ભાષાને શું વળગે ભૂર:૫ (બાબુ સુથાર)


ચિ-શબ્દકોશ અને ચિ-વ્યાકરણ

આપણે જોયું કે ભાષા વાક્યોની બનેલી હોય છે અને વાક્યો શબ્દોનાં બનેલાં હોય છે. જો એમ હોય તો દેખીતી રીતે જ આપણને બે પ્રશ્નો થવાના: (૧) શબ્દોનું સ્વરૂપ કેવું હોય છે? અને (૨) શબ્દો વાક્યોમાં કઈ રીતે ગોઠવાતા હોય છે? આ લેખમાળા, હકીકતમાં તો, આમાંના પહેલા પ્રશ્નનો જવાબ આપવા માટે છે.

       આપણે શબ્દોનાં વિવિધ સ્વરૂપો વાત કરી. એટલું જ નહીં, શબ્દોનાં ભાતભાતનાં વર્ગીકરણની વાત પણ કરી. ખાસ તો આપણે mental lexiconની અને physical lexiconની પણ વાત કરી. આમાંના ‘mental lexicon’ માટે ગુજરાતી શબ્દ શું બનાવવો એ એક પ્રશ્ન છે. ‘માનસિક શબ્દકોશ’ મને યોગ્ય લાગતો નથી. આપણે એને ‘ચિત્ત અતંર્ગત શબ્દકોશ’ કહી શકીએ. પણ એ ય વાપરવામાં તો અગરો પડે. એ સંજોગોમાં આપણે એને ‘ચિ-શબ્દકોશ’ કહીએ તો કેવું? મને લાગે છે કે એ ઠીક રહેશે.

આપણે એ પણ જોયું કે જ્યારે આપણે વાક્યો બોલીએ કે સમજીએ છીએ ત્યારે આપણે શબ્દકોધનો નહીં પણ ચિ-શબ્દકોશનો ઉપયોગ કરતા હોએ છીએ. એટલે કે જ્યારે હું એમ કહું કે “ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે” ત્યારે હું ‘ગાંધીનગર’, ‘ગુજરાત’, ‘પાટનગર’ અને ‘છે’ શબ્દો મારા ચિ-શબ્દકોશમાંથી લાવતો હોઉં છું. અને જ્યારે તમે પણ આ વાક્ય સાંભળો છો ત્યારે તમે પણ એ તમારા ચિ-શબ્દકોશમાં આવેલા એ શબ્દોનો ઉપયોગ કરીને આ વાક્ય સમજતા હો છો.

માનો કે હું એમ કહું કે “રમેશ ફકોડું છે” તો તરત જ તમને થશે કે આ ‘ફકોડું’ એટલે શું? તમે એ શબ્દનો અર્થ કાં તો કોઈને પૂછશો કાં તો એ શબ્દ શબ્દકોશમાં જોશો. એનો અર્થ એ થયો કે એ શબ્દ તમારા ચિ-શબ્દકોશમાં નથી. જો કે, મેં પણ એ શબ્દ ઉપજાવી કાઢ્યો છે. તમને મારી દલીલ સમજાવવા માટે. એનો કોઈ અર્થ થતો નથી. ટૂંકમાં, હવે તમે મારી એક વાત સમજી ગયા હશો કે જ્યારે કોઈ માણસ આપણી સાથે વાત કરતો હોય છે ત્યારે એ માણસ એના ચિ-શબ્દકોશમાં આવેલા શબ્દોને વાક્યમાં મૂકતો હોય છે અને જ્યારે આપણે એ માણસની વાતને સમજતા હોઈએ છીએ ત્યારે આપણે આપણા ચિ-શબ્દકોશમાં રહેલા એ શબ્દોને ‘ઊંઘમાંથી જગાડી’ પેલા માણસનાં વાક્યોને સમજતા હોઈએ છીએ. જો એ શબ્દો આપણા ચિ-શબ્દકોશમાં ન હોય તો આપણે એને શબ્દકોશમાં જોતા હોઈએ છીએ.

       આપણી એક જ મુશ્કેલી છે. આપણે રોજેરોજ ભાષા વાપરીએ છીએ. એમ છતાં આપણે આપણી ભાષાને આશ્ચર્યથી જોતા નથી. આપણને એવો પ્રશ્ન નથી થતો કે અરે, હું જે બોલું છું એ સામેનો માણસ કઈ રીતે સમજી શકતો હશે? મારી અને એની વચ્ચે એવું તે શું સામાન્ય હશે જેને કારણે આ સંવાદ શક્ય બનતો હશે? અમારી વચ્ચે જે સામાન્ય હશે એ વ્યક્તિનિષ્ઠ હશે કે સમાજનિષ્ઠ? જો કે, આવા પ્રશ્નો ન થવા પાછળ હું કોઈને દોષ દેતો નથી. માણસને જ્યારે કશું પણ સહજ રીતે પ્રાપ્ત થતું હોય છે ત્યારે એને એ વિશે ભાગ્યે જ પ્રશ્નો પૂછતો હશે. બાકી, આપણા પૂર્વજોએ ભલે સફરજનને નીચે પડતાં નહીં જોયું હોય, કેરી કે બીજું કોઈક ફળ નીચે પડતાં તો જોયું જ હશે ને? તો પણ એમને ગુરુત્વાકર્ષણનો નિયમ ન શોધ્યો. જ્યારે ન્યૂટને એક સફરજનને નીચે પડતાં જોઈને આશ્ચર્ય અનુભવ્યું અને પછી એ આશ્ચર્યને સમજવાના એક ભાગ રૂપે એણે એક નિયમ શોધી કાઢ્યો. ભાષામાં પણ ઠેર ઠેર સફરજન પડતાં હોય છે. મેં કહ્યું છે એમ આ લેખમાળાનો આશય તમારા જેવા વાચકોને ભાષા વિશે વિચારતા કરવાનો છે. એટલે કે હું પેલાં સફરજન બતાવવાનો છું અને એ કેમ નીચે જ પડ્યાં છે એ વિશે કામચલાઉ નિયમો આપવાનો છું. કામચલાઉ એટલા માટે કે વિજ્ઞાનમાં નિયમો ખોટા ન પડે ત્યાં સુધી જ સાચા હોય છે. એથી હું કહું એ પણ કદાચ આવતી કાલે કોઈક માણસ ખોટું સાબિત કરે. કંઈ કહેવાય નહીં. તો ચાલો, હવે એ દિશામાં જરાક આગળ વધીએ. એ માટે નીચે (૧)માં આપેલું વાક્ય જુઓ:

(૧) શિક્ષકોએ વિદ્યાર્થીઓને પુસ્તકો વહેંચ્યાં.

તમે જોઈ શકો છો એમ આ વાક્યમાં ચાર શબ્દો છે: ‘શિક્ષકોએ’, ‘વિદ્યાર્થીઓને’, ‘પુસ્તકો’ અને ‘વહેંચ્યાં’. હવે તમે એ વિચારો કે આ શબ્દો આપણા ચિ-શબ્દકોશમાં કયા સ્વરૂપે પડેલા હશે?

હું નથી માનતો કે ‘શિક્ષકોએ’ શબ્દ આપણા ચિ-શબ્દકોશમાં હોય. એને બદલે ‘શિક્ષક’ શબ્દ હશે એમ માનવું વધારે યોગ્ય રહેશે. એ જ રીતે, ‘વિદ્યાર્થીઓને’ બદલે ‘વિદ્યાર્થી’, ‘પુસ્તકો’ને બદલે ‘પુસ્તક’ અને ‘વહેંચ્યાં’ને બદલે ‘વહેંચવું’ શબ્દો હશે. તમે ‘સાર્થ જોડણીકોશ’ જોશો તો એમાં પણ તમને આજ શબ્દો જોવા મળશે.

       આશા રાખું છું કે આટલી વાત તમે બરાબર સમજી ગયા હશો. જો ન સમજ્યા હોય તો આટલો ભાગ ફરીથી વાંચી લો. મને શાસ્ત્ર અને એમાં પણ ભાષાશાસ્ત્ર કરવાની મજા એક જ કારણથી આવે છે. એમાં એક માથોડું ડૂબ્યા પછી બહાર નીકળવાનું મન નથી થતું. પછી એમ થાય કે લાવને બીજું એક માથોડું ડૂબી લઉં. આવું થાય ત્યારે જ માનવું કે આપણને જિજ્ઞાસામાતા ફળ્યાં છે. એ માતા વગર શાસ્ત્ર શક્ય ન બને. કદાચ જીવન પણ શક્ય ન બને.

       ચાલો, હવે ‘શિક્ષકોએ’ શબ્દ લો. ચિ.શબ્દકોશમાં તો કેવળ ‘શિક્ષક’ શબ્દ છે. એકવચન. તમે આ વાત નોંધી છે ખરી? અથવા તો તમને કદી આવો પ્રશ્ન થયો છે ખરો? કે શબ્દકોશોમાં મોટા ભાગનાં નામ એકવચનમાં જ કેમ આપવામાં આવતા હશે? શબ્દકોશમાં ‘ઘેટું’ શબ્દ મળે, પણ ‘ઘેટાં’ ન મળે. ‘નદી’ શબ્દ મળે, પણ ‘નદીઓ’ ન મળે. આવું કેમ? શબ્દકોશની એક શરત હોય છે. જે શબ્દો વ્યાકરણની મદદથી બનાવી શકાતા હોય એ શબ્દોનો શબ્દકોશમાં સમાવેશ ન કરવો જોઈએ. કેમ કે એવા શબ્દો બનાવવાનું કામ વ્યાકરણના માથે હોય છે. જેમ ચિ.શબ્દકોશ હોય છે એમ ચિ.વ્યાકરણ પણ હોય છે. ગુજરાતીમાં બહુવચન વ્યક્ત કરવા માટેનો નિયમ એ ચિ-વ્યાકરણમાં હોય છે. ચિ-શબ્દકોશ અને ચિ-વ્યાકરણ સવારથી સાંજ સુધી એકબીજા સાથે સતત આદાનપ્રદાન કરતા હોય છે. હવે ચિ-વ્યાકરણમાં નિયમ છે કે ગુજરાતીમાં બહુવચન બનાવવા માટે નામને -ઓ લગાડવો. હવે તમે ‘છોકરો’ને -ઓ લગાડો. તમે કહેશો, ‘છોકરાઓ’ થાય. પણ, તમે એક વાતની નોંધ લીધી ખરી? ‘છોકરો’માં છેલ્લે આવતો -ઓ ‘છોકરાઓ’માં -આ થઈ જાય છે? આવું કેમ થતું હશે? આ પ્રક્રિયા સાચે જ સમજવા જેવી છે. તમને પરંપરાગત વ્યાકરણનાં પુસ્તકોમાં આના કોઈ ખુલાસા નહીં મળે. ચાલો, એ સમજવા માટે આપણે ‘છોકરો’ શબ્દ International Phonetic Alphabetમાં એટલે કે IPAમાં મૂકીએ. મેં શરૂઆતનાં પ્રકરણોમાં કહ્યું છે એમ ભાષાશાસ્ત્ર કરવા માટે એ ખૂબ જરૂરી છે. તો IPAમાં ‘છોકરો’ શબ્દ આ રીતે લખાશે.

(૨) cʰokro

હવે આ શબ્દને બહુવચનનો -ઓ લગાડીએ તો આપણને નીચે (૩)માં આપ્યો છે એવો શબ્દ મળશે.

(૩) cʰokro-o

હવે તમે જુઓ: છેલ્લે બે -ઓ પાસપાસે આવ્યા.

ગુજરાતીમાં જ્યારે પણ બે એકસમાન સ્વર આ રીતે પાસપાસે આવે ત્યારે કાં તો એ બન્ને સંપી જઈને એક ‘નાતીલા’ બની જાય અથવા તો બેમાંથી એક, અને એમાંય મોટે ભાગે તો પહેલો સ્વર, બીજા કરતાં જુદો બની જાય. જો અહીં બન્ને સ્વર એક ‘નાતીલા’ બન્યા હોત તો શું થાત? કલ્પના કરો. તો cʰokroનું બહુવચન પાછું cʰokro જ રહેત. પણ, ના ભાષા એવી દધોર નથી હોતી. અહીં, પહેલો -ઓ બીજા -ઓ કરતાં જુદો બની જાય છે. આને અસમાનતાનો નિયમ પણ કહી શકાય. બે એકસમાન સ્વર પાસપાસે આવે ત્યારે એમાંનો એક સ્વર અસમાન બની જાય. અહીં પણ એવું જ થયું છે: ‘છોકરો’નો -ઓ અને બહુવચનનો -ઓ પાસપાસે આવી ગયા તો ‘છોકરો’નો -ઓ -આ થઈ ગયો. એટલે ‘છોકરો’નું બહુવચન ‘છોકરાઓ’ થયું. પછી કેટલાક લોકોએ -ઓ પડતો મૂક્યો. એ લોકો ‘છોકરાઓ’ને બદલે ‘છોકરા’ શબ્દ વાપરવા લાગ્યા. પણ, યાદ રાખો કે ‘છોકરા’ શબ્દ જ્યાં પણ બહુવચન પ્રગટ કરવાનું હોય ત્યાં બધે જ નથી વપરાતો.

હવે આપણને પાછા બીજા બે પ્રશ્નો થશે: (૧) -ઓ નો -આ જ કેમ થયો અને -ઈ કે -ઉ કેમ ન થયો; અને (૨) કઈ પરિસ્થિતિમાં ‘છોકરા’ વપરાય અને કઈ પરિસ્થિતિમાં ‘છોકરાઓ’ વપરાય? બન્ને પ્રશ્નોના જવાબ ખૂબ ટેકનીકલ છે. એટલે આપણે એમાં નહીં પડીએ. મેં નક્કી કર્યું છે કે જ્યારે પણ અતિશય શાસ્ત્રીય મુદ્દો આવે ત્યારે ત્યાંથી પાછા વળી જવાનું. અહીં પણ એવી જ પરિસ્થિતિ છે એમ માનવું.

       હવે આપણે ફરી એક વાર વાક્ય (૧)માંનો ‘શિક્ષકોએ’ શબ્દ લઈએ. આપણે જોયું કે આપણા ચિ-શબ્દકોશમાં એ શબ્દ ‘શિક્ષક’ છે. આપણે -ઓ લગાડીને એનું બહુવચન કર્યું. એ પણ વ્યાકરણના નિયમ પ્રમાણે. એ નિયમ આપણે આત્મસાત કરેલો છે. નિરક્ષરોએ પણ એ નિયમ આત્મસાત કરેલો હોય છે. યાદ રાખો કે ‘વ્યાકરણનું જ્ઞાન’ આત્મસાત કરેલું હોય છે અને ‘વ્યાકરણ વિશેનું જ્ઞાન’ આપણે બધાંએ શીખવું પડતું હોય છે. એ બન્ને જ્ઞાનની વચ્ચે ઘણો ફરક છે.

       આપણે ‘શિક્ષક’નું ‘શિક્ષકો’ કર્યા પછી પાછો એને -એ લગાડ્યો અને એ રીતે ‘શિક્ષકોએ’ શબ્દ બનાવ્યો. અહીં કોઈને પણ પ્રશ્ન થાય કે -ઓ પછી -એ કેમ લગાડ્યો? -એ લગાડીને પછી -ઓ ન લગાડાય? ના. ન લગાડાય. અને એનાં કારણો છે. એ પણ પાછાં શાસ્ત્રીય. પણ, આ બાબતમાં એક વાત નોંધવા જેવી ખરી. જે ભાષાઓમાં ગુજરાતીની જેમ બહુવચન બને છે અને જેમાં વિભક્તિની પણ વ્યવસ્થા છે એ તમામ ભાષાઓમાં પહેલાં બહુવચનનો પ્રત્યય લાગે પછી જ વિભક્તિનો પ્રત્યય લાગે. આ, એક universal સત્ય છે.

       હવે આના પરથી આપણે જો કોઈ સામાન્ય નિયમ તારવવો હોય તો એ નિયમ કેવો હશે? એ નિયમ આવો હશે: ચિ-શબ્દકોશમાં જો નામ એકવચન હોય તો એમનું બહુવચન કરવા -ઓ લગાડવાનો. અહીં તમે ભાષા જુઓ. ગુજરાતી વ્યાકરણોમાં લખ્યું હશે: નામને -ઓ લગાડવાથી બહુવચન થાય. હવે કોઈ વિદ્યાર્થી એમ કહે કે “મારા બાપુજી ચાર ઘઉંઓ લાવ્યા” તો શિક્ષક કહેશે: “ડફોળ છે તું. ‘ઘઉં’ને બહુવચનનો -ઓ ન લાગે.” પણ, જો વિદ્યાર્થીને એમ કહેવામાં આવે કે ચિ-શબ્દકોશમાં એકવચન હોય તો જ એને બહુવચનનો -ઓ લાગે તો એ ‘ઘઉં’નું ‘ઘઉંઓ’ નહીં બનાવે. અને પછીનો નિયમ આમ થશે: બહુવચન અભિપ્રેત હોય તો -ઓ લગાડ્યા પછી વિભક્તિનો પ્રત્યય લગાડવો. પણ, ક્યારે? જ્યારે એ શબ્દને આપણે વાક્યમાં ગોઠવીએ ત્યારે. એ સિવાય નહીં.

       કોઈને થશે: આ શું માથાકૂટ લઈને બેઠા છો? અમને તો વિભક્તિ શું છે એ જ ખબર નથી ને તમે વિભક્તિ વિભક્તિ કૂટ્યા કરો છો? તમને ભલે વિભક્તિ શું છે એ ખબર ન હોય પણ તમે સાંકળ તો જોઈ છે ને? આ વિભક્તિના પ્રત્યયો સાંકળનું કામ કરે. એ કાં તો બે નામને બાંધે. જેમ કે, “રમાનો છોકરો.” અહીં ‘છોકરો’ને -નો વડે ‘રમા’ સાથે બાંધી રાખ્યો છે. એજ રીતે, “રમાએ છોકરાને માર્યો”માં ‘રમા’ પરનો -એ ‘રમા’ને અને ‘છોકરાને’માંનો -ને ‘છોકરા’ને ‘માર્યો’ સાથે બાંધી રાખે છે. વિભક્તિના પ્રત્યયો આ રીતે નામને કાં તો નામ સાથે કાં તો ક્રિયાપદ સાથે બાંધી રાખે.

       હવે કોઈને એમ થશે કે જો એમ જ હોય તો અંગ્રેજીમાં કેમ વિભક્તિ નથી? અંગ્રેજીમાં પણ વિભક્તિ છે. પણ, બે નામને જોડવા પૂરતા. જેમ કે, ‘John’s table’. અહીં -s વિભક્તિનો પ્રત્યય છે. પણ, અંગ્રેજીમાં એક બીજી પણ વ્યવસ્થા છે. એ સમજવા માટે આ વાક્ય લો: The teachers distributed books to students. શું તમે આ વાક્યમાં આવતા શબ્દોનો ક્રમ આ રીતે બદલી શકશો ખરા? (ક) The teachers books distributed to students. (ખ) The teachers to students distributed books. (ગ) To students books the teachers distributed. ના. અંગ્રેજીમાં આપણે ક્રમ ન બદલી શકીએ. અને ગુજરાતીમાં? જુઓ આ વાક્યો: (અ) “શિક્ષકોએ પુસ્તકો વિદ્યાર્થીઓને વહેંચ્યાં?” (બ) “પુસ્તકો શિક્ષકોએ વિદ્યાર્થીઓને વહેંચ્યાં?” (ક) “વહેંચ્યાં શિક્ષકોએ પુસ્તકો વિદ્યાર્થીઓને?” આ ત્રણેય વાક્યો સાચાં છે. એનો અર્થ એ થયો કે જે ભાષામાં વિભક્તિની વ્યવસ્થા હોય એ ભાષામાં શબ્દક્રમ ‘ઢીલો’ હોય અને જે ભાષામાં વિભક્તિની વ્યવસ્થા ન હોય એમાં શબ્દક્રમ ‘ચૂસ્ત’ હોય. અંગ્રેજીમાં વિભક્તિની વ્યવસ્થા મર્યાદિત છે એટલે એમાં શબ્દક્રમ ચૂસ્ત છે. આપણે એમ કહી શકીએ કે ચૂસ્ત શબ્દક્રમ વિભક્તિના જેવું કામ કરે છે. એ નામને ક્રિયાપદ સાથે શબ્દક્રમ નામની ‘સાંકળથી’ બાંધી રાખે છે. એનો અર્થ એ થયો કે શબ્દક્રમની બાબતમાં ગુજરાતીમાં અંગ્રેજી કરતાં વધારે સ્વતંત્રતા છે.

       હવે ચાલો આપણે ફરી એક વાર ‘વિદ્યાર્થીઓને’ અને ‘પુસ્તકો’ એ બે શબ્દો વિશે વિચારીએ. આપણા ચિ-શબ્દકોશમાં આ બન્ને શબ્દો અનુક્રમે ‘વિદ્યાર્થી’ અને ‘પુસ્તક’ રૂપે છે. એ શબ્દોને આપણે બહુવચનનો -ઓ લગાડીને અનુક્રમે ‘વિદ્યાર્થીઓ’ અને ‘પુસ્તકો’ બનાવ્યા. પછી ‘વિદ્યાર્થીઓ’ને -ને પ્રત્યય લગાડ્યો. પણ, ‘પુસ્તકો’ને એક પણ પ્રત્યય ન લગાડ્યો. અહીં પાછો એક પ્રશ્ન થશે: શું ‘પુસ્તકો’ને સાચે જ કોઈ જ પ્રત્યય નથી લાગ્યો? વિચારવા જેવો મુદ્દો. શું આપણે એમ કહી શકીએ ખરા કે એને -૦ (શૂન્ય) પ્રત્યય લાગ્યો છે? માથું ખંજવાળવા જેવો પ્રશ્ન.

       હવે પછીના લેખોમાં આપણે આ મુદ્દો ચર્ચવાના છીએ: એક બાજુ ચિ. શબ્દકોશ છે; બીજી બાજુ વ્યાકરણ છે. જ્યારે ચિ- શબ્દકોશમાંનો શબ્દ ચિ-વ્યાકરણમાં પ્રવેશે ત્યારે એના પર કોઈક ચોક્કસ એવી પ્રક્રિયા થતી હોય છે. એ શબ્દ આપણા આશય પ્રમાણે એકવચન કે બહુવચન બનતો હોય છે અને એ જ શબ્દને વ્યાકરણની જરૂરિયાત પ્રમાણે વિભક્તિનો પ્રત્યય લાગતો હોય છે. તો એ શબ્દો કયા પ્રકારના હોય છે? એમનું વર્ગીકરણ કરી શકાય ખરું?

તમે શાળામાં આ પ્રશ્ન ભણી ચૂક્યા છો. એ પણ parts of speechના નામે. હું એ જ વાત કરવાનો છું પણ શાળાની રીતે નહીં. ભાષાશાસ્ત્રની રીતે.

 

 

4 thoughts on “ભાષાને શું વળગે ભૂર:૫ (બાબુ સુથાર)

  1. વાહ સર, કેટલી રસાળ શૈલી વળી એટલી જ સહજ અને સરળ પણ… મોતી વખાણું કે મરજીવા, જે ડૂબ્યા જ્ઞાન દરિયે !!

    Liked by 1 person

  2. “શાળાની રીતે નહીં. ભાષાશાસ્ત્રની રીતે.” સમજાવ્યું અને તે પણ સરળ શૈલીમાં.
    માનન્ય બાબુ સાહેબ અને માનન્ય દાવડા સાહેબ , ખૂબ -ખૂબ અભાર

    Liked by 1 person

  3. ‘ચિત્ત અતંર્ગત શબ્દકોશ’ અંગે સરળ સ રસ શૈલીમા સમજાવવા બદલ મા. બાબુજીને ધન્યવાદ સાથે અમારા વિચાર વમળે-મહાન પત્રકાર એમ્બ્રોસ બિયર્સે વર્ષ ૧૯૧૧માં ૧૦૦૦ શબ્દોની વ્યંગ વ્યાખ્યા શબ્દકોશ સ્વરૂપે રજૂ કરી. એ પૈકી કેટલાંક શબ્દો અમારા ચિ શબ્દ થયા જેવાકે
    ઈમેજિનેશ: હકીકતોનું ગોદામ જેની સહિયારી માલિકી કવિઓ અને જૂઠ્ઠાબોલાં લોકોની હોય
    પોલાયિટનેસન : સર્વમાન્ય ઢોંગ, દંભ કે મિથ્યાચાર
    ત્યારે છીછરું ઈ-મીડિયા પત્રકારિત્વ ના અર્થઘટનમાં ચૂંટિયો ભર્યો હોય એવા આ શૈતાનનાં શબ્દકોશ નો ચિ શબ્દ મૌતકા બાથટબ-વીતેલાં વર્ષોની પ્રખ્યાત અભિનેત્રી આકસ્મિક મૃત્યુ પામે ત્યારે ટીઆરપી માટે તડપતાં ટીવી સમાચાર માઝા મુકે છે. બાથટબમાં કોઈ કઈ રીતે ડૂબે? એમ કહીને ટીવી એન્કર પોતે બાથટબમાં ડૂબવાની કોશિશ કરે એ તો હદ થઇ ગઈ !

    Like

  4. બાબુભાઈ ની આ લેખમાળા આપણા સહજ રીતે બોલાતાં શબ્દો-વાકયો અને બોલીને પણ વિચાર સાથે જોડીને જ્ઞાન તરફ લઇ જાય છે.

    Liked by 1 person

પ્રતિભાવ