબ્દ આકૃતિ: ૩ માં બતાવ્યું છે એમ મૂકી શકીએ.

       જો કે, હજી પણ વાત પૂરી થતી નથી. તમને હજી પણ એક પ્રશ્ન થશે: તો પછી અર્થ અને આાકર વચ્ચેનો સંબંધ કયા પ્રકારનો?

ભાષાશાસ્ત્રીઓના કહેવા પ્રમાણે એ સંબંધ ‘યાદૃચ્છિક’. એટલે કે કુદરતી કે તાર્કીક નહીં એવો. એ સંબંધ ઈશ્વરે કે પ્રકૃતિએ નક્કી કરેલો નથી હોતો. એ જ રીતે, એ સંબંધ કાર્ય-કારણથી પણ સમજાવી ન શકાય. જો કે, દરેક ભાષામાં ‘કા કા’ (કાગડાનો અવાજ) જેવા કેટલાક શબ્દો છે જેમાં અર્થ અને આકાર લગભગ એક સરખા લાગે. પણ, એવા શબ્દો બહુ ઓછા.

મને લાગે છે કે અર્થ અને આકાર વચ્ચેનો સબંધ યાદૃચ્છિક નથી એનો આપણને એક મોટો ફાયદાો થઈ ગયો છે. આપણે જૂઠું બોલી શકીએ છીએ. જો અર્થ અને આકારની વચ્ચે કુદરતી કે તાર્કીક સંબંદ હોત તો આપણે જૂઠું ન બોલી શકત. આપણે કવિતા પણ ન લખી શકત. તો સમગ્ર જગતમાં કેવળ એક જ ભાષા હોત. એટલું જ નહીં, સમગ્ર જગત કેવળ હકીકતોનું બનેલું હોત. એવું જગત કેટલું કંટાળાજનક હોત? કલ્પના કરો.

       હવે કદાચ તમને બીજો એક પ્રશ્ન પણ થશે: શબ્દનો આકાર વાણી સ્વરૂપે પણ હોય અને લેખન સ્વરૂપે પણ હોય તો એ બેની વચ્ચેનો સંબંધ કયા પ્રકારનો?

મોટા ભાગના લોકો એવું માને છે કે આપણે જે બોલીએ છીએ એ જ આપણે લેખનમાં મૂકીએ છીએ. એટલે જ તો ઘણા લોકો કહે છે કે આપણે બોલવામાં હ્રસ્વ-દીર્ઘ વચ્ચે ભેદ પાડતા નથી તો એ ભેદ લેખનમાં શા માટે પાડવાનો? વાત સાચી છે. પણ, માનો કે લેખન વાણીને મૂકવાનું સાધન કે માધ્યમ ન હોય તો? તમે કહેશો: અરે હોય એવું? બાળક પણ બોલતાં બોલતાં લખતું હોય છે. ખાસ કરીને જ્યારે એ ભાષા શીખતું હોય છે ત્યારે. પણ, તમને વૈજ્ઞાનિક કોપરનિકસ તો યાદ હશે. એણે કહેલું કે પૃથ્વી નહીં, સૂર્ય આ વિશ્વના કેન્દ્રમાં છે. ત્યારે પણ લોકોએ એને એમ જ કહ્યું હશે કે અરે હોય યાર. અમે રોજ સવારે સૂરજ ઊગતાં ને આથમતાં જોઈએ છીએ એનું શું?

ભાષાશાસ્ત્રમાં પણ એવી ઘટના બની છે. એમાં પણ કોપરનિકસે કરેલી એવી એક ક્રાન્તિ થઈ છે અને કમનસીબે એ ક્રાન્તિ હજી ગુજરાતી ભાષાશાસ્ત્રીઓ સુધી પહોંચી નથી. ભાષાશાસ્ત્રીઓ કહે છે કે લેખન એક સ્વતંત્ર વ્યવસ્થા છે. એના વડે આપણે વાણીને અક્ષરમાં નથી મૂકતા. ભાષા મૂકીએ છીએ. આ મુદ્દો સમજવા માટે નીચે આપેલીઆકૃતિ: ૪ સમજો:

આ આકૃતિ કહે કે ‘BOY’ અર્થ ગુજરાતી ભાષામાં વાણી અને લેખન એમ બે અલગ અલગ વ્યવસ્થાઓ વડે વ્યક્ત થતો હોય છે અને લેખન એ વાણીનું નિરૂપણ નથી પણ ભાષાનું નિરૂપણ છે. જેમ વાણી એ ભાષાનું નિરૂપણ ચે એમ જ. એટલું જ નહીં, આ આકૃતિ એમ પણ કહે છે કે વાણી અને લેખન બન્ને કેટલાક નિયમો વડે એકબીજા સાથે જોડાયેલાં છે. લેખન વાણી પર જીવતી પરોપજીવી વ્યવસ્થા નથી.

       હવે તમને થશે કે તો પછી ‘છોકરો’માં આવતો ‘ક’ આખો ‘ક’ કેમ નથી બોલાતો અને ‘કમળ’માં આવતો ‘ક’ આખો ‘ક’ બોલાય છે? મુદ્દો સાચો છે. પણ, એનો ય જવાબ છે.

ગુજરાતી ભાષાના મોટા ભાગના ભાષાશાસ્ત્રીઓ ‘છોકરો’માંના <ક>ને ‘ખોડો’ વ્યંજન કહે છે પણ એ સાચું નથી. જો એ ખોડો હોત તો આપણે ‘છોક્રો’ લખત. પણ, આપણે એમ નથી લખતા. ભાષાશાસ્ત્રીઓ આ પ્રકારના ધ્વનિને unreleased ધ્વનિ તરીકે ઓળખાવે છે અને IPAમાં એ દર્શાવવા માટે અલગ પ્રતીક પણ છે. અહીં ‘ક’ના ઉચ્ચારણ પછી જીભ હવાને release કરીને બીજા ઉચ્ચારણ તરફ નથી જતી. એટલે એને unreleased કહેવાય. એનો અર્થ એ થયો કે ગુજરાતી ભાષામાં <ક> released અને unreleased એમ બે રીતે લખાય છે. જ્યારે એ released હોય ત્યારે એની તદ્દન પાસે સ્વર હોય. એટલે કે <ક> ‘ka’ હોય અને unreleased હોય ત્યારે <ક> k̚  હોય. અહીં‘k’ની ઉપર મૂકવામાં આવેલું ચિહ્ન બતાવે છે કે એ unreleased છે.

       હવે તમે ‘સત્ય’ શબ્દમાં આવતા ‘ત્’ વિશે વિચારો. એ ખોડો છે કે unreleased? તમને એ બેની વચ્ચેનો ભેદ સમજાશે.

       ***

       આ લેખમાં તમે આટલું શીખ્યા: ભાષા વાક્યોની બનેલી હોય છે. વાક્યો શબ્દોનાં બનેલાં હોય છે. શબ્દોનાં બે ઘટક તત્ત્વો. એક તે આકાર અને બીજો અર્થ, આકાર અને અર્થ વચ્ચેનો સંબધ યાદૃચ્છિક હોય છે. એટલું જ નહીં, શબ્દનો આકાર બે સ્વરૂપે પ્રગટ થતો હોય છે. એક વાણી સ્વરૂપે અને બીજો લેખન સ્વરૂપે. અને લેખન વાણી પર પરોપજીવી નથી. વાણી અને લેખન બન્ને એકબીજાથી સ્વતંત્ર એવી વ્યવસ્થાઓ છે અને એ બન્ને વ્યવસ્થાઓને જોડવાના કેટલાક નિયમો હોય છે.

       હવે પછીના લેખમાં શબ્દ વિશે થોડીક વધુ વાતો.

       એ દરમિયાન તમે વિચારો કે આ લેખમાં જે વાત કરી છે એને અને સાહિત્યને કંઈ સંબંધ છે ખરો? તમારા વિચારો share કરજો. અને હા, પ્રશ્ન હોય તો એ પણ પૂછજો.

13 thoughts on “ભાષાને શું વળગે ભૂર:૨ (બાબુ સુથાર)

  1. મા બાબુભાઇ પાસે ઘણું શીખવાનું મળે છે છતા-‘ તમારા વિચારો share કરજો. અને હા, પ્રશ્ન હોય તો એ પણ પૂછજો.’ એ- જેવા વિચાર આવે તે રજુ કરું છું.
    ‘હવે તમે ‘સત્ય’ શબ્દમાં આવતા ‘ત્’ વિશે વિચારો. એ ખોડો છે કે unreleased? તમને એ બેની વચ્ચેનો ભેદ સમજાશે. ‘
    ઘણા વિદ્વાનો માનતા કે સત્ય શબ્દની ઉત્પત્તિ ‘સત્’માંથી થએલી છે. … . એટલે ‘સદાગ્રહ’ના ‘દ’નો ‘ત્’ કરી તેમાં ‘ય’ જોડ્યો … .
    .’વાણી અને લેખન બન્ને એકબીજાથી સ્વતંત્ર એવી વ્યવસ્થાઓ છે’ વાણી વિષે યાદ
    केयूरा न विभूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वला:।
    न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजा:।
    वाण्येका समलङ्करोति पुरुषं या संस्कृता धार्यते।
    क्षीयन्ते खलु भूषणानि सततं वाग्भूषणं भूषणम्॥ ‘
    શબ્દનો આકાર વાણી સ્વરૂપે પણ હોય અને લેખન સ્વરૂપે પણ હોય તો એ બેની વચ્ચેનો સંબંધ કયા પ્રકારનો?’
    ‘ગમે તેટલા સુધારા થાય તો પણ ઉચ્ચરિત અને લિખિત ભાષામાં કઈંક અંતર તો રહેવાનું જ છે, કારણ કે ભાષા પ્રાદેશિક પ્રભાવથી મુક્ત નથી રહેતી. આમ છતાં અમુક સમાનતા તારવી શકાય છે, જેમ કે, ઇ-ઈ અને ઉ-ઊ વચ્ચે ભેદ નથી.આપણે ગુજરાતીઓ ‘કૃશ્ણ’ કહીએ છીએ પણ હિન્દી વાળા ‘ક્રિશ્ણ’ બોલે છે! એ જ ‘ઉ’ અને ‘ઇ’નો શ્રુતિદોષ! દક્ષિણ ભારતીયો ઉ કે ઇ નથી બોલતા. એવું જ ‘જ્ઞાન’નું છે. દક્ષિણ ભારતીયો એનો ઉચ્ચાર Jnyaan (Knowledge) કરે છે. આપણે ગ્નાન કહીએ છીએ જો ‘ગ્ન’ જ બોલવો હોય તો આ ‘જ્ઞ’ની જરૂર શી છે?એક વાર જરૂરી સોફ્ટવેર બની જાય તે પછી માન્યતાની પણ જરૂર નહીં રહે. એ આપમેળે જ આપણને અમેરિકન બનાવી દે છે. ‘
    ‘શબ્દોનાં બે ઘટક તત્ત્વો. એક તે આકાર અને બીજો અર્થ..’ મંત્ર એવો ધ્વનિ, ઉચ્ચારણ, શબ્દ જેનાથી કોઈ મૂળ તત્ત્વને આહ્વાન કરી શકાય છે, ‘ૐ,’ ‘શાંતિમંત્ર,’ ‘ગાયત્રીમંત્ર’ અને ….. મંત્ર પ્રાથમિક મહાત્મ્યના બે ઘટકો ધરાવે છે –

    Liked by 2 people

  2. ભાષાને શું વળગે ભૂર: મારું માનવું હતું કે ભાષાને શું વળગે ભૂત? એવો શબ્દ પ્રયોગ છે! ભૂતને ભાષા ના હોય એમ માનીને એવો શબ્દ પ્રયોગ વપરાતો હશે .. ભૂર એટલે શું ? Thanks for picking an Interesting topic!

    Liked by 1 person

  3. ગીતાબેન, ‘ભૂર’ના ઘણા અર્થ થાય છે. ‘મૂર્ખ’ એમાંનો એક. મને લાગે છે કે અખાએ એ અર્થમાં અહીં ‘ભૂર’ શબ્દ વાપર્યો છે. ‘કમઅક્કલ’ પણ અર્થ આપ્યો છે. એ પણ લાગુ પડે. પણ મૂળ વાત અખાની બીજી હતી. જ્યારે કેટલાક વિદ્વાનોએ એને કહ્યું કે ગુજરાતીમાં નહીં, સંસ્કૃતમાં લખો તો ખરા. ત્યારે એના જવાબમાં અખાએ આમ કહેલું. આપણા લોકો એનો ઊંધો અર્થ કરીને પોતાની ભાષાભૂલોનો બચાવમાં આ પંક્તિઓ વાપરે છે જે બરાબર નથી.

    Like

  4. ભાષામાં કેટલાંક variations પ્રાદેશિક પણ હોય. Krishna/Krushna એવાં variations છે. ભાષાશાસ્ત્રીઓ શબ્દોના ઉચ્ચારના પણ નકશા બનાવતા હોય છે. જો કોઈ Krishna/Krushnaનો નકશો બનાવે તો ભારતને બે ભાગમાં વહેંચી શકe: Krisnha ભારત અને Krushna ભારત.

    Like

  5. લેખન અને વાણી વચ્ચેના સંબંધો અસમાન્તર જ રહેવાન. કેમ કે લેખનવ્યવસ્થા ભાષાને પકડી રાખવાનું કામ કરતી હોય છે જ્યારે વાણીવ્યવસ્થા ભાષાને પ્રવાહી રાખવાનું કામ કરતી હોય છે.

    Like

  6. મનોજભાઈ: લેખનથી વાણી મર્યાદિત બને કે નહીં? ખૂબ સરસ પ્રશ્ન. લેખનનું એક કામ ભાષાને સ્થિર રાખવાનું છે. એ સ્થિરતાનું સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્ય હોય છે. એને ભાષા પર મર્યાદા લાદતી વ્યવસ્થા તરીકે જોઈ શકાય કે નહીં એ કદાચ અઘરો પ્રશ્નો છે. હું એમ કહીશ કે લેખન પણ ભાષાને ઘડવાનું કામ કરતું હોય છે. એમાં પણ લેખનનાં ઓજારો તો ખાસ. નીત્શે નામના ફિલસૂફે પહેલી વાર ટાઈપરાઈટર વાપર્યું ત્યારે એણે કહેલું કે હું આ મશીન વડે લાંબાં વાક્યો નથી લખી શકતો. Friedrich Kittler નામના જર્મન ફિલસૂફે Gramophone, Film, Typewriter નામના પુસ્તકમાં લેખનનાં સાધનો તરીકે ટાઈપરાઈટરની ચર્ચા કરી છે.એટલું જ નહીં, પોસ્ટલ વ્યવસ્થાનો પણ ભાષા પર અને ખાસ કરીને સાહિત્ય પર પ્રભાવ પડતો હોય છે. Siegert નામના વિદ્વાને Literature as an epoch of the postal system પુસ્તકમાં એની વાત કરી છે. મને કોઈકે કહેલું કે એક જમાનામાં ભારતમાં કાગળનું રેશનિંગ દાખલ કરવું પડેલું. ત્યારના મુંબઈ રાજ્યના રાજ્યપાલે ન્હાનાલાલને કાગળ આપવાની વ્યવસ્થા કરેલી. એમનો દીકરો રાજ્યપાલની ઓફિસમાં કામ કરતો હતો. એણે રાજ્યપાલની મદદ લેવાની ના પાડેલી. એ વખતે ન્હાનાલાલ પહેલાં સ્લેટમાં લખતા અને પછી કૃતિ પાયનલ થઈ જાય પછી કાગળ પર ઉતારી લેતા. મારી એવી ધારણા છે કે ન્હાનાલાલે એ સમયગાળા દરમિયાન લાંબાં કાવ્યોને બદલે નાનાં ઊર્મિ કાવ્યો લખ્યાં હશે. આ વાત મેં સાંભલેલી છે. સાચી ન હોય તો પણ રસ પડે એવી છે. કાગળનું રેશનિંગ સાહિત્ય પર પ્રભાવ પાડે!

    Like

પ્રતિભાવ