ભાષાને શું વળગે ભૂર: ૯ (બાબુ સુથાર)


ચાબા, બારણુંફારણું વગેરે વગેરે

આજે કૉમ્પ્યુટર બગડ્યું હોવાથી અગાઉના પ્રકરણમાં કહેલું એમ ગુજરાતીમાં વિભક્તિ વ્યવસ્થા પરનું પ્રકરણ લખી શકાયું નથી. કેમ કે મારી બધી જ સામગ્રી એ કૉમ્પ્યુટર પર પડી છે. એમ હોવાથી આ પ્રકરણમાં હું ગુજરાતી ભાષાની એક ખૂબ જ મહત્ત્વની કહી શકાય એવી એક વ્યવસ્થાની વાત કરવા માગું છું.

          આપણે બધાંએ આવું વાક્ય સાંભળ્યું હશે: “બેસોને, ચાબા પીતા જાઓને.” સવાલ એ છે કે આ ‘ચાબા’ શું છે? ભાષાશાસ્ત્રીઓ એને echo-words કહે છે. ઊર્મિ દેસાઈએ આ પ્રકારના શબ્દોને પ્રતિધ્વનિ શબ્દો જેવું નામ આપ્યું છે. એટલું જ નહીં, એમણે આ પ્રકારના શબ્દો પર કામ પણ કર્યું છે. મસીકા નામના ભાષાશાસ્ત્રીએ આ પ્રકારના, પણ કેવળ આ એકલા જ નહીં, શબ્દો માટે expressive formation શબ્દો વાપર્યા છે. એ કહે છે કે આ તો ભારતીય-આર્ય ભાષાઓની સર્જકતા છે. હું પણ જ્યારે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં ગુજરાતી ભાષા ભણાવતો હતો ત્યારે મારા વિદ્યાર્થીઓને કહેતો કે તમને આ સર્જકતા આત્મસાત થાય તો જ તમને ગુજરાતી ભાષા આવડી છે એમ કહી શકાય. કોઈ પણ ગુજરાતી ભાષક હોય, એ ‘ચાબા’, ‘ટેબલબેબલ’ જેવા શબ્દો સરળતાથી બોલી શકે. ત્યાં સુધી કે એ જ સર્જકતા એ બીજી ભાષામાંથી લાવવામાં આવેલા શબ્દો માટે પણ વાપરે. ‘પીઝાબીઝા’ કે ‘કૉમ્પ્યુટરબૉમ્પ્યુટર’ જેવા શબ્દો શોધવા જવા નહીં પડે.

          સવાલ એ છે કે આપણે આવા શબ્દો કઈ રીતે બનાવીએ છીએ? જો આપણે કોઈને પૂછીએ કે ગુજરાતીમાં આ ‘ચાબા’ જેવો શબ્દો કઈ રીતે બને છે? તો એ તરત જ કહેશે કે “પહેલા અક્ષરની જગ્યાએ ‘બ’ મૂકવાનો.” પણ ખરેખર એવું છે ખરું? દાખલા તરીકે, ‘આકાર’ શબ્દ લો. આપણે એનું ‘આકારબાકાર’ કરીશું. જરા ધ્યાનથી જુઓ તો અહીં આપણે પહેલા અક્ષરની જગ્યાએ ‘બ’ નથી મૂકતા. ચાલો, આપણે આ શબ્દોને IPAમાં મૂકીએ. મૂળ શબ્દ છે: akar. અહીં આપણે a-ની જગ્યાએ બ- નથી મૂકતા. એની પહેલાં મૂકીએ છીએ. જ્યારે ‘ચાબા’માં આપણે ચ-ની જગ્યાએ બ- મૂકીએ છીએ. IPAમાં એ પ્રક્રિયા આ રીતે સમજાવી શકાય. મૂળ શબ્દ ca અને પ્રતિધ્વનિ શબ્દ ba. બન્નેને ભેગા કરતાં caba.

          એનો અર્થ એ થયો કે આ પ્રક્રિયા પણ આપણને સપાટી પરથી લાગે છે એટલી સરળ નથી. જો કે, કોઈક એમ કહી શકે કે જ્યારે સ્વરથી શરૂ થતો શબ્દ હોય ત્યારે એની પહેલાં બ્-મૂકવો અને વ્યંજનથી શરૂ થતો શબ્દ હોય તો વ્યંજનની જગ્યાએ બ્- મૂકવો. આ નિયમ સાચો છે પણ ભાષાશાસ્ત્રીઓને પ્રશ્ન એ થશે કે આનું કોઈ સામાન્યીકરણ કરી શકાય ખરું? કેમ કે ભાષાશાસ્ત્ર, એક શાસ્ત્ર છે અને શાસ્ત્રમાં નિયમો ગણિતની ભાષામાં મૂકવા જોઈએ.

          પણ, તમે કદી વિચાર્યું છે ખરું કે માનો કે કોઈ શબ્દ બ્-થી શરૂ થતો હોય તો શું તમે ત્યારે પણ એ શબ્દનો પ્રતિધ્વનિ શબ્દ બનાવવા બ્- જ વાપરશો? દાખલા તરીકે, ‘બાપુ’ શબ્દનો પ્રતિધ્વનિ શબ્દ બનાવવો હોય તો શું તમે ‘બાપુબાપુ’ કરશો ખરા? હું નથી માનતો કે તમે એમ કરશો. કેમ કે એનાથી જે શબ્દ બનશે એ તો મૂળ શબ્દની નકલ માત્ર હશે. તમે વિચાર કરો. ‘બળદ’, ‘બગલું’, ‘બાળક’, ‘બાર’, ‘બારણું’ શબ્દોના પ્રતિધ્વનિ શબ્દો કયા બનાવશો? મને લાગે છે કે આપણે બધા જ એ શબ્દોના અનુક્રમે ‘બળદફળદ’, ‘બગલુંફગલું’, ‘બારફાર’, ‘બાળકફાળક’, ‘બારણુંફારણું’ શબ્દો બનાવીશું. એનો અર્થ એ થયો કે “જો શબ્દ વ્યંજનથી શરૂ થતો હોય તો વ્યંજનની જગ્યાએ બ્- અને સ્વરથી શરૂ થતો હોય તો સ્વર પહેલાં બ્- મૂકવો” વાળો નિયમ હવે આપણને અપૂર્ણ લાગશે. કેમ કે એ નિયમ, ‘બારણુંફારણું’ જેવા શબ્દોને ન્યાય નહીં કરી શકે. એટલે આપણે એ નિયમ બદલવો પડશે. આપણે હવે એમ કહેવું પડશે કે “જો મૂળ શબ્દનો પહેલો અક્ષર બ્- અને સ્વર સિવાયનો હોય તો પ્રતિધ્વનિ શબ્દમાં પહેલા અક્ષરની જગ્યાએ બ્- મૂકવો; જો મૂળ શબ્દ સ્વરથી શરૂ થતો હોય તો સ્વર પહેલાં બ્- મૂકવો અને જો મૂળ શબ્દ બ્-થી શરૂ થતો હોય તો એના પ્રતિધ્વનિ શબ્દમાં બ્-ની જગ્યાએ ફ્- મૂકવો.” મારા જેવો માથા ફરેલ ભાષાશાસ્ત્રી આવો નિયમ વાંચીને તરત જ બરાડશે: તમે નિયમ લખી રહ્યા છો કે નિબંધ? ખેર, ગુજરાતી ભાષામાં પ્રતિધ્વનિ શબ્દો યુગોથી વપરાય છે પણ કોઈએ એના નિયમોને આકાર આપવાનો પ્રયાસ નથી કર્યોં. તો પણ લોકો એ શબ્દ બોલવામાં ભૂલ તો નથી કરતા.

          પણ, આટલું ય પૂરતું નથી. તમે તમારા ઘરના સભ્યોને પૂછજો: ‘આકાર’નો પ્રતિધ્વનિ ‘બાકાર’ થાય કે ‘ફાકાર’? એટલે કે ‘આકારબાકાર’ બોલાય કે ‘આકારફાકાર’. મને ખાતરી છે કે એકબે સભ્યો તો અવશ્ય માથું ખંજવાળશે અને કહેશે કે “બન્ને ચાલે.” હું પણ એમ જ માનું છું.

          પણ હવે પ્રશ્ન એ ઊભો થાય કે જો બન્ને ચાલે તો આપણે પેલા લાંબાલચાક નિયમમાં પણ સુધારો કરવો પડશે. આપણે આમ કહેવયું પડશે: “જો મૂળ શબ્દનો પહેલો અક્ષર બ્- અને સ્વર સિવાયનો હોય તો પ્રતિધ્વનિ શબ્દમાં પહેલા અક્ષરની જગ્યાએ બ્- મૂકવો; જો મૂળ શબ્દ સ્વરથી શરૂ થતો હોય તો સ્વર પહેલાં બ્-/ફ- મૂકવો અને જો મૂળ શબ્દ બ્-થી શરૂ થતો હોય તો એના પ્રતિધ્વનિ શબ્દમાં બ્-ની જગ્યાએ ફ્- મૂકવો.”

          આ નિયમ તદ્દન સાચો છે. જો એનો કોઈ વાંક હોય તો એટલો જ કે એ વધારે પડતો લાંબો છે. ગુજરાતી બાળક જ્યારે પ્રતિધ્વનિ શબ્દો શીખે ત્યારે આટલો લાંબો નિયમ આત્મસાત નહીં કરે. આ નિયમ પ્રાથમિક કે માધ્યમિક શાળામાં ગુજરાતી ભાષા ભણાવવા માટે પૂરતો છે. એટલે આપણે આ નિયમને શાસ્ત્રીય ભાષામાં મૂકવાનો પ્રયાસ કરવો જોઈએ. એ કામ હું નહીં કરું. એટલા માટે કે એ કામ કરવા માટે ઘણી બધી શાસ્ત્રીય ભૂમિકા જોઈએ. એમ છતાં હું એ દિશામાં જવાનો એક પ્રયાસ તો કરવા માગું જ છું. કેમ કે આ લેખમાળાનો આશય વાચકોને ભાષા વિશે ચર્ચા કરતા કરવાનો છે.

          ચાલો આપણે ઉપરનો નિયમ ફરી એક વાર વાંચીએ. એમાં આવતો ‘અક્ષર’ શબ્દ તમને કદાચ નહીં ખૂંચતો હોય. મને ખૂંચે છે. કેમ કે, ગુજરાતીમાં ‘અક્ષર’ના ઘણા અર્થ થાય છે. એક અર્થ તે ‘letter’ અને બીજો તે ‘syllable’. આ ઉપરાંત પણ બીજા અર્થ છે. પણ ભાષા સાથે આટલા નિયમો સંકળાયેલા છે.

          હવે તમે એક વાત જરા ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરો. જો અહીં આપણે ‘અક્ષર’નો અર્થ ‘letter’ કરીએ તો એનો અર્થ એ થયો કે આપણો નિયમ લેખિત ભાષા પર આધારિત છે. બાળકો સમાજ પાસેથી લેખિત ભાષા નથી શીખતાં. એ પ્રકારની ભાષા તો એ મોટે ભાગે તો શાળામાં શીખે છે. એનો એક અર્થ એ કરાય કે એ નિયમ સાચો છે પણ એના સૂચિતાર્થો અશાસ્ત્રીય છે. જો આ નિયમનો આપણે સ્વીકાર કરીએ તો આપણે એ વાતનો પણ સ્વીકાર કરવો પડશે કે કેવળ અક્ષરજ્ઞાન પામેલા માણસો જ પ્રતિધ્વનિ શબ્દો વાપરી શકે. કેમ કે એમને જ ‘અક્ષર’ (letterના અર્થમાં) શું છે એ ખબર હોય.

          એ જ રીતે, જો એનો syllable અર્થ કરીએ તો પણ એ નિયમ સ્વીકારવામાં મુશ્કેલી ઊભી થાય. આપણે જ્યારે syllableની વાત કરીએ ત્યારે ‘પહેલો અક્ષર’ જેવા શબ્દો નથી વાપરતા. Syllableની એક પણ એક ચોક્કસ એવી ભાત હોય છે.

          ભાષાશાસ્ત્રીઓ syllableની ભાત આપતાં નીચે પ્રકારની વૃક્ષાકૃતિ આપે છે. જો કે, આ વૃક્ષનાં મૂળ, યોગાનુયોગ, આકાશમાં છે. પણ, હું એમાં ધર્મના સંકેતો નહીં વાંચું.

આ વૃક્ષાકૃતિ પ્રમાણે કોઈ પણ syllableને આટલી ડાળીઓ હોય. સૌ પહેલી બે ડાળીઓ: onset અને rhyme. પછી rhymeને વલી બે ડાળીઓ: nucleus અને coda.

          હવે આપણે ‘ચા’ શબ્દ લઈએ. એના onsetમાં ચ્-, અને nucleusમાં -આ. હું એનું ચિત્ર નથી દોરતો. કેમ કે એવાં ચિત્ર મૂકવાનું કામ અહીં અઘરું પડી જાય. એ જ રીતે, તમે ‘આકાર’ શબ્દ જુઓ. એમાં બે syllables છે. એક તે ‘આ-‘ અને બીજો ‘કાર’. ‘આ-’ને onset નથી, nucleus છે. બીજી વિગતો હું અહીં જાણીજોઈને ટાળું છું. હવે આપણે એવું કહી શકીએ ખરા કે “મૂળ શબ્દના onsetમાં બ્- સિવાયનો વ્યંજન હોય તો પ્રતિધ્વનિ શબ્દમાં બ્- મૂકવો, જો બ્- હોય તો એની જગ્યાએ ફ્- મૂકવો અને જો ત્યાં કંઈ પણ ન હોય તો એની જગ્યાએ બ્-/ફ્- મૂકવો. મને લાગે છે કે આ નિયમ પેલા નિયમ કરતાં વધારે શાસ્ત્રીય છે. કેમ કે ગુજરાતી ભાષાસમાજમાં જન્મેલું બાળક જ્યારે ભાષા આત્મસાત કરતું હોય છે ત્યારે એ syllablesની વ્યવસ્થા પણ, અલબત્ત અભાનપણે, શીખતું હોય છે. એણે ‘ચા’નું ‘ચાબા’ કરવા માટે ગુજરાતી ભાષાની લેખનવ્યવસ્થા શીખવાની જરૂર પડતી નથી.

          આમ તો આ ‘ચાબા’ પ્રકરણ અહીં જ પૂરું થયેલું ગણાય. પણ, ના. હજી બે પ્રશ્નો બાકી રહે છે અને એ બે પ્રશ્નોના કારણે જ આ ‘ચાબા’ પીએચડીનો વિષય બને છે. એમાંનો એક પ્રશ્ન છે: શું બધા જ શબ્દોના પ્રતિધ્વનિ શબ્દો બનાવી શકાય ખરા? મારો જવાબ છે: ના. દાખલા તરીકે, “તમે ચાબા પીશો?”માં “તમેબમે ચા પીશો?” નહીં કહેવાય. એ જ રીતે, “તમે ચા પીશોબીશો” નહીં કહેવાય. એ જ રીતે, “રમેશ જ આવશે”માં “રમેશ જબ આવશે” એવું નહીં કહી શકાય. “હું આવું છું”માં “હુંબું આવું છું” કે “હું આવુંબાવું છું” નહીં કહી શકાય. બરાબર એમ જ એક જ વાક્યમાં બે પ્રતિધ્વનિ શબ્દો વાપરતાં પહેલાં વિચાર કરવો પડે. જેમ કે, “તમેબમે ચાબા પીશો?” નહીં ચાલે. જો કે, આ એક અલગ તપાસનો વિષય છે. એ જ રીતે, compound નામનું પ્રતિધ્વનિ કઈ રીતે થાય છે એ પણ જોવું પડે. “ભાઈબહેન”નું “ભાઈબહેનબાઈબહેન” સ્વીકારાય. પણ, “ભાઈબાઈબહેનફહેન” નહીં સ્વીકારાય. હકીકતમાં તો આ પરિસ્થિતિ ગુજરાતી શબ્દોની સીમા નક્કી કરવા માટે પણ ખપમાં લઈ શકાય. પણ એ એક અલગ મુદ્દો છે.

          અને બીજો પ્રશ્ન તે અર્થનો. માનો કે તમે મહેમાનને પૂછો છો કે “તમે ચાબા પીશો” અને મહેમાન કહે કે “ના, બિયર ચાલશે” અથવા તો “થોડું ઝેર મળશે કે?” તો એ સંવાદ સ્વીકારાશે નહીં. સંવાદની પણ કેટલીક શરતો હોય છે. એ વિશે પણ ક્યારેક વાત કરીશું. પણ જો મહેમાન એમ કહે કે “કૉફી ચાલશે” અથવા તો “લીંબું શરબત ચાલશે.” તો એ સંવાદ સ્વીકાર્ય બનશે.

          આવા જ કેટલાક પ્રશ્નો અર્થના સંદર્ભમાં પણ પૂછી શકાય. ‘ચાબા’ કદાચ વિકલ્પ આપે છે, પણ “વાસણબાસણ ઘસ્યાં કે?”માં પૂછનાર વિકલ્પ નથી આપતો.

          આશા રાખું છું કે હવે પછી તમે ‘ચાબા’ જેવો કોઈક શબ્દ બોલશો ત્યારે આ લેખ અવશ્ય યાદ કરશો.

4 thoughts on “ભાષાને શું વળગે ભૂર: ૯ (બાબુ સુથાર)

  1. 1 ક્યારેક ચીડ કે તિરસ્કાર વ્યક્ત કરવા માટે બ ને બદલે ફ બોલાય છે : ચાફા શું પીવી યાર, બિયર જ લાવો ને!, આપણને તમારા સાહિત્યફાહિત્યમાં રસ ન પડે.
    2 આ પ્રતિધ્વનિ દ્વંદ્વ સમાસ થશે ને? લુપ્ત પદ અને હોય તો સમાહાર — વાસણબાસણ; લુપ્ત પદ કે હોય તો વિકલ્પવાચક — ચાબા.
    3 આ બ જ કેમ હશે, ને વિકલ્પે ફ જ કેમ ( અલ્પપ્રાણ બ સામે મહાપ્રાણ ભ કે ઘોષ બ સામે અઘોષ પ કેમ નહીં) — એનો તર્ક વિચારી જુઓ ને.
    મરાઠીમાં બી છે : શાકબીક, ગેસ્ટબીસ્ટ.
    એક જોક છે : એક મરાઠી મિત્ર પોતાની ભાષાને ચડિયાતી ગણાવતો હતો. ગુજરાતી મિત્ર કહે, હવે રહેવ દે ને! અમે ગેસ્ટને બેસ્ટ કહીએ છીએ, તમે તો બીસ્ટ કહો છો …

    Liked by 2 people

  2. ‘ ‘ચાબા’ જેવો કોઈક શબ્દ બોલશો ત્યારે આ લેખ અવશ્ય યાદ કરશો.’
    આપણે ભલેને ઉચ્ચ શિક્ષિત હોઈએ, અંગ્રેજી માધ્યમમાં ભણ્યા હોઈએ છતાં બોલીના પ્રયોગો આપણને બહુ ગમે છે, એની મજા જ જુદી છે. બોલી બોલીએ તો જાણે મોં ભરાઈ ગયું હોય એવો અહેસાસ થાય. ચીપી ચીપીને ગુજરાતી બોલનારા ‘ચાબા’ લોકો કરતાં બોલી બોલનારા ‘સાદા’ લોકો આપણા મન પર ઉંડી છાપ છોડી જતા હોય છે.
    ચાબા વાવાઝોડુ ફુકાયુ.
    સુસ્તી, ચક્કર, હાયપોટેન્શન અને આડઅસરો કારણ કે માથાનો દુખાવો અનુભવો ચાબા દવા ખાવાથી તો, તો વાહન ચલાવવું કે હેવી મશીનરી ચલાવવી સારી નથી.
    ચા નર જાતી છે કે નારી જાતી?..
    રશિયાથી અમેરિકામાં ચાબા- લાવ્યા. બાદમાં તેમને તેમના જમાઈ, રબ્બી મેનાચેમ મેન્ડેલ સ્નેરસન દ્વારા સફળતા મળી હતી,

    Liked by 1 person

  3. રમણભાઈનાં નિરીક્ષણો રસ પડે એવાં છે. (૧) ચીડ વ્યક્ત કરતો અર્થ કદાચ pragmaticsમાં મૂકી શકાય. વિચારવું પડે. પણ, મૂળ અર્થ કદાચ નથી બદલાતો. વગેરે-વાળો. (૨) આવા શબ્દોને સમાસ કહેવાય કે કેમ એ એક પ્રશ્ન છે. કેમ કે અહીં બે શબ્દો ભેગા થાય છે પણ એમાંનો એક શબ્દ પહેલા શબ્દના આધારે બનાવેલો હોય છે. એ પ્રક્રિયા પણ પાછી predictable. (૩) બ/ફ વાપરવા અંગે કોઈ સિદ્ધાન્ત હોય એમ લાગતું નથી. આવા શબ્દો પર ઘણું સંશોધન થયું છે. મેં જે સંશોધનો જોયાં છે એમાંનું એક પણ આ જ કેમ અને બીજું નહીં એ બાબતનો ખુલાસો આપતું નથી. પણ હવે પછી હું કોઈ સંશોધન વાંચીશ ત્યારે આ બાબત ધ્યાન રાખીશ. જો કે, બ/ફ વિકલ્પ વિશે વચારવા જેવું ખરું. બીજી ભાષાઓમાં શું થાય છે એ જોવું પડે.

    Liked by 1 person

  4. પ્રતિધ્વનિ શબ્દ કોણ વાપરેછે?શામાટે એ પ્રશ્ન પછી. આદિવાસી અભણ ના ભાષાકર્મ સંદર્ભમાં શું લાગે છે?

    Like

પ્રતિભાવ