ભાષાને શું વળગે ભૂર: ૮ (બાબુ સુથાર)


ગુજરાતીમાં વચન

જેમ દરેક ગુજરાતી નામ કાં તો પુલ્લિંગ હોય, કાં તો સ્ત્રીલિંગ હોય કાં તો નપુસંકલિંગ હોય એમ દરેક ગુજરાતી નામ કાં તો એકવચન હોય કાં તો બહુવચન હોય.

ગુજરાતીમાં બે વચન છે: એકવચન અને બહુવચન. એકવચન હંમેશાં unmarked હોય છે. એટલે કે એકવચન વ્યક્ત કરવા માટે આપણે કોઈ વિશેષ પ્રત્યય વાપરતા નથી. બહુવચન મોટે ભાગે marked હોય છે. એ માટે આપણે -ઓ વાપરીએ છીએ. જો કે, ‘ઘઉં’ જેવાં કેટલાંક નામોમાં બહુવચન પણ unmarked હોય છે. એટલે કે એમાં -ઓ વાપર્યા વિના પણ આપણે બહુવચનનો ભાવ વ્યક્ત કરતા હોઈએ છીએ. જો કે, એવા શબ્દોનું એકવચન ભાગ્યે જ થતું હોય છે.

આપણે જાણીએ છીએ એમ સંસ્કૃતમાં ત્રણ વચન છે. એકવચન, દ્વિવચન અને બહુવચન. કાળક્રમે એ વ્યવસ્થા બદલાતાં ગુજરાતીમાં અને બીજી ભારતીય-આર્ય ભાષાઓમાં પણ એકવચન અને બહુવચન એમ બે જ વચનની વ્યવસ્થા વિકસી. આ વિકાસનો ઇતિહાસ આપણને છૂટાંછવાયાં લખા઼ણોમાં મળી રહે ખરો. પણ, અહીં આપણે નક્કી કર્યું છે એમ ગુજરાતી ભાષાના ઇતિહાસમાં નહીં જઈએ. એક તો એ ખૂબ જ સંકુલ વિષય છે અને બીજું એ વિષય પર કેવળ એ વિષયના નિષ્ણાતો જ કંઈક કહી શકે. અત્યારે આપણા ત્યાં એવા કોઈ નિષ્ણાતો હોય એવું મને લાગતું નથી.

વચનવ્યવસ્થા આપણે માનીએ છીએ અથવા તો આપણને લાગે છે એટલી સરળ નથી હોતી. છેક ૧૯૨૪માં અમેરિકન ભાષાશાસ્ત્રી જેસ્પર્સને કહેલું કે વચનવ્યવસ્થા બે વત્તા બે બરાબર ચાર જેટલી સરળ નથી હોતી. એની સાથે અનેક તર્કશાસ્ત્રીય અને ભાષાશાસ્ત્રીય સમસ્યાઓ જોડાયેલી હોય છે. આ જ વાત લાયોન્સ નામના ભાષાશાસ્ત્રીએ પણ કરેલી. એમણે પણ ૧૯૬૮માં કહેલું કે કોઈ એક ભાષાની વચનવ્યવસ્થાનો અભ્યાસ કરવા બેસીએ ત્યારે આપણને ખબર પડે કે એ વ્યવસ્થા કેટલી સંકુલ છે.

મેં મારા શોધનિબંધના ભાગ રૂપે ગુજરાતી વચનવ્યવસ્થાનો ઠીક ઠીક અભ્યાસ કર્યો છે. પણ હજી હું વિશ્વાસપૂર્વક કહી શકું એમ નથી કે મને એ વ્યવસ્થા બરાબર સમજાઈ છે. હજી પણ મને એના ઘણા બધા ભાષાશાસ્ત્રીય અને તાર્કીક કોયડા સમજાયા નથી. જો કે, એ કોયડા આમ જુઓ તો વિદ્વાનોનો વિષય છે. સરેરાશ માણસને એની પડી નથી. સરેરાશ માણસ તો ગુજરાતી ભાષાની વચનવ્યવસ્થા આત્મસાત કરે છે અને એને વાપરે પણ છે. એ વ્યવસ્થા વાપરતી વખતે એ ભાગ્યે જ ભૂલ કરતો હોય છે.

ગુજરાતી ભાષા પરનું કે ગુજરાતી વ્યાકરણ પરનું કોઈ પણ પુસ્તક તમે લો. એમાં વચનની વાત કરતી વખતે આટલી વાત કરવામાં આવી હોય છે: ગુજરાતીમાં બે વચન છે. એક એકવચન અને બીજું બહુવચન. બહુવચન -ઓ વડે વ્યક્ત થાય છે. કેટલાંક પુસ્તકો આનાથી આગળ પણ જતાં હોય છે અને કહેતાં હોય છે: ગુજરાતી નામોને વ્યંજનાન્ત અને સ્વરાન્ત એમ બે વર્ગમાં વહેંચી શકાય. વ્યંજનાન્ત નામનું બહુવચન કરવા માટે -ઓ વાપરવો જરૂરી નથી. સ્વરાંત નામ માટે -ઓ વાપરવો ફરજિયાત છે. આપણી એક જ મુશ્કેલી છે. આવાં પુસ્તકો કંઈ કહે પછી આપણે એની ચકાસણી કરતા નથી. એને કારણે જે તે વિષયની કાચી સમજ પાકી સમજ તરીકે વિસ્તરવા લાગતી હોય છે. મને લાગે છે કે આપણે દરેક દાવાને ચકાસવાની ટેવ પાડવાની ખૂબ જરૂર છે.

આપણે આગળ જોયું છે એમ ગુજરાતી નામને વ્યક્તલિંગવાચી અને અવ્યક્તલિંગવાચી એમ બે વર્ગોમાં વહેંચી શકાય અને જ્યારે પણ આપણે એમાંના કોઈ પણ વર્ગના નામનું બહુવચન બનાવવું હોય ત્યારે આપણે એને -ઓ લગાડવો પડે. જેમ કે:

(૧) વ્યક્તલિંગવાચી

એકવચન

બહુવચન

કૂતરો

kutro

Kutra.o

કૂતરી

kutri

kutari.o

કૂતરું

kutrũ

Kurta.o

તમે અહીં એક વાત નોંધી હશે. ‘કૂતરો’ અને ‘કૂતરું’ નામોનું બહુવચન કરીએ છીએ ત્યારે અન્ત્ય -ઓ અને -ઉં ના અનુક્રમે -આ અને -આં થઈ જાય છે. ગુજરાતી ભાષા પરનાં ઘણાં પુસ્તકો એમ કહે છે કે ગુજરાતીમાં -આ/-ઓ તથા -આં/-ઓ એમ બે બહુવચનના પ્રત્યયો છે અને એ વિકલ્પે વપરાય છે. પણ એ નિરીક્ષણ સ્વીકારી શકાય એવું નથી. કેમ કે, આવા વિકલ્પો કેવળ પુલ્લિંગ અને નલુસંકલિંગ માટે જ હોય અને સ્ત્રીલિંગ માટે ન હોય એવી દલીલ બહુ નબળી લાગે. એ જ રીતે, આવા વિકલ્પો કેવળ વ્યક્તલિંગવાચી નામમાં જ હોય અને અવ્યક્તમાં ન હોય એવી દલીલ પણ નબળી સાબિત થાય. જેમ કે, આપણે ‘ચરણ’નું ‘ચરણો’ કરીએ પણ ‘ચરણા’ નથી કરતા. બાકી તો ‘ચરણ’ પણ પુલ્લિંગ જ છે. એનો અર્થ એ થયો કે -આ/-ઓ અને -આં/ઓ વિકલ્પો છે એવી દલીલ અશાસ્ત્રીય છે.

       જો એમ હોય તો પ્રશ્ન એ થાય કે તો પછી -આ/ઓ અને -આં/-ઓ વિકલ્પે વપરાય તો છે જ. તો એનો ખુલાસો કઈ રીતે આપશો? સૌ પહેલાં આપણે ‘કૂતરો’ અને ‘કૂતરું’ના અનુક્રમે ‘કૂતરા’ અને ‘કૂતરાં’ કઈ રીતે થયાં એ સમજીએ. આપણે આ ઉદાહરણોને બરાબર સમજવા માટે ફરી એમને ફરી એક વાર IPAમાં મૂકીશું.

(૧)   કૂતરો        kutro        kutro.o

(૨)   કૂતરું         kutrũ        kutrũ.o

જરાક ધ્યાનથીન જોશો તો તમને દેખાશે કે ‘કૂતરો’માં છેલ્લે -o આવે છે અને કૂતરું’માં છેલ્લે -ũ આવે છે. આ -o અને -ũ બન્ને પૃષ્ઠસ્વર છે. એટલે કે બન્નેમાં ઘણું બધું સરખાપણું છે. હવે જો આપણે -oને -o લગાડીએ તો -oo થાય. એ જ રીતે જો -ũ ને -o લગાડીએ તો -ũo થાય. આ બન્ને ઉદાહરણોમાં બન્ને ધ્વનિઓ એકસમાન બની જાય. ગુજરાતી ભાષામાં જ્યારે પણ આવી પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે કાં તો બન્ને સ્વરો એકબની જાય, કાં તો બન્નેમાંનો એક બીજાથી જુદો બની જાય. કલ્પના કરો કે બે પાડોશીઓ એક જ જ્ઞાતિના છે. એ બે કાં તો એક થઈ જશે, કાં તો એક બીજા કરતાં જુદો દેખાવાનો પ્રયાસ કરશે. આવું બનતું હોય છે. તમને જો યાદ હોય તો ‘ગાડી’ શબ્દ લો. એક જમાનામાં કેવળ શ્રીમંત માણસો ‘મારી એમ્બેસેડર’ કે મારી ‘ફિયાટ’ એવું બહુ ઓછું બોલતા. એને બદલે એ લોકો ‘ગાડી’ શબ્દ બોલતા. પછી સમાજના મધ્યમ વર્ગે ‘ગાડી’ શબ્દ મોટરસાયકલ અને સ્કુટર માટે અને ક્યારેક તો સાયકલ માટે પણ વાપરવા માંડ્યો. ત્યારે પેલા ઉપલા સમાજે ‘ગાડી’ શબ્દ લગભગ પડતો મૂક્યો. એને બદલે એ સમાજના લોકો બ્રાન્ડ નેઈમ વાપરતા થયા. જેમ કે, ‘મારી મારુતિ’, કે ‘મારી હુન્ડાઈ’. લગભગ આવું જ કંઈક અહીં પણ બન્યું. એથી -o અને -ũના અનુક્રમે -a અને -ã બન્યા અને પછી એમને બહુવચનનો પ્રત્યય -o લાગ્યો.

       પણ પછી -o ઐતિહાસક કારણોસર એ -o કેટલીક જગ્યાએ અનાવશ્યક બની ગયો. આપણે એ કારણોમાં પડવું નથી. કેમ કે એ પણ એક શાસ્ત્રીય મુદ્દો છે.

અવ્યક્તલિંગવાચી નામનું બહુવચન આમ જુઓ તો ખૂબ સરળ છે. બસ, -ઓ લગાડો એટલે બહુવચન થઈ જાય. જેમ કે:

(૨) અવ્યક્તલિંગવાચી

એકવચન

બહુવચન

ગ્રંથ

grantʰ

grantʰ.o

સડક

səɖək

səɖək.o

પુસ્તક

pustək

pustək.o

અહીં કોઈ મુશ્કેલી દેખાતી નથી. પણ, આ પ્રક્રિયા પણ આપણને લાગે છે એટલી સરળ તો નથી જ. આપણામાંના ઘણાને આપણા ગુજરાતી ભાષાના શિક્ષકની એક સલાહ યાદ હશે: વ્યંજનાન્ત નામને બહુવચન લગાડવાની જરૂર નથી. એથી જ તો: (અ) ‘મારી પાસે મહાભારતના અઢાર ગ્રંથ છે’, (બ) ‘સરકારે અમારા ગામમાં બે સડક બાંધી’, અને (ક) ‘મારી પાસે ચાર પુસ્તક છે જેવાં વાક્યો ખોટાં નથી.’ કેમ કે એમાં બહુવચન અનુક્રમે ‘અઢાર’, ‘બે’ અને ‘ચાર’ જેવા શબ્દો વડે વ્યક્ત થઈ જાય છે. એનો અર્થ એ થયો કે જો બહુવચનનો ભાવ બીજી કોઈક વ્યવસ્થા વડે વ્યક્ત થતો હોય તો અવ્યક્તલિંગવાચી નામોને બહુવચનનો -ઓ લગાડવાની જરૂર નથી.

       પણ, આ વિધાન પણ તદ્દન સાચું નથી. એવું જ એક બીજું વિધાન પણ. ગુજરાતી ભાષા પરનાં મોટા ભાગનાં પુસ્તકો કહે છે કે વ્યક્તલિંગવાચી પુલ્લિંગ અને નપુસંકલિંગ નામોનું બહુવચન કરવા -a/-o અને -ã/-o  વિકલ્પે વાપરી શકાય. પણ, શું ખરેખર એવું છે ખરું?

હું માનું છું કે અમુક પરિસ્થિતિમાં આપણે ફરજિયાત -o વાપરવો પડે. એ પરિસ્થિતિ કંઈક આવી છે: જો આપણે બહુવચનનો અર્થ વ્યક્ત કરવા માગતા હોઈએ અને જો એ નામને વ્યક્ત વિભક્તિનો પ્રત્યય લાગતો હોય તો આપણે ફરજિયાત -o વાપરવો પડે. દાખલા તરીકે આ વાક્યો જુઓ.

(૩) છોકરાએ કેરીઓ કાપી.

અહીં, ‘છોકરો’ શબ્દને -એ લાગ્યો પછી ‘છોકરો’ ‘છોકરા’ બન્યો. પણ, આ ‘છોકરા’ શબ્દને બહુવચન સાથે નાવાધોવાનો પણ સબંધ નથી. આ વિશે આપણે હવે પછીના પ્રકરણમાં વિસ્તારથીબ વાત કરીશું. એટલે જો અહીં આપણે ‘છોકરો’ શબ્દ બહુવચનમાં વાપરવો હશે તો આપણે ફરજિયાત ‘છોકરાઓ’ શબ્દ વાપરવો પડશે. એથી આખું વાક્ય આમ થશે:

     (૪) છોકરાઓએ કેરીઓ કાપી.

આ જ દલીલ અવ્યક્તલિંગવાચી નામોને પણ લાગુ પડે. દાખલા તરીકે આ વાક્ય જુઓ. આ વાક્ય કુદરતી લાગે એટલા માટે મેં માની લીધું છે કે એ એક પરીકથાનું છે:

(૫) પછી ચારેય ફૂલે બાળકને વાર્તા કહી.

મારી દૃષ્ટિએ આ વાક્ય ખોટું છે. ‘ફૂલે’ને બદલે ‘ફૂલોએ’ આવવું જોઈએ. કેમ કે આપણે ‘ફૂલો’ કહેવા માગીએ છીએ અને ‘ફૂલો’ને પાછો વિભક્તિનો -એ પત્યય લાગે છે. એથી આ વાક્ય આમ હોવું જોઈએ:

       (૬) પછી ચારેય ફૂલોએ બાળકને વાર્તા કહી

આપણામાંના ઘણાને લાગશે કે આ તો બધી પંડિતોની વાતો છે. વાત સાચી છે. પણ, એમાં થોડુંક ઉમેરણ કરવાનું. આવી ભૂલો નિરક્ષરો કરતાં અક્ષરજ્ઞાનીઓ વધારે કરતા હોય છે. નિરક્ષરો આવી ભૂલો નથી કરતા.

       હજી ગુજરાતી ભાષામાં વચનવ્યવસ્થા કઈ રીતે કામ કરે છે એ મુદ્દો તો બાકી છે. આપણે એ મુદ્દાની ચર્ચા કરવાના નથી. કેમ કે આપણો ધ્યેય અત્યારે તો ગુજરાતી ભાષાના શબ્દોનું વ્યાકરણમૂલક વર્ગીકરણ કરવાનું છે. એના જ એક ભાગ રૂપે આપણે અત્યારે નામની ચર્ચા કરી રહ્યા છીએ. આપણે જોયું કે નામને વ્યક્ત/અવ્યક્ત લિંગ હોય. જો વ્યક્ત હોય તો -ઓ પુલ્લિંગ માટે, -ઈ સ્ત્રીલિંગ માટે અને -ઉં નપુસંકલિંગ માટે વપરાય. આપણે એ પણ જોયું કે નામ કાં તો એકવચન હોય, કાં તો બહુવચન. એકવચન unmarked હોય છે. એટલે કે એકવચન વ્યક્ત કરવા માટે નામને કોઈ પ્રત્યય લાગતો નથી. પણ, બહુવચન વ્યક્ત કરવા માટે -ઓ લગાડવો પડતો હોય છે. જેમ કે, પોપટ/પોપટો; છોકરી/છોકરીઓ. જો કે, કેટલાંક બહુવચન પણ unmarked હોય છે. જેમ કે, ઘઉં.

હવે પછીના પ્રકરણમાં આપણે ગુજરાતી નામના એક મહત્વના લક્ષણની વાત કરીશું. નામોને વિભક્તનો પ્રત્યય લાગે. એ પ્રત્યય પણ ક્યારેક શૂન્ય હોઈ શકે.

2 thoughts on “ભાષાને શું વળગે ભૂર: ૮ (બાબુ સુથાર)

  1. મા બાબુભાઇના સહજ ,સરળ અને સ રસ માર્ગદર્શનથી ૭૦ વર્ષ ઉપરાંતનો સમય યાદ આવે છે!
    વિવાહ-સંસ્કાર સમયે પતિ અને પત્ની એક બીજાને વચન બદ્ધ થાય છે.દર વર્ષે પોતાના જીવન સાથીને આ વચનો આપતા-લેતા રહી યાદ દેવડાવતા રહીએ અને પોતાની ફરજો પ્રત્યે સભાનતા કેળવીએ. તે રીતે વાક્યરચનામા વચનવ્યવસ્થા અગત્યની છે
    વાકયરચનમાં કયારેક એકવચનનું રૂપ બહુવચન
    તરીખે ચલાવવામાં આવે છે.ઝાડ નુ બહુવચન ઝાડો રુચીકર નથી તેમજ..ભરવાડે બધી ગાય આપી દીધી.
    કેટલીક સંજ્ઞાઓ એકવચન માં જ વપરાય છે.
    પાણી,ઘી,ખાંડ,સ્નેહ,ગુસ્સો
    કેટલીક સંજ્ઞાઓ બહુવચન માં જ વપરાય છે. ઊંટ,મગ,અનાજ,તલ,

    Like

  2. કેટલાક શબ્દોનું બહુવચન block થઈ જતું હોય છે. ભાષાશાસ્ત્રમાં એને blocking તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આપણે ‘ઝાડ’નું બહુવચન ‘ઝાડો’ કરીએ ત્યારે એ ‘ઝાડો’ બ્લોક થઈ જાય છે. કેમ કે એવો બીજો શબ્દ આપણી પાસે છે જે. એમ છતાં, “મેં બધાં ઝાડોને વારાફરતી કાપી નાખ્યાં”માં ‘ઝાડો’ આપણને નહીં નડે. Blocking સંશોધનનો વિષય છે. બીજી ભાષાઓમાં એ વિષય પર ઘણું કામ થયું છે. ગુજરાતીમાં નથી થયું.

    Liked by 1 person

પ્રતિભાવ