ભાષાને શું વળગે ભૂર:૪ (બાબુ સુથાર)


ગુજરાતી ભાષાનું શબ્દભંડોળ

ગુજરાતી ભાષા પરનું કોઈ પણ પુસ્તક લો. તમને એમાં ગુજરાતી શબ્દભંડોળ પર એકાદ પ્રકરણ અથવા તો એકાદ પ્રકરણખંડ અવશ્ય મળી આવશે. એમાં કહેવામાં આવ્યું હશે: ગુજરાતી શબ્દભંડોળ ચાર પ્રકારના શબ્દોનું બનેલું છે: તત્સમ, તદ્ભવ, દેશ્ય અને ઊછીના. આ પ્રકરણમાં આપણે એ ચાર પ્રકારના શબ્દોને સમજવાનો પ્રયાસ કરીશું.

૧. તત્સમ શબ્દો

તત્સમ શબ્દો એટલે મૂળ સંસ્કૃત ભાષાના શબ્દો. સંસ્કૃત ભાષાને આપણે ગુજરાતી ભાષાની માતા તરીકે સ્વીકારીએ છીએ. એથી આપણે કહી શકીએ કે ગુજરાતી ભાષા પીયરમાંથી જે શબ્દો લઈ આવી હોય તે તત્સમ શબ્દો. જોકે, અહીં એક શરત છે. એ શબ્દનો અર્થ બદલાયો હોય તો વાંધો નહીં. જેમ કે, ‘મૃગ:’ શબ્દનો સંસ્કૃતમાં ‘કોઈ પણ પશુ’ એવો અર્થ થાય છે. ગુજરાતીમાં એ ‘હરણ’ માટે વપરાય છે. એ રીતે, એ શબ્દનો ઉચ્ચાર બદલાયો હોય તો પણ વાંધો નહીં. જેમ કે ‘તપ’ શબ્દ. આપણે એનો ઉચ્ચાર [təp] કરીએ છીએ પણ સંસ્કૃતમાં એનો ઉચ્ચાર [təpə] થાય છે. અર્થાત્, સંસ્કૃતમાં છેલ્લો ‘-પ’ release થાય છે. અથવા તો એમ પણ કહી શકાય કે છેલ્લો ‘-પ’ આખો બોલાય છે. પણ, આવા શબ્દની orthography ન બદલાવી જોઈએ. એટલે કે એની જોડણીવ્યવસ્થા ન બદલાવી જોઈએ. ‘નદી’ શબ્દ તત્સમ શબ્દ છે. સંસ્કૃતિમાં પણ એની જોડણી આમ જ થાય છે.

ગુજરાતીમાં આવા ઘણા શબ્દો છે. એટલું જ નહીં, આપણને જ્યારે પણ કોઈ શબ્દની ‘ભીડ’ પડે છે ત્યારે આપણે સૌ પહેલાં સંસ્કૃત ભાષા પાસે જતા હોઈએ છીએ. એથી જ તો જ્યારે પણ ગુજરાતી ભાષાની જોડણીવ્યવસ્થાના આયોજનની વાત આવી છે ત્યારે રાજેન્દ્ર શાહ જેવા સાહિત્યકારો સંસ્કૃતની પડખે રહ્યા છે. હવે સાહિત્યકારોનો સંસ્કૃત ભાષા સાથેનો સંબંધ ઘટતો જાય છે. એને કારણે, એમનો સંસ્કૃત જોડણી માટેનો પ્રેમ પણ ઓછો થતો જાય છે.

૨. તદ્ભવ શબ્દો

તદ્ભવ શબ્દોમાં એવા શબ્દોનો સમાવેશ થાય છે જે સંસ્કૃતમાંથી વિકસીને ગુજરાતીમાં આવ્યા છે. એ શબ્દોની orthography પણ બદલાઈ ગઈ છે. જેમ કે, સંસ્કૃત શબ્દ ‘हस्त:’ લો. પ્રાકૃત ભાષામાં એ શબ્દ ‘हत्थो’ હતો. અપભ્રંશમાં એ ‘हत्थु’ બન્યો અને છેલ્લે ગુજરાતીમાં ‘હાથ’ બન્યો. કેટલીક બોલીઓમાં આ જ ‘હાથ’ પાછો ‘આથ’ પણ બન્યો છે. ગુજરાતીમાં આવા પણ ઘણા બધા શબ્દો છે.

૩. દેશ્ય શબ્દો

દેશ્ય શબ્દો એટલે કે એવા શબ્દો જેનાં મૂળ ન તો સંસ્કૃતમાં મળી આવે છે, ન તો પ્રાકૃતમાં કે ન તો બીજી કોઈ પણ ભાષામાં. જેમ કે, ‘અડદ’, ‘ઊધઈ’, ‘પેટ’. આ શબ્દો જ હકીકતમાં તો ગુજરાતી ભાષાને ‘ગુજરાતી’ બનાવતા હોય છે. બીજા શબ્દોમાં આપણે એમ કહી શકીએ કે આવા શબ્દો જ ગુજરાતી ભાષાની ‘ઓળખ’ હોય છે. સ્વામી આનંદે ‘જૂની મૂડી’ પુસ્તકમાં આવા કેટલાક શબ્દોનો સંગ્રહ કર્યો છે. એટલું જ નહીં, એમણે એમના ગદ્યમાં પણ આવા શબ્દોનો ભરપૂર ઉયોગ કર્યો છે. ગુલામ મોહમ્મદ શેખના અને ભરત નાયકના નિબંધોમાં પણ તમને દેશી શબ્દોનું પ્રમાણ વધારે જોવા મળશે.

૪. ઊછીના શબ્દો (Borrowed words)

દરેક ભાષા બીજી ભાષાઓ પાસેથી કેટલાક શબ્દો લાવતી હોય છે. ગુજરાતી ભાષા પણ એમાંથી બાકાત નથી. પણ, કોઈ પણ ભાષા મનફાવે એમ ઊછીના શબ્દો નથી લાવતી. એનું પણ એક ચોક્કસ એવું mechanism હોય છે. જો કે, એ mechanism ઘણું સંકુલ પણ હોય છે.

ગુજરાતી ભાષા અંગ્રેજી ભાષા પાસેથી અઢળક શબ્દો લાવી છે. એ જ રીતે, પોર્ટુગીઝ, એરેબિક, પર્શિયન જેવી ભાષાઓ પાસેથી પણ અનેક શબ્દો લાવી છે. બરાબર એમ જ એ બંગાળી ભાષા પાસેથી પણ શબ્દો લાવી છે. ઘણા ભાષાશાસ્ત્રીઓ genealogically related ન હોય એવી ભાષામાંથી અપનાવવામાં આવેલા શબ્દોને જ ઊછીના શબ્દો તરીકે સ્વીકારતા હોય છે. આપણે મરાઠી અને બંગાળીમાંથી પણ કેટલાક શબ્દો લાવ્યા છીએ. એ શબ્દોને ઊછીના શબ્દો કહેવા કે નહીં એ એક ચર્ચાનો મુદ્દો છે.

આપણે હજી આ શબ્દો ઊછીના લાવવાના mechanismનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો નથી. હા, એ પ્રક્રિયાને સમજાવતાં કેટલાંક છૂટાંછવાયાં વિધાનો અને એ વિધાનોની ચર્ચાઓ પણ આપણને મળી રહે ખરી. આપણે એક વાત યાદ રાખવાની છે કે બીજી ભાષામાંથી લાવવામાં આવેલો શબ્દ આપણી ભાષાની સંરચનામાં બંધ ન બેસે ત્યાં સુધી એ આપણો શબ્દ ન બને. ઈમિગ્રેશનની ભાષા વાપરીને હું એમ કહીશ કે દરેક ઊછીના લીધેલા શબ્દને આપણે આપણા વ્યાકરણની શરતોને આધિન રહીને ‘ગ્રીન કાર્ડ’ આપીએ છીએ. એ શરતોમાંની એક શરત લિંગવ્યવસ્થા સાથે સંકળાયેલી છે. આપણે કોઈ પણ શબ્દ ગુજરાતીમાં લાવીએ, જો એ નામ હોય તો એ શબ્દએ ગુજરાતી ભાષાની લિંગની વ્યવસ્થાનો સ્વીકાર કરવો પડે. કેટલાક શબ્દો એ કામ સરળતાથી સ્વીકારી લે. જેમ કે, ‘ફોટો’. પાછળ ‘-ઓ’ આવે છે એટલે એ શબ્દને ગુજરાતી ભાષા પુલ્લિંગ ગણે. કેમ કે ગુજરાતીમાં પુલ્લિંગ -ઓ વડે વ્યક્ત થાય છે. પણ, ‘ફિલ્મ’ને એ સ્ત્રીલિંગ ગણે અને ‘સિનેમા’ને નપુસંકલિંગ. કેમ કે ‘ફિલ્મ’ને એ ‘છબી’ કે ‘છબીકળા’ ગણે અને ‘સિનેમા’ને ‘ચલચિત્ર’ ગણે. અહીં ગુજરાતી ભાષા અર્થ પ્રમાણે જાય.

આ મુદ્દો સમજાવવા માટે હું ઘણી વાર ‘બાબો’ અને ‘બેબી’નાં ઉદાહરણો આપતો હોઉં છું. મૂળે તો અંગ્રેજી શબ્દ ‘Baby’. ઉચ્ચારમાં bebi. આપણે એ શબ્દ ઊછીનો લાવ્યા. પણ, ગુજરાતીમાં અંત્ય -ઈ સ્ત્રીલિંગ ગણાય. એ ન્યાયે આપણે bebiનું reanalysis કર્યું અને એના અન્તે આવતા ‘-i’ને આપણે સ્ત્રીલિંગવાચક ગણ્યો. એમ કરીને આપણે bebi શબ્દને beb-i બનાવ્યો. એમાં beb- તે મૂળ અને -i તે સ્ત્રીલિંગ. અને પછી આપણે ‘બેબી’ શબ્દ ‘છોકરી’ માટે વાપરવા લાગ્યા. એટલું જ નહીં, આપણે beb-ને -o લગાડી એને પુલ્લિંગ બનાવ્યો. beb- આ રીતે beb-o બન્યો. પછી કેટલીક ધ્વનિપ્રક્રિયાને પગલે /beb-/માં આવતો -e- -a- બની ગયો ને એ રીતે bebo આખરે babo બની ગયો. હવે આપણે ‘બાબો’ ‘છોકરા’ માટે વાપરીએ છીએ. એ સાથે એની immigrationની પ્રક્રિયા પૂરી થઈ જાય છે.

કોઈ પણ ભાષાનું શબ્દભંડોળ સ્થિર ન હોય. એ હંમેશાં ગતિશીલ હોય. એમાં નવા નવા શબ્દો ઉમેરાતા જાય. એટલું જ નહીં, કેટલાક શબ્દો અદૃશ્ય પણ થતા જાય. એ જ રીતે, શબ્દો જોડાઈને નવા શબ્દો પન બનતા રહે. રમેશ પારેખે ‘રામાયણ’ પરથી ‘હસ્તાયણ’ બનાવ્યો. એક જમાનામાં કવિઓ આવા ઘણા શબ્દો બનાવતા હતા. હવે એ પ્રકારની સર્જકતામાં જરાક ઓટ આવી હોય એવું લાગે છે. મેં પત્રકારો માટે બનાવેલો ‘પત્તરકાર’ શબ્દ હવે સમૂહમાધ્યમોમાં વપરાવા લાગ્યો છે. એ જ રીતે, ભારતીય રાજકારણમાં આવેલાં પરિવર્તનોને પગલે ‘ભક્તો’ તથા ‘ગુલામ’ જેવા શબ્દોના અર્થો પણ બદલાયા છે. એટલે સુધી કે જો આજે નરસિંહ મહેતા હોત તો એ પોતાને ‘ભક્ત’ ન ગણાવત. આ પ્રક્રિયાઓનો સતત અભ્યાસ થતો રહેવો જોઈએ. મૂળે પોલીશ એવાં Anna Wierzbicka નામનાં ભાષાશાસ્ત્રીએ શબ્દ અને સંસ્કૃતિ વચ્ચેના સંબંધો પણ પુષ્કળ કામ કર્યું છે. જો કે, ગુજરાતીમાં એવા અભ્યાસની શક્યતાઓ ઘટતી જાય છે. કેમ કે એક બાજુ ભાષાનું ધોવાણ થઈ રહ્યું છે તો એની સમાન્તરે ભાષાશિક્ષણનું પણ ધોવાણ થઈ રહ્યું છે. એ સંજોગોમાં ભાષાશાસ્ત્રની પ્રવૃત્તિઓ કાં તો એકલદોકલ વ્યક્તિઓની પ્રવૃત્તિઓ બની જાય.

ગુજરાતી ભાષાના શબ્દભંડોળની આ વાત તો તમને કોઈને કોઈ પુસ્તકમાંથી મળી જાય. પણ, આ ચર્ચાના આધારે મારે એક સૈદ્ધાન્તિ પ્રશ્ન ઊભો કરવો છે. મને લાગે છે કે આ પ્રશ્ન ખૂબ મહત્ત્વનો છે. જો આપણે ભાષાને, મેં આગળ કહ્યું છે એમ, જ્ઞાનની એક વ્યવસ્થા તરીકે જોઈએ તો ગુજરાતી શબ્દભંડોળનું આ વર્ગીકરણ આપણા ભાષાજ્ઞાનનો (ભાષા વિશેના કે ભાષાશાસ્ત્રના જ્ઞાનનો નહીં) વિષય બને ખરું? મારો જવાબ છે: ના. ન બને. કેમ  કે કોઈ પણ ગુજરાતી શબ્દ પર એ તત્સમ છે કે તદ્ભવ છે કે દેશ્ય છે એ બતાવતો કોઈ સિક્કો મારેલો નથી હોતો. થોડીક ટેકનીકલ ભાષામાં એ વાત મૂકવી હોય તો આપણે એમ કહી શકીએ કે ગુજરાતી ભાષાભંડોળના શબ્દો તત્સમ, તદ્ભવ કે દેશ્ય છે એ માહિતી જે તે શબ્દો પર marked નથી હોતી. એનો બીજો અર્થ એ થયો કે જ્યારે પણ ગુજરાતી સમાજમાં બાળક જન્મે છે ત્યારે એ જેમ “મારી પાસે એક ભાઈ છે” એવું ન બોલાય એમ શીખતું હોય છે એ રીતે ‘ભાઈ’ શબ્દ તદ્ભવ છે એમ શીખતું નથી. એ તો બાળકે શાળામાં જ અથવા તો ઔપચારિક ભાષા અભ્યાસ વડે જ શીખવાનું રહે. ટૂંકામાં, તત્સમ, તદ્ભવ, દેશ્ય નક્કી કરવાના કોઈ નિયમો નથી હોતા.

આ હકીકત આપણા માટે ખૂબ મહત્ત્વની છે. કેમ કે છેલ્લાં કેટલાંક વરસોથી કેટલાક ભાષાશાસ્ત્રીઓ શબ્દોના વર્ગીકરણના આધારે જોડણીના નિયમો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પણ, જો એ ભાષાશાસ્ત્રીઓ એમ કહેતા હોય કે તત્સમ શબ્દોની જોડણી મૂળ સંસ્કૃતમાં હોય એ રીતે કરવી તો આપણે ઉલમાંથી ચૂલમાં પડીએ. કેમ કે એ સંજોગોમાં આપણે કયા શબ્દો તત્સમ છે એ શીખવું પડે. જ્યારે સંસ્કૃત ભાષાનું શિક્ષણ પણ નબળું પડતું જતું હોય ત્યારે આવા નિયમો કેવળ માર્ગદર્શક જ બની રહે.

ગુજરાતી ભાષાનું શબ્દભંડોળ (આકૃતિ)

 

 

8 thoughts on “ભાષાને શું વળગે ભૂર:૪ (બાબુ સુથાર)

  1. ગુજરાતી ભાષાનું આ જ્ઞાન ઘેર બેઠાં બેઠાં આપવા માટે બાબુભાઈ અને દાવડાજીનો આભાર જેટલો માનીએ એટલો ઓછો છે. આપ બંનેના ધ્યાનપર લાવું છું કે, મારા એક મિત્રે “ગુજરાતી એંગ્રેજીની માતા છે.” પુસ્તક બહાર પાડ્યું છે. રસ જાગે તો જાણ કરવા વિનંતિ.

    Liked by 2 people

  2. ગુજરાતી ભાષાનું શબ્દભંડોળ અંગે ઘણુ નવુ શીખ્યા
    ધન્યવાદ
    શબ્દ ક્યાં મારો કે તમારો છે? શબ્દ હર કોઈનો દુલારો છે!
    બુઠ્ઠાં, અણિયારા, રેશમી, બોદાં, શબ્દના કેટલાં પ્રકારો છે?
    ભાવ છે, અર્થ છે, અલંકારો, શબ્દનો કેટલો ઠઠારો છે!
    જો જરાક અડકો તો છટપટી ઉઠશે, શબ્દ સંવેદનાનો ભારો છે!
    -રાહી ઓધારિયા
    શ્રી શશી થરૂરે વડા પ્રધાન મોદી પર એક પુસ્તક લખ્યું છે તે પુસ્તક લખવા સંદર્ભે આ શબ્દ પ્રયોજ્યો હતો
    ‘ફ્લૉક્સિનૉસિનિહિલિપિલિફિકેશન’

    Liked by 3 people

  3. આપની અધ્યન ને અભ્યાસી લેખમાળા જ્ઞાન પીપાસા સંતોષે છે…આભાર શ્રી બાસુ સાહેબ ને આંગણાનો….
    મારી ભાષા તું ગુજરાતી…..રમેશ પટેલ(આકાશદીપ)

    પ્રભાતિયા જેવી પુનિત જ મારી ભાષા તું ગુજરાતી
    માતૃભાષા દિન ઉજવે વિશ્વ ને ચાહ ઘણી ઊભરાતી

    ‘નાગદમણ ‘નો આદિ કવિ વ્હાલો રે ભક્ત નરસૈયો
    પ્રેમાનંદ તું ધન્ય જ રે ટેકી, શતવંદી ગુર્જર છૈયો

    ખુલ્યા ભાગ્યને મળ્યા રે નર્મદ; દલપત અર્વાચીને
    ને મલકાણી ભાષા ગુજરાતી હસતી રમતી દિલે

    મેધાવી સાક્ષર મોટા હાલે, જાણે અસ્મિતા વણઝાર
    ગાંધી આધુનિક યુગ મહેકે મોભે , ધરી કનકી ઉપહાર

    મોગલ, અરબી, ફારસી- અંગ્રેજી ,ને બંગ રંગ તવ મજાના
    ગુર્જર ભાષાએ ઝીલ્યા ભાઈ, વિશ્વતણા શબ્દ ખજાના

    ફેબ્રુઆરી એકવિસમો દિન, વિશ્વ માતૃભાષાનો ગરવો
    ગુર્જર લોકસાહિત્ય સાગર તીરે, માણું રે ચાહત જલવો
    ……………….

    Liked by 2 people

  4. જોસેફ મેકવાને ઘણાં નવા શબ્દો પ્રયોજયા છે જાણે કે એ શબ્દાગર ના હોય. એમની એક નવલકથાનું નામ ‘સંગવટો’ છે.
    ગુણવંતરાય આચાર્યની ‘દરિયાલાલ’ માં જોવા મળતાં કેટલાક શબ્દો: કદુવા, બેતમા, અલાહેદાં, ફેજ, મેકર, વજીફો, પેશકદમી, લાજમ, રુરુદિશા, તાજીમ, ચાઉસ, અશરાફ, ગબારા, જેબ, બરખેલાફ, તદબીર

    Like

પ્રતિભાવ